22 Single - 5 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ - 5 (સિંગલ ઓન સોલો ટ્રેક )

સિંગલ ની સોલો ટ્રીપ

હર્ષને નવી સિટીમાં આવ્યાને ૬ મહિના થઇ ગયા હતા. સીટી ને થોડું ઘણું ઓળખી ગયો હતો. અહીના જાણીતા બધા જ એરિયા ફરી ચૂકતો હતો. એની આસપાસના જોવાલાયક બધા સ્થળોની પણ એક વાર વિઝીટ કરી ચુક્યો છે. પરંતુ બધી જગ્યાએ એકલા એકલા ફરીને હવે કંટાળ્યો હતો. કોઈક સારી જગ્યાએ ગયા હોય ને કંઇક ગમે તો એની વાત પણ કોની સાથે કરવી. ગર્લફ્રેન્ડ નામનું પ્રાણી તો હર્ષની જિંદગીમાં હતું જ નહિ, અને બધા ફ્રેન્ડ પોત-પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. દરરોજ ફોન કરીને હેરાન પણ ના કરાય.

એકવાર હર્ષ આ જ રીતે કંટાળીને નજીકના એક ગાર્ડનમાં સાંજે બેસવા ગયો હતો. બાજુમાં એક કપલ બેઠું હતું. કદાચ કોલેજમાં જ હશે. આવ્યા ત્યારે એકબીજા ના હાથ માં હાથ પરોવીને આવીને બેઠા. પણ થોડીજ વારમાં છોકરી રડતી-રડતી ઉભી થઈને જતી રહી. છોકરાએ બહુ પ્રયત્ન કર્યો રોકવાનો પણ... હર્ષ એની સામે જોતો હતો ત્યારે જ એણે જોરથી છોકરીને કીધું : “જા જવું હોય તો જા. પણ અત્યાર સુધી આપેલી બધી ગીફ્ટ, રીચાર્જ.ખર્ચા આપતી જા.” હર્ષ ને દયા આવી ગઈ, એની બાજુમાં જઈને બેઠો અને છોકરાની આખી વાત સાંભળી. વાતમાં ને વાતમાં ગણતરી કરી લીધી કે આ ભાઈ ને લગભગ ૧૦-૧૨ હજારનો ચૂનો લાગી ગયો છે.

ત્યાંથી ફરીને રૂમ પર આવ્યો ત્યારે પણ મગજમાં હજી એના જ વિચારો ચાલતા હતા. પોતે તો સિંગલ હતો. ખુદ પાછળ પણ આટલા રૂપિયા તો નહોતા ખર્ચ્યા એમાં ગર્લફ્રેન્ડ ને તો ભૂલી જ જવાની. હર્ષ માટે તો આ એક સેવિંગ જ હતું એટલે એણે આ પૈસા ને પોતાના કોઈ એક શોખ પાછળ ખર્ચવાનો વિચાર કર્યો.. સોશીયલ મીડિયા પરથી આઈડિયા મળ્યો અને સોલો ટ્રેકીંગ પ્લાન્ટ જવા માટે વિચાર્યું. સોલો પ્લાન એટલે એકલા જ ફરવાનું. તમને કંપનીમાં માત્ર કુદરત અને એક નવો અનુભવ મળે. બાળપણમાં જ આવો એક વિચાર કર્યો હતો અને એને પૂરો કરવાનો આનાથી સારો સમય બીજો હોઈ જ ના સકે.

