Anokhi bhet books and stories free download online pdf in Gujarati

અનોખી ભેટ.....

નયન અમદાવાદની એક ગરીબ પોળમાં રહેતો હતો. બી.કોમ. કર્યા પછી ટેક્સ કન્સલ્ટન્ટ 'દવે એન્ડ એસોસીએટસ' માં નોકરી કરતો હતો. સવારે આંઠથી સાંજે સાત સુધી કોમ્પ્યુટરના કીબોર્ડ માઉસ ફેરવતો ત્યારે ત્રીસ દિવસે બાર હજાર રૂપિયા દેખતો.

નયન વહેલી સવારે જાગ્યો હતો. એની દસ×દસની રૂમમાં અટેચડ બાથરૂમ તો હતું પણ પાણી નહોતું આવતું એટલે રસોડાના નળ નીચે ડોલ મૂકી ચકલી ઘુમાવી એ બ્રશ કરવા લાગ્યો. આજે તો એ ખુશ ખુશાલ મિજાજમા હતો. બ્રશ કરીને ગીત ગાતા ગાતા ચકલી ઘુમાવી ડોલ ઉઠાવી બાથરૂમમા ગયો. તૂટેલો દરવાજો અંદરથી બંધ નહોતો થતો એટલે લૂંગી પહેરીને જ નહાયો. મેરી મહેબૂબા તું હોતી તો નમ્બર સો મેં સો દેતા..... ગોવિંદાનું ગીત ગાતો બાથરૂમમાંથી બહાર આવ્યો. ટુવાલથી શરીર લૂછીને કાલે ખરીદેલા નવા કપડાં પહેર્યા. નવરત્નની રૂપિયા વાળી તેલની પડીકી ફાડી માથામાં તેલ નાખ્યું. તેલ ઘસતો દીવાલ ઉપર સેલોટેપથી લગાવેલ કાચના એક મોટા ટુકડા પાસે જઈને જોયું 'અહં લાગે છે આજે બધાના નયનને ગમી જાય એવો નયન.....! ખરેખર ખોટા લોભ કરકસરમાં જીવ્યો એટલા દિવસ.....'

તૈયાર થઈ એની બેગ લઇ અને સ્કૂટર લઈ નીકળ્યો. આજે નવી બનાવેલી હેર સ્ટાઇલમા એના વાળ એના ચહેરા ઉપર અથડાતા હતા. નવરત્ન તેલને હવા અડતા ગજબની ઠંડક થતી હતી કે પછી નયનને મનમાં આજે કોઈ મોટી મુશ્કેલી માંથી કળ વળી એની ઠંડક હતી એ તો કહેવું જ મુશ્કેલ હતું....

સ્કૂટર એસ.બી.આઈ. આગળ પાર્ક કરીને અંદર ગયો. થોડીવારમા બહાર આવ્યો. પેલી બેગ હવે ખાલી નહોતી એ સ્પષ્ટ દેખાતું હતું. ફરી સ્કુટરની કીક સાથે એ નીકળી પડયો. ભદ્રકાળીના મંદિરે જઈને દેવ દેવીઓને પગે લાગ્યો. પછી બહાર આવી એણે પંડિતને કહ્યું

"મારે દાન કરવું છે"

"સરસ બેટા સાનુ દાન કરવું છે?" પંડિત ખુશ થઈને બોલ્યા.

"જી રોકડા પૈસાનું દાન મા'રાજ પણ હું ટ્રસ્ટને નહિ આપું મને વિશ્વાસ નથી તમે સ્પીકર ઉપર જાહેર કરો આજે હમણાં જ દરેક ગરીબને સો રૂપિયાનું દાન હું કરીશ."

"પણ ગરીબો તો વધુ માત્રામાં આવશે દીકરા."

"મારી પાસે એક લાખ રૂપિયા છે મા'રાજ. તમે ચિંતા ન કરો..." નયનની આંખમાં ચમક હતી એવીજ ચમક પંડિત ના ચહેરા ઉપર પણ આવી ગઈ. કેમ ન આવે ? 2017 ના વર્ષમાં એક ગરીબ માણસ પોતાની પૂંજી દાન કરીદે એ કોઈ નાની વાત હતી.....!

"ભલે. તારું નામ દીકરા?"

"જી હું નયન નાથુરામ મિસ્ત્રી."

