Dhanani madana Manka - 7 books and stories free download online pdf in Gujarati

ધનાની માળાના મણકા - ૭

ધનાની માળાના મણકા

લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

—: નમ્ર નિવેદન :—

વ્હાલા જ્ઞાતિ બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા”રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ જ્ઞાતિબંઘુ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.આપનો જ્ઞાતિબંઘુપરમાર ધનજીભાઈ છગનભાઈ

મણકો ૨૬૫

જીવીલે તું જીદગી માણીલે તું જીદગી,

છોડ મનની ગંદકી કરીલે તું બંદગી.....

સ્વાર્થી આ જગમાં છેતરાયા છે ઘણા,

છોડ સ્વાર્થપણા જીવીલે તું જીદગી.....

મોહમયી નગરીઆ મમતાળુ મળે ઘણા,

મમતા માયા ત્યાગી જીવીલે તું જીદગી.....

કામી, ક્રોધી, અને લોભી મળશે ઘણા,

કાબુ કર ત્રણે ઉપર જીવીલે તું જીદગી.....

દયા, ધર્મ, પ્રેમમાં ધના ન રાખ મણા,

સત્યને જાણીલે જીવીલે તું જીદગી.....

મણકો ૨૬૬

શાને મુખ કરે છે ઓશિયાળુ, નહીં જોવે એ ટાણું કે કટાણું,

તું કરીલે ને હટાણું, જાગીને જોને વાયું વાણું.....

જોને ઉગ્યો રવિ ઉઘાડ થયો, ઉતાવળે જરા પરવારો,

આવશે વાદળ અચાનક, વ્યાપે અંધકાર ચારેકોર.....

સમજીનેથા ને શાણો, પછી હશે ચારે બાજુ ગારો,

પછીં નહીં નીકળી શકે બારો, હશે ચીકણો લપટાવ નારો.....

વધુ લાલચમાં લલચાયો, એનો એળે જનમારો ગયો,

માથે રાખ છત્તર શામળીયો, ભીંજાવાનો ભય ટળીયો.....

એ આવે ધના અણધાર્યા, મેઘ, મૃત્યુ ન રહે વાર્યા,

તેથી રહેને સદા આનંદમાં, બન્ને આવ્યે શાંતિ થાયે.....

મણકો ૨૬૭

ઈમાનદારી નો જ્યારે ઓલવાયે દીપ,

દુર્ભાગ્યની તરત શરૂ થતી ટીપ.....

બેઈમાનીના બત્રીસભાત ના પકવાનથી,

ચટણી રોટલો છે મીઠો ઈમાનદારીથી.....

બેઈમાનીથી મેળવેલા રૂપિયા લાખ,

ઈમાનદારીનો રૂપિયો એક છે સવાલાખ.....

બેઈમાની પ્રવેશે જીવનમાં સંસાર થાતો રાખ,

ઈમાનદારી રાખે સદાયે મહેકતો બાગ.....

બેઈમાની ખાળ ધના ભૂલી ગયો ભીંત,

ઈમાનદારી અપનાવને ગા ખૂશીના ગીત.....

મણકો ૨૬૮

સંસારના સ્વપ્ન જોતા લાગવા ન દેવો દાગ,

દાગ લાગશે જીવનમાં સળગી ઉઠશે આગ.....

કાજળની આ કોટડીમાં રહેવાની શીખ રીત,

બત્રીસીની વચ્ચે જેમ રહે સદાયે જીભ.....

સમાજમાં રહે સદા દુધમાં સાકળ ભળે જેમ,

સહજ બની સ્વિકારજે નહીંતો તુરશે નેમ.....

આડંબર ત્યાગ ખોટા વધશે મોટા વહેમ,

દવા વહેમની નથી કાંઈ કમ થાયે પ્રેમ.....

મહેચ્છા મોટી કર કાબુમાં હરિ ઈચ્છા હોય,

ધના સંસાર સ્વપ્ન જેવો નાશવંત સર્વકોય.....

મણકો ૨૬૯

ઓ નટખટ નંદના કનૈયા મેં લું તેરી બલૈયા,

તું હે બડા ખેલૈયા મેરી પાર કરતું નૈયા.....

સબ સોંપ રહા હે છૈયા પકડલે મેરી બૈંયા,

ઓ મેરે ખેવૈયા તું બલભદ્ર કે ભૈયા.....

ઓ યશોમતી કે છૈયા તું ચરાવ મેરી ગૈયા,

મેં પડું તેરે પૈયા ઓ વાસુદેવ કે છૈયા.....

મેં શરણ તેરે કનૈયા ઓ બંશી બજૈયા,

હવે હામ છોડે હૈયાં ઘણા જનમારા થૈયા.....

ધનો બાળે છે હૈયા ઘેરાણો થી ઘેરૈયા,

મટૂકી ફોડને કનૈયા ગોપી વિનવે પડી પૈયા.....

મણકો ૨૭૦

નથી છે બીક મૃત્યુ ની માનવને,

નજરે દેખાય છે બીક છે મુકવાની.....

ડર છે દુઃખનો માનવને નથી,

દુઃખ દેખાયછે જે સુખ બીજાનું.....

છે અભાવના સંપતિનો માનવને,

છતાં અભાવ સંપતિ છે દેખી બીજાની.....

છે થવું માયાથી માનવને મુક્ત,

બંધન બીજા લે કારણ છે તેમનું.....

છે લેવો સ્વભાવ આનંદ ધનાનો,

અહંમ છે આડો માનવને હુંપણાનો.....

મણકો ૨૭૧

(રાગ - ભૂલો ભલે બીજુ બધું મા-બાપ ને ભૂલશો નહીં.....)

