Aakrand ek abhishaap - 5 books and stories free download online pdf in Gujarati

આક્રંદ એક અભિશાપ 5

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-5

નૂર ની મામા ની દીકરી રેશમા ની તબિયત ખરાબ હોવાનું જાણ્યાં પછી નૂર પોતાનાં બોયફ્રેન્ડ આદિલ ની મદદથી ઈન્ડિયા પહોંચે છે.આદિલ નાં એક ઝાડફૂંક વિધિ કરતાં મિત્ર હસન નાં ઘરે જઈને નૂર પોતાનાં ઘણાં સવાલોના જવાબ મેળવે છે.ત્યારબાદ નૂર, હસન, અને હસન ની સ્ટુડન્ટ નતાશા સોનગઢ જવા માટે નીકળી પડે છે.રસ્તામાં એમની ગાડી નાં બોનેટ જોડે કંઈક અથડાય જે જે કોઈ જીન હતો એવું હસન કહે છે.એ લોકો સોનગઢ નો રસ્તો પૂછવા એક લોજ તરફ જાય છે.હવે વાંચો આગળ ની કહાની.

હસન લોજ ની અંદરનાં રૂમમાંથી આવતો અવાજ સાંભળી ધીરા ડગલે બહુ સાવચેતીથી એ તરફ આગળ વધી રહ્યો હતો. નૂર અને નતાશા પણ એની પાછળ-પાછળ ચાલી રહ્યાં હતાં. જેમ-જેમ એ આગળ વધી રહ્યાં હતાં એમ-એમ અંદરથી આવતો અવાજ વધુ સ્પષ્ટ થઈ રહ્યો હતો..અંદર ચાર કે પાંચ પુરુષો હોવાનું અવાજ પરથી સમજી શકાતું હતું.

હસન એ રૂમનાં દરવાજા સુધી ગયો અને અઘખુલ્લાં દરવાજાથી અંદર નજર કરી તો એને જોયું કે ત્યાં પાંચ લોકો બેઠાં હતાં જેમાં એક વ્યક્તિ સાઠ વર્ષની ઉંમરનો હતો, એક વ્યક્તિ ચાલીસેક વર્ષનો જ્યારે બાકીનાં વીસ થી ત્રીસ ની વચ્ચેની ઉંમરના..એ લોકો ટેલિવિઝન પર કંઈક જોઈ રહ્યાં હતાં..હસનને એક નજરમાં જ સમજાઈ ગયું કે એ લોકો કોઈ B ગ્રેડ ની અશ્લીલ ફિલ્મ જોઈ રહ્યાં હતાં. નૂર અને નતાશા પણ અંદર કોણ હતું એ જોવા આગળ વધી રહ્યાં હતાં પણ હસને હાથનાં ઈશારાથી એમને આગળ વધતાં રોકી દીધાં.

હસને એ લોકો જ્યાં બેઠાં હતાં એ રૂમનો દરવાજો હાથ વડે નોક કર્યો.બારણે થયેલો અવાજ સાંભળી અંદર હાજર પાંચેય જણા થોડાં ચમકી ગયાં.. એમાંથી પેલાં વૃદ્ધ વ્યક્તિ એ ટેલિવિઝન બંધ કર્યું અને ઉંચા અવાજે પૂછ્યું.

"કોણ છે ત્યાં...? અને કોનું કામ છે..?"

હસન ને લાગ્યું કે જો એવું કહીશ કે રસ્તો પૂછવા અહીં સુધી લાંબા થયા છીએ તો એ યોગ્ય નહીં રહે એટલે એને કહ્યું.

"ચાચા મુસાફર છીએ..લાંબી મુસાફરી થી થાકી ગયાં છીએ તો થોડો ચા-નાસ્તો કરવો હતો માટે આ લોજ ને ખુલ્લી જોઈ અને અહીં આવ્યાં.. મારી જોડે બે મોહતરમા પણ છે."

