sabndho books and stories free download online pdf in Gujarati

સબંધો - 4

શું કિંજલ ચિરાગ ને જ પ્રેમ કરતી હતી ? એટલે જ એને ત્યારે મારા પ્રેમ પ્રસ્તાવ ને સ્વીકાર્યો નહોતો !? સમર્થ ના એજ શબ્દો વારંવાર મારા મન માં અથડાઇ રહ્યા હતા. આ એજ સમય છે જ્યારે વ્યક્તિ નું હૃદય એના મન પર હાવી થઈ જાય છે. ખુદ ને જ સમજાવતા અને પોતે જ વિચારે છે એ જ સત્ય છે  એવા અજંપા ભર્યા મન સાથે નો સંઘર્ષ નફરત ભરી સ્થિતિ જન્માવે છે.સબંધો ની જૂની ધરી જ્યારે સજીવન થાય છે ત્યારે જરૂર એની સાથે કંઇક ને કંઇક ઉથલ- પાથલ લઈને આવે છે.

પ્રેમ થવો એ જરૂર તમારા હાથ માં નથી. આ કોઈ મન ની નક્કી કરેલી ઘટના નથી કે જેને તમે નિશ્ચિત ક્રમમાં ચાલતી જોઈ શકો. પરંતુ એ થતી વખતે કોઈ પરિણામ જોઈને નથી થતો ને. શું થશે કે કેમ થશે , પછી મારું શું થશે એ વિચારો ક્યારેય પ્રેમ કરતી વખતે નથી આવતા. કદાચ "મારું" થી "આપનું" વચ્ચેનું અંતર એજ આકર્ષણ થી પ્રેમ  સુધીની સફર નું ગંતવ્ય છે. આ વાતો જરૂર નાટકીય ને ફિલ્મી લાગતી હોય પણ દરેક વ્યક્તિ આમાથી જાણે અજાણ્યે અચૂક પસાર થાય છે !

હું પણ એમાંથી બાકાત ન રહ્યો. કદાચ ભલે ત્યારે હું એટલો પરિપક્વ નહોતો છતા મારી લાગણીઓ ના વધેલા છેલ્લા અંશ સુધી મેં એને પ્રેમ કર્યો હતો. છતા જ્યારે વિરહ ની , કંઇક ન મેળવી શકવાની , એની બીજાને પ્રેમ કરતો જોવાની પરિસ્થિતિ આવે છે ને ત્યારે કોઈ સુવિચાર કામ નથી લગતા. જિંદગી હૃદય ની લાગણીઓ પ્રમાણે ચાલે છે, સુવિચારો ની લખેલી પુસ્તક પ્રમાણે નહિ.પીડા, દ્વેષ , નફરત ઉત્પન્ન ન કરે તો એ પ્રેમ નિષ્ફળ  કેવો !!

બસ એજ નફરત મારા માં જાણે ઘર કરી ગઈ. જૂની એક એક યાદો હવે જાણે કાંટા ચુભે એવી કડવી લાગી રહી હતી. એની એક એક વાતો જાણે કેસેટ માં રોલ ફરતો હોય એવી વારંવાર મન માં ફરવા લાગી. મને એમ હતુ કે છેલ્લા વર્ષો માં હું બધુ ભૂલી ગયો હતો પરંતુ આજે જાણે હું એજ મુકામે ઉભો હતો જેને ક્યારેક હું છોડીને ભાગી ગયો હતો.

પછીના થોડા દિવસ મેં એણે રીતસર અવગણી હતી. એનું અસ્તિત્વ જાણે મારા માટે હતુ જ નહિ. મેં મારાથી બનતા એ તમામ પ્રયાસ કર્યા કે જેનાથી હું એનાથી , એના વિચારો થી , એના દરેક એ ખયાલ થી જે મને જરા પણ એના તરફ ઢાળતા હોય એનાથી દૂર રહુ.એને એક બે વાર મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ હું બસ એનાથી ભાગતો જ રહ્યો .જ્યારે મતભેદ મનભેદ માં ફેરવાઈ જાય છે ત્યારે સબંધો માં આ સંતાકૂકડી રમાય છે.

