Pratyagaman books and stories free download online pdf in Gujarati

પ્રત્યાગમન

- પ્રત્યાગમન -

લેખક - દિપેશ ખેરડીયા

કોઇના ભીના પગલાં થાશે એવો એક વરતારો છે,
સ્મિત ને આંસુ બંનેમાંથી જોઇએ કોનો વારો છે ?
-સૈફ પાલનપુરી
....
પ્રિય નિકી,
આ પત્ર નહીં પરંતુ મારી લાગણીઓ ને તારી સમક્ષ રજૂ કરું છું. મને ખબર છે હવે તું નાદાન નથી. આજ પુરા ૬ મહિના થયા હું તારી સાથે ઇમોશનલી એટેચડ છું અને તું પણ આ વાત નકારી શકે નહીં, લાસ્ટ ૫ મહિના થયા હું તને ખરા દિલથી પ્રેમ કરું છું. મારા મનની વાત મેં તને જણાવી. તેનો પ્રત્યુત્તર પણ તે આપ્યો પરંતુ, ઘણી બધી અસમંજસ વચ્ચે હું આજે પીડાઈ રહ્યો છું. હું પ્રેમમાં આ પીડાને સહન કરી લઈશ પરંતુ મારા શરીરમાં એક દિલ અને અને મારા ઇમોશન કદાચ આ બધું વધારે સહન કરી શકવા સક્ષમ નથી. પ્રેમ એ પરિપૂર્ણતાનું એક નામ છે. પ્રેમ ક્યારેય ક્ષણિક ન હોય શકે. મેં તને અંતરના ખરા હ્ર્દયથી ચાહી છે. હું ૬ મહિનામાં ઘણું બધું તારી પાસેથી શીખ્યો છું. મારી ખરાબ આદતોને મેં તારા કહેવાથી છોડી દીધી છે. તું પણ હવે મારી એક આદત બની ગઈ છો. આદત કરતા હું તને મારો શ્વાસ કહું તો વધારે સારું રહેશે કારણ કે આદત તો છોડી શકાય છે પરંતુ શ્વાસને કાયમી માટે છોડી દેવો સહેલો નથી.

નિકી, આ ૬ મહિના તારી નજીક રહીને ક્યારે જતા રહ્યા ખબર ન પડી. ક્યારે મને તારી આદત લાગી કશું ન સમજાણુ પરંતુ આ સમજવું ખૂબ જરૂરી છે હવે મારા માટે..!! હું જાણું છું પ્રેમ ક્યારેય એકી સાથે બે વ્યક્તિ સાથે સંભવ નથી, તું પણ આ વાત સારી રીતે જાણે છે પરંતુ તું સમજવા નથી માંગતી. પ્રણય ત્રિકોણ ત્રણમાંથી કોઈને શાંતિ નહિ લેવા દે આ વાત તારે હવે સમજી જવી જોઈએ.

પ્રિય નિકી, હું તને નથી છોડી શકતો શુ કામ ખબર છે..? કારણ કે મારી પાસે તું એક જ છો મારી જિંદગી શેર કરવા માટે.. પરંતુ તારી પાસે ૨ લોકો છે જે તને પ્રેમ કરે છે અને તું પણ બન્ને લોકો ને વતા ઓછા અંશે પ્રેમ કરે છે. એક સાથે બે લોકોને ક્યારેય પ્રેમનો ન્યાય નથી આપી શકાતો. તું મુક્ત છે, પણ તારે મારા અને આકાશ માંથી એકની પસંદગી કરવી પડશે. મેં ક્યારેય તને પ્રેમ કરવા માટે ફોર્સ નથી કર્યો અને આકાશ તારો પ્રથમ પ્રેમ છે. હું વધારે આ પરિસ્થિતિમાં રહી શકું એમ નથી અને તારા માટેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. તને પ્રેમ કરવા માટે મારી પાસે તારી યાદ રહે એ પણ મારા માટે પૂરતું છે. તું બે માંથી જે વ્યક્તિની પસંદગી કરીશ એ હું સહર્ષ સ્વીકાર કરીશ. તું સમજી વિચારી ને તારો પ્રત્યુત્તર આપજે. તું તારો જવાબ એક વીક સુધીમાં આપી શકે છે. તારો જે નિર્ણય હશે એ મને મંજુર રહશે..

તારો અને ફક્ત તારો.. મૃણાલ
****

દીવાલ પર લટકાવેલ ડીજીટલ કલોકમાં રાતના 2:47 મિનિટ થઈ હતી. મૃણાલે લેટર પરબીડિયામાં બીડીને ટીપોઈ પર મૂકી દીધો. બેડરૂમમાં સિલિંગ ફેનના પંખાનો હળવો અવાઝ આવી રહ્યો હતો. બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. ક્યારેક વીજળીના ધડાકા સાથે બેડરૂમની કાચની બારીમાંથી જાંબલી પ્રકાશ આખા રૂમમાં ફળી વળતો. મૃણાલે પોતાના બેડ પર પડેલી પેનને ટીપોઈ પર ગોઠવી દીધી. એ ફરી બેડ પરથી ઉભો થયો અને પાણીની બોટલ લઈ એક શ્વાસે 5-6 ઘૂંટડા પાણી પી ગયો. મૃણાલના આખા શરીર પર પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયા, એના કપાળ પર પરસેવાની એક લહેર દોડવા લાગી. મૃણાલે રૂમના ફેનની સ્પીડ વધારી અને ત્યાં જમીન પર જ ઢળી પડ્યો.
*****

નિકી પોતાના વાળ સરખા કર્યા અને આમ તેમ નજર કરી અને કલાસીસમાંથી ઘર તરફ જવા લાગી. અચાનક પાછળથી એક અવાજ સંભળાયો.."નિકી.."
અવાજ જાણીતો હતો. નિકીએ ઉભા રહીને પાછળ ફરીને જોયું. એનું નામ હતું આકાશ..
આકાશ અને નિકી એક જ કલાસીસમાં ૧૨ ધોરણના ટ્યુશન માટે જતા હતા. આજ પેલા નિકીને આ રીતે કોઈ છોકરાએ ઉભી રાખી ન હતી. આકાશ નિકીની પાસે આવ્યો અને અને નિકીના હાથમાં એક મોબાઈલ નમ્બર લખેલી કાપલી આપી. નિકીના પગ ધ્રુજવા લાગ્યા. આ પહેલા આવું એની સાથે ક્યારેય બન્યું ન હતું. નિકી કશું સમજે એ પહેલાં આકાશ ત્યાંથી જતો રહ્યો.
નિકી એક અલ્લડ છોકરી હતી. એના ચહેરાનું નિર્દોષ હાસ્ય હંમેશા એની આંખોમાં છલકતું રહેતું. આકાશ પણ સુખી સંપન્ન પરિવારનો એક છોકરો હતો. નિકી રોજ ટ્યુશન કલાસીસમાં જતી. આકાશ એને રોજ મળતો એને એની સામે જોયા રાખતો. નિકીને આકાશ જરાય નો ગમતો અને આકાશ એને તાકી તાકીને જોયા કરતો. એક વિક જતું રહ્યું. એક દિવસ અચાનક નિકી અને આકાશ ક્લાસિસની લોબીમાં અથડાય ગયા. બને વચ્ચે સોરી બોલ્યા અને નિકી સાઈડમાં ખસીને નીકળી જવા આગળ વધી. આકાશે જતી નિકીને જોઈને એક વાર મેસેજ કરવા કહ્યું. નિકી સાંભળી ન સાંભળીને નીકળી ગઈ. ધીરે ધીરે આ વાતને ૧ મહિનો થઈ ગયો રોજ નિકી અને આકાશ ક્લાસિસમાં મળતા. રોજની જેમ આકાશ નિકીને તાકીને જોયા કરતો. નિકી પણ ક્યારેક ઊડતી નજરે આકાશ તરફ જોઈ લેતી. સમય વિતતો ગયો. ધીરે ધીરે આકાશ અને નિકી વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો. નિકીને પણ હવે આકાશની કંપની ગમવા લાગી. સમય જતાં બનેં વચ્ચે મેસેજ અને કોલમાં કલાકો સુધી વાતો થવા લાગી. એક દિવસ આકાશે નિકીને મેસેજમાં પ્રપોઝ કરી દીધું. નિકીને પણ આકાશની કંપની ગમવા લાગી હતી એને પણ આકાશનું પ્રપોઝલ સ્વીકારી લીધું અને બન્ને વચ્ચે મુગ્ધાઅવસ્થાનો પ્રેમ શરૂ થઈ ગયો. થોડા મહિનામાં ૧૨ની પરીક્ષા લેવાની. ટ્યુશન કલાસ પૂરું થઈ ગયા, નિકી અને આકાશ કોઈના કોઈ બહાને હવે બહાર મળવા લાગ્યા. ૨ મહિના પુરા થાય અને ૧૨ ધોરણનું રીઝલ્ટ આવ્યું, બન્ને જણા સારા માર્કસથી પાસ થઈ ગયા.

