Second Choice - 7 books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ચોઇસ (પાર્ટ-7)

પાયલે જોરથી એક ચીસ પાડી તેણે આંખો બંધ કરી નાખી અને કાનમાં તીણી સાયરન વાગતી હોય એવું લાગતાં  પોતાનાં બન્ને હાથને કાન પર મુકી દીધાં.

'શું આ તમારો કોઈ ખાનદાની રોગ છે ?' સામે ઉભેલો રિયાન હસીને રમતિયાળ અંદાજમાં પુછી રહ્યોં હતો.

પાયલના ગળામાંથી કાંઈ અવાજ ના નીકળ્યો તેનું ગળું સૂકાઈ ગયું હતું. પાયલને કાંઈ સમજાયું નહી કે રિયાન શું કહેવા માંગે છે ! 

પાયલના ચકળવકળ થતાં મોટા ડોળા પરથી રિયાનને ખયાલ આવ્યો કે હજું પાયલ સમજી નથી. એટલે ચોખવટ કરી.
'એમ્બ્યુલન્સની તીણી સાયરન અંકલથી પણ સહન નથી થતી અને તમારાંથી પણ નથી થતી .જુઓને અંકલ પણ તમારી જેમ જ કાન પર હાથ રાખી ઉભા છે.'

પાયલ વિસ્ફારીત નેત્રોથી રિયાનની પાછળ કાન પર હાથ રાખીને ઉભેલા પોતાના પપ્પાને અને તેની બાજુમાં ઉભેલા રોહિતને જોઈ રહી..નારણશેઠનું ધ્યાન પણ ભાનમાં આવેલી પાયલ પર પડતા એકદમ રાજી થઈ ગયાં. 

'હવે તમે બન્ને બાપ દિકરી પોતપોતાના કાન પરથી હાથ હટાવી લ્યો..એમ્બ્યુલન્સની સાયરન બંધ થઈ ગઈ છે.' રિયાન હજી મજાકના મૂડમાં હતો પણ એક્ચ્યુઅલી પાયલના જલ્દી ભાનમાં આવી જવાને કારણે ખુશ વધારે હતો.

'ભગવાનનો આભારી છું મારી દિકરી ક્ષેમકુશળ છે બસ.' નારણશેઠની પાંપણો ઝીલમીલ થતી હતી.

પણ પાયલ હજી સ્વસ્થ નહોતી. તેના મગજમાં  વિચારોનું ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું હતું. એ પોતાનાં ઘરમાં નહોતી પણ કોઈ હોસ્પિટલના નાના એવા રુમમાં હતી.. તેને યાદ આવ્યું કે બે હેન્ડસમ હંક્સ રોહિત અને રિયાન તરફથી એક સાથે પ્રપોઝ થયું હતું અને ત્યાર બાદ તેને કશુંય યાદ ના આવ્યું...મતલબ મારાં બેભાન થયાં બાદ  જે કાંઈ અનૂભવાયું એ સપનું હતું ? મારી સાડા ચાર વર્ષની મેરેજ લાઇફ એ રિયાલિટી નહોંતી ? તો શું જીદંગીએ મને સેકન્ડ ચોઇસ આપી ?

' હા, તો યંગમૅન,'નારણશેઠ રોહિત તરફ ફર્યા.હવે એ એકદમ હળવા મૂડમાં આવી ગયા હતા ,'હું તારી ઓળખ પુછી રહ્યો હતો .'

રોહિતે ફરીથી  પહેલાં રિયાન તરફ અને બાદમાં પાયલ તરફ સુચક નજરે જોયું.

રિયાનને ગળું ખંખેરવાની જરુર પડી, 'અંકલ ,પાયલ અને રોહિત બન્ને..'

'અમે બન્ને એક જ કૉલેજમાં સ્ટડી કરીએ છીએ.' પાયલે બૅડ પરથી ઊભાં થઈને ત્વરાથી રિયાનની વાત કાપી નાખી અને રોહિતની આંખોમાં આંખ પરોવી ધીરેકથી પુછ્યું,' તું અહીંયા કેવી રીતે પહોંચ્યો?

રિયાન અને રોહિત બન્ને ક્ષણભર અચંબિત થઈ ગયા.
રોહિતને આવનારા ઘર્ષણયુક્ત લમ્હોથી કામચલાઉ રાહત મળી એવું લાગ્યું.