થોડી શોધખોળ કર્યા પછી ૮ દિવસ નો ડેલહાઉસી જવાનો પ્લાન નક્કી કર્યો. એના માટે આવવા જવાની ટ્રેનની ટીકીટ, લઇ જવા માટેનો સમાન, કંપનીમાં દસ દિવસની રજા, આ બધું કરતા કરતા બીજા બે-ત્રણ દિવસ નીકળી ગયા. ડેલહાઉસીનો એક નકશો, ફરવા જવા માટેનો ફૂલપ્રૂફ પ્લાન અને એનો નકશો પણ તૈયાર રાખ્યો હતો. ખર્ચો પણ બજેટ થી થોડોક જ વધ્યો હતો પણ એની સામે ૮ દિવસનો આહલાદક અનુભવ !! બધું સેટ થઇ ગયા પછી ફાઈનલી ડેલહાઉસી જવાનો દિવસ પણ આવી ગયો.

દિવસ -૧ અને 2

એકલા જવા માટેનો એક તદન નવા જ અનુભવનો રોમાંચ પણ હતો અને ટ્રેન ની લગભગ દોઢ દિવસની મુસાફરીનો કંટાળો પણ. આટલો લાંબો સમય એકલા કેમનો પસાર કરવો એનો વિચાર હર્ષે પહેલેથી જ કરી રાખ્યો હતો. વાંચવા માટે નોવેલ્સ,મોબાઈલમાં ચાર-પાંચ પિકચર, સોંગ્સ,મોબાઈલ સાથે પાવરબેંક, આમ ઇલેકટ્રોનીક્સ આઇટેમની તો એક આખી બેગ જ અલગ રાખી હતી. ટ્રેનમાં જેટલો આરામ થાય એટલો કરી લેવાનો હતો કારણકે એક વાર ડેલહાઉસી પહોંચી ગયા પછી મેપ જોવા સિવાય મોબાઈલ કાઢવાનો જ નહોતો એવું નક્કી કરી રાખ્યું હતું.

અમદાવાદ થી ટ્રેન આગળ નીકળીને આબુ રોડ સ્ટેશન આવ્યું. ત્યાની પ્રખ્યાત “રબડી”, આગળ જતા રાજસ્થાનમાં જોધપુરના “પરાઠા-સબ્જી” , પંજાબમાં પઠાનકોટની “લસ્સી” ની લિજ્જત માણતા બીજા દિવસે સાંજે પઠાનકોટ પહોચ્યો. પઠાનકોટ થી ડેલહાઉસી વાયા રોડ જવાનું હતું. પઠાનકોટ સ્ટેશન પર ઉતરીને ફ્રેશ થતા એકસાથે ઘણા બધા છોકરા-છોકરીઓનું ગ્રુપ દેખાયું. ગ્રુપનું નામ “ટાયકુન” હતું અને દર વર્ષે ભારતના કોઈ એક જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનવતા હતા એમાં આ વર્ષે ડેલહાઉસી નો પ્લાન બનતા અહિયાં પહોચ્યા હતા. એ ગ્રુપ મહેસાણા થી આવ્યું હતું, અને એમનો પણ એક અઠવાડિયા નો ડેલહાઉસી, કાલાટોપ, ખજિયાર, લક્કડમંડી, ડેનકુંડ નો જ પ્લાન હતો. એમણે હર્ષને એમની સાથે જોઈન થવા કીધું. ગ્રુપ માં બધા સરખે સરખા જ હતા એટલે સારી રીતે હળી-મળી પણ શકાય. પણ પોતે જે સોલો પ્લાન વિચારીને આવ્યો છે પછી એ કેન્સલ કરવો પડે અને આટલે સુધી આવ્યા પછી હર્ષની બીજી કોઈ ઈચ્છા નહોતી. હર્ષે આવતા વર્ષે ચોક્કસ એમની સાથે જોડાશે પણ આ વર્ષે તો સોલો ટ્રીપ જ કરવી છે એમ ટાયકુન ને કહ્યું. બંને એકબીજાને હેપ્પી જર્ની વિશ કરીને પોતાના પ્લાન પ્રમાણે આગળ વધ્યા.

