Prem-bhagy books and stories free download online pdf in Gujarati

પ્રેમ-ભાગ્ય

પ્રેમ-ભાગ્ય

યોજનાઓ પ્રેમમાં હોતી નથી,

થાય જે કઈ તે અચાનક હોય છે.

ધૂની માંડલિયા

જ્યારે તમારી કુંડળીમાં પ્રેમ યોગ હોય ત્યારે તમને પ્રેમ કરતા કોઈ બચાવી શકતું નથી. આવું જ કંઈક નિયતિ સાથે થયું.

નિયતિ પોતાના પિતાની એકની એક લાડકી દીકરી હતી. નાનપણથી પિતાનું એક માત્ર સંતાન હોય, તેમના માતા પિતાએ એને બહુ લાડકોડથી મોટી કરી હતી. કોલેજનો એન્જીનીયરીંગ અભ્યાસ હજુ તો પૂર્ણ કર્યો અને ડિગ્રી મેળવી ત્યાં જ તેમના પિતાને તેમના લગ્નની ચિંતા થવા લાગી. નિયતિ તેમના પપ્પા જગદીશભાઈને ખૂબ સમજાવતી કે પોતે હજુ પોતાના પગ ભર થવા માંગે છે, ત્યાર પછી જ પોતે લગ્નનો વિચાર કરશે.

જગદીશભાઈથી એક દિવસ ના રહેવાયું. એ નિયતિના બાયોડેટા લઈને એક જ્યોતિષ પાસે ગયા. જગદીશભાઈ સ્વભાવે ખૂબ જ શાંતિ પ્રિય વ્યક્તિ હતા. એ ક્યારેક જ્યોતિષમાં માનતા ન હતા, પરંતુ આજ અચાનક એને શુ સુજ્યું કે તેનાથી ના રહેવાયું. નિયતિના જન્મતારીખ અને સમયને બધું જ્યોતિષીને આપ્યું. શાસ્ત્રી પણ મનમાં કંઈક મનોમંથન કરી રહ્યા હતા. જગદીશભાઈ જિજ્ઞાસા વશ એમના હાવભાવ જોઇ રહ્યા હતા. થોડા સમય પછી જ્યોતિષ આચાર્ય બોલ્યા "કન્યાને પ્રેમ લગ્ન યોગ છે, કન્યા પ્રેમ લગ્ન કરશે ખરી...!" આટલું સાંભળતાની સાથે જગદીશભાઇના હૃદયમાં એક ધ્રાસકો પડી ગયો. જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ, આંખોમાં અંધારા આવી ગયા શ્વાસની ગતિ વધી ગઈ. જ્યોતિષ આચાર્યએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો. જગદીશભાઈ મૂર્છિત અવસ્થામાં પડ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી અને હોસ્પિટલે લઇ ગયા.

"પપ્પા, શુ જરૂર હતી... મારી કુંડળીમાં મારુ ભાગ્ય જોવાની..? શું તમને મારા પર જરાક જેટલો પણ ભરોસો નથી ?? કે તમે કુંડળીમાં જોઈને મારુ ભાગ્ય નક્કી કરશો..?? પપ્પા તમે આવું કઈ રીતે કરી શકો..!?" નિયતિ રોતા રોતા આટલું માંડ બોલી શકી.

નિયતિના મમ્મી કુસુમબેન પણ ખૂબ જ શાંત સ્વભાવના અને લાગણીશીલ વ્યક્તિ હતા. જગદીશભાઈ હોસ્પિટલના બેડ પર હતા. એક બાજુ નિયતિ અને એક બાજુ કુસુમબેન બેઠા હતા.

"હાર્ટ ઍટેકની તાત્કાલિક સારવાર થઈ એટલે કઇ ખાસ ચિંતા જેવું નથી, પરંતુ સમય લાગશે અને આરામ કરવો પડશે. જો કોઈ પણ જાતનું ટેન્શન હોય તો એમાંથી મુક્ત થવું પડશે.." ડૉક્ટર આટલું બોલી જતા રહ્યા. જગદીશભાઈની ખબર કાઢવા કેટલા બધા લોકો આવી પહોંચ્યા હતા. જગદીશભાઈ પોતે એક શિક્ષક હતા. નિતી નિયમ એ એનો પ્રથમ ધર્મ માનતા.