ભૂલો ભલે બીજુ બધું પણ દોષ જો ભૂલશો નહીં,

એ દોષ આવશે આપમાં એ વિસરશો નહીં.....

એકથી સો શીખવ્યા જેણે શીખાવનાર ને યાદ રાખજો,

શીખવનાર ને શીરોમાન્ય રાખી માન સદા આપજો.....

અસંખ્ય કર્યા કુડા કર્મો એ સદાયે યાદ રાખજો,

ભૂલો ભલે કરેલ પરોપકાર ઉપકાર સદા બીજાનો યાદ રાખજો.....

કાઢી મૂકો કામ, ક્રોધને મનમાં માયા સંઘરશો નહીં,

કામ થકી ક્રોધ ઉપજે માયા છે છાયા યાદ રાખજો.....

લાખો કમાઈ રાખશો મૂકવા પડે છે એક દિન,

સાથે ન આવે ધન સંપતિ યાદ સદાય રાખજો.....

કરો કર્મ સારાં તમે સેવા ધર્મ અપનાવજો,

નડતર કરતાં બીજાને ધના સોવાર વિચારજો.....

મણકો ૨૭૨

(રાગ - ગળતી માઝમ રાત જાડેજા ગળતી માઝમ રાત રે.....)

ઢળતી જીંદગી જાય કંચન રાણી ઢળતી જીંદગી જાય રે,

કાળ આંબવા આવીયો તમે ધરો ને હરિ ધ્યાન રે.....

હાથમાંલે કરતાલ કંચનરાણી હાથમાં લેને કરતાલ રે,

સમય જોઈને સંચરો તમે ના કરો અભિમાન રે.....

કામ ક્રોધને ત્યાગ કંચનરાણી કામ ક્રોધ ને ત્યાગ રે,

મોહ લોભ મમતા મૂકી તું રાત્રી પણું છોડ રે.....

વૈરાગી મન રાખ કંચનરાણી વૈરાગી મન રાખ રે,

મારૂં મારૂં મૂકને તું તારૂં નથી તલભાર રે.....

સંત સમાગમ કર કંચનરાણી સંત સમાગમ કર રે,

મૂક ધના મોટા પણું તારી ગળતી હાલી કાય રે.....

મણકો ૨૭૩

કકળાટ કરે રે કાળો કેર તો કરે રે,

વાલીડા ક્રોધને મારો બહુ કકળાટ કરે.....

કામના ઓ કરે ખોટી અંતે એ પડતી ખોટી,

નબળા દેખીને પછીએ બહુ ક્રોધતો કરે.....

ભક્તિનો અચંબો ઓઢી બહુ પાપ તો કરે રે,

માયાના બંધનો માં પછી બંધાતો ફરે.....

ક્રોધનો વધારી ઓધ પછી ફોગટ ફરે,

રોગી થઈને પછી અંતમાં ખાટલે પડે.....

કકળાટ કરે ધના ખોટો હાથે કરીને મરે,

ક્રોધી બનીને પછી ન કરવાનું કરે.....

મણકો ૨૭૪

(રાગ - મંદિર તારૂં વિશ્વરૂપાળું સુંદર સરજન હારા રે.....)

મનડું મારૂં બહુ અટકચાળુ, માયા મોહન તારી ભારી રે,

મનડાએ માર બહું ખવડાવ્યો, છતા શાન ન આવી રે.....

મનડું ન થાયે કાબુમાં, એ છટકી છટકી જાયે રે,

વાનરની એ જાત ચંચળ, વારે વારે ચળી જાયે રે.....

નીલગગનમાં ભ્રમણ કરતું, વાતો વાતો કરતું રે,

વારે વારે જાયે વિદેશમાં પરત તરત દેશ ફરતું રે.....

જંપી ન બેસે પળ એકે, ફૂલે ફૂલે એ ફરતું રે,

રસ ગહે એ સારો નઠારો ભક્ષીકા કહાવે રે.....

ઘડીમાં રડતું હસતું ઘડીમાં, ઘડીમાં વૈરાગી બનતું રે,

ધના મનને ન દેતો નમતું, મળી જશે તેને ગમતું રે.....

મણકો ૨૭૫

શું લેવું શું મૂકવું જગમાં માનવ મુંઝાઈ જાતો,

સંતો સમજાવે છે શાનમાં તું સાંભળ એની વાતો......

મોટાઈ મૂક માનવ તું શાને અંધારે અથડાતો,

નાનો બનીને નમન કર થા પાંચમાં પંકાતો.....

કામ ક્રોધ મૂકીદે મનવા ખાસે અંતે લાતો,

સહજ બનીને શાંત થા વધે બધાથી નાતો.....

અહંકાર અળગો કર સૌ સૌના કરમનું ખાતો,

પ્રેમ ભાવ અપનાવ અને ખોટી મૂક પંચાતો.....

લોભને ન હોય થોભ ધના સંતોષ નથી થાતો,

સંતોષ છે સો રોગની દવા સદા રહે હરખાતો.....

મણકો ૨૭૬

દિલ દરિયાવ રાખને દિકરા, દિલ દરિયાવ રાખને,

નાની મોટી નદીઓ આવી મળશે.....દિલ દરિયાવ.....

ન રાખ દિલ તળાવ દિકરા, ન રાખ દિલ તળાવ,

વધશે પાણી પછીએ તુટશે.....દિલ દરિયાવ.....

ભલે વધે તડકો ધોમ દિકરા, ભલે વધે તડકો ધોમ,

વરાળ થઈને થોડું ઉડશે.....દિલ દરિયાવ.....

વાદળ વરસસે અનરાધાર દિકરા, વાદળ વરસસે અનરાધાર,

પાણી બની પાછુ બુડશે.....દિલ દરિયાવ.....