હસને એવું કેમ કહ્યું એ નૂર અને નતાશા સમજી ગયાં હતાં એટલે એ કંઈપણ ના બોલ્યાં.

"એ જુબેર..જઈને સાહેબ ને જે જરૂર હોય એ વસ્તુ આપી દે.."જોડે બેસેલાં એક પચ્ચીસેક વર્ષના નવયુવાન સામે જોઈ એ વૃદ્ધ વ્યક્તિ બોલ્યો.એની વાત સાંભળી જુબેર નામનો એ નવયુવક ઉભો થયો અને બારણું ખોલી બહાર આવ્યો.

જુબેરે આવીને હસન, નૂર અને નતાશા ની તરફ જોયું અને એમને એક ટેબલ પર બેસવા માટેનું કહી સ્ટવ ઓન કરી ચા બનાવવા મુકી.. ચા બનાવતાં બનાવતાં જુબેર હિમેશ રેશમિયા નું આશિક બનાયા ગીત ગુનગનાવી રહ્યો હતો.

"સાહેબ આ લો ગરમાગરમ ચાય અને નાસ્તામાં આજે જ બનાવેલી તાજી ફુલવડી.."જુબેરે ચા ની પ્યાલીઓ અને ફુલવડી ભરેલી પ્લેટ હસન, નૂર અને નતાશા જ્યાં બેઠાં હતાં એ ટેબલ પર લાવીને મુકતાં કહ્યું.

મસાલેદાર ચા અને ફુલવડી ની લિજ્જત માણ્યા બાદ હસન પોતાની જગ્યાએથી ઉભો થયો અને જુબેર ની જોડે જઈને બોલ્યો.

"ભાઈ ચા જોરદાર હતી..અને કેટલાં રૂપિયા થયા..?"

"૩૦ રૂપિયા ચા નાં ને ૪૫ રૂપિયા ફુલવડી નાં..કુલ ૭૫ રૂપિયા થયાં સાહેબ.."જુબેરે કહ્યું.

જુબેર ની વાત સાંભળી હસને પોતાનાં કુર્તા નાં ખિસ્સામાંથી ૧૦૦ ની નોટ કાઢી અને જુબેર ને આપી..જુબેર બાકીનાં પૈસા પાછાં આપવા જતો હતો પણ હસને એને એ પૈસા રાખવા કહ્યું. જુબેર માટે એ નાની રકમ પર ઘણી મોટી હતી એ એનાં ચહેરાની ચમક પરથી સાફ સમજી શકાતું હતું.

જુબેરે ખુશ થઈને હસનને પૂછ્યું.

"સાહેબ મારાં લાયક બીજું કોઈ કામ હોય તો જણાવો.."

"તારું નામ જુબેર છે ને..?"હસને જુબેર ની તરફ જોઈને પૂછ્યું.

"હા સાહેબ.."જુબેર ટૂંકમાં બોલ્યો.

"જુબેર અમારે સોનગઢ જવું છે..તો અહીંથી કયો રસ્તો પકડવાનો..?"હસને જુબેરને સવાલ કર્યો.

"સોનગઢ...."જુબેર કંઈક વિચારતો હતો.

જુબેર ને વિચારતો જોઈ હસન ને લાગ્યું કે એને સોનગઢ નો નામ સાંભળ્યું નથી લાગતું એટલે હસને કહ્યું.

"જુબેર સોનગઢ નો રસ્તો ખબર ના હોય તો તું રહમત ગામ નો રસ્તો તો જણાવી શકે..રહમત ગામ નું નામ તો તે સાંભળ્યું જ હશે.."

હસન ની વાત સાંભળતા જ જુબેર નાં ચહેરા નો ભાવ બદલાઈ ગયો..એનું શરીર ધ્રુજવા લાગ્યો.અને ચિલ્લાઈને બોલ્યો.

"તમે જે કોઈપણ હોય અહીંથી નીકળી જાઓ..લો આ તમારાં બાકીનાં પૈસા.."