"મમ્મી, પપ્પા, પ્લીઝ હું તમને પહેલા પણ કહેતી અને આજ પાછું કહું છું કે મારે લગ્ન નથી કરવા. હું તમને મૂકી ક્યારેય પણ જવા નથી માંગતી.." આટલું બોલતાની સાથે જ નિયતિનું હૃદય ભરાય ગયું

"જો બેટા, અમે તને અમારી ચાકરી કરવા માટે મોટી નથી કરી. દીકરા જ્યારે દીકરી મોટી થઈ જાય ને ત્યારે તે સાસરે જ શોભે." નિયતિના મમ્મીએ નિયતિના માથે હાથ ફેરવતા બોલ્યા. "દીકરા, અમને તારા પર પુરો ભરોસો છે, અને બેટા, તું જાણે જ છે કે તારા પપ્પા જુનવાણી સ્વભાવના છે. પણ, જો તને ખરેખર કોઈ છોકરો ગમતો હોય તો તું મને કહી દે, હું તારા પપ્પાને શાંતિથી સમજાવીશ.."

"મોમ, તને ખબર જ છે, હું મારી નાનામાં નાની વાત પણ તારી જોડે શેર કરું છું. મેં આજ સુધી ક્યારેય એ વાતનો વિચાર પણ નથી કરેલો.." નિયતિ એટલું બોલી અટકી. "હું તને અને પપ્પા વચન આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે એ તમે કહેશો ત્યાં જ કરીશ.. પ્રેમનું ભૂત તમારા મગજમાંથી બાર કાઢી નાખજો." નિયતિ થોડો ગુસ્સા સાથે એટલું બોલી અને રૂમની બાર નીકળી ગઈ.

નિયતિ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. ગૌર વર્ણ, ગોળ અને ભરાવદાર ચહેરો, અણીયારી આંખો, થોડા થોડા કર્લી થઈ ગયેલા વાળ, લિપસ્ટિક વગર પણ ગુલાબી લાગતા તેમના હોંઠ, તેના શરીરના વળાંકો કોઈ શિલ્પીએ કંડારેલી મૂર્તિ સમાન હતા. ડ્રેસમાંથી તેમના ઉન્નત ઉરજો અને લચકતી કમરના માદક વળાંકો સ્પષ્ટ જોઈ શકાતા. નિયતિ સ્વભાવે શાંત અને નિખાલસ છોકરી હતી. તે હંમેશા એવું માનતી કે સ્ત્રીની સાચી સુંદરતા વગર મેકઅપની છે. તે મોર્ડન ન હતી, પરંતુ સ્ટાઈલિશ જરૂર હતી. નિયતિ કોલેજમાં હતી ત્યારે ઘણા બધા છોકરાઓ તેની પાછળ પડ્યા હતા. બહુ બધાએ તો નિયતિને પ્રપોઝ પણ કર્યું હતું, પરંતુ નિયતિએ ક્યારેય એ વાતમાં ધ્યાન આપ્યું ન હતું. નિયતિ બહુ સારી રીતે જાણતી હતી કે તેમના પપ્પા ભલે શિક્ષક હોય પરંતુ તે જૂનવાણી વિચારસરણી ધરાવતા હતા. ભણવામાં નાનપણથી જ હોશિયાર નિયતિ આજ એન્જીનીયર બની ગઈ હતી.

એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ નિયતિને એક પ્રાઇવેટ કંપનીમાં ઉચ્ચ પગારની જોબ મળી ગઈ. બીજી તરફ જગદીશભાઈની તબિયતમાં ખૂબ સારી રિકવરી આવી ગઈ હતી. હવે પોતે પોતાની રીતે હાલી ચાલીને બાર જઈ શકતા હતા. જગદીશભાઈ હવે પોતાની નોકરી પર રેગ્યુલર જવા લાગ્યા હતા, પરંતુ હજુ જગદીશભાઇના મગજમાં જ્યોતિષ આચાર્યના શબ્દો ઘૂમતા હતા. જગદીશભાઈને એમ જ લાગ્યા કરતું કે, બીજી છોકરીઓની જેમ મારી દીકરી પણ મને દગો આપશે.

નિયતિ તેમના પપ્પાની ચિંતા સારી રીતે જાણતી હતી. આ વાતને ત્રણ મહિના થઈ ગયા. નિયતિ માટે સારા સારા ઘરના છોકરાના માંગા આવવા લાગ્યા. ઘણા બધા છોકરાના બાયોડેટા જોવાતા અને રિજેક્ટ થઈ જતા. ઘણા એન્જિનિયર છોકરા અને ડોકટરના પણ બાયોડેટા આવતા પણ નિયતિને કોઈ છોકરો પસંદ જ ન આવતો. નિયતિના મમ્મી તેને સમજાવતા કે 'દીકરા તારે કેવો છોકરો જોઈ છે...?' ત્યારે નિયતિ કહી દેતી "જે મારા મોમ ડેડને પોતાના મોમ ડેડ સમજીને એમની સાથે મને રહેવા દે એવો." અને નિયત્તિના મમ્મી ચૂપ થઈ જતા. એક મહિનામાં કેટલા બધા બાયોડેટા જોયા પરંતુ નિયતિને એક પણ ન ગમ્યા. હવે નિયતિને પણ એવું લાગવા લાગ્યું કે શું જ્યોતિષ આચાર્ય ની વાત સાચી છે..?? શુ પોતાના ભાગ્યમાં પ્રેમ લગ્ન લખ્યા છે કે શું...!!

"નિયતિ, જો બેટા જલ્દી આવ ક્યાં છે તું..?" નિયતિના પપ્પાએ બારથી ઘરમાં આવીને ડાયરેક્ટ નિયતિને અવાજ કર્યો.

નિયતિના પપ્પા એ નિયતિના હાથમાં એક બાયોડેટા મુકતા બોલ્યા.. 'અહી બેસ, જો નિયતિ બેટા, મારા એક મિત્રના ભત્રીજાનો બાયોડેટા છે. છોકરાને હું રૂબરૂ મળેલો છું, બહુ જ સંસ્કારી અને સારો છોકરો છે, પોતે ઇરીગેશન ડિપાર્ટમેન્ટમાં એન્જીનીયર છે અને સરકારી નોકરી છે અને પગાર પણ પચાસ હજાર છે. એક ભાઈ છે અને એક જ બેન છે." જગદીશભાઈ એક સાથે આટલું બધું બોલી ગયા પછી સહેજ અટક્યા. "મને તો ગમે છે.. હવે તારે નક્કી કરવાનું છે કે શું કરવું છે..!! માત્ર બધાના બાયોડેટા જોઈને રિજેક્ટ જ કરતી રહીશ તો બીજી વાર કોઈ આંગળી નથી ચીંધે." નિયતિએ એના પપ્પાના ચહેરા સામે જોયું. એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો, ચિંતાની રેખાઓ આખા ચહેરા પર દોડી રહી હતી. નિયતિ આછું હસ્યું અને હા પાડી દીધી.

એનું નામ હતું આકાશ.. બરાબર ત્રણ દિવસ પછી આકાશ નિયતિને જોવા આવ્યો. આકાશને નિયતિ જોતા વેંત જ ગમી ગઈ. નિયતિ એ આકાશ પર આછી પાતળી નજર નાખી અને પપ્પા સામે જોયું. જગદીશભાઈના ચહેરા પર નિયતિ એ આવી ખુશી કેટલા વર્ષ પછી પાછી જોઈ હતી. નિયતિના માટે એના પપ્પા અને મમ્મીની ખુશી મહત્વની હતી. નિયતિ કશું જ બોલી શકી નહીં. એ રાતે નિયતિને રડવું આવી ગયું પણ એને એડજસ્ટ કર્યું. એક અઠવાડિયામાં જ નિયતિ અને આકાશની સગાઈ થઇ..

