Sambandho books and stories free download online pdf in Gujarati

સબંધો - 3

કિંજલ : આજે પણ એટલી જ નફરત કરે છે !?
હું : પહેલા કરતા વધારે ...

બસ એટલા માં જ બોસ અાવી ગયા ને અમે ત્યાં થી નીકળી ગયા. પછી ના થોડા દિવસ કંઈ વાત થઈ નઈ.બસ એ મને જોઈને એક સ્મિત આપતી ને હું પણ સામે એક સ્મિત કરી દેતો. કદાચ એને રોજ જોઈને મારી નફરત ઓછી થવા લાગી હતી. ખેર આ ક્રમ ચાલતો રહ્યો.

20 જૂન. એ દિવસ મને બરાબર યાદ હતો , એનો જન્મદિવસ. યાદો નું પણ ખરુ છે નહી ; જેટલી એને ભૂલવાનો પ્રયત્ન કરો એટલી એ વધુ ગાઢ થાય છે. યાદો નુ કદાચ ધરતી ના એ ટૂકડા જેવુ છે ,ભલે એને નફરત ના તાપ માં ગમે તેટલી સળગાવી સુકાવી દેવાનો પ્રયાસ કરો ; લાગણીઓ રૂપી વરસાદ ની એક હેલી એને ફરી સજીવન કરી જાય છે. અને પછી એમાંથી ઊગે છે ભાવનાઓ ના એ અંકુર જેના મૂળ સીધા  તમારા હૃદય ના સોંસરવા ઉતરી જાય છે.

ખેર સવારે ઓફિસ ના વોટ્સએપ ગ્રુપ માં જોયું તો એની માટે શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. હું શુભેચ્છા આપુ કે નહિ એ દ્વિધા માં બેઠો હતો , કેમ જાણે આંગળીઓ એ ટાઈપ નહોતી થવા દેતી. છેવટે મેં એ માંડી વાળ્યું. ઓફિસ માં સૌ કોઈ એના કેબિન માં જઈને એણે શુભેચ્છા આપી રહ્યા હતા. બોસ દરેક કર્મચારી ના જન્મદિન પર એક સરસ મજાનું ફૂલો નો ગુલદસ્તો લઈને એમની કેબિન માં જાતે જતા અને એમને શુભેચ્છા આપતા. આજે પણ બોસ એની માટે જઇ રહ્યા હતા અને એમને સાથે મને પણ આવા કીધુ. બસ હવે મારે ગયા વગર કોઈ છૂટકો નહોતો. હું પણ બોસ ની પાછળ પાછળ રીતસર નો ઢસડાયો.

બોસે એને એના જન્મદિન ની શુભેચ્છા પાઠવી. હું હજી પણ ત્યાં શું બોલું એ વિચારી ને ઉભો હતો.

હું : આપને જન્મદિન ની ખૂબ શુભેચ્છા !
કિંજલ : તમારો ખૂબ ખૂબ આભાર , દેવ !!  (એના ચેહરા પર એક સ્મિત આવી ગયું )

બોસ : તમે વાતચીત કરો હું રજા લઉ .
(આટલું કહીને બોસ ત્યાં થી નીકળી ગયા , હું પણ ઝડપ થી ત્યાં થી બહાર નીકળી જવા ઈચ્છતો હતો.)

કિંજલ :મને આશા નહોતી કે તુ આવીશ.
હું : જન્મદિન છે તારો , અને બોસ પણ આવતા હતા તો એમની જોડે આવી ગયો.
કિંજલ : તને યાદ હતી ને !? 

(હું એની સામે જોઈ રહ્યો. એક માં બાળક નું જુઠ પકડી પાડે ને જે રીતે એની સામે જોવે એવું સ્મિત એના ચેહરા પર હતુ. મારે શું કહેવુ એ મારી બિલકુલ સમજ માં નહોતુ આવતું )

હું : ચલ મારે થોડુ કામ છે , મળીએ .
(અને હું લગભગ ત્યાં થી ભાગી નીકળ્યો )

એ સાંજે કંઇક અજીબ થયુ. ક્યારેક અચાનક કોઈને વર્ષો પછી જોઈને મિશ્ર લાગણી અનુભવી છે તમે ક્યારેય ? મિશ્ર એટલે કે વર્ષો પછી એણે જોયા નું આશ્ચર્ય પણ સાથે કેમ એને ફરી મળ્યા એનો કદાચ અફસોસ ! એ સાંજે હું અને મારો સહકર્મચારી સમર્થ ઓફિસ માંથી નીકળવાના સમયે  ગાડી માં બેસી રહ્યા હતા. એજ સમયે કિંજલ ને લેવા કોઈક  આવ્યુ હતુ.

