Aakrand ek abhishaap - 3 books and stories free download online pdf in Gujarati

આક્રંદ એક અભિશાપ 3

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-3

સેમિનારમાં જોયેલાં વીડિયો ની સચ્ચાઈ પર નૂર ને શક હોય છે. એની મામી ની દીકરી નૂર ની તબિયત વધુ બગડી છે એવું મામી જોડેથી જાણ્યાં પછી નૂર પોતાનો પ્રોજેકટ પૂરો કરવા સોનગઢ ઈન્ડિયા જવાનું નક્કી કરે છે પણ એની અમ્મી માનતી નથી.નૂર આદિલ ની મદદથી ઇન્ડિયા જવાનું પ્લાન કરે છે. આદિલ પોતાનાં ઝાડ ફૂંક વિધિ કરતાં એક મિત્ર હસન ને નૂર સાથે સોનગઢ જવાનું કહે છે..હવે વાંચો આગળ ની કહાની.

નૂર પોતાની અમ્મી ને પોતે ઇજિપ્ત પિરામિડ પર પોતાનો પ્રોજેકટ તૈયાર કરવા જવા માટેનું જણાવી એમની મંજૂરી મેળવવામાં સફળ થાય છે.આદિલ નૂર ની ઈન્ડિયા જવા માટે ની ફ્લાઈટ ટીકીટ બુક કરે છે.જે મુજબ એમની મુલાકાત નાં બે દિવસ પછી લેટ નાઈટ ની ફ્લાઈટમાં નૂર ઇન્ડીયા જવાની હોય છે.

આદિલ નૂર ને એરપોર્ટ સુધી ડ્રોપ કરવા જાય છે..અને એને જતાં જતાં પોતાનું ધ્યાન રાખવાનું કહી વિદાય આપે છે..નૂર પણ સામે આદિલ ને પોતે કામ પતાવી તુરંત પાછી આવવાનું વચન આપે છે.જેવી ફ્લાઈટ ઉપર જાય છે એવો જ આદિલ ઉપર આકાશ તરફ હાથ ફેલાવી ખુદાને અરજ કરીને કહે છે.

"યા અલ્લાહ,હવે નૂર ની હિફાઝત તમારાં હાથમાં છે..મને ખબર છે એને તારાં પર યકીન ઓછો છે પણ સમય એને તારી પર યકીન કરવા મજબુર કરી દેશે.બસ તું એની હંમેશા મદદ કરજે.."

નૂર ની ફલાઈટ સવારે વહેલાં ઈન્ડિયા લેન્ડ થઈ જાય છે..નૂર પોતાનું ટ્રાવેલિંગ બેગ લઈને એરપોર્ટ લોબીમાં આવીને ઉભી રહે છે જ્યાં એ જોવે છે એક વ્યક્તિ હાથમાં પોતાનાં નામનું બોર્ડ લઈને ઉભો હોય છે..આ વ્યક્તિ જરૂર આદિલે કહ્યું હતું એ સુલેમાન હશે જે પોતાનાં માટે કાર લઈને આવ્યો હશે એમ વિચારી નૂર એની તરફ આગળ વધે છે.

"સુલેમાન..?"એ વ્યક્તિ ની સમીપ જઈને નૂરે પૂછ્યું.

"હા જી સુલેમાન..અને આપ નૂર મેડમ.."સુલેમાને કહ્યું.

"હા મારું નામ જ નૂર છે.."નૂરે કહ્યું.

"મેડમ તો આ રહી ઈનોવા ની ચાવી અને ત્યાં રહી આપની સવારી.."ઈનોવા ની ચાવી નૂર ને આપતાં સુલેમાને કહ્યું.

"શુક્રિયા.."સુલેમાનનાં હાથમાંથી ચાવી લઈને નૂર બોલી.

ત્યારબાદ સુલેમાન નૂર ને ગાડી સુધી દોરી ગયો અને પછી નૂર ની રજા લઈને ત્યાંથી નીકળી ગયો..એનાં જતાં જ નૂરે ઈનોવા નો દરવાજો ખોલ્યો અને અંદર જઈને ડ્રાયવર સીટ માં સ્થાન ગ્રહણ કર્યું. એ પછી નૂરે પોતે સહી સલામત ઈન્ડિયા પહોંચી ગઈ અને એને કાર પણ મળી ગઈ છે એવો મેસેજ આદિલ ને કરી દીધો.