જુબેર નું વર્તન અચાનક કેમ બદલાઈ ગયું એ હસન ને નહોતું સમજાઈ રહ્યું..નૂર અને નતાશા પણ જુબેર નાં ચિલ્લાવાનાં લીધે પોતાની જગ્યાએથી ઉભાં થઈ ગયાં હતાં.

"પણ જુબેર શું થયું..કેમ મેં કંઈ ખોટું તો નથી કહ્યું ને..રહમત ગામ નો રસ્તો પૂછ્યો એનાં સિવાય તો"આશ્ચર્ય સાથે હસને સવાલ કર્યો.

"મારે કંઈપણ નથી કહેવું..બસ બે હાથ જોડી કહું અહીંથી નીકળી જાઓ..નહીંતો તમારી ભૂંડી દશા આવશે અને સાથે-સાથે મારી પણ બદ થી બદતર હાલત થઈ જશે "જુબેર જાણે કોઈ અજાણ્યાં ડરથી એમને ચેતવી રહ્યો હતો.

"હસન મને લાગે છે આપણે અહીંથી નીકળી જવું જોઈએ..આનું મગજ ભમી ગયું લાગે છે.."નૂર હસનની નજીક જઈ હળવેકથી બોલી.

અહીંથી નીકળી જવામાં જ મજા છે એમ વિચારી હસન, નૂર અને નતાશા ત્યાંથી નીકળી કારમાં બેસી ગયાં અને હસને કારને પાછી મેઈન રોડ પર લાવી દીધી..મેઈન રોડ ઉપર આવતાં જ નતાશા ની નજર એક ઝાડ ની પાછળ વેલાઓ થી ઢંકાયેલા સાઈન બોર્ડ પર પડી..નતાશા એ હસન ને એ બોર્ડ બતાવ્યું.

હસન કારમાંથી નીચે ઉતર્યો અને વેલાંઓ દૂર કરી એ સાઈન બોર્ડ પર નું લખાણ વાંચ્યું તો ત્યાં તીર નું નિશાન મારી લખ્યું હતું સોનગઢ 157 km..તીર જે દિશા બતાવતું હતું એ તરફ હસને કાર ને પુરપાટ વેગે દોડાવી મુકી.

***

એ લોકો નાં ત્યાંથી નીકળતાં ની સાથે જુબેરે ત્યાં દીવાલ પર લટકાવેલી ઈમામ હુસૈન સાહેબ ની તસવીર તરફ જોઈને પોતાને બચાવી લેવાની દુવા માંગી અને ત્યાંથી નીકળી પોતે પહેલાં જે રૂમમાં બેસીને ટેલિવિઝન જોતો હતો એ તરફ આગળ વધ્યો..જુબેરે જઈને જોયું તો એ રૂમનો દરવાજો અંદરની તરફથી બંધ હતો.

"ચાચા હું જુબેર છું.દરવાજો ખોલો મારે અંદર આવવું છે.."

જુબેર ની વાતનાં જવાબમાં ના કોઈ બોલ્યું ના કોઈએ દરવાજો ખોલ્યો..એટલે જુબેરે ફરીથી બે-ત્રણ વખત પોતાની વાત નું પુનરાવર્તન કર્યું.આખરે અંદરથી જે કંઈપણ અવાજ મળ્યો એ સાંભળી જુબેર નો શ્વાસ ગળામાં જ અટકી ગયો.

"જુબેર, અમને માફ કરી દેજે પણ તારાં લીધે હું મારી અને મારાં અન્ય વફાદાર મુલાજીમો ની જીંદગી ની કુરબાની નથી આપવા માંગતો.."અંદરથી એ ચાચા નો અવાજ આવ્યો.એ ચાચા આ લોજ જેવી જગ્યાનાં માલિક હતાં અને જુબેર અને પેલાં ત્રણ લોકો એમનાં મુલાજીમ એટલે કે નોકર હતાં જે લોજમાં કામ કરતાં હતાં.

