Sambandho books and stories free download online pdf in Gujarati

સબંધો - 2

બધુ બરાબર ચાલી રહ્યું હતુ. કિંજલ એનું કામ પણ શીખી ગઈ હતી અને બધા એનાથી ખૂબ ખુશ હતા, ખાસ કરીને બોસ. અચાનક એક દિવસ બોસે મને એમની કેબિન માં બોલાવ્યો.

બોસ: દેવ એક અગત્ય ની મીટીંગ માટે આપને જવાાનું છે કાલે.
હું : જી સર.
બોસ : કિંજલ ને પણ સાથે લઈ લેેજે. એ પણ શીખશે.
હું: જી સર.

બહાર આવ્યા બાદ હું ગૂંચવાઈ રહ્યો હતો કે એને આવાનું છે એ કેવી રીતે કહું. કોઈ બીજા મારફતે કેહવડાવી દઉ પણ બોસ એ મને જવાબદારી આપી છે એટલે મારે જાતે જવું વધારે યોગ્ય હતુ. સમય ની વિષમતા હતી કે જેની સાથે હું ક્યારેક દિલ ખોલીને વિના કોઈ સંકોચે વાતચીત કરતો , આજે એને એક નાનકડી વાત કેહવા માટે મારે હિંમત એકઠી કરવી પડતી હતી. ખેર જેમ તેમ કરીને હું એની કેબિન માં પહોંચ્યો. ફોન પર એ કોઈની સાથે વાત કરી રહી હતી.

કિંજલ : હા આવતા હું મમ્મી ને પણ સાથે લેતી આવીશ તુ આંટી ને કેહજે કે એ પણ તૈયાર રહે આપને  સાથે જ જતા રહીશું પછી.

હું ચૂપચાપ ત્યાં બહાર જ  રહ્યો. એકાએક એની નજર મારા પર પડી ને એને તરત ફોન મૂકી દીધો અને એની જગ્યા પર ઉભી થઈ ગઈ.

હું :કાલે સવારે બોસ એ મિટિંગ માટે આવા કીધુ છે ,૮ વાગે ઓફિસ  થી બોસ ની સાથે જવાનું છે.

કિંજલ :જી ઠીક છે.

હું : તમે સમયસર ઓફિસ આવી જજો.

કિંજલ :હા ભલે હું આવી જઈશ. 

આટલું કહીને હું ફટાફટ ત્યાં થી નીકળી ગયો. ખબર નહિ પણ કેમ જાણે કઈંક વિચિત્ર લાગી રહ્યું હતુ. કોઈની સાથે વાત કરતા આટલી વિષમતા મેં ક્યારેય નહોતી અનુભવી. સમય બધુ ઠીક કરી દે છે એ મેં સાંભળ્યું હતુ , પણ એ "સબંધો" ને આટલા પારકા બનાવી દે છે એ આજે અનુભવ્યું. કદાચ સમય યાદશક્તિ ને જીર્ણ કરીને લાગણીઓને ભુલાવી દે છે. ખેર આજે તો જાણે મન ની સ્લેટ માં ભૂસાયેલી યાદો પણ આપ મેળે ન ચાહતા જૂના દ્રશ્યો તાજા કરી રહી છે.

બીજા દિવસે સવારે વહેલા મીટીંગ માટે અમે નીકળી ગયા.એક 5 સ્ટાર હોટેલ માં મિટિંગ હતી. બોસ આજના યાંત્રિક યુગમાં પણ પરિવાર અને મિત્રો સાથે સમન્વય રાખીને જીવન કેવી રીતે જીવાય એ અંગેની એક નવી પૂર્તિ ચાલુ કરવા ઇચ્છતા હતા. ડૉ. નિરંજન  પૂર્તિ માં અમારી મદદ કરવાના હતા અને બોસ કિંજલ અા પૂર્તિ નું સંચાલન કરે તેમ ઈચ્છતા હતા , અને હું અખબાર નો મુખ્ય સંપાદક હતો એટલે મને પણ સાથે લાવ્યા હતા. મીટીંગ લગભગ ૨ કલાક ચાલી અને અંતે નક્કી થયું કે દર ગુરુવાર એ પૂર્તિ અખબાર છાપશે અને ડૉ. નિરંજન એમાં અમારી મદદ કરશે અને કિંજલ એનું સંચાલન. મીટીંગ પતાઇને બોસ ડોક્ટર ને મૂકવા એમની કાર સુધી ગયા.

