From the Earth to the Moon (Sequel) - 16 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 16

પ્રકરણ ૧૬ – દક્ષિણ ગોળાર્ધ

ગોળો એક ખતરનાક ભયમાંથી અને જેની ક્યારેય ભવિષ્યવાણી શક્ય નથી તેમાંથી બચી ગયો હતો. ઉલ્કાઓ સાથે આ પ્રકારની મુલાકાતોની કલ્પના પણ કોણે કરી હોય? આ રખડુ શરીરો મુસાફરો માટે ગંભીર પરિણામો ઉભા કરી શકે તેમ છે. તેમની પરિસ્થિતિ અત્યારે એવા ખલાસીઓ જેવી હતી જેઓનું એવું બદનસીબ હોય છે જેનાથી તેઓ ભાગ્યેજ બચી શકતા હોય છે. પરંતુ શું એમણે આ માટે અવકાશનો વાંક કાઢ્યો? ના કારણકે કુદરતે તેમને એક ઉલ્કાને તેના પ્રમાણમાંથી ફાડીને એક અદભુત નઝારો દેખાડ્યો હતો અને આ એક એવી અપ્રતિમ આતશબાજી હતી જેનું અનુકરણ રુગેરી પણ ન કરી શકત, કારણકે તેણે અમુક સેકડો સુધી ચન્દ્રની છુપાયેલી સુંદરતા દેખાડી હતી. એ ચમકારામાં ખંડો, દરિયો અને જંગલો તેમના માટે દ્રશ્યમાન થયા હતા. તો પછી, શું વાતાવરણે આ અજાણ્યા ચહેરાને જીવન આપતા કણ લઇ આપ્યા છે? આ સવાલનો હજીપણ ખુલાસો થઇ શકે તેમ ન હતો અને તે માનવીય અપેક્ષાઓ માટે સદા માટે બંધ થઇ ગયો હતો.

ત્યારે બપોરના સાડાત્રણ વાગ્યા હતા. ગોળો ચન્દ્રની આસપાસના વક્રી રસ્તા પર ચાલી રહ્યો હતો. શું ઉલ્કા દ્વારા તેનો માર્ગ બદલી ગયો હતો? કદાચ એ અંગે ચિંતા હતી. પરંતુ આ માટે ગોળાએ યંત્ર સંબંધી વિજ્ઞાન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અને કારણોથી પોતાના વક્રી રસ્તાને સમજાવવો પડે એમ હતો. બાર્બીકેન એ માની ચૂક્યા હતા કે આ વળાંક એ હાયપરબોલા કરતા પારાબોલા હતો. પારાબોલા નિશ્ચિત કરવા માટે ગોળાએ સૂર્યની વિરુદ્ધના અવકાશમાં આવેલા શંકુ આકારના પડછાયાને ઝડપથી પસાર કરી દેવો જોઈએ. આ શંકુ આકાર ખરેખર ખૂબ સાંકડો હતો, ચન્દ્રનો કોણીય ડાયામીટર એ સૂર્યના ડાયામીટર કરતા ઘણો નાનો હતો; અને આ સમય સુધી ગોળો તેના ગહન પડછાયામાં તરી રહ્યો હતો. તેની ગતિ ગમે તેટલી હોય (અને તે એટલી બિનમહત્ત્વની ન હતી) ગ્રહણનો સમય ચાલુ રહેવાનો હતો. આટલું તો નિશ્ચિત હતું, પરંતુ તે કદાચ કઠોર રૂપે પારાબોલીક સીમા માટે યોગ્ય ન હોત – આ એક નવી સમસ્યા હતી જેણે બાર્બીકેનના મગજને પીડા આપવાની શરુ કરી દીધી. તેઓ હવે એક એવા અજાણ્યા વર્તુળમાં કેદ થઇ ગયા હતા જેની ગૂંચ તેઓ ઉકેલી શકે તેમ ન હતા.

