Aakrand ek abhishaap - 4 books and stories free download online pdf in Gujarati

આક્રંદ એક અભિશાપ 4

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-4

પોતાનાં મામા ની દીકરી રેશમા ની તબિયત ખરાબ હતી અને પોતાનો પ્રોજેકટ પણ પૂરો કરવો હતો માટે નૂર આદિલ ની મદદથી ઇન્ડિયા જવાનું પ્લાન કરે છે. એરપોર્ટ થી નીકળી નૂર અહમદનગર જાય છે હસન ઓઝા ને મળવા..હસન નાં ઘર માં એક વિદેશી યુવતી હોય છે..હસન એ જ વ્યક્તિ હોય છે જેનો exoricsm નો વીડિયો નુરે સેમિનારમાં જોયો હતો..એ વિશે નૂર હસન ને ઘણાં સવાલો કરે છે..ત્યારબાદ એ લોકો સોનગઢ જવા માટે નીકળી પડે છે. હવે વાંચો આગળ ની કહાની.

નૂર,હસન ઓમર અને નતાશા નીકળી પડે છે સોનગઢ ની તરફ જવા માટે..હસન અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યો હોય છે અને નતાશા અને નૂર ઈનોવા ની મિડલ સીટ પર બેઠાં હોય છે. અહમદનગરથી સોનગઢ નો રસ્તો 400 કિલોમીટર જેટલો હોવાથી ત્યાં પહોંચતા છ થી સાત કલાક લાગી જશે એ જાણતી હોવાથી નૂરે સમય પસાર કરવાનાં ઉદ્દેશથી હસન ઓઝાને ઉદ્દેશીને કહે છે.

"હસન તમે કહ્યું કે જીન હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે અને એ ખરાબ હોય છે પણ મારી કલ્પના માં જે જીન છે એતો બહુ સારો અને નેક દિલ છે.."

"નૂર,મેં કહ્યું કે જીન અસ્તિત્વ ધરાવે છે પણ મેં એવું નથી કહ્યું કે બધાં જીન ખરાબ જ હોય છે..જીન સારાં પણ હોય અને ખરાબ પણ હોય.બીજી વાત કે તારાં વિચારો માં જે જીન છે એ ક્યાંક અલાદીન નો જીન તો નથી ને..?"હસને ગાડી ચલાવતાં ચલાવતાં જ નૂર ની વાત નો પ્રત્યુત્તર આપતાં કહ્યું.

"હા હું એજ જીની ની વાત કરી રહી છું જે નેક દિલ ની સાથે યારો નો યાર પણ હતો.."નૂર બોલી.

"નૂર તારે જીન વિશે ની વાતો જાણવી હોય તો હું તને દરેક એવી વસ્તુ જણાવીશ જે શાયદ તે સાંભળી નહીં હોય."આટલું કહી હસને જીન ની ઉત્તપત્તિ થી માંડી ને વિવિધ પ્રકારનાં જીન અને એમની સાથે જોડાયેલી વાતો કહેવાનું શરૂ કર્યું.

"અલ્લાહે પ્રકાશમાંથી ફરિશ્તા નું સર્જન કર્યું અને આગ માંથી જીન નું સર્જન કર્યું હોવાનું કુરાન માં કહેવાયું છે..મનુષ્ય ની જેમ અલગ અલગ ખાસિયત અને ગુણધર્મો છે એમ જીન ને પણ વિવિધ શ્રેણીમાં વહેંચવામાં આવ્યાં છે."

"તું જે અલાદીન નાં જીન ની વાત કરી રહી છે એ મરીદ પ્રકારનાં જીન ની શ્રેણી માં આવે..મરીદ બધાં જીન માં સૌથી વધુ શક્તિશાળી જીન હોવાનું કહેવાય છે એમને વશ કરવા માટે ઘણી સાધના કરવી પડે..આ જીન ખુલ્લા સમુદ્ર અને પાણી પર રહેતાં હોય છે."