કરને દિલ વિશાળ દિકરા, કરને દિલ વિશાળ,

વિશાળતામાં રતન પાકશે.....દિલ દરિયાવ.....

ધનો ધરે અનુભવ દિકરા, ધનો ધરે અનુભવરે,

સદા સારા ફળ હરિ આપશે.....દિલ દરિયાવ.....

મણકો ૨૭૭

દેખ મદારી આયો, ભેંસા કો સાથ લાયો,

બંદરીયા પકડને આયો, બીન ન સારી લાયો.....

સાથ જીલ રસીકી લાયો, કસકે ફાંસો બનાયો,

છટક ન પાયો કોઈ, ક્યા કરે તું રોઈ.....

જબ તનકો જનમ પાયો, સાથ મદારી આયો,

બહોત ઉસને નાચ નચાયો, કભી ગાયો કભી રોયો.....

જબ કુંટુંબ કબિલો પાયો, ધન સંપત લાયો,

તબ મદારી યાદ ન આયો, મનસે નિકલ પાયો.....

મોહ મદમેં લપટાયો, લોભ મેં બડો ફસાયો,

અચાનક મદારી આયો, ધના ભેંસા પર બેઠ આયો.....

મણકો ૨૭૮

હું શું કરૂં હરિ મારી ધીરજ ખૂટી ફરી,

“પણ” થાય છે પાણી મારૂં હરિ આ તેં શું કરી.....

હિંમત હાર્યોં ને આપી હિંમત કાર્ય કરવા ધાયો,

“પણ” મારૂં નિષ્ફળ જાશે હું થયો રઘવાયો.....

પસ્તાવાના પૂર ઉમટે ખતા હું ક્યાં ખાયો,

મારગ દેખાડ મોરારી હું ઘણો મુંઝાયો.....

ગર્વ વધ્યો હું પણાનો કે પોતા પણું ખોયું,

ઈશારો કર હરિ આટલો બીજ ખોટું ક્યા બોયું.....

ધનો શરણે તારા શામળા “પણ” મારૂં ખોટું,

ગજા ઉપરવટ ઉંચો થયો સાહસ કર્યું મોટું.....

મણકો ૨૭૯

હેજી તારા આ કેટલા જનમની જંજાળુ રે,

માનવ મૂકને તું નકામાં વૈતરાં રે હો......

હેજી તારા ક્યારે થશે પૂરા કરમ કૂળાં રે,

હરિ ના ભજે માનવ તું આ વેળા રે હો.....

હેજી બહું રે અમુલ્ય છે માનવ દેહ રે,

દેવતા ને પણ દુર્લભ બહું લાગતો રે હો.....

હેજી તે કેટલા કાઢ્યા જનમ આમ રે,

કિંમત માનવ અવતારની ન કરી રે હો.....

હેજી ધના ભજીલે ભગવાન હેત રાખી રે,

જીવન જ્યોત પડશે પછી ઝાંખીરે હો.....

મણકો ૨૮૦

ખોડલ તારી નજરૂં ચારે કોર,

અમિની વૃષ્ટિ કરે રે લોલ.....(૨).....

ખોડલ તારે પાળે ગરીબ જન આવે,

રિધ્ધિ સિધ્ધિ આપતી રે લોલ.....(૨).....

ખોડલ તારે ધ્વારે વાંઝિયાં આવે,

વાંઝિયાં મેણા ભાંગતી રે લોલ.....(૨).....

ખોડલ તું દુખીયાની વ્હારે ધાતી,

દુષ્ટોનો દાટ વાળતી રે લોલ.....(૨).....

ખોડલ તારો ગરબો પ્રેમે જે ગાયે,

આશિર્વાદ ધના આપતી રે લોલ.....(૨).....

મણકો ૨૮૧

વાગે છે રે વાગે છે માં અંબાની ઝાલર વાગે છે,

આવે છે રે આવે છે માં અંબા ગરબે રમવા આવે છે....

ગબ્બર ગોખથી ઉતરી ને માળી ભક્તોની વ્હારે આવે છે,

આવે છે રે આવે છે માં અંબા ગરબે રમવા આવે છે.....

સિંહ ઉપર કરીને સવારી ગરબે રમવા આવે છે,

આવે છે રે આવે છે માં અંબા ગરબે રમવા આવે છે.....

ચંડમૂંડનો વધ કરીને ભક્તોના દુખડા કાપે છે,

આવે છે રે આવે છે માં અંબા ગરબે રમવા આવે છે.....

આસો સુદની આવી નવરાત્રિ દર્શન દેવા આવે છે,

આવે છે રે આવે છે માં અંબા ગરબે રમવા આવે છે.....

દાસ ધનો માના ગુણલારે ગાયે પોતાના કરી સ્થાપે છે,

આવે છે રે આવે છે માં અંબા ગરબે રમવા આવે છે.....

મણકો ૨૮૨

કાળજા કેરો સંભળાયો કડાકો,

નિયતિ પાસે હું હારી ગયો.....કાળજા.....

નાચ નચાવે વાંદરાને જેમ,

હું નિયતિ નો ગુલામ થયો.....કાળજા.....

ધારેલું પડતું અવળું સર્વે,

ઢાળ માનવ જ્યાં ઓળંગતો.....કાળજા.....

દશરથે જ્યારે ધાર્યું રામને દેવા રાજ,

ચૌદ વરસ વન ગયા સર્યુંનકાજ.....કાળજા.....

ધારેલું ધના ન થાયે ખોટો ના કર રંજ,

નિયતિનો કોઈ આશય હશે સુખના.....કાળજા.....

મણકો ૨૮૩

(રાગ - બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે.....)

બાયું મનમાં મને એવું થાય છે રે,

કે કાનુડો હારેલાને જશ પાય છે રે.....બાયું.....