"ચાચા પણ એમાં મારો કોઈ વાંક નથી..એ લોકો એ મને રહમત ગામ નો રસ્તો પૂછ્યો હતો.."જુબેર આટલું બોલતાં લગભગ રડી ગયો હતો..એ સમજી ગયો હતો કે અજાણ્યાં મુસાફરો એ એને જે કંઈપણ પૂછ્યું એ ચાચા સાંભળી ગયાં હતાં..થોડી જ ક્ષણો માં જુબેર ને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યાં હતાં.

"બેટા, હવે તો તને કોઈ બચાવી નહીં શકે માટે તું અમારી સલામતી માટે પોતાની કુરબાની આપવા તૈયાર થઈ જા.."અંદરથી ચાચા ની મજબુરી ભર્યો અવાજ આવ્યો.

અચાનક એ ગેબી અવાજો ની ગતી માં વધારો થયો અને કોઈ અજાણી શક્તિ એ જુબેર ને પગથી ખેંચી નીચે પાડી દીધો.જુબેરે પાછાં વળીને જોયું તો એક આકૃતિ એની નજરે ચડી જેની આંખો ચમકી રહી હતી.જુબેર કંઈપણ પ્રતિકાર કરે એ પહેલાં તો એ આકૃતિ એને બળપૂર્વક ખેંચવા લાગી.

પોતાની સાથે હવે જે થવાનું હતું એની કલ્પના પણ જુબેર કરી શકે એમ નહોતો.આવનારી ભયાવહ ક્ષણો વિશે વિચારીને જુબેરે દિલ નાં પદડાં ધ્રુજાવી મુકતી ચીસોથી વાતાવરણ ને હલબલાવી મૂક્યું.થોડીવારમાં એ રહસ્યમયી આકૃતિ નો અવાજ અને જુબેર ની કારમી ચીસો બંધ થઈ ગઈ અને પાછો પૂર્વવત સન્નાટો વ્યાપી ગયો..જે ખૂબ બિહામણો ભાસી રહ્યો હતો.

ચાચા અને અંદર હાજર એમનાં મુલાજીમો જાણતાં હતાં કે હવે એમને જુબેર નાં હાડકાં પણ નથી જોવા મળવાના..એમને આંખો બંધ કરી અને જુબેર ની રૂહ ને જન્નત નસીબ થાય એવી અલ્લાહ ને પ્રાર્થના કરી.

***

લોજમાંથી નીકળ્યાં બાદ હસન, નૂર અને નતાશા લગભગ બે કલાક સુધી સતત કાર માં સફર કરતાં રહ્યાં. અહમદનગર થી નીકળ્યાં બાદ હસન સતત કાર ચલાવી રહ્યો હતો..એટલે હસન ને થોડો આરામ મળે એ હેતુથી નૂરે હસન ને આરામ કરવાનું કહી પોતે હવે કાર ચલાવશે એવું કહી દીધું.

નૂર રાત્રી નાં ઘોર અંધકારમાં બહુ સિફતપૂર્વક કાર ચલાવી રહી હતી અને નતાશા એની બાજુમાં આગળ ની સીટ માં બેસી ને એની સાથે વાતો કરી રહી હતી જેથી નૂર ને એકલું ના લાગે.. હસન અત્યારે વચ્ચેની સીટ માં લાંબો થઈને સૂતો હતો.

હસન દ્વારા રહમત ગામ નો ઉલ્લેખ કરાતાં ની સાથે લોજ નો નોકર જુબેર કેમ આક્રમક થઈ ગયો હતો એ હજુ નૂર માટે એક મોટો સવાલ હતો.એ ગામ સાથે કંઈક તો રહસ્ય છુપાયેલું હોવું જોઈએ કેમકે એને પણ આ ગામ નું નામ સાંભળ્યું હોવાનું એને આછું પાતળું યાદ આવી રહ્યું હતું.પોતે આ વિશે જરૂર હસન જોડે વાત કરશે એવું મનોમન નૂરે વિચારી લીધું હતું.