"જીન નો બીજો પ્રકાર છે શયતાન..આ શબ્દ પરથી જ શૈતાન શબ્દ ઉતરી આવ્યો છે.શયતાન સીધી રીતે કોઈની પર હુમલો કરી હાની નથી પહોંચાડી શકતાં પણ આ પ્રકારનાં જીન તમારાં મગજ નાં વિચારો પર કાબુ કરે છે અને તમારી જોડે કંઈક ખોટું કે બીજાનું અહિત કરાવે છે."

હસન ઓઝા ની વાતોમાં હવે નૂર ને પણ રસ પડી રહ્યો હતો અને એ પણ ધ્યાનથી હસન ની જીન વિશેની વાતો સાંભળી રહી હતી.

"જીન માં સીલા પ્રકારની મહિલા જીન પણ અસ્તિત્વ ધરાવે છે જે દેખાવે બેહદ ખુબસુરત હોય છે અને સાથે બહુ ચતુર પણ..સીલા જીન મોટાભાગે મનુષ્ય જાતથી દુર જ રહેતી હોય છે.આ ઉપરાંત માણસ નું માંસ ખાતાં ધુલ અને મનુષ્ય રક્ત પીતાં વૈતાલ પ્રકારનાં જીન પણ હોય છે."

"આ બધામાં સૌથી વધુ રહસ્યમયી જીન છે ઇફરીત જેનો ઉલ્લેખ કુરાન માં પણ મોજુદ છે.ઇફરીત જીનમાં પણ મનુષ્ય ની માફક સ્ત્રી પુરુષ પરિવાર બનાવીને રહે છે.મોટાભાગે ઇફરીત જીન નું એક જ ધ્યેય હોય છે કે પોતાની વસ્તી કોઈપણ રીતે વધારવી એ માટે એ મનુષ્ય જોડે પણ સંબંધ બનાવતાં હોય છે..ઇફરીત ની ગર્ભાવસ્થા ફક્ત એક મહિના ની જ હોય છે.આ જીન નાં શરીર માં ઝેર બને છે જેને દર મહિને કોઈની અંદર દાખલ કરવું પડતું હોય છે નહીંતો ઇફરીત પોતે મૃત્યુ પામી શકે છે.ઇફરીત નાં હાથ પગ નાં નખ પણ રોજ કાપવા પડે એ હદે વધતાં હોય છે."

"જીન કોઈપણ પ્રાણી કે પક્ષી નું રૂપ ધારણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.એમાંપણ જીન સાપ નું રૂપ ધરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હોવાનું કહેવાય છે. જીન ને જો સાધી શકો તો એ તમને માલામાલ કરી શકે છે અને જો એની સાથે વિશ્વાસઘાત કરો તો તમારી પેઢીઓ સુધી એ તમારો પીછો નથી મુકતાં. જાણકારો નાં કહેવા મુજબ જેમ 786 ખુદા ની હાજરી નું પ્રતીક છે એમ જ 666 નંબર જીનની તમારી આસપાસ હોવાની નિશાની છે"જીન વિશેની અચરજ ભરી વાતો હસન ઓમરે જણાવી.

હસન ઓમર દ્વારા કહેવાયેલી વાતો સાંભળ્યા પછી નૂર ને પણ હસન ની પોતાનાં ક્ષેત્ર ની નાનામાં નાની માહિતી જાણતો હોવાની વાત પર માન ઉપજી રહ્યું હતું.

"આટલું બધું રહસ્યમય ધરાવતું પ્રાણી છે જીન એતો મને આજે જ ખબર પડી.બાકી મારાં માટે તો જીન એટલે અલાદીન ની જોડે રહેતો જીની જ હતો."નૂર બોલી.

હસન દ્વારા જીન વિશેની માહિતી અપાયાં બાદ નૂર અને નતાશા એકબીજા સાથે વાર્તાલાપમાં લાગી ગઈ અને હસને પોતાનું સંપૂર્ણ ધ્યાન ડ્રાઈવિંગ પર કેન્દ્રિત કર્યું.