હે બાયું સૂરજ સાંજે આથમી જાય છે રે,

પાછો સવારે મેળે ઉગી જાય છે રે.....બાયું.....

હે બાયું જગમાં વાતો એવી થાય છે રે,

કે કાનુડો જેને મારે તેને તારી જાય છે રે.....બાયું.....

હે બાયું માર્યોં એણે મામા કંશને રે

ભાણે તાર્યોં આખો મામાના વંશને રે.....બાયું.....

હે બાયું ભ્રમ ભાંગ્યો મારો ભૂદરે રે,

તમે અહંકાર ન લાવો ઉદરે રે.....બાયું.....

હે બાયું હાર ન હોય હવે આપણી રે,

કે કાનુડો કરે છે ધનાની માપણી રે.....બાયું.....

મણકો ૨૮૪

સજ્જન નજ તો સહજ હોય જે,

કાંટાં ને સહી ફૂલ આપે રે.....

વાણી રાખે કાયમ સંયમમાં જે,

કટુ વચન કદીના બોલે રે.....

કડવા વખના ધુંટડા પીને જે,

અમૃત સદા વરસાવે રે.....

દુઃખે સદા બીજાને દુઃખી થાય જે,

દુઃખ નીવારવામાં સદાસૂરા રે.....

મનદુઃખ ન રાખે કોઈથી જે,

ધના પ્રેમમાં પાગલ પૂરા રે.....

મણકો ૨૮૫

પડે ચડે જીભ વડે જ સંસારમાં સૌ માનવી,

જીભને સદાય હે માનવ કાબુમાં તું રાખને.....

જીભ અપાવે રાજપાટ જીભ મંગાવે ભીખ,

જીભ અપાવે ગાડી લાડી જીભ કઢાવે દાંત.....

જીભથી સ્વર્ગ મળતું જીભથી નરક ખાણ,

જીભથી મહાભારત થાતું જીભથી જગ જીતાય....

જીભથી જશ મળતો જીભથી જગ વેરી થાય,

જીભમાં નથી હાડકું એકે વાળોતેમ વળી જાય.....

જીભ ઘણી છે કોમળ છતાં વ્રજથી કઠોર કહેવાય,

જીભ ધના જેની ન કાબુમાં દરદર ઠોકર ખાય.....

મણકો ૨૮૬

ગરણું ગોખે બંધાય ગાંડીયા,

બોલે એનું મોઢું ગંધાય.....

ગરણું ગામે ન બંધાય,

છોને બોલે એને બોલવા દેવાય.....

બોલમાંથી તોલ કરાય મનવા,

નિંદા પ્રેમ થી સંભળાય.....

નિંદા અને સ્તુતિ સહજ માનીને,

હરિ ગુણ પ્રેમે ગવાય.....

વખાણ સાંભળી હરખી ન જાતો,

નિંદાથી જરા ન ગભરાય.....

નિંદા સ્તુતિથી જ્ઞાન લે જે,

ધના પરમપદ પમાય.....

મણકો ૨૮૭

જીવન જીવતાં આવડે નહીંને હાર વસમી લાગતી,

હાર નથી જીવનમાં જો પ્રિય અપ્રિયમાં સજાગ હોય તો.....

મળતો નથી જીવનનો રસ્તો તૈયાર કદી કોઈને,

મળે તૈયાર કદાપી પ્રમદી અકર્મણ્ય બની જાય છે.....

મળેના જીત જીવનમાં તો મેદાન છોડી ના ભાગતો,

નિરાશાની ગોદમાં પોઢવું વિકલ્પ એ એક જ નથી.....

જીતવું છતા જીતાય નહીં તો પ્રયત્નો તારા ખામી ભર્યા,

એ સમયે કર આત્મ દર્શન ખોટા કર્મોં ક્યા કર્યા.....

પડવું જરૂરી છે ધના પણ ઉભું થવું ઉતાવળે,

સત્ય પંથે ચાલજે તો સુખ આવવા સળવળે.....

મણકો ૨૮૮

(રાગ - ભૂલો ભલે બીજુ બધું મા-બાપને ભૂલશો નહી.....)

મોટો થઈ માન્યો નહીં ધંધામાં જેનું ધ્યાન નહીં,

એ દિકરો નથી પણ છે દિપડો એ ભૂલશો નહીં.....

મા-બાપે મોટા કર્યા તન તોડી પોતા તણું,

ફરજ એમની હતી પણ તમારી ફરજ ભૂલશો નહીં.....

ભણાવ્યા પરણાવ્યા મા-બાપે કોડે કરી,

આયખું ગુમાવ્યું આગળ લાવવાતે ભૂલશો નહીં.....

સત્ય પંથે ચાલતા આળસ કદી ના કરો,

આળસ છે મૃત્યુની માસી તે ભૂલશો નહીં.....

મોટો ધના થા ભલે અહંકાર ઉરમાં ન રહે,

વિનમ્ર બની માન બીજાને આપવું ભૂલશો નહીં.....

મણકો ૨૮૯

વાગે છે રે વાગે છે કનૈયાની મોરલી વાગે છે,

માગે છે રે માગે છે કનૈયો મન તમારૂં માગે છે.....

જાગે છે રે જાગે છે ભક્તો માટે કનૈયો જાગે છે,

ભાંગે છે રે ભાંગે છે ભક્તો ની ભીડ ભાંગે છે.....

ભાગે છે રે ભાગે છે ભક્તોની પાછળ ભાગે છે,

ઉઘાડા પગે ઉપરણી ભૂલી ગાંડા માફક દોડે છે.....

ત્યાગે છે રે ત્યાગે છે અ ભક્તો ને ત્યાગે છે,

કડવા રસના ઘુંટડા ભરાવી સારે રસ્તે વાળે છે.....

