Dosti prem ane jindagi books and stories free download online pdf in Gujarati

દોસ્તી પ્રેમ અને જિંદગી

દોસ્તી પ્રેમ અને જિંદગી

@ વિકી ત્રિવેદી

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે!

- બેફામ

"તું આવવાનો છે કે નહિ એ ફાઇનલ બોલને ?" પાયલે ત્રીજી વાર પૂછ્યું, "આવવાનો હો તો વાત કર નહિતર હું ફોન મુકું છું રવિ."

તે કંઈક નારાજ થઈને બોલી. આખરે મારે કહેવું પડ્યું, "હું તો અમસ્તો જ તને હેરાન કરતો હતો પાયલ હું આવવાનો છું જ."

"ઓહ ધેટ્સ ગ્રેટ હું હમણાં જ કુમારને કહું છું." કહી એણીએ ફોન મૂકી દીધો. કુમારપાળને પાયલ લગન પછી કુમાર કહેતી. મારુ તો શી ખબર એ શું શું કહેતી. ક્યારેક રવિયો ક્યારેક રવું ક્યારેક આર.વી. ( રવિ વિરેન્દ્રભાઈ ) કહેતી.

મોબાઈલ ખિસ્સામાં મૂકીને હું ઉભો થયો. તૈયાર થયો. પણ મારું મન ના કહેતું હતું. કુમાર, કુમારની વાઈફ પાયલ અને હું તેમજ અમારા મિત્રો સંજય, કશ્યપ અને રમણ બધા સાથે જ કોલેજમાં ભણતા. પણ કુમાર સીધો હતો. એ અમારી જેમ ક્યારેય છોકરીઓને જોતો નહિ. એને ફિગર એટલે શું એ જ ખબર નહોતી ! ટૂંકમાં ભોળો કહીએ તોય ચાલે અને જેને ખરા અર્થમાં મર્દ કહીએ એવું વ્યક્તિત્વ એનું હતું. બાકી અમે બધા તો કેન્ટીનમાં વેફરના પડીકા ખાતા ખાતા છોકરીઓને જ જોતા પણ કુમાર પાયલને જ જોતો. એમાંય એ એની સ્માઈલ જ જોતો. કેન્ટીન સામે જ ગાર્ડન હતો. ગાર્ડનમાં પાયલ અને નિલું બંને બેસતી. નિલું ગરીબ ઘરની હતી ગામડેથી અપડાઉન કરતી, ટિફિન લઈ આવતી - પાયલ એને કંપની આપવા સાથે બેસતી. ઘણી છોકરીઓ આ ગામડિયણ નિલું સાથેની પાયલની દોસ્તી ઉપર હસતા. વોટ નોંસેન્સ આવી બ્યુટીફૂલ, મોડર્ન છોકરી આવી દેશી બાઈ જોડે આવી દોસ્તી રાખે ? લોલઝ. એનો ચોટલો તો જો યાર કેવી ત્રીજા ધોરણમાં ભણતી છોકરી જેવા વાળ રાખે છે.

આવી ઘણી કૉમેન્ટ્સ અમારા જેવી આવારા છોકરીઓ કરતી. નહિ બિલકુલ એવું નથી કે છોકરાઓ જ છોકરી ઉપર કોમેન્ટ કરે છે. ફાસ્ટ ફોરવર્ડ છોકરીઓ પણ ગામડેથી આવતી છોકરીઓ ઉપર ઘણી ન કરવા જેવી કૉમેન્ટ્સ કરતી હોય છે. પણ એ બધી સીધા માણસોને ખબર નથી હોતી. અમારા જેવા છોકરાઓ જ જાણે છે કે કોલેજમાં ફાસ્ટ છોકરાઓ અને છોકરીઓ કેવી વાતો કરતા હોય છે ગ્રુપમાં.

ખેર પણ કોઈ છોકરીની હિંમત નહોતી કે પાયલને મોઢા મોઢ ( ફેસ ટુ ફેસ ) નિલું વિશે કોઈ કોમેન્ટ કરી શકે. એ જેટલી મોડર્ન હતી તેટલી જ ઇમોશનલ હતી અને તેટલી જ ગુસ્સેલ હતી. રાધિકાને તો એકવાર કોલેજ વચ્ચે લાફો માર્યો હતો.