"તારા પરિવારને ખબર છે તું જે દાન કરવા જઈ રહ્યો છે એ બધું?" પંડિતે પૂછ્યું.

એનો ચમકતો ચહેરો જાંખો પડી ગયો. અવાજમાં બદલાવ આવી ગયો.

"મા'રાજ મારા પરિવારમાં કોઈ નથી હું એક જ છું."

નયનની ઉદાસી જોઈ પંડિતજી સમજી ગયા કે વધારે કાઈ પૂછીને એને દુઃખી કરવાનો કોઈ અર્થ નથી. આ છોકરો દુઃખનો હાલતનો માર્યો છે.

પંડિતજીએ માઇક લઈ અને ઘોષણા કરી, "આજે દરેક ગરીબ દિન દુઃખીયાને નયન મિસ્ત્રી તરફથી સો રૂપિયાનું દાન કરવામાં આવશે પણ દરેક ગરીબ ભાઈ બહેનને વિનંતી છે કે ટ્રસ્ટની ઓફીસ બહાર લાઈનમા ગોઠવાઈ જાય અને વ્યવસ્થા જાળવે."

નયન અને પંડિત બંને ટ્રસ્ટની ઓફિસમા ગયા. નયને બેગ ખોલી એક પછી એક દુઃખીયા ભાઈ બહેન આવતા ગયા અને નયન દરેકને સો રૂપિયા આપતો ગયો. એનું એ પવિત્ર કાર્ય છેક સાંજ સુધી ચાલ્યું હતું.

સાંજે પાંચ વાગ્યે એની પાસે માત્ર પાંચ હજાર રૂપિયા બચ્યા હતા ત્યારે જ ત્યાં એનો ઓફીસનો મિત્ર રોહિત આવ્યો.

"નયન તું આ દાન કરે છે ?" એની આંખો ફાટી ગઈ હતી.

નયન છેક જ કંજૂસ અને કરકસર કરનારો માણસ હતો. એટલે એ વાત રોહિતના ગળે ઉતરી નહીં.

"હા પણ તું અહીં ક્યાંથી?"

"અરે યાર હું તો દર રવિવારે મા ના દર્શન કરવા આવું છું આજે આ લાઈન જોઈ એટલે થયું જોઉં કોણ દાનવીર જાગ્યો...." રોહિતે આંખો ચોળીને કહ્યું " પણ જોયું તો તું નીકળ્યો...!"

"હમમમમમ" નયને ટૂંકમાં જવાબ આપી એનું કામ ચાલ્યું રાખ્યું. હવે પૈસા અને લાઈન બંને ઘટી રહ્યા હતા. અને છેલ્લે સો ની બે નોટ વધી હતી અને લાઈન મા 6 માણસો બાકી રહ્યાં હતાં. નયને બે નોટ બે જણને આપી પછી રોહિત પાસેથી ચારસો રૂપિયા ઉછીના લઇ અને પેલા ચાર ગરીબને સો સો રૂપિયા આપી દીધા.

દાન વિતરણ પૂરું થયું એટલે પંડિતજી એમના કામે લાગી ગયા. નયન અને રોહિત બંને બહાર નીકળ્યા.

"ચલ દોસ્ત કાલે ઓફિસે મળીશું.." કહી નયન સ્કૂટર તરફ ફર્યો.

"ના નયન આજે મારા તરફથી ડિનર.... પ્લીઝ ના ન કહેતો..."

"ઓકે આભાર.... " કહી નયન અને રોહિત બંને સામેની હોટેલમાં જમવા ગયા.

"તને આ દાન..." રોહિત અસ્પષ્ટ વાક્ય બોલ્યો.

"મેં આ દાન કેમ કર્યું એજ ને ?"

"હા..."

"દેખ દોસ્ત મને બ્લડ કેન્સર હતું."

"શુ ?" રોહિતને ધક્કો લાગ્યો. ઉપર ફરતા ફેન સાથે એનું મગજ ઘુમરી લેવા લાગ્યું હોય એમ એ નયનને તાકી રહ્યો.

"હા બ્લડ કેન્સર દોસ્ત. છ મહિના પહેલાંની વાત છે. મેં ઘણા ડોકટરોને બતાવેલું. લગભગ બધા ડોકટરો કહેતા હતા કે ઇમરજન્સી ટ્રીટમેન્ટ કરાવી લે નહીં તો આવતો મહિનો નહીં દેખે.."

"તો તે શું કર્યું?" રોહિતે અધીરા બની પૂછ્યું.