હર્ષ ટાયકુનથી અલગ થઈને પઠાનકોટથી પહાડી અને ઉંચાણવાળા રસ્તે ડેલહાઉસી પહોચ્યો. ત્યાં પહોચતા બીજા બે કલાક નીકળી ગયા. પણ આ બધું છોડીને સૂર્યાસ્તનો આહલાદક નજારો જોવા મળતા જ બે દિવસનો બધો થાક ઉતરી ગયો. એણે રાતવાસો કરવા માટે હોટેલમાં બુક કરાવેલો રૂમ પર પહોચ્યો. ત્યાં એણે કરાવેલી ગોઠવણ પ્રમાણે એણે એક ગાઈડને બુક કરી લીધો હતો એની સાથે વતચીત કરી કાલે સવારે મળવાનું નક્કી કરી સુઈ ગયો.

દિવસ-3

હોટેલમાં સવારે 4 વાગ્યે ખુબ ઠંડીના કારણે આંખ ખુલી ગઈ, બે ત્રણ ગોદડાં ઓઢ્યા છતાં ઠંડી જાણે સમાતી જ નહોતી. પણ હર્ષ આટલે દુર કઈ ઉંઘવા થોડૉ આવ્યો હતો. તાપમાન લગભગ 3-4 ડિગ્રી બતાવતું હતી. ગુજરાત જયારે ગરમીમાં ભડકે બળતું હોય ત્યારે ડેલહાઉસીમાં ગુલાબી ઠંડી હોય. કેવું આહલાદ્ક !!!

બે દિવસના પ્રવાસ પછી નહાવું પણ જરૂરી હતું. હોટેલના સ્ટાફ સાથે વાત કરતા ખબર પડી કે ગરમ પાણી સવારે ૬ વાગ્યા પછી જ સ્ટાર્ટ થશે. અને ત્યાં સુધી બરફ જેવા પાણીમાં હાથ નાખવા ની કોઈ માયના લાલ માં હિંમત નહોતી. પોણા પાંચ વાગ્યામાં તો સૂર્યોદય થઇ ગયો. સૂર્યોદય ના ફોટા પડી એને ફેસબુક, whatsapp પર મૂકી ઈન્ટરનેટ બંધ કરીને મોબાઈલ મૂકી દીધો. ૬ વાગ્યે ગરમ પાણી મળતા જ ફટાફટ ફ્રેશ થઈને નાસ્તો કરીને ૭ વાગ્યે પોતે બુક કરેલા ગાઈડ સાથે કાલાટોપ જવા નીકયો. ચાલીને આઠ કિલોમીટર અંતર કાપતા સહેજે 3 કલાક નીકળી ગયા. વહેલી સવાર ની ઠંડી હવે સારી લગતી હતી. વહેલું નીકળવાનું કારણ પણ આ જ હતું કે સૂર્ય માથા ઉપર આવે એ પેહલા ત્યાં પહોંચી જવાય.

કાલાટોપ 177 sq kmના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ઘનઘોર જંગલ છે. એનું નામ કાલાટોપ પડવાનું કારણ પણ એ જ છે કે ભર દિવસે પણ સૂર્ય ના કિરણો જમીન સુધી નથી પહોંચી સકતા. અંગ્રેજો એને “બ્લેક ફોરેસ્ટ” નામ થી ઓળખતા હતા. વૃક્ષોની લંબાઈ પણ ઘણી વધારે. ગાઈડ હર્ષને કાલાટોપ વિષે કહેતો જ જતો હતો અને હર્ષ એને અભિભૂત થઈને સાંભળતો હતો. જિંદગીમાં આટલું બધું એ ક્યારેય નહોતો ચાલ્યો પણ અહિયાં તો કોઈક આંતરિક ઉર્જા એને શક્તિ આપતી હતી. સવારથી કરેલા નાસ્તા પર જ ૮ km ચાલ્યા છતા પેટ ખાવાનું માંગતું નહોતું કારણકે કુદરત ને જોઇને જ એનું પેટ ભરાઈ ગયું હતું.

