Madhav kyay nathi books and stories free download online pdf in Gujarati

માધવ ક્યાય નથી.....!

હોટલ વૃંદાવન મુંબઈના ધનાઢ્ય લોકોની અવર જવર માટે વખણાતી હોટલો માની એક હતી. મધ્યમ વર્ગ તો શું ઉપલા મધ્યમ વર્ગના લોકો માટે પણ એ હોટલમાં મિજબાની આપવી કે જન્મદિવસ ઉજવવો એ માત્ર એક સપનું જ હતું. એ હોટલ માત્ર શ્રીમંત લોકોની મિજબાની અને મોટી કંપની મીટીંગો માટે જ હતી એમ કહો તો પણ ચાલે.

લગભગ સામાન્ય કિંમતની ગાડી માટે તો એ હોટલના દરવાજા પણ ન ખુલતા, એના વિશાળ પાર્કિંગમાં કોઈ ભીડવાળા સ્ટેન્ડ પર ટેક્સીઓ જોવા મળે એનાથી વધુ મર્સડીઝ, ઓડી, જેગુઆર, રોલ્સ રોયસ અને એવી કેટલીયે કીમતી કાર જોવા મળતી.

હોટલ વૃંદાવન વિવિધ કાર્યોમાં વ્યસ્ત જ જોવા મળે. કયારેક એનામાં લોકો સ્કાય હોલીડે માનવી રહ્યા હોય તો ક્યારેક કોઈ શ્રીમંત વેડિંગ સેરેમની, ક્યારેક હોટેલમાં રાજકીય નેતાઓની ખાનગી મીટીંગ તો ક્યારેક કોઈ કંપનીની મહત્વની બેઠક.

કેમ ન હોય એ સ્થળ છે જ એવું, એના ફ્લોર પર જ પચાસથીયે વધુ રૂમ અને દરેક રૂમમાં ચાર ચાર ભવ્ય બેડ. મોટા ભાગના રૂમોમાં સેપરેટ બાથરૂમ, દરેક રૂમમાં એલ.ઈ.ડી. ટીવીઓ અને આધુનિક રાચરચીલું.

હોટલની શરૂઆતમાં જ એક ભવ્ય કોજી ડાયનીંગ રૂમ, એક કોઝી લોંગ, એક બાર, સ્કાય સેલર, ટેબલ સોસર સાથેના પાર્ટી રૂમ, ડાર્ટ અને સેમીનાર રૂમ, ડબ્લ્યુ લેન, વેરંડા, અને અદભૂત વ્યુ સાથેનું સન ડેક જ્યાંથી તમને માત્ર અને માત્ર કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતા દેખાય.

આજે એ ભવ્ય હોટલનો સેમીનાર રૂમ લાઈટોથી ચમકી રહ્યો હતો. આંધળા કરી મુકે તેવી તેજસ્વી લાઈટો એ જંગી રૂમના એક સફેદ સ્ટેજ તરફ ધ્યાન આપી રહી હોય એમ દરેક ફોક્ષ એ તરફ ફોકસ કરીને ગોઠવાયેલ હતો. એ સફેદ સ્ટેજ પર ગોઠવાયેલ એક ભવ્ય ડેસ્ક કોઈકના આવવાની રાહ જોઈ રહ્યું હતું. માત્ર ડેસ્ક જ નહી એ રૂમમાં એકઠા થયેલ સો થીયે વધુ માણસો કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

શહેરના ટોપના બીઝનેસ મેન માધવ ત્રિપાઠી પોતાની એક મહિનાની ફોરેઇન ટ્રીપ બાદ આજે અહી પોતાની એન્ટરપ્રીનીયર સ્પીચ ડીલીવર કરવાના હતા. એમની સ્પીચમાં જો ચાન્સ મળે તો આખું શહેર ભેગું થઇ જાય પણ એ માત્ર ગણ્યા ગાંઠયા માણસો માટે જ હતી. એવા માણસો કે જે એમને પોતાનું રોલમોડેલ સમજતા હતા.

બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પળ આવી ગઈ. એક માણસ ડાર્ક બ્લુ સુટમાં અંદર આવ્યો, બધા જાણતા હતા એ માધવશેઠ હતા. એમને ચહેરાથી ન ઓળખતા હતા એવા કેટલાક નવા ચહેરા એ રૂમમાં હાજર હતા એ પણ એમને ઓળખી ગયા એનું કારણ હતું તેમની સુટ સ્ટાઈલ. દરેક વ્યક્તિ જાણતો હતો, માધવ શેઠ ઇંગ્લેન્ડમાંજ પોતાના સુટ તૈયાર કરાવતા અને દરેક વખતે એક જ સ્ટાઈલ. એમનો દરેક સુટ શાર્પલી કટ સ્ટાઈલનો જ હોય.

એ રૂમમાં દાખલ થયા, એમના જમણા હાથમાં એક ફોલ્ડર હતું અને એમની સાથે જ એમનો સેક્રેટરી હાથમાં લેપટોપ લઇ ચાલી રહ્યો હતો. એમને દરવાજાથી ડેસ્ક સુધીનું અંતર કાપ્યું ત્યાં સુધી કોઈ એમના તરફથી નજર હટાવી જ ન શક્યું..!! દરેકની ગરદન સુરજમુખીના ફૂલની જેમ એ તરફ જ ઢળેલી રહેતી હતી, એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે તમે એમને એકવાર જુવો તો પણ જીવનમાં ક્યારેય ન ભૂલી શકો પણ આજે તો એ કઈક વધુ જ ભવ્ય લાગી રહ્યા હતા.

આખરે એ પોતાની ડેસ્ક પર પહોચ્યા અને પોતે જે સ્પીચ આપવા આવ્યા હતા એ શરુ કરી નાખી, એમની સીધા મુદ્દા પર આવવાની આદત હતી.

અડધાએક કલાકની સ્પીચ બાદ હોટેલ મેનેજર પોતે જ તેમને તેમના રૂમ તરફ લઈ જવા આવ્યો પણ એમણે કહ્યું કે મારો સેક્રેટરી બધું સંભાળી લેશે અને તેઓ હોટલમાં પોતાને ફાળવાયેલ ફાઈવસ્ટાર રૂમના બેડ પર ડિસ્કશન કરવા લાગ્યા.

“મી. સેક્રેટરી સાત વાગી ગયા છે તમે શું કર્યું? એન્જોયમેન્ટ માટે?” માધવ શેઠે કહ્યું.

“સર.... સર્ચ કરી, દસેક જગ્યાએ એજન્ટોને કોલ કર્યા પણ કોઈ યુવાન છોકરી ધ્યાનમાં નથી આવી.” સેક્રેટરી નીચું માથું કરીને ઉભો રહ્યો.

“ઓહ! તમે એટલે જ સેક્રેટરી છો માલીક નથી.” માધવ શેઠે કહ્યું, “સર્ચ કરો ઓનલાઈન, સમય બદલાઈ ગયો છે.”

“જી સર....” પોતે કેટલો બેવકૂફ છે આજેય માધવ શેઠ એના કરતા વધારે દિમાગ લગાવે છે એ ધ્યાનમાં લેતા એણે લેપટોપ ખોલી સર્ચ કરી.

“સર....” એક છોકરીનો ફોટો જોતા જ એ બોલી પડ્યો, “આ દેખો સર બ્યુટીફૂલ યંગ છોકરી છે, એ પણ વરજીન...”

“વેલ ગુડ, એને પૈસાની જરૂર હશે અને વર્જીનીટી વેચવાની હશે...”

“જી સર અહી એ જ માહિતી આપી છે...”

“લગાવો ફોન... અડધા કલાકમાં મને મારા રૂમમાં જોઈએ એ છોકરી...” કહી એ પોતાના અલગ રૂમમાં ચાલ્યા ગયા.

***

હોટેલના કાઉન્ટર ઉપર લાલ ડ્રેસમાં એક યુવાન છોકરી પ્રવેશી. કાઉન્ટર ઉપર પૂછપરછ કરી માધવ શેઠના રૂમની માહિતી લઈ એ ચોથા માળે રૂમ નંબર ૧૦૮ આગળ ગઈ. ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી એ ત્યાં ઉભી રહી.

એની છાતી જોરથી ધબકતી હતી. પોતે શું કરવા જઈ રહી છે એ વિચાર કરતા એ થડકી ગઈ પણ મજબુરી..... હું શું કરું? કઈ નોકરીમાં મને ૫૦૦૦૦ એડવાન્સ આપે કે હું દવા કરાવી શકું મારી બીમાર મા ની? મારી પાસે કોઈ રસ્તો નથી મારી આ સુંદરતા - શરીર વેચવા સિવાય....