નિકીએ કોલેજનું એડમિશન શહેરની ખ્યાતનામ કોલેજમાં લઈ લીધું. આકાશને અભ્યાસ માટે મેટ્રો શહેરમાં જવાનું થયું. નિકીને આ વાતની ખબર પડતાં એ રડવા લાગી. બીજા દિવસે આકાશ અને નિકી એક ગાર્ડનમાં મળ્યા. નિકી અને આકાશ એક બીજાને વળગી પડ્યા બન્ને ખૂબ રડ્યા અને બીજા દિવસે આકાશ એક શહેર છોડીને અભ્યાસ માટે બીજા શહેરમાં જતો રહ્યો. બન્ને રોજ કલાકો સુધી ફોન અને વીડિયો કોલમાં વાતો કરતા. આકાશ જ્યારે પણ ઘરે આવતો ત્યારે નિકી અને આકાશ રૂબરૂ મળતા.
કોલેજના ૪ સેમેસ્ટર પૂર્ણ થઈ ગયા. નિકી હવે યુવાઅવસ્થામાં પ્રવેશ કરી ચુકી હતી. એના શરીરમાં સૌંદર્યની સુંગધ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. એ પોતાના શરીરને અરીસાની સામે ઊભા રહીને તાકીને જોયા કરતી. ઘઉવર્ણમાં એનો સપ્રમાણ લંબગોળ ચેહરો, એની અણિયારી આંખોમાં ગજબનો નશો છલકતો હતો. એની ધનુષ્યકાર કાળી ભ્રમરો કોઈ ચિત્રકારે કેન્વાસ પર ઉપસાવેલી પેન્ટિંગ સમાન હતા. એના કાળા સિલ્કી વાળ એના ચહેરાને વારે વારે ઢાંકી દેતા હતા. એના ચહેરા પર ગુલાબની પાંખડી જેવા એના પૂર્ણ ગુલાબી હોંઠ વચ્ચે એની સ્માઈલ એના ચહેરાની સુંદરતામાં વધારો કરતા હતા. એના નાકની રિંગ એને નવયુવાનીની સુગંધ બક્ષતિ હતી. યુવાઅવસ્થાની તાજગી એના જીસ્મ પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. સ્કાય બ્લુ જીન્સ અને રેડ કલરના ટી-શર્ટમાં એ મસ્તી છલકાવતી હતી. એની પાતળી કમર એના ઉરજો અને મરોડદાર અંગો એના રૂપની શોભા વધારતા હતા. સોંન્દર્ય પ્રસાધનો વગર પણ એ પૂર્ણ માદકતા છલકાવતી હતી. એની કામણગારી કાયા કોઈને પણ મોહિત કરી નાખે એવી હતી.
****

સવારના ૮ વાગવાની તૈયારીમાં હતા. અમદાવાદના ડામર રોડ પર વાહનોની અવર જવર શરૂ હતી. સૂર્યના કિરણો ઉંચી ઇમારતોમાંથી ડોકિયાં કરતા રસ્તાઓ પર ત્રાંસા પડી રહ્યા હતા. આકાશનું બાઇક સીધા રોડ પર સડસડાટ દોડી રહ્યું હતું. પાછળ એક ૧૯ વર્ષની લાગતી છોકરી આકાશને કમર પરથી પકડીને બાઇક પાછળ બેઠી હતી. બાઇક એક પછી એક વાહનોની સાઈડ કાપીને આગળ જઇ રહ્યું હતું. ૧૬ મિનિટ પછી આકાશનું બાઇક એલ.ડી. કોલેજના કેમ્પસમાં પ્રવેશ કરે છે. પાછળ બેઠેલી છોકરી બાઇક પરથી નીચે ઉતરે છે અને આકાશ બાઇક પાર્કિંગમાં પાર્ક કરીને પેલી છોકરીનો હાથ પકડીને કોલેજના રૂમમાં પ્રવેશ કરે છે.
એનું નામ હતું અદિતિ. અદિતિ અને આકાશ એક જ કોલેજ અને એક જ ક્લાસ બી.કોમના સ્ટુડન્ટસ હતા. અમદાવાદની અદિતિ અને અને આકાશ છેલ્લા ૧ વર્ષથી એક બીજાને ડેટીંગ કરી રહ્યા હતા. અદિતિ આકાશ ને પસંદ કરતી હતી. આકાશ પણ અદિતિને પસંદ કરતો હતો. રોજ એક બાઇકમાં કોલેજ સાથે જવું એ એમનો નિત્યક્રમ હતો. ઘણીવાર કોલેજ બંક કરીને તેઓ બન્ને બાઇક પર ફરવા નીકળી જતા. ૩ પિરિયડ જતા રહ્યા હતા. કોલેજમાં રીસેસ પડી. આકાશનું બાઇક ફરી બપોરના ૧૧:૪૮ મિનિટે ફરી રોડ પર દોડવા લાગ્યું. અદિતિ આકાશની પાછળ એને પકડીને બેઠી હતી. ઘણીવાર ની જેમ આજ પણ અદિતિ અને આકાશ કોલેજ બંક કરીને લોન્ગ દ્રાઈવ પર ફરવા નીકળી ગયા હતા. સૂર્યના સીધા કિરણો હવે માથા પર આવવાની તૈયારીમાં હતા. શહેરનો ટ્રાફિક રસ્તામાં ભરાય ગયો હતો. ઘણી જગ્યાએ લોકોની ભીડ થઈ જતી હતી. રોડ પાર વાહનોના હોર્નનો અવાજ શરીરને અસ્વસ્થ કરતો હતો. આકાશનું બાઇક રોડ પર દોડી રહ્યું હતું. થોડી વાર પછી આકાશના મોબાઈલમાં રિંગ વાગે છે. આકાશે બાઇકની સ્પીડ ઘટાડીને ચાલુ બાઇકે પોકેટમાંથી મોબાઈલ બહાર કાઢ્યો. "નિકી.." એ મનમાં બબડયો અને ફોન કટ કરી નાખ્યો.
****

૮ જૂલાઇ, ઘડિયાળમાં સવારના ૧૦:૨૩ મિનિટ થઈ હતી. વાતાવરણમાં એકદમ ઉકળાટ અને બફારો હતો. નિકી છેલ્લા એક કલાક થયા ફોનની સ્કિન ઓન - ઓફ, ઓન - ઓફ કરતી હતી. નિકીએ ફરીથી એક વાર મોબાઇલની સ્કિન ઓન કરી જોઈ અને ૧૦:૨૪ મિનિટ થઈ ગઈ. એનાથી ન રહેવાયું અને મોબાઈલનો જોરથી સોફા પર ફેંકીને ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ.
'નિકી, લાસ્ટ ૩૫ મિનિટ થઈ તું આ નાસ્તો લઈને બેઠી છો. તારે એક સમય પર હંમેશા એક જ કામ કરવાનું રાખ તે હજુ સુધી પ્લેટમાંથી કઈ જ ખાલી કર્યું નથી..' નિકીના મમ્મીને નિકી સામે ગુસ્સાથી જોઈને બોલ્યા. નિકી પણ ગુસ્સે થઈ કાચના ગ્લાસમાંથી એક ઘૂંટડો પાણી પીને ઉભી થઇ ગઇ અને પોતાનો મોબાઈલ સોફા પરથી લઈને પોતાના બેડરૂમમાં જઈને ઓશીકું પડકીને રોવા લાગી.

એને ફરી વાર મોબાઈલની સ્કિન ઓન કરી અને મેસેન્જર એપ ખોલીને જોયું. એનાથી ન રહેવાયું અને એને ફરી વાર નમ્બર ડાઈલ કર્યો, ફરી નંબર વ્યસ્ત આવ્યો. નિકીનો ગુસ્સો ધીરે ધીરે વધતો જતો હતો. એમને ફરીથી મેસેન્જર એપ ઓપન કરી અને મેસેજ ટાઈપ કરવા જતી હતી ત્યાં એના મોબાઈલમાં આકાશનો કોલ આવ્યો. નિકીએ કોલ ઉપાડ્યો.

'યાર, તને ખબર પડે કે નહીં ક્યારની તું એક ધારી કોલ પર કોલ કરે છે. ફોન વ્યસ્ત આવતો હોય તો માણસને બીજો ફોન ચાલુ હોય સમજી જવાય..!!' નિકી કઇ પણ બોલે એ પહેલાં આકાશ નિકી પર ગુસ્સે થયો.

'મારા કરતાં એવું કોણ અગત્યનું છે, જેનો કોલ તું વેઇટિંગમાં રાખીને મને જવાબ નથી આપી શકતો..' નિકી રડમસ અવાજ સાથે બોલવા લાગી. એનો અવાજ ધીમો પડી ગયો. 'લાસ્ટ કેટલા મહિના થયા હું જોઉં છું તું મારા મેસેજ કે કોલ નો રીપ્લાય નથી આપતો. હું જ્યારે કોલ કરૂ ત્યારે તું મારા કોલ કટ કરી નાખે છે. તું ન બોલવું હોય તો મને ના પાડી દે એટલે મને ખબર પડી જાય તારે હવે મારી જરૂર નથી.' નિકી એક જ શ્વાસે બોલી ગઈ અને રડવા લાગી. આકાશે કોલ કટ કરી નાખ્યો. નિકીએ ફરી કોલ લગાડવાની ટ્રાય કરી પણ આ વખતે ફોન સ્વીચ ઓફ આવતો હતો. નિકી ઓશિકાને પકડીને જોર જોરથી રડવા લાગી.

સાંજ પડી ગઈ. સૂર્ય પશ્ચિમ દિશામાં ડૂબવાની તૈયારીમાં હતો. ડૂબતા સૂર્યના કિરણો અસંખ્ય રંગો આકાશ પર ફેંકી રહ્યું હતું. પક્ષીઓની ચિચિયારીઓથી આકાશ ગુંજી રહ્યું હતું. કબૂતરો પોતાના માળાઓ તરફ આકાશમાં ઉડતા આગળ વધી રહ્યા હતા. એકલ દોકલ વાહનો સામેની તરફના શાંત રોડ પરથી પસાર થઈ રહયા હતા. વાતાવરણમાં ધીરે ધીરે ઠંડક વર્તાતી હતી. બાજુમાં ફ્લેટમાંથી અરિજિતના ગીતોનો ધીમો અવાજ આવી રહ્યો હતો. અચાનક ઉપરથી એક પ્લેન પસાર થયું અને વાતાવરણની શાંતિ ભંગ કરીને આકાશ ચીરીને આગળ જતું રહ્યું. વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. થોડીક ક્ષણ માટે કશું સંભળાતું બંધ થઈ ગયુ. નિકીએ બને કાન પર હાથ રાખીને ઊંડો શ્વાસ ભર્યો અને બાલ્કનીમાંથી રૂમની દીવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર કરી ઘડિયાળમાં ૭:૦૭ મિનિટ થઈ હતી.