ત્યાં પહોચીને થોડી વાર આરામ કરીને આસપાસ ફર્યો. ત્યાના લોકોને મળ્યો, એમની સાથે વાતો કરી, ફોટા પડ્યા. હર્ષ એની સાથે એક ડાયરી લઇ ગયો હતો. એમની સાથે કરેલી બધી વાતો ને બપોરે એણે ડાયરીમાં નોંધી લીધી હતી. એ આ ૮ દિવસની પળે-પળે ને માણી લેવા માંગતો હતો. એના પ્લાનીંગ પ્રમાણે દરેક જગ્યાની યાદગીરી રૂપે ત્યાંથી કોઈ એક નાની વસ્તુ લેવાની, કાલાટોપથી એણે એની બાઈક માટે એક કીચન લીધું. સાંજે ૬ વાગતા જ અંધારું વધવા લાગ્યું.

કાલાટોપમાં રહેવાનો સૌથી મોટો અખતરો તો હવે હતો. ગાઈડ સાથે નક્કી કરેલી ખુલ્લી જગ્યામાં ટેન્ટ બનાવી એમાં રાત્રી કાઢવાનો. કાતિલ ઠંડી ઉપરાંત રાત પડતા પવનનું જોર, કાળું ડીબાંગ અંધારું, એમાં પણ ખેતરની ખુલ્લી જગ્યા અને ટેન્ટમાં પોતે એકલા. હોરર મુવી જોતા પણ આના કરતા ઓછી બીક લાગે. હર્ષે ને ખુદને પોતાના આ રાત્રીરોકાણ પર એક વાર ફરી વિચાર કરવાનો વિચાર આવ્યો પણ ગાઈડ બાજુના જ ટેન્ટ માં હોય કોઈ પણ તકલીફ પડે તો એણે આપેલી એક વ્હીસલ મારવાથી બીજી જ મિનીટ એ હાજર થઇ જવાના એના પ્રોમિસ એ હર્ષને શક્તિ આપી. અને વળી લાઈફ માં આવો અનુભવ વારે વારે થોડો જ કઈ લેવાય છે. ગાઈડના બધું સમજાવ્યા પછી કેમ્પ-ફાયર કર્યું. એની ગરમી થી પણ થોડી રાહત મળી. ખરેખરી ડેલહાઉસી ટ્રીપ ની શરૂઆત તો આજે જ થઇ હતી. આગળના દિવસો કેવા જશે એ વિચારતા હર્ષ ટેન્ટમાં આવ્યો. મોબાઈલમાં હનુમાન ચાલીસા ચાલુ કરીને બે ગોદડાં ઓઢીને મસ્ત સુઈ ગયો. આખા દિવસ ના થાકે એને ઉંઘવા માટેની મહેનત ઓછી કરી આપી.

