Second choice - 5 in Gujarati Love Stories by Mahemud H. books and stories PDF | સેકન્ડ ચોઇસ - 5

Featured Books
Categories
Share

સેકન્ડ ચોઇસ - 5

Gh
સેકન્ડ ચોઇસ (પ્રકરણ-5)

"ટાંણે મથે જ આંઉ ખબરધાર નતો રાં..
નેં  રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાં
મૂંકે જ આય મૂંજી એલર્જી, કૂરો ચાં?
રાંતો હિતે જ રાંતો,છતાં યાર,નતો રાં."


ફસડાઈ પડેલી પાયલનું માથું જમીન સાથે અથડાય એ પહેલાં રિયાને પોતાના હાથને આડશ બનાવી પાયલના માથાને બચાવી લીધું. થોડાં મોડા પડેલ રોહિતના ચહેરા પર  ભોંઠપ મિશ્રિત ચિંતા તરવરી ગઈ .

રિયાનની સ્વસ્થતામાં લગીરે ફરક નહોતો પડ્યો,' મને લાગે છે કે બીપી લૉ થયું છે એને કારણે બેહોશ થઈ  છે.પાયલને નજીકની કોઈ હોસ્પિટલ લઈ જવી પડશે.' કહેતાં રિયાને એક હાથ ખીસ્સામાં નાખ્યો.. ગાડીની ચાવી કાઢી અને રોહિત તરફ ઉછાળી,' તું ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી ગેટની નજીક લેતો આવ.'

રોહિતને  રિયાને આપેલા તુંકારો નવાઈ ના પમાડી શક્યો.તેણે માથું ધુણાવ્યું,' મને ડ્રાઇવિંગ નથી ફાવતું.'

રોહિતના ચહેરા પર લાચારી જોઈને એક પણ શબ્દ બોલ્યાં વગર રિયાને બેભાન પાયલની પીઠ અને ઘુટણ નીચે હાથની પકડ બનાવી કોઈ ફુલ ઉપાડતો હોય એમ ઊંચકી લીધી.

પાયલને ઊંચકીને લઈ જતાં રિયાન પર રોહિતને એકાદ પળ માટે ઈર્ષ્યા સાથે ગુસ્સો ઝબકી ગયો. પણ સમયનો તકાજો જોતાં એ  ચૂપ રહ્યો.સાથોસાથ તેના મનમાં વિચારોનું ઘમાસાણ તોફાન ચાલી રહ્યું હતું...''પાયલ ,એક મજબૂત મનોબળ ધરાવતી છોકરી છે તો તેને આજે કેમ ભાંગી ગઈ? રિયાનને સ્પષ્ટ ના પાડી દેવાને બદલે આઘાત કેમ પામી ગઈ ? પાયલને સમજવામાં મેં ક્યાંક થાપ તો નથી ખાધી ને ? કે પછી બીજું કાંઈ..''

'Open the door.. Quick.' રિયાનના અવાજથી રોહિતના વિચારોને બ્રેક લાગી ગઈ.
કારની બેકસિટ પર પાયલને સુવડાવવા મથતાં રિયાનને રોહિતે મદદ કરી અને  પાયલનું માથું પોતાના ખોળામાં રાખી બેકસિટ પર જ બેસી ગયો. રિયાને પળનો પણ વિલંબ કર્યા વગર કાર શહેર તરફ ભગાવી.
                *********

'તમે મને કોઈ સવાલ કર્યા વગર અને મારા પપ્પાને જાણ કર્યા વગર બહાનું કાઢીને  ઑરિઍન્ટ રેસ્ટોરન્ટમાં ફટાફટ આવી જાવ .' 
રિયાનના મોબાઈલ પરનાં અવાજમાં નારણશેઠને તાકિદે બોલાવવા જેવી સુચના હતી પણ નારણશેઠને તો ન સમજાય એવા કંપનો મહેસૂસ થયાં.

નારણશેઠને કોઈ બહાનાબાજી કરવાની જરૂર ના પડી. 
જયશ્રીબેન અને રમાબેન કિચનમાં મા'રાજને સુચના આપવામાં વ્યસ્ત  હતાં. પુસ્તકોનાં શોખીન
રમણભાઈને તેની ગમતી જગ્યાએ એટલે કે પોતાની લાયબ્રેરીમાં બેસાડીને 'હમણાં આવું છું 'કહીને નારણશેઠ ઝડપથી નીકળી ગયા.

ઑરિઍન્ટ રેસ્ટોરન્ટ પાસે પોતાની કાર પાર્ક કરી પાયલ તથા રિયાનને શોધવા નજર ફેરવતા નારણશેઠને રેસ્ટોરન્ટની એકદમ સામેની સાઇડમાં દેખાતી એક નાનકડી હોસ્પિટલના ગેટ પાસે રમણની ગાડી દેખાણી અને ત્યાં ઊભેલા રિયાનને પણ જોયો. સાથે પાયલને ન જોતાં એક અદમ્ય ભયનું લખલખું નારણશેઠના શરીરમાંથી પસાર થઈ ગયું. લગભગ દોડતા જ રસ્તો ક્રોસ કરી રહેલા નારણશેઠને રિયાન, આંખોથી સધિયારો આપી રહેલો દેખાયો.
'આવો અંદર ..'રિયાને વક્તનો તકાજો જોઈને નારણશેઠને બોલવાનો મોકો આપ્યાં સિવાય સીધા ડૉકટર પાસે ઉભા રાખી દીધા. 