રિયાનને બાજી ગોઠવતાં  ક્યારેય વાર ના લાગે, ' પાયલ, તું તો ઊભાં ઊભાં જ સુવાનો પ્લાન કરતી હતી એટલે મને થયું કે તને કોઈ હોસ્પિટલના નાના રૂમમાં સુવડાવી દઉં ત્યાંજ લકીલી રોહિત ત્યાથી પસાર થયો અને તને આ રૂમ સુધી પહોચાડવા માટે મને મદદરૂપ થયો.'

એક સફેદ જુઠને રમુજી શબ્દોના વાઘા પહેરાવી રિયાને કલરફુલ વાતાવરણ રચી દીધું.
રોહિતે છુટકારાનો દમ લીધો.અનાયાસે એની ઉંધી હથેળી દાઢી પર ઘસાઈ ગઈ. 
પાયલની આંખમાં રિયાન માટે પ્રશંસા ઝળકતી હતી.

'અંકલ, તમે હવે નીકળો.હું પાયલને લઈને આવું છું. તમે જો બહું લૅટ કરશો તો મારા પેરૅન્ટ પાસે  તમારે ખોટાં ખુલાશા કરવા પડશે.' રિયાને ઘરના સભ્યોથી આ વાત છુપાવવાનો આડકતરો ઈશારો કરી દીધો.

નારણશેઠ આવતી વખતે ચિંતાતુર હતા પણ જતી વખતે ભાવી જમાઈની કાર્યદક્ષતા પર ખુશખુશાલ હતા.

'તમે મને કેમ અંકલને વાત ના કરવા દીધી..?' રિયાન પાછો તરત જ જાતને જવાબ વાળતો હોય એમ બબડ્યો,' કદાચ તમે અસ્વસ્થ છો અને આ હોસ્પિટલના માહોલમાં તમારૂં કન્ફેશન્સ વિચીત્ર લાગત.'

'યસ ,એક્ઝેક્ટલી ! 'રોહિત તો વાતથી પહેલેથી દૂર ભાગતો હોવાથી ખુશ હતો.'થોડો સમય લે અને મને પણ થોડો સમય આપ જેથી હું પણ તારા પપ્પા સમક્ષ નિર્ભય રીતે ઊભો રહી શકું.'

'સમય ?' પાયલે એક અટ્ટહાસ્ય કર્યું.
હોસ્પિટલના બૅડ પર બેસીને હસતી પાયલ , રોહિત અને રિયાનને  એકાદ ક્ષણ માટે પાગલ દેખાણી.

'હું કેટલો સમય ફેઇન્ટ રહી હતી ?' હસવાનું અટકાવી ઓચિંતો પૂછાયેલો પાયલનો પ્રશ્ન પણ બન્નેને અજાયબ લાગ્યો.

રિયાને રિસ્ટવૉચમાં નજર નાખી,' ચાલીશ થી પિસ્તાલીસ મિનિટ્સ.'

'તમને ખબર નથી પણ આ 45 મિનિટ્સની બેહોશીની આલમમાં હું 4.5 વર્ષની જીદંગી જીવી ગઈ છું.' પાયલના એક એક શબ્દો દર્દમાં ઝબોળાયેલા હતાં.

અચરજને કારણે સ્તબ્ધ બનેલા  બે યુવાનો પાયલના વાક્યોને સમજવાની કોશિષ કરી રહ્યા હતા.

' મારા દુ:સ્વપ્નમાં  સાડા ચાર વર્ષનું દાંપત્યજીવન તારી સાથે વીતાવી ચૂકી છું રોહિત.' પાયલે માથું ટટ્ટાર કર્યું,' આટલો સમય આપવા છતાં તારે હજું પણ સમય જોઈએ છે!'
 
હવે અચરજ કરતા ભય વધારે લાગવા લાગ્યો રોહિતને,'પ્લીઝ પાયલ, તું મને કાંઈક સમજાય એમ બોલ.'

અડગ નિર્ધારની ધાર પાયલના અવાજમાં આવી,' મારા સ્વપ્નમાં મારાં અંતરમનમાં છૂપાયેલા પણ મને અણગમતા એવાં નિર્ણયો હતાં. જેને જાગૃત અવસ્થામાં સ્વિકારતા હું ડરતી હતી.'