આકાશ ખૂબ જ કહી શકાય એવો રૂપાળો ન હતો પરંતુ એનો ચહેરો સૌમ્ય હતો, દેખાવમાં પણ નમણો લાગતો હતો. કાળા ભમ્મર વાળ, એના પહોળા ખભાઓ, એના ચહેરા પરની સ્માઇલ ખૂબ જ આકર્ષક લાગતા હતા. આકાશ ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતો. એનું સેન્સ્ ઓફ હ્યુમર ગજબનું હતું. આકાશનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું. નિયતિ એમની સગાઈ ને માત્ર પોતાના પેરેન્ટ્સને માટે કરેલું કોમ્પરોમાઇસ સમજતી હતી. સગાઈ પછી નિયતિએ ક્યારેય આકાશને પોતાના નજીક આવવા દીધો ન હતો. આકાશ ક્યારેક નિયતિનો હાથ પકડતો તો નિયતિ હાથ છોડાવી લેતી હતી. આકાશ ઘણી વાર પૂછતો કે, 'તને કઈ પ્રૉબ્લેમ છે તો શેર કર..' નિયતિ કઈ જ જવાબ ન આપતી. આકાશ ક્યારેય બાર ફરવા જવાની વાત કરે તો નિયતિ કંઈક ને કંઈક બહાનું કાઢતી અને ઇગ્નોર કરતી. નિયતિને એવું લાગ્યા કરતું કે પોતાને આકાશ કરતા પણ હજુ પણ વધારે સારો છોકરો મળત.. આકાશ રોજ નિયતિના પેરેન્ટ્સને ફોન કરતો અને એની કેર કરતો. નિયતિના પપ્પા અને મમ્મી બહુ જ ખુશ હતા આકાશથી...

એક દિવસ આકાશથી ન રહેવાયું એ નિયતિને મળવા માટે રૂબરૂ એના ઘરે ગયો. નિયતિ પોતાના રૂમમાં બુક વાંચી રહી હતી. આકાશને અચાનક આવેલ જોઈને નિયતિ ચમકી..

"આકાશ, તું અત્યારે રાતના 9 વાગે અહીંયા...!!" નિયતિએ હાથમાં રાખેલી બુક મૂકતા બોલી.

"હા નિયતિ, આમ તો તારી પાસે મળવાનો ટાઈમ નથી. ફોનમાં વાત કરવાનો ટાઈમ નથી. મેસેજ કરવાનો ટાઈમ નથી એટલે વિચાર્યું કે રૂબરૂ જ તારા દર્શન કરી આવું." આકાશ નિયતિની પાસે સેટી પર બેસતા બોલ્યો..

નિયતિએ જરાક ગુસ્સાથી આકાશ સામે જોયું.

"નિયતિ, મારા એક પ્રશ્નનો જવાબ આપીશ પ્લીઝ...??" આકાશએ નિયતિનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો. "તે મારી સાથે સગાઈ રાજીખુશીથી જ કરી છે ને મને સાચો જવાબ આપજે એવી આશા રાખું.."

નિયતિએ આકાશના હાથમાંથી પોતાનો હાથ છોડાવતા બોલી. "ના, રાજીખુશીથી નહીં પણ પપ્પાની ઈચ્છાને વશ થઈ અને મમ્મીને આપેલ વચનને લીધે.." આકાશ ચૂપ થઈ ગયો.

