Doctor Dolittle - 16 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 16

16. ટૂ-ટૂ - એક અજાયબ શ્રોતા

શાર્ક માછલીઓનો ફરી ફરી આભાર માન્યા પછી, ડૉક્ટર અને તેમના પ્રાણીઓ ઘર તરફ ચાલ્યા. હવે, તેમની પાસે ચાંચિયાઓનું ત્રણ સઢવાળું જહાજ હતું. થોડી જ વારમાં જહાજ, દરિયાના ખુલ્લા પટ પર તરવા લાગ્યું. બધા પ્રાણીઓ જોવા માંગતા હતા કે નવું જહાજ અંદરથી કેવું દેખાય છે, માટે તે સૌ નીચે ગયા. જોકે, ડૉક્ટરને તેમાં કોઈ રસ ન્હોતો. તેઓ વહાણની પાછળની બાજુએ, રેલિંગ પકડીને ઊભા હતા. સંધ્યા થઈ ગઈ હતી અને આછા આસમાની આકાશમાં દૂર જઈ રહેલો કનેરી ટાપુ સુંદર દેખાતો હતો. ડૉક્ટર પાઇપ પીતા પીતા તે સુંદર ટાપુને નીરખી રહ્યા હતા.

દરમિયાન, ડૉક્ટર વિચારે ચડી ગયા ; આફ્રિકાના વાંદરાઓ અત્યારે શું કરતા હશે ? તેઓ ફડલબી પાછા પહોંચશે ત્યારે ઘરની અને બગીચાની હાલત કેવી હશે ? વગેરે...

ત્યાં જ ડબ-ડબ ઊછળતું કૂદતું પગથિયાં ચડતું તેમની પાસે આવ્યું. તેના ચહેરા પર સ્મિત હતું.

“ડૉક્ટર” તે ઉત્સાહથી બોલ્યું, “આ જહાજ તો ગજબનું છે. સૂવા માટેની પથારીઓ કીમતી રેશમની બનેલી છે, સાથે સંખ્યાબંધ ઓશીકાં અને તકિયા છે. ફરસ પર પગ ખૂંપી જાય એવા જાડા મુલાયમ ગાલીચા પાથરેલા છે. ખાવા-પીવાની તમામ વસ્તુઓ હાજર છે અને કબાટ જુઓ તો... ખાવાની એટલી વસ્તુઓ ભરી છે, ઓહોહો... જાણે કોઈ હોટેલમાં આવી ગયા હોય એવું લાગે છે. પાંચ અલગ અલગ પ્રકારની તો માછલીઓ છે ! અરે, થાળી-વાટકા પણ ચાંદીના છે. તમે તમારી જિંદગીમાં ન જોયું હોય એવું બધું છે. અને હા, અમને એક નાનો રૂમ મળ્યો છે. પણ, તેનો દરવાજો ખૂલતો નથી. રૂમની અંદર શું હશે તે જોવાની અમને જિજ્ઞાસા જાગી છે. જિપ કહે છે કે ચાંચિયાઓએ તે રૂમમાં ખજાનો ભર્યો હશે. અમે પ્રયત્ન કર્યો પણ અમારાથી દરવાજો ખૂલ્યો નહીં. તમે નીચે આવી દરવાજો ખોલવા પ્રયત્ન કરી જુઓ.”

માટે, ડૉક્ટર નીચે ગયા. વહાણ ખરેખર અદ્ભુત હતું. બધા પ્રાણીઓ પેલા નાના રૂમના દરવાજા પાસે ટોળે વળી, અંદર શું હશે તેના તર્ક-વિતર્ક-અનુમાન કરતા ચર્ચા કરી રહ્યા હતા. ડૉક્ટરે હેન્ડલ ઘુમાવ્યું પણ દરવાજો ખૂલ્યો નહીં. પછી, તે બધા દરવાજાની ચાવી શોધવા લાગ્યા. તેમણે ગાલીચા નીચે જોયું, ચટાઈ નીચે જોયું, બધા કબાટમાં અને ખાનાઓમાં જોયું ; અરે, ડાઈનિંગરૂમમાં ગોઠવેલી મોટી પેટીઓમાં પણ જોયું, છતાં, ચાવી ન મળી.

