Rahsyna aatapata - 4 books and stories free download online pdf in Gujarati

રહસ્યના આટાપાટા - ભાગ 4

ડૉ. જેકિલનો પ્રતિભાવ...

ડૉ. જેકિલ સામે હાઇડની વાત કેવી રીતે કાઢવીઉખેળવી તે બાબતે અટરસન મૂંઝાતો હતો. પરંતુ, પખવાડિયા પછી જેકિલે ડિનર પાર્ટીનું આયોજન કર્યું અને અટરસન તથા તેના જેવી ચાર-પાંચ હસ્તીઓને મહેમાન બનવા આમંત્રણ આપ્યું એટલે અટરસનને ઉકેલ મળી ગયો. તેણે નક્કી કર્યું કે મહેમાનગતિ માણી બધા લોકો રવાના થાય ત્યાં સુધી તે જેકિલના ઘરે બેસી રહેશે અને પછી એકલા પડેલા જેકિલ સામે હાઇડની વાત ઉખેળશે. જોકે તેમાં કંઈ નવું ન હતું. અટરસન આવું ઘણી વાર કરતો. આમેય, જે લોકોને અટરસન ગમતો તેમને તે ખૂબ ગમતો. તેવા લોકો, અટરસન જવા માટે ઊભો થાય કે તરત કહેતા, ‘જવાય છે, શું ઉતાવળ છે, બેસ ને !’

તો જેકિલની પાર્ટી ખતમ થતા એક પછી એક મહેમાનો રવાના થઈ ગયા અને અટરસન રોકાઈ રહ્યો. ભઠ્ઠીમાં સળગતી આગ પાસે, આમને સામને ગોઠવાયેલી ખુરશીમાં તે અને જેકિલ બેઠા હતા. જેકિલનો ચહેરો સૌમ્ય દેખાતો હતો, આંખોમાં પાર્ટીનો થાક હતો, પણ તેને ચહેરા પર ન આવવા દઈ તે અટરસન સાથે પ્રેમથી વર્તી રહ્યો હતો.

“હું કેટલાય દિવસથી તારી સાથે એક વાત કરવા માંગુ છું, તારા વસિયતનામા વિશે...” અટરસને શરૂ કર્યું.

પ્રશ્ન સાંભળી જેકિલનો ચહેરો તરડાયો, છતાં તેણે સ્વસ્થ અવાજે કહ્યું, “દોસ્ત, મેં તારા જેવો માણસ આજ સુધી જોયો નથી. અસીલના વસિયતનામાની ચિંતા કરનારો તું દુનિયાનો એકમાત્ર વકીલ હોઈશ. હા, પેલા ધર્માંધ લેનીયનની વાત કરું તો તે પણ તારી જેમ મારી અંગત વાતોમાં માથું મારતો હતો. તેને મારા વૈજ્ઞાનિક પ્રયોગો પાખંડ લગતા હતા. આમ તો તે એક સારો માણસ છે અને મને તેનો સાથ ગમતો હતો, પરંતુ તેની ધર્માંધતા અને જડતાથી તે અભણ જેવું વર્તતો હતો. હું દુનિયાના કોઈ માણસથી એટલો નિરાશ નથી થયો, જેટલો લેનીયનથી થયો છું.”

“તું જાણે છે કે હું તારી આ વાત સાથે ક્યારેય સહમત નથી થવાનો.” મૂળ વાતથી આડા પાટે ફંટાઈ ગયેલા જેકિલને અટરસને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

“હવે તું ગુસ્સે ન થા ! મને ખબર છે કે તને લેનીયનની ટીકા સાંભળવી ગમતી નથી. ખેર, તું મારા વસિયતનામા વિશે કંઈક વાત કરતો હતો !” જેકિલે હળવાશથી કહ્યું.

“હા. મને હાઇડ વિશે ન જાણવા જેવી વાતો જાણવા મળી છે એટલે પૂછું છું.”

અટરસનની વાત સાંભળી જેકિલનો ચહેરો ફિક્કો પડી ગયો, તેની આંખોમાં ભય ઊપસ્યો. “મારે તે વિશે એક પણ શબ્દ સાંભળવો નથી. આપણે આ ચર્ચાને અહીં જ પડતી મૂકીએ.”