બોસ: દેવ તમે કેફે માં ત્યાં સુધી રાહ જોવો હું એમને છોડીને આવુ પછી આપણે સાથે જ નીકળી જઈશું.
હું : જી બોસ 

હું અને કિંજલ કેફે તરફ જવા નીકળ્યા. હવે મારી અંદર અજીબ ઉચાટ ફેલાઈ રહ્યો હતો. હું લગભગ શૂન્યમસ્તક ચાલી રહ્યો હતો. એક હજાર વિચાર આવી રહ્યા હતા ને તોય જાણે કંઇ જ સમજાઈ નહોતુ રહ્યુ. અમે જઈને કેફે માં બેઠા. શબ્દો ની જાણે ના નીકળવાની જીદ એક અજંપા ભરી શાંતિ ફેલાવી રહી હતી. હું જ્યારે જ્યારે એકદમ બેચેન થઈ જતો ત્યારે મને  ચા પીવાની તલપ લાગતી. હવે વિવેક ખાતર પણ એને પૂછવું જરૂરી હતું એમ પણ એ શાંતિ મને અંદર થી જાણે વધારે બેચેન કરી રહી હતી.

હું: તમે કાંઈ લેશો !?
( એ થોડો સમય તો મને જોતી જ રહી પછી  જરા સ્વસ્થ થતા કહ્યુ )
કિંજલ:દેવ...(એ અટકી ) આપણે બે જ છીએ અહીં, અહીં તમે કેહવાની જરૂર નથી.
હું : તુ લઈશ કંઈ !?
કિંજલ : એક ચા..

મેં 2 ચા નો ઓર્ડર આપ્યો. બંને પાસે બોલવા ઘણું બધુ હતુ. લગભગ 7 વરસ થઇ ગયા હતા. છતા કોન પેહલા બોલે એની હોડ લાગી હતી. 7 વરસ એને નફરત કરતા પસાર કર્યા હતા , ક્યારેય વિચાર્યુ નહોતુ કે ફરી મુલાકાત થશે અને એ પણ આવી રીતે. મોબાઈલ ફોન જરૂર દૂર ના સબંધો ને જાળવી રાખે છે પણ અત્યારે તો એ બે સામે બેઠેલા વ્યક્તિઓને એકબીજા થી નજર નહિ મેળવવા માટેનું માધ્યમ બની રહ્યુ હતુ . હું એની સાથે આંખ ના મળે એની પૂરી તકેદારી રાખી રહ્યો હતો.

ચા આવી ગઈ હતી. મને ચા માં હંમેશા ખાંડ વધારે નાખવા જોતી અને મારી આદત પ્રમાણે મેં ચા માં ત્રણ ચમચી ખાંડ નાખી.

કિંજલ : તુ  હજુ પણ એટલી જ ગળી ચા પીવે છે !?
હું : અમમ.. ના પેહલા કરતા ઓછી.
(એના ચેહરા પર એક સ્મિત આવી ગયું)
કિંજલ :આજે પણ મને એટલી જ નફરત કરે છે !!?

(મેં એની સામે જોયું , આજે પણ એના ચેહરા પર એક તેજ હતુ. સમય ની અને ઉંમર ની એના પર અસર જ નહોતી થઈ કદાચ. વાળ એને ટૂંકા કરાવી નાખ્યા હતા , આંખે મેષ લગાવી હતી , એના ગુલાબી ગાલ આજે પણ જાણે પૂર્ણિમા ના ચાંદ ને શરમાવે એવા હતા. ગુલાબી રંગ નો ડ્રેસ એના રૂપ માં જાણે ચાર ચાંદ લગાવી રહ્યો હતો. એની આંખો મને એવી રીતે જોઈ રહી હતી જાણે એ ક્ષણ ને જોવા જ એને આટલા વર્ષો રાહ જોઈ હોય. પાંપણો પટપટવ્યા વગર એના વાદળી લેન્સ માંથી જોઈ રહેલી આંખો જાણે ઘણા વરસે મૃગજળ ને જોઈને પણ ખુશ થતા એ હિરણ જેવી સુંદર લાગી રહી હતી. આ રૂપ ને જોઈને અંજાઈ કોન ના જાય ?)

7 વરસ થી મેં મારી અંદર જે લાગણીઓ ને દબાવી રાખી હતી એ આજે જાણે ગમે તે રીતે બહાર નીકળવા માંગતી હતી.ગળે કદાચ ડૂમો ભરાઈ ગયો હતો ,ને હૃદય જોર જોર થી ધબકી રહ્યુ હતું. પણ મન અા વારસો માં જાણે પત્થર થઈ ગયુ હતુ , શરીર ના લાગણીઓ ના એ ઝરણાં હવે મન પર હાવી થઈને એને તોડી શકે તેમ નહોતા . મેં મારી બધી ભાવનાઓ ને સ્થિર કરીને એની આંખમાં જોઈને દ્રઢ આવજે કીધુ,

હું : પહેલા કરતા વધારે !!(એના ચેહરા પર એક સ્મિત રેલાઈ ગયુ )

                     (ક્રમશ:)