'શું થયું છે? મને કોઈ ફોડ પાડવાની મહેરબાની કરશો?'
ઊચાટભર્યા અવાજે નારણશેઠ પૃછા કરી રહ્યાં હતા.

જવાબમાં ડૉકટરે સામેના રૂમમાં સુતેલી પાયલ તરફ અંગૂલીનિર્દેશ કર્યો..,' Don't worry.. ચિંતા કરવા જેવું કશું છે જ નહીં . સુગર થોડું ઓછું બતાવે છે. અને બ્લડપ્રેશર ઘટી ગયું હતું.'

'પણ એકદમ આમ ઓચિંતા.. કેવી રીતે..?'રૂમમાં દાખલ થયેલો એક બાપ આજે દિકરીની  હાલત જોઈને વ્યાકુળ થઈ ઉઠ્યો હતો. કોઈ દુ:સ્વપ્ન જોઈ રહી હોય એમ પાયલની બંધ આંખોમાં કીકી હલનચલન કરી રહી હતી. બેહોશીની હાલતમાં પણ તેના ચહેરા પર દર્દની લકીર સ્પષ્ટ દેખાતી હતી.

'કદાચ કોઈ ઉપવાસ હોય , શારીરિક શ્રમ હોય, માનસિક આઘાત હોય અથવા પુરતો આરામ ન મળ્યો હોય ત્યારે બીપી લૉ થઈ શકે છે.પણ ચિંતાનું કોઈ કારણ નથી . પેશન્ટને ડેક્ષટ્રોસ આપસુ એટલે નોર્મલ થઈ જશે.'.. રિયાનનો ખભો થપથપાવી રજા લેતા ડૉકટરે હસતાં ઉમેર્યુ..,'આ યંગ મૅન અમારો ધંધાભાઈ છે.તમારે વધારે કાંઈ જાણવું હોય તો આમને પુછી લેજો.'

ટાપશી પુરાવતો હોય એમ રિયાન બોલ્યો ,' yes uncle, કોઈ મોટો ઈશ્યુ નથી .તમે નાહક  ખોટાં વિચાર ના કરો એટલાં માટે જ મે તમને હોસ્પિટલ ને બદલે રેસ્ટોરન્ટનું એડ્રેસ આપેલું.'

રિયાનની સ્વસ્થતા જોઈને નારણશેઠના કપાળ પરની સલવટ પણ થોડી ઓછી થઈ . થોડાં રિલેક્સ થતા એમણે રૂમમાં આજુબાજુ નજર દોડાવી.પાછળ ઉભેલા રોહિત તરફ તેમનું ધ્યાન ગયું. અજાણ્યા યુવકને આ રૂમમાં જોઈને નારણશેઠને થોડી તાજ્જુબી થઈ. રિયાન તરફ ફરી એમણે લાગલો જ પ્રશ્ન કર્યો.' આ કોણ છે ?'

રોહિતને નારણશેઠનું આવવાનું જચ્યું નહોતું એમાં હવે અણગમતી વાત આવી એટલે ટેવ પ્રમાણે કારણ વગર પોતાની ઉંધી હથેળીને દાઠી પર ઘસી નાખી.પોતાનો ઈન્ટ્રો રિયાન કેવી રીતે આપશે એ કલ્પનાથી ગભરામણ પણ થવા લાગી.
રિયાનને,આ ઘડી આવવાની છે એ ખબર હોવા છતાં થોડીવાર માટે અચકાઈ ગયો. પણ ફરીથી એના અવાજમાં ગજબની ઠંડક લાવ્યો.
'અંકલ, આ રોહિત છે..પાયલ અને રોહિત બન્ને......'

તીણી સાયરન વગાડતી એક એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ થઈ એટલે એ સાયરનના અવાજની સાથોસાથ નારણશેઠને રિયાનના બાકીના શબ્દો જાણે કાનમાં ખૂંચ્યા હોય એવું લાગતાં પોતાનાં હાથને કાન પર મુકી દીધાં.

                            ***********

'તને લાખ સમજાવ્યો પણ  આજ સુધી તું તારી અકડ છોડવા  માંગતો નથી.' પાયલ ગુસ્સાથી ફાટફાટ થઈ રહી હતી.

'મેં પણ તને લાખો વખત કહ્યું કે ઘરજમાઈ બનવામાં મારું સ્વાભિમાન ઘવાય છે અને આ વાત આપણાં મેરેજ પહેલા પણ કેટલી વખત તારી પાસે કરી ચૂક્યો હતો.'રોહિતને પોતાની વાણી પર ઘણોજ સંયમ રાખવો પડતો હતો.

