22 Single - 2 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ - 2

રીંગણ-બટેકાનું શાક

“હેલ્લો....”

“હેલ્લો, મમ્મી. હર્ષ બોલું છું. બોલ ને રીંગણ બટેકા નુ શાક કઈ રીતે બનાવાનું.”

મમ્મીના સમજાવ્યા પ્રમાણે હર્ષે રીંગણ બટેકાનું શાક બનાવ્યું અને પોતાના whatsapp, instagram પેજ ઉપર story શેર કરી. તરત જ એની એક કલાસમેટ તાન્યા નો મેસેજ આવ્યો.

“wow, yummyy, plz, can i come too?”

બસ, હર્ષનું તો પેટ જ ત્યાં ભરાઈ ગયું.

તાન્યા : “btw, શેનું શાક છે?”

હર્ષ : “રીંગણ-બટેકા.”

અને તરત જ તાન્યા whatsapp માં offline થઇ ગઈ.

***

હા હા, રીંગણ બટેકા ના શાક સાથે જાણે બધા ને જ પ્રોબ્લેમ છે. હર્ષના બીજા બે-ત્રણ મિત્રોએ તો ગાળ દઈને કીધું કે, એન્જીનીયર બનીને મશીન બનાવાની જગ્યા એ રીંગણ-બટેકા બનાવે છે અને જાણે બહુ મોટું કામ કર્યું હોય એમ એની story શેર કરે છે. રીગણ બટેકા નું શાક તો કઈ ખવાતું હોય.

બસ આ વાત પરથી હર્ષ ને એની કોલેજ ની એક વાત યાદ આવી.

(ફલેશબેક......)

હર્ષ સિંગલ છે એટલે એમ નહિ કે એણે કોઈ પર પ્રયત્ન જ નથી કર્યો. પરંતુ હજી સુધી એમાં સફળ નથી થયો એટલું જ કહીશ. એન્જીનીયર અને એમાં પણ ક્લાસ માં જૂજ નંબર માં છોકરીઓ, એમાં પણ જો ફિલ્ટર કરે તો ગણીને 2-4 જોવા જેવી હોય એમાંથી એક-બે તો પહેલેથી જ સેટ થઈને આવી હોય એટલે ગણી-મુકીને જે વધી એમાં આખો ક્લાસ લાઈન લગાવીને લાગ્યો હોય. એના કરતા તો IPL ની મેચ જોવા માટેની ટીકીટમાં ઓછી લાઈન હોય અને કમસે કમ ટીકીટ બ્લેકમાં તો મળે, અહિયાં તો થુલ્લુ .......

છતાં, હર્ષ કઈ હાર મને અમે નહોતો. કોલેજમાં બહુ મેહનત કરી, બહુ લાઈન મારી, બહુ ફિલ્ડીંગ ભરી, પણ કોઈ દિવસ બેટિંગ ના મળી. ક્રીકેટમાં જેમ બોલરને છેક ૮-૯ વિકેટ પછી બેટિંગ મળે એમ આખા ક્લાસમાં કદાચ સૌથી છેલ્લે હર્ષને બેટિંગ નો ચાન્સ મળ્યો એટલે કે, એક છોકરી સાથે થોડી વાતચીત ચાલુ થઇ.

છોકરી ઠીક-ઠાક દેખાતી , પણ “ના કરતા કાણો મામો સારો” એમ હર્ષ વિચારતો અને એ ખુદ પણ થોડો ટોમ ક્રુસ હતો. ના ઓઢે તો મલિંગા જેવા વાળ અને દાઢીના કરે તો ચાર-પાંચ ફૂટેલા વાળની જેક સ્પેરો જેમ વળ વાળે. અને જયારે બોલે તો પાછો ફિલોસોફી ઝાડે કે, સાચો પ્રેમ તો દિલ થી થાય, દેખાવ તો ખાલી પહેલી નજર માટે જ છે. હમણાં મોં પર પિમ્પલ પડશે તો બધા જ ખરાબ દેખાવાના.