આ તો થઈ એના સ્વભાવની વાત પણ કુમારને બસ એ એટલે જ ગમી હતી. બાકી કુમાર રેન્કર હતો સારો દેખાવડો હતો અને કોલેજની ગર્લ્સને બીજું શું જોઈએ ? અમારા ગ્રુપની જ બે ત્રણ છોકરીઓ એના ઉપર ફિદા હતી. પણ કુમારને વાતે વાતે અંગ્રેજીમાં ગાળ બોલે એવી છોકરીઓથી સખત ચીડ હતી. છતાં દોસ્તી ખાતર એ ક્યારેક અમારી સાથે બેસતો. અને પછી તો અમારા ગ્રુપમાં પણ એ હોય ત્યાં સુધી મજાક લિમિટમાં જ થતી.

અને એટલે જ પાયલની મારી સાથેની દોસ્તી કુમારને પસંદ નહોતી. લગન પછી તો જરાય નહિ. મેં ઘણી વાર એ નોટ કર્યું હતું. અમારા કોલેજ ફ્રેન્ડ્સમાંથી રાજકોટમાં હવે ખાલી અમે ત્રણ જ હતા બાકી બધા કોઈ નોકરી ઉપર તો છોકરીઓ વળી ક્યાંક મેરેજ કરીને સાસરે ગઈ હતી. હું કુમાર અને પાયલ જ રહ્યા હતા. એમાંય પાયલ તો હવે કુમારની વાઈફ થઈ ગઈ હતી.

બસ એટલે પાયલ જ્યારે પણ કોઈ તહેવાર હોય, કોઈ પણ ઉત્સવ હોય તો મને કોલ કરીને બોલાવતી. અમારે કોલેજમાં સારી દોસ્તી હતી અને કુમાર તો મારો બેસ્ટ ફ્રેન્ડ હતો એટલે પાયલ આમ જુવો તો બે રીતે મારુ માન રાખતી. પણ કુમારને એ ખટકતું. એ ગમે ત્યારે મને માથામાં મારતી. અને એ જોઈને કુમારનો ચહેરો ઉતરી જતો. એ મને કહેતી, "ભુરિયા તું કુમાર જેવો સંસ્કારી હોય તો તને કોઈ પણ છોકરી મળી જાય એવો તારો ચહેરો છે.....!"

અને એ વાત ઉપર એકવાર કુમાર ઉભો થઈને ચાલ્યો ગયો હતો. હોટેલમાં પાયલના બર્થ ડેની પાર્ટી હતી એમાં જમતા જમતા પાયલ આવું બોલી હતી ને કુમાર ઉભો થઇ ગયો હતો. થોડીવારે એ આવ્યો ત્યારે પાયલે પૂછ્યું શુ થયું ? અને એણે કહ્યું હતું જમવામાં વાળ આવી ગયો.

"તો વેઈટરને બોલાવ હમણાં જ ધમકાવું...." પાયલ બોલી હતી.

"નહિ પાયલ જીવનમાં આવી અડચણ તો ડગલે ને પગલે આવે એમાં ઘણી તો કોઈને કહેવાતી પણ નથી તો આવી નાનકડી વાતમાં શુ કામ બિચારા પગારદાર માણસને હેરાન કરવો ?" કુમારે કહ્યું અને પાયલ કઈ સમજી નહિ.

"તું ગમે તે વાતમાં આટલું ઊંડું બોલે છે ને કુમાર મને તો કઈ સમજાતું જ નથી......" એ બોલી.

"ઉપર છલલું હોય તો લોકોને ખોટું લાગી જાય પાયલ એટલે વાક્ય હમેશા ઊંડાણવાળું બોલવું જેથી આપણો ગુસ્સો પણ ઉતરી જાય અને સામે વાળાને સમજાય નહિ એટલે ખોટું પણ ન લાગે. સબંધ ટકી રહે.....!"

એ પછી મેં જ વાત બદલી હતી. કેમ કે પાયલને સપનામાં પણ કલ્પના ન હતી કે કુમાર દુઃખી થયો છે. એને કશુંક નથી ગમતું. પણ હું કુમારને ઓળખતો હતો. એ આવી જ રીતે જ્યારે નારાજ થતો ત્યારે ઉભો થઈને ચાલ્યો જતો અને પછી આવી જ રીતે વાક્યના ઊંડાણમાં અર્થ જુદા હોય એવા વાક્યો બોલતો.