આદિલ ને મેસેજ કર્યાં પછી પોતાની અમ્મી ને પોતે ઇજિપ્ત પહોંચી ગઈ છે એવું કોલ કરીને જણાવી દે છે.ત્યારબાદ નૂરે ગૂગલ મેપ ખોલીને અહમદ નગર સર્ચ કર્યું અને પોતાની ઈનોવા કારને અહમદ નગર જતી સડક પર દોડાવી મુકી.

અહમદ નગર નૂર જે એરપોર્ટ પર ઉતરી એનાંથી કલાક જેટલું દૂર હતું એટલે નૂર શાંતિ થી ડ્રાઈવ કરી રહી હતી..આ સફર એની જીંદગી જોવાની દ્રષ્ટિ બદલી નાંખવાનો હતો એ વાત થી અજાણ નૂર અત્યારે અહમદ નગર ની હદમાં પ્રવેશી ચુકી હતી..!!

***

"ઓઝા હસન ઓમર નું ઘર ક્યાં છે..?" અહમદ નગર ની મધ્યમાં જઈને એક ઓટલા પર બેસેલાં વૃદ્ધ વ્યક્તિને નૂરે પૂછ્યું.

"હસન નાં ઘરે જવું છે..તો અહીંથી આગળ જતાં એક મસ્જિદ આવશે એનાંથી ડાબી તરફ એક રસ્તો પડે છે જે સીધો તમને એક લાલ રંગની ઈમારત જોડે લઈ જશે..બસ એ ઈમારત ને અડીને એક ભવ્ય મકાન હશે એ મકાન હસન ઓમર નું છે..પણ એક સલાહ આપું એનાંથી થોડું સાચવીને એ માણસ સારો નથી.."એ વૃદ્ધ વ્યક્તિ એ નૂર ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"શુક્રિયા"આટલું કહી નૂરે કારનો કાચ બંધ કર્યો અને એ વૃદ્ધે કહ્યું એ દિશામાં કારને પાછી હંકારી મુકી.

આ તરફ નૂર નાં જતાં જ એ વૃદ્ધ વ્યક્તિ પોતાની જ્ગ્યાએથી ઉભો થયો અને એક દુષ્ટ હાસ્ય કરી હવામાં જ વિલીન થઈ ગયો જાણે કે એ ફક્ત નૂર ની રાહ જોઈને જ ત્યાં બેઠો હતો.

નૂરે હસન ઓમર નાં ઘર ની બહાર આવીને પોતાની કાર પાર્ક કરી અને ઘર નો ગેટ ખોલી અંદર પ્રવેશ કર્યો.

"હેલ્લો.. મિસ નૂર.."નૂર નાં અંદર પ્રવેશતાં ની સાથે એની સમવયસ્ક યુવતી એ એને ઉદ્દેશીને કહ્યું.

"હા મારું નામ નૂર છે..પણ તમે કોણ..? અને તમે મને કઈ રીતે ઓળખો..?"નૂર ને એ યુવતી દ્વારા પોતાને નામથી બોલાવતાં આશ્ચર્ય ઉપજ્યું હતું.

"મારું નામ નતાશા છે..હું હસન ઓમર ની સ્ટુડન્ટ છું..મારું મૂળ વતન મોરક્કો છે પણ છેલ્લાં બે વર્ષ થી હું હસન સર ને આસીસ્ટ કરી રહી હું.હસન સર એક જરૂરી કામે બહાર ગયાં છે એ સાંજ પહેલાં આવી જશે. જતી વખતે એમને મને કહ્યું હતું કે નૂર કરી ને એક યુવતી આવશે તો તું એમની સારી રીતે સરભરા કરજે.."નૂર નાં બધાં સવાલો નાં જવાબ આપતાં નતાશા એ કહ્યું.