વિકટ પરિસ્થિતિને બુદ્ધિથી સંભાળી શકાય છે. બુદ્ધિનું માપ બધાથી કાઢી શકાતું નથી. નિકીએ રૂમમાં જઇ બોક્સમાંથી એક ચ્યુઈગ-ગમ લીધી અને રેપર ખોલીને મોઢામાં નાખીને ચાવવા લાગી અને ફોનના જુના ચેટ ખોલ્યા ફરી બંધ કરી દીધા. મોબાઈલ પર રિંગ વાગે છે. નિકીએ ફોન ઉપાડ્યો.
'બોલ, હું તને ફોન કરવાનું જ વિચારતી હતી ત્યાં જ તારો કોલ આવી ગયો...!' નિકીએ જરાક ધીમા અવાજે બોલ્યું.
'કેમ..?, શુ થયું...? બધું ઠીકઠાક છે ને..?' રિવાએ સામે છેડેથી પૂછ્યું.
'કાલ સવારે રૂબરૂ મળીએ અત્યારે કોલ પર વાત સરખી નહીં થઈ શકે..' નિકી બોલી. 'સવારે ૯ વાગ્યે વિલ્સન ગાર્ડનમાં મળીએ.'
'ઓકે, બાય.' સામે છેડેથી અવાજ સંભળાયો. નિકીએ કોલ કટ કરી નાખ્યો.

એનું નામ હતું રીવા, રીવા પારેખ. નિકીની ખાસ કહી શકાય એવી એ ફ્રેન્ડ હતી. બન્ને સાથે જ સ્કૂલકાળથી સાથે જ હતા. રીવાએ બીજા ફિલ્ડમાં એડમિશન લીધું હતું. હવે બન્નેની કોલેજ અલગ હતી પરંતુ મિત્રતામાં ફેર પડ્યો ન હતો.
રાતના ૯:૩૫ થવા આવી હતી. મમ્મી બોલ્યા રાખે એના કરતાં જમી લેવું સારું એવું વિચારીને નિકીએ જરાક અમથું કહેવા ખાતર જમી લીધું. ફરી રૂમમાં આવી અને ઓશિકાને પકડીને સુઈ ગઈ.
****

સવારના ૭:0૭ મિનિટ થઈ હતી. રોજ સાતથી સાડા સાત વચ્ચેની ઉઠી જતી. હાથમાં મોબાઈલ લેતી અને આકાશના ગુડ મોર્નિંગના મેસેજથી એના દિવસની શરૂઆત થતી. આજ મોબાઈલમાં કોઈ જ ગુડ મોર્નિંગ કે ગુડ નાઈટ ન્હોતું. આકાશે હજુ નિકીના સેન્ટ કરેલા મેસેજ પણ ખોલીને જોયા ન હતા. નિકીએ મોબાઈલ ચાર્જરમાં લગાવ્યો અને બાથરૂમમાં ફ્રેશ થવા જતી રહી.
ડાઇનિંગ ટેબલ પર રોજની માફક ચા નાસ્તો રેડી હતા. નિકી આજ કંઈક અલગ મૂડમાં હતી. ડેનિમ બ્લુ શર્ટ અને બ્લુ કલરના જીન્સમાં એ આજ એકદમ અલગ લાગતી હતી. એને સ્પ્રે કાઢ્યો અને કપડાં પર સ્પ્રેય કરવા લાગી. ખુલ્લા વાળ રાખીને એ નાસ્તો કરવા બેસી ગઈ. નાસ્તો પતાવ્યો મોબાઇલ ચાર્જમાંથી કાઢ્યો. શૂઝ પહેર્યા, એક્ટિવાની ચાવી લીધી. 'મોમ, હું રિવાને મળવા જઉં છું જલ્દી જ આવી જઈશ, ડેડને કઇ દેજે મારી ચિંતા ન કરે. હું એમને સાંજે મળીશ..' નિકી ફટાફટ બોલીને અને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.

રીવા આવીને નિકીનો વેઇટ કરતી હતી. વિલ્સન ગાર્ડનમાં એકદમ શાંતિ હતી. ઝીણો ઝીણો પક્ષીઓના બોલવાનો અવાજ આવી રહ્યો હતો. નિકી રિવાને ભેટી પડી અને રડવા લાગી. નિકીએ સઘળી વાત રિવાને કરી દીધી. 'નિકી, શાંત થઈ જા પ્લીઝ, જે વ્યક્તિને તારી વેલ્યુ નથી ત્યાં સુકામ તું ટાઈમ ખરાબ કરે છે. પ્રેમ એવા માણસને અપાય જે એની વેલ્યુ સમજી શકતો હોય, તું આ બધું છોડી દે અને તારે આ બધામાંથી બહાર આવું હોય તો તું ક્યાંક ટેમ્પરરી જોબ શોધી લે..' રીવા નિકીનો હાથ પકડીને એક સાથે બોલી ગઈ.
'પણ,...' નિકી કંઈક બોલવા જતી હતી, રિવાએ અધવચ્ચે અટકાવી. 'પણ, બન છોડી દે હું તારા માટે જોબનું કંઈક કરું છું, એનાથી તારો મગજ શાંત રહેશે અને તને ઓછા વિચારો આવશે.' રીવા બોલી.
'ઓકે...!' નિકી બોલી અને રિવાને ભેટી પડી.
ત્યાર પછી નિકી અને રીવા સાંજ સુધી ફર્યા.
****

નિકીની જોબ એક ફાઇનાન્સ કંપનીમાં લાગી ગઈ. રીવા પણ એજ કંપનીમાં અલગ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતી હતી. આજ નિકીનો પહેલો દિવસ હતો. તે થોડી અસ્વસ્થ લાગતી હતી. એને પોતાનું કામ સારી રીતે સમજી લીધું, લિમિટેડ વર્ક હતું. વધારે ટાઈમ ફ્રી રહેવાનું હતું. ટેબલ પર મોબાઇલ એને ઓન કર્યો. મેસેન્જર ખોલીને જોયું. આકાશે એના મેસેજીસ જોયા ન હતા. હવે એને થોડી ટેવ પડી ગઈ હતી..

સાંજ શરૂ થવાની તૈયારીમાં હતી. ઘડિયાળમાં ૫:૫૫ થવા આવી હતી. બધા પોતાનું વર્ક ખતમ કરીને ધીરે ધીરે ઓફિસમાંથી નીકળતા હતા. નિકી પણ પોતાનું કામ પૂરું કરીને ઓફીસ બાર નીકળી ગઈ. એના મગજમાં વિચારોનું તોફાન ચાલતું હતું. અસંખ્ય વિચારો આવતા મગજ સાથે અથડાતા અને જ્ઞાનતંતુઓ હલાવી નાખતા. એ ધીરે ધીરે આગળ વધવા લાગી. એના શરીર પ્રસ્વેદબિંદુઓ બાઝી ગયા. એ લિફ્ટ તરફ આગળ વધવા લાગી. હૃદયના ધબકારાની ગતિ વધવા લાગી. લિફ્ટ પાસે પહોંચી એને લિફ્ટની સ્વીચ દબાવી. લિફ્ટ ૪ ફ્લોર પર આવી. દરવાજો ખુલતાની સાથે નિકીના આંખે અંધારા આવી ગયા અને એ ઢળી પડી.

'કઈ ચિંતા જેવું નથી ખાસ, હૃદયને વધારે પ્રેસર આપવાને લીધે બ્લડ પ્રેસર લો થઈ ગયું હતું. ટેબ્લેટ આપી છે. ૫ મિનિટમાં હમણાં ઠીક થઈ જશે.' ડોકટરે મૃણાલ સાથે હાથ મિલાવતા કહ્યું.
નિકીએ આખો ખોલી. એમની આંખો આખા ક્લિનિક પર ફરી વળી. એ કશું સમજી શકી નહીં. આંખોમાં હજુ પૂર્ણરૂપથી સ્પષ્ટ જોઈ શકાતું ન હતું. નિકી ઉભા થવાની કોશિશ કરી, ડોકટરે એને ૫ મિનિટ સુધી સુતા રહેવા કહ્યું. ૫ મિનિટ જતી રહી.
'હવે તમે જઇ શકો છો અને હજુ પણ એકલા જવું હિતાવહ નથી..' ડોકટર મૃણાલ અને નિકી તરફ આખો ફેરવતા બોલ્યા.
મૃણાલે નિકીને હાથ પડકીને સ્ટેચર પરથી ઉભી કરી. બન્ને ક્લિનિક માંથી બહાર આવ્યા.
'આર યુ ઓકે... ?' મૃણાલ નિકીની સામે જોઇને બોલ્યો.
'યા, પણ તમે...!' નિકી બોલવા જતી હતી. મૃણાલે એને અધવચ્ચે અટકાવી.
'લિફ્ટ ખુલતાની સાથે તમે લિફ્ટ પાસે ફ્લોર પર ઢળી પડ્યા હતા, સારું થયું કે અહીંયા જ ક્લિનિક હતું તો જલ્દીથી તમને સારું થઈ ગયું. મને તો ચિંતા થવા લાગી હતી તમારી...!' મૃણાલ એકશ્વાસે બોલી ગયો. નિકી બાળકની જેમ વિસ્મયતાભરી નજરે મૃણાલ સામે જોવા લાગી.
'બાય ધી વે, હાય, આઈ એમ મૃણાલ..' મૃણાલ નિકી તરફ હાથ આગળ વધારતા બોલ્યો.
'નિકી..' નિકી મૃણાલ તરફ હાથ લંબાવતા બોલી.
'નાઇસ નેમ..' મૃણાલ બોલ્યો. 'તમારું અત્યારે ઘરે એકલા જવું ઠીક નહીં, ડોકટર પણ એવું કહેતા હતા. જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો હું આપને ડ્રોપ કરી દઉં આપના ઘર સુધી..?' મૃણાલે નિકીની આંખોમાં જોઈને પ્રશ્ન કર્યો.
'નહીં, ઇટ્સ ઓલ રાઈટ, હું સ્વસ્થ છું હવે હું જતી રહીશ..' નિકી મૃણાલને જોતી રહી. 'Thank You so Much.. !' નિકીએ મૃણાલ સાથે ફરી હાથ મિલાવતા બોલી.
'આર યુ સ્યોર...?'
'યા..'
બન્ને જણા ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા.
નિકીને એમના એકટીવા સુધી મુકવા મૃણાલ પાર્કિંગમાં આવ્યો. બન્ને એકબીજા સામે જોતા રહ્યા અને સ્માઇલ કરી. નિકીએ પોતાનું એકટીવા સ્ટાર્ટ કર્યું. 'thank You again, અગર આજ તમે ના હોત ને તો ખબર નહીં શુ થાત...!' નિકી મૃણાલ સામે જોઇને બોલી..
મૃણાલ બસ નિકીના હાવભાવ જોતો રહ્યો. 'ચાલો બાય..' નિકી એક્ટિવાનું ધીરેથી લીવર માર્યું..
'એક મિનિટ પ્લીઝ..' મૃણાલે નિકીને પાછળથી અવાજ કર્યો.
નિકી ઉભી રહી. મૃણાલ નિકીના પાસે આવ્યો.
'મારા મનમાં એક પ્રશ્ન છે..!' મૃણાલ નિકીની આંખોમાં જોઈને બોલ્યો.
'હા, તો પૂછો પ્રશ્ન...!!'
'તમે સહીસલામત રીતે ઘરે પહોંચી ગયા છો એ મને કેમ ખબર પડશે..?' મૃણાલ નિકી સામે જોતો રહ્યો.
'એ તો કાલ હું ઓફિસે આવીશ તો તમને ખબર પડી જ જશે.' નિકી મનમાં હસતા બોલી.
મૃણાલનો ચહેરો પડી ગયો. એને બસ હકારમાં માથું હલાવ્યું અને આછું સ્મિત કરીને એ જવા લાગ્યો. નિકીએ મૃણાલને જતા અટકાવ્યો.
'અરે, તમે તો નારાજ થઈ ગયા..!, એ તો હું ઘરે પહોંચી જઈશ આરામથી અને જો છતાં તમને મારી ફિકર થતી હોય તો તમારો ફોન આપશો.. ?' નિકીએ મૃણાલની સામે સસ્મિત કરી બોલી.
મૃણાલે મોબાઈલ કાઢીને નિકીને આપ્યો. નિકીએ મૃણાલના ફોનમાં પોતાના નંબર ડાઈલ કર્યા. રિંગ વાગી. નિકીએ ફોન ફરી મૃણાલને આપી દીધો.
'હું ઘરે પહોંચીને આપને કોલ કરી દઈશ. thank you again..'
'thank You, take Care..' મૃણાલ જતો રહ્યો.
****