એ લોકો હવે લગભગ સોનગઢ પહોંચવા જ આવ્યાં હતાં..હવે બીજું પચાસેક કિલોમીટર જેટલું અંતર બાકી હતું.સમય અત્યારે સાડા ત્રણ થઈ રહ્યો હતો મતલબ કે સવાર પડવામાં હવે દોઢેક કલાક જેટલો સમય બાકી હતો.

નૂરે આગળ જતાં કાર ને થોભાવી દીધી કેમકે હવે ત્યાં બે રસ્તા પડતાં હતાં..કઈ તરફ આગળ વધવું એ ના સુજતાં નૂર વિચારમગ્ન અવસ્થામાં કાર ને રોડ ની સાઈડમાં કરીને ઉભી હતી..કાર અટકતાં ની સાથે હસન ની આંખ પણ ખુલી ગઈ અને એને નૂર ને પૂછ્યું.

"શું થયું કેમ આમ અચાનક કાર ને થોભાવી દીધી..?"

"હસન, આગળ બે રસ્તા નજરે પડી રહ્યાં છે..કયાં રસ્તે આગળ વધવું એ વિચારીને મેં ગાડી અહીં અટકાવી દીધી છે.."નૂરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું.

નૂર ની વાત સાંભળી હસન પણ વિચારમાં પડી ગયો..અચાનક હસન ની નજર થોડે દુર વિચરી રહેલી બકરીઓ પર પડી જે જોતાં જ હસને કહ્યું.

"જોવો ત્યાં બકરીઓ ચરી રહી છે મતલબ એનો બકરવાલ પણ અહીં જ ક્યાંક હશે..જો એ મળી જાય તો આપણે એને આગળનો રસ્તો પૂછી શકીએ."

"હા એ વાત તો સાચી..પણ આટલી મોડી રાતે કોઈ બકરીઓ કેમ ચરાવતું હશે..આ થોડું વિચિત્ર નથી લાગતું..?"નતાશા એ કહ્યું.

"આ વિસ્તાર બહુ ગરમ છે અહીં પાણી ની ખૂબ અછત હોય છે..દિવસે અહીં સૂર્ય ની તેજ ગરમીથી બચવા અહીંના પશુપાલન કરતાં લોકોએ આ રસ્તો કાઢ્યો હોય એવું મને લાગે છે."હસને નતાશા ની વાત સાંભળીને કહ્યું.

"એ જે કંઈપણ હોય પણ આપણે પહેલાં એ બકરવાલ ને શોધવો પડશે..નહીંતો સવાર સુધી અહીં ઉભા રહીને અહીંથી નીકળતી કોઈ અન્ય ગાડી ની રાહ જોવી પડશે."નૂરે કહ્યું.

નૂર ની વાત સાંભળી એ બધાં નીચે ઉતરી ને એ બકરીઓ જ્યાં ચરતી હતી એ તરફ આગળ વધ્યા અને ત્યાં કોઈ વ્યક્તિ છે કે નહીં એની શોધખોળ કરવા લાગ્યાં.

"ત્યાં કોઈ છે.."એક તરફ આંગળી કરી નૂર બોલી.

"હા, મને લાગે છે એ વ્યક્તિ જ બકરવાલ હશે..જે આ બકરીઓ ચરાવી રહ્યો હશે.."નૂર ની વાત સાથે સહમત છે એવું જણાવતાં હસન બોલ્યો.

હસન ની વાત સાંભળી એ લોકો પેલાં બકરી ચરાવતાં વ્યક્તિ તરફ આગળ વધ્યા..એ લોકો બકરવાળથી દસેક ડગલાં દૂર હતાં ત્યાં એમનાં પગલાંનો અવાજ સાંભળી બકરવાલ ડરી ગયો હોય એવું લાગ્યું અને એ ત્યાંથી ભાગવા લાગ્યો.

એને આમ અચાનક ભગતો જોઈ હસન ચમક્યો..હસને ઉંચા અવાજે એ બકરવાલ ને અવાજ લગાવીને કહ્યું.