'સાફ સાફ બોલ' રોહિતનો અવાજ લગભગ ફાટી પડ્યો હતો.

'મારા સ્વપ્નમાં તું મને ખુશી નહોતો આપી શક્તો અને એ બદલ તું પણ ઘણોજ દુઃખી હતો..'પાયલ પોતાનાં નીચલા હોઠને દાંત વડે કરડી રહી , ' તારૂં સ્વાભિમાન મારાં જીવનનું ગ્રહણ બની ગયું હતું.'

રોહિતથી એક ડગલું પાછળ હટી જવાયું. પાયલ શું કહેવા માંગે છે એ સ્પષ્ટ થતાં જ રોહિત ઢીલો પડી ગયો.
આજે એક નવી જ પાયલ બન્ને તાદ્રશ્ય થઈ.

થોડીવાર ચૂપકીદી છવાઈ ગઈ. ભારેખમ વાતાવરણને આખરે રિયાને જ તોડ્યું,' પાયલ, તારા ફેસલાથી સૌથી વધારે ખુશી મને મળી રહી છે પણ તારે હજું ઉતાવળ ના કરવી જોઈએ.. સપનાંના આઘાતમાંથી બહાર આવી, થોડી નોર્મલ થઈ જા પછી તારો નિર્ણય લે.'

'હું નોર્મલ છું.હા સપનું મને ડરાવી ગયું પણ એનાથી મને જીદંગી માટે સેકન્ડ ચૉઇસ મળી છે.' પાયલ હવે પાછીપાની કરવા નહોતી ઇચ્છતી.

રૂમમાં હવે છત પર ફરતા પંખાના અવાજ સિવાય એકદમ શાંતિ છવાયેલી હતી.

' રિયાન, પાયલ બરાબર કહે છે.મને આનંદ થયો કે સપનાની વાત હેઠળ પણ પાયલે તેનો  નિર્ણય તો જણાવ્યો..' રોહિત હતાશ થયો હતો પણ તેના સ્વરમાં હવે સ્વસ્થતા ઝળકી રહી હતી.'પાયલ તારો કોઈ પણ નિર્ણય મારા સર આંખો પર છે.'

'મને સ્વાર્થી ગણીને પણ માફ કરજે..' પાયલ આગળ બોલવાનું પુરૂ કરે તે પહેલાં રિયાન વચમાં બોલી ઊઠ્યો..
'તો બીજું એક સપનું મારી સાથેનું પણ જોઈ લે..એટલે હું પણ તને કેટલો સુખી દુ:ખી રાખી શકું છું એનો આઇડીયો પણ તને આવી જાય.'

પાયલ અને રોહિત આ ગંભીર પરિસ્થિતિમાં પણ મલકી ઊઠ્યાં . રિયાને આપેલો તુંકારો પાયલને મલકવા માંટેનું બીજું સબળ કારણ પણ હતું.

'નહીં રિયાન, તારે તો પાયલ સાથે અસલી જીદંગી જીવી બતાવવાની છે.' રોહિતના ના ઇચ્છવા છતાં એક અજબ ધ્રુજારી તેના સ્વરમાં ભળી ગઈ, ' તારાથી વધારે હું પાયલને ચાહું છું એ વાત પર તો હું હજીય મક્કમ છું પણ પાયલને મારાથી વધારે સુખી તું જ રાખી શકીશ એ વાતનો પણ સ્વિકાર કરું છું.'

'વાહ ! ક્યાં ગયા પેલા ડૉક્ટર ? મારે એમને પુછવું છે આ હોસ્પિટલ રુમ છે કે કન્ફેશન્સ બોક્ષ? 'વાતાવરણને કેમ હળવું કરવું એ પણ રિયાન પાસેથી શીખવા જેવું હતું.

થોડીવાર પછીની મિનિટ્સમાં ત્રણેય હોસ્પિટલના ગૅટ પાસે કારમાં ગોઠવાઈ રહ્યાં હતાં.
'રિયાન, મને કોર્ટ , હોસ્પિટલ ચૉક પાસેના પાંચ રસ્તા પર ડ્રોપ કરી દે.' રોહિતે પાછળની સીટ પર ગોઠવાઈને સુચના આપી.

આગળ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠેલી પાયલ ચમકી, 'કેમ પાંચ રસ્તા ? તું ઘરે નથી આવતો ?'