દિવસ 4

રાત્રે અચાનક અવાજથી આંખ ખુલી ગઈ. ટેન્ટ પણ ઉપરથી એકદમ હલતો દેખાયો. બહાર વાવોઝોડું ફૂંકાતું હતું. ઘડિયાળ હજી સવારના સાડા ચારનો જ સમય બતાવતી હતી. થોડીવાર ટેન્ટમાં બેસી રહ્યા પછી હર્ષ ધીમે રહીને બહાર જવાની હિંમત કરી. વાતાવરણમાં જબરજસ્ત ઠંડી હતી. સુસવાટાભેર ફૂંકાતો પવન ઠંડી વધારતો હતો. હજી આટલું ઓછુ હોય એમ વરસાદના છાંટા શરુ થયા. હર્ષના શરીરના બધા અંગો થીજી ગયા હતા. તરત જ ફરી ટેન્ટમાં ભરાઈ ગયો. થોડીવારમાં વરસાદનું જોર વધ્યું. બાજુમાં સુતેલા ગાઈડના ટેન્ટમાં એક બાજુનો જમીનમાં ખોદેલો ખીલો પોચી જમીનના લીધે ઉખડી ગયો. ટેન્ટ નું બહારનું પ્લાસ્ટીક હવામાં ફરવા લાગ્યું. ગાઈડ તરત જ ભાગીને ફરી એને ખાડામાં નાખ્યું પણ વરસાદ ને લીધે જમીન પોચી થઇ ગઈ હતી એટલે એ બહાર જ આવી જતું હતું, ત્યાં જ હર્ષના ટેન્ટ નો પણ એક બાજુનો ખીલો નીકળી આવ્યો અને ત્યાંથી ટેન્ટ થોડો ખુલી ગયો. વરસાદ ના છાંટા ટેન્ટમાં અંદર આવવા લાગ્યા. હર્ષ એકદમ ગભરાઈ ગયો. ટેન્ટની અંદર પવન ભરાવાને કારણે ટેન્ટ ઉડવા લાગ્યો. હર્ષે વ્હીસલ વગાડવાનો પ્રયત્ન કર્યો પણ ઠંડી અને ગભરાટ ને કારણે એના દાંત જ એટલા કકળતા હતા કે વ્હીસલ વાગી જ નહી. પણ ગાઈડ બહાર જ હોવાને કારણે એમણે તરત જ પરિસ્થિતિ સમજી લીધ અને હર્ષે ને ટેન્ટમાંથી બહાર કાઢી પોતાના ટેન્ટમાં લઇ ગયા. હર્ષનો ટેન્ટ તો બે જ મીનીટમાં ત્યાંથી ઉડી ને નીચેની ટેકરીઓ માં વિલીન થઇ ગયો. હર્ષ હવે ખરેખર ગભરાયો હતો. ગાઈડ પણ હવે વધારે રિસ્ક લેવા માંગતા નહોતા અને આમ પણ ટેન્ટ માં એક જ જણ સુઈ કે બેસી સકે એવી વ્યવસ્થા હતી અને ૩૪ ની કમરનો હર્ષ અને પોતે લાંબો સમય બેસી ના શકાય. ગાઈડ હર્ષ ને બેસાડીને એમના ટેન્ટ થી ૧૦૦ જેટલા ફૂટ ની દુરી એ આવેલા એમના ઘરમાં ગયા અને ત્યાં વ્યવસ્થા કરી અને હર્ષને પણ ત્યાં લઇ ગયા.

ઘરમાં આવી હર્ષ અને ગાઈડ માટે એમના પત્ની એ ચા મૂકી, આમ પણ બંને ની ઊંઘ તો ઉડી જ ગઈ હતી. હર્ષે મોબાઈલ ચાર્જ કરવા મુક્યો અને થોડું ગરમ પાણી મળતા હાથ-પગ-મોઢું ધોઈ લીધા. ઘરમાં આવ્યા ના એકાદ કલાક પછી વરસાદ બંધ થતા બહાર નીકળ્યા. ધીમે ધીમે અજવાળું થઇ રહ્યું હતું. બહાર સ્વર્ગ જેવું વાતાવરણ હતું. સામેની ટેકરી ઉપર કાલે જોયેલા ઘર ની જગ્યાએ માત્ર વાદળો દેખાતા હતા. સૂર્યનો એકદમ કૂણો તડકો, એકદમ દુર પણ જોઈ શકાય એવા હિમાલયના બરફાચ્છાદિત પહાડો, શરીરને અડકીને જતા વાદળોનો ભેજ. બિલકુલ સ્વર્ગ. બધી ઠંડી ભુલાવી દે, મનને પ્રફુલ્લિત કરી દે એવું કુદરતનું રૂપ જોઇને હર્ષ તો ગાંડો બની ગયો. અહિયાં સુધી આવવા માટે પોતે આપેલો સમય, ખર્ચો બધું સાર્થક છે એવું લાગ્યું.