“પરંતુ, મેં તેના વિશે જે સાંભળ્યું છે તે બહુ ઘૃણાસ્પદ છે.” અટરસન વાતનો કેડો મૂકવા તૈયાર ન થયો.

“તેનાથી મારા નિર્ણયમાં કોઈ ફરક પડવાનો નથી. તું મારી હાલત જાણતો નથી. હું એક વિચિત્ર, બહુ જ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાયો છું. તેનો ઉકેલ વાતચીતથી આવે તેમ નથી.” ડૉક્ટરે ગુહ્ય ભાવે કહ્યું.

“જેકિલ, તું મને સારી રીતે ઓળખે છે. તને ખબર છે કે હું કેવો માણસ છું. માટે, મારામાં શ્રધ્ધા રાખી, સહેજ પણ ગભરાયા વગર મન મોકળું કરી નાખ. હું તને ગમે તેવી મુસીબતમાંથી બહાર કાઢીશ.”

“તું મારી ફિકર કરે છે એ બદલ આભાર. મને તારામાં વિશ્વાસ પણ છે. પરંતુ, મામલો હજુ એટલો ગૂંચવાયો નથી કે હું જાતે તેમાંથી બહાર ન નીકળી શકું ; હું જયારે પણ ઇચ્છું ત્યારે હાઇડથી છુટકારો મેળવી શકું એમ છું. માટે, તું બેફિકર થઈ જા અને વાતને અહીં જ દફન કરી દે. મને પ્રોમિસ આપ કે આ વિશે તું ક્યારેય કોઈને કંઈ નહીં કહે.”

અટરસને કંઈ પણ બોલ્યા વગર ભઠ્ઠીની આગ સામે જોયા કર્યું અને થોડી વારે મૌન તોડ્યું, “મતલબ હું માની લઉં કે તું મુસીબતમાં નથી.”

“હા, અને આ વાતનો ઉલ્લેખ આજ પછી ક્યારેય ન કરતો. તો ય તને ચિંતા ન થાય એટલે કહી દઉં છું કે મને ખરેખર હાઇડમાં રસ છે. તેણે મને કહ્યું હતું કે તમે બંને મળ્યા હતા. તને તે ઉદ્ધત લાગ્યો હશે, તે એવો જ છે. પણ તો ય, મને તેનામાં બહુ રસ છે. એટલે મને કંઈ પણ થાય કે હું ગુમ થઈ જાઉં તો તું તેની સંભાળ રાખજે, તેને તેનો હક્ક અપાવજે. મને વિશ્વાસ છે કે તું એમ જ કરીશ, છતાં મને વચન આપ, તું વસિયતનામા પ્રમાણે વર્તીશ એવું વચન આપ.”

“મને તે જરાય ગમ્યો નથી.”

“હા તો તારે ક્યાં તેની સાથે ઘરોબો કેળવવાનો છે ? હું તો તને તેનો હક્ક અપાવવાની વાત કરું છું. હું ન હોઉ ત્યારે તેને અન્યાય ન થવો જોઈએ.” જેકિલે અટરસનના હાથ પર હાથ મૂક્યો.

અટરસનને તે બિલકુલ ન ગમ્યું, છતાં તેણે મોટો ઉચ્છવાસ બહાર કાઢી ઉદાસ અવાજે કહ્યું, “હું તને વચન આપું છું.”

‘ડેન્વર્સ કેર્યું’ની હત્યા...

(અટરસન અને જેકિલ વચ્ચે હાઇડના ખુલાસાવાળી વાતચીત થઈ તેના એક વર્ષ પછી...)

ઑક્ટોબર મહિનાની અઢારમી તારીખે આખું લંડન શહેર એક ક્રૂર અપરાધથી ચોંકી ઊઠ્યું. શિકાર બનનાર માણસ ઊંચી સામાજિક પ્રતિષ્ઠા ધરાવતો હતો એટલે ઘટનાના પડઘા ધાર્યા કરતાં વધુ પડ્યા અને અપરાધની વાતો વીજળીવેગે ફેલાવા લાગી. લંડનમાં ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેને આ સમાચાર જાણી આંચકો ન લાગ્યો હોય.