હા તો, હર્ષ અને છોકરી વચ્ચે મિત્રતા તો થઇ ગઈ. પરંતુ હર્ષ તો ભાઈ એકદમ જાણે નવોઢી દુલ્હન, છોકરી સાથે જિંદગીમાં વાત કરી હોય તો ખબર પડે ને કે કેમની વાત થાય. ક્લાસમાં, ઘર પાસે એકલા લોઠા (છોકરાઓ) નું જ ગ્રુપ. બધા પોતાને બજરંગ (હનુમાન)નું બીજું સ્વરૂપ ગણાવતા, ગ્રુપ નું નામ પણ ‘બજરંગ દળ’ જ હતું.

છોકરીઓ સાથે વાત કરવાના અનુભવ વગરના હર્ષનું ઘુટણે ચાલતા નાના છોકરા જેવું જ થયું, જરાક ચાલીને પડી ગયો. હર્ષની છોકરી સાથે થોડીક વાત ફેસબુક પર ચાલી. નંબર માંગવાની હિંમત તો કેમે કરીને નહોતી. નબર એની પાસે આવ્યો એના માટે હર્ષે એના મિત્રોનો આભાર માનવો રહ્યો.

થયું એવું કે, ૨૧મી માર્ચે હર્ષ નો બર્થડે હતો. મિત્રો એ બર્થડે બમ્પ્સ માર્યા પછી ગ્રુપના નિયમ મુજબ જેનો બર્થડે હોય એણે એના બધા મિત્રો ની એક ઈચ્છા પૂરી કરવાની (બધાની મળી ને એક જ હોં,..જો ..જો પાછા .....). બધા મિત્રો એ મળીને નક્કી કર્યું હતું એ પ્રમાણે માત્ર દસ મિનીટ માટે, હર્ષે એના ફેસબુક નો પાસવર્ડ આપવાનો હતો. આટલો સમય એના મિત્રો માટે પુરતો હતો.

હર્ષના મિત્ર વર્તુળમાંથી સોહમે હર્ષનો પાસવર્ડ લઈને એનું ફેસબુક ખોલ્યું. આખું ગ્રુપ સોહમની આસપાસ ગોઠવાઈ ગયું. હર્ષ તો જાણે એની ગર્લફ્રેન્ડ ને શક્તિ કપૂરના હાથ મા મુકીને આવ્યો હોય એમ ઉંચા જીવે ઘડિયાળને તાકીને જોતો હતો. સોહમે નક્કી કર્યા પ્રમાણે સીધા મેસેજીસ ખોલીને પેલી છોકરીને “Hi” નો મેસેજ કર્યો. અને તરત જ એની બર્થડે ગીફ્ટ તરીકે છોકરીનો નંબર માંગી લીધો. એ તો હર્ષ ના સદનસીબે, બ્લોક થવાની જગ્યાએ દસ ડીજીટ નો એક નંબર મળ્યો.

હર્ષ તો એકદમ ખુશ થઇ ગયો.એ દિવસે એણે એના આખા ગ્રુપ ને હોટેલમાં ડીનર માટે લઇ ગયો. અને એના બધા ફોટા ફેસબુક પર મુક્યા અને કારણ વગરના ‘ડેસ્પો’ ની જેમ પેલી છોકરીને પણ. પરતું ‘જે ગાડીમાં હવા જ ના હોય એને ધક્કા મારીને ક્યાં સુધી લઇ જવાય’ એમ વાત કરવાના અનુભવ વગરના હર્ષ આખો દિવસ પેલી છોકરીને મેસેજ કરે અને છોકરીને વારે વારે હેરાન કરે. હર્ષના અમુક સવાલ તો મમ્મી જેવા “હાય, જમી લીધું? શું જમી?” , સવાર સાંજ નો આ કોમન સવાલ. અરે, જયારે પેલી બિચારી હોસ્ટેલમાં મેગી ખાઈને ડાયેટિંગ કરતી હોય ત્યારે આ સવાલ!!!!???

હા, તો રીંગણ બટેકા નું કૈક એવું થયું કે, એક વાર દરરોજની જેમ હર્ષે ફરી એજ સવાલ પૂછ્યો, “જમી લીધું? શું જમી ?” છોકરી આજે બરાબર અકળાઈ હતી અને અકળાવાનું કારણ હતું રીંગણ-બટેકાનું શાક. હોસ્ટેલ માં છેલ્લા 3 દિવસથી સવાર સાંજ આ એક જ શાક બનતું અને છોકરી ને ભાવતું નહિ. એક દિવસ તો ઉપવાસ છે સમજીને જવા દીધો પણ પછીના બે દિવસ નો ભારેલા અગ્નિ જેવો જ્વાળામુખી ગુસ્સો એ દિવસે હર્ષ ઉપર પડ્યો. સૌથી પેહલા તો એણે હર્ષ ને બ્લોક કર્યો.