"અરે ભાઈ..અમે મુસાફર છીએ અને રસ્તો ભૂલી ગયાં છીએ.."

હસન નો અવાજ કાને પડતાં એ વ્યક્તિ દોડતાં અટકી ગયો અને એ લોકો જ્યાં ઉભાં હતાં એ તરફ આગળ વધ્યો.એમની નજીક આવીને એ બકરવાલે કહ્યું.

"અહીં રાતે હિંસક પશુઓ નો ડર રહે છે માટે હું ડરીને ભાગ્યો હતો..બોલો બોલો તમારે ક્યાં જવાનું છે.."

"ભાઈ, અમારે સોનગઢ જવું છે.અને અહીં બે રસ્તા છે તો તમે જણાવી શકશો અમારે કઈ તરફ આગળ વધવું..?"નૂરે વિનયપૂર્વક પૂછ્યું.

"તમે ડાબી તરફ નો રસ્તો પકડીને આગળ વધો.. એ રસ્તો સીધો સોનગઢ પહોંચી જશો."એ બકરવાલે હાથનાં ઈશારા સાથે જણાવ્યું.

"શુક્રિયા.."નૂરે આભારવશ કહ્યું.

ત્યારબાદ નૂર, નતાશા અને હસન કારમાં આવીને બેઠાં..આ વખતે ડ્રાઈવર સીટ માં હસન બેઠો હતો અને નૂર તથા નતાશા મધ્ય સીટ માં.હવે રસ્તો દોઢેક કલાક જેટલો જ બાકી હતો.

એ લોકો બીજું દસેક કિલોમીટર જેટલું આગળ વધ્યા હશે ત્યાં નૂર એ બારીમાંથી બહાર જોયું તો એક દ્રશ્ય જોઈ એનું મગજ સુન્ન મારી ગયું.નૂરે જોયું કે જે બકરવાલે એમને સોનગઢ નો રસ્તો બતાવ્યો હતો એ રોડ થી દુર ઉભો એમની કાર ની તરફ જોઈ રહ્યો હતો.એ વ્યક્તિ અત્યારે એકલો નહોતો પણ એની જોડે બુરખા માં કોઈ સ્ત્રી હતી એવું નૂર ને પહેલી નજરે લાગ્યું.

પોતે જોયેલું સત્ય છે કે પોતાની કલ્પના છે એ તપાસ કરવા નૂરે પોતાની આંખો ચોળી જોઈ પણ એ જે જોઈ રહી હતી એ સત્ય હતું.કાર થોડી આગળ નીકળી ગઈ હતી..નૂરે પાછાં વળી એ બકરવાલ તરફ નજર કરી તો એ આકાશ તરફ આંગળી કરી કંઈક બબડી રહ્યો હોય એવું નૂર ને લાગ્યું.

આ વાત નો કોઈની જોડે ઉલ્લેખ કરવો અત્યારે યોગ્ય નથી એમ વિચારી નૂરે બારી નાં કાચ પર પોતાનું માથું ઢાળી દીધું અને આદિલ જોડે છેલ્લે વિતાવેલી હસીન પળો વિશે વિચારવા લાગી.એનાં વિચારો ની માફક કાર પણ સોનગઢ નાં રસ્તા તરફ આગળ વધી રહી હતી.

***

વધુ આવતાં અંકે.

રેશમા ને બીમારી હતી કે પછી એની પર કોઈ રુહાની શક્તિનો કબજો હતો..?? હસન કેમ સોનગઢ જવા માંગતો હતો..?? જુબેર પર હુમલો કોને કર્યો હતો..?? રહમત ગામ નું રહસ્ય શું હતું..?? નૂરે જોયેલાં એ બકરવાલ નું રહસ્ય શું હતું..?? એ લોકો સોનગઢ સહી સલામત પહોંચી શકશે કે નહીં..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે..આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

~જતીન. આર. પટેલ (શિવાય)