Rahsyna aatapata - 6 books and stories free download online pdf in Gujarati

રહસ્યના આટાપાટા - ભાગ 6

પત્ર આવ્યો

સમીસાંજે અટરસન જેકિલના ઘરે ઊપડ્યો. ઘરમાં પ્રવેશી રસોડા પાસે થઈ તે પાછળની તરફ ગયો અને વાડો વટાવી લેબોરેટરી કહેવાતી ઇમારત તરફ ચાલ્યો. અત્યારે જે વાડો દેખાતો હતો તે પહેલા બગીચો હતો. બીજી બાજુ, લેબોરેટરી તરીકે ઓળખાતી રહસ્યમય ઇમારત, પહેલાં સર્જન ડૉક્ટરનું દવાખાનું હતું, જેમાં નીચે ઑપરેશન થિયેટર પણ આવેલું હતું. બગીચા સહિતની તે ઇમારત જેકિલે ડૉક્ટરના વારસ પાસેથી ખરીદી હતી. જો કે જેકિલને મેડિકલ (શરીર રચના) કરતાં કેમિકલમાં (રસાયણોમાં) વધારે રસ હતો, આથી તેણે બગીચાની દરકાર લીધી ન હતી. આ જ કારણથી બગીચો ઉજ્જડ વાડો બની ગયો હતો અને દવાખાનું રાસાયણિક પ્રયોગશાળા !

અટરસન ઘરના આ ભાગમાં પહેલી વાર આવ્યો હતો. તેણે ત્યાં કસનળી, બ્યુરેટ, પિપેટ, અંકિત નળાકાર, ફ્લાસ્ક અને રાસાયણિક પ્રયોગોમાં વપરાતા અનેક ઉપકરણો જોયા. ઠેર ઠેર લાકડાના બોક્સ ગોઠવાયા હતા અને આસપાસ પેકિંગમાં વપરાતું ખાસ પ્રકારનું ઘાસ વિખરાયેલું પડ્યું હતું. ગુંબજમાં લાગેલા લેમ્પ પર ધૂળ જામી હતી અને ચારે બાજુ મનમાં અજંપો પેદા કરે તેવો કાતિલ સન્નાટો હતો.

વાડાના સામા છેડે આવેલા પગથિયાની લાલ ચટાઈ પર પગ માંડતો અટરસન ઉપરના માળે ગયો. મજબૂત દરવાજામાંથી અંદર પ્રવેશીએ એટલે જેકિલની કાચથી મઢેલી કૅબિન આવતી. અંદર ફર્નિચર અને સુવિધાઓની કોઈ મણા ન હતી. સામેની દીવાલમાં આવેલી ત્રણે બારીઓ અત્યારે બંધ હતી, પરંતુ તેમાંથી પાછળની બાજુએ (પાછલી શેરીમાં) ડોકિયું કરી શકાતું હતું. અંદર, ભઠ્ઠીમાં તાપણું સળગી રહ્યું હતું અને ચિમનીના છજા પર લાગેલો લેમ્પ ધુમસિયા રૂમને ઉજાસમય બનાવતો હતો. એકંદરે હૂંફાળી કહી શકાય તેવી તે કૅબિનમાં જેકિલ એકલો બેઠો હતો. ચહેરા અને સુસ્ત શરીરથી તે બીમાર હોય એવું લાગતું હતું. અટરસનને દેખવા છતાં તે પોતાની જગા પરથી ઊભો ન થયો અને ત્યાં બેઠા બેઠા જ હાથ લંબાવ્યો. તેનું શરીર ઠંડુ પડી ગયું હતું. એકદમ ધીમા અવાજે આવકાર આપી, તેણે અટરસનને બેસવા માટે કહ્યું.

“હાઇડે શું કારનામું કર્યું એ તને ખબર છે ?” પોતાને અહીં પહોંચાડી નોકર (પોલ) ચાલ્યો ગયો એટલે અટરસને પૂછ્યું.

જેકિલ ધ્રૂજી ઊઠ્યો. તેણે કંપતા અવાજે કહ્યું, “આવી વાતો બહુ ઝડપથી ફેલાતી હોય છે. બહાર લોકો તેના વિશે વાતો કરતા હતા.”