'હજુ એક ચા પ્લીઝ..' મૃણાલ ટેલબ પરના મોબાઈલ પર નજર નાખતા બોલ્યો.
છેલ્લા ૪૦ મિનિટ થયા મૃણાલ પોતાના લેપટોપમાં કૈક ટાઈપ કરી રહ્યો અને ફરી બેક સ્પેસ લગાવી રહ્યો હતો.
'સર, તમારી ચા..' બકાએ ચા ટેબલ પર રાખતા બોલ્યો.
મૃણાલ નો રોજનો આ નિયમ હતો. ઓફિસેથી છૂટીને એ સીધો ચા પીવા માટે કેફે પર જતો. રોજ ૧૫ મિનિટ એ નિયમિત રીતે કેફમાં બેસતો, એક ચા પીતો અને લેપટોપમાં કૈક લખતો.
મૃણાલે ટેબલ પડેલા મોબાઈલની સ્કિન પર નજર કરી. લેપટોપમાં સમય જોઈ નાખ્યો, ૭:૦૫ થવા આવી હતી. છેલ્લી ૪૦-૪૫ મિનિટ થયા એ કૈક વિચારી રહ્યો હતો. રોજ એક ચા ની જગ્યા એ આજ ૩ કપ ચા પી ગયો હતો. ૪ કપ ની ચા એને પીવાની શરૂ કરી. લેપટોપ શટ ડાઉન કર્યું. બીજા હાથમાં મોબાઈલ લીધો. લાસ્ટ ડાઈલ નંબર એને ડાઈલ કરવાનું કર્યા અને બીજા જ ક્ષણે અટકી ગયો. નિકી સલામત રીતે ઘરે પહોંચી તો ગઈ હશે ને..? રસ્તામાં કઈ અજુગતું તો નહીં થયું હોય ને..? અસંખ્ય વિચારો મૃણાલના મસ્તિષ્કને ઘેરી વળ્યાં. બીજે જ ક્ષણે મોબાઈલમાં રિંગ વાગી, મૃણાલે તરત કોલ રિસીવ કરી લીધો.
'હેલ્લો, હું સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગઈ છું, તમે ચિંતા ન કરતા અને હા થેન્ક્સ યાર અગેઇન.. ' નિકી સામે છેડેથી બોલતી રહી. મૃણાલ જસ્ટ એને સાંભળતો રહ્યો.
'હેલ્લો, આર યુ ધેર..? સાંભળી રહ્યા છો ને તમે મને...?
'હા,..પણ તમને જરાક વધારે સમય લાગ્યો તો... મને જરાક ચિંતા જેવું થયું....!' મૃણાલ ચા ભરેલ કપ ટેબલ પર મૂકીને અચકાતા અચકાતા ધીરેથી બોલ્યો.
'હા, હું પહોંચી ગઈ હતી તો ૨૦ મિનિટ પહેલા જ પણ ફ્રેશ થઈને તો... ' નિકી વાત અટકાવી દીધી.
'ઇટ્સ ઓકે..' મૃણાલ ધીરેથી બોલ્યો. બન્ને સાઈડથી બાય કહીને બન્ને જણાએ કોલ કટ કરી નાખ્યો.
મૃણાલે પોતાનું લેપટોપ બેગમાં નાખીને એ જરા સ્વસ્થ થયો. કાચના કપમાં અડધી ઠંડી થઈ ગયેલી ચા એક સાથે ગટગટાવી ગયો. એક જ વસ્તુનો સમય જતાં ટેસ્ટ કેટલો બદલી જાય છે એ મનમાં બબડયો. જિંદગી પણ ઠંડી ચા જેવી થઈ ગઈ છે. એ મનમાં બોલ્યો આજ વધારે સમય કેફેમાં બેસાય ગયું. આટલી ચા એક સાથે પહેલા ક્યારેય નથી પીધી. આજ કેમ મન બેચેની અનુભવતું હતું. કેફેની બહાર નીકળી એ બાઈક પર સવાર થયો અને બાઈક સડસડાટ ગતિથી રોડ પર દોડવા લાગ્યું.
એનું નામ હતું મૃણાલ - મૃણાલ દેસાઈ. પાંચ ફૂટ પાંચની હાઈટ. કાળા ભમ્મર થોડા સિલ્કી કહી શકાય એવા એના વાળ, લંબગોળ ચહેરો, એના ચહેરા પર સોંમ્યતા છલકતી હતી. ઘઉંવર્ણ સ્કિન પર એની આછી આછી ઊગી ગયેલી દાઢી એને આકર્ષતા બક્ષતિ હતી. એની આંખોમાં મેચ્યોરિટી સ્પષ્ટ જોઈ શકાતી હતી. બ્લ્યૂ કલરના જીન્સ અને વ્હાઇટ કલરના શર્ટમાં એના પહોળા ખંભાઓ એને વધારે સુંદર બનાવતા હતા. ઇનશર્ટ અને પગમાં શૂઝથી એકદમ સજ્જ લાગતો હતો. બહારથી એકદમ ઓવર સ્માર્ટ લાગતો હતો પણ અંદરથી એવો ન હતો કદાચ..! નિકી મનમાં બબડી. હું પણ આ શુ વિચારી રહી હતી. કોના વિચારોમાં ચડી ગઈ એને જસ્ટ એની ફરજ પુરી કરી એમની જગ્યા એ બીજું કોઈ હોય તો એ પણ એ જ કરે ને જે મૃણાલે કર્યું.. ? નિકીએ પોતાની જાતને પ્રશ્ન કર્યો. વાતાવરણમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.
****

ઘડિયાળમાં રાતના ૧૧:0૭ મિનિટ થઈ હતી. મૃણાલે ગરમ ચા ભરેલ કપ ઉઠાવ્યો અને બાલ્કનીમાં જતો રહ્યો. બહાર થોડીવાર પહેલા પડેલા વરસાદની ખુશ્બુ આવતી હતી. એને બાલ્કનીમાંથી આકાશ તરફ નજર કરી. આકાશ સ્વચ્છ લાગતું હતું. ઠંડો પવન એના માથાના વાળને એના કપાળ પર લઈ આવતો હતો. બાલ્કનીના ઝુલા પર એ બેઠો અને ચા ની ચૂસકી લગાવી અને બોલ્યો કશું સ્થિર નથી ભૂતકાળ સિવાય..! વીતી રહેલી એક એક ક્ષણ વર્તમાનને ભૂતકાળમાં પરિવર્તન કરી રહી છે. ભૂતકાળમાં જઇ ને જીવી શકાતું હોત તો...? એને ફરી ચા નો એક ઘૂંટ પીધી. હીંચકામાંથી આવતા ધીમા કિચડુંકના અવાજો આજ કર્કશ લાગી રહ્યા હતા.

