Bhens ane goval books and stories free download online pdf in Gujarati

ભેંસ અને ગોવાળ


ભેંસ અને ગોવાળ
ચાર પાંચ ભેંસ લઈ મેપો ગામના પાદરમાં આખો દિવસ ફરતો . ભેંસોને ઘાસ વાળા વિસ્તારોમાં ચરાવતો અને પાણી પીવાડાવતો સાંજે ભેંસોને દોડાવતો પાછી લઈ આવતો . હાથમાં કડીયાળી ડાંગ , માથા પર રૂમાલ અને ખભે દોણી. એમા રોટલો , મરચું ,લસણની પાંચ છ કળી પડ્યા રહેતા . પગમાં તેલ પાયેલા ચામડાના અણીવાળા બુટ પહેરી મોજમાં નીકળતો જોઈ ઘણાના મો પર એક ઇર્ષ્યાનો ભાવ જાગી જતો . એની કોઈ દરકાર રાખ્યા વિના એ પોતાનું કામ કર્યા રાખતો .
મેપાના માબાપ નાનપણમાં જ ગુજરી ગયા હતા. એક ઘર ને પાંચ નાની પાડીઓ સિવાય કોઈ મૂડી મિલકત નોહતી . નાનો હતો ત્યારથી જ એ શાળાએ જવાના બદલે આ પાડીઓ સાથે વધારે રહેતો . મેપા અને એ પાંચ જાનવર વચ્ચે એક સમજણનો તાંતણો બંધાય ગયો . માબાપના મરણ બાદ એ વધુ ગાઢ અને મજબૂત બન્યો . થોડા દિવસ તો બધા આવ્યા પણ પછી સમાજની રીત મુજબ એને જ બધુ પાર પાડવાનો વારો આવ્યો પણ આ મૂંગા ઢોર એનો સહારો બન્યા. કમસે કમ ખાવા માટે કોઈ પાસે હાથ લાંબો કરવા ના દીધો . માબાપનું ઘર એના માથાની છત બન્યું . ભેંસો એનો આધાર . દૂધના બદલામાં એનો જીવનનિર્વાહ ચાલી જતો .ને એક પ્રકરની નિશ્ચિત જિંદગી તે જીવવા લાગ્યો . સવારે ભેંસો લઈ જવું સાંજે આવી દૂધ આપી એમાંથી મળતાં પૈસાના આધારે જમી લેવું . પણ એમાં એ કોઈ લાલચ ના રાખતો કે દૂધમાં પાણી ભેળવી છેતરપીંડી ના કરતો એટલે કુદરત પણ એની સાથે કોઈ છેતરપીંડી ના કરતી ને જિંદગી સરિતાની જેમ ખળખળ વહેતી જતી .
પણ સમાજનો નિયમ છે એ ક્યારેય કોઈની શાંતિની જિંદગી જોઈ શકતો નથી . એમા કઇ રીતે અશાંતિ ,બેચેની ,લાચારી ભરી દેવી એના પ્રયત્નોમાં એ ગૂંથાઈ જ જાય છે . તેમ ગામમાં ઘણાની આંખમાં મેપાની આ શાંત જીવન આંખોમાં કણાની જેમ ખૂંચતી . કેટલાક તો કેહતા પણ ખરા ,” બોલો , છે કાઈ ચિંતા . બસ ગામનું ઘાસ ખવડાવવું અને દૂધ વેચી શાંતિથી પેટ ભરી લો . વાહ ! જિંદગી હોય તો આવી ! ના ધંધાની ચિંતા કે ના કોઈ મગજમારી . ” પણ પાસે બેસો તો ખબર પડે કે ઈર્ષ્યાનો કેવો ભયંકર ધુમાડો ત્યાંથી નીકળી રહ્યો છે .
પણ એક દિવસની ઘટનાએ આ આખી ઘટમાળ તોડીને ફેંકી દીધી .
એ દિવસે પણ મેપો ભેંસો લઈ પાદરમાં હતો . ભર બપોરે મેપાએ જમી ઝાડની છાયામાં પડ્યો હતો . ભેંસોના બરડાનો ટેકો લઈ સૂતો હતો . ઝાડની શીતળ છાયા અને સંતોષનું પેટ બંને બપોરે જપી ગ્યાતા .
ત્યાં…. ” બચાવો ……” નો જોરથી અવાજ આવ્યો . મેપો સફાળો જાગ્યો . પણ આજુબાજુ કોઈ દેખાયું નહીં . અત્યારે કોણ નવરૂ છે વગડામાં અવવા વિચારી પોતાને પણ ભ્રમ થયાનું માની એ ફરી ભેંસના બરડાને ટેકો દઈ સુઈ ગયો. ત્યાં વળી “બચાવો ……”નો અવાજ આવ્યો . આ વખતે તેનું જોર અને વ્યગ્રતા બંને વંધી ગ્યાતા . હવે ખાતરી થઈ ગઈ કે કોઈ મુસીબતમાં છે .