એ વિચારતી ઉભી હતી ત્યાં દરવાજો ખુલ્યો. સામે એક ૫૦ વર્ષનો સુટેડ બુટેડ માણસ ઉભો દેખાયો.

“દામિની????” માધવ શેઠે પૂછ્યું.

“જી....”

એના ખચકાટ પરથી માધવ શેઠ સમજી ગયા કે એ ખાતરી કરવા માંગતી હશે એટલે કહ્યું, “હું જ માધવ શેઠ...”

દામિની અવાચક બની નજર નીચી કરીને ઉભી રહી. વિચારતી રહી અમારી પાસે જરૂરી કામ માટે પૈસા નથી અને આ ૫૦ વર્ષના માણસ પાસે......... સારું જ કર્યું મેં આજે એ કૃષ્ણની મૂર્તિ ફેકી દીધી..... છેલ્લા દસ દસ વર્ષથી મેં એ પથ્થરની પૂજા કરી અને આખરે મને આ દિવસ જોવાની ફરજ પડી...!! અરે રે.... એ સુંદર નમણી છોકરીના મનમાં જ એક આહ નીકળી.....

“કમ ઇન...” કહી માધવ શેઠે એને હાથથી પકડી અંદર લઇ ગયા.

“જો મોડું થઇ ગયું છે દામિની જલ્દી સંકોચ વગર બધું....”

“પણ સાહેબ..... હું અગિયાર વાગ્યે જઈ શકું? મારી મમ્મીની તબિયત સારી નથી.” ગભરાતા ગભરાતા દામિનીએ પૂછ્યું.

માધવ શેઠના ચહેરા ઉપર ગુસ્સો તરી આવ્યો...... “આપણે આખી રાતની વાત થઈ હતી....” કોટ ઉતારતા એ બોલ્યા.

દામિની વિચારતી રહી આ માણસની અંદર કાઈ શરમ જેવું છે? એના માટે જાણે હું એની પત્ની હોવ એમ વાત કરે છે આ.....

“હા...હા... મને શરમ નથી....”

દામિની થડકી ગઈ.. મારા મનની વાત એને કઈ રીતે ખબર....

“મારું કામ આ છે દામિની..... આજ સુધી સોળ હજાર આવા કિસ્સા બની ગયા મારી સાથે....” માધવ શેઠે હસીને કહ્યું.

દામિની નફરતથી એ માણસને જોઈ રહી.

માધવ શેઠે તરત વાત બદલી કેક કાપવાનું શરુ કર્યું. કેકનો એક ટુકડો કાપી દામિનીને ખવડાવી.... પૈસા ખાતર એણીએ એ ખાઈ લીધું..... જન્મદિવસની સુભેચ્છા આપી એ ઉભી રહી....

“તમે એટલા મોટા બીઝનેસ મેન છો, તો આ રીતે એકલા કેમ જન્મદિવસ મનાવો છો??” દામીનીએ નવાઈથી પૂછ્યું.

“મારી પત્ની...... મારી પત્ની મારા દરેક જન્મદિવસ ઉપર ઝઘડો કરીને પિયર ચાલી જતી..... એ પછી હું મારી દીકરી સાથે જન્મદિવસ મનાવતો પણ ભક્તિ પણ એક કાર અકસ્માતમાં ગુજરી ગઈ......” કહેતા કહેતા માધવ શેઠની આંખો ભીની થઇ ગઈ... “આમ તો મારા જન્મદિવસ ઉપર હજારોની ભીડ હોય છે પણ મને એ ઢોંગી લોકો નથી ગમતા...”

દામિનીને સહાનુભુતિ થવાને બદલે વધારે નફરત થઇ.... આ માણસની પત્ની અને દીકરી મરી ગયા છે છતાં આ માણસ આવા કામ કરે છે?? આ ઉમરે?? ખેર ભલાઈનો જમાનો જ નથી ખુદ ભગવાન જ કોઈની મદદ નથી કરતા તો આ તો કહેવાતા મોટા માણસો છે..... શરમ રાખીશ તો પૈસા નહી મળે મારી મા ની દવા નહી થાય.... હ્રદય ઉપર પથ્થર મુકીને દામિનીએ દુપટ્ટો નીકાળ્યો..... માધવ શેઠ તરફ સરકી.....