બન્યું હતું એવું કે થેમ્સ નદીથી બહુ દૂર નહીં તેવા બે માળના ઊંચા મકાનમાં એક નોકરાણી રહેતી હતી. અઢારમી તારીખની રાત્રે અગિયાર વાગ્યે તે સીડી ચડીને ઉપરના માળે સૂવા માટે ગઈ. આવા સમયે આખા શહેર પર ધુમ્મસ છવાઈ જતું હતું, પરંતુ તે રાત્રે આકાશ સાફ હતું ; બારી બહારના રસ્તા સ્પષ્ટ અને રૂડાં દેખાતા હતા. આથી, નોકરાણીને ચંદ્રની ચાંદની માણવાનું મન થયું અને તે બારી પાસે બેસી બહારનું દ્રશ્ય જોવા લાગી. થોડી વાર પછી તેણે એક ઉંમરલાયક પણ આકર્ષક સજ્જનને રસ્તા પર ચાલતા જોયા. તેમની સામેની બાજુએથી બીજો માણસ આવી રહ્યો હતો. તે માણસ બટકો હતો અને ઉત્તેજિત અવસ્થામાં હોય તેમ ઊછળતો કૂદતો ચાલી રહ્યો હતો. પોતાની ધૂનમાં રહેલા બટકા માણસ પર નોકરાણીએ ધ્યાન ન આપ્યું ; તે તો પેલા વડીલને જોવામાં મગ્ન બની ગઈ હતી.

પછી, તે બંને પુરુષો આમને સામને આવ્યા એટલે સજ્જને વાંકા વળી બટકાનું અભિવાદન કર્યું. ભલે નોકરાણી માટે તે મુલાકાતનું કોઈ મહત્વ ન હતું છતાં, ચંદ્રના પ્રકાશમાં આકર્ષક દેખાતા સજ્જન પરથી તેનું ધ્યાન હટતું ન હતું. હવે, તેણે સજ્જનની સામે ઊભેલા બટકા માણસને ધ્યાનથી જોયો. ‘આ તો હાઇડ છે’ તે બબડી ઊઠી. બહુ સમય પહેલા તે તેના માલિકને મળવા આવ્યો હતો અને હાઇડને જોતા વેંત તેને ન ગમે તેવી નફરતની લાગણી થઈ હતી, માટે તેને તે યાદ રહી ગયો હતો. અત્યારે તેના હાથમાં એક મજબૂત દંડો હતો. પેલા સજ્જન તેને કંઈક કહી રહ્યા હતા અને તે ચુપચાપ સાંભળી રહ્યો હતો. જોકે, તેને તેમની વાતો ન ગમતી હોય તેમ તેના ચહેરા પર અધીરાઈ અને અણગમો આટલા દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. પછી અચાનક, તે ગુસ્સાથી સળગી ઊઠ્યો અને પોતાનો પગ જમીન પર પછાડી સજ્જનને દંડો બતાવ્યો. સજ્જન ડરીને પાછળ ખસ્યા અને નોકરાણીના આશ્ચર્ય વચ્ચે હાઇડ તેના પર તૂટી પડ્યો. કોઈ જંગલી જાનવરની જેમ તે તેમના માથા પર દંડાના પ્રહાર કરવા લાગ્યો. જોરથી પડેલા બે-ત્રણ ફટકાથી સજ્જન જમીન પર પડી ગયા, પણ હાઇડ અટક્યો નહીં. તે તેમને લાતો મારવા લાગ્યો અને વધુ જોરથી દંડા વીંઝવા લાગ્યો. હાઇડના હુમલાથી સજ્જનનું એક એક હાડકું ભાંગી ગયું હશે તે નક્કી હતું. સજ્જનની દર્દભરી ચીસો ઊઠતી રહી, પણ તેમને બચાવવાવાળું ત્યાં કોઈ ન હતું. આટલા દૂરથી પણ તે દ્રશ્ય એટલું ભયાનક લાગતું હતું કે નોકરાણી પોતાના રૂમમાં જ બેહોશ થઈ ગઈ.

ક્રમશ :