આ શોધખોળ દરમિયાન તેમને બીજી અનેક વસ્તુઓ મળી. તેમાં કાશ્મીરી બનાવટની શાલ હતી જે કરોળિયાના જાળા જેટલી હલકી હતી. તેના પર સોનાના તારથી ભરતકામ થયેલું હતું. એ સિવાય જમૈકામાં મળે તેવી ઊંચી જાતની તમાકુ, હાથીદાંતમાં કોતરણી કરી બનાવવામાં આવેલા રશિયન ચાના ડબ્બા, તૂટી ગયેલા તારવાળું જૂનું વાયોલિન, ચેસ-બોર્ડ અને કૂકરીઓ, પરવાળાં તથા મણીમાંથી બનાવવામાં આવેલા શો-પીસ, હેન્ડલમાંથી ખેંચીએ તો તલવાર બની જાય એવી ટેકા લાકડી, ચાંદીની કોર ધરાવતા પીરોજના છ ગ્લાસ, છીપલાંના મોતીમાંથી બનેલ સુગર-બાઉલ અને બીજું પણ ઘણું બધું હતું. ચાંચિયાઓએ તે સઘળું અન્ય વહાણો પરથી લૂંટ્યું હતું.

જોકે, આટલી શોધખોળ કર્યા પછી પણ ડૉક્ટર અને પ્રાણીઓને જોઈતી વસ્તુ તો ન જ મળી. હા, અમુક ચાવીઓ મળી હતી, પરંતુ તેનાથી રૂમનો દરવાજો ખૂલ્યો નહીં.

છેવટે, બધા દરવાજા પાસે ફરી ભેગા થયા અને જિપે કી-હોલમાંથી અંદર જોયું. પણ ત્યાં અંદર, દીવાલ પાસે કંઈક ગોઠવેલું હતું જેથી જિપ કંઈ જોઈ ન શક્યો.

હવે, તેઓ શું કરવું એ વિશે વિચાર કરવા લાગ્યા અને અચાનક ટૂ-ટૂએ કહ્યું, “સ્સ્સ્સ, સાંભળો. મને લાગે છે કે અંદર કોઈ છે !”

બધા ચૂપ થઈ ગયા. ડૉક્ટરે કહ્યું, “ટૂ-ટૂ તારી ભૂલ થાય છે. મને તો કંઈ સંભળાતું નથી.”

“મને ખાતરી છે.” ઘુવડે કહ્યું. “જુઓ, ફરી વાર અવાજ આવ્યો. તમને તે સંભળાતો નથી ?”

“ના, મને કોઈ અવાજ સંભળાતો નથી. તે કેવા પ્રકારનો અવાજ છે ?” ડૉક્ટરે પૂછ્યું.

“કોઈ પોતાના ખિસ્સામાં હાથ સરકાવે તેવો.” ઘુવડે ચોખવટ કરી.

“પણ, એનો તો અવાજ જ ન થાય. મતલબ, થાય પણ સાંભળી ન શકાય એવો થાય. તું એટલો ઝીણો અવાજ ન સાંભળી શકે.” ડૉક્ટરે કહ્યું.

“તમને વિશ્વાસ નહીં આવે પણ... હું તે અવાજ સાંભળી શકું છું. હું ફરી કહું છું કે દરવાજાની પેલી બાજુએ કોઈ છે જેણે પોતાનો હાથ ખિસ્સામાં સરકાવ્યો હતો. લગભગ દરેક ક્રિયાનો કોઈ અવાજ થતો હોય છે. જો તમારી શ્રવણ શક્તિ અદ્ભુત હોય તો તમે તે દરેક અવાજને સાંભળી શકો. અરે, ચામાચીડિયા તો જમીનની નીચે ચાલતા છછુંદરનો અવાજ પણ સાંભળી શકે છે. જોકે, ફક્ત ચામાચીડિયા જ અદ્ભુત શ્રોતા છે એવું નથી. અમે ઘુવડ પણ એ જ શ્રેણીમાં આવીએ. અંધારામાં બિલાડીનું બચ્ચું આંખ મીંચે ત્યારે તેની મટકું મારવાની પદ્ધતિ પરથી અમે તેના રંગ વિશે કહી શકીએ છીએ. એ પણ ફક્ત એક જ કાનના ઉપયોગ વડે...”

