Dhanani madana Manka - 8 books and stories free download online pdf in Gujarati

ધનાની માળાના મણકા - ૮

ધનાની માળાના મણકા

લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

—: નમ્ર નિવેદન :—

વ્હાલા જ્ઞાતિ બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા”રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ જ્ઞાતિબંઘુ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.આપનો જ્ઞાતિબંઘુપરમાર ધનજીભાઈ છગનભાઈ

મણકો ૩૧૫

કંચલ શીદને કલ્પાંત કરે ધનાને કરવું હોય તે કરે,

ધણીનું કોઈ ધણી નથી ભલે મરજી માફક ફરે.....

ચિંતા શાને કરે છે ખોટી એ ચિતા થઈને નડે,

તારો દોરવ્યો દોરવાસે નહીં ભલે આકાશે અડે.....

કર્મ સંજોગે કંચન આવી મળીયા સાથે સજોડે,

વિશ્વાસ ન કરજે ધનાનો રહેવું પડશે વિયોગે.....

પાગલ થઈને પ્રેમ કરે તું મારો મારો બહુ કરે,

તારો નથી તનીક એ તું શાને મથી મરે.....

કંચન શીદને કલ્પાંત કરે તારો ન થાય કોઈ કળે,

અનંત ધનો અનંત છે એ અનંત હારે ભળે.....

મણકો ૩૧૬

હેજી તુટતા જ્ઞાની ના જ્યારે માપ,

આ ત્રણ બીજ જ્યારે વાવતા રે.....

હેજી પ્રથમ કામના નું છે બીજ,

ભલ ભલા જેમાં ભરમાણા રે.....

હેજી બીજુ બીજ ક્રોધને તમે જાણજો,

છે ક્રોધનું બળ કટુવાણી વિનાશકારી રે.....

હેજી ત્રીજુ બીજ લોભ ઘણો હોય જેને,

લોભને નથી થોભ એ કરે પાપ અનેક રે.....

હેજી જ્ઞાની એ છે જ્ઞાન વાન જે,

ત્રણે બીજ કદી ધના ન રોપતા રે.....

મણકો ૩૧૭

મુકને માન તણું તું..... ભાન માનવી,

નડશે દીવાલ બનીને પ્રભુ દર્શનમાં.....

માન પણા તું હવે મુક ને માનવી,

આડો પળદો ના ભેદાય પ્રભુ દર્શનમાં.....

માન પણાની ભૂખ જાગે છે જ્યારે,

પાંડિત્ય અને પ્રતિષ્ઠા આડા ધાય પ્રભુ દર્શનમાં.....

માન અપમાન ના છોડ દંભીપણા ને,

નડતર થશે તને સદાય પ્રભુ દર્શનમાં.....

સરલ સ્વભાવને સહજતા સ્વિકાર ને,

અડચણ ન ધના ક્યાંય પ્રભુ દર્શનમાં.....

મણકો ૩૧૮

શાને સુણેના હરિ કથા મૂરખ મન ભ્રમણામાં રાચતું,

મન રહેશે તારૂં સ્થિર હરિ કથા સાંભળતાં.....

પાવન થશે કાન તારા નીકળશે મનના વિકારો,

તુટશે માયાના તાર હરિ કથા સાંભળતાં.....

હરિ કથા તને ખારી રે લાગતી નિંદા કુથલી ભારે ભાવતી,

શ્રધ્ધાનો જન્મ થાય હરિ કથા સાંભળતાં.....

મોહમાયા છોડ્યા ન છૂટશે હરિ કથાથી ભ્રમ ભાંગશે,

મળે જીવનનો સાચો રાહ હરિ કથા સાંભળતાં.....

શાને સુણેના હરિ કથા ધના ભવસાગર ક્યાંથી તરશે,

ડુબતી બચી જશે તારી નાવ હરિ કથા સાંભળતાં.....

મણકો ૩૧૯

તું જો જરા આંખો ખોલા,

આ દુનિયા રહી છે તને ફોલી.....

માર માનવ માયાને ગોલી,

રામ નામ તું લેને બોલી.....

માતાપિતા,સુત અને ભ્રાતા,

સૌ સ્વારથે આવે ને જાતા.....

પત્નિ દેખાડે વહાલનો દરિયો,

અંતે સ્વારથ આવી નડ્યો.....

ધના સગો એક શામળીયો,

જે અંતે આવીને મળીયો.....

મણકો ૩૨૦

સમજો એક બીજાના મન,

માથાકુટ મટી જશે સંસારમાં.....

મન વચન તારા...સુધારને,

વેરઝેર ના ન રહે મૂળ સંસારમાં.....

કામ ક્રોધને નાખ કુવામાં,

વજન હલકો થઈ જાય સંસારમાં.....

અહંમ ઈર્ષા ન લોભ જેનામાં,

શાંતિ મનની થાય સંસારમાં.....

હેત પ્રિત તું રાખ જગતમાં,

ધના રામરાજ્ય થઈ જાય સંસારમાં.....

મણકો ૩૨૧

તમે જુઓના અવગુણ બીજાના,

તમારા ગુણ ખોઈ બેસસો જી.....

અવગુણ અનેકમાં જુએ જે સદાયે,

પછી પોતાનામાં જ દોષ પેદા થાય જી.....

સદ્ ગુણો તમારા સંકેલાઈ જાતા,

આવે અવગુણનો જ્યારે દાબજી.....