એ દિવસે પાયલને મૂકીને એ મને ઘરે છોડવા આવ્યો ત્યારે મેં એને રસ્તામાં પૂછ્યું હતું, "સાચું બોલ કુમાર શુ થયું હતું. અને હા વાળ આવ્યો જમવામાં એ વાત ખોટી છે એ મને ખબર છે."

"મારુ મન થઇ ગયું કે બસ થોડીવાર હું દૂર જતો રહું એટલે જતો રહ્યો." એ હસીને બોલ્યો હતો.

"કુમાર હું તારો દોસ્ત છું પ્લીઝ....."

"એટલે જ ચલાવી લઉં છું ને રવિ ?"

"મતલબ....." મને અંદેશો તો હતો જ પણ કુમારે ચલાવી લઉં છું શબ્દ વાપરીને મારો શક પાક્કો કર્યો હતો. અણસાર હોવા છતાં હું ચોકી ઉઠ્યો હતો.

"મતલબ હું બાઈક ચલાવી લઉ છું જો અત્યારે તને હેરાન નથી કર્યો મેં...." એણે વાક્ય ફેરવ્યું. અને ત્યાં જ મારું ઘર આવી ગયું હતું. હું ઉતર્યો અને મેં ગુડ નાઈટ કહ્યું. એણે પણ ગુડ નાઈટ કહ્યું. મેં સ્વીટ ડ્રિમ્સ કહ્યું અને એ બોલ્યો, "જોઈએ...." કહીને એ ચાલ્યો ગયો.

જોઈએ મતલબ શુ ? સ્વીટ ડ્રિમ્સ નહિ આવે એમ ? મતલબ એને કઈક ખૂંચે જ છે. ચોક્કસ એના શબ્દે શબ્દમાં દુઃખ વર્તાય છે રવિ તને દેખાતું નથી ? એને તું વર્ષોથી ઓળખે છે. અને એ પણ તારા લીધે દુઃખી થાય છે એ તું નથી જાણતો શુ ?

દરવાજો પકડીને હું વિચારે ચડ્યો હતો.

એ પછી આ વાત મારા મનમાં ઘૂમ્યા જ કરતી હતી. અને એક દિવસ હું કઈક કામથી કુમારની ઓફિસે ગયો. એ હાજર ન હતો. એની ઓફિસમાં મને બધા ઓળખતા એટલે હું એની ચેરમાં બેઠો. ખાસ્સી વાર થઈ પણ કુમાર આવ્યો નહિ એટલે મેં ટેબલનું ખાનું ખોલ્યું. કુમાર ક્યારેક સિગારેટ પીતો એટલે મને એમ કે ટેબલમાં હશે. પણ મને બીજું જ કંઈક ધ્યાનમાં આવ્યું. સિગારેટ સળગાવીને મેં પેકેટ ડ્રોઅરમાંથી ડાયરી ઉઠાવી. આખી ડાયરીના પાના ફેરવ્યા. અને અનાયાસ જ છેલ્લા બે ત્રણ પેજ ઉપર નજર ફેરવી.

ભગવાન તે મને ખુબ સારા સંસ્કારી મા બાપ આપ્યા. ભણવામાં સારું મગજ આપ્યું. નોકરી પણ જાણે ઘરની ઓફીસ હોય એવો બોસ આપ્યો છે. પત્ની જે જોઈતી હતી એ મળી છે. દોસ્તો પણ મારા માટે જીવ આપે એવા છે. તો પછી મારા આ બધા જ સુખ ઉપર પાણી ફેરવી નાખે એવું મન કેમ આપ્યું ? કેમ હું જરાય સહન નથી કરી શકતો જો કોઈ મારી અંગત ખુશીમાં ભાગ પડાવે ? લાખ કોશિશ કરીને પણ હું કેમ એવું નથી વિચારી શકતો કે એક હું જ આ દુનિયામાં સારો નથી બીજા ઘણાય છે ? કેમ હું મારા વિચાર નથી બદલી શકતો કે પત્નીને લગન પછી દોસ્તી ભૂલી જવી પડે ? તે બધું જ સુખ આપીને આ વિચાર આપ્યા એટલે મારા બધા જ સુખ ઉપર પાણી ફેરવી નાખ્યું ભગવાન. હું કોઈને નથી તો કઈ કહી શકતો નથી તો સહી શકતો.....!