મિ. શરદ નો આજે ઓફિસ માં અંતિમ દિવસ હતો. બોસે એમના માટે એક નાનકડી ફેરવેલ પાર્ટી નું આયોજન કર્યું હતુ. સૌએ તેમને આગળ ની જિંદગી માટે ખૂબ શુભકામનાઓ આપી. ફેરવેલ પતાઈને હું મારી કેબિન તરફ જઈ રહ્યો હતો.

કિંજલ : દેવ...

( મેં સાંભળ્યુ છતા ઉભો ન રહ્યો અને આગળ આગળ ચાલવા લાગ્યુ. એ મારી પાછળ પાછળ મારી કેબિન માં આવી ગઈ.)

કિંજલ :  ક્યાં સુધી ભાગીશ મારાથી ?

( મેં કઈં જવાબ ના આપ્યો ને મારી ફાઈલો શોધવા લાગ્યો.)

કિંજલ : હું એ સારી રીતે જોઈ શકુ છું કે તુ મને અવગણી ને ભાગવા માંગે છે. ત્યારે પણ તુ ભાગી ગયો હતો દેવ અને આજે પણ તુ ભાગી જ રહ્યો છે...

( એના શબ્દો હવે મને બોલવા મજબૂર કરવા લાગ્યા , એ કહે છે કે હું ભાગી ગયો !! )

હું : સબંધો માં જરૂર મુુુુજબ બદલાવાની અને એનાથી ભાગવાની કળા હું તારી જ પાસે શીખ્યો છું.

કિંજલ : હું જાણુ છુ કે મેં તારી લાગણીઓ ને ઠેસ પહોંચાડી છે.

હું : મને આનંદ છે કે તને એ વાત ની જાણ છે.

કિંજલ : પરંતુ મને નફરત કરતા કરતા તુ આટલા વર્ષો માં ખુદ ને નફરત કરવા લાગ્યો છે , મને ભૂલતા ભૂલતા તુ ખુદ ને ભૂલવા લાગ્યો છે , મને હરાવતા હરાવતા તુ જીતવાનું ભૂલી ગયો છે દેવ..

હું:  મને તારા અભિપ્રાય અને ઉપદેશો ની ત્યારે પણ જરૂર નહોતી અને આજે પણ નથી.

કિંજલ :દેવ... , અને મારી ?

હું : તારુ ધ્યાન રાખવા વાળા તો એમ પણ બહુ છે ને , તને ક્યાં કોઈના જવા કે રેહવા થી એમ પણ ફર્ક પડ્યો છે ?!

કિંજલ : બધા સબંધો  તે જ ગુમાવ્યા છે દેવ !? પ્રેમ ગુમાવાનુ તને આટલુ દુઃખ છે , પરંતુ તે ક્યારેય એ ના વિચાર્યુ કે એક દોસ્ત તો મેં પણ ગુમાવ્યો હતો .

હું : તને એટલી તારી મિત્રતા ની પડી હોત તો તુ એકવાર પાછી જરૂર આવી હોત , ચિરાગ ના પ્રેમમાં તને એ પણ યાદ ના આવ્યુ.

કિંજલ: દેવ... હું એને પ્રેમ નથી કરતી અને ના અમે કોઈ પ્રેમ સબંધ માં બંધાયેલા છે..

એની આંખો ના થી એક ખૂણે થી ક્યારે આંસુ નુ એક ટપકું પડી ગયું એનો ખ્યાલ કદાચ એણે પણ ન રહ્યો .આટલા વર્ષો માં હું એની સાથે રહ્યો પરંતુ ક્યારેય મેં એણે ઢીલા થઈને રડતા  નહોતી જોઈ. શબ્દો નું ગજબ છે , કોઈને બાહ્ય કોઈ જ નુકસાન નથી કરતા , પણ આંતરિક મન ને એ ઝેર થી વધુ ડંખે છે.

મેં એને પીવા થોડુ પાણી આપ્યુ.થોડા સમય બાદ એ થોડી સ્વસ્થ થઈ.

( વાચકમિત્રો , દેવ અને કિંજલ વચ્ચે હવે થનાર  આ સંવાદ  પ્રેમકથા નો અંતિમ ભાગ રેહશે . )
          
                      ક્રમશ :