વચન અને વર્તન બદલાતા ને,

કર્મ કપાતરના કરતો બનતો લબાડજી.....

તમે જુઓ બીજાના ગુણ ધના તો,

અવગુણ જોવાનો તારો અવગુણ બંધ થાયજી.....

મણકો ૩૨૨

ગંધારી ગોબરી મારી ચાંદની રે લોલ,

નહાવાની છે એ ચોરજો ગંધારી મારી ચાંદની રે લોલ.....

મમ્મી નવડાવવા જ્યારે લાગતી રે લોલ,

કરતી રાડારાડ રે.....ગંધારી મારી ચાંદની રે લોલ.....

નહાવાની મજા એને ન આવતી રે લોલ,

ભલે મેલના જામે થર રે .....ગંધારી મારી ચાંદની રે લોલ.....

દાદાનું ચાંદની બહુ માનતી રે લોલ,

ઉથાપેના એકે વેણ રે.....ગંધારી મારી ચાંદની રે લોલ.....

દાદાએ સંભળાવી કથા રામની રે લોલ,

શ્રવણ સ્નાન કર્યું ભરપૂર રે.....મહેકી ઉઠી મારી ચાંદની રે લોલ.....

નાહી રામકથામાં એ એટલી રે લોલ,

ધના જન્મોના મેલ ધોવાયા રે.....મહેકી ઉઠી મારી ચાંદની રે લોલ.....

મણકો ૩૨૩

દૂભવવો કોઈના જીવને એ ભયંકર પાપ છે,

માનવતા ની હીનતા ના નીકળતા ત્યાં માપ છે.....

ચાર દિનકી ચાંદની માં હરખાઈ શાને જાય છે,

દૂભાવસો જો કોઈને તરત અંધારું થાય છે.....

પરોપકારે ભર પગલાં દુઃખાવો ક્યાં થાય છે,

મન કર્મ વચનથી કોઈને શાને દૂભવી જાય છે.....

રાખ ઉત્સાહ ઉપકાર કરવામાં રાત ઢળીજાય છે,

ગરીબની હાય જ્યારે લોઢાને ગળી જાય છે.....

જીવ્યું સફળ ધના જે માનવતામાં મગન રહે,

વધે પુણ્યનો પ્રકાશ જગમાં એ ચમકતા રહે.....

મણકો ૩૨૪

મારું “પણ” પ્રભુ એક જ છે, સુધાર તારા છૈયા ને,

મને આશરો તારો એક જ છે, તું પાર કર મારી નૈયા ને.....

ખરૂં-ખોટું હું કરતો જે, બધું તારી સામે છે,

શ્રધ્ધાથી રહ્યો અડગ હું, ભટકું ભલે ગામે ગામે.....

મનના આગળા ખોલને, હરિ ખોલને તું તાળાં,

ભવસાગરનો ખેવૈયો તું, તારે લાંગરવાના ઘણાં બારાં.....

તારે તો ભક્તો છે ઝાઝા, પ્રભુ વહેવાર તારો જાડો,

મારે તો પ્રભુ એક જ છે તું, રાખું બીજા કેને આડો.....

“પણ” મારૂં કર સાકાર, હરિ સુધારી સંયુક્ત કર,

વિભક્ત થયો ધનો તારાથી, અને બની બેઠો ખર.....

મણકો ૩૨૫

ઉમટે છે નદી માં પૂર,

તળીયાં કોરા કળાક છે.....

વમળ તરંગ ને ભમરાનો ભય છે,

રેતીના કણ કોરા કળાક છે.....

ઝાડને ઝાંખરાં તણાઈ જાય છે,

નાના છોડવા કોરા કળાક છે.....

ઉપરવાસ વરસાદ...બહુ છે,

નદી નાળા કોરા કળાક છે.....

પાણી ધના ઢાળે ઢળી રે જાતું,

સમજણ વગર નર કોરા કળાક છે.....

મણકો ૩૨૬

આતો લીલા છે મારા રામની માયા માનવતું મેલ,

આતો છે કટપૂતળીનો ખેલ, માયા માનવ તું મેલ.....

પ્રવાસે સૌ મળ્યા સાથે લગન લાગી ગઈ,

પંખીનો આ મેળો છે, માયા માનવ તું મેલ.....

જળ સ્થળે સ્થળ દેખાડે ભ્રમમાં પડી ગઈ,

ભ્રમ મૂકી બ્રહ્મ પકડ, માયા માનવ તું મેલ.....

જાદુગર આ જગત નચાવે, ખબર પડે નહી,

આવ્યા બધા જવા માટે, માયા માનવ તું મેલ.....

સંગાથ કર સાચો શામળીયો મેલવો પડે નહી,

લીલાનો ધના પારન પામે, માયા માનવ તું મેલ.....

મણકો ૩૨૭

જોને વાયું વાણુ...આવ્યુ વ્યશન મૂકવાનું ટાણું,

પગમાં ભરાસે નાળુ બંધાણ મન ભાંધનારું.....

જોને તન રોગથી ઘેરાણું, નહી કામ આવે નાણું,

સમજે શાનમાં એ શાણું બાકી જાનવર કેવાણું.....

જોને વધ્યા વરણાગી વેડા, ફેશને તાણ્યા ડેરા,

વધ્યા ફાસ્ટ ફૂડના ચટાકા ડોક્ટરોને છે તડાકા.....

