22 Single - 8 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ- ૮

ક્રમશ:

લેપટોપ બગડી જવાથી આ ભાગને ટાઇપ કરીને અપલોડ કરવામાં લાંબો સમય નીકળી ગયો. એ માટે માફી માંગું છું પરંતુ હવેના ચેપ્ટર જલ્દી મુકીશ.

આભાર.

૨૨ સિંગલ

ભાગ-૮

હર્ષે કેલેન્ડર જોયું. આજની તારીખ વાંચી અને દિવસો ગણવા લાગ્યો. ૨૨ વર્ષ, ૮ મહિના અને ઉપર કેટલાક દિવસો. તરત પોતાના જમણા હાથેથી પોતાની જ પીઠ પર શાબાશી આપી. પોતાનો પોતાની જાત પર આટલો બધો કંટ્રોલ છે એ વિચારીને ખુશ થવું કે દુખી થવું એની સમાજ જ ના પડી. વધારે વિચાર કરવો એ માત્ર ટાઈમપાસ બરાબર છે એટલે ધ્યાન હટાવવા આજનું ન્યુઝપેપર વાંચવા લાગ્યો. ત્યાં એક જાહેરાત ઉપર ધ્યાન ગયું. એકદમ મોટા અક્ષરે લખ્યું હતું “મંગલકાર્ય જ્યોતિષ. બધી જ તકલીફોનું ૧૫૧% નિવારણ. લવ પ્રોબ્લેમ, પતિ-પત્ની વચ્ચે સુમેળ, લગ્નજીવન ભંગાણ, વગેરે વગેરે.... ” સાથે એડ્રેસ અને એનો ફોન નંબર લખ્યો હતો.

હર્ષે બે વખત વાંચ્યું, ત્રણ વખત વાંચ્યું. શું કરવું જોઈએ? મારી સિંગલ લાઈફનો પ્રોબ્લેમ એમને પુછાય? “ના ના, હું સાયન્સ નો વિદ્યાથી છું, આવા બધામાં વિશ્વાસ ના કરાય.” હર્ષ નો અંતરાત્મા તરત બોલ્યો. “પણ શું ફર્ક પાડવાનો છે. એમ પણ સિંગલ જ છું. જો કૈક થશે તો ફાયદો, ના થાય તો કઈ નહિ. જે છે એ તો છે જ. ગુમાવવાનું કઈ છે જ ક્યાં”. “પણ ફોન પર શું વાત કરીશ? શું કહીશ? જે કહીશ એ સાચું કહેવું જ પડે? અને કોઈને ખબર પડી ગઈ તો? અક્ષત ને જો ખબર પડી જય તો એ તો મને આખી જીન્દગી હેરાન કરી મુકે. ના ના, મળવા નથી જવું ખાલી ફોન પર જ વાત કરી લઉં. છેલ્લે આટલી બધી ગડમથલ પછી પણ હર્ષે મંગલકાર્ય જ્યોતિષમાં ફોન કરવાનું વિચાર્યું.

સવારના ૮ થી ૬ નો સમય ફોન કરવા માટે લખ્યો હતો એ સમયે તો પોતે જોબ પર હોય એટલે એમ જ બે-ત્રણ દિવસ તો ખેંચાઈ ગયા. પણ એક દિવસ લંચ બ્રેકમાં તરત જ નંબર લગાવ્યો, ફરી મગજમાં શું કહીશ? તારું નામ, ક્યાં રહે છે, શું કરે છે, એવા સવાલોના જવાબ શું આપીશ? એવા સવાલોને દબાવતા સામે છેડે રીંગ વાગતી રહી.

“યે તો સચ હૈ કી ભગવાન હૈ...” રીંગટોન ની છેલ્લી રિંગે સામેથી “હલ્લો” નો અવાજ આવ્યો. હર્ષ એક સેકંડ તો ધબકારો ચુકી ગયો પણ તરત સ્વસ્થ થઈને “મંગલકાર્ય જ્યોતિષ?” પૂછ્યું અને સામેથી જવાબ આવ્યો “હા જી.”

જ્યોતિષ: જી બોલો. આપનું શુભ નામ?

હર્ષ: જી હર્ષ.

જ્યોતિષ: હા, હર્ષ જી, આપની હું શી સેવા કરી શકું?

હર્ષ (થોડું થોથવાતા ) : જી, મારે એક પ્રોબ્લેમ છે.

જ્યોતિષ: હા, નિશ્ચિત થઈને કહો. તમારી વાત ગુપ્ત જ રહેશે અને એનું ૧૫૧% પરિણામ આવશે.

