second choice - 6 books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ચોઇસ (પાર્ટ -6)



સેકન્ડ ચોઇસ (પ્રકરણ-6)

મોબાઇલના પાવરફૂલ સ્પિકરમાંથી રિયાનનો ઘેરો અવાજ વધારે ઘુંટાયેલો સંભળાયો.
'હું અત્યારે ઇન્ડિયામાં છું કાલે જ આવ્યો....ઇન ફેક્ટ ,રાજકોટમાં જ  છું.'

પાયલને એક અજીબ શાંતિનો અહેસાસ થયો.

'રોહિત,બોલ શું હતું ?' રિયાન પાસે આજ પણ સીધી બાત નો બકવાસ શૈલી બરકરાર હતી.

' થેંક ગૉડ કે તું અહીંયા છો. હવે મારી વાત ફોનમાં કહું એનાં કરતા બેટર એ રહેશે કે તું મારા ઘરે આવી જા. અને જો અત્યારે આવી શકાય તો બૅસ્ટ.' રોહિત ઉત્તેજિત સ્વરે બોલી ગયો.

'ઑકે ,  હાફ ઍન અવરમાં તારા ઘરે આવું છું.' 
પોતાની જીજ્ઞાસા કેમ છુપાવવી એ રિયાન પાસેથી શીખવા જેવું હતું.

અને અડધાં કલાકમાં જ રિયાનની ગાડી રોહિતના ઘર પાસે હતી.
         ***********
પાયલ અને રોહિતે પોતપોતાની ભડાસને વારાફરતી રિયાન સમક્ષ ઉગ્ર સ્વરે  ઉલેચતાં ગયાં. રિયાન ઇજીચેરમાં બેસીને હડપચીને મુઠ્ઠી પર ટેકવીને મુંગો મુંગો સાંભળતો ગયો .

'હવે કઈક તો બોલ..મૂરત થઈને શું બેઠો છો?તને અહીંયા પૂજવા માટે નથી બોલાવ્યો.' પાયલનો પારો આજે ઉતરવાનું નામ નહોતો લેતો.

'હમ્મ...તમારા બન્નેની વાત...સોરી ફરિયાદ સાંભળીને મને તાજ્જુબી કેમ નથી થતી ! એના પર  વિચારી રહ્યો છું.' 

'એટલે ?' પાયલ અને રોહિત સાથે જ બોલી ઉઠ્યાં.

'સિમ્પલ વાત છે..રોહિત પ્રેમ ઉપરાંત પોતાના બાળક વિશેના સપનાં પુરા થાય એ દિશામાં વીચારી રહ્યો છે અને તે પાયલ, પ્રેમને અભેરાઈ પર ચડાવી ભૌતિક સુખ જે તે તારા પપ્પા પાસેથી ગુમાવ્યું છે એને ફરીથી પામવા માટે રોક્કળ ચાલું કરેલ છે.'એકદમ સ્વસ્થતા થી રિયાન બોલી ગયો.

'તો એમાં ખોટું શું છે? એક ગૃહણીને ભૌતિક સુખમાં દાંપત્યજીવનનું સુખ દેખાતું હોય તો એમાં એનો વાંક ગણવાનો ? પોતે કે પોતાનાં બાળકો માટે પૈસાને મહત્વ આપતી થઈ જાય તો એમાં ખોટું શું છે ?' સહેજ ઊંડો શ્વાસ લઈને પાયલે ઉમેર્યુ,' બાપની મિલ્કત છોડી રોહિતના કહેવાથી આ નાના ઘરમાં આવી ગઈ તો શુ રોહિતની કોઈ ફરજ નથી થતી કે મારા માટે થઈ પોતાના સ્વાભિમાનને લાંબી છુટ્ટી આપી દ્યે !'

રોહિતે તરત માથું ધુણાવ્યું,' ના , હું જે કમાઈ લાવું કે નામ કમાવું એ ફક્ત મારા બાવડાંના જોર પર જ. નારણશેઠની દયા પર નહીં.'

'જોયું રિયાન, આ માણસને પોતાના સીવાય બીજો કશો જ વીચાર કરતો નથી.'પાયલની પાંપણ પરથી અશ્રુઓ છલકાઈ  ગયાં.

' યૂ સિલી ગર્લ , રડવાનું બંધ કર .મેં તને પહેલાં જ કહ્યું હતું કે તું રોહિતને એટલો પ્રેમ નથી કરતી જેટલો એ તને પ્રેમ કરે છે. અને રોહિત પોતાના સિધ્ધાંત અને સ્વાભિમાનને વધારે ચાહતો હતો.મતલબ એ તને ચાહતો હોવા છતાં પોતાની ઇમેજને વધારે ચાહી રહ્યો હતો અને ચાહી રહ્યો છે. તમે એકબીજાના આકર્ષણના બોદા પાયા પર પ્રેમની ઇમારત ઉભી કરી દીધી..'  એકચિત્તે બન્નેને પોતાની વાત સાંભળતાં જોઇને રિયાને સહેજ ગળું ખંખેરીને વાત આગળ ચલાવી,'શારીરિક આકર્ષણ ઓગળવાનું શરું થાય ત્યારે અસલી માનસિક અવસ્થા સપાટી પર ઉભરે.વાર્યા ન વરે એ હાર્યા વરે આ કહેવત અમસ્તી જ નથી આવી. પૈસો સર્વસ્વ નથી પણ તમે પ્રાયોરિટી શેને આપો છો એના પર ઘણો આધાર રહે  છતાં પણ મોટાભાગના કિસ્સામાં સામાજીક જરૂરિયાતો વિકરાળ બની પ્રેમને ભરખી જતી જોવા મળે છે અને બાદમાં લગ્ન નામની સંસ્થા કાખઘોડી લઈને ચાલતી જોવા મળે.'