એ તરત કડીયાળી ડાંગ લઈ ઉભો થઇ ગયો .અવાજની દિશામાં ચાલ્યો . “બચાવો …..ક….” આ વારે કોઈ બાઈ નો આવજ લાગે છે વિચારી એ અવાજ બાજુ એણે લપાટી મૂકી .
વગડાની વચ્ચે આવેલા અડાબીડ ઝાડીમાંથી એ અવાજ આવતો હોય તેમ લાગ્યું . ત્યાં જઇ જોયું તો એક છોરી ફરતે બે નરાધમ ફરી વળીયા દેખાયા . ભોળા પંખીણી જેવી એ ગભરુ છોડી બિચારી મદદ ની બુમો પાડતી હતી .
” ઓય …..હરામખોરો ….” ની રાડ પાડી મેપાએ બેયને લાલકાર્યા .
પેલા બેય પણ આ વગડામાં અટાણે આવેલા આ આદમીને જોઈ ખીજાઇ ગયા. મનસૂબામા વિઘ્ન આવતા તે ધૂંવાફુવા થઈ ગયા.
” એ નીકળ હાલ . આયથી .નકર જોયા જેવી થશે . ” કહી બેયે મેપાને ડારયો. પણ મેપો ગાજયો જાય તેમ નોહતો . એણે ડાંગ લઈ છેક પોહચી ગયો ને તોરમાં બોલ્યો .
” એ હું તમને બેયને કહું છો નીકળો અહીંથી નકર આ કડીયાળી તમારા બાપની સગી નહિ થાય . ને નાહકના માથા રંગાશે . તો છાનામાના હાલતીના થાવ . મેપાની ડાંગ માથા પર પડી તો મહિનો ખાટલામાં સૂવું પડશે . માટે ભાઈ જાળવી જાવ ને અહીથી જાવ ભાઈ ….” ધર્મના રણકાર જેવા શબ્દ સાંભળી એ સમજી ગયા અહીં ફાવસુ નહીં ને એ બેય ” જોઈ લેશુ ગોબા ….” કહી બીડમાં ઉતરી ગયા .
પેલી છોડી હજી થથરતી હતી . મેપો ત્યાં ગયો .
” જુવો . ડરશો નહીં . હું આ જ ગામનો છું . ચાલો . ” કહી એ મેપો આગળ ચાલ્યો . પાછળ પેલી છોડી લેરિયાનો છેડો દબાવતી પાછળ પાછળ ચાલી .
” સાંજ પડી ગઈ છે . કાલે તમને તમારા ગામ મૂકી જઈશ . ” મેપાએ ઢળતી સાંજ જોઈ કહ્યું .
પેલી છોડી કઈ બોલ્યા વિના ” હહ……..” કહી વળી ચાલવા મંડી .
સાંજે ભેંસો લઈ મેપો ગામમાં આવી ગયો . પણ જયારે પાછળ એક છોડી આવતી જોઈ તો આખું ગામ તકર તકર જોઈ રયુ કે આ મેપો કોને લઈ આવ્યો . એનું સગુવાળું તો કોઈ છે નય તો આ કોણ છે ? પણ પૂછવાની હિંમત કોઈએ કરી નહીં . કારણ મેપાને બધા ઓળખાતા હતા. એ ખોટી લપમાં પડતો નહીં પણ કોઈ ખોટી રીતે હેરાન કરે તો વળી એ કોઈને છોડતો નથી. એકવાર ગામના કોઈકે એની મશ્કરી કરી . એ કઈ બોલ્યો નહીં પણ જયારે એ એના માબાપ પર બોલ્યો કે મેપાનો ગુસ્સો ફાટી પડયોતો ને એની ડાંગ વડે બધાને બરાબર મેથીપાક ચખાડ્યો હતો . એક બેના તો માથા ફોડી નાખ્યા તા . એટેલે એને કોઈ હેરાન ના કરતું . આજે પણ ઈચ્છા તો ઘણાંને થઈ પણ પછી માથા પર પડતી ડાંગ યાદ આવી તો બધાના શબ્દો મોમાં જ રહી ગયા .
ઘરે આવી દૂધ વેચી જે હતું તે છોડીને જમવા આપી એને પોતાનો ખાટલી બારણાં બાર ઢાળ્યો . ને
“અંદર સાંકળ વાસી દેજો . ” કહી એ ઘોરવા પણ મંડ્યો . કોઈ પૂછપરછ કે કોઈ ઉપકાર બતાવ્યાં વિના એ ખાટલામાં પડ્યો .
***** **** ************* *************** *********** ************************
અડધી રાતનો ગજ્જર ભાંગ્યો . દસ બાર બુકાનીધારીના ઓળા તે દિવસે ગામ પર ચડી આવ્યા .
મેપાના ઘર પાસે આવી .