થોડીવારમાં તૈયાર થઈને ફરી ટ્રેકીંગ માટે નીકળ્યા. આજનો રસ્તો થોડો લાંબો હતો. લક્કડમંડી-3 km અને ત્યાંથી ડેનકુંડ જવાનું હતું.

કાલાટોપ થી લક્કડમંડી નો ૩km નો સીધો ઢોળાવ ચડવો એ આસન નહોતું પણ સવારના વાતાવરણે જે ઉર્જા આપી હતી એના લીધે બે કલાકમાં ત્યાં પહોંચી થોડો આરામ કરી ડેનકુંડ જવા નીકળ્યા. ડેનકુંડ એ પેહલાની માતાનું મંદિર છે. ૯૬૦૦ ફૂટ ની ઉંચાઈ ઉપર એમનું એક મંદિર છે. અને એ પાછળની કહાની કંઇક એવી છે કે, વર્ષો પહેલા આસપાસ ના ગામમાં આદિવાસીઓ બહુ પરેશાન કરતા હતા ત્યારે ગામવાસીઓએ માતાજીને પ્રાર્થના કરી અને માતાજીએ આ આદિવાસીઓનો ખાત્મો કર્યો. આ મંદિર સૌથી ઉંચા પહાડ પર બિરાજમાન છે.

મંદિર સુધી પહોચવા માટેના રસ્તે ભારતની BSF નું એક હેડકવાર્ટર પણ જોવા મળ્યું. જ્યાં દિવસે અને એ પણ મે જેવા ગરમીના મહિનામાં પહોચવું મુશ્કેલ પડે છે ત્યારે રાત દિવસ પહેરો રાખી એ લોકો આપણે સુરક્ષિત રાખે છે. એમને દુર થી જ સલામી આપી આગળ નીકળ્યા. રસ્તો કોઈકવાર માત્ર ૬-૮ ફૂટ જેટલો જ પહોળો આવતો. રસ્તાની બંને બાજુ ઊંડી ખાઈ હતી. ત્યાંથી હિમાલયના પર્વતો નો નજારો અવરણીય હતો. 4 વાગતા ફરી લક્કડમંડી થઇ કાલાટોપ આવ્યા. રાત્રે ફરી એ જ રીતે ટેન્ટ માં સુવાનો એક વધુ અનુભવ કર્યો.

દિવસ 5

સવારે ઉઠાતાની સાથે જ હર્ષના માથા માં બહુ ખંજવાળ આવતી હતી. માથું ધોવાનું વિચાર્યું, સામાન તો બધો લઇ જ ગયો હતો. બાજુમાં ખુલ્લા નળ નીચે માથું નાખીને નળ ખોલ્યો અને....... માથું સુન્ન મારી ગયું. જાણે એનેસ્થેસિયા આપ્યો હોય એમ. જો કે એનો ફાયદો ઉઠાવીને ફટાફટ શેમ્પુ કરી માથું ધોઈ નાખ્યું. પણ ત્યાર પછી શરીરમાં ગરમી લાવવા ગાઈડ સાથે ફૂટબોલ રમ્યો. ત્યાંથી વાયા રોડ ખજિયાર પહોચ્યા. ખજિયાર-ભારતનું મિની સ્વીત્ઝરલૅન્ડ. ત્રણે બાજુ ઉંચા પર્વત અને વચ્ચે એક વિશાળ મેદાન એ ખજીયારનું પ્રખ્યાત સ્થળ હતું. ત્યાં થોડીવાર ફરી, ફોટા પાડી હર્ષ ઉપડ્યો- આ ટ્રીપની સૌથી સાહસવૃત્તિ વાળા સ્થળે- લગભગ એક કલાક પર્વત ચઢ્યા પછી હર્ષ અને ગાઈડ ત્યાં પહોચ્યા. અને એ હતું- પેરાગ્લાઈડીંગ.