જોને વધ્યા કમાવાના કેડા ભ્રષ્ટાચારને હોય તેડાં,

મૂક મોહમાયાના નેડા, ન થાય ભેગા બે છેડા.....

જોને ઉગ્યો ધના ભાણ વ્યશનોને માર બાણ,

ન રાખ હરિ ભજવામાં તાણ, પૂરણ પરમાનંદ માણ.....

મણકો ૩૨૮

આવે છે દુઃખના દાડા, માનવીની આંખો ઉઘડે છે,

આવતી મમતાને પાંખો માનવીની આંખો ઉઘડે છે.....

પગલું જ્યારે ભરતો અવિચારી, પાછળ ન જુએ વિચારી,

અંધારે અથડાતો ત્યારે માનવીની આંખો ઉઘડે છે.....

ઉંચે જઈ પછડાતો નીચે, સાજુન રહેતું હાડકું જ્યારે,

ખાતો જગતની લાતો ત્યારે માનવીની આંખો ઉઘડે છે.....

અભિમાનના જ્યારે થતા ચૂરા, અરમાનો રહેતા અધુરા,

પોક મૂકીને રડતો ત્યારે માનવીની આંખો ઉઘડે છે.....

સુખમાં ધના સંભારતો નોતો, દુઃખો જ્યારે દેતા દોટો,

અહંમનો જ્યારે ફૂટતો પરપોટો માનવીની આંખો ઉઘડે છે.....

મણકો ૩૨૯

કરશે અજવાળું જીવનમાં પ્રભુ ભક્તિ,

પાથરશે પ્રકાશ જીવનમાં પ્રભુ ભક્તિ.....

ભક્તિ ભૂલેલાને જુક્તિ દેખાડે, દુઃખ જીવનમાં જ્યારે આવે,

કર્મની શિક્ષા કહાવે પ્રભુ ભક્તિ.....

ભૂલેલાને એરાહપર લાવે, ગર્વિષ્ઠ નો ગર્વ ઉતારે,

ટકોરો કરીને આવે પ્રભુ ભક્તિ.....

વૈદ આપે છે કડવી દવા, પ્રેમથી જે પીનારા,

આરોગ્ય સુધાર નારી પ્રભુ ભક્તિ.....

ધના હરિ હેતે જે કરતો, સમય પ્રમાણે ઉભો રહેતો,

ઉગ્ર બનીને ઉગારે પ્રભુ ભક્તિ....

મણકો ૩૩૦

ત્યાગ કરોને તમે કામના, મારા પણું મૂકીને,

માનો છેલ્લો ફેરો આ સંસાર મારા પણું મૂકીને.....

વસ્ત્ર અલંકાર અળગા કર્યા ને, ભગવા વસ્ત્રૈના વળવાનું,

દાઢી બાલ ત્યાગ કરીને ટકાથી નથી ટળવાનું.....

ત્યાગમાં આવે રાગતો જગમાં હાંસી થવાની,

મુખ લાગે કાળી મેશ ત્યાને ત્યાં પાછા ફરવાનું.....

ત્યાગ મનમાં કુભાવ, સત્ય પંથે વિચરવાનું,

પૂત્ર, પરિવાર, પત્નિ, ધન છોડ્યે નથી કાંઈ વળવાનું.....

તૂંબી, લાકડી, લંગોરી લઈને, નથી નીકળી જવાનું,

હું પણું મૂક ધના તારા મનને કે ગમ ખાવાનું.....

મણકો ૩૩૧

નથી તલભારે તારું, માનવ તેં કેમ માન્યું મારું,

મારૂં મારૂં કરી મહેલ બનાવ્યા, પછી નીકળવું પડે બારું.....

સગાં-સબંધી, પત્નિ-પરિવાર સૌ,

છે માયાના ફંદો બધા સ્વારથમાં અંધો.....

દોલત દેખીને દોડતા આવે, પરાણે પ્રેમ જતાવે,

અંતે સૌ વળતા પાછા, મિજબાની મનાવે.....

ડોસો છે દિલનો ભોળો, સંપતિ ઉપર સૌનો ડોળો,

વાહ વાહ કરી વ્હાલ ઉપજાવે, પ્રચાર કરે બહોળો.....

ધના ન થતો થોડો થોડો, માયાનો ન લગાવ નેડો,

મૂક માયા પ્રેમ કરીને હરિભજ થાય પાર બેડો.....

મણકો ૩૩૨

(રાગ - કોણ જાણે રે બીજુ કોણતો જાણે રે, માલમી વિનાનું બીજુ કોણ.....)

કોણ જાણે રે મરમ કોણ જાણે રે,

મણકા તૂટ્યા માળાના મરમ કોણ જાણે.....

ગોતી ગોતીને ગુંથીથી મણકાની માળા રે,

માલમી વગર મરમ કોણ તો જાણે.....

ગુંથી લાધા છે મહીં તાણા ને વાણા રે,

કસબી વગર એમાં ભાતું કોણ પાળે.....

કસબી મળ્યો લાલા જ્યોતિને દેવા રે,

જગદીશને પછી સોંપી બધી સેવા રે.....

આવ્યો ઉભરો ધનાને રચી મણકાની માળા રે,

જગત ભલેને બોલે, કરે છે ખોટા ચાળા રે.....

મણકો ૩૩૩

પાપી સાથે પ્રસંગ પાડતાં સાતવાર વિચારજો,

કરતા એનો સંગ સાતવાર વિચારજો.....

