Mistari - Reloaded books and stories free download online pdf in Gujarati

મીસ્ટરી : રીલોડેડ

મીસ્ટરી : રીલોડેડ

નવા ઘરમાં રહેવા આવેલા સ્નેહા અને સોહમ દામ્પત્ય જીવન ખુશી ખુશી જીવી રહ્યા હતા. તેવામાં એક રાત્રે સ્નેહાને પોતાના ગાર્ડનમાં કોઇ સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા સ્નેહા કોઇ બીહામણી સ્ત્રીને ગાર્ડનમાં જુએ છે, પણ ગભરાઇ ગયેલી સ્નેહાની બૂમો સાંભળતા દોડી આવેલા સોહમને ગાર્ડનમાં કોઇ જ દેખાતું નથી. આ જ રીતે સ્નેહાને ઘરના સ્ટોર રૂમમાં પણ આ જ બીહામણી સ્ત્રી દેખાય છે. ગભરાઇને પડોશીના ઘરે દોડી ગયેલી સ્નેહા સાથે સોહમ ઘરમાં આવતા સ્ટોર રૂમમાં કોઇ જ જોવા મળ્યું ના હતું. સોહમ સ્નેહાને તેની સાઇકિયાટ્રીક ફ્રેન્ડ ડૉ.સપના મિશ્રા પાસે લઈ જાય છે, જ્યાં સ્નેહાને દેખાતી આ સ્ત્રી માત્ર તેના મનનો વહેમ અને બીક જણાય છે. સ્નેહાની માતા સુરતની પ્રસિધ્ધ ડાઇમંડ કંપની મજમુદાર પ્રા.કંપનીના માલિક જયરામ મજમુદારની વિધવા પત્ની ચરૂલતા મજમુદાર તે કંપનીની માલિક હતી. તેમના વિરોધમાં સ્નેહાએ સોહમ સાથે લવ મેરેજ કર્યા હતા. ચારૂલતા મજમુદારને પેરેલિસીસ થયા પછી કંપનીની બધી જવાબદારી સોહમ પર આવી હતી. ચારૂલતાએ પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ પોતાની એક્માત્ર દીકરી સ્નેહાના નામ પર વીલ કરી હતી. અચાનક શ્વાસ રૂંધાવાથી ચારુલતા મજમુદારનું મૃત્યુ થયા પછી કંપનીનું બધું જ કામ સોહમ સંભાળતો હતો. તેમણે બનાવેલ નવા ઘરમાં આવ્યા પછી આ નવી મુશ્કેલી ઊભી થઈ હતી. થોડા દિવસ પછી ઘરમાં એકલી સ્નેહાને ડ્રોઇંગ રૂમમાં આ જ સ્ત્રી ફરી દેખાય છે, ત્યારે અચાનક રૂમનો દરવાજો આપોઆપ બંધ થઈ જતાં સ્નેહા ઘર બહાર જઈ શકતી નથી. પેલી સ્ત્રીને પોતાની તરફ આવતી જોઇ ગભરાયેલી સ્નેહા જમીન પર પડી જાય છે.

અહીં ઘણા સવાલ ઉભા થાય છે.....

  • શું સ્નેહાના જીવનનો આ અંત છે..?
  • પેલી પ્રેત સ્વરૂપે દેખાતી સ્ત્રી કોણ છે..?
  • શું પેલી સ્ત્રી સ્નેહાની આત્માને પોતાની ગુલામ બનાવી પોતાની સાથે લઈ જશે..?
  • વધુ જાણવા ચાલો વાંચીએ.... મીસ્ટરી : રીલોડેડ