પેરાગ્લાઈડીંગ એટલે પેરાશુટ માં એક પર્વત પરથી જમીન સુધી ઉડીને આવાનો એક યાદગાર- અવિસ્મરણીય-સુખદ અનભવ. માત્ર બે-ત્રણ મીનીટમાં કુદરતને જેટલી નિહાળવી હોય એટલી નિહાળી લેવાની. પેરાગ્લાઈડીંગ નો અનુભવ વિશેષ એટલા માટે કે ત્યાંથી દેખાતો નજરો એટલે બર્ડ-વ્યુ. હર્ષ આ માટે તો જાણે વર્ષો થી રાહ જોતો હતો. પોતાનો વારો આવતા જ એક એક પળને માણતા હર્ષ નીચે આવ્યો. ત્યાંથી ખજિયાર ફર્યા અને રાત્રી રોકાણ પણ ત્યાં જ કર્યું.

ખજિયાર માં બીજું વિશેષ એ જોવા મળ્યું કે સૌથી વધારે ટુરિસ્ટ ગુજરાત થી જ આવતા એટલે ત્યાના લોકલ ને પણ થોડું ઘણું ગુજરાતી સમજ પડતી હતી. શોપીંગ કરવા ગયા ત્યાં પણ ગુજરાતની જ આઇટમ ઉંચા ભાવે વેચાતી હતી. હર્ષ ને આજે ફરી પોતે ગુજરાતી હોવા પર ગર્વ થયો.

દિવસ ૬

આજના દિવસ શોપીંગ અને આરામ માટે રિઝર્વ રાખ્યો હતો. હર્ષ પણ થોડું આમતેમ ફર્યો અને ગાઈડના કહેવા પ્રમાણે ત્યાના નજીકના એક નાનકડા ગામની મુલાકાત લીધી. ત્યાના લોકલ લોકો સાથે વાતો કરી. એમની જીવન જીવવાની રીતભાત જાણી.અને ત્યાંથી પરત થઇ બીજા દિવસે રિટર્ન જવા માટે પેકિંગ કર્યું.

દિવસ ૭ અને ૮

ખજિયાર વાયા હિમાચલ પ્રદેશ ગવર્મેન્ટ બસ ની મુસાફરી માણીને પંજાબ ના પઠાનકોટ પહોચ્યો. ત્યાં બે કલાકના આરામ પછી હર્ષની અમદાવાદ ની ટ્રેન હતી. રીટર્નમાં ફરી બધા સ્ટેશનો એ સ્પેશિયલ ડીશ આરોગી એકદમ સ્વસ્થ મન અને શરીરમાં એક નવી એનર્જી સાથે ઘરે પરત આવ્યો.

***

હર્ષે ગાર્ડનમાં મળેલા એ છોકરા નો ખરેખર આભાર માનવો ઘટે. એની સાથે વાત કરતા જ આ સોલો ટ્રીપ નો આઈડિયા એના દિમાગમાં આવ્યો હતો. ખેર, સિંગલ હોવાનો બહુ જ મોટો ફાયદો હર્ષ ને આજે મળ્યો. પૈસા ની બચત, ટાઇમ નો સદુપયોગ, વગર કારણની કોઈ ઝંઝટ નહિ.

બધા સિંગલ મિત્રો ને હર્ષ વતી એક નાનો સંદેશો કે, સિંગલ હોવું એ તો વરદાન સમાન છે. પોતાની જાત ને ઓળખવાનો અને પોતાની જાત સાથે સમય વ્યતીત કરવાનો જે અવસર એ ૮ દિવસમાં હર્ષને મળ્યો એવો તમે પણ કરી શકો છો. તો થઇ જાવ તૈયાર.. હર્ષે તો આવતા વર્ષે મનાલી જવાનો પ્લાન વિચારી જ રાખ્યો છે. તો બોલો તમે ક્યારે અને ક્યાં ઉપાડો છો??....