"શુ કરું ! ટ્રીટમેન્ટ માટે કોઈ ડોકટર પાંચ લાખ માંગતો તો કોઈ સાત લાખ અને એમાં પણ કોઈ ગેરંટી નહીં. પછી મેં એક બીજા ડોક્ટરને બધા રિપોર્ટ બતાવ્યા એમણે મને કહ્યું કે આની ટ્રીટમેન્ટમાં કોઈ ગેરંટી નથી હોતી પણ એટલો ખર્ચ નથી થતો એમાં હું એક લાખ રૂપિયામા પુરી ટ્રીટમેન્ટ કરીને મારી કોશિશ કરીશ."

"તો તે એ ડોકટર પાસે ટ્રીટમેન્ટ કરાવી?" જેમ જેમ વાત આગળ વધતી હતી તેમ તેમ રોહિત પ્રશ્નો કરતો રહ્યો.

"ના મારી પાસે એ વખતે બેંકમાં પંચોતેર હજાર રૂપિયા જ હતા એટલે મેં ત્રણ મહિના દરેક વાતમાં કરકસર કરી અને પુરા લાખ રૂપિયા ભેગા કર્યા."

"અને પછી તે ટ્રીટમેન્ટ કરાઈ અને ઠીક થઈ ગયો એમ ?" રોહિત પોતાનું જ વાક્ય પૂરું કરે એ પહેલાં તો એને એક નવાઈ થઈ "તે પૈસા ટ્રીટમેન્ટમાં ખર્ચી દીધા તો આ એક લાખ રૂપિયાનું દાન કઇ રીતે કર્યું?" રોહિત ને કાઈ સમજાતું જ નહોતું.

"મેં ટ્રીટમેન્ટ કરાવી જ નથી રોહિત.."

"તું ગાંડો થઈ ગયો છે? તે ટ્રીટમેન્ટ કરાયા વગર જ પૈસા દાન કરી દીધા હવે શું કરીશ તું? એ બધા તને પૈસા પાછા આપવા આવશે? તું...." રોહિત લાલચોળ થઈ ગયો હતો.

"તું મને બોલવા દઈશ ?" નયન શાંતિથી જ બોલ્યો.

"અરે શુ બોલવાનું બાકી રહ્યું છે ? તું દિવસોનો મહેમાન છે હવે...." રોહિતે ટેબલ ઉપર હાથ પછાડ્યો. આજુબાજુની પબ્લિક એમને જોવા લાગી. પાસે બેઠેલા એક બે જણ તો ઉભા થઈને દૂરના ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.

"અરે ભાઇ તું શાંતિથી સાંભળને મને કહેવા તો દે . જો જ્યારે હું એ લાખ રૂપિયા લઈને ડોકટર પાસે ગયો ત્યારે ડોકટરે કહ્યું કે જુના રિપોર્ટ હવે કામ નહીં આવે નવા રિપોર્ટ કરવા પડશે. અને પછી મારા નવા એમ.આર. આઈ. અને બીજા અમુક રિપોર્ટ કરવામાં આવ્યા. હું ધડકતા હૃદયે એ રિપોર્ટની રાહ જોતો હતો."

"તો રિપોર્ટ શુ આયા?" રોહિત પણ ધડકતા દિલે સાંભળતો હતો.

"રિપોર્ટ નોર્મલ આવ્યા."

"નહિ દોસ્ત તને હું તારા છેલ્લા દિવસોમાં માં બાપ ભાઈ બેન બધાનો પ્રેમ આપીશ તું ગભરાઈશ નહિ." રોહિતની આંખો ભરાઈ ગઈ.

નયન હસવા લાગ્યો "અરે યાર સાંભળતો ખરા રીપોર્ટ નોર્મલ આવ્યા મતલબ રિપોર્ટમાં મને કોઈ બ્લડ કેન્સર હતું જ નહીં."

"તું આ શું કહે છે?" રોહિત હવે ખરેખર અકળાઈ ગયો હતો.

"મને પણ એવો જ નવાઈનો આઘાત લાગ્યો હતો. પણ દોસ્ત બીજી જ પળે મારુ દિલ નાચી ઉઠ્યું હતુ. ડોક્ટરે મને બંને રિપોર્ટ એકસાથે જોઈને કહ્યું તો જુના રિપોર્ટમાં બ્લડ કેન્સર હતું જ્યારે નવા રિપોર્ટમાં તો હિમોગ્લોબીનની કમી પણ નહોતી બતાવતી બ્લડ કેન્સર તો બહું દુરની વાત હતી."