હર્ષ: જી મારી ઉમર ૨૨ વર્ષની છે, પણ અત્યાર સુધી મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. કોઈ છોકરી મને પસંદ નથી કરતી.

જ્યોતિષ: જી જી જી જી, તમારી ઉંમર ૨૨ વર્ષની છે, બરાબર બરાબર..... (થોડું વિચારીને) તમે ક્યાંથી બોલો છો?

હર્ષ: જી, તમારા જ શહેરમાંથી બોલું છું.

જ્યોતિષ: અત્યારે શું કરો છો? ભણવાનું ચાલે છે કે જોબ?

હર્ષ: જી, એક કંપનીમાં સારા પગારની નોકરીકરું છું. એન્જીનીયર છું.

જ્યોતિષ: બરાબર છે,બરાબર છે. તો હર્ષ ભાઈ, ખોટું ના લગાવો તો આપણે મારી રીતે પ્રારંભ કરીએ એ પહેલા હું એક સવાલ પૂછવા માંગું છું. શું હું પૂછી શકું?

હર્ષ: જી, પૂછો ને.

જ્યોતિષ: ભગવાનની કૃપાથી તમે સારું એવા ભણ્યા છો, કંપનીમાં જોબ પણ કરો છો અને અત્યાર સુધી તમે તમારી એક પણ ગર્લફ્રેન્ડ નથી એવું કીધું એટલે વિચાર આવ્યો કે શરીરમાં કોઈ ખોડ તો નથી ને? એવું કોઈક હોય તો એકવાર કોઈક ડોક્ટર પાસે....

પેલાનું ડોકટર સાંભળીને જ હર્ષ નો પિત્તો ગયો.!!!

હર્ષ: તું મને કહેવા શું માંગે છે? હાં? મને કોઈપ્રોબ્લેમ છે એમ? તો સાંભળી લે. એકદમ સ્વસ્થ અને હટ્ટો-કટ્ટો છું. પાંચ ફૂટ આઠ ઇંચ લંબાઈ અને ૮૦ કિલો વજન છે.

જ્યોતિષ (મનમાં) {હમમમ, આ ૮૦ કિલો વજન જ પ્રોબ્લેમ છે. લગભગ 4 સ્કે. ફૂટનો ઘેરાવો લઈને બેઠો છે અને પછી કહે કે હટ્ટો-કટ્ટો છું.} : ના ના , હર્ષભાઈ તમે ખોટું સમજ્યા. હું પુરુષત્વની વાત નથી કરતો. આ તો બીજું કંઇક હોય તો એમ. કારણકે આજકાલ ની છોકરીઓના તો બહુ નખરા હોય છે.

હર્ષ: ના એવો કોઈ પ્રોબ્લેમ નથી. તમે મને મદદ કરી શકતા હોવ તો બોલો નહિ તો હું આ ફોન મુકું છું.

જ્યોતિષ: જી. આવો કેસ મારી પાસે પહેલી વાર આવ્યો છે. મોટાભાગે એવા કેસ આવે કે કોઈને છોકરી પસંદ હોય અને છોકરી એને પસંદ ના કરતી હોય, અથવા છોકરી તૈયાર હોય તો ઘરવાળા ના પડતા હોય. આવા કેસમાં જે વ્યક્તિ નડતર રૂપ હોય એના ઉપર વશીકરણ ની વિધિ કરીને ધાર્યું પરિણામ લાવી શકાય. પરંતુ, તમારા કેસમાં તો કોઈ છોકરી જ નથી તો આપણે આ વિધિ કોના ઉપર કરીશું?

હર્ષ: આમ તો મેં બે-ત્રણ છોકરી ને પ્રપોસ કર્યું હતું પણ બધી કોઈ જવાબ જ નથી આપતી. એક એ તો પાછો ભાઈ બનાવી દીધો.( પ્રિન્સી વાળું ચેપ ના વાંચ્યું હોય તો વાંચી લેવા વિનતી. ૨૨ સિંગલ-4).

જ્યોતિષ: જી હર્ષભાઈ, હું સમજી શકું છું. આ ઉંમર કઈ ભાઈ બનવાની નથી જ. આપણે એક કામ કરીએ, તમને અત્યારે કોઈ છોકરી પસંદ છે?

હર્ષ: મને તો હાલતી-ચાલતી બધી જ પસંદ આવી જાય છે.

જ્યોતિષ: ના એમ નહિ. જો તમને અત્યારે કોઈ છોકરી પસંદ હોય તો એમના નામનું વશીકરણ કરીએ. હું તમને ગેરેંટી આપું છે કે ત્રણ જ દિવસની અંદર એ છોકરી સામેથી તમને પ્રપોસ કરશે.