'તો પછી ફક્ત પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો હોતને તો આજે આ મામુલી પ્રાઈવેટ ફર્મની કારકુની નોકરીમાંથી બચી ગયો હોત.' પાયલની જીભ હવે બરછી જેવી બની ચૂકી હતી.

'શો વાંધો છે આ નોકરીમાં? પગાર ઓછો પડે છે એ જ ને?
એ તો હમણાં પ્રમોશન મળી જશે.' રોહિતને સપનાની રંગોળી પુરવામાં હજી પણ પહેલાં જેવીજ મજા આવતી હતી. 

'તારી સારી નોકરી ને તારા પ્રમોશનના સપનાની રાહ  છેલ્લાં સાડા ચાર વર્ષથી જોઈ રહી છું અને એ રાહમાં જ હું બુઢ્ઢી થઈ જાઈશ.' પાયલના અવાજની તીક્ષ્ણતા રોહિતના જીસ્મને તારતાર કરી રહી હતી.

એક સમયની પ્રેમાળ પ્રેયસી આજે કર્કશા પત્નીની જમાતમાં વટલાઈ ચૂકી હતી.સાડા ચાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું.

સહેજ કડવાશ ઘૂંટેલાં શબ્દો રોહિતના મુખેથી પણ  નીકળી ગયાં,' એક સપનાની રાહ તો છેલ્લાં સાડા ચાર વર્ષથી હું પણ જોતો આવ્યો છું.'

ઝાળ લાગી ગઈ પાયલને. ગુસ્સો તો હતો એટલે સીધો ભડકો જ બની ગઈ..,' તારામાં મને એકને સંભાળી શકાય એટલી પણ તાકાત નથી અને તારે બાળક જોઈએ છે?

'યસ, મારે બાપ બનવું છે.નાના નાના કદમોથી દોડાદોડી કરી રહેલાં મારા બાળકને મારે પકડીને, ઊંચકીને ગળે લગાડવું છે.' કડવાશ ભૂલીને ભાવુક બનેલો રોહિત ફરી પાછો સપનાની દુનિયામાં ચક્કર લગાવવા લાગ્યો.

'તું કૅપૅબલ ના બની શક્તો હો તો આવા સપના જોવાનું રહેવા દે..' અને રોહિતના સપના પર સફેદો ફેરવતી ,કઠોર અવાજમાં પાયલે નિર્ણય જણાવ્યો,'મન મારીને હું એક જીવું છું એ કાફી છે.બાળક પેદા કરીને મારા એ બચ્ચાને હું અગવડો ભરી જીંદગી દેવા માંગતી નથી.'

'પાયલ ,...'ચીસ પાડી ઉઠ્યો હતો રોહિત. એ ચીસમાં બેબસીની સાથે એક આક્રંદ હતું તો સાથોસાથ પુરુષના અભિમાન ઘવાયાં બાદની છટપટાહટ પણ હતી.

રોહિતના નાના એવા મકાનની નજીક આવેલ એક ચા સ્ટોલ પર ગીત વાગી રહ્યું હતું...ગીતના શબ્દો પાયલને ઘણાં પોતીકા લાગ્યાં.

'કૈસી યે જીંદગી, કી સાંસો સે હમ ,ઉબે..
હાય, કી દિલ ડૂબા હમ ડૂબે.
ઈક દુખીયા બેચારી, ઈસ જીવન સે હારી
ઉસ પર યે ગમ કા અંધેરા...
રુલા કે ગયા સપના મેરા 
બૈઠી હૂં કબ હો સવેરા.'

ઘવાયેલો રિયાન ગીત સાંભળતી પાયલની આંખોમાં રહેલી ફરિયાદોને વાંચી છટપટી  રહ્યો હતો. ઘણાં મનોમંથનના અંતે રોહિતે એક નિર્ણય લીધો. પોતાના મોબાઈલ પર તેણે એક નંબર ડાયલ કર્યો,'હલ્લો રિયાન, તું ઇન્ડિયા ક્યારે આવવાનો છો ?'

પાયલની આંખો આશ્ચર્યથી પહોળી બની રોહિત તરફ જોઈ રહી હતી. ન જાણે કેમ પણ પાયલને આજે  રિયાન શું જવાબ આપે છે એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી.

 

(ક્રમશઃ)
********************************************
(શિર્ષક કચ્છી ગજલ પંક્તિના રચિયતા મદન કુમાર અંજારિયા......ઉર્ફે 'ખ્વાબ' છે.)
ભાવાર્થ...


ખરા સમયે જ હું સાવધાન નથી રહેતો.
અને હોઉં છું તો ય હોશિયાર નથી રહેતો.
મને મારી જ એલર્જી છે. લો, શું કહું?
રહું છું અહીં જ રહું છું ,છતાં યાર, નથી રહેતો.