” ઓલો ….સૂતો ને એ જ હતો ……..ગોબો……..” કહી એક ઓળાએ મેપા સામે આંગળી ચીંધી . અવાજ ના થાય તેમ બધાએ નાગી તલવારો લઈ એ મેપાનું ઢીમ ઢાળવા આવી ગ્યાતા . ચાંદાના ધોળા અજવાળામાં એ શમશેરો ચમકી રહી .
” એની માની તો….”કહી એ ઓળા ધીમા પગલે આગળ વધ્યા. છેક પાસે પોગવાની તૈયારીમાં હતા ત્યાં જ…….”ભૌવ…… ભૌવ……” નો અવાજ ગામની શાંતિને ચીરતો ગયો . મેપો તરત સળવળ્યો . આંખ ખુલી . સુતા સુતા જ એને થોડે દુર ઉભેલા ઓળાનો આભાસ થયો . બે જ પળમાં એના મનમાં આખી વાત ની ગડ પડી ગઈ . પડખામાં લીધેલી ડાંગ વધુ મજબૂત પકડી ને ….એ …
” હવે ….હાલો ઝટ . કોઈ આવી જશે તો મનની મનમાં જ રહી જશે ….” કહી એ મેપાની બાજુ ધસ્યા . એમાંના એકે તલવારનો સીધો ઘા કર્યો પણ મેપો તૈયાર જ હતો .તરત પડખું ફરી નીચે પડી ઘા ચૂકવ્યો . પડ્યા ભેગો જ ડાંગ નો એવો ઘા માર્યો કે તલવાર મારવા વાળાની ખોપરી ફાટી ગઇ ને એ લથડી પડ્યો . હવે વારો ટોળાનો હતો .
અડધી રાતે તલવાર ડાંગની બાકાજીકી બોલી . ડાંગ ફરતી ગઈ ને જેને પડી ફરી ઉભો ના થયો . પણ એક બે વાર તલવાર પડખામાં માસનો લોચો લેતી ગઈ ત્યારે મેપાએ રાડ નાખી . એ રાડ ગામને જગાડતી ગઈ .પરંતુ પેલાઓ માટે મોતનો પોકાર બન્યો . સંતાનની જેમ પાળી પોષી મોટી કરેલી ભેંસોએ પોતાના માલિકનો આતરનાદ સાંભળ્યો એ સાથે જ વિફરી….ને ખીતા ઉખાડતી ભૂરાઈ થઈ ને બારણાનો કચ્ચરઘાણ કાઢતી માલિકની મદદે આવી પોગી . મેપાની ફરતે ફરી વળી . કોઈ અભેદ કિલ્લો જોઈ લો . હવે ઓળા પર ભેંસો ફરી વળી . દોડતી ગઈ ને જે વચ્ચે આવ્યા તેને શીંગડે ઉલાળતી પગ તળે રોળતી ગઈ .હવે જે વધ્યા હતા તે તલવાર લીધા વિના જ ભાગી છૂટ્યા . ગામ ભેગું થયું ત્યાં સુધીમાં થવાનું હતું તે થઈ ગયુ.
સાત દેહ ત્યાં પડ્યા હતા. મેપાનાં પડખામાં ઊંડા ઝખમ થયા હતા . તેમાંથી લોહીની ધાર વહી રહી હતી .તો પોતાને માટે આ થયું એ વિચારી પેલી છોડીની આંખમાંથી આંસુની ધાર વહી રહી હતી . ગામ આવ્યું ત્યારે મોડું થઈ ગ્યુતું. ભેંસો હવે શાંત બની મેપા પાસે ઉભી હતી . એમની આંખોમાં પણ પાણી ઉતરી આવ્યા હતા.
થોડા પાટા બંધાયા પણ એ કારગર ના થયા . એક બે ડચકા ખાધા ને મેપાનું પ્રાણ પંખીડું ઉડી ગયું. ભેંસોએ અચાનક ભાંભરવાનું શરૂ કરી દીધું. કદાચ એ એના કલ્પાંત હતા. ગામ જોઈ રહ્યું. સમશાને મેપો બળી ગયો .
**** **** ***** *** ***************
ત્રીજા દિવસે સવારમાં માથે ઓઢણી , પગમાં બેલડા , ખભે દોણી , એક હાથમાં મેપાની ડાંગ લઈ એ જ છોડી પાંચેય ભેંસોને લઈ નીકળી . વિશ્વાસથી છલકાતી એ છોડીમાં ગામ મેપાને જ જાણે જતો જોઈ રહ્યું. આકાશમા સૂરજ ચડી આવ્યો હતો . ……ને ……છોડીના પગલા પાછળ વહી જતા ભેંસોના પગલાંથી ઊડતી રજે માનવતાની છડી પોકારી…….ને ક્યાંય સુધી એના સુર ધીમા પણ મક્કમ રેલાતા જોઈ ભાનું પણ અભિમાનથી એ પ્રભાને નીરખી રહ્યો….