હર્ષ તો સાંભળીને તરત સપના માં જતો રહ્યો. whatsapp પર “single is best” ના સ્ટેટસ મુકીને થાક્યો હતો. બહારતો બોલતો હતો કે મરજી થી સિંગલ છું. પણ એ તો અંદર જ ખબર હતી કે મરજીથી નહિ, વિપરીત સંજોગો અને અથાગ પ્રયત્નો છતાં સિંગલ છું. બસ હવે તો શાહરુખના પિકચર “રઈસ” ના ડાઈલોગ પ્રમાણે “અપના ટાઇમ શુરુ.”

હર્ષ આવા ધોળા દિવસમાં સપના જોતો હતો ને સામે છેડે પેલો જ્યોતિષ હલ્લો હાલો કરીને થાકીને ફોન મુકવા જ જતો હતો.

હર્ષ: હા જી, અહિયાં જ છું. બોલો.

જ્યોતિષ ( મને એમ કે બકરો ભાગી ગયો) : હા હર્ષભાઈ, જો તમે કહેતા હોવ તો જલ્દી માં જલ્દી આપણે શરુ કરીએ.

હર્ષ: જી.

જ્યોતિષ : તો એક કામ કરો. તમે આજનો દિવસ વિચારો કે તમારે કઈ છોકરી તમારી ગલફ્રેન્ડ બનાવવી છે. બસ કાલે મને ફોન કરીને અથવા જો રૂબરૂ બનતું હોય તો એ રીતે છોકરીનું નામ, એની બર્થડેટ, એ ક્યાં રહે છે એની આછી-પાતળી જાણકારી આપવાની રહેશે. જો શક્ય હોય તો છોકરીનો એક ફોટો પણ.

હર્ષ : હા, ચોક્કસ. પણ હું તમને બધું અત્યારે જ કહેવા તૈયાર છું , કાલની શું કામ રાહ જોવી.

જ્યોતિષ(બાપલો, જબરો ઉતાવળિયો, સારું ખંખેરી લેવાશે) : હા તો તમે મેં સમજાવેલું બધું whatsapp કરી દો અને પછી પૈસા મોકલાવી દો એટલે આપણું કામ શરુ.

હર્ષ: હા પણ આપણે તો પૈસા ની વાત જ કરવાની રહી ગઈ.

જ્યોતિષ : અરે હર્ષભાઈ, પૈસા તો શું છે? આજે છે કાલે નથી. તમારું કામ થઇ જતું હોય તો તમે ઈચ્છા પ્રમાણે આપી દેજો. આમ તો ખાલી ૨૫૦૦-3૦૦૦ નો ખર્ચો થાય છે પણ હું તમારા માટે માત્ર ૨૦૦૦ રાખીશ. આ પૈસામાં તો બધી વિધિની સામગ્રીઓ જ આવશે.

હર્ષ: હા કઈ નહિ, પણ તમે પૂજા કરશો કઈ રીએ?

જ્યોતિષ: હર્ષભાઈ, એમાં એવું છું ને ઈ તમે જે છોકરીનું નામ આપશો, એની જન્મતારીખ આપશો એના ઉપરથી હું આંશિક કુંડલી બનાવીશ અને પછી બધા ગ્રહો, નક્ષત્રો મુકવા પડે. અને પછી તો મંત્રો-જાપ-પુજા કરીશું.

હર્ષ: જી પણ હું ત્યાં હાજર ના રહી શકું તો ચાલશે? તમે એકલા આ પૂજા કરી શકો?

જ્યોતિષ: જી બિલકુલ. તમે આવી શકો તો અતિઉત્તમ. પણ પૈસા આજે જ મોકલાવી દો.

હર્ષ: આજે જ??

જ્યોતિષ: હા આજે જ. હર્ષભાઈ ગર્લફ્રેન્ડ તમારે બનાવવી છે કે નહિ? થોડું તો કષ્ટ ઉઠાવવું જ પડે ને.

હર્ષ: જી, તમે તમારું કામ શરુ કરો. હું તમને અબઘડીયે જ પૈસા મોકલું છું.