એક પણ મુસાફરે તત્કાળ આરામ લેવાનો વિચાર પણ ન કર્યો. દરેકે એક અનપેક્ષિત હકીકતના દર્શન કર્યા હતા જે કદાચ તેમના અવકાશના નકશા બનાવવાના અભ્યાસ પર પ્રકાશ ફેંકી શકે તેમ હતી. લગભગ પાંચ વાગ્યે માઈકલ આરડને રાત્રીભોજના નામે બ્રેડ અને ઠંડા માંસના કેટલાક ટુકડાઓ વહેંચ્યા, જેને તરતજ બારી, જેનો કાચ વરાળની સતત જમાવટને લીધે સતત ઝાંખો થઇ રહ્યો હતો, છોડ્યા વગર ગળે ઉતારી દેવામાં આવ્યા.

લગભગ પોણા છ વાગ્યે નિકોલે પોતાના દૂરબીન સાથે ચન્દ્રની દક્ષિણ સરહદ તરફ નજર માંડી, કાળા અંધકારની ઢાલ વચ્ચે કેટલાક ઉજળા બિંદુઓ દેખાઈ રહ્યા હતા. તેઓ એક લાંબી રેખાના સ્વરૂપમાં સળંગ ગોઠવામાં આવેલા તિક્ષ્ણ બિંદુઓ જેવા લાગતા હતા. આ એવું જ દ્રશ્ય હતું જે ચન્દ્રની સીમારેખા જેવી લાગતી હતી જ્યારે તે આઠમને દિવસે દેખાતો હોય છે.

હવે તેમની ભૂલ થઇ શકે તેમ ન હતી. તે હવે માત્ર એક ઉલ્કા જ રહી ન હતી. આ ચમકતી પર્વતમાળા જેવી રેખાનો કોઈ રંગ ન હતો કે કોઈ ગતિ ન હતી. કે પછી તે લાવારસ બહાર કાઢી રહેલો જ્વાળામુખી પણ ન હતો. અને બાર્બીકેને તેની ઓળખ જાહેર કરવામાં જરાય વાર ન લગાડી.

“સૂર્ય!” બાર્બીકેને જાહેર કર્યું.

“શું? સૂર્ય?” નિકોલ અને માઈકલ આરડને જવાબ આપ્યો.

“હા મારા મિત્રો, આ એ જ તેજસ્વી ગ્રહ છે જે ખુદ ચન્દ્રની દક્ષિણી સીમાઓ પર આવેલા પર્વતોની ટોચને ચમકાવી રહ્યો છે. આપણે નિશ્ચિતપણે દક્ષિણ ગોળાર્ધની નજીક જઈ રહ્યા છીએ.”

“તો પછી ઉત્તર ગોળાર્ધને પસાર કર્યા બાદ,” માઈકલે જવાબ આપતા કહ્યું, “શું આપણે આપણા ઉપગ્રહની પ્રદક્ષિણા પૂર્ણ કરી છે?”

“હા, મારા મિત્ર માઈકલ.”

“તો પછી હવે ન તો હાયપરબોલા, ન તો પારાબોલા કે ન તો કોઈ ડરામણા વળાંકો આવશે એવું માની લઉં?”

“ના નહીં આવે પરંતુ એક બંધ વળાંક તો ખરો જ.”

“જેને કહેવાય છે....”

“અંડાકાર. વિવિધ ગ્રહોની વચ્ચેના અંતરીક્ષમાં પોતાને ગુમાવી દેવાને બદલે એ શક્ય છે કે ગોળો ચન્દ્રની આસપાસ અંડાકાર વળાંક લઇ શકે છે.”

“બિલકુલ!”

“અને તે એનો ઉપગ્રહ બની જશે.”

“ચન્દ્રનો ચન્દ્ર!” માઈકલ આરડને બૂમ પાડી.

“જો મારે તમને જોવાના હોય તો જ, મારા પ્રિય મિત્ર,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું, “તો આપણે કશું ખાસ ગુમાવ્યા વગર ખોવાઈ ગયા નથી.”

“હા, અને બીજા શબ્દોમાં કહું તો આપણે ખુશીથી ખોવાઈ ગયા છે.” નફિકરા ફ્રેન્ચમેને તેના સહુથી આકર્ષક સ્મિત સાથે જવાબ આપ્યો.

***