***

અહમદનગર થી સોનગઢ વચ્ચે નું અંતર લગભગ અડધાં થી વધુ કપાઈ ગયું હતું..રાત એની ચરમ પર હતી સાથે કાર ની અધખુલ્લી બારીમાંથી ઠંડો પવન આવી રહ્યો હતો એની અસર રૂપે નતાશા અને નૂર ની આંખો લાગી હતી. હસન અત્યારે રસ્તા પર નજર ગડાઈને સાચવીને કાર ચલાવી રહ્યો હતો.

હસન ને પણ વચ્ચે વચ્ચે એક-બે બગાસાં આવી ગયાં હતાં..છતાંપણ એનું સંપૂર્ણ ધ્યાન ગાડી ચલાવવામાં જ હતો.અચાનક કાર ની બોનેટ જોડે કંઈક ધડાકાભેર અથડાયું હોવાનું જણાતાં હસને કાર ની બ્રેક દબાવી દીધું.

બ્રેક દબાવવાથી કાર નાં સ્ટેયરિંગ પર નો કાબુ થોડો સમય માટે હસને ગુમાવી દીધો પણ જેમ તેમ કરી એને કાર ને રસ્તા પર થી નીચે ઉતરવા ના દીધી. બોનેટ જોડે કંઈક અથડાવવાનો અવાજ અને કારમાં થયેલી હિલચાલ ને લીધે નૂર અને નતાશા પણ ઝબકીને જાગી ગયાં.

આંખ ખોલતાં ની સાથે એ બંને એ પહેલાં હસન ની તરફ અને પછી રસ્તા તરફ નજર કરી.

"શું થયું હસન..?કેમ કાર ની શોર્ટ બ્રેક મારવાની નોબત આવી.?"નૂરે હસન ની તરફ જોઈને પૂછ્યું.

"અરે મને એવું લાગ્યું કે કાર ની જોડે કંઈક અથડાયું એટલે મેં અનાયાસે જ બ્રેક પર પગ રાખી દીધો અને એમાં જ થોડો સ્ટેયરિંગ પર નો કાબુ ગુમાવી દીધો હતો."ચોખવટ કરતાં હસન બોલ્યો.

"આપણે નીચે ઉતરીને જોવું જોઈએ કે એ વસ્તુ શું હતી જે બોનેટ સાથે અથડાઈ..?"નૂરે કહ્યું.

નૂર ની વાત ને હસને સહમતિ આપી એટલે નૂર,હસન અને નતાશા એકપછી એક કારમાંથી નીચે ઉતર્યા અને કાર ની આગળની બાજુ એ આવ્યાં અને બોનેટ તરફ ધ્યાનથી જોવા લાગ્યાં.. બોનેટ પર કંઈક અથડાવાનું નિશાન તો જરૂર હતું પણ ત્યાં કોઈ એવી વસ્તુ ના મળી જેથી ખબર પડે કે હકીકતમાં બોનેટ સાથે શું અથડાયું હતું.

એ લોકો આ વિશે હજુ ચર્ચા જ કરી રહ્યાં હતાં ત્યાં નતાશા ની નજર એક અંગારા જેવી સળગતી રોશની પર પડી..શાયદ કોઈ એમને દૂર ઝાડીઓમાંથી જોઈ રહ્યું હતું એવો ભાસ નતાશા ને થયો.. નતાશા એ હસન ની તરફ જોઈ ઈશારામાં જ એ તરફ જોવા માટે કહ્યું.હસને એ તરફ જોયું એટલે એનાં ચહેરા પર નાં હાવભાવ બદલાઈ ગયાં.

"જલ્દી થી તમે બંને ગાડીમાં બેસો..આ જગ્યા વધુ સમય રોકાવા ઉચિત નથી.."નૂર અને નતાશા ની નજીક જઈને હસન દબાયેલી અવાજમાં બોલ્યો.