“ઓહો ! તારી વાત આશ્ચર્ય પમાડે એવી છે. હવે અવાજ સાંભળીને કહે કે અંદર જે વ્યક્તિ છે તે અત્યારે શું કરી રહ્યો છે ?”

“તે કોઈ પુરુષ જ છે એવું હું ખાતરીપૂર્વક કહી શકતો નથી. કદાચ તે કોઈ સ્ત્રી પણ હોય. મને ઊંચો કરીને કી-હોલ પાસે લઈ જાવ. ત્યાં કી-હોલ પાસે કાન માંડીને હું તમને કહી શકીશ.”

માટે, ડૉક્ટરે ઘુવડને ઊંચું કર્યું અને તેને દરવાજા પાસે લઈ ગયા. એક-બે પળ વીત્યા પછી ટૂ-ટૂએ કહ્યું, “તેણે ડાબા હાથ વડે પોતાનો ચહેરો લૂછ્યો છે. તેના ચહેરો અને હાથ નાના છે. કદાચ તે સ્ત્રી છે. હવે, તેણે કપાળ પર આવી ગયેલા વાળને પાછળ હડસેલ્યા છે. ના, તે પુરુષ જ છે.”

“સ્ત્રીઓ પણ એવું કરે છે.” ડૉક્ટરે કહ્યું.

“ખરું, પણ જયારે કોઈ સ્ત્રી તેવું કરે ત્યારે થોડો અલગ અવાજ થાય, તેમના વાળ લાંબા હોય ને ! સ્સ્સ્સ, આ ભૂંડને શાંતિ નથી, તું ચુપચાપ ઊભું રહે ને બાપ ! હવે, તમે બધા પોતાનો શ્વાસ રોકી રાખજો જેથી હું નાનામાં નાનો અવાજ પણ સાંભળી શકું. ખરેખર તો હું જે કરી રહ્યો છું તે ખૂબ અઘરું કામ છે અને આ ભારે ભરખમ દરવાજો પણ બહુ જાડો છે. બધા શાંત થઈ જાવ, આંખો બંધ કરી શ્વાસ લેવાનું બંધ કરી દો.”

પછી, ટૂ-ટૂ દરવાજા તરફ નમ્યો અને લાંબા સમય સુધી કંઈક સાંભળતો રહ્યો. છેવટે તેણે ડૉક્ટર સામે જોયું અને કહ્યું, “અંદર જે માણસ છે તે નાખુશ છે. તે રડી રહ્યો છે. આપણને તેનો અવાજ ન સંભળાય એટલા માટે અવાજ કર્યા વગર રડી રહ્યો છે. પણ, મેં સાંભળ્યું – એકદમ સ્પષ્ટ રીતે સાંભળ્યું ; આંખમાંથી ટપકેલા આંસુ તેની બાંય પર પડ્યા છે.”

“તું એટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે ? તે છતમાંથી ટપકતાં પાણીનો અવાજ પણ હોઈ શકે ને !” ગબ-ગબે પૂછ્યું.

“સ્સ્સ્સ, તને ચુપ રહેવાનું કહ્યું તો ય...” ટૂ-ટૂ ખિજાયું. પછી તેણે જ કહ્યું, “છતમાંથી ટપકતાં પાણીનો અવાજ આના કરતા દસ ગણો વધારે હોય.”

“ઠીક છે.” ડૉક્ટરે કહ્યું. “જો અંદરની વ્યક્તિ નાખુશ હોય તો આપણે અંદર જઈ તેની તકલીફ વિશે જાણવું જોઈએ. એક કુહાડી શોધી લાવો, આપણે દરવાજો તોડી નાખીશું.”

ક્રમશ :

(ચાંચિયાઓના જહાજના તે બંધ રૂમમાં અંદર કોણ હશે ? શું તે ચાંચિયાનો કોઈ સાથી હશે ? કે પછી બંદીવાન ખારવો હશે ? ઘુવડની ધારણાથી વિપરીત તે કોઈ સ્ત્રી તો નહીં હોય ને ? જાણવા માટે આપે વાંચવું પડશે ડૉક્ટર ડૂલિટલનું આગામી પ્રકરણ...)