વાગે છે રે વાગે છે ધનાને ભણકારા વાગે છે,

આવે છે રે આવે છે મારો મોહન મળવા આવે છે.....

મણકો ૨૯૦

આજ મારે દિવાળીનો અવશર છે રે,

કરવા અંતરમાં અજવાળા છેક.....આજ.....

આજથી મારે દિવાળીને માણવી રે,

પ્રગટાવવા સામાના ઉરમાં દિપ.....આજ.....

આજથી મારે કામ ક્રોધ ને બાળવા રે,

મોહ લોભને નથી પાળવા રે.....આજ.....

આજથી મારે વેર વૃતિને તજવી રે,

તજવી છે નીંદાને કુથલીની ટેવ.....આજ.....

આજથી ધના અહંમ દાનવ સંહારજે રે,

પ્રગટાવજે પ્રેમના દિપ ની જ્યોત.....આજ.....

મણકો ૨૯૧

કોણ જાણે રે બીજું કોણ તો જાણે રે,

મહોબ્બત મારી કાના કોણ તો જાણે રે.....

લાગી લગન મને કાના તારા રે નામની,

તડપે છે દિલડું મારૂં છાના માના રે.....

મહોબ્બત કરી આજે મેં મોહન સાથે,

સંસાર ભલેને ન રહે મારી સંગાથે રે......

કોણ તાણેરે ભેર બીજું કોણ તાણે રે,

ભૂધર વગર ભેર બીજો કોણ તાણે રે.....

કોણ જાણે રે ધના કોણ જાણે રે,

વાગ્યા હોય પ્રિતુનાં બાણ એજ જાણે રે.....

મણકો ૨૯૨

યાદ કરૂં છું તને આવને નંદકુમાર,

અંધકારની આ દુનિયામાં ક્યારે ઉગશે ભાણ.....

મનમંદિરમાં છે અણ સમજનો અંધકાર,

અજ્ઞાન મારૂં દે ઉડાડીને પાથરને પ્રકાશ.....

મારૂં મારૂં કરી ખૂબ કરતો હું બકવાસ,

મારૂં માનું તારૂં માયાનો કરને રકાશ.....

માયામાં મન દોડી જાતું થતું અંતો ઉદાશ,

નિરાસ થઈને નમું તુજને ના કર ઉપહાશ.....

શરણે રાખ શામળા તારે છે એકજ આશ,

ઝાલ ને હાથ ધનાનો નહીતો થશે વિનાશ.....

મણકો ૨૯૩

સવાર સવારમાં ખીલે છે કોઈ કળી,

સાંજ થતા પાછી કરમાઈ જાય છે.....

કદી કોઈ કાળે ખીલે છે તાજું ફુલ,

મહેક મૂક્યાવણ મુરજાઈ જાય છે.....

મહેક વગરના ફુલ ખીલેને થાય ફુલ,

ફળ જ્વલે જણાય જંતુ ખાઈ જાય છે.....

કળી ખીલે હજાર માનવ મન છોડમાં,

તડકામાં તપી ઉડે છે પવનના જોરમાં.....

કળી ખીલી ફુલ થાય હોય વૃક્ષના છાયામાં,

ધના ફળ પમાય ન હોય મન માયામાં.....

મણકો ૨૯૪

આદત થઈ ગઈ છે હવે ખારૂં, મોરૂં, તીખું, ખાવાની,

મજા આવે છે હવે સદાય જાગતા રહેવાની.....

આદત થઈ ગઈ છે હવે માન અપમાન ખતા ખાવાની,

મજા આવે છે હવે સદાય મસ્ત રહેવાની.....

આદત થઈ ગઈ છે હવે કાન, નાક, આંખ બંધ રાખવાની,

મજા આવે છે હવે ભગવત ભક્તિ કરવાની.....

આદત થઈ ગઈ છે હવે કામ, ક્રોધ, લોભ છોડવાની,

મજા આવે છે હવે મોટાથી નાના થવાની.....

આદત થઈ ગઈ છે ધના સત્ય, પ્રેમ, કરૂણાની,

મજા આવશે હવે મહાઉત્સવ માણવાની.....

મણકો ૨૯૫

ભલેને ભરાણા અમે સમજીને છેતરાણા રે,

દુનિયા ભલે સમજે અમે થયા દીવાના રે.....

ગાંડા રે ગણે ભલેને અમને ગમાર ગણે રે,

લીધું છે મિશન હાથ કોઈ કાળે ના ખળે રે.....

બુધ્ધિહીન અમે જોને અક્કલના ઓછા રે,

ટીખળ ભલે કરે યુવાની કહીને ઘરડા ડોસા રે.....

ભાવના અમારી ભલે કોઈના જાણે રે,

છતાં રહેવું અમારે છે સત્ય પ્રમાણે રે....

ભલેને ભરાણા ધના ગમના ગામમાં રે,

આનંદ મુબારક સૌને છેતરાયાના માનમાં રે.....

મણકો ૨૯૬

માંગુ છું સાથ આપનો સહકાર થોડો આપજો,

આનંદ ઉરે ઉભરાયતો પોતાનો કરી થાપજો.....

ભાઈચારો અપનાવી કુટુંબભાવના રાખજો,

સંયુક્ત કુટુંબની મજાના ફળ તમે ચાખજો.....

મીઠાશ છે આ ફળ મહીં અનુભવે સમજાય છે,

યુધ્ધ જીતી મહાભારતનું હીમાળે હાડ ગળાય છે.....

લોભ, લાલચ, સ્વાર્થમાં સર્વનાશ નોતરાય છે,

ઈર્ષા, અહંમ, અદેખાઈમાં પોતાના દુશ્મન થાય છે.....