ખોટા ચડાવી ભેખડે ભરાવસે,

ઉતારે દુઃખના ખાડામાં સાતવાર વિચારજો.....

મનની શાંતિ ડોળી રે નાખશે,

છેદન કરે સુખ સાતવાર વિચારજો.....

પુણ્ય બધાં બાળી રે નાખશે,

પાપ રહે અક બંધ સાતવાર વિચારજો.....

જગમાં એ બહું વેર કરાવશે,

ધના પાપથી પનારો કરતાં સાતવાર વિચારજો.....

મણકો ૩૩૪

અણહક્કનું નથી આપણું, સર્વે છે પાપનું,

પરસેવો પાડોને ખાવું બીજુ છે પાપનું.....

લાખ મેળવ્યા કપટથી, જાય ચાલ્યા કપટથી,

હક્ક વગરનું ખાવું એ નામ છે પાપનું.....

રાખ સંતોષ સુખ છે સાચું, બાકી બધું કાચું,

લોભમાં લપટાણો એ બાંધે ભાથું પાપનું.....

બુધ્ધી થતી ભ્રસ્ટ જે, અણહક્કનો ખાય દાણો એક,

ભૂલાવે હરિનો પંથ એ બળ છે પાપનું.....

અણહક્કની ધના આશન કરતો, હાથે કરી ખાડેના પડતો,

હક્કનું ખાને હરિભજ એ નથી પાપનું.....

મણકો ૩૩૫

હજી સમય છે તારા હાથમાં, સમજ્યા ત્યારે સવાર,વળ પાપ પંથેથી પાછો, ઓ અબુધ ગમાર…..

બાજી છે તારા હાથમાં, નથી છુટ્યું તીર કમાન,છુટી જશે ખોટુ તીર કમાનથી, નથી કોઈ જમાન…..

પાણી પહેલાં પાળ બાંધને, વહી જશે ન તો નીર,ખાવ પીઓને વિગતે વાવરો નતો કાગ ખાયે ખીર…..

લે સમજણની લાકડી, મર્કટ મનને માર,ભક્તિ નાથ નાખ નાકમાં, વાનર પાછો વાળ…..

ચેતી ચાલ સંસારમાં, સમય ચાલ્યો જાય,નીરખ ધના નાથને, જાણીલેને જદુશય…..

મણકો ૩૩૬

કરવા છે રે કરવા છે મારે કચરા પોતાં કરવા છે.....ટેક

જન્મો જનમના ભરીયા છે કચરા,

અંતરના ઓરડા વાળવા છે, મારે કચરા પોતાં કરવા છે.....

સંસ્કારો પડ્યા છે ઘણા જનમના,

ચાંચડ ને માંકડ ને મારવા છે, મારે કચરા પોતાં કરવા છે.....

દિન અને રાત એ ડસ્યા કરતા,

સુખની નિંદ્રા ન સુવા દે, મારે કચરા પોતાં કરવા છે.....

પાળ્યા પોષ્યા છે વીંછીને સાપ ઘણા,

સત્ સંગ સાવરણો ફેરવવો છે, મારે કચરા પોતાં કરવા છે.....

ધના ઘર હવે ચોખ્ખું રે કરવું,

રંગ ગોગાન બદલવાં છે, મારે કચરા પોતાં કરવા છે.....

મણકો ૩૩૭

તારી ઈન્દ્રિયને તું વાર, ખવડાવે સદાયે માર,

પ્રકૃતિ આધિન વર્તે ઈન્દ્રિયો, સહકાર થોડો કરી નાખ.....

પ્રકૃતિ પ્રમાણેથી થોડી પલટ ઈન્દ્રિયોને,

સન્માર્ગે વાળીને, સમજણ થોડી આપ.....

આંખ ભલે કરે જોવાનું કાર્ય, હરિ દર્શન કરાવ,

નિંદા કાનને પ્રિય લાગે રામનામ શ્રવણ કરાવ.....

જીભનેગંદી વાણી રે ગમતી, હરિ રસ તું ચખાડ,

સ્પર્શ સુખે હાથ સળવળે, સેવાના સંસ્કાર આપ.....

સ્પર્શે ભલે દીન દુઃખીયાને, આપે સુખ અપાર,

ધના ચરણને લે હરિ શરણમાં, રઝડપાટ અટકાવ.....

મણકો ૩૩૮

ગુણમાં ગુણ મોટો જેની વાણી નમ્ર છે,

વશ કરે સંસાર અને વળી કિરતાર.....

પરવશતા સ્વીકારે સૌ નમ્રની સામે રે,

જે સામે આવે મીઠી વાણી જીતી જાય.....

વાણી મધુર મીંરા વદે ઝેરના અમૃત થાય,

નરસિંહ જ્યારે વાણી ઉચ્ચારે ઉચ્ચાટ હરિને થાય.....

મીઠી વાણીમાં અમૃત વધુ, વિજયની પેરે માળ,

યમરાજ પણ પડતા પાછા વાણીમાં જ્યા વિભુ ભળતા.....

પોલદ દીલને ધના પીગળાવી દે મીઠી વાણ,

ગુણ મોટો લે જાણી તું નમ્ર કરને તારી વાણી.....

મણકો ૩૩૯

હરિ થોડો હાથ દેજે રે,

અંત સમયે ઉગારી લેજે.....

માતા-પિતા તું છો મારા રે,

અમે ગાંડા-ઘેલા પણ તારા.....

સંસારના પણ માતા-પિતા રે,

સહે નાના બાળને જોને રોતાં.....