અચાનક એમના મોબાઈલમાં નોટિફિકેશન આવી. મોબાઈલની ચાલુ થઈ ગયેલી સ્ક્રીન પર એને દૂરથી જોવાનો પ્રયત્ન કર્યો કશું સ્પષ્ટ ન ખબર પડી. એ ઉભો થયો અને બારી પર રાખેલ મોબાઈલ ઉઠાવ્યો. એને સ્કિન પર નજર કરી એ ચમક્યો અને બાકી રહેલી ચા ના કપને બારી પર છોડી દીધો.
નિકીનો ગુડ નાઇટ નો મેસેજ હતો. એને પણ વળતો ગુડ નાઇટનો રીપ્લાય કર્યો. બારી પર મૂકેલ કપની વધેલી ચા એક સાથે ગટગટાવી ગયો.
****

સવારના ૭:૧૫ મિનિટ થઈ હતી. મૃણાલ ઉઠીને એના નિત્યક્રમ કરવા લાગી ગયો. વાતાવરણમાં ઠંડક હતી. આકાશમાં આછા કાળા રંગના વાદળો ઘેરાઈ ગયા હતા. ક્યારેક વીજળીના ચમકારા થતા હતા. વરસાદ શરૂ થવાની તૈયારીમાં લાગતો હતો.
મૃણાલે પોતાનો મોબાઇલ હાથમાં લઈ નેટ ચાલુ કર્યું. એક હાથમાં અડધો ભરેલો ચા નો કપ હતો.. 'ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે..' મૃણાલના મોબાઈલની સ્ક્રીન પર નિકીનો મેસેજ દેખાયો.. એને મેસેન્જર ખોલ્યું. ઘણા બધાના મસેજીસ હતા. બધામાં પહેલા મૃણાલે નિકીનો મેસેજ ખોલીને એને વળતો ગુડ મોર્નિંગ નો મેસેજ કર્યો. એને બાજુ પર રાખેલ ચા ના કપ માંથી એક ઘૂંટ ચા પીધી. એને ફરી ટાઈપ કર્યું અને ઇરેઝ કરી નાખ્યું. એનાથી ન રહેવાયું એને ટાઈપ કર્યું. Hows your Heath ??'.. મસેજ સેન્ટ થઈ ગયો. એને મોબાઈલ મૂકી દીધો અને બધી ચા પી ગયો..
હવામાં એકદમ ભીની વરસાદની ખુશ્બુ આવી રહી હતી. મૃણાલે પોતાનું બાઈક ગેટની બહાર કાઢ્યું. હાથ પરની બાંધેલી વોચ પર નજર કરી. હજુ સવારના ૯:૩૦ થઈ હતી. ખબર નહીં આજ કેમ આટલું વહેલા તૈયાર થઈ જવાયું એ મનમાં બોલ્યો. એનાથી મોબાઇલ ચેક કરવાનું મન થયું. અને પોકેટમાંથી મોબાઇલ કાઢીને મેસેન્જર ખોલ્યું. નિકીએ હજુ મેસેજ ખોલીને જોયો ન હતો. સ્ક્રીન પર એક સાથે કેટલા બધા નામ સ્ક્રોલ થઈ ગયા પ્રિન્ટ થતા અક્ષરોની જેમ. એ હસ્યો અને એનું બાઈક ભીના રસ્તાઓ પર દોડવા લાગ્યું.

મૃણાલ રોજ કરતા આજ પંદર મિનિટ વહેલા ઓફિસે પહોંચી ગયો. આજ એને લીફટ કરતા સ્ટેપ ચડીને જવાની ઈચ્છા થઈ. એ પગથિયા ચડવા લાગ્યો. આજ પહેલી વાર ખબર પડી કે લિફ્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એ મનમાં હસ્યો. ૪ ફ્લોર પર આવીને એને લોબીની બન્ને તરફ નજર કરી. ઘણી બધી ઓફિસ ખુલી ગઈ હતી. હજુ ઘણી બંધ હતી, 'આમાંથી નિકીની ઓફિસ કઈ હશે..?' એના મનમાં વિચારોનું ઘમસાણ થઈ ગયું. એ થોબ્યો અને જતો રહ્યો.

ઘડિયાળમાં બપોરના ૩:૫૦ મિનિટ થઈ હતી. આજ મન કૈક બેચેની અનુભવી રહ્યું હતું. એને ઘણી વાર મોબાઈલમાં મેસેન્જર ખોલીને જોયું. નિકીએ હજુ મેસેજ ખોલીને જોયો ન હતો. એને કોલ કરવાની ઇચ્છા થઈ ગઈ પણ એને મનને વાળી લીધું. 'નિકી ની તબિયત સારી તો હશે ને..? ઓફિસે આવી હશે કે નહીં..?' મૃણાલના મનમાં પ્રશ્નોનું તોફાન ચાલવા લાગ્યું. મૃણાલ મોબાઈલ ટેબલ પર રાખવા જતો હતો ત્યાં મોબાઈલમાં text મેસેજ આવ્યો. મૃણાલ ચમક્યો.
ફ્રી થઈ શકો એમ છો તો મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે તો કેફે પર જઈએ. નિકીનો મેસેજ હતો. મૃણાલે મેસેજનો રીપ્લાય કરી દીધો.
****

બને જણા સામ સામે કેફેના સોફા પર બેઠા. નિકી મૃણાલની આંખોમાં જોતી રહી. કેટલી નિખાલસતા છલકતી હતી એની આંખોમાં. કેટલો સહજ અને શાંત લાગતો હતો. બન્ને જણા બસ એક બીજાને જોતા રહ્યા. આઈસ્ક્રીમ આવી. 'ઓહ, હલ્લો, ક્યાં ખોવાઈ ગયા.. ?' નિકીએ મૃણાલના ચહેરા સામે હાથ હલાવતા બોલી.
મૃણાલ ચૂપ હતો, એના હોંઠ પર એક સ્મિત ફરી વળ્યું.
'તમારી તબિયત કેમ છે..?' મૃણાલ આઈસ્ક્રીમ મોઢામાં મુકતા બોલ્યો.
'એકદમ મસ્ત, તમારી સામે જ તો છું..' નિકી તોફાની સ્માઈલ કરીને બોલી.
૫ મિનિટ પછી બન્ને જણા રિલેક્સ થઈ ગયા. મૃણાલ અને નિકીએ ઘણી બધી વાતો કરી. લસ્સી ઓર્ડર થઈ. લસ્સી પીતા પીતા બન્ને જણા હળવા થઈ ગયા. નિકીના ચહેરા પર આજ ગજબની સ્માઈલ હતી. મૃણાલ પણ આજ કંઈક અલગ મિજાજમાં હતો. બન્ને જણા કેફેની બહાર આવ્યા. સુંદર મજાની સ્માઈલ સાથે બન્ને જણા છુટા પડ્યા.
****

એક મહિનો જતો રહ્યો. નિકી ને મૃણાલ રોજ કોઈકને કોઈક બહાને કેફેમાં મળતા. કલાકો સુધી મેસેજમાં વાતો થવા લાગી. મૃણાલ નિકીના દરેક કામમાં હેલ્પ કરતો. નિકીના દરેક પ્રોબ્લેમના સોલ્યુશન મૃણાલ પાસે હંમેશા રહેતા. મૃણાલ હમેશા નિકીને મોટિવેશન આપતો. નિકીને કઈ પણ કામ હોય ત્યારે મૃણાલને યાદ કરતાની સાથે મૃણાલ હાજર થઈ જતો. મૃણાલને નિકીની કેર કરવી ગમતી હતી. એ હમેશા નિકીનો ખ્યાલ કરતો. એને હૂંફ આપવાનો પ્રયત્ન કરતો. નિકી ક્યારેક ઉદાસ થઈ જાય તો મૃણાલ એને હસાવી એનું બધું જ ટેંશન હળવું કરી દેતો. નિકીએ મૃણાલને આકાશ વિશે કહી દીધું. મૃણાલને નિકીના પાસ્ટ સાથે કઈ જ મતલબ ન હતો. નિકી મૃણાલને ન મળે તો એ બેચેન થવા લાગતી. મૃણાલને પણ હવે નિકીની કંપની ગમવા લાગી હતી. ધીરે ધીરે નિકી મૃણાલની આદત બનવા લાગી હતી. નિકી ક્યારેક મૃણાલના મેસેજ જોઈને એને રીપ્લાય ન આપતી તો મૃણાલ બેચેન થવા લાગતો. ધીરે ધીરે સમય વીતતો ગયો. પુરા ૩ મહિના પછી મૃણાલથી એક દિવસ ન રહેવાયું. એ ઘણીવાર આડકતરી રીતે નિકીને પ્રેમ કરવા લાગ્યો છે એવું કહેવાનો પ્રયત્ન કરતો પણ નિકી એને સમજવા પ્રયત્ન ન કરતી. એક દિવસ મૃણાલે નિકીને પ્રપોઝ કર્યું. નિકી મૃણાલને વળગી પડી અને નિકીએ મૃણાલનો પ્રેમ સ્વીકારી લીધો.

૫ મહિના વીતી ગયા હતા નિકી સાથે. આ વીતેલા ૫ મહિનામાં મૃણાલ ને નિકી દિલ ફાડીને જીવ્યા હતા. મૃણાલ નિકીની બધી જ ઈચ્છાઓ પૂરી કરતો. નિકી ગુસ્સે થતી તો એને શાંત પાડીને એને સમજાવતો. નિકી અને મૃણાલને ઘણી વાર લોન્ગ દ્રાઈવ પર ચાલ્યા જતા. નિકી બાઈક દ્રાઈવ કરતી અને મૃણાલ એને પાછળથી વળગીને બેસી જતો. મૃણાલને નિકીનું રોજ રૂબરૂ મળવાનું મોસ્ટલી ફિક્સ જ રહેતું. મૃણાલ જયારે પણ નિકીને મળતો ત્યારે નિકીની છાતી પર કાન રાખીને એના ધબકારા સાંભળતો. જ્યાં સુધી મૃણાલ નિકીનું ધક ધક ન સાંભળતો ત્યાં સુધી મૃણાલને ચેનનો પડતું. નિકી પણ મૃણાલને ભેટીને મૃણાલનું માથું એના ઉરજો પર ઢાળી દેતી.