સ્વભાવ સુધાર માનવ તું સૌના કરમનું ખાય છે,

દેવી નથી પડતી દમડી છતાં ચૂકા ઉપડી જાય છે.....

માંગુ છું સાથ આપનો કુટુંબભાવના રાખજો,

મોટાઈ ધના મળેજો માન બીજાને આપતો.....

મણકો ૨૯૭

છેડી ગયું કોણ મારા અંતરના તારને,

શોધતો ફરૂં છું હું એને અંદર અને બહારને.....

છેડી ગયું કોણ સગડ મને ના મળે,

પગલાં ગોતું છું હું પંથ માં હર પળે.....

છેડી ને સંતાણું કોણ ચેન મને ના પડે,

રાતદિન શોધતા રૂદિયો મારો રડે.....

છેડીને જાય ભલે છૂપો કદીના રહે,

વિશ્વાસ છે વાલમનો અંતે એ કર ગ્રહે.....

છેડીને સલવાણો એ ભાગતો ભલે ફરે,

અેક દિન આવશે જરૂર ધના તારા ઘરે.....

મણકો ૨૯૮

જોવા કર ઈચ્છાય દોષ તારા જોવા કરને ઈચ્છાયજો,

પર દોષ જોવા પ્યારા લાગે આનંદ ઉર ઉભરાયજો.....

પર દોષમાં છે કામણ એટલું કહેતા આનંદ થયજો,

પોતાનો દોષ એક સાંભળતા તરત લાગે લાયજો.....

દોષ જુએ સંતો મહંતો ના અરે ભગવાન ના ભુલાયજો,

અભાગીય એ ન જુએ પોતામાં દોષ ઘણાયજો.....

દોષ જુએ આખા જગતના પોતે સજ્જન થાયજો,

સજ્જન જનતો મોટો ખોટો જે માને પોતે સજ્જનજો.....

દોષ નથી આ દુનિયામાં સર્વે છે નિર્દોષજો,

દોષ છે તારી આંખોમાં ધના અંતર ચક્ષુ ખોલજો.....

મણકો ૨૯૯

શોધતો ફરે છે જીવાત્મા શોધતો ફરે છે,

જીવનથી મૃત્યુ લગી જીવાત્મા ગોતતો રહે છે.....

ગર્ભમાં આવ્યો જ્યારથી શોધતો ફરે છે,

નીકળવું કેમ બહાર આમાંથી ગોતતો રહે છે.....

બહાર આવી બરાડા પાડી માંને શોધતો ફરે છે,

રાડારાડ કરી પયપાન માટે માંને ગોતતો રહે છે.....

મોટો થાય થોડો રમકડાં ને શોધતો ફરે છે,

પોતાનો હક્ક જમાવવા નુસ્ખા ગોતતો રહે છે.....

પોતાના પ્રમાણમાં મળે બધું પછી વટમાં ફરે છે,

હોશિયાર માને પોતાને અને ગાડી લાડી ગોતતો રહે છે.....

યુવાનીમાં આંધળો થઈ ધન દોલત શોધતો ફરે છે,

શોધના થાય પૂરી ત્યાં ઘડપણ ગોતતું રહે છે.....

ગળે છે ગુડા પછી ટેકાની શોધમાં ફરે છે,

શોધ કરીના હરિની ધના એવા ને ગમ ગોતતા રહે છે.....

મણકો ૩૦૦

માનવી તો કોઈનું માને નહીંરે જ્યાં લગી ખતા ન ખાય.....માનવી માને નહીં રે...ટેક.....

માયાનો રંગ એને એવો લાગ્યા રે, પાછળથી પછતાય.....માનવી.....

માનવી એવો અકોણો રે, મોટાઈ કરવા જાય,

મોટાઈમાં એ મથે ઘણું ને જ્યાં ત્યાં ભટકાય.....માનવી....

મથી મથી ને મથે ધણું ને માયાનો માર ખાય,

હારી થાકી ને બેસે હેઠોને પછી કરમને દે દોષ.....માનવી.....

માયા મેળવી શું રે કરે તું, હરિ કરે એ હોય,

હાથે કરીને થાય હેરાન પછી બેઠો બેઠો રોય.....માનવી.....

માનવી માન તું કોઈનું નાશવંત સર્વ કોય,

માયાને કર અળગી ધના વિષના બીજ કાં બોય.....માનવી.....

મણકો ૩૦૧

હે હરિ હે હરિ તું મને ઉંધમા થી જગાડ ફરી,

પથારીમાં પડ્યો હું ઓઢી પછેડી બળ કરી.....

દીવાસ્વપ્ન જોવામાં રાચું હું ઉડાડી દે સ્વપ્ન ફરી,

પછેડી મારી ખેંચ પાછી ઢંઢોળને તું પ્રેમકરી.....

જગાડી મોકલ્યો જગમાં અફીણથી યારી કરી,

બંધાણી બન્યો બહું હું અમલ ચડ્યો ફરી.....

માયા મમતામાં બંધણો ધન યૌવનમાં અંધબની,

કામ ક્રોધ લોભમાં લપસ્યો અહંમમાં ઉલૂ બની.....

હે હરિ હે હરિ વિનવે ધનો ફરી તું સામું જોને જરી,

માયા જાળમાંથી મુકાવ માધવ તું મહેર કરી.....

મણકો ૩૦૨

કાનુડા તારી કળા ન જાણી હલ ધરને હારે રાખ્યા,

મોટા કરીને માન આપ્યું સેવાના ફળ ચાખ્યા.....

રામાવતારમાં લક્ષ્મણની લીધી હતી સેવા,

કૃષ્ણાવતારમાં ચૂકતે કર્યું ઋણ સેવાના મળ્યા મેવા.....