“તને પચાસ હજાર આપવાનું નક્કી કર્યું હતું ને?”

એકાએક પૈસાની વાત સાંભળી દામિની ફરી થડકી ગઈ.....

“જી..... હા......”

“લે આ એક લાખનો ચેક.....” કહી કોટના ખિસ્સામાંથી ચેકબુક નીકાળી એક ચેકમાં રકમ ભરી સાઈન કરી દામિનીને આપ્યો.

રાજી થઈને દામિનીએ ચેક લીધો પણ એને થયું કે આ માણસ નક્કી મને બે દિવસ......

માધવ શેઠે દામિની તરફ નજર કરી અને કહ્યું, “તારે ઘેર જવું હતું ને?”

“હા તમે જલ્દી.....” દામિની પૂરું બોલી ન શકી.... “તો હું જઈ શકું....”

“ઓકે તું હવે જઈ શકે.....” માધવ શેઠે હસીને કહ્યું.

“તો આ બધું......” દામિની કઈ સમજી નહિ....

“આ માધવને તો લોકોએ એમ જ બદનામ કર્યો છે દામિની, મારું ચારિત્ર્ય એવું નથી..... હવે તું જઇ શકે.....”

દામિની વિચારોમાં ફંગોળાતી ઉભી રહી.....

બેડ ઉપરથી દુપટ્ટો ઉઠાવી માધવ શેઠે એના ગળા ફરતે ઓઢાડી દીધો..... “મારું કામ કપડા ઉતારવાનું નથી.....”કહી એ દામિનીને દરવાજા સુધી લઇ ગયા..... દામિની દરવાજા બહાર નીકળી ત્યાં એમણે દરવાજો બંધ કરી દીધો......

દામિની ઘડીભર એ બંધ દરવાજાને જોતી રહી..... થયું મેં મનમાં જે વિચાર્યું એ બદલ એકવાર માફી માંગી લઉં..... પણ એકાએક બીમાર મા યાદ આવતા એ સીડીઓ ઉતરવા લાગી..... સીડીઓ ઉતરતા એ વિચારવા લાગી માણસ તો બધા ખરાબ નથી હોતા, એટલી વાર માટે મને એક લાખ રૂપિયા આપ્યા એ પણ મને સ્પર્શ કર્યા વગર જ..... અને જે કૃષ્ણને હું દસ દસ વર્ષથી પૂજતી હતી એણે મને ક્યારેય કાઈ ન આપ્યું- સિવાય દુ:ખ...... કેટલો ફરક છે ઈશ્વર અને માણસ વચ્ચે બાકી નામ તો માધવ જ છે ને!!!!!

કાઉન્ટર પાસેથી નીકળતા એનું ધ્યાન ત્યાં પેલા માણસ ઉપર ગયું..... હું આવી ત્યારે આ માણસ ન હતો.... તો આ કોણ છે?? શું મોટી હોટલોમાં માણસો બદલાતા રહેતા હશે?? જે હોય તે હું એકવાર આને પૂછી લઉં કે આ માધવ શેઠ કેટલા વર્ષથી અહી જન્મદિવસ મનાવે છે.... ના ના મારે શું?? એ દરવાજા તરફ જવા લાગી પણ ફરી મનમાં થયું એકવાર પૂછી લેવામાં શું જાય?? અનાયાસે જ એના પગ એને કાઉન્ટર પાસે ખેંચી ગયા.....

“હેલ્લો મે’મ, હાઉ કેન આઈ હેલ્પ યુ....??” એણે પોતાની રોજની અદામાં હસીને એજ વાક્ય પૂછ્યું.

“આ ચોથા માળે જે માધવ શેઠ છે, રૂમ નંબર ૧૦૮, એ કેટલા વર્ષથી અહી આવે છે....??”

“આમ તો માહિતી આપી ન શકાય મે’મ, પણ જ્યાં સુધી હું જાણું છું દર વર્ષે માધવ શેઠ સ્પીચ આપવા માટે અહી ઇવેન્ટ ગોઠવે છે.”

દામિની જાણતી હતી કે સ્પીચ તો એક બહાનું હતું ખરેખર તો માધવ શેઠ પોતાનો જન્મદિવસ એકલા મનાવવા માટે જ અહી આવે છે.

“થેંક્યું....” કહી એ ચાલવા લાગી....

અચાનક રીસીપ્નીસ્ટ ચોક્યો..... “એસ્ક્યુઝ મી..... મે’મ....”