આંસુએ તરત લુછી લેતા રે,

અને ખોળે તરત ઘાલી દેતા.....

હરિ તું તો અંતર્યામી રે,

જોઈલે તું ધનાની ખામી.....

મણકો ૩૪૦

લૂંટીલો લૂંટીલો તમે અમૂલખ હીરા લૂંટીલો,

ઘુંટીલો ઘુંટીલો હરિ નામ હ્રદયમાં ઘુંટીલો.....

ચૂંટીલો ચૂંટીલો પુષ્પ બાગ પુરાણથી ચૂંટીલો,

બુઝાવીલો બુઝાવીલો તરસ કથામૃતથી બુઝાવીલો.....

ભગાવીદો ભગાવીદો તમે ભૂખ ભજનથી ભગાવીદો,

મફત મળે છે હરિની હાટે સૌ ગજા પ્રમાણે પામીલો.....

નસાડીદો નસાડીદો ભવરોગ તમે નસાડીદો,

વૈદો વિચરે છે સંતોના રૂપમાં ભવરોગ ભગાડીદો.....

હરિનું નામ છે જડ્ડી બુટ્ટી ધના પચે એટલી જમીલો,

જમના જાયે દ્રારે એના હરિ નામ જે લૂંટીલે.....

મણકો ૩૪૧

જે દેહભાન ભૂલીને આનંદથી ગાય છે,

દિવ્ય દર્શન તેને થાય છ, જે આનંદથી ગાય છે.....

સંસાર સાગર છલો છલ ભરીયો,

પ્રેમેથી જે ન્હાય છે, જે આનંદથી ગાય છે.....

મોતી મળશે સાગરને તળીયે,

મરજીવા ભક્તો જે થાય છે, જે આનંદથી ગાય છે.....

વિશાળ સાગર ખારા નીરનો ભર્યો,

અમી અમૃત થાય છે, જે આનંદથી ગાય છે.....

ધના માયાથી પર જે થાય છે,

હરખ એને અતી થાય છે, જે આનંદથી ગાય છે.....

મણકો ૩૪૨

પાત્રતા ન પાસ પુરણ ન થાયે આશ રે,

જ્ઞાની બનીને નીકળે ગામમાં તરત હાંસી થાશે.....

મગજમાં ભરી ખુમારી પાછો હોય ભિખારી,

દુનીયામાં ડોલે રે જગ એને ગાળ બોલે રે.....

ફરજ પોતાની ભૂલતો મોટાઈમાં ડોલતો,

ખાડામાં ખાબકતો ખોટા વેણ જે બકતો.....

પાત્રતા નહીં ને પૈસો કર્યો ભેગો યશ નથી મળતો,

લોભી થઈને બેઠો હેઠો ધન પર ફેણ ધરીને.....

આવડત વગર આંબા વાવે કેરી ક્યાંથી ખાવે,

અભિમાની ધના અંધો પાત્રતા વગર બંદો.....

મણકો ૩૪૩

જગમાં શાંતિ તો મળતી જીભ હરિ હરિ જો કરતી,

અંતરમાં જ્યોત પ્રગટતી જીભ હરિ હરિ જો કરતી.....

અજ્ઞાન બધુ ઓગળી જાતું જ્ઞાન પ્રગટ થાતું,

થતા શાંત સંસારના તાપ જીભ હરિ હરિ જો કરતી.....

અભય થતો આપ ભય કહે ભાગો બાપ,

થતા બંધ દોરીના સાપ જીભ હરિ હરિ જો કરતી.....

ભૂલાતું દુઃખોનું ભાન ઉગતો જ્યાં સુખનો ભાણ,

જતી જીભની કટુવાણી જીભ હરિ હરિ જો કરતી.....

આંખ બધે હરિ દર્શન કરતી મનમાં શાંતિ મળતી,

ધના માયાથી મુક્તિ મળતી જીભ હરિ હરિ જો કરતી.....

મણકો ૩૪૪

માયાની છે લીલા એવી બુધ્ધિ બગાડે તેવી,

આડુ અવળુ કરીનાખે જીંદગી કરે જોવા જેવી.....

ડાયાને ગાંડો કહેવરાવે અવનવું ઉપજાવી કાઢે,

આકાશ પાતાળ એક કરાવી પૃથ્વી પર પછાડે.....

માયાનો રંગ લાગ્યો જેને શાંતિ ન થાય તેને,

અજબ ગજબ અનુભવ કરાવે નીત નવા વેને.....

માયામાં મસ્ત જે થાયે બહાવરા બની જાયે,

સૂજ ન પડે સંસારે ભ્રમમાં ભટકી ગોથા ખાયે.....

માયાની લીલા છે ન્યારી ભલભલાને પડે ભારી,

ધના માયાની મૂક યારી અંતે લાગે એ ખારી.....

મણકો ૩૪૫

રાખોને ભાવના એવી રે હરિ વસે છે ઉરમાં,

સૌ પદાર્થોમાં વસતો હરિ ભાવના એ ખરી.....

વૃક્ષ-વેલી જડ-ચેતનમાં વાલાનો વસવાટ,

વાલમ વગર વા ન વાયે મૂક ખોટો રઘવાટ.....

સઘળે બિરાજતો શામળીયો સૌમાં હરિ જાણ,

પશુ-પક્ષી કીડી ને કુંજરમાં આત્મા એક જાણ.....