રામાવતારમાં ધોબીએ કરી સીતા સતીની નિંદા,

કૃષ્ણાવતારમાં ઢીકો મારી ધોબીના પૂર્યા છીંડા.....

રામાવતારમાં વાલી માર્યો સાત તાડ સંતાઈને,

કૃષ્ણાવતારમાં ભીલનું ખાધુ ભાલુ સંતોષી થઈને.....

કાનુડા તારી કળા અજાણી મોટા મૂની થાક્યા,

પામર ધનો પાર ન પામે હથિયાર હેઠા મુક્યાં.....

મણકો ૩૦૩

અરે ઓ ગીતાના ગાનાર અરે ઓ ગીતાના ગાનાર,

અર્જુનને આપી ઉપદેશ કરાવ્યો કુટુંબનો નાશ.....અરે.....

માનવ જાતમાં જન્મ લઈ કાળ બન્યો કિરતાર,

અણસમજુ થઈને ઉતાર્યો શકરાસૂરનો ભાર.....અરે.....

માસી મારી પૂતના જેણે કરાવ્યું પયપાન,

બકાસુર, ઘેનકાસુર માર્યો કેશીને નિર્વાણ.....અરે.....

અઘાસુરને દુર કરી કર્યું કાલિયનાગ નું દમન,

મામા મારી કંસને કર્યું વેર નું સમન.....અરે.....

કુટુંબ કબિલો નાશ કરીને સૂતો શાંત થઈ,

ધનો કહે હવે ઉઠ માધવા ભૂતાવળ બેઠી થઈ.....અરે.....

મણકો ૩૦૪

લીલું દેખી પાન માળો ન કર માનવી,

ચીતરેલું છે ઝાડ ભવારવિના વનમાં.....

મૃગજળ કેશ નીર પ્યાસ બુઝાવેના કદી,

દેખાયે આભાસ આનંદ કરાવે બે ધડી.....

કમળા કેરી આંખ પીળું દેખાયે બંધુ,

બધું સોનું જન હોય વિચારીને જો બંધુ.....

શકટ નીચે સ્વાન ભાર ઉપાડે બધો,

પડછાયાને પકડવા આગળ શાને વધો.....

સ્વપ્ન સમ સંસાર લીલા દિનાનાથની,

જાગી જલદીજા ધના રટ લગાવ રામની.....

મણકો ૩૦૫

મલોખા જેવું તન મનવા ઉડી જાયે અબ ઘડી,

સંસાર સમાંરે ગર્વ તણો બોજ જાયે ઉડી.....

માનવ તન મલોખા જેવું પાણીમાં જાયે વહી,

સાચવીલે સુકાન નતો જાયે અહીં તહીં.....

માનવ તન મલોખા જેવું જલી ના જાયે કહીં,

ક્રોધાગ્નિથી બચાવ એને ન શકે સહી.....

માનવ તન મલોખા જેવું માટીમાં જાયે ભળી,

લોભને ન હોય થોભ મનવા રોજી લેને રળી.....

માનવ તન મલોખા જેવું નૂર જશે બળી,

આકાશે આત્મા જશે ધના તન રહેશે પડી.....

મણકો ૩૦૬

પડછાયો નાનો મોટો થાય પડછાયો નાનો મોટો થાય,

કદીએ ગોદમાં રમતો કદીક હાથી પર ચડી જાય.....પડછાયો.....

પ્રકાશે આઘો પાછો જાય ને નાનો મોટો થાય,

પ્રકાશ પ્રમાણે રમતો પડછાયો અંધારે અલોપ થાય.....પડછાયો.....

પડછાયો ન પકડાતો કોઈથી હાથતાલી દઈ જાય,

કદીક આનંદ આપે પડછાયો કદીક ડરાવી જાય.....પડછાયો.....

પડછાયો ના સગો કોઈનો સમય હારે સરીજાય,

કદીક પડછાયો ભ્રમઉપજાવે કદીક બ્રહ્મ થઈ જાય.....પડછાયો.....

પડછાયાને પરખ ધના બેડોપાર થઈ જાય,

કદીક એ અપાવે મુક્તિ બંધન કદીક બની જાય.....પડછાયો.....

મણકો ૩૦૭

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, શ્રી કૃષ્ણ શરણમ્ મમ્,

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, તૂટ જાયે ભ્રમ સબ..... શ્રી કૃષ્ણ.....

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, શ્રી કૃષ્ણ શરણમ્ મમ્,

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, મીટ જાયે ગમ સબ..... શ્રી કૃષ્ણ.....

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, શ્રી કૃષ્ણ શરણમ્ મમ્,

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, પાસ ન આયે કામ અબ..... શ્રી કૃષ્ણ.....

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, શ્રી કૃષ્ણ શરણમ્ મમ્,

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, માયા છોડે હમ અબ..... શ્રી કૃષ્ણ.....

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, શ્રી કૃષ્ણ શરણમ્ મમ્,

શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, ધના ડરે યમ અબ..... શ્રી કૃષ્ણ.....

મણકો ૩૦૮

ઓ રાધાના વાલમ રસિયા તારા પ્રેમનો પાર નથી,

તું હેત કરે છે એવું તારી લીલાનો કોઈ પાર નથી.....

તેં પાપીને કર્યા છે પાવન મામા માસી મારનારો,

હે પાપીને તારનારા હું ભૂલ્યો છું કરવી તારી સેવા.....

આ જગતની જંજાળુ મારૂં આખું જીવન પીખાણું,

હે જીવાત્માના રક્ષણહારા અમને કાઢ આ માંથી બારા.....