'ના , હું એટલો બધો વિશાળ હ્રદયનો નથી કે તમારાં ગોળધાણા ખાવા માટે ઘરે આવું.' સહેજ સ્મિત ઉમેરીને રોહિત બોલ્યો,' પાંચ રસ્તેથી કોઈને કોઈ એક રસ્તે તો મને મારી મંઝિલ મળી જશે માટે તમે મારી કોઈ ફીકર કરતાં પણ નહીં.'

'એઝ યૂ વિશ માય ફ્રેન્ડ.' રિયાને કારને શહેર વચ્ચોવચ આવેલાં હોસ્પિટલચૉકના પાંચ રસ્તા તરફ મારી મુકી.

ચૉકમાં ગાડી ઊભી રહેતાં જ રોહિત ઝડપથી ઉતરી ગયો. 
રિયાન કે પાયલને બોલવાનો કોઈ મોકો આપ્યાં વગર એક સ્મિત સાથે 'બાય'બોલીને ભીડમાં ગાયબ થઈ ગયો.

પાયલ તરફ જોઈને રિયાને આંખ મીંચકારી,' હવે ઘરે જવું છે કે ન્યુ જર્શી જવાની તૈયારી માટે શોપિંગ કરશું ?'

થોડીવાર પહેલાં જે રિયાન બોલ્યો હતો એ જ ડાયલોગ પાયલે થોડો ફેરફાર કરી રિપિટ કર્યો,'એઝ યૂ વિશ માય.. હબ્બી..!' 

શરમને કારણે લાલ થઈ ગયાં ગયેલા પાયલના ગાલ પર રિયાને હળવી ટાપલી મારી,' ધેન , આઇ હેવ ઍન અનધર આઇડીયા. બટ..અહીંયા ભીડ ઘણી છે.' રિયાનની શરારત ભરેલી મુસ્કાન તરફ પાયલને પ્રેમ ઉમટી ગયો.

પાયલ રિયાનની થોડી નજીક સરી.'રિયાન , મને પ્રોમિસ આપ મને છોડીને ક્યાંય જાઈશ નહીં. મારે હવે તારી સાથે રહીને ખુશીઓનો ગુણાકાર કરતો રહેવો છે.' 

પાયલની કોમળ અને ગોરી હથેળીઓને પોતાના હાથની ગિરફ્તમાં લઈને  રિયાન પ્રોમિસ આપતો બોલ્યો.'યસ પાયલ, તારી ખુશી માટે મારું સર્વસ્વ હોમી નાખતા ખચકાઈશ નહીં. જ્યારે પણ....'

પાયલ રિયાનને આવું અશુભ બોલતો અટકાવવા માંગતી હતી પણ તેના હાથ રિયાનના હાથમાં જકડાયેલા હતાં એટલે પોતાના હોઠથી રિયાનના હોઠને એક તસતસતું ચુંબન આપી બંધ કરી દીધાં.

એ ચાર પાંચ ક્ષણોના ચુંબનમાં બેઉંને સુખની પરિભાષા સમજાઈ ગઈ . 
'અરે મેડમજી, લોકોનો તો ખયાલ કરો..'રિયાન ખીલી ઊઠ્યો હતો..'આ વીધીને તો ઘરે જઈને મોડીફાય કરશું.'

હસતાં હસતાં રિયાને ગાડીનું રૂખ ઘર તરફ કર્યુ.
શરમાયેલી પાયલે ક્ષોભ છુપાવવા કારનું મ્યુઝિક પ્લેયર ચાલું કરવામાં ધ્યાન પરોવ્યું. પ્લેયર ચાલું થતાંજ
રફી સા'બ  અને લતાજીના મધુર અવાજથી કાર મઘમઘી 
ગઈ...
"કભી રાત દીન હમ દૂર થે, દિન રાત  કા અબ સાથ હૈ.
વોહ ભી ઈત્તેફાક કી બાત થી ,યે ભી ઈત્તેફાક કી બાત હૈ.

મુજે તુમને કૈસે બદલ દીયા, હૈરાં હૂ મેં ઈસ બાત પર.
મેરા દિલ ધડકતા હૈ આજકલ તેરી શૌખ નજરો સે પૂછકર
મેરી જાં કભી મેરે બસ મૈ થી, અબ જીદંગી તેરે હાથ હૈ."


સમાપ્ત...
********************************************