અભેદના ખોલી દે ભેદ હરિને સમ જાણ,

ઈશ્વર રૂપે જુવે જગતને એને આનંદ થાય.....

રાખો ભાવના એવી તમે સર્વે સુખી થાય,

ધના હરિ સર્વ વ્યાપી સ્તંભમાં એ દેખાય.....

મણકો ૩૪૬

પહોંચાડે એ ઠામ ભાવે કુભાવે લો રામનામ,

બેસી જાઓ રામની ગાડી એ પહોંચાડે સ્વધામ.....

ભૂલથી પણ સાકર ખવાયે મોઢું મીઠું થાય,

રામનામ લેતાં ગુણીકાને પણ મળે પરમધામ.....

અંધારે પણ અમૃત પીવાથી અમર તરત થવાય,

બોલે નારાયણ અજાણતા અજામીલ યમદુત પાછા જાય.....

અવળુ નામ જપતાં જોને વાલિયો વાલ્મિક થાય,

ભજતો સદા શત્રુ ભાવે છતાં કંશનો મોક્ષ થાય.....

રામનામની લીલા એવી પાણા પણ તરી જાય,

રામનામ રટ પ્રેમે ધના જોને સમય સરી જાય.....

મણકો ૩૪૭

મૂકશે મન વિરોધ રામનામ બોલતાં,

થશે મનનો નિરોધ રામનામ બોલતાં.....

મન રખડેના માયાના સંગમાં,

થશે ખોટા ખેલ બંધ રામનામ બોલતાં.....

સત્ય એક જ રામનું નામ છે,

પ્રકાશે પુન્યનો પુંજ રામનામ બોલતાં.....

થશેના હાની કોઈ સંજોગમાં,

દુર થઈ જાયે સર્વે દુઃખ રામનામ બોલતાં.....

સર્વ રોગની દવા આ એક છે,

ભવરોગ મટી જાય ધના રામનામ બોલતાં.....

મણકો ૩૪૮

તમે શાને ગુંચવાણા કામમાં જશો ક્યારે યાત્રા ધામમાં,

ઉઠો આવો તમે ભાનમાં ન તો રહી જાશો રાનમાં.....

તમે શાને સુતા અજ્ઞાનમાં નહી રહો કોઈ કામના,

નાચી લો જરા તાનમાં શાને ફરો છો ગુમાનમાં.....

તમે આવ્યા વેપાર કરવા, શાને બેઠા નિંદા કરવા,

પછી પીઠ પડશે મોળી ન થાય કાંઈ બોણી.....

તમે છો પંખી પરદેશી પાછું જાવાનું સ્વદેશે,

શાને મંડ્યા માળો કરવા આવ્યા છો ખાલી ફરવા.....

તમે રામ રદે રાખનારા, રાવણના કરો કાંચાળા,

ધના લે હાથમાં માળા, તારા ગણ્યા બાકી દાળા.....

મણકો ૩૪૯

વેશ બદલવાની જરૂર નથી, બદલ તારી વૃતિ,

ટકો કરાવી ભગવા પહેરી નથી ખાવાનું ધૂતી.....

સરોવર કાંઠે બેઠો બગ કરે તપ ઉંચો રાખી પગ,

મીનમાં જે હોયે લીન ઝાલે ઝડપી જુએ જગ.....

ધામ બનાવી ધજા ચડાવે બાપૂ બાપૂ કહાવે,

અન્નક્ષેત્રની આડ કરીને ખોટા કામ કરાવે.....

તન ઉજળા મન મેલાં પાછળ છૂરી હલાવે,

ભંડાર ભરી બેઠો બાવો જઈ રોજ ગંગામાં નહાવે.....

વેશ ન બદલો લેશ, વૃતિ પ્રભુમય રાખો,

બાવાના બગડે બેય ધના સદ્-વૃતિના ફળ ચાખો.....

મણકો ૩૫૦

વ્યાકુળતા વધારો એવી ડુબતા જીવ જેવી,

પિયુ વિયોગમાં ઝૂરે નારી વા વાયે ખોલે બારી.....

વ્યાકુળતા વધે જ્યારે હું ને તું ના ભેદ ભૂલે,

વ્યાકુળ થશે વનમાળી ઝૂલતો હોય જ્યારે ઝૂલે.....

યટકુળ ભરાણા પગે પડતો આખડતો આવે,

આંસુડા જ્યારે બંધ ખોલે, પાપો બધાં બળી જાયે.....

ઉમળકો જ્યાં અંતરમાં આવે, પળદા તોડે તાલાવેલી,

ગામ ગણે ગાલાવેલી વ્યાકુળતા હોય ફૂલીફાલી.....

સન્મુખ આવે શામળીયો ધના હોય જાણે નાવલિયો,

વ્યાકુળતાની વધે હદ હરિ મળે આનંદ અનહદ.....

મણકો ૩૫૧

હરિ હારે જેને હેત રે થાતું,

છૂટે અંતરથી વાણ હરિ હરિ રે થાતું.....

હરિ હારે જેને બંધાતો નાતો,

સમયનાં છૂટે ભાન હરિ હરિ રે થાતું.....

હરિ હારે જેની આંખ રે મળતી,

દિલથી નીકળે ઉદ્ ગાર હરિ હરિ રે થાતું.....

હરિ હારે જેનું મન મળી જાતું,

છૂટે આંસુડાની ધાર હરિ હરિ રે થાતું.....

હરિ હારે જે વિશ્વને દેખતો,

ધના ટકેના પછી પ્રાણ હરિ હરિ રે થાતું.....