ઘણી વાર સહજ લાગતી આ છોકરી ક્યારેક ઉકેલી ન શકાય એવા પ્રશ્ન જેવી લાગતી હતી. મૃણાલે ફરી મેસેન્જર ઓપન કરીને જોયું. છેલ્લા એક કલાક થયા નિકી ઓનલાઈન હતી પરંતુ એને મૃણાલના મેસેજ જોયા ન હતા. મૃણાલની ધડકનો ધીરે ધીરે તેજ થવા લાગી. રાતના ૧૧ વાગવાની તૈયારીમાં હતા. એને સિગરેટનું પેકેટ હાથમાં લઈ એક સિગરેટ સળગાવી. પૂર્ણિમાની રાત હતી. આકાશ સ્વચ્છ લાગી રહ્યું હતું. બાલ્કનીના ઝુલા પર એ બેસી ગયો. એને સિગરેટની હોંઠ પર લગાવી એક ઊંડો શ્વાસ ભર્યો. આંખોની સામે ધુમાડાના ગોટા છવાઈ ગયા. જિંદગી પણ સગળતી સિગરેટ જેવી હતી. ક્ષણે ક્ષણે ઓછી થઈ રહી હતી. અચાનક મોબાઈલમાં મેસેજ રણક્યો. મૃણાલે મોબાઈલ હાથમાં લઈ જોયું.
'સોરી, યાર, આકાશ સાથે વાત કરી રહી છું. થોડી વાર પછી તારી સાથે વાત કરું..'
'ઓકે..' મૃણાલે જવાબ ટૂંકાવ્યો.
આખી રાત મૃણાલને ઊંઘ ન આવી. એ પડખા ફેરવતો રહ્યો.
****

આકાશ અને અદિતિ વચ્ચે નારાજગી અને ઝઘડા ચાલતા હતા તેથી આકાશ ફરીથી નિકી પાસે પાછો ફર્યો હતો. આકાશે નિકીની માફી માંગી. નિકીએ આકાશને માફ કરી દીધું. હવે પહેલાની જેમ આકાશ અને નિકી રોજ કલાકો સુધી ફોન પર મેસેજ વાતો કરવા લાગ્યા. આ તરફ મૃણાલ અને નિકી રોજ કેફેમાં મળતા. આકાશ સાથે વાત કરતી હોય ત્યારે નિકી મૃણાલને જવાબ ન આપતી. મૃણાલ નિકીના જવાબનો રાહ જોઇને બેસી રહતો. મૃણાલ ઘણી વાર નિકીને આકાશ વિશે વાત કરતો ત્યારે નિકી એ વાત ને ઇગ્નોર કરી દેતી.

સાંજના ૪ વાગ્યા હતા. કેફેમાં નીરવ શાંતિ હતી. મૃણાલ અને નિકી બાજુ બાજુમાં બેઠા હતા. મૃણાલ ચૂપ હતો. નિકી પણ ચૂપ હતી. કોફી આવી. મૃણાલે કોફીનો કપ ઉપાડ્યો. એક ઘૂંટડો મોઢામાં ભરેલ રહ્યો. મૃણાલે માંડ કરીને કોફીને ગળે ઉતારી. મૃણાલે શાંતિ ભંગ કરવાનો પ્રત્યન કર્યો.
'નિકી...,' આટલું બોલતાની સાથે મૃણાલના ગળે ડૂમો ભરાઈ ગયો. હાથમાના કોફીના કપને મૃણાલે ટેબલ પર રાખી દીધો. નિકી મૃણાલની સામે જોતી રહી. થોડી વાર શાંતિ રહી. મૃણાલના ચહેરા પર પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયા, એ જરા સ્વસ્થ થયો.
'નિકી, તારે મારા કે આકાશ બે માંથી એક ને છોડી દેવો જોઈએ. મેં ક્યારેય તને એમ નથી કીધું કે તું આકાશને છોડી દે, પણ આ રીતે મારી લાગણીઓ હર્ટ કરવી યોગ્ય નથી. મને ખુબ જ પેઈન થાય છે..' મૃણાલ એક સાથે બોલી ગયો. એને રૂમાલથી પોતાના ચહેરાના સાફ કર્યો.
નિકી થોડી ક્ષણ માટે કશું જ બોલી નહીં. 'જવાબ આપ પ્લીજ, હું આ ખામોશીને સહન કરી શકું એમ નથી..!' મૃણાલ નિકીનો હાથ પકડતા બોલ્યો.
'હું તમને બે માંથી એક પણ ને છોડી શકું એમ નથી.. મારે તમે બન્ને જોઈએ છો.'
'પ્રણય ત્રિકોણ ક્યારેય મને કે તને શાંતિ નહિ આપી શકે..!'
નિકી પોતાના કપની બધી જ કોફી એક સાથે પી ગઈ.
'તારે મને છોડી દેવો જોઈએ... હું તો તને છોડી શકું એમ નથી પણ તું તો મુક્ત છો.. !' મૃણાલની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. નિકી મૃણાલને વળગી પડી અને રડવા લાગી. ફરીથી કેફેમાં નીરવ શાંતિ છવાઈ ગઇ. મૃણાલે નિકીના માથા પર હાથ ફેરવ્યો. નિકીના આંખમાંથી સરકતા આંશુ મૃણાલ પી ગયો. મૃણાલે નિકીના કપાળ પર ચુંબન કર્યું.
'વાત સમજવાની છે ડિયર, આપણી વચ્ચે જે કઈ થઈ રહ્યું છે, એ બરાબર નથી.' મૃણાલ નિકીના માથા પર હાથ ફેરવતા બોલ્યો. 'હું તને પ્રેમ કરું છું યાર, તે મારા પ્રેમનો સ્વીકાર કર્યો છે તો પછી તારે મને લોયલ બનીને રહેવું જોઈએ.' મૃણાલના ગળે ડૂમો ભરાઈ ગયો. મૃણાલ નિકીની છાતી પર માથું મૂકીને રડવા લાગ્યો. કેફેમાં સન્નાટો છવાઈ ગયો.
બન્ને જણા કેફમાંથી બહાર નીકળ્યા અને છુટા પડ્યા.
****

મૃણાલે આંખો ઉઘાડવાનો પ્રયત્ન કર્યો. બાજુમાં પાણી ઢોળાયેલું હતું. મૃણાલે ચારે બાજુ નજર કરી પોતે બેડરૂમમાં ફર્સ પર પડ્યો હતો. એને એક હાથના ટેકાથી જમીન પર બેઠા થવા પ્રયત્ન કર્યો. એ બેઠો થઈ ગયો. લાઈટ ઓન કરી. ઘડિયાળમાં ૩:૩૦ મિનિટ થઈ હતી. મૃણાલનું આખું શરીર કંપન કરી રહ્યું હતું. એને પાણીની બોટલ મોઢે માંડી, ઘણું ખરું પાણી એના શરીર પર ઢોળાઈ ગયું. એના હાથ ધ્રુજી રહ્યા હતા. એનું હૃદય ભરાઈ ગયું. હૃદયમાંથી એક ચીસ નીકળી અને શાંત થઈ ગઈ. જળ વગરની માછલીની જેમ મૃણાલ જમીન પર તરફળીયા મારી રહ્યો હતો. હૃદયમાંથી એક આહ નીકળી અને મૃણાલ બે હાથ પહોળા કરીને ફરી ઢળી પડ્યો.

છેલ્લી કેટલીક રાતોના જાગરણને કારણે મૃણાલની આંખો લાલ થઈ ગઈ હતી. એની આંખોમાં થાક સ્પષ્ટ જોઈ શકાતો હતો. એ અસ્વસ્થ લાગતો હતો. બન્ને હાથથી આંખોને ચોળીને એને ઘડિયાળમાં જોવાનો પ્રયત્ન કર્યો. ટાઈમ સવારના ૭:૩૨ મિનિટ થઇ હતી. એ આખી રાત બેડરૂમની ફર્સ પર અર્ધમૂર્છિત અવસ્થામાં આળોટતો રહ્યો. ઊંઘ આવે એમ ન હતી. એ બેઠો થઈ ગયો. નિત્યક્રમ પતાવી એને માનસિક સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. હાથમાં ચા નો કપ લીધો એના હાથ હજુ કંપન કરી રહ્યા હતા. એને ચા પીવાની ટ્રાય કરી અને એક ઘૂંટ પી અને એને કપને સાઈડમાં મૂકી દીધો. મનમાં હજારો વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. લાગણીઓ બેશુદ્ધ બની ગઈ હતી. દિશાહીન થઈ ગયેલી લાગણીઓ ભાવશૂન્ય બને એ પહેલાં એનો યોગ્ય ઉપચાર થાય એ આવશ્યક છે..

મૃણાલે ટેબલ પર રાખેલું પરબીડિયું ઉપાડ્યું, રાતે લખેલ કાગળને એને બહાર કાઢ્યો. ઝડપભેર એ ફરીથી પૂરો કાગળ વાંચી ગયો. ફરીથી કાગળને પરબીડિયામાં બીડી દીધો. પરબીડિયાને શર્ટના ઉપરના ખિસ્સામાં રાખી એ તૈયાર થઈ ઘરની બહાર નીકળી ગયો.