દરવાજો ખખડતા જ મેં ડાયરી તરત મૂકી દીધી અને સિગારેટ ખંખેરી પીવા લાગયો. બહારની કેબિનમાં કુમાર આવ્યો હતો. એ અંદર આવ્યો ત્યાં સુધી મેં ડાયરી મૂકી દીધી હતી.

"ઓ હલો રવિ તું ક્યારે આવ્યો ? મને કોલ કરીને આવવું હતું ને બકા હું મિટિંગમાં ગયો હતો."

"નહિ ખાસ કામ નહોતું બસ અહીંથી જતો હતો એટલે આવી ચડ્યો...." મેં ઉભા થતા કહ્યું.

"બેસ ને ચા મંગાવીએ...." એણે કહ્યું.

"ના મારે હવે જવું પડશે પપ્પાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે યાર." મેં કહ્યું મારા બાઈકની ચાવી ઉઠાવી, "અને હા તારી એક સિગારેટ મે પીધી છે."

એકાએક જ કુમારનો અવાજ બદલ્યો, "આ શું બોલે છે રવિ ? તારું મારું ક્યારથી થઈ ગયું ? મારી સિગારેટ ?" તે નવાઈથી બોલ્યો કેમ કે એના ખિસ્સામાંથી મેં બે ના સિક્કા પણ ઘણી વાર પાણીનું પાઉચ લેવા માટે લઈ લીધા હતા. મારા મોઢે આ શબ્દો એને નવાઈ જ પમાડે એમાં બે મત ન હતો.

"તારું મારુ રાખવું પડે દોસ્ત નહિતર ક્યારેક ગૂંગળાઈ મરવું પડે...." મારાથી બોલાઈ ગયું.

"તું શું બોલે છે રવિ ? તને આવું બોલતા ક્યાંથી આવડ્યું ?" તેને વધુને વધુ નવાઈ થતી હતી.

"મારા કહેવાનો મતલબ કુમાર જો તારી સિગારેટ પીને પછી એ ખોખામાં મારી સિગારેટ મૂકી દઉં તો તને એ ખાંસી કરે. હું સ્ટ્રોંગ સિગારેટ લઉં છું તું લાઈટ પીવે છે."

"પણ બોક્સમાં સિગારેટ મુકવાની શી જરૂર યાર તું શું બકવાસ કરે છે આજે તું પી ને તો નથી આવ્યો ને ?"

"અરે આજે તારી ખેંચવા આવ્યો હતો યાર એટલે જસ્ટ આમ મજક કરી....."

"ઓહ ગોડ રવિ યુ આર ક્રેજી ભાઈ....."

"બચપણથી....." કહીને હું નીકળ્યો.

બાઈક સ્ટાર્ટ કરીને હુ ઘર તરફ ગયો. સાલો કઈ માટીનો માણસ છે આ કુમાર ? ગ્રેટ મેન. સિમ્પલી એવસમ હ્યુમન. મારા મનમાંથી દિલમાંથી એક જ અવાજ ઉઠતો હતો. આટલું કોઈ અંદરો અંદર ગૂંગળાઈ મરે ખરા ? અરે પેલો શનિ સાલો ગર્લફ્રેન્ડ માટે અમારા બધાથી ઝઘડીને દોસ્તી તોડીને જતો રહ્યો હતો. ને આ એની પત્ની ને કે એના બેસ્ટ ફ્રેન્ડ ને એક શબ્દ કહી નથી શકતો ? ગજબ માણસ છે.

બસ ત્યારથી મેં પાયલ સાથે બોલવાનું ઓછું કરી દીધું હતું. પણ સાવ બંધ તો કેમ કરવું ? એવું કરું તો ખુદ કુમાર જ સવાલ કરે. એટલે બહાના બનાવી લેતો.