હર્ષ એ ફોન મુક્યો. એ તો જાણે છટ્ઠા આસમાનમાં ઉડતો હતો (ગર્લફ્રેન્ડ આવશે પછી સાતમાં આસમાન માં ઉડશે). પણ દિલના ઉંડાણમાંથી એક વિચાર આવ્યો કે આ શક્ય છે ખરું? છોકરીની આટલી નજીવી વાતોમાં આ માણસ એવું તો શું કરશે કે છોકરી માની જાય? પણ દિલના બહારના ભાગે ઉંડાણ વાળા ભાગ ને કીધું કે તું છોડ ને એ બધું. આ વાત તારા સિલેબસ બહારની છે. એણે ૧૫૧% ની ગેરેંટી આપી છે ને. બસ તું એને પૈસા મોકલવાનું કર અને ત્રણ દિવસ ની રાહ જો. નવા-નવા વિચારો કર. દરરોજ રાત્રે બેચલર પાર્ટી કર, ખબર નહિ કયા શુભ દિવસે એ છોકરી સામેથી પ્રપોસ કરશે.

હર્ષે ત્યારે જ જ્યોતિષના કહેવા પ્રમાણે ૩૦૦૦ રૂપિયા મોકલી આપ્યા. જ્યોતિષી એ whatsapp મેસેજમાં માંગેલી છોકરીની બધી જાણકારી પણ મોકલી આપી. રાત્રે સુતી વખતે હર્ષને બસ એ છોકરીના જ વિચારો આવતા હતા. એને ક્યાં ક્યાં ફરવા લઇ જવી, કયા કયા મૂવી જોવા લઇ જવી, બધું દિમાગમાં ગોઠવતો હતો. જ્યોતિષી બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે વિધિ શરુ કરવાના હતા એટલે વિચારો કરવાની હર્ષને પૂરી છુટ્ટી હતી.

બીજા દિવસે સવારે જોબ પર જતા પહેલા પોતાના ગુરુ હનુમાન દાદા ની હનુમાન ચાલીશા ને બદલે બાબા અરિજિત અને સોનું નિગમ ના સોંગ વગાડ્યા. અને રસ્તામાંથી ન્યુઝપેપર લઈને આજની એની રાશીનું ભવિષ્ય જોઈ લીધું. ભવિષ્યમાં લખ્યું હતું “ પૈસા રોકવામાં સાવધાની. છેતરાઈ શકો છો. લગ્નજીવનમાં સામાન્ય રક-ઝક થવાની સંભાવના.” હર્ષે સવાર સવાર માં રાશી ભવિષ્ય લખવા વાળા ને ગાળો ભાંડી.

જોબ પર પહોચતા જ દરરોજ એકદમ સરસ કામ કરતા હર્ષે બે-ત્રણ નાની-નાની ભૂલો કરી નાખી. દરરોજ કરતા આજે પરફ્યુમ પણ વધારે છાટ્યું હતું એવું પણ બધા એ કીધું. થોડી થોડી વારે હર્ષ ફોન જોઈ લેતો હતો. ૧૦ વાગતા ના 5 મિનીટ પહેલા જ જ્યોતિષીને ફોન કરીને વિધિ શરુ કરી કે નહિ અને વિધિ પૂરી થતા કેટલો સમય લાગશે એવા સાડી-સત્તર સવાલો પૂછી લીધા.

ત્રણ કલાક પછી વિધિ પૂરી થતા જ્યોતિષી એ સામેથી ફોન કર્યો. હર્ષ પણ ખુશ થઇ ગયો. જ્યોતિષીના કહેવા પ્રમાણે હર્ષે જે છોકરીનું નામ આપ્યું છે એ તો ૧૧૦% પ્રપોસ કરશે જ પરંતુ બીજી છોકરીઓ પણ થોડી વધુ મહેનત થી માની જશે. હર્ષ તો બધું એ શુભ ચોઘડિયું ક્યારે આવે એની જ રાહ જોતો હતો.

જે છોકરી પસંદ હતી, એનું whatsapp દર કલાકે ખોલીને જોઈ લેતો. બે-ત્રણ વખત વાત પણ કરી , પરંતુ સામેથી એવું કઈ લાગ્યું નહિ. બે દિવસ એમ જ નીકળી ગયા. ત્રીજા દિવસે જ્યોતિષીને ફોન કર્યો. જ્યોતિષી એ કીધું કે, મેં આપેલા ત્રણ દિવસ હજી પુરા નથી થયા અને આજે દિવસ પણ શુભ છે એટલે આજે કામ થઇ જ જશે. કાલે હનુમાન દાદા નો શનિવાર હતો અને શનિ બહુ ભારે હોવાથી કાર્ય થવામાં વિલંબ થાય છે. હર્ષને આ બધામાં કઈ સમજ નહોતી પડતી એને તો બસ કામ થવું જોઈએ.