નતાશા હસને એવું કેમ કહ્યું એનું કારણ થોડું થોડું જાણી ગઈ હતી પણ હસન નાં એવું કહેવા પાછળ નો આશય નૂર ને સમજાયો નહીં એટલે એને હસન ને પૂછ્યું.

"પણ કેમ એવું તે શું થયું.. કેમ આ જગ્યા રોકાવા માટે ઉચિત નથી..?"

"મહેરબાની કરીને તું કાર માં બેસ..હું તારાં બધાં સવાલો નાં જવાબ કારમાં બેઠાં પછી આપું.."હસન ની વાતો માં ઉતાવળ હતી અને સાથે કંઈક અજબની બેચેની હતી એટલે વધારે પડતી જીભાજોડી કરવાને બદલે નૂર અને નતાશા કારમાં બેસી ગયાં.

એ બંને નાં કારમાં બેસતાંની સાથે હસને મનોમન કંઈક રટણ કર્યું અને એ પણ આવીને ડ્રાઈવર સીટ માં બેસી ગયો..કાર માં બેસતાં ની સાથે એને કાર નું એક્સીલેટર દબાવ્યું અને ઝડપથી કારને ત્યાંથી ભગાવી મૂકી.હસન નું આ વર્તન નૂર ને થોડું વિચિત્ર લાગી રહ્યું હતું.!!

***

લગભગ પંદર મિનિટ સુધી તો એ ત્રણેયમાં કોઈ કંઈપણ ના બોલ્યું..પણ હસન ને ખબર હતી કે નૂર નાં મગજમાં ચાલી રહેલાં સવાલોના જવાબ મેળવવા એ ગમે ત્યારે સવાલો પૂછશે જરૂર..અને બન્યું પણ એવું જ નૂરે હસન ને ઉદ્દેશીને થોડાં ઉંચા અવાજે પૂછ્યું.

"તો હસન હું જાણી શકું ત્યાંથી આમ ઉતાવળમાં નીકળી જવાનું કારણ..?"

"કારણ એટલું જ કે આપણે જ્યાં ઉભાં હતાં એ જીન ની વસાહત હતી..અને ગાડી જોડે જે કંઈપણ અદ્રશ્ય વસ્તુ અથડાઈ એ બીજું કંઈ નહીં પણ એક જીન હતો જે શાયદ ત્યારે કોઈ પશુ નાં રૂપમાં હશે.."નૂર નાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં હસન ઓમરે કહ્યું.

"હસન મેં પહેલાં પણ કીધું કે હું સાયકોલોજી ની સ્ટુડન્ટ છું અને આવી ભુત-પ્રેત,જીન-પિશાચ ની વાતો પર વિશ્વાસ નથી રાખતી..તે જે કંઈપણ મને જીન કે શૈતાન વિશે કહ્યું એ વાર્તા સમજી સાંભળવામાં સારું લાગે બાકી હકીકત ગણી એનો સ્વીકાર કરવો એ શક્ય નથી મારાં માટે.."નૂર એ હસન ની વાત નો મજાક ઉડાડતાં કહ્યું.

"નૂર એ બધી વાતો સાંભળી લીધી તો એકબીજી વાત પણ સાંભળી લે..એકવાર મોહમ્મદ રશુલ્લાહ પોતાની પત્ની સાથે ક્યાંક સફર કરી રહ્યાં હતાં ત્યારે પેશાબ કરવા માટે એ પોતાની પત્ની થી દુર ઝાડીઓમાં ગયાં.. થોડીવાર થઈ ત્યાં ઝાડીઓમાંથી ચિત્ર વિચિત્ર અવાજો આવવા લાગ્યાં એટલે એમની પત્ની ડરી ગયાં.. એમને થયું કોઈએ રશુલ્લાહ પર હુમલો કરી દીધો..અને એમાં રશુલ્લાહ ને કંઈક થઈ ગયું."