મોરક્કો ની એક યુવતી હસન ને આસીસ્ટ કરી રહી હતી અને પેલાં વૃદ્ધ વ્યક્તિ એ હસન વિશે જે કંઈપણ કહ્યું હતું એ વિચારી નૂર ને આ હસન નું કેરેકટર થોડું રહસ્યમયી લાગી રહ્યું હતું. નૂર હજુ વિચારમગ્ન હતી ત્યાં નતાશા એ કહ્યું.

"નૂર તું ફ્રેશ થઈ જા..લાંબી મુસાફરી બાદ થાક લાગ્યો હશે..એટલે તું શાવર લઈને રેડી થા.ત્યાં સુધી હું કંઈક જમવાની વ્યવસ્થા કરું.."નૂર ને પોતાનાં રૂમ માં આવેલા બાથરૂમ નો રસ્તો બતાવી નતાશા બોલી.

"Ok.."આટલું કહી નૂરે પોતાની ટ્રાવેલિંગ બેગ ઉપાડી અને નતાશા નાં બેડરૂમમાં પ્રવેશી.

નૂર ખરેખર થોડો થાક અનુભવી રહી હતી..ગરમ પાણી થી શાવર લીધાં બાદ એનો ઘણો ખરો થાક ઉતરી ગયો હતો.નૂરે પોતાનાં કપડાં પહેર્યા અને મુખ્ય હોલમાં પાછી આવી.નૂરે જોયું તો નતાશા કિચન માં કંઈક જમવાનું બનાવી રહી હતી એટલે એ પણ નતાશા ની મદદ કરવા કિચન તરફ આગળ વધી રહી હતી ત્યાં હોલ ની દીવાલો પર લાગેલાં પોસ્ટર જોઈ એનાં પગ અટકી ગયાં.

નૂરે નજીક જઈને એક પછી એક બધાં પોસ્ટર તરફ નજર કરી તો એને લાગ્યું કે આ ખાસ પ્રકારની આયાત છે જે ઉર્દુ માં લખાયેલી હતી એ સિવાય અમુક પોસ્ટર પર અરેબિક અને હિબ્રુ માં કંઈક રહસ્યમયી લખેલું હતું.નૂર એ બધું નિહાળીને જોતી જ હતી ત્યાં નતાશા એ નૂર ને જમવા માટે અવાજ લગાવ્યો.ત્યારબાદ નૂર અને નતાશા એ સાથે ભોજન લીધું.

બપોર નાં સમયે થોડી અહીંતહીં ની વાતો કર્યા બાદ નતાશા ટેલિવિઝન પર હિન્દી મુવી જોઈ રહી હતી..મોરક્કો ની વતની હોવા છતાં પણ નતાશા એ બે વર્ષ ની અંદર અહીંની દરેક વસ્તુ ને સહજતાથી અપનાવી લીધી હતી એ ખરેખર અદ્ભૂત હતું એવું નૂર ને લાગ્યું. નૂર ને ટેલિવિઝન જોવામાં કોઈ રસ નહોતો એટલે એ નતાશા ની રજા લઈ એનાં બેડરૂમમાં જઈને સુઈ ગઈ. થાક નાં લીધે નૂર ને થોડીવારમાં તો ઊંઘ આવી ગઈ.

***

બે કલાક પછી નૂર ની આંખ હજુ થોડી ખુલી જ હતી ત્યાં નતાશા કોઈ પુરુષ સાથે વાત કરી રહી હોવાનો અવાજ આવતાં જ નૂર બેડ પરથી ઉતરી હોલ ની તરફ અગ્રેસર થઈ. નૂર ની સાથે જે પુરુષ વાત કરી રહ્યો હતો એનો ચહેરો જોતાં જ નૂર ચમકી ઉઠી કેમકે એ વ્યક્તિ એજ હતો જેનો વીડિયો સેમિનાર માં પ્રોફેસર કેવિન ફોરમેને બતાવ્યો હતો.

નૂર નાં પગરવ નાં અવાજ થી હસન અને નતાશા નું ધ્યાન એ તરફ ગયું અને એમને પોતાની વાતચીત અટકાવી દીધી..હસને નૂર ને પગ થી માથા સુધી જોઈ અને કહ્યું.