છોકરીઓ ની રીતભાતથી તદ્દન અજાણ હર્ષ whatsapp છોડીને ફેસબુક પર મેસેજ કરવા લાગ્યો, ત્યાંથી પણ બ્લોક કર્યો તો સીધો ફોન કર્યો. અને બસ.......ફોન પર જયારે છોકરીનું રૌદ્ર સ્વરૂપ જોયું ત્યારે હર્ષ ને તો સાક્ષાત માતાજી દેખાઈ ગયા. છોકરીએ દેશી ભાષામાં જયારે ના સાંભળેલી ત્રણ-ચાર દીધી ત્યારે હર્ષ નું મો જોવા જેવું હતું. સામેથી ફોન કટ થયો અને “dear” તરીક સેવ કરેલો નંબર કાયમ માટે “Unknown” તરીકે સેવ થઇ ગયો.

***

બીજી વખત રીંગણ-બટેકા એ હર્ષની લવ સ્ટોરી શરુ થાય એ પહેલા જ ફાચર મારી. એટલે આજ પછી રીંગણ-બટેકા ક્યારેય નહી ખાવાના પ્રણ લીધા. (પરંતુ સાચું તો એ હતું કે રીંગણ-બટેકા બંનાવવામાં એકદમ સરળ, ફટાફટ બની જાય અને મહેનત પણ એકદમ ઓછી. એટલે ભાઈસાહેબ દર બીજા કે ત્રીજા દિવસે આ જ શાક બનાવે પરંતુ બહાર કહેવા માટે રીંગણ-બટેકા નો ત્યાગ કર્યો.)

જમ્યા પછી વાસણ ઘસીને હર્ષે લેપટોપમાં બોલીવુડ નું “પ્યાર કા પંચનામા” પિકચર શરુ કર્યું. આ પિકચર સાથે દરેક સિંગલના બહુ બધા ઈમોશન્સ જોડાયેલા હોય. હર્ષના ગ્રુપમાં જયારે પણ કોઈની પણ સાથે છોકરી રીજેક્ટ કરે, બ્રેક-અપ થાય, બ્લોક થાય ત્યારે આખું ગ્રુપ રાત્રે ૯ વાગ્યે “પ્યાર કા પંચનામા” નો શો રાખે અને સાથે મસ્ત પિઝ્ઝા નો ઓર્ડર કરે અને સાથે કોલ્ડ-ડ્રીંક ની મઝા માણે. બધું પતી જાય પછી જે તે ઘવાયેલ છોકરાએ છોકરીના નામ નું નાહી નાખવાનું. જ્યાં સુધી મગજમાંથી એ છોકરી માટે સારી ફીલિંગ્સ દુર થઈને ગાળ ના નીકળે ત્યાં સુધી બહારથી બધા મિત્રો કુંડી મારેલી રાખે.

જયારે આજે તાન્યાએ વાત કરવાનું બંધ કરી દીધું ત્યારે હર્ષે પણ લેપટોપમાં આ જ પિકચર શરુ કર્યું, પગાર ઓછો હતો એટલે કોલ્ડ-ડ્રીંક કરતા ઠંડા પાણીનો બોટલ લીધો, કોઈ મિત્ર તો હતા નહિ એટલે એકલા જ જોવાનું હતું. બસ પછીતો ૯ થી ૧૨ વાગ્યાનો શો પૂરો થતા જ તાન્યા ના નામ નું નાહી નાખીને ‘ચીકુ’ સુઈ ગયો અને રીંગણ-બટેકાની કથની પૂરી થઇ.

***

આ તો વાત હતી રીંગણ-બટેકાની. હવે એક વાત હર્ષના પહેલા વહેલા જમવાના બનાવવાના અનુભવની.