"પણ રશુલ્લાહ થોડીવારમાં ઝાડીઓમાંથી સહી સલામત બહાર આવ્યાં..એમને નજીક આવતાં ની સાથે એમની પત્ની એ પૂછ્યું કે ત્યાં ઝાડીઓમાં શું થયું હતું કેમ ચિત્ર વિચિત્ર ભેદી અવાજો ત્યાંથી આવી રહ્યાં હતાં.હું તો એ અવાજો સાંભળી ડરી ગઈ હતી..મને એમ કે તમને કંઈક થઈ ગયું તો નહીં હોય ને?"

"પત્ની ની વાત સાંભળી રશુલ્લાહે કહ્યું જ્યાં સુધી મારો ખુદા મારી સાથે છે ત્યાં સુધી મને શું થવાનું..? એતો ત્યાં કાફિર જીન અને મોમીન જીન લડતાં લડતાં આવ્યાં અને મને અરજ કરી એમની વાત નું સમાધાન કરવાનું કહેતાં હતાં."

"તો એમનાં પત્ની એ પૂછ્યું એમની એવી તે કઈ વાત હતી જેનું સમાધાન એ તમારી જોડે કરાવવા આવ્યાં હતાં..હું એ વાત જાણી શકું?"

"જવાબમાં રશુલ્લાહે કહ્યું..કે એ જીન પોતપોતાનાં રહેવાની જગ્યા નક્કી કરવા માટેનું મને કહેતાં હતાં.ખુદા એ એમને બનાવ્યાં પણ એમની રહેવાની જગ્યા તો નક્કી કરી જ નથી..તો એમની વાત નું સમાધાન કરવા મેં સારાં જીન હતાં મોમીન એમને પર્વતો ની ટોચ પર રહેવાનું કહ્યું જ્યારે તોફાની અને ખરાબ વૃત્તિ ધરાવતાં કાફિર જીન ને જંગલ, ગીચ ઝાડીઓ પર્વત ની તળેટી અને વિરાન ટાપુ પર રહેવા માટે કહ્યું તો એ લોકો મારી વાત સહજતાથી માની ને ત્યાંથી હસતાં હસતાં જતાં રહ્યાં.."

આટલું કહી હસન ચૂપ થઈ ગયો..પોતાનાં સવાલ નો આતો કોઈ જવાબ ના થયો એ વાત થી અકળાઈને નૂર થોડું ગુસ્સામાં બોલી.

"હસન ઓમર,આ તમે કહેલી વાત નો મારાં સવાલ સાથે કોઈ સંબંધ મને નથી લાગતો.."

"નૂર આપણે જ્યાં ઉભાં હતાં એ રસ્તો બે પર્વતો વચ્ચે હતો અને એની આજુબાજુ ગીચ ઝાડીઓ પણ હતી..મતલબ આ કાફિર જીનો ને રહેવા માટે ની ઉત્તમ જગ્યા છે.."હસન બોલ્યો.

"હા નૂર..મેં ત્યાં બે ચમકતી અંગારા જેવી આંખો જોઈ હતી..જે એકધારું આપણી સામે જોઈ રહી હતી એટલે મેં જ ઈશારામાં હસન સર ને એ દ્રશ્ય જોવા કહ્યું અને એટલે જ એમને ત્યાં વધુ સમય રોકાવું ઉચિત ના સમજ્યું અને આપણને ઝડપથી ગાડીમાં બેસવા માટે કહ્યું.."નતાશા એ હસન ની વાત નું સમર્થન કરતાં કહ્યું.

"તને ખબર ના હોય તો જણાવી દઉં કે ત્યાં જો વધુ સમય રોકાયા હોત તો શાયદ જીન નો મોટો સમૂહ આપણી પર હુમલો કરીને જીવતાં જીવ આપણને કાચા ને કાચા ખાઈ જાત..મને ખબર છે તું મારી વાત ને માનવાની તો નથી પણ આ હકીકત તને કહેવી જરૂરી હતી..બાકી તારી મરજી તું મારી વાત ને સાચી માને છે કે ખોટી.."