આકાશને ખબર હતી કે માણસ ને જે વ્યક્તિની આદત થઈ જાય છે ત્યાર પછી એ વ્યક્તિ દિલને આપ મેળે ગમવા લાગે છે. તે દિવસ આકાશ વધારે કશું બોલ્યા વગર નિયતિના ઘરેથી જતો રહ્યો. રોજ આકાશ નિયતિના મમ્મીને પપ્પા સાથે વાત કરી કરીને એને નિયતિની પસંદ નાપસંદ ને જાણવા લાગ્યો.. ત્યાર પછી રોજ આકાશ નિયતિને સવારે good morning, બપોરે good afternoon, રાત્રે good night, i love you, i miss you એવા મેસેજ રોજ કરવા લાગ્યો. નિયતિ ક્યારેય એના મેસેજ નો જવાબ ન આપતી. આકાશ પણ ક્યારેય એના રીપ્લેયનો વેઇટ ન કરતો પણ એને ખબર હતી કે નિયતિને એક દિવસ એની સાથે પ્રેમ થઈ જ જશે અને એને પસંદ કરવા લાગશે.. એ માત્ર ચૂપ હતો.. એ જોયા કરતો જે થઈ રહ્યું છે.. ઇચ્છાઓ, આશાઓ, આકાંશાઓ, લાગણીઓ આ બધું હ્રદયમાં ઘોડાપૂરની જેમ દોડતું પરંતુ આકાશે રોકી રાખ્યું હતું.

બીજી તરફ સમયની સાથે નિયતિને પણ આકાશના મેસેજની આદત પડી ગઈ હતી. એ રીપ્લાય ના આપતી પણ એ સતત આકાશના મેસેજની રાહ જોઇને બેસતી.. ધીરે ધીરે નિયતિને ખબર પડી કે આકાશ રોજ એના પેરેન્ટ્સને ફોન કરે છે, એની કેર કરે છે. આકાશની ઓફીસ ચેન્જ થતા આકાશનો ઓફીસ જવાનો રસ્તો નિયતિના ઘર પાસેથી થઈ ગયો. રોજ સવારે આકાશ ઓફીસ જાય ત્યારે નિયતિના ઘર પાસે આવીને હોર્ન વગાડે. નિયતિ પણ બારીમાંથી જોઈ લેતી.. સમય વિતવા લાગ્યો ધીમે ધીમે...

29 મી જુલાઈ સમય સવારે 7:12 વાગ્યે.. નિયતિએ મોબાઇલ હાથમાં લીધો. મોબાઇલની સ્ક્રિન ઓન કરી જોયું ટાઈમ 7:12 મિનીટ થઈ હતી, ફરી વાર એને બેડ પર બેઠા થઈને આંખો ચોળી અને ફરી વાર મોબાઈલની સ્ક્રીનમાં જોયું. કેટલા બધા લોકોના મેસેજીસ આવ્યા હતા. મેસેજ બોક્સ ઓપન કર્યાની સાથે જ એ ઝડપથી મેસેજ સ્કોલ કરવા લાગી. એની આંખોએ એક સાથે કેટલું બધું સ્કોલ કરી નાખ્યું હતું. એ જે વ્યક્તિનું નામ શોધતી હતી તે મેસેજમાં દેખાયું નહીં અને ફરી બે વાર મેસેજીસ ચેક કર્યા.. આજ નિયતિનો બર્થડે હતો. આકાશને બર્થડે યાદ હતો એ પણ એને ખબર હતી. બધામાં મેસેજીસ હતા ફકત આકાશનો મેસેજ ન હતો.. નિયતિએ દિવાલ પર ટીંગાડેલ ક્લોક પર નજર કરી.. અત્યારે ટાઇમ 7:18 મિનિટ થઈ ગઇ હતી. ફરી મોબાઈલ સ્કિન ઓન કરીને એને જોયુ તો આકાશનો good morning નો પણ મેસેજ ન હતો. આકાશ રોજ 7 વાગ્યા પહેલા Good Morning નો મેસેજ કરી જ દેતો. નિયતિના ચહેરા પર પરસેવો બાઝી ગયો, હ્રદયના ધબકારાની ગતિ બધી ગઈ. એને ઝડપથી આકાશના નંબર ડાઈલ કરી કોલ લગાવ્યો. 1, 2, 3, 4 રિંગ આખી પુરી કરી નાખી કોઈ એ કોલ રિસીવ ન કર્યો. નિયતિના મનમાં એક ગભરાટ થવા લાગી. એને ઝડપથી ઘરની બાર એક્ટિવા કાઢ્યું અને મૉમ, ડેડને હમણાં આવું છું કહીને એક્ટિવાને લીવર માર્યું. એનું મનમાં કેટલા બધા વિચારોના જ્વાળામુખી ફાટવા લાગ્યા, હૃદયના ધબકારા ધીમે ધીમે વધતા જતા હતા. એક્ટિવા આકાશના ઘર તરફ સવારના શાંત રસ્તા પર પુરપાટ ઝડપથી દોડી રહ્યું હતું. આગળ જતાં એક્ટિવાની ઝડપ ઘટી ગઈ અને 'નિઆ પેલેસ' પર મોપેડ આવીને ઉભું રહ્યું. નિયતિએ બંગલા પર લખેલ નામ પર નજર કરી. નિયતિ આજ બીજી વાર જ આકાશના ઘરે આવી હતી. ડોરબેલ વગાડી અને આકાશમાં મમ્મીએ દરવાજો ખોલ્યો.

