Rahsyna aatapata - 1 books and stories free download online pdf in