'હું પૈસાને પ્રાયોરિટી આપું છું. મારી ભૌતિક સુખની માંગણીમાં રોહિત ઊણો ઊતર્યો છે અને મારી પ્રાયોરિટીને કારણે મને એક કર્કશા પત્ની સમજે છે.'પાયલે તીખા અવાજે પોતાનો અભિપ્રાય જાહેર કરી આપ્યો.

રોહિત ભાંગી પડ્યો હોય એમ પોતાનુ માથું ખભા વચ્ચે ખૂંપાવીને બેસી ગયો હતો, ' પાયલ ,મને સતત એવું ફિલ થતું આવ્યું છે કે રિયાન સાથે તારી લાઈફ વધારે બહેતર હોત.પણ મારો પઝેસિવ નેચર મને આ વાત કબૂલ નહોતો કરવા દેતો.'

ચમકી ઉઠી હતી પાયલ.વાતાવરણમાં એક બોઝિલ સ્તબ્ધતા ફેલાઈ ગઈ. અમુક ક્ષણોના અંતરાલ બાદ પાયલે  સ્તબ્ધતાને ખંખેરી,'રિયાન, તે ત્યારે જ મને કહ્યું હતું કે એવી કોઈ વાત છે જે મને તારા પ્રેમને એક્સેપ્ટ કરતાં રોકી રહી છે...પણ  એ વાત ત્યારે મને નહોતી સમજાઈ એ હવે સમજાણી છે..રોહિતે મારી આસપાસ જાણ્યે અજાણ્યે એક વર્તુળ રચ્યું હતું,માલિકીનું વર્તુળ. એક સ્ત્રીને પોતાનાં પર આધિપત્ય ગમે કારણ કે એ એના ડીએનએમાં હોય એટલે મારામાં બળવો કરવાની કોઈ ગુંજાઈશ રહી નહોતી.'

એક ફિક્કા સ્મિત સાથે રિયાન બબડ્યો, 'મેં પહેલા જ કહ્યું હતું કે મારી વાતને સાચી સાબિત કરવામાં મને થોડો ટાઇમ લાગશે.પણ સાડા ચાર વર્ષ લાગશે એ ખબર નહોતી.' 

રોહિત રડમસ બની ગળગળા સ્વરે બોલ્યો,'પાયલ , એક વખત , ફક્ત એક વખત મને જાણ કરી દીધી હોત કે મારી પ્રીત તારા માટે એક બોજ છે તો તારી ખુશી માટે તારાં રસ્તામાંથી દૂર ચાલ્યો જાત.' 

' અરે...રિયાનને ફક્ત એક જ મુલાકાતમાં જે વાત સમજાઈ ગઈ એ વાત હું સમજી શક્તી હોવા છતાં સમજવા નહોતી માંગતી અને એ કશ્મકશમાં જ તે દિવસે મને ચક્કર આવી ગયેલ.' પાયલને જાણે કોઈ રહસ્ય ઉજાગર થયું હોય એમ ઉત્તેજિત થઈ રહી હતી.

'આપણી ડેસ્ટિનીમાં આ જ હશે. હું નિયતિના ચક્કરમાં પડતો નથી જે કાંઈ ચક્કર મારીને આવે છે એની બુનિયાદ તો આજના ડિસીઝન્સ હોય છે.'રિયાન ઠંડકથી બોલ્યો.

'તે આજ સુધી મેરેજ નથી કર્યા તો એમાં તારી ડેસ્ટિની અને તારા ડિસીઝનનું લૉજીક શું છે એ પણ સાબિત કર.' રોહિત કોઈ તાળો મેળવવા માંગતો હતો.

'ક્વાઇટ ઇઝી મૅન..!મને પાયલ ના મળી એટલે મારી લાઇફમાં બીજી કોઈ વ્યક્તિને સ્થાન આપ્યું જ નથી.' રિયાનનો ઘુંટાયેલ અને બરફ જેવો ઠંડો અવાજ નાના રુમમાં પડઘાઈ રહ્યો હતો.,' પણ જીદંગી સેકન્ડ ચોઇસ તો કોઈ ભાગ્યશાળીને જ આપે છે. અને આપણે એવા ભાગ્યશાળી પણ ક્યાં છીએ!'

'નહીં રિયાન ..,' પથ્થર જેવી અડગતા રોહિતના સ્વરમાં ભળી, 'હું હવે કમભાગીની જમાતમાં રહેવા માંગતો નથી..જે ભૂલ મારાથી થઈ ગઈ છે એને સુધારવાનો એક મોકો આપ . આજે બોલવા દે કે તું ખરેખર પાયલને લાયક હતો છતાં મેં મારો માલિકીભાવ છોડ્યો નહીં. પણ આજે કહું છું...તું પાયલનો હાથ પકડી લે કારણ કે આજથી હું પાયલનો હાથ છોડી રહ્યો છું.' 

પાયલે જોરથી એક ચીસ પાડી તેણે આંખો બંધ કરી નાખી અને કાનમાં તીણી સાયરન વાગતી હોય એવું લાગતાં  પોતાનાં બન્ને હાથને કાન પર મુકી દીધાં 

ક્રમશઃ