"માશાઅલ્લાહ..આદિલ ભાઈજાન ની પસંદ ખરેખર જન્નત ની હૂર થી કમ નથી.."

"હસન ઓમર..તારીફ કરવા બદલ તમારો આભાર..પણ સાથે અન્ય વાત જણાવી દઉં કે તમે મને ભલે પ્રથમ વખત જોઈ હોય પણ મેં તમને જોયેલાં છે..એ પણ એક સ્ત્રી પર ઝાડ ફૂંક વિધિ કરતી વિધિ વખતે."હસન ની તરફ જોઈને નૂર બોલી.

"ક્યારે..અને ક્યાં..?"નૂર ની વાત સાંભળી હસન ને નવાઈ ઉપજી હતી.

હસન નાં જવાબમાં નૂરે પોતે સેમિનાર હોલમાં જોયેલાં વીડિયો વિશે ની સઘળી વાત કરી..નૂર ની વાત સાંભળી હસન બોલ્યો.

"હા,એ exorcism વિધિ મેં જ કરી હતી અને એ ઘટના આજ થી છ મહિના પહેલાં ની છે જે રાજસ્થાન બિકાનેર માં બની હતી.."

"અને ત્યારે હું પણ હસન સર જોડે હાજર હતી..એ વીડિયો મેં જ બનાવ્યો હતો.ખરેખર એ મહિલાની અંદર જે જીન હતો એ બહુ જિદ્દી હતો પણ હસન સરે પોતાની શક્તિ અને અનુભવ વડે એ જીન ને પીડિત મહિલાનું શરીર છોડવા મજબુર કરી દીધો."નતાશા એ કહ્યું.

"જો તમને ખોટું ના લાગે તો હું તમને એ exorcism વિશે થોડાં સવાલ કરી શકું..?"નૂરે હસન ની તરફ જોઈને પૂછ્યું.

"હા કેમ નહીં.ચાલો ત્યાં સોફા પર બેસીને વાત કરીએ..નતાશા તું ચા બનાવીને લેતી આવ.."હસન ઓમર બોલ્યો.

ત્યારબાદ હસન ઓમર અને નૂર જઈને સોફા પર બેઠાં એટલે હસને નૂર ને ઉદ્દેશીને કહ્યું.

"મોહતરમા ફરમાવો..તમારે શું પૂછવું હતું..?"

"મારો પહેલો સવાલ એ છે કે એ મહિલા ને હકીકતમાં શું થયું હતું..?"નૂરે કહ્યું.

"નતાશા એ કહ્યું તો ખરું કે એ ઔરત જીન નાં કબજામાં હતી..કોઈએ એની પર બ્લેક મેજીક કરેલું હતું..તો મેં એનામાંથી જીન ને નીકાળી એ મહિલા ને પહેલાંની જેમ ઠીક કરી દીધી.."નૂર નાં સવાલ નો જવાબ આપતાં હસન બોલ્યો.

"તો પછી એ મહિલા પર કાળું કપડું નાંખવાની શું જરૂર હતી..?"નૂરે બીજો સવાલ કર્યો.

"કેમકે જીન ફક્ત અંધારામાં જ કોઈકનું શરીર છોડી શકવા સક્ષમ હોય માટે મારે એ મહિલાને પૂર્ણ અંધકારમાં લાવવી પડી.. હજુ બીજો કોઈ સવાલ હોય તો પૂછી શકો છો મિસ નૂર.."નૂર નાં આમ એકપછી એક પુછાતાં સવાલો હસન ને નહોતાં ગમ્યા એવું એની વાત પરથી લાગતું હતું.

"આ ઘર ની દીવાલો પર ઠેર ઠેર ઉર્દુ માં કંઈક ચિત્ર વિચિત્ર પોસ્ટરો લાગેલાં છે એનું કારણ જાણી શકું..?"નૂર નાં સવાલો પૂર્ણ થવાનું નામ જ નહોતાં લઈ રહ્યાં.