જેમ-જેમ સમય પસાર થતો ગયો, ત્રણ દિવસની લિમીટ પતતી ગઈ એમ હર્ષનું ટેન્શન વધવા લાગ્યો. ૩૦૦૦ રૂપિયા ખર્ચી કાઢ્યા આની પાછળ તો પણ કઈ ના થયું. હવે આ જ વાત જો એના કોઈ મિત્રને ખબર પડે તો હર્ષનું તો આવી જ બને. અક્ષત તો સીધો ફેસબુક પર આખી વાત પોસ્ટ કરે એમાંનો છે. ભણેલો ગણેલો એન્જીનીયર આવી વાતમાં પડ્યો એવું ખબર પડે તો બધા એના ઉપર કેટલુ હસશે એ વિચારીને હર્ષના રૂવાંટા ઉભા થઇ ગયા. હર્ષે બે વખત જ્યોતિષીને ફોન કર્યો અને બંને વખતે એમના પત્ની એ પૂજામાં છે એમ કરીને ફોન કટ કરી નાખ્યો.

હવે, હર્ષની ફાટી. બીજા દિવસે પોતે બે દિવસ માટે ઘરે જવાનો હતો. ટ્રેનમાં બારીવાળી સીટ પર બેસીને આ બધું શું થયું એ વિચારતો હતો. ત્યાં સામે એક છોકરી આવીને બેઠી. તરત હર્ષને જ્યોતિષનું પેલું વિધાન યાદ આવ્યું “બીજી કોઈ છોકરી પણ થોડા વધુ પ્રયત્ન થી માની જશે”. આ જ શબ્દોને શિલાલેખ માન્નીને હર્ષે પ્રયત્ન શરુ કર્યો. પહેલા તો સીટ પર વ્યવસ્થિત બેઠો. વારે વારે છોકરી સામે જોતો હતો, જયારે છોકરી અને હર્ષની નજર એક તું ત્યારે છોકરી એ પણ સ્માઈલ કર્યું. હર્ષ એ પણ સ્માઈલ કરીને આંખ બંધ કરીને જ્યોતિષ અને ભગવાનનો આભાર માનવા લાગ્યો. પાચળ દિલમાં રોમેન્ટિક ગીતો વાગવા લાગ્યા અને હર્ષ એના વિચારોમાં ખોવાઈ ગયો. છોકરી વિષે વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ એ હર્ષને ખબર જ ના પડી. પણ જયારે અચાનક ઉઠ્યો અને સામે જોયું ત્યારે ૨૦ વર્ષની સુંદર કન્યાની જગ્યા એ ટકલો, દાઢી-મૂછ વગરનો કોઈ ડોહો બેઠો હતો. હર્ષનું દિમાગ ગયું એને વગર કારણે એ ડોહા (વૃદ્ધ) સાથે લડાઈ કરી નાખી.

તરત જ્યોતિષીને ફોન કર્યો પણ વ્યસ્ત બતાવતા હતા. હર્ષે જ્યોતિષીને આવડે એટલી ગાળો ભાંડી. પણ તરત જ જ્યોતોશીએ સામેથી ફોન કર્યો. હર્ષે બધો બળાપો બહાર કાઢ્યો. જ્યોતિષી એ બધું શાંતિથી સાંભળીને હર્ષને કીધું કે, હર્ષભાઈ, મારા તરફથી તો બધું બરાબર જ છે. તમારા માં જ કઈ ખોડ લાગે છે. તમે હું કહું એ બીજી પૂજા કરાવી લો. માત્ર ૨૦૦૦ રૂપિયા થશે પણ ૧૨૦% પરિણામ આવશે. હર્ષ આ સાંભળીને બહુ અકળાયો. ફોન પર જ જ્યોતિષી ને શ્લોકો સંભળાવી દીધા. જવાબમાં જ્યોતિષે ફોન કટ કરીને હર્ષનો નંબર બ્લોક લિસ્ટ માં નાખી દીધો.

હર્ષ ફ્રેશ થવા ટ્રેનના બાથરૂમાં ગયો ત્યાં એની નજર ત્યાં ચોંટાડેલા એક કાગળ પર પડી “લવ પ્રોબ્લેમ સોલ્વ- ૨૦૦%ની ગેરેંટી...” હર્ષે ગુસ્સામાં આખું કાગળ જ ફાડી નાખ્યું અને બહાર આવ્યો. ત્યાં એની મોબાઈલ કંપની પરથી એક મેસેજ આવ્યો “અબ સિંગલ હો તો કરલો બાત પૂજા સે, સિર્ફ ૭ રૂપિયા/મિનીટ.” હર્ષ એ ફોન તરત જ ખીસા માં મુકીને પોતાનું કઈ નહિ થાય સિંગલ જ રહેશે એ વિચારીને જગ્યાએ આવીને ચુપચાપ સુઈ ગયો.

Sleeping is the best solution of every problem.