સમર્થ : દેવ , આને જોવે છે , રોજ સાંજે કિંજલ ને લેવા આવે છે !
હું : હમમ..કોન છે એ ?
સમર્થ : એ તો કોઈને ખબર નથી પણ ઓફિસ માં બધા કહે છે કે એ બે પ્રેમ માં છે , ઘણી બધી વાર એમને બધા એ સાથે જોયા છે.
હું : હમમ.. હશે ....

(હવે વિચારોનું જબરદસ્ત તોફાન મારા મન માં શરૂ થયું , ગાડી કેવી રીતે ચાલી રહી છે એનો મને બિલકુલ અંદાજ નહોતો ! સમર્થ વચ્ચે વચ્ચે કંઈ બોલતો હતો પણ એના બધા શબ્દો જાણે કર્ણપટલ પર અથડાઇ સીધા બહાર ફેંકાઈ રહ્યા હતા , હું ચૂપચાપ અબોધ બેસી રહ્યો હતો ને એમ જ થાય ને કારણ કે હું એ વ્યક્તિ ને સારી રીતે ઓળખતો હતો , એ બીજું કોઈ નઈ ચિરાગ હતો , ચિરાગ પટેલ , કિંજલ નો સૌથી સારો મિત્ર , જેની વાત એ મને હંમેશા કરતી રહેતી !! અમે જ્યારે સાથે હતા ત્યારે એને સૌથી વધુ કોઈ વ્યક્તિ નો જો ઉલ્લેખ કર્યો હોય તો એ ચિરાગ જ હતો , એને મેં કૉલેજ સમયે એક જ વાર  જોયો હતો પણ એને હું ક્યારેય ભૂલી ના શકું , હા એ ચિરાગ જ હતો... )

સમર્થ : દેવ ઓ દેવ ....

(હું અચાનક ઝબકી ગયો )
હું : હા... હા શું થયું ?

સમર્થ : ક્યાં છે ભાઈ ધ્યાન તારુ , ઘર આવી ગયુ છે !!

હું : હા ... હમમમ... બસ કંઈ નઈ એમ જ વિચારે ચડ્યો તો એમાં ધ્યાન ન રહ્યુ ! ચલ મળીએ કાલે ઓફિસ માં , આવજે .

સમર્થ : હા ભલે મળીએ , સીધો ઘર માં જજે વિચારો માં બીજે કયાંક ના ચાલી નીકળતો ! ( એ હસ્યો )

એની કાર સડસડાટ ત્યાંથી નીકળી ગઈ , પણ એનાથી તેજ હવે મારું મગજ ચાલી રહ્યું હતુ , જેમતેમ કરીને હું ઘર માં દાખલ થયો .

( એ શબ્દો હજુ પણ મારા કાન માં અથડાઇ રહ્યા હતા ! શું ખરેખર કિંજલ ચિરાગ ના પ્રેમ માં હતી !? કૉલેજ સમય થી જ તેઓ પ્રેમ માં હતા ? એટલે જ એને મારા પ્રેમ પ્રસ્તાવ ને નકાર્યો હતો !!)

વણ ઉકેલ્યા પ્રશ્નો મન ને ઉદ્વિગ્ન કરી રહ્યા હતા. મન ન સમજી શકાય ન કોઈને સમજાવી શકાય એવા કાંટાળા વિચારોની એવી કેડી પર ચાલી રહ્યુ હતુ જેમાં પાછળ ફરીને જોતા ભૂતકાળ હવે ધિક્કાર જન્માવી રહ્યો હતો.

ને સમય વહી  રહ્યો ટક ટક ટક.... ઘડિયાળ નો એ સેકન્ડ કાંટો જાણે ભૂતકાળ ને બિલકુલ નજીક લઈ આવ્યો હતો.
હું બેસી રહ્યો ,બસ બેસી જ રહ્યો !
  
                   (ક્રમશ : )