દામિની પાછળ ફરી.... “જી.....”

“તમે કયો માળ કહ્યો??”

“ચોથો માળ, રૂમ નંબર ૧૦૮....”

“મેડમ સોરી બટ...... આર યુ ડ્રંક.....”

“ના સાહેબ હું નથી પીતી..... કેમ શું થયું????” નવાઈથી દામિનીએ પૂછ્યું...

“હોટેલમાં ચોથો માળ જ નથી..... અને અહી રૂમની સીરીઝ ૫૦૦૧ થી ચાલુ થાય છે....”

રીસીપ્નીસ્ટનું એ વાક્ય દામિનીના મનમાં ઘૂમરી લેવા લાગ્યું....

“અરે પણ..... હું.... હું હમણાં જ માધવ શેઠને મળીને આવું છું..... મારા આ પગથી જ મેં ચાર માળની સીડીઓ ઉતરી છે કેમ કે લીફ્ટમાં મને ચક્કર આવી જાય છે....”

“સોરી મારે કસ્ટમરને આવું કહેવું ન જોઈએ પણ મેડમ તમને ચડી ગઈ છે..... માધવ શેઠે આજે પણ દર વર્ષની જેમ બુકિંગ કરાવ્યું હતું પણ એમની તબિયત એકાએક બગડી એટલે એ આવી જ નથી શક્યા તો તમે એમને ક્યાંથી મળી શકો???”

દામિની એક પણ શબ્દ બોલ્યા વગર બહાર નીકળી ગઈ. ગાડીઓના હોર્ન અને લાઈટોથી જાણે એને ચક્કર આવવા લાગ્યા...... શબ્દો મનમાં ઘૂમરી લેવા લાગ્યા...... એમની તબિયત એકાએક બગડી એટલે એ આવી જ નથી શક્યા તો તમે એમને ક્યાંથી મળી શકો??? હોટેલમાં ચોથો માળ જ નથી..... અને અહી રૂમની સીરીઝ ૫૦૦૧ થી ચાલુ થાય છે.......

દામિનીએ રોડ ક્રોસ કર્યો ખાતરી કરવા હોટેલ તરફ જોયું અને એની આંખો પહોળી થઇ ગઈ...... હોટેલને માત્ર ત્રણ જ માળ હતા......!!!!!!

ફરી શબ્દો મનમાં ઘૂમરી લેવા લાગ્યા........ આજ સુધી સોળ હજાર આવા કિસ્સા બની ગયા મારી સાથે...... મારું કામ કપડા ઉતારવાનું નથી....

ફરી દામિનીએ હોટેલ તરફ જોયું...... સાઈનીંગ બોર્ડમાં ‘હોટેલ વૃંદાવન...’ શબ્દો ચમકતા હતા...... નીચે વાંસળીનું સિમ્બોલ ચમકી રહ્યુ હતું..... આંખમાં આંસુ અને ચહેરા ઉપર અપાર ખુશી સાથે દામિની ચાલવા લાગી...... ઘરે જઈને સૌ પ્રથમ એ કૃષ્ણની મૂર્તિ શોધીશ...... હાથ કરી ટેક્સી રોકી બોલી, “જુહુ ચર્ચ.....”

ટેક્સી ડ્રાઈવરે ગાડી હંકારી....

“ભાવુ લોકર કરા.....” એ હાંફળી ફાંફળી થઈ બોલી.....

“માફ કરા બાઈ..... આજ કાના ચા જનમ આહે તો ઈકડે રસ રહેહી જા???? આજ કલ લોગ ધર્મકે બહાને સડકો પે ઉતરકે હમ જેસોકી પરેસાનીયા બઢાતે હે..... લડકે લડકિયા ક્રિષ્ન કે નામ પે લીલા કરતે હે.... બાકી મેમ સાબ.... માધવ તો બેચારા કહી નહી હે...!!!”

દામિની કઈ બોલ્યા વગર જ વિચારતી રહી..... એક વાક્ય ફરી યાદ આવ્યું.... આમ તો મારા જન્મદિવસ ઉપર હજારોની ભીડ હોય છે પણ મને એ ઢોંગી લોકો નથી ગમતા... .આ માધવને તો લોકોએ એમ જ બદનામ કર્યો છે........... દામિની ફરી હસી પડી..........

વિકી ત્રિવેદી