તારી લીલામાં લોભાણો માયામાં હું ફસડાયો,

તું કરૂણાનો છે સાગર સંકટમાંથી પાર ઉતારો.....

ઓ રાધાના વાલમ પ્યારા તમે છો સહુથી ન્યારા,

આ ભવસાગરના વમળમાં ધનાને ક્યાંથી મળે કિનારા.....

મણકો ૩૦૯

પ્રભુ તારા ધામમાં આવવાનો વિચાર છે,

કઠીન વિચાર છે કઠણ પાણ પ્રભુ તારા ધામમાં.....

જીવન સંગ્રામમાં ઝઝૂમવામાં માલ છે,

ચાલવું તલવારની ધાર છે પ્રભુ તારા ધામમાં.....

કીર્તન કરતાં મન ચાલે બહાર ભટકતું,

દર્શન કરતાં દુનિયા દેખાય પ્રભુ તારા ધામમાં.....

પાપી પામરને પ્રભુ મારગ દેખાડને,

કામી ને કાયા દેખાય પ્રભુ તારા ધામમાં.....

દુઃખ દરિયામાં ડુબકારે મારતો,

ધનો આવી કરે પોકાર પ્રભુ તારા ધામમાં.....

મણકો ૩૧૦

ચાર દિન કી ચાંદની બેટા ફીર અંધેરી રાત હૈ,

કીતને ચલે ગયે જગસે કોઈ સાથ લે ન જાતા હૈ.....

કર પાપ,પ્રપંચ, લોભ બંધ સબ માયાકા ફરેબ હૈ,

ધન દૌલત સંગના ચલે ભલે તુને લાખો કમાયા હૈ.....

પુત્ર પરિવાર ઔર નારી અંતમે ના સહાયક યે,

કયોં ભરે પાપકી ગઠરી સબ સ્વારથ ઘેલા હૈ.....

નાશવંત સર્વં જગત હૈ એક પીછે એક ખડા હૈ,

દાન, ધરમ, ઔર દયા અપનાલે કર્મ યે સબસે બડા હૈ.....

ચાર દિનકી યે ચાંદની બેટા સાને તું સોયા હૈ,

જાગ જગાવે ધના તુજકો હરિ જાગા ઉસને પાયા હૈ.....

મણકો ૩૧૧

માયામાં સદા ખેલનારા હો મન,

તમે ક્યાં ભમી આવ્યા.....હો મન.....

માથે મુકીથી તારા જ્ઞાનની ગઠરીયા,

અજ્ઞાન થેલા ઉપાડી લાવ્યારે.....હો મન.....

કાન ફૂંક્યાથા તારા રામનામ દઈને,

નિંદાકુથલી ક્યાં સાંભળી આવ્યા.....હો મન.....

આંખ આપીથી તને હરિ દર્શન કરવા,

કાંચન કામીની જોઈ આવ્યા.....હો મન.....

હાથ આપ્યા તને દાન ધરમ કરવા,

માર પીટ ક્યાં કરી આવ્યા.....હો મન.....

પગ આપ્યા ધના તિર્થ યાત્રા કરવા,

હે જનમ ઘાણીમાં ફરનારા.....હો મન.....

મણકો ૩૧૨

બોલ જરૂર પૂરતું અંતે તને જ નડતું,

વધારે બોલી જવાતું પાછું નથી લેવાતું.....

બોલ એવા બોલ નદે ક્રોધને વધારી,

થશે શબ્દોની મારા મારી અંતે દઝાડ નારી.....

બોલ અમૃત સમી વાણી સૌ થશે પાણી પાણી,

વધશે માન અને વૈભવ વાણી બોલ જાણી.....

બોલ બોલેલા ન ભૂંસાતા કટુવચન સહન ન થાતા,

થશે ઘરમા સાસુ વહુના ઝગડા, બાપ દીકરા જુદા થતા.....

બોલમાં છે અમૃત ને ઝેર બોલમાં છે તોલ,

વિષગળી અમૃત કાઢ ધના સમજણ દ્વારા ખોલ.....

મણકો ૩૧૩

હોય ઘરમાં આનંદ લહેર એ ઈશ્વરની દેન,

કલ્લોલ કરતું કુટુંબ જેનું મોટાના જ્યાં માને વેણ.....

હોય ઘરમાં સાસુ-વહુને મેળ એ ઈશ્વરની દેન,

નાના મોટાની રાખે મર્યાદા સુખ વસે સર્વદા.....

હોય ઘરમાં સદા મીઠા બોલ એ ઈશ્વરની દેન,

કલેશ-કંકાસ ને ન અવકાશ ખોટાના થાયે ખેલ.....

હોય ઘરમાં એકતા જ્યાં એ ઈશ્વરની દેન,

સુખે-દુઃખે સાથે હળીમળી ને સૌકાઢે રેન.....

હોય ઘરમાં ધના સૌને માન એ ઈશ્વરની દેન,

થતી ભક્તિ દિનરાત જ્યાં વધતો કુટુંબનો પ્રેમ.....

મણકો ૩૧૪

ચડતી પડતી જીવનમાં જરૂર આવશે,

થવાના પાસ કે નાપાસ હરિ ના ભૂલતા.....

સંસારની માયા તો ઘુંચવણીમાં ઘાલશે,

રહેશે ફરતું ચક્કર ચોપાસ હરિ ના ભૂલતા.....

સત્યના મારગે સદા રહેજો ચાલતા,

ભલે પળમાં વેરે વિનાશ હરિ ના ભૂલતા.....

તડકા પછી તરત છાયો આવશે,

ન થતા તમે નિરાશ હરિ ના ભૂલતા.....

સુખ અને દુઃખ તો માયાનો ભ્રમ છે,

ધના આત્મા સ્વયં પ્રકાશ હરિ ના ભૂલતા.....