“હવે તું જ જણાવ, હું શું કરું ? તું મારો અસીલ છે તો ‘કેર્યું’ ય મારો અસીલ હતો. હવે હું કોને વફાદાર રહું, તને કે તેને ?” વાતાવરણમાં બે પળ ચુપકીદી છવાઈ. પછી અટરસને સાશંક અવાજે પૂછ્યું, “તું હાઇડને છુપાવામાં મદદ તો નથી કરી રહ્યો ને ? ફક્ત ‘હા’ કે ‘ના’ માં જવાબ આપજે.”

જેકિલ થોડી વાર એમ જ બેસી રહ્યો. પછી બોલ્યો, “સાચું કહું તો અત્યારે તેને મારી મદદની જરૂર નથી. હું તેને જેટલો ઓળખું છું એટલો તું નથી ઓળખતો. તે અત્યારે સલામત છે, એકદમ સલામત. અત્યારે તે એવી જગ્યાએ ચાલ્યો ગયો છે કે તેના વિશે કોઈને એક પણ શબ્દ સાંભળવા ન મળે. જોકે, તેની સાથેના મારા સંબંધો આજથી પૂરા થાય છે, હવે હું તેની સામે પણ નથી જોવાનો.”

જેકિલનો જવાબ સાંભળી અટરસનને સંતોષ ન થયો. તેણે ઉદાસ અને શુષ્ક અવાજે કહ્યું, “તને તેના પર બહુ વિશ્વાસ છે, પણ તે પકડાશે તો તારું નામ ખરડાશે એમાં બેમત નથી.”

“તેવું નહીં થાય કારણ કે તે નહીં જ પકડાય તેની મને ખાતરી છે. એમ તો મારી પાસે તેના વિશે ચોક્કસ માહિતી પણ છે, પરંતુ અત્યારે કંઈ કહી શકું તેમ નથી. જોકે, મારે તારી સલાહ જોઈએ છે. મને એક પત્ર મળ્યો છે અને મને સમજાતું નથી કે મારે તે પોલીસમાં આપવો કે નહીં ? હું તે પત્ર તારા હાથમાં મૂકું છું. તું સમજદાર માણસ છે એટલે જે કરીશ તે મને મંજૂર છે.” આટલું કહી જેકિલે અટરસનને પત્ર આપ્યો.

“તને ડર છે કે પત્ર પરથી હાઇડ પકડાઈ જશે, ખરું ને ?”

“હાઇડ પકડાઈ જાય કે પોલીસ તેને ફાંસીએ ચડાવે, તેનાથી મને કોઈ ફરક નથી પડતો. મારે તો એટલું જ જોવાનું છે કે મારું નામ ન બગડવું જોઈએ.”

અટરસન થોડી વાર વિચારતો રહ્યો. જેકિલ ધાર્યા કરતાં વધુ સ્વાર્થી નીકળ્યો હતો. પણ, તેની આ વિચારસરણી વ્યવહારુ હતી. “મને પહેલા પત્ર વાંચવા દે, પછી વિચારીએ.” અટરસને કહ્યું.

વિચિત્ર અને ગડબડિયા અક્ષરે લખેલા પત્રમાં એડવર્ડ હાઇડે સાઇન કરી હતી. તેણે ટૂંકાણથી લખ્યું હતું, ‘જેકિલના મારા પર અનેક ઉપકાર છે, કોઈ પણ જાતની અપેક્ષા કે સ્વાર્થ વગર તે મને મદદ કરતો રહ્યો છે. પણ, મારા છટકી જવામાં તેનો કોઈ હાથ નથી. આથી હું જેકિલના સંપર્કમાં હતો તેવી કડી મળે તો ય, આ ઘટના બાબતે તેની પજવણી ન કરવી. ડેન્વર્સ કેર્યુંની હત્યા બાબતમાં તેને ન્હાવા નિચોવવાનો ય સંબંધ નથી.’