પણ હવે હું એને વધારે દુઃખી ન કરી શકું. આજે કુમારનો જન્મદિવસ છે. હોટેલમાં અમે ત્રણ જમવા જવાના એવો પ્રોગ્રામ પાયલે ગોઠવ્યો. પણ મારે હવે આમ કુમાર જેવા દિલના રાજા માણસને જે પાયલને પાગલ જેમ ચાહે છે એને દુખી નથી કરવો. મેં નકકી કર્યું.

મેં કાગળ લીધો અને એક પત્ર લખ્યો.

ડિયર પાયલ,

તને એક અંગત વાત કહેવી છે પણ એમાં તું તારી હોશિયારી ન બતાવતી. સૌથી પહેલા તો એ કહું કે કુમારે એક પણ છોકરી સામે નથી જોયું કદી. આવી વિચિત્ર વાત તને શું કામ કહું છું એ નવાઈ થશે પણ સમજાવું છું. હવે તારે એને થોડીવાર કુમાર તરીકે નહિ પતિ તરીકે એક પુરુષ તરીકે જોવાનો છે. વેલ જે પુરુષ કોઈ પરાઈ સ્ત્રી સાથે દોસ્તી નથી રાખતો નજર નથી નાખતો અને ફક્ત પોતાની પત્નીને ચાહે છે એ પણ એવું જ ઇચ્છતો હોય કે મારી પત્ની પણ મારા જેવી જ હોય. બસ મને જ બધુ આપે, મસ્તી કરવી હોય તો દોસ્ત પણ હું, પતિ પણ હું, રડવું હોય તો પિતા પણ હું અને રમવું હોય તો બાળક પણ હું. એ બધું જ એક જ સંબંધમાં નિભાવે છે અને એ ચાહે છે કે મારી પત્ની પણ એવી જ બને. એવી જ હોય.

એમાં ખોટું શું છે યાર ? જેના માટે તું સર્વસ્વ હોય એ પણ તારા માટે સર્વસ્વ હોવો જ જોઈએ ને. ખેર તારી અને મારી દોસ્તી કુમાર માટે સળગતા તીર જેવી છે. એને નથી ગમતું કે તું મારી સાથે ફ્રેન્ક વાત કરે. તું મસ્તી કરે કે મારી સાથે માર પીટ સુધીની મસ્તી કરે. ના આવું મને કુમારે નથી કહ્યું પણ હું બધું સમજુ છું.

હવે તને એમ લાગશે કે હું તને દોસ્તી તોડવા કે પછી એક લિમિટમાં જીવવા કેમ કહું છું ? કુમારે આવું દબાણ કર્યું છે ? શું કુમારને કોઈ શંકા હશે ? આવા પ્રશ્નો તને થશે. અને પછી તને ગુસ્સો આવશે કે કુમાર રવિ જેવા સારા માણસ માટે આવું વિચારે ? અને તું મને સારો અને કુમારને ખરાબ માત્ર એક જ સેકન્ડમાં બનાવી દઈશ. અને એ જ તમારી સ્ત્રીઓની ભૂલ હોય છે. ખોટું ન લગાવતી પણ સાચું કહું તો તમે સ્ત્રીઓ સાચે જ મૂર્ખ હોવ છો તમારી બુદ્ધિ પગમાં જ હોય છે. રવિ જરાય સારો નથી. તને ખબર છે કુમાર કદાચ મારા ઉપર શંકા કરે ને તોય એમાં એનો દોષ નથી. પાયલ અમે કોલેજમાં બેસતા ને કેન્ટીનમાં ત્યારે કુમાર તને જોતો નિલું જોડે અને ત્યારે અમે ગાર્ડનમાં ફરતી કઈ છોકરી કેવી લાગે છે એની વાત કરતા. કોનું ફિગર સારું છે કોની કમર કેવી છે આ વાતો અમે કરતા. એમાં ક્યારેય કુમારે ભાગ નથી લીધો. પણ જરા વિચાર કે આવી વાતો કોલેજની બધી છોકરી માટે જે માણસ કરતો હોય એના ઉપર એટલે કે મારા ઉપર કોઈને વિશ્વાસ આવે ખરા ? અને છતાય કુમાર મારા ઉપર વિશ્વાસ કરે છે. તારા ઘરે ગમે ત્યારે આવવાની મને છૂટ છે. એને આપણા બંને ઉપર વિશ્વાસ છે જ એટલે એને વિશ્વાસ નથી એવી દરેક છોકરીઓ જેવી માનસિકતા લાવીને ખોટી રડતી નહિ. પણ આ સત્ય છે પાયલ કે એક પુરુષ જ જાણતો હોય કે બીજા પુરુષ કેટલા વાહિયાત છે. અને જ્યારે એ પુરુષ શુદ્ધ હોય ત્યારે એ પોતાની પત્ની પત્ની જ કેમ મા બહેન દીકરી પત્ની બધાને એક હદમાં રાખે છે. અમુક બંધનોમાં રાખે છે.