મૃણાલ ઓફિસે વહેલા પહોંચી ગયો હતો. એને ૪ ફ્લોર પર લિફ્ટ થંભાવી. લિફ્ટની બહાર નીકળી એને ડૉ. વિશાલ ભરદ્વાજના ક્લિનિક પર નજર કરી. એને ફરી પાછળ ફરીને લિફ્ટ તરફ જોયું. એ મનના હસ્યો. આ એજ જગ્યા હતી અને એજ ક્લિનિક હતું જ્યાં નિકી સાથે પહેલી મુલાકાત થઈ હતી. એ ભૂતકાળ ખંખેરી વર્તમાન તરફ આગળ વધ્યો. નિકીની ઓફિસ ખુલી ગઈ હતી. નિકીના આવવાની હજુ વાર હતી. એને ગજવામાંથી પરબીડિયું કાઢીને ઓફિસમાં આવેલ ભૂમિને કવર આપી દીધું અને નિકીને આપવાનું કહ્યું. એનો સ્વર જરા થોથરાઈ ગયો, એ સ્વસ્થ થતા બહાર આવી ગયો.
****

'નિકી, તારું કવર આવ્યું છે. કોઈક હતું જે તને આ કવર આપવાનું કહી ગયું છે.. ' ભૂમિએ નિકીના હાથમાં કવર આપતા બોલી.
'મારુ કવર,...!' નિકીએ આશ્ચર્યથી પૂછ્યું. દિશા કવર આપીને જતી રહી. નિકીએ કવર ખોલ્યું. અંદરથી કાગળ બહાર કાઢ્યો. 'મૃણાલ...!' એ મનમાં બોલી ઉઠી.
'પ્રિય, નિકી...' થી એને ધીરે ધીરે મૃણાલનો પત્ર વાંચવાનું શરૂ કર્યું. એના હૃદયની ધડકનો તેજ થવા લાગી હતી. એના વાંચવાની ગતિ વધવા લાગી અને ફટાફટ એ આખો પત્ર બે વાર વાંચી ગઈ. એની આંખોમાં આંશુ આવી ગયા. આંખમાંથી છલકતું પાણી મૃણાલના પત્ર પર પડ્યું. એને ઝાંખી થઈ ગયેલી દ્રષ્ટિથી પત્રની ભીનાશ લૂછવાની ટ્રાઈ કરી. નિકી હીબકાં ભરવા લાગી. આજ મૃણાલ નહતો અત્યારે એની પાસે નહિતર એના આંશુ એ એના ગાલ પરથી એ પી જતો. એને ચેહરાને રૂમાલથી સાફ કર્યો. આજ કેટલી બધી અસમંજસ વચ્ચે ઘેરાઈ ગઈ હતી. મગજને કશું સૂઝતું ન હતું. કોને છોડી શકાય એમ હતું...? પહેલો પ્રેમ કે બીજો પ્રેમ ? પહેલો પ્રેમ પૂર્ણ હતો તો બીજો પ્રેમ થયો જ કેમ..? પહેલા પ્રેમે પ્રેમ કરતા શીખવ્યું હતું, બીજા પ્રેમ એ પ્રેમ નિભાવતા શીખવ્યું હતું. ૪ વર્ષમાં જેટલું આકાશ સાથે નહોતું જીવ્યું એનાથી વધારે ૬ મહિનામાં મૃણાલ સાથે જીવ્યું હતું. ૪ વર્ષમાં જેટલી વાર આકાશને રૂબરૂ મળી ન હતી એનાથી વધારે વાર ૬ મહિનામાં મૃણાલને મળી હતી. જ્યારે મનથી તૂટી ગઈ હતી ત્યારે મૃણાલે જ મને સંભાળી હતી. એ હમેશા મારો પડછાયો બનીને જીવ્યો હતો. કોને છોડી શકાય એવું હતું...? નિકીનું મગજ ભૂતકાળને ખૂંદી વળ્યું. એનું અંતરાત્મા એનો જવાબ જાણતા હતા. મગજમાં સતત તોફાન ચાલવા લાગ્યું. એ શાંત થવાનું નામ ન લેતું હતું. નિકીએ ટેબલ પર પડેલી પાણીની બોટલમાંથી ઘણું બધું પાણી પી લીધું. એના હૃદયના ધબકારાની ગતિ મંદ પડવા લાગી. એને આંખો બંધ કરીને એ મૃણાલના પત્ર પર ઢળી પડી.
****

સાંજ પડવાની તૈયારીમાં હતી. પક્ષીઓની કીકીયારીથી આખું વિલ્સન ગાર્ડન ગુંજી રહ્યું હતું. ઘણા બધા લોકો અને બાળકો ગાર્ડન ઝુલાઓ પર હિંચકા ખાઈ રહ્યા હતા. ૪-૫ વૃદ્ધ લોકો થોડા દૂરની પાટલીઓ પર ઘેરો વળીને વાતો કરી રહ્યા હતા. વાતાવરણમાં ખૂબ ઠંડક લાગતી હતી. ઉપરથી એક સફેદ પક્ષી આવીને મૃણાલના બાજુની પાટલી પર બેસી ગયું. મૃણાલ એની સામે જોતો રહ્યો. કેટલો બધો તફાવત છે મનુષ્યની જિંદગી કરતા પશુ પંખીની જિંદગીનો. એ મનમાં હસ્યો. એને ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને સમય જોયો. ઘડિયાળમાં ૫:૧૩ મિનિટ થવા આવી હતી. નિકીએ ૫ વાગે મળવા આવવાનું કીધું હતું. ૫ ને માથે ૧૩ મિનિટ થવા આવી હતી. ઘડીભર વિચાર આવ્યો કે ફોન કરીને પૂછું ક્યારે આવે છે..? એને વિચારને ત્યાંજ મારી નાખ્યો. 'શા માટે આ રીતે અહીંયા ગાર્ડનમાં બોલાવ્યો હશે.. ? લેટર વાંચી લીધો હશે.. ? શુ જવાબ આપશે.. ? શું મને છોડી ને જતી રહશે..?' મૃણાલના મનમાં ગાર્ડનમાં કીકીયારી કરી રહેલા પંખીઓ જેટલા સવાલો એના મનને ઘેરી વળ્યાં હતા.
'મૃણાલ....ક્યાં ખોવાઈ ગયો..?' નિકી મૃણાલ સામે હાથ ફેરવતા બોલી.
મૃણાલ એની તંત તોડી બહાર આવ્યો. મૃણાલના ચહેરા પર કોઈ સ્માઈલ ન હતી. નિકી પણ ઉદાસ લાગતી હતી. મૃણાલે નિકીને બેસવા કહ્યું. આજ બન્ને જણા એક બીજાને ગળે ન મળ્યા. નિકી મૃણાલની બાજુમાં બેન્ચ પર ગોઠવાઈ. પક્ષીઓના અવાજ સિવાય બીજો કોઈ અવાજ ન હતો. બન્ને એક બીજાને સામે જોયું. કોઈ કશું બોલ્યું નહી. ૨-૩ મિનિટ સુધી બન્ને મૌન રહ્યા.
મૃણાલે મૌન તોડ્યું. શા માટે અહીં બોલાવ્યો છે કહીશ..?
નિકી ચૂપ રહી. મૃણાલે ફરી પૂછ્યું. ફરી નિકી કઈ જ ન બોલી.
'નિકી આજ તારે તારો આખરી નિર્ણય કરવો પડશે. હું વધારે આ પરિસ્થિતિ માં રહીશ તો હું નહીં જીરવી શકું, આખરે હું પણ એક માણસ છું, મારા અંદર પણ એક ધબકતું હદય ધડકે છે. જેને પીડા થાય છે તારા ઇગ્નોર કરવાથી.. તારા પ્રાયોરિટીમાં ન આવવાથી..!, મારા ઇમોશનને સમજવાની ટ્રાય કર.. ક્યાં સુધી તું આ રીતે સત્યને છુપાવીને ફરતી રહીશ..? ક્યાં સુધી તું આ રીતે બે વ્યક્તિને પ્રેમનો ન્યાય આપતી રહીશ..? તારો આત્મા તને આ વસ્તુ કરવાની પરવાનગી આપે છે..?' મૃણાલ નિકી સામે જોઇને એક સાથે આટલું બધું બોલી ગયો.
'નિકી, જવાબ આપ..!' મૃણાલનો અવાજ ગળગળો થઈ ગયો.
'તું આકાશ ને છોડી શકે એમ છે..?' મૃણાલે નિકીનો હાથ પકડીને પૂછ્યું.
'નહીં...' નિકી બોલી.
મૃણાલ નિકીનો હાથ છોડાવતા બોલ્યો. 'તો તારે મને છોડી દેવો છે એમ ને..?' આટલું સાંભળતાની સાથે નિકી જોર જોરથી રડવા લાગી. મૃણાલને સમજાતું ન હતું. એને શુ કરવું જોઈએ આ પરિસ્થિતિમાં.
'નિકી, તું મુક્ત છે, ક્યારેય કોઈ પણ વ્યક્તિને પ્રેમના બંધનમાં જબરદસ્તી બાંધી શકાતી નથી, તું ખુશ રહેજે. અને ભૂલી જજે કે તારી લાઈફમાં કોઈ મૃણાલ આવ્યો હતો. કદાચ મને પ્રેમ કરતા ન આવડ્યું તને..!' મૃણાલે નિકીના માથા પર હાથ ફેરવ્યો. 'તું તારું ધ્યાન રાખજે અને ખુશ રહેજે..' આટલું બોલતાની સાથે મૃણાલનું હૃદય ભરાઈ ગયું. એની છાતી ભારે થઈ ગઈ, એના ચહેરા પર ખાલી ચડવા લાગી. એ રડવા લાગ્યો. એની આંખોમાંથી આશુ એના ગાલ પર ફરી વળ્યાં., મૃણાલ બેશુદ્ધ થવા લાગ્યો, અને ત્યાં ઢળી પડવાની તૈયારીમાં હતો. મૃણાલનું શરીર ઠંડુ પડી ગયું. એ પાણી પાણી કરવા લાગ્યો. નિકીએ પોતાના પર્સમાંથી પાણીની બોટલ કાઢીને મૃણાલને આપી. મૃણાલે પોતાના ખાલી ચડી ગયેલા ચહેરા પર પાણીની છાલક મારી અને એક ઘૂંટડો પાણી પી ગયો. મૃણાલનું બ્લડ પ્રેસર ઘટી ગયું, એને ઊંડો એક શ્વાસ ભર્યો અને ગાર્ડનની બેન્ચ પર માથું રાખીને આખો બંધ કરી દીધી. નિકી એકદમ શાંત થઈ ગઈ હતી. બે હૈયાઓ એક બીજાથી દૂર થઈ જવાની વાતથી રડી પડ્યા હતા. નિકી મૃણાલને છોડીને જતી રહી. ૫ મિનિટના સન્નાટા પછી મૃણાલ ઉભો થઈને જતો રહ્યો.
****