અટરસનને તે પત્ર ગમ્યો. તેનાથી જેકિલ અને હાઇડની નિકટતા પર વિશેષ પ્રકાશ પડતો હતો. “આ પત્ર જે પરબીડિયામાં આવ્યો તે પરબીડિયું ક્યાં છે ?” અટરસને પૂછ્યું.

“પત્ર વાંચતા પહેલા મેં તે બાળી નાખ્યું હતું. મને શું ખબર કે અંદરથી આવો પત્ર નીકળશે. જો કે તેના પર તે ‘ક્યાંથી પોસ્ટ થયો’ તેનો ઉલ્લેખ થયેલો ન્હોતો. કદાચ તે પરબીડિયું હાથોહાથ પહોંચાડવામાં આવ્યું છે !”

“શું હું આ પત્ર રાખી શકું ? તેનો આધાર લઈ કંઈ તપાસ કરવી હોય તો થઈ શકે તેમ છે.”

“ચોક્કસ. તને ઠીક લાગે તેમ કર. મારું તો મગજ જ બહેર મારી ગયું છે, શું કરવું એ જ સમજાતું નથી.”

“હમ્મ. મારે હજુ એક વાત જાણવી છે. તેં તારા વસિયતનામામાં જે શંકાસ્પદ લખાણ ઉમેર્યું હતું કે તું ગુમ થઈ જાય તો તારી બધી મિલકત હાઇડના નામે થઈ જશે તે હાઇડના દબાણથી જ કે ?”

જાણે પોતાની ચોરી પકડાઈ ગઈ હોય તેમ ડૉક્ટરનો ચહેરો ફિક્કો પડી ગયો, તે પોતાનો હોઠ ચાવવા લાગ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર હકારમાં માથું ધુણાવ્યું.

“મને ખબર જ હતી. તેનો ઇરાદો તારી હત્યા કરવાનો હતો, પણ તું બચી ગયો. ખરેખર તો અત્યારે જે પણ થયું તે તારા સારા માટે થયું છે.”

“હું આમાંથી ઘણું શીખ્યો છું. હવે, જિંદગીમાં ય આવી ભૂલ નહીં કરું.” આટલું કહી જેકિલે પોતાનો ચહેરો બંને હાથોથી ઢાંકી દીધો.

ત્યાંથી પાછા ફરતી વખતે અટરસન પોલ પાસે રોકાયો અને તેને પૂછ્યું, “આજે અહીં એક પત્ર આવ્યો હતો, શું તેં પત્ર પહોંચાડનારને જોયો હતો ? તે કેવો દેખાતો હતો ?” પણ, પોલે કહ્યું, “તમે કહો છો એવો કોઈ પત્ર ઘરે આવ્યો નથી.”

આ સાંભળી અટરસન ચોંક્યો. તેને લાગ્યું કે ‘પત્ર પ્રયોગશાળાના પાછલા દરવાજેથી આવ્યો હશે. એવું પણ બને કે હાઇડે કૅબિનની અંદર બેસીને જ પત્ર લખ્યો હોય ! આમેય તેની પાસે પ્રયોગશાળાની ચાવી તો છે જ. મતલબ, મામલો લાગે છે તેના કરતા વધુ ગંભીર છે.’ મનમાં બબડી અટરસન ઘરની બહાર નીકળ્યો. રસ્તા પર અખબાર વેચતો છોકરો છાપાની થપ્પી પકડી બૂમો પાડી રહ્યો હતો, “આજની તાજા ખબર, આજની તાજા ખબર ; શહેરની જાણીતી હસ્તીની આઘાતજનક હત્યા. ખાસ ખબર માટે ખાસ આવૃત્તિ, ખાસ ખબર માટે ખાસ આવૃત્તિ...”

અટરસન ધર્મસંકટમાં મૂકાયો હતો ; પોતાના અસીલ મિત્રની હત્યાના આરોપી વિશે પોલીસને માહિતી આપવા જાય તો તેનો બીજા મિત્ર ભેરવાઈ જાય ! હવે શું કરવું ? નિર્ણય લેવો સહેલો ન હતો. આથી, તેણે અન્ય મિત્રની સલાહ લેવાનું નક્કી કર્યું, અને પછી તેમ જ કર્યું.

ક્રમશ :