"આ પોસ્ટર માં કુરાન ની આયાતો છે જે ઉર્દુ ની સાથે એરેબિક ની સાથે હિબ્રુમાં પણ છે..જીન કે અન્ય શૈતાની entity એવાં માધ્યમમાં રહે છે જે એમની ઈચ્છા વગર આપણે લગભગ જોઈ ના પણ શકીએ..હું રહ્યો એમનો દુશ્મન એટલે મારી હિફાઝત કરવા મેં આ આયાતો ને ઘર નાં દરેક ખૂણામાં લગાવી દીધી છે..હવે બીજું કંઈ બાકી રહી ગયું હોય તો એ પણ તમે પૂછી શકો છો.."હસન મૃદુતાથી બોલ્યો.

"તમે આ બધી જીન અને શૈતાન ની વાતો કરો છો એની પણ કોઈ જાહિલ ગમાર વિશ્વાસ કરી શકે..હું એક સાયકોલોજી ની સ્ટુડન્ટ હોવાની ખાતર તમારી આ વાત માનવા તૈયાર નથી.."નૂર પોતાનો મત રજુ કરતાં બોલી.

"નૂર હકીકતમાં એ બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે જેની ઉપર તમારું સાયન્સ માનવાનો ઇન્કાર કરી ચૂક્યું હોય.."ચા નાં કપ સાથે ટ્રે લઈને ત્યાં આવી પહોંચેલી નતાશા એ કહ્યું.

"નૂર..તું ખુદા માં તો માને છે ને કે પછી શૈતાન ની જેમ તું પણ એનાં અસ્તિત્વ નો સ્વીકાર નથી કરતી..?"હસને નૂરને વેધક સવાલ કરતાં કહ્યું.

"હું સાચું કહું તો મને ખુદા માં શ્રદ્ધા છે પણ તમારાં લોકોની માફક અંધશ્રદ્ધા નહીં..હું રોજ મસ્જિદમાં નથી જતી કે નથી રોજ નમાઝ પણ પઢતી.પણ મનમાં ખુદા ને રાખું છું. મારુ મન ખુદા ની પાક મસ્જિદ સમું છે."નૂર ની જોડે પણ પોતાનો જવાબ તૈયાર હતો.

"નૂર તે કુરાન વાંચ્યું હોય તો એમાં પણ મનુષ્ય ની ઉત્તપત્તિ જેમાંથી થઈ એ આદમ અને હવા ની કહાની માં પણ શૈતાન નો ઉલ્લેખ છે.."આટલું કહી હસને કુરાન-એ-શરીફ માં લખેલી આદમ અને હવા(ઈવ) ની કથા કહેવાનું શરૂ કર્યું.

"મનુષ્ય ની જ્યારે ઉત્તપત્તિ નહોતી થઈ ત્યારે ઈશ્વરે પોતાનાં પ્રતિબિંબ મુજબ આદમ અને આદમ ની જરૂરિયાત મુજબ હવા નું સર્જન કર્યું..એ બંને ખુદા નાં બગીચા ઈડન માં જ રહેતાં.જ્યાં ઈશ્વરે એમને ત્યાંની દરેક વસ્તુ વાપરવાની છૂટ આપી હતી.આદમ અને હવા નિઃવસ્ત્ર જ એકબીજા ની સાથે રાજીખુશીથી રહેતાં પણ એમની અંદર કોઈ વિકાર કે વાસના નો ભાવ નહોતો.ખુદા એ એમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે આ બાગ માં રહેલ વૃક્ષ પરથી સફરજન તોડીને ખાવાનું નથી."

"આદમ અને હવા કોઈ ફરિશ્તા ની માફક ઈડન માં જીવી રહ્યાં હતાં ત્યાં એક શૈતાન સર્પ નું રૂપ ધારણ કરીને આવ્યો અને હવા ને સફરજન તોડીને ખાવા માટે ભ્રમિત કરી..હવા ની વાત માની આદમે વૃક્ષ પરથી સફરજન તોડ્યું અને ખાઈ લીધું..આ સફરજન ખાધા પછી આદમ અને હવા એકબીજા સામે નગ્ન અવસ્થામાં ના આવી શક્યાં કેમકે એમની અંદર હવે શૈતાની વસ્તુઓ ઘર કરી ગઈ હતી.એ બંને એ પોતાની જાત ને અંજીરના પત્તાં થી ઢાંકી લીધી"