***

બોનેટ જોડે જીન ને અથડાવના સ્થળથી કાર હજુ ત્રીસેક કિલોમીટર જેટલું આગળ વધી હતી ત્યાં હસન નાં મોબાઈલમાં ગૂગલ મેપ કામ કરવાનું બંધ કરી દે છે એટલે હસને નતાશા ને સોનગઢ નો રુટ પોતાનાં મોબાઈલમાં ગૂગલ મેપ પર સર્ચ કરવાનું કહ્યું..નતાશા એ જેવો પોતાનો ફોન બહાર કાઢ્યો તો એની બેટરી ડિસ્ચાર્જ હોવાથી એનો ફોન ડેડ હતો.

ત્યારબાદ નૂરે પોતાનો ફોન ચેક કરી જોયો તો એનાં ફોનમાં અત્યારે નેટવર્ક જ નહોતું આવી રહ્યું..ત્રણેય નાં ફોન એકસાથે અલગ અલગ કારણથી અત્યારે આગળનો રસ્તો શોધવામાં અસમર્થ હતાં એ વાત ની હસન ને ખૂબ નવાઈ લાગી રહી હતી.એ સમજી ગયો હતો કે કોઈ એવું નથી ઇચ્છતું કે એ લોકો આગળ વધે.

હસને અંદાજે મનમાં વિચારેલાં રસ્તા મુજબ કારને દસેક કિલોમીટર જેટલી આગળ ચલાવે રાખી..હવે જો કોઈ જગ્યાએ બીજાં રસ્તા પડ્યાં તો પોતે સાચી દિશામાં આગળ નહીં વધી શકે એવું હસન ઓમર ને લાગતું હતું ત્યાં એને થોડેદુર પ્રકાશપુંજ દેખાયો..હસને મનોમન વિચાર્યું કે ચોક્કસ ત્યાં કોઈ દુકાન હશે જે અત્યારે પણ ખુલ્લી છે..તો ત્યાં જઈને ત્યાં બેસેલી કોઈ વ્યક્તિ ને સોનગઢ નો રસ્તો પૂછી લઉં.

પોતાનાં મન નાં વિચારો ને એક્શનમાં લાવીને હસને રોશની ની દિશામાં કાર ને હંકાવી મુકી.નતાશા અને નૂર પણ હસન એ તરફ કેમ ગયો એ સમજી ગયાં હતાં.

હસને ત્યાં જઈને કાર થોભાવી અને એ નીચે ઉતર્યો..નૂર અને નતાશા પણ એની પાછળ પાછળ નીચે ઉતર્યા..એ જગ્યા એક લોજ હતી જે રસ્તે આવતાં મુસાફરો માટે રાતે પણ ચાલુ રહેતી હતી એવું એ ત્રણેયે અનુમાન લગાવ્યું.

ત્યાં કોઈ વ્યક્તિ દેખાતું નહોતું જે વાત ની ઓમર, નૂર અને નતાશા ને નવાઈ લાગી રહી હતી..આચાનક લોજ ની અંદરના રૂમમાંથી આવેલાં અવાજે એ ત્રણેય નું ધ્યાન દોર્યું અને એ બધાં અવાજની દિશામાં આગળ વધ્યા..!!

***

વધુ આવતાં અંકે.

રેશમા ને બીમારી હતી કે પછી એની પર કોઈ રુહાની શક્તિનો કબજો હતો..?? હસન કેમ સોનગઢ જવા માંગતો હતો..?? નૂર કોઈ ખતરામાં તો નહોતી ને..?? સોનગઢ સુધી નો રસ્તો ત્યાં લોજ પર હાજર કોઈ વ્યક્તિ જણાવી શકશે..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે.. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

~જતીન. આર. પટેલ (શિવાય)