હર્ષને જિંદગીમાં નવું નવું શીખવાની એક સારી ટેવ હતી. એટલે જ જયારે એકલો રહેવા આવ્યો ત્યારે જમવાનું પણ જાતે જ બનાવાનું વિચાર્યું હતું. પણ જે માણસે એની ૨૧ વર્ષની જિંદગીમાં કોઈ દિ ચા ના બનાવી હોય (જયારે પહેલીવાર ચા બનાવતા શીખ્યો ત્યારે મમ્મી ને એમાં કેટલું મીઠું નાખવાનું એવો સવાલ કર્યો હતો...), મેગીમાં પાણી કેટલું નાખવાનું એનું પણ ભાન ના હોય એ જાતે જમવાનું બનાવે અને બધું સમું-સુતરું પાર પડે એ કેમ નું બને???

હર્ષને નવી જગ્યા એ નવી સિટીમાં રહેવા આવ્યા અને એક અઠવાડિયું થયું હતું. પહેલી રજામાં સીટી ફરવાના વાંકે ઘરે નહોતો ગયો. દરરોજ સવારે તો કેન્ટીનમાં જ જમી લેતો પણ રજા ના દિવસે શું બનાવવું એનો વિચાર સવારથી દિમાગમાં ચાલ્યા કરતો હતો (એટલે જ પછી રુલ બનાવ્યો કે સવારે ૧૧:૩૦ અને સાંજે ૭:૩૦, આ સમય પહેલા જમવાનું બનાવવા વિષે કોઈ વિચાર નહિ કરવા કારણકે 4 કલાક વિચાર્યા પછી પણ “જેસે થે” જ રહેતું.). એમ તો હર્ષ વિચાતો જાણે એમ કરતો કે પોતે બહુ મોટો શેફ છે અને બહુ બધી વાનગીઓ બનાવતા આવડે છે એમાંથી એક નક્કી કરવાની છે. છેલ્લે બટાકાપૌવા બનાવનું નક્કી કર્યું.

ઘરે ફોન કરીને પહેલા કઈ કઈ તૈયારી કરવાની એ પૂછી લઈને, મમ્મીના કીધા પ્રમાણે કર્યું. તેલ મુકી રાઈ તતડાવીને એમાં કાંદા-લસણ નાખ્યા અને પછી પૌવા મુક્યા અને બેંગ...... ધડાકો થયો. ધડાકો અને આગ. જે બાઉલમાં પૌવા બનાવા મુક્યા હતા એમાં એક ફૂટ ઉંચાઈ સુધી આગ પકડાઈ ગઈ હતી. કટોકટીની ક્ષણમાં માણસ અમુક સમયે એવું કરી જાય કે એના ભણવા ની બધી ડીગ્રીઓ ઉપર શંકા જાય. હર્ષ પણ જોય છે કે આગ નો ભડકો થઇ ગયો છે તો વળી એને શું કબુદ્ધિ સુઝી છે કે ફૂંક મારી. આગ વધારે પકડાઈ. બાજુમાં પડેલો મસાલો નો ડબ્બો ઉંધો વળી ગયો. થોડી બુદ્ધિ એ સાથ આપતા બાઉલમાં તરત પાણી નાખીને આગ ઓલવી નાખી ત્યાં સુધીમાં ચૂલાની ઉપરની બે ટાઈલ્સ વગર ધૂળેટી એ કાળા કલરથી રંગાઈ ગઈ હતી.

બાઉલ તો એવો કાળો પડ્યો હતો કે 4-5 વાર ધોયા છતા કલર છોડતો નહોતો. કદાચ હર્ષને વારે વારે એ ઘટના યાદ કરવવા માટે જ એણે કાયમ કાળા જ રહેવું પડ્યું. હા, આગ લાગવા પાછળ નું કારણ ખબર પડી? એ કાળો બાઉલ જ. સ્ટેનલેસ સ્ટીલના સાદા બાઉલમાં બટાકાપૌવા બનવાની ખેવના રાખો તો આવ જ ફળ મળે, એકદમ પાક્કો કાળો કલર. બટાકાપૌવા તો ના મળ્યા પણ ત્યાર પછી આખો દિવસ કીચન સાફ કરવાનો મસ્ત ટાઈમપાસ મળી ગયો.

***