પણ પાયલ તું તો બેફામની ફેન છે તને તો એનો શે(અ)ર યાદ હશે. એ મુજબ સાચું ગુલાબ હાથમાં આવે તો પછી એકાદ કાંટા લાગવાથી શુ કામ રડવું જોઈએ માણસે ? કુમાર એ જ સાચું ગુલાબ છે.

વધારે મારી કશું કહેવાની જરૂર મને નથી લાગતી પાયલ તું સમજદાર છે. આ પત્ર વાંચીને સળગાવી દેજે કેમ કે કુમાર જો આ વાંચશે કે આ વિશે જાણશે તો અનર્થ થશે. હું આજે નહીં આવું. તું એને કહેજે કે રવિ બહાર ગયો છે એકાએક. અને આજે તું એને સૌથી મોટી બર્થ ડે ગિફ્ટ આપ જે બે વર્ષમાં તે ખરેખર લગન કરીને પણ નથી આપ્યું એ હવે આપ - આજે જ. કુમારને તારું સર્વસ્વ માનીને.

લી. રવિ

મેં પત્ર પરબીડીયામાં પેક કર્યો, બહાર ગયો અને ફાસ્ટ કુરિયરની ઓફિસે જઈને તરત જ કુરિયર કરવા કહ્યું.

સાંજે હોટેલ અનારીકાના સામેના ગાર્ડનમાં હું પહોંચ્યો. કુમાર અને પાયલ હાથ પકડીને બહાર આવતા હતા. આજ સુધી ક્યારેય મારી સામે એ આમ પાયલનો હાથ પકડીને ચાલી શક્યો નહોતો. એ શરમાળ હતો. મને આનંદ થયો એ દ્રશ્ય જોઈને. બંને બાઈક પાસે આવ્યા અને એકાએક જ કુમારે પાછળ જોયું. બંને વચ્ચે કઈક વાત થઈ અને બંને ચાલ્યા ગયા. પણ એમના વચ્ચે શુ વાત થઈ હશે એ મને કલ્પના હતી જ. એટલે જ હર્ષનાં આંસુ મારી આંખમાં પહેલી વાર આવ્યા.

મને અવાજ સંભળાતો ન હતો પણ પાયલે પૂછ્યું હશે, "શુ થયું કુમાર ?"

એણે કહ્યું હશે, "રવિ બિલ ચૂકવતા આટલી વાર કેમ લાગી ?"

કારણ કે દર વખતે અમે અનારીકામાં જ જતા, જમવાના બિલ હું ચૂકવતો અને ત્યાં મેનેજર છોકરી હતી એની જોડે થોડી ફ્લર્ટ કરીને જ બહાર આવતો એટલે કુમાર બાઈક પાસે મારી રાહ જોતો. મને ખાતરી હતી જ કે કુમારે મને આ વખતે એકલા જમતા જમતા ખૂબ યાદ કર્યો હશે. પણ ધીમે ધીમે એને આદત પડી જશે.

મેં જીવનમાં પહેલી વાર કોઈ સારું કામ કર્યાનો આનંદ થતો હતો અને હું બંને ખિસ્સામાં હાથ નાખીને અંધારી રાતમાં લાઈટમાં ચમકતા રાજકોટના રોડ ઉપર ચાલતો ઘર તરફ જવા લાગ્યો.....! પહેલીવાર મારી ચાલમાં રવિ ( સૂરજ ) જેવુ અભિમાન હતું..!

@ વિકી ત્રિવેદી