રાતના ૨:૫૭ મિનિટ થવા આવી હતી. મૃણાલ ટેરેસ પર બે હાથ ખુલ્લા કરીને આકાશના તારાઓ સામે જોઈ રહ્યો હતો. અચાનક એના મનમાં વિચાર આવ્યો. હું શા માટે આખી રાત જાગી રહ્યો છું...? એ ટેરેસ પર નીચે બેસી ગયો અને બાજુમાં ચાલુ પડેલ લેપટોપ પર એને ટાઈપ કર્યું. "હું આખી રાત નથી જાગતો. આખી રાત મારામાં જાગે છે અને હું કેવળ તારામાં જાગુ છું. આંખો પર ઘસાઈ ગયેલ ચશ્માંના કાચમાંથી એક ધૂંધળી થઈ જતી તસવીરને સાફ કર્યા કરું છું. યાદો પર ઘસરકા નથી થવા દેતો એ પૂર્ણ રૂપથી તારામાં ઓતપ્રોત છે. નાની આંખો ઘણું જોઈ શકે છે. મોટા થયા પછી આંખો ઘણું સમજી જતી હોય છે. લાગણીઓ છૂટી મૂકી છે અને એ તારા પર આવીને અટકી જાય છે. આંખોને ઉજાગર કરવા શુકામ ગમે છે..? કારણ કે તમારાથી પ્રેમ છે..મન વેચેન થવા લાગે છે તારા વગર.. હૃદયના ધબકારા વધી જાય છે.. આખો આખી રાત જાગે છે.. તારો અવાજ સાંભળવા કાન તરસી જાય છે.. તને જોયા રાખવાનું મન થાય છે.. તું ગુસ્સો કરે તો પણ પ્રેમ કરવાનું મન થાય છે."
આજ પણ નિકીએ મૃણાલને ઇગ્નોર કર્યો. બધું જતું કરીને નિકી જતી રહી હતી. હવે માત્ર નિકીની યાદો હતો એમની સાથે. એની સાથે વિતાવેલ દિવસો, યાદો, લાગણી, પ્રેમ આ બધું જ ભૂલી ગઈ નિકી.. એના મનમાં પ્રશ્ન થયા. મૃણાલે આખી રાત ટેરેસ પર આમ તેમ આંટા માર્યા અને રાત જતી રહી.
બીજી તરફ આકાશ અને નિકી ફરી કલાકો સુધી મેસેજ અને કોલમા વાતો કરવા લાગ્યા. આ તરફ મૃણાલની તબિયત ખરાબ થતી જતી હતી. થોડા દિવસો આ રીતે જતા રહ્યા.
એક દિવસ અચાનક રાતના ૧૧ વાગ્યાની આસપાસ આકાશ અને નિકી મેસેજથી વાતો કરી રહ્યા હતા. અચાનક આકાશના મોબાઈલમાં અદિતિનો મેસેજ દેખાયો. આકાશે અદિતિનો મેસેજ વાંચ્યો. 'આકાશ, હું પાછી આવી રહી છું તારી પાસે, મને માફ કરી દે પ્લીઝ...!' આકાશે અદિતિ મેસેજ જોઈને ઉત્સાહિત થઈ ગયો.
'તારા વગર હું બેબાકળો બની ગયો છું, અદિતિ કશું જ સૂઝતું નત હતું.' આકાશે નિકીની મેસેજ ઇન્ગોર કરીને અદિતિ સાથે ચેટ કરવા લાગ્યો.
બીજી તરફ અદિતિ આકાશનો મેસેજની રાહ જોઇને બેઠી હતી.
'આકાશ, ક્યાં જતો રહ્યો...?' નિકીએ આકાશને ઘણા બધા મેસેજ કર્યા. આકાશ ઓનલાઈન હતો છતાં નિકીના મેસેજનો જવાબ નહોતો આપી રહ્યો. નિકી ગુસ્સે થઈ, એને આકાશને કોલ કર્યો, આકાશે કોલ કટ કરી નાખ્યો. નિકીએ ઘણી વાર કોલ કરવાની ટ્રાય કરી પણ દર વખતે આકાશે નિકીનો કોલ કટ કરી નાખતો. નિકીએ ક્યારની આકાશની રાહ જોઇને બેઠી હતી. આકાશ ઓનલાઈન હોવા છતાં અચાનક નિકીને જવાબ આપતો બંધ થઈ ગયો. નિકી એક કલાક સુધી ઓનલાઈન રહી, અંતે એ મોબાઈલ મૂકીને રડવા લાગી. એની આંખો ભરાઈ ગઈ. એને મૃણાલની યાદ આવવા લાગી. કાશ મૃણાલ અત્યારે એની સાથે હોત તો એ એને વળગીને રડી શકત. આખી રાત નિકીને સરખી ઊંઘ ન આવી અને સવાર પડી ગઈ.
નિકીએ સવારમાં મોબાઈલ હાથમાં લઈને જોયું. રાતના ૧ વાગ્યાનો આકાશનો ઓન્લી ગુડ નાઈટનો મેસેજ હતો. એનું હ્ર્દય ભરાઈ ગયું.
****

મૃણાલની તબિયત હવે થોડી સારી હતી. હા, હજુ એ નિકીને ભુલાવી શક્યો ન હતો. એ નિકીને ભુલાવી શકે એવું શક્ય ન હતું. એને સવારનો પોતાનો નિત્યક્રમ પતાવ્યો. આજ હોલી ડે હતો. એ ફ્રેશ થઈને બાલ્કનીમાં બેઠો. એના એક હાથમાં ચા નો કપ હતો. એક હાથમાં મોબાઈલ હતો. એને મોબાઇલને ઝુલા પર રાખી દીધો. વાતાવરણ એકદમ ઠંડુ લાગતું હતું. બાલ્કનીમાં ૨ ચકલીનો ચી ચી નો અવાજ આવી રહ્યો હતો. એને કપની ચા પીવાનું શરૂ કર્યું, ત્યાં એના મોબાઈલમાં એક મેસેજ દેખાયો.
'મૃણાલ, હું આવું છું તારી પાસે પાછી, તારી નિકી બનીને... સોરી યાર, હવે હું તને મૂકીને ક્યારેય નહીં જાઉં. હું ઓન્લી તારી જ છું મૃણાલ..!' મૃણાલના આંખોમાં એક ગજબનું તેજ આવી ગયું. થોડી ક્ષણો માટે એને એક સપના જેવું લાગ્યું પણ ખરેખર નિકીનો મેસેજ હતો. મૃણાલની ખુશીનો પાર ન રહ્યો. એ બસ બાલ્કનીમાં હાથ ફેલાવીને ખુલ્લા આકાશ સામે જોઈ રહ્યો.
ફરીથી મૃણાલને નિકી રોજ કેફેમાં મળવા લાગ્યા. ક્યારેક બન્ને લોન્ગ દ્રાઈવ પર જતાં તો ક્યારેક નિકી મૃણાલને પોતાના હાથથી ખવડાવતી. નિકીની દરેક ખ્વાહિશ મૃણાલ પુરી કરતો.
'મૃણાલ, મેં આકાશ સાથેના સંબંધોને પૂર્ણવિરામ આપી દીધું છે, હવે હું ઓન્લી તારી જ છું..!' આટલું બોલતાની સાથે નિકી મૃણાલને વીંટળાઈ પડી અને મૃણાલ નિકીના માથા પર હાથ ફેરવ્યો અને કપાળ પર ચુંબન કર્યું.
મૃણાલ કશું બોલી શક્યો નહીં, એ બસ નિકીની આંખોમાં જોતો રહ્યો. અને ફરી નિકીની છાતી પર માથું ઢાળી દીધું એને નિકી મૃણાલના વાળ પર હાથ ફેરવવા લાગી..
****

૧ મહિના પછી..
'નિકી, હું તારી રાહ જોઈ રહ્યો છું, હું તારી રાહ જોઇશ..' મૃણાલે નિકીને મેસેજ કર્યો.
'ના જોતો તું રાહ..' નિકીએ એક કલાક પછી મૃણાલના મેસેજનો જવાબ આપ્યો.
મૃણાલ નિકીને હજુ કઈ ટાઈપ કરીને કહે એ પહેલાં નિકીનો 'ગુડ નાઈટ, સુઈ જા..' નો મેસેજ આવ્યો. નિકી જતી રહી. એ આખી રાત મૃણાલને ઊંઘ ન આવી. એની આંખોમાં વિષાદના વાદળો ઘેરાઈ ગયા. એના હૃદયના ધબકારાની ગતિ મંદ પડવા લાગી એ અને એ ફર્સ પર ઢળી પડ્યો.
એ આવી જતી રહી, ફરી આવી ને ફરી જતી રહી...!
પ્રેમ અર્ધ-પ્રેમ ન હોઈ શકે. કોઈમાં સંપૂર્ણ પણે ઓગળી જવુ એ પ્રેમનો એક પ્રકાર જ છે.. મૃણાલે ધોધમાર વરસતા વરસાદ તરફ નજર કરી પાંપણો ઢાળી દીધી..

બીજે દિવસે સવારે નિકીના ટેબલ પર એક કવર પડ્યું હતું. નિકીએ કવર ખોલીને જોયું.
અંદરના પત્રમાં મૃણાલે લખ્યું હતું. "નાનું બાળક મેળામાં કોઈની આંગળી છોડીને ખોવાઈ ગયુ હોય એમ મારી રડમસ આંખો તને આખા શહેરમાં શોધ્યા કરશે અને તું ક્યાંય નહીં મળે..! મળશે તો કેવળ અને કેવળ તારી યાદો, તું મને ભુલાવી શકીશ પણ મારી સાથે વિતાવેલ સમયને કેમ ભુલાવીશ.. ! તું મને છોડીને જતી રહી છે, પણ તું તને ક્યારેય નહીં છોડી શકું...!
તારો અને માત્ર તારો જ મૃણાલ.."
નિકીના આંખમાંથી આશુના ટીપા ટેબલ પર રાખેલી ચા પર પડ્યા અને હદયે એક ક્ષણ માટે શ્વાસ છોડી દીધો..
સમાપ્ત.

લેખક - દિપેશ ખેરડીયા