મણકો ૩૫૨

ધન્ય જીવન એનું જેને ન અભિમાન જેવું,સદા મન સરળ રહેતું ધન્ય જીવન એનું…..

ધન યૌવનમાં આડો ન હાલે,સદા પરમાર્થે કમાવાનું ધન્ય જીવન એનું…..

આળસ આડંબર જ્યાં ન ફાવે,દીન સેવાએ પગ ચલાવે ધન્ય જીવન એનું…..

વંદન કરતો નમ્રતાથી ફરતો,કદી પાપ પંથેના વિચરતો ધન્ય જીવન એનું…..

હરિ હરિ સદા મુખથી ઓચરતો,ધના કટુ વાણીના બોલે ધન્ય જીવન એનું…..

મણકો ૩૫૩

સાચી કમાણી પ્રભુ ભજન છે,

શ્રીમંત થવાનો સહેલો ઉપાય છે.....

પંથમાં તારા પ્રકાશ પાથરશે,

અજવાળું સાચું એ પ્રભુ ભજન છે.....

આશા તૃષ્ણા છૂટી સૌ જાશે,

સન્માર્ગે વાળે એ પ્રભુ ભજન છે.....

અડગતા આવશે તારા જીવનમાં,

સ્થિર થવામાં પ્રભુ ભજન છે.....

મહિમા જાણે જે માધવનો,

ધના જીવન સુધારે પ્રભુ ભજન છે.....

મણકો ૩૫૪

થતો દુર્જન નો સંગ વાણી બદલી નાખે છે,

અસર થતી અંગે અંગ જીવન બદલી નાખે છે.....

અડો જમાવશે શેરીને ચોતરે,

હાથે કરીને મોતને નોતરે જીવન બદલી નાખે છે.....

શાન આવે કાળીયા સાથે બાંધતા ધોળીયો,

અવળો એ ભરાવે જીવન બદલી નાખે છે.....

લાંબા જોડે જ્યારે ટુંકો રે જાતો,

મરે ના તો માંદો થાય જીવન બદલી નાખે છે.....

સત્-સંગીનો સંગ છે સાચો,

ધના તો હરિ પમાય જીવન બદલી નાખે છે.....

મણકો ૩૫૫

નક્કી કરોને મનમાં જય મેળવવા જીવનમાં,

જંગલમાં પણ મંગલ થશે હશે અટલ વિશ્વાસે.....

પાસા પલટે ક્ષણમાં જો હિંમત વિશ્વાસ હો મનમાં,

પથ્થર પણ પીગળતા જ્યાં દ્રઢ વ્રતધારી જાતા.....

દ્રઢ નિશ્ચયનાં જ્યાં છૂટે બાણ વટથી કરે પ્રયાણ,

સામેથી આવે ઘાય લક્ષ્મી વરવાને ચ્હાય.....

કર્મ બંધનો તૂટી જાય જો અવિચળ ભક્તિ થાય,

મન મારો તો મંગલ થાય તેજી તનમાં વરતાય.....

નક્કી કરો મેળવવો નાથ સામે આવી આપે હાથ,

ધના દ્રઢ નિશ્ચય હોય વિશ્વાસ વિઠ્ઠલવરનો હોય.....

મણકો ૩૫૬

જેના મુખમાં રામનું નામ હશે,

એના અંતરમાં રમતા રામ બધે.....

જે ભાવે અભાવે રામ કહે,

એના માનસિક દુઃખો રામ સહે.....

જે રામનામની મચાવે ધુન,

એમાં રામ કૃપાના ઉતરે ગુણ.....

જે કુપાત્ર રામનું નામ વદે,

એને રામ સદાય વસે રદે.....

જે રામાર્થે કાર્ય કરતો ફરે,

ધના મૃત્યુ મંગલ એનું કરે.....

મણકો ૩૫૭

જેના દિલમાં દયાને સ્થાન નથી,

એવા નિર્દયનું જગમાં માન નથી.....

રસના એ જેના રામનામ નથી,

દુનિયામાં એવાનું કામ નથી.....

જે અતી કામીને હરામી છે,

સદા મરતો નીકળતી નનામી છે.....

જે ક્રોધી થઈ સદા ફરતો ઘરમાં,

એ જીવતો સદા યમના ડરમાં.....

જેના દિલમાં દયા ને પ્રેમ હશે,

ધના સંસારે કુશળક્ષેમ હશે.....

મણકો ૩૫૮

નથી ભૂલતો નાથ ન કદી મૂકતો એ સાથ,

કરતો સદાયે યાદ હંમેશા છે તમ સાથ.....

યાદ તમે છો ભૂલતા માનવ છે સાથ છોડતા,

આવે છે દુઃખો દોડતા ત્યારે જ નાતા જોડતા.....

કરતા કાવતરાં રાતના વેણે વેણે જુઠા ભાખતા,

એ છે અંતર્યામી અવતાર ઘડીની ખબર રાખતા.....

તોફાન કરતો બાળ પણ માતાન યાદ રાખતી,

માફ કરતી માતએ અને તરત ખોળે ઘાલતી.....

શાને ભૂલતો ભાન તું રહેને રામની રીત થી,

સબંધ ધના રાખ રામથી છોડાવે જમ પાસથી.....

મણકો ૩૫૯

એનું જીવન ધુળધાણી છે જેના મુખમાં માયા વાણી છે,

એના જીવતર ઉપર પાણી છે જેની હરામ ની કમાણી છે......