"આ વાત ની જ્યારે ખુદા ને જાણ થઈ ત્યારે પોતાની આજ્ઞા નું ઉલ્લંઘન કરવાની સજારૂપે ખુદા એ આદમ અને હવા ને ઈડન છોડીને પૃથ્વી લોક પર આવવાનો આદેશ આપી દીધો..આપણે બધાં એમની જ સંતાન છીએ..આપણી અંદર પણ નાના મોટાં પ્રમાણમાં લાલચ, લોભ, માયા, મોહ, વાસના, નફરત રૂપે શૈતાન મોજુદ જ છે પણ આપણી અંદર રહેલી સારપ એને ઉપર આવતાં અટકાવતી હોય છે."

"આ સિવાય કુરાન માં એમ પણ કહ્યું છે કે ફરિશ્તા, મનુષ્ય,શૈતાન અને જીન એમ ચાર પ્રજાતી નાં લોકો આ સંસારમાં રહે છે..હવે કુરાન જો આ બધી વાતો નું સમર્થન કરતી હોય તો તારે ને મારે તો આ બધું માનવું જ રહ્યું."

હસન ઓમર દ્વારા કહેવાયેલી વાત નૂર નાનપણમાં પણ સાંભળી ચુકી હતી..પણ હસન દ્વારા જે રીતે એ કહાની નું વર્ણન કરાયું હતું એ નૂર ને પસંદ આવ્યું હતું.

"સારું તો માન્યું કે શૈતાન કે જીન હોય છે પણ હવે એ કહો કે હવે સોનગઢ ક્યારે નીકળવાનું છે.."શૈતાન નાં અસ્તિત્વ ની વાતચીત પર પૂર્ણવિરામ મુકવાના આશયથી નૂર બોલી.

"હા આદિલ ભાઈ એ કહ્યું હતું કે ત્યાં તમારી મામા ની દીકરી રેશમા કંઈક ગંભીર સમસ્યા નો સામનો કરી રહી છે.."હસને જણાવ્યું.

"હા એની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે..માટે આપણે જેમ બને એમ જલ્દી ત્યાં પહોંચવું પડશે.."નૂરે કહ્યું.

"તો પછી આજે રાતે જ જમ્યા બાદ આપણે સોનગઢ માટે પ્રયાણ કરીશું..નતાશા પણ આપણી સાથે ત્યાં આવશે..એની મદદ ની મારે મારી exorcism વિધિ વખતે જરૂર પડશે."હસને કહ્યું.

"મને નતાશા આવે એનાંથી કોઈ વાંધો નથી.ઉપરથી મારે કોઈકની કંપની રહેશે.બાકી મને નથી લાગતું કે રેશમા પર કોઈ ઝાડ ફૂંક વિધિ કરવી પડે."નતાશા તરફ જોઈ સ્માઈલ સાથે નૂર બોલી.

રાત નું જમવાનું પૂર્ણ કર્યાં બાદ હસન,નતાશા અને નૂર કાર માં બેસી નીકળી પડ્યાં સોનગઢ ની સફરે..જ્યાં કોઈ એમની રાહ જોઈને આતુરતાથી ઉભું હતું..!!

એમને ત્યાંથી નીકળતી વખતે બે ચમકતી અંગારા જેવી આંખો એકધારી તાકી રહી હતી.

***

વધુ આવતાં અંકે.

નૂર પોતાનો પ્રોજેકટ પૂરો કરવા શું કરશે..?? નૂર નાં બેડરૂમમાંથી નીકળતાં ની સાથે ત્યાં ઘટિત ઘટનાઓનું રહસ્ય શું હતું..?? રેશમા ને બીમારી હતી કે પછી એની પર કોઈ રુહાની શક્તિનો કબજો હતો..?? હસન કેમ સોનગઢ જવા માંગતો હતો..?? નૂર કોઈ ખતરામાં તો નહોતી ને..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે.. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

~જતીન. આર. પટેલ (શિવાય)