"અરે, નિયતિ તું અત્યારમાં અહીંયા...આજ અચાનક કેમ...? આકાશના મમ્મી નિયતિને અંદર બોલાવતા બોલ્યા..

"મમ્મી, આકાશ ક્યાં છે ? મેં કેટલા કોલ કર્યા રિસીવ જ નથી કરતો.." નિયતિ હાંફડી ફાફડી થતા બોલી..

"આકાશ એના રૂમમાં છે બેટા, કાલ રાતે તે બારથી આવતો હતો ત્યારે એનું બાઈક સ્લીપ થઈ ગયું હતું તો પડી ગયો છે અમે હાથમાં ફ્રેકચર થઈ ગયું.. ડોક્ટરએ કીધુ છે બહુ નાનું ફ્રેક્ચર છે, જલ્દી જ સારું થઈ જશે.." એટલું બોલતાની સાથે આકાશના મમ્મીનું હૃદય ભરાય ગયું.. અને નિયતએ સાંભળ્યુ ન સાંભળ્યુ ત્યાં તો તે આકાશના બેડરૂમ તરફ દોડવા લાગી..

આકાશ એના રૂમમાં સૂતો હતો.. "આકાશ....." એટલું બોલતાની સાથે જ નિયતિ આકાશને જઇને વળગી પડી.. આકાશ જાગી ગયો. નિયતિ આકાશના છાતી પર માથું રાખીને રોવા લાગી. આકાશના આખા ચહેરા પર એક સાથે કેટલા બધા ચુંબનો કર્યા.. અને વળગતા વળગતા એટલું જ બોલી... "આઈ લવ યુ સો મચ માઇ આકાશ.. તે મને કીધું કેમ નહીં હે..? તે ધ્યાન કેમ ન રાખ્યું...? એમ કેમ કરતા બાઈક સ્લીપ થયું...? ધ્યાન કોનામાં હતું...? મને મેસેજ કેમ ન કર્યો..??" એક સાથે કેટલું બધું નિયતિ બોલી ગઈ અને આકાશને વીંટળાઈ ગઈ..

આકાશના ચહેરા પર એક અદ્દભુત સ્માઈલ આવી ગઈ એને નિયતિને ફ્રેકચર વાળો હાથ બતાવતાં કહ્યું.. "આ કમબખ્ત હાથે મને મેસેજ કે કોલ ન કરવા દીધો. હૅપી બર્થ ડે માઇ સ્વીટહાર્ટ.."

નિયતિ આકાશના માથામાં વાળમાં હાથ ફેરવતા બોલી "એક વાત કહું આકાશ...? એક જ્યોતિષીએ મારી કુંડળી જોઈને કીધું હતું કે આ છોકરી પ્રેમ લગ્ન કરશે.." નિયતિ હસતા હસતા બોલી.

"એ જ્યોતિષી એ સાચું જ કીધું હતું, નિયતિ...." આ સાંભળીને નિયતિ આકાશને ફરી વળગી પડી..

- દિપેશ ખેરડીયા