    સ્નેહાની આંખ આગળ છવાયેલું અંધારૂ દૂર થયું. સ્નેહાએ ધીમેથી આંખ ઉઘાડતા તે પોતાને હોસ્પિટલના બેડ પર સૂતેલી જુએ છે. તેની પાસે સોહમ ચિંતાતુર ઉભેલો દેખાય છે. તેના હાથમાં બોટલ ચડાવેલી હોય છે તેનો જરા દુ:ખાવો અનુભવાય છે. હજુ સ્નેહાને માથું ભારે ભારે લાગે છે. ઘડીભર આંખ ખુલ્લી રાખ્યા પછી જેવી તે આંખ બંધ કરે છે કે તેને પોતાના ડ્રોઇંગ રૂમમાં જોયેલું બીહામણું દ્રશ્ય નજર સમક્ષ દેખાઇ આવે છે. હોસ્પિટલના એ.સી.સ્પેશીયલ રૂમમાં સૂતેલી સ્નેહાના કપાળે પરસેવાના ટીપાં બાઝવા લાગ્યા. તેને ગભરામણ થવા લાગી. ધીમેધીમે તેનો શ્વાસ ચડવા લાગ્યો. “હું આત્મા છું...તરસી આત્મા.… .અને હું અહીં તને મારી સાથે જ લઈ જવા આવી છું..… હું તારો જીવ લઈ લઈશ, તો જ મને શાંતિ મળશે..… તુ મને બચાવી શકે છે તારો જીવ મને આપીને....તારી આત્માને મારી ગુલામ બનાવીને..!” ખડખડાટ હાસ્ય સાથે પેલી સ્ત્રીએ બોલેલા આ શબ્દો સ્નેહાના કાનમાં ફરી ગૂંજી ઊઠે છે. સ્નેહા “બચાવો...બચાવો”ની જોરજોરથી બૂમો પાડવા લાગે છે. સ્નેહા પોતાના હાથ પગ પછાડી જાણે પોતાને બચાવવા હવાંતિયા મરવા લાગે છે. સોહમ અને બીજા વોર્ડબોય્ઝ અને નર્સીસ ભારે જહેમત કરી તેના હાથ પગ પકડી રાખે છે. તરત જ ડૉ.સપના સ્નેહાના હાથે એક ઇન્જેક્શન મારે છે અને ઘડીભરમાં સ્નેહા ફરી બેહોશ થઈ જાણે સાવ નિશ્ચેતન શરીર બની જાય છે..!

    સ્નેહાના મનમાં રહેલ આ ડરને કારણે તેને બેહોશીની દવા બોટલ દ્વારા આપી કેટલાક દિવસ સુધી બેભાન જ રાખવામાં આવે છે. લગભગ ત્રણેક દિવસે સ્નેહાને ભાન આવે છે. ધીમે ધીમે સ્નેહા જરા નોર્મલ રહેવા લાગે છે. હોસ્પિટલમાં સ્નેહાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સ્નેહાને બીજી સવારે જ હોસ્પિટલમાંથી રજા આપવાની હતી ત્યાં જ આગલી રાત્રે સ્નેહા પોતાના રૂમમાં શાંતિથી સૂતી હોય છે. અચાનક તેના કાનમાં કોઇ વિચિત્ર અવાજ સંભળાય છે. તે અચાનક જાગી જાય છે. ખુલ્લી આંખે તે સૂતા સૂતા જ આસપાસ જોયા કરે છે. તેને કોઇ જ દેખાતું નથી. ફરી તેને કોઇના શબ્દો સંભળાય છે. જાણે સ્નેહાને કોઇ બોલાવી રહ્યું હોય. કોઇ તો સ્નેહાને કંઇ કહેવા માંગે છે, પણ સ્નેહા તે સમજી શકતી ના હતી.

    સ્નેહાની સામે કોઇ સફેદ છાયા દેખાય છે. તે છાયા તેના વિચિત્ર અવાજે સ્નેહાને કંઇ કહી રહી હતી. સ્નેહા ગભરાઇ જાય છે. તરત તે છાયા ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. ડરી ગયેલી સ્નેહાનું ધ્યાન રૂમના ખૂલીને બંધ થયેલા દરવાજા તરફ જાય છે. જાણે કોઇ દરવાજાને ખોલી તરત બહાર નીકળી ગયું હોય. સ્નેહા બૂમ પાડી કોઇને બોલાવવા કરે છે, પણ કોઇ જ દેખાતું નથી. છેવટે સ્નેહા હિંમત કરીને ધીમેથી બેડ પરથી ઊભી થઈ રૂમ બહાર નીકળે છે. તેના આશ્ચર્ય સાથે બહાર આખી હોસ્પિટલ શાંત લાગે છે, જાણે કે હોસ્પિટલ સાવ ખાલી જ હોય..!

    સ્નેહાને ફરી લાગે છે કે કોઇ વ્યક્તિ હોસ્પિટલના રૂમના વણાંક તરફ વળી જાય છે. “ત્યાં ક..ક..કોણ છે..? હુ’ઝ ધેર..?” બોલતા સ્નેહા તે અજ્ઞાત વ્યક્તિ પાછળ જાય છે. સ્નેહા મનોમન ખૂબ જ ગભરાયેલી હતી, પણ આજે પહેલી વાર સ્નેહા હિંમત કરી આગળ વધી રહી હતી..! સ્નેહા જુએ છે કે તે વ્યક્તિ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જાય છે. સ્ટોર રૂમનો બંધ થતો દરવાજો હાથથી અટકાવી સ્નેહા ત્યાં જ ઊભી રહી જાય છે. સ્નેહા ઘડીભર ડર સાથે વિમાસણમાં પડે છે. પોતાને સ્ટોરરૂમમાં જવું જોઇએ કે નહીં તે દુવિધામાં ઊભી રહે છે ત્યાં જ જાણે તેને પાછળથી કોઇ ધક્કો મારી સ્ટોર રૂમ તરફ ધકેલે છે અને તે સ્ટોર રૂમમાં પડી જાય છે. તરત જ સ્ટોર રૂમ બંધ થઈ જાય છે..!

    સ્ટોરરૂમમાં સાવ અંધારુ હતું. સ્નેહા અચાનક આમ ધક્કો વાગવાથી પડી ગઈ. તે ઘણી ગભરાઈ ગઈ હતી. અચાનક તેને કોઇ સ્ત્રીના હસવાનો અવાજ સંભળાયો. સ્નેહાનો શ્વાસ વધવા લાગ્યો. અચાનક સ્ટોરરૂમની લાઇટ ચાલુ બંધ થવા લાગી. લાઇટના ઝબકારામાં સ્નેહાને ફરી તેની સામે પેલી સ્ત્રી જ દેખાઇ. તે સ્ત્રીનો બીહામણો ચહેરો જોઇ ભલભલાના હાંજા ગગડી જાય તો સ્નેહા ધ્રુજી જ જાય તે સ્વાભાવિક જ હતું. આજે તે સ્ત્રીનો અરધો ચહેરો બળી ગયેલો દેખાયો. ચહેરા પરની ચામડી બળીને સંકોચાઇ ગયેલી હતી. એક તરફની આંખ પર પાંપણ જ ના હોવાથી તેની આંખ ખૂબ ભયાનક લાગતી હતી. તેની આ આંખ પર કોઇ ભ્રમર ના હતી. આંખોના સફેદ ડોળાથી જાણે તેની આંખમાં કીકી જ નથી તેવું લાગતું હતું. લાઇટના ઝબકારા વચ્ચે તે સ્ત્રીના મોંથી નીકળતો વિચિત્ર ગણગણાટ અને હાસ્ય વાતાવરણને વધુ બિહામણું બનાવતું હતું. લાઈટના દરેક ઝબકારે તે સ્ત્રી સ્નેહાની વધુ ને વધુ નજીક આવતી જતી હતી. બીકથી ધ્રુજતી સ્નેહા સ્ટોરરૂમના બંધ થયેલા દરવાજાને ટેકવી નીચે લપાઇને બેસી ગઈ. “સ્નેહા..... હું તને મારી સાથે લેવા આવી છું… મારે તારા શરીરમાં ધબકારા મારતું હૃદય મારા આ હાથથી નીચોવી પીવું છે...!” બોલતા તે સ્નેહાની વધુ નજીક આવવા લાગી. ફરી લાઇટનો ઝબકારો થયો. સ્નેહાને પેલી બીહામણી સ્ત્રી દેખાઇ. “સ્નેહા..… તારા શરીરમાં ફરતાં ગરમ લોહીના એક એક ટીપાંને મારે ચાખવા છે....!” તે સ્ત્રીએ પોતાના જ લોહી નીતરતા હાથને પોતાની જીભ વડે ચાટતા કહ્યું.

    ફરી રૂમમાં અંધકાર થઈ ગયો. સ્નેહા બીકથી ચીસ પાડી ઊઠી. લાઇટના ઝબકારે સ્નેહાને પેલી સ્ત્રી પોતાની ઘણી નજીક આવેલી દેખાઇ. સ્નેહાએ તે સ્ત્રીના બીજા હાથમાં રાખેલ ખુલ્લો ધારદાર છરો દેખાયો. તે સ્ત્રીએ છરાવાળો હાથ ઊંચો કર્યો. લાઇટના ઝબાકારનો પ્રકાશ તે છરા પર પડતા થયેલો ચમકારાથી તે છરાની તેજ ધારની પ્રતિતી સ્નેહાને થઈ..! સ્નેહાએ સ્ટોરરૂમના બંધ દરવાજાને હાથથી પછાડી મદદ માટે ખૂબ બૂમો પાડી, પણ બધું જ વ્યર્થ લાગતાં સ્નેહાને ખ્યાલ આવી ગયો કે હવે તેના જીવનનો અંત આવી ગયો છે. સ્નેહાએ ચડતા શ્વાસે વિચારી લીધું કે હમણાં ઘડીભરમાં જ પેલી સ્ત્રી તે છરાથી તેના શરીરના ટૂકડાં કરી લોહી પીને તેને મોતને ઘાટ ઉતારી દેશે..! લાઇટના ઝબકારે સ્નેહાએ જોયું તો પેલી સ્ત્રીતેની સાવ પાસે આવી ગઈ હતી. તે સ્ત્રી દૂરથી જેટલી ભયાનક અને બીહામણી લાગતી હતી તેના કરતા નજીકથી ઘણી વધુ ભયાનક લાગતી હતી. સ્નેહાએ બીકથી આંખો બંધ કરી દીધી. તે સ્ત્રી પાસેથી સ્નેહાને કોઇ કેમિકલની વાસ આવે તેવી વિચિત્ર વાસ આવી. વિચિત્ર ગણગણાટ સાથે હસતી પેલી સ્ત્રીએ સ્નેહાને મારવા છરાવાળો હાથ ઉગામ્યો. સ્નેહાએ ખૂબ જોરથી સોહમના નામની બૂમ પાડી અને તે ત્યાંજ ઢળી પડી ત્યાંજ સોહમ સ્ટોરરૂમનો દરવાજો ખોલી ત્યાં આવી પહોંચ્યો. સ્ટોરરૂમમાં આછા ધુમાડા સિવાય બીજું કાંઇ દેખાતું ના હતું. સોહમ સાથે આવેલા વોર્ડબોય્ઝ અને નર્સીસે સ્નેહાને તરત જ સ્ટ્રેચર પર સૂવડાવી તેના રૂમમાં લઈ ગયા..!

    સ્નેહાની હાલત ઘણી નાજુક હતી. સ્નેહાની માનસિક સ્થિતી બગડી રહી હતી. બીજા દિવસે ભાનમાં આવ્યા પછી પણ સ્નેહાના મનમાંથી પેલી બિહામણી સ્ત્રીની બીક દૂર થઈ રહી ના હતી. તે કોઇ નર્સ કે કોઇ ડૉક્ટર્સને પોતાની નજીક આવવા દેતી પણ ના હતી. જેવું કોઇ તેની નજીક જવા કરે કે તે તરત જોરજોરથી બૂમો પાડી બેડા પર ખૂણામાં લપાઇ બેસી જતી. હવે તો તેને સોહમથી પણ બીક લાગવા લાગી હતી. સ્નેહાને દરેક વ્યક્તિમાં પેલી બીહામણી સ્ત્રી નજર આવતી હતી. તે બધાથી દૂર ભાગતી હતી, પણ તેને ઇન્જેક્શન આપવા નર્સીસ અને વોર્ડબોય્ઝ સ્નેહાને મજબૂત રીતે પકડી રાખે છે. સ્નેહાને ઇન્જેક્શન મારવા આવતા ડૉ.સપનાને જોતા સ્નેહાને ગઈ રાત્રે સ્ટોરરૂમમાં હાથમાં છરો લઈને તેને મારવા આવતી પેલી સ્ત્રી દેખાય છે. સ્નેહા જોરજોરથી બૂમો પાડી વોર્ડબોય્ઝ અને નર્સીસના હાથમાંથી છૂટવા ઉછળ્યા કરે છે. છેવટે ડૉક્ટર સ્નેહાને ઇન્જેક્શન મારે છે ત્યારે સ્નેહાનું શરીર સાવ ઢીલું પડી જાયા છે અને તે બેડ પર બેભાન થઈ પડે છે.

    સ્નેહાના મન પર આ ઘટનાઓની ઘણી અસર થઈ હોવાથી તે હવે બધાથી ડરવા લાગી. ડૉ.સપનાને સ્નેહાની માનસિક સ્થિતી નબળી જણાતા તેને મેન્ટલ અસાઇલમમાં રાખવા પ્રીફર કરે છે. સ્નેહા શરૂઆતમાં કોઇપણ સંજોગોમાં મેન્ટલ અસાઇલમમાં જવા તૈયાર થતી નથી, પરંતુ ધીમેધીમે તે સમજવા લાગી હતી કે તેને માનસિક તકલીફ છે. છેવટે તે મેન્ટલ અસાઇલમ જવા તૈયાર થાય છે. મેન્ટલ અસાઇલમમાં બીજા પેશન્ટ્સને જોઇ સ્નેહા ઘણી ગભરાઇ જાય છે. મેન્ટલ અસાઇલમમાં ટ્રીટમેન્ટ દરમિયાન સ્નેહા પોતાના રૂમમાં ઘણા સમય માટે એકલી હોય છે, ત્યારે અચાનક તેના દરવાજે નોક થાય છે. સ્નેહા વિચારે છે કે કદાચ ડૉક્ટર આવ્યા હશે. તે વિચારથી તે શાંત બની બેડ પર સૂઇ રહે છે. અચાનક રૂમનું વાતાવરણ ઠંડુગાર બનવા લાગે છે. તેની આસપાસ ધૂમાડો દેખાય છે અને અને કોઇ પડછાયો જાણે સ્નેહાની નજીક આવી ઊભો હોય તેવું સ્નેહાને લાગે છે. સ્નેહા ખૂબ ગભરાઇ જાય છે. તે પડછાયો સ્નેહાને કંઇક વાત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ગભરાયેલી સ્નેહા આંખો બંધ કરી બૂમો પાડવા લાગતા તે પડછાયો રૂમના ધૂમાડા સાથે ક્યાંય અલોપ થઈ ગયો..! સ્નેહાની બૂમો સાંભળી ડૉક્ટર્સ સાથે સોહમ તેના રૂમમાં દોડી આવે છે. આંખ ખોલતા સ્નેહાને કોઇ જ પડછયો દેખાતો નથી. ગભરાયેલી સ્નેહા સોહમને વળગી પડે છે. તે રૂમમાં બેડ પાસે આંગળીથી ઇશારો કરી ડરતા ડરતા જણાવે છે, “સોહમ....ત્યાં પ..પ..પેલા ખૂણે ક...ક...કોઇ...!”

    “સ્નેહા, ત્યાં કોઇ જ નથી. આ બધો તારો વહેમ છે..!” સોહમ સ્નેહાને શાંત કરતા સમજાવે છે.

    “ના...ના… ત્યાં કોઇ આવ્યું હતું.… મ....મ.… મને એકલી આમ...આમ ના મૂકજે...!” ધ્રુજતા ધ્રુજતા સ્નેહાએ વાત કરી.

    તે રાત્રે સ્નેહાને મહામુસીબતથી ત્યાં રાખવા મનાવી શકાય છે. રાત્રે મોડા સ્નેહાની આંખ ખૂલી જતા તેની પાસે સોહમને ના જોતા તે ગભરાઈ જાય છે, પણ તેને રૂમ બહારથી કોઇની વાતો સંભળાય છે.

    “હજુ કેટલો સમય..?”

    “નો વરી, ઇટ વૉન્ટ ટેક મચ ટાઇમ..!”

    અચાનક બહારથી કોઇની ચીસ સંભળાય છે અને એક ધડાકાભેર અવાજ સાથે બહાર ઘણો કોલાહલ થવા લાગે છે. મેન્ટલ અસાઇલમનાં ટેરેસથી કોઇ વોર્ડબોય નીચે પાર્કિંગમાં રાખેલી ગાડી પર ધડાકાભેર પડે છે. સ્નેહા આ બનાવ વિશે જાણી વધુ ગભરાઇ જાય છે. વોર્ડબોયના ડેથ મામલે તપાસ કરવા થોડા સમય પહેલા જ ટ્રાન્સફર થઈ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ મેન્ટલ અસાઇલમે આવી પહોંચે છે. તેમની ગાડી આવતાં જ અન્ય પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલ્સ બીલકુલ સજ્જ થઈ જાય છે. સૌ કોઇના મોંએ વિજય શ્રીવાસ્તવનું નામ ચર્ચાતું રહ્યું.

    વિજય શ્રીવાસ્તવને ઘણા સીંઘમ નામથી ઓળખતા તેવી તે કડક છાપ ધરાવતા. વિજય શ્રીવાસ્તવે સુરતમાં આવતાંની સાથે જ સમગ્ર સુરતમાં લૉ એન્ડ ઑર્ડર સુયોગ્ય રીતે જળવાવા લાગ્યું. પોતાની અનોખી અંદાજમાં વિજય શ્રીવાસ્તવ પોતાની પોલીસવાનમાં આવવાની જગ્યાએ ગડગડાટ કરતાં રોયલ એન્ફીલ્ડ પર આવે છે. ટાઇટ જીન્સ – ટી શર્ટ સાથે બ્લેઝર અને ગળે મફલર વીંટાળેલ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવના લાંબા વાળની વાળેલી પોની સૌ કોઇનું ધ્યાન ખેંચે તેવો તેમનો લુક હતો. વિજય શ્રીવાસ્તવના રોયલ એન્ફીલ્ડના દૂરથી આવતા ગડગડાટ સાંભળતા જ સ્ટેશનમાં પ્રત્યેક પોલીસ કર્મચારી વધુ સજ્જ બની જતો. વિજય શ્રીવાસ્તવના આવ્યા પછી કેટલાયે પોલીસ કર્મચારીઓએ એક્સરસાઇઝ કરી પોતાનુ શરીર ઉતારી ફીટ બનવું પડ્યું. વિજય શ્રીવાસ્તવની બીકથી શહેરમાં ક્રાઇમ ઘણો ઘટી ગયેલો. ગુનેગારો વિજય શ્રીવાસ્તવના નામ માત્રથી થરથર ધ્રુજતા. આવા વિજય શ્રીવાસ્તવ આવતા સૌ કોઇનું કૂતુહલ વધ્યું. ક્રાઇમ સીન તરફ નજર નાખી ટેરેસ પર જોવા ગયેલા વિજય શ્રીવાસ્તવનું ધ્યાન સામેના સ્નેહાના રૂમ તરફ ધ્યાન ગયું. સ્નેહાને બેડ પર બેઠેલી જોઇ બે ઘડી વિજયના પગ થંભી જ ગયા. પછી સાથે અન્ય પોલીસ કર્મીઓ આવતા તે ટેરેસ પર જવા દાદરો ચઢ્યા.

    અહીં ઘણા સવાલ ઉભા થાય છે.....

  • શું સ્નેહા સાવ માનસિક રીતે અસ્થિર બની જશે..?
  • પેલી પ્રેત સ્વરૂપે દેખાતી સ્ત્રી સ્નેહાને પોતાની સાથે લઈ જશે..?
  • પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ અને સ્નેહા વચ્ચે કોઇ જોડાણ છે..?
  • વધુ જાણવા વાંચતા રહો.... મીસ્ટરી : રીગેઇન

    coming soon...