"થેન્ક્સ ગોડ તું બચી ગયો યાર...." રોહિત ટેબલ ઉપરથી ગ્લાસ ઉઠાવી એક સાથે ગટગટાવી ગયો ત્યારે એને કળ વળી.

"હા ડોકટરે પણ એજ કહ્યું હતું કે આ ભગવાનનો જ ચમત્કાર છે ત્યારે હું સમજી ગયો કે મારા પુણ્યો મારા સ્વભાવને લીધે ભગવાને મને મદદ કરી છે."

"સર તમારી પંજાબી ડિશ....." વેઈટર બે ડિસ મૂકી ગયો.

"એટલે મેં બીજા ડોકટરોને રિપોર્ટ બતાવીને કમ્ફર્મ કર્યું બધાએ એમજ કહ્યું કે હવે તમને કોઈ કેન્સર નથી. પછી મેં નક્કી કર્યું કે હું આ પૈસાનું દાન કરી દઈશ અને હવે જલસાથી ખુલીને જીવીશ."

"ગુડ અને આ દોસ્ત હવે તને હમેશા સાથ આપશે...." રોહિતે હસતા હસતા કહ્યું.

"આભાર દોસ્ત.." કહી નયન પણ મલકયો.

એ દિવસે નયન અને રોહિત મોડી રાત સુધી અમદાવાદની સડકો ઉપર ફર્યા હતા.

બીજા દિવસે નયન મોડો ઉઠ્યો ફટાફટ તૈયાર થયો છતાં ઓફિસે જતા મોડું થઈ ગયું. બોસ હજુ આવ્યા નહોતા એટલે બચી ગયો. ઝડપથી જઈને રોહિતની બાજુવાળી એની કાયમી સીટ ઉપર ગોઠવાઈ ગયો.

"અરે તું એટલો વહેલો કઈ રીતે જાગ્યો? જરાય લેટ ન પડ્યો?" રોહિતને ત્યાં પહેલેથી જ આવીને બેઠેલો જોયો એટલે નવાઈથી પૂછ્યું.

"કેમ હું કોઈ શરાબી છુ? નશો કરું છું કે રાતે મોડો ઉંધુ અને સવારે લેટ પડું..." રોહિતે ચીડાઈને કહ્યું.

"અરે પણ યાર આપણે રાત્રે બે વાગ્યા સુધી તો ફર્યા હતા. તોય તારા ફેસ ઉપર ક્યાંય ઉજાગરો નથી દેખાતો." નયને આંખો ચોળતા કહ્યું.

"નયન તું પાગલ થઈ ગયો છે? હું તારી સાથે કયારે આવ્યો રાત્રે બે વાગ્યા સુધી ?" રોહીતે ચેર ઘુમાવી અને નયન સામે ગોઠવાયો.

નયન અસમંજસમાં હતો... " દોસ્ત મજાક ન કર આપણે કાલે સાથે ડિનર કર્યું સાથે કલબમાં ગયા હતા અને પછી આપણે છેક બે વાગ્યા સુધી ફર્યા હતા એ બધું તું ભૂલી ગયો?" નયન પણ ચીડાઈને બોલ્યો.

"નયન યાર તું મારો ભાઈબંધ ના હોત તો હું તને કાન નીચે બે લગાવી દોત. હું કાલે સાંજે પાંચ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી મારી બહેનની ડિલિવરી હતી એટલે હોસ્પિટલમાં હતો." રોહિત ઓર ખિજાઈને બોલ્યો.

નયન ગભરાઈ ગયો એ ઓફીસની બહાર નીકળી ગયો. ખુલ્લા પવનમાં પણ જાણે એને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એમ એની છાતી ધબકતી હતી.

તો પછી એ કોણ હતું ? ગરીબોને દાન કરતા પૈસા ખૂટયા હતા એ કોણે આપ્યા ? શુ એ રોહિત બનીને એ જ આવ્યો હશે જેણે અસાધ્ય બીમારીમાંથી બચાવ્યો ? વિચારોમાં ખોવાયેલો નયન ક્યાંય સુધી બારીમાંથી દેખાતા ખુલ્લા આકાશને જોતો રહ્યો.....!

© વિકી ત્રિવેદી