એ મડદા ની નિશાની છે જેને કામના સદા વ્હાલી છે,

છે જીવતો છતાં પ્રાણ નથી જે પાપ કર્મોમાં રહ્યો મથી.....

એ છતી આંખે અંધા છે જાની નજરે કપટ ફંદા છે,

એ માનવ નથી વંદા છે જે ખરાબીના બંદા છે.....

જેની કઠોર સદાવાણી છે એ જંગલી હીંસક પ્રાણી છે,

જેને હરિ કથાના વ્હાલી છે તેને જનમની આ ઘાણી છે.....

જીવી જાણ્યો એ જણ છે જેણે અપનાવ્યા આ ત્રણ છે,

એ સત્ય, પ્રેમ, કરૂણા છે ધના હરિના એ પરોણા છે.....

મણકો ૩૬૦

ભૂલ્યો ભણેલ માયાના મદમાં,

છકી ગયો આ સંસારના સુખમાં.....

અમુલ્ય સમય ગુમાવ્યો દુઃખમાં,

કાઢી જીંદગાની કામનાની ભૂખમાં.....

ખોટા પાછળ દેતા દોટો જાતે બને મોટો,

ફાંફાં માર્યે ફાવે નહીં ક્યાંથી કાઢે નોટો.....

રહે જીવનભર શીર પટકતાને રોતા,

છતી આંખે આવે અંધાપો સત્યને ન જોતા.....

ભૂલે ભણેલ જીવન રસ્તા જે માનતા સસ્તા,

પસ્તાવાના પૂર ઉમટે ધના જો રામ રદે ન વસતા.....

મણકો ૩૬૧

કામણ કરનારા કાનુડા તારી લીલા અકળ છે,

ઉલટ સુલટ કરનારા કાનુડા તારી લીલા અકળ છે.....

તારી લીલા કાના તું રે જાણે માનવ ને થતો મુંઝારો,

લીલા જાણે તારી એક નાગર જે જુનાણનો પાગલ.....

વાંકી ચૂંકી ચાલ તારી ઉભવાની છટા વાંકી તારી,

કરાવ કાનુટા ઝાંકી તારી લીલા તારી પાર ન પામી.....

સમય પ્રમાણે થાતો સીધો આવીને ઉભો રેતો,

દુઃખ દરિયામાં નાખી દેતો પાછળ થી બચાવી લેતો.....

ધનાને હાથ તાળી દેતો મીરાં ના મહેલે આવી ઉભો,

પૂરવની છે આપણે પ્રિતો યાદ કર ગીતાના ગીતો.....

મણકો ૩૬૨

છે વાણીની કમાણી બાકી કરમ લઈ જાય તાણી,

વાણી વદે હરિશ્ચંદ્ર રાજા જે નીચ ઘર ભરતો પાણી....

વાણી વદી દ્રોપદી રાણી દુઃખ દરિયામાં ઘેરાણી,

મહાભારતનાં મંડાણ કીધા હેમાળે જઈ સમાણી.....

અવળવાણી વાલિયો બોલે થાય વાલ્મિક ઋષિ,

રામાયણની રચના કરતાં તુલશીદાસ ને થાય ખૂશી.....

વાણી વદ વિવેકથી નહીં તો માનવ થશે દુઃખી,

વાણીએ સુખ સમૃધ્ધિ મળે વાણીએ રોટી લૂખી.....

વાણી સાચી કમાણી ધના રામમય જે વાણી,

વાણી વર્તન બદલે ભાગ્ય પલટે જે વાણી છે શાણી.....

મણકો ૩૬૩

ફરી ન આવે વારી તમે કરો ને તૈયારી,

કરોના માયાથી યારી રહેના છુટવાની બારી.....

જે દેખાતું ડુલી જાશે ન રહો તમે ખોટી આશે,

ભજીલો રામ શ્વાસે શ્વાસે છેલ્લે યાદના રહેશે.....

ના પડો તમે ચક્કરમાં તન, ધન, ને ભૂમીના,

ચક્કર ધુમાવતા ત્રણે તેવું પછી થાય જોયા જેવું.....

ફરી ના આવે વારી બુઢિયા તમે કરોને તૈયારી,

છોડો કામ, ક્રોધ, મોહની યારી ભક્તિ કરો પ્યારી.....

કરો પ્રથમથી તૈયારી ધના પછીના ચાલે હોંશિયારી,

જન્મ-મરણલોને સુધારી માનવ દેહ મળેના વારી.....

મણકો ૩૬૪

લોભીયા મળશે જગમાં નિર્લોભી દુર્લભ છે,

ધુતારા વધારે જગમાં ઓલિયા દુર્લભ છે.....

શત્રુ મિત્ર મળશે સો દાનો દુશ્મન દુર્લભ છે,

તાળી મિત્ર મળે અનેક સાચો મિત્ર દુર્લભ છે.....

કામીના આ જગમાં નિષ્કામી દુર્લભ છે,

દુર્જનો ના આ દેશમાં સજ્જનો દુર્લભ છે.....

ભાવનાના ભોગી મળે યોગી દુર્લભ છે,

મોહમાયાના રોગી બહું છે પર તેનાથી દુર્લભ છે.....

દેખાડો કરતા સંતો સુલભ છે સાચા સંતો દુર્લભ છે,

ધના રામનામ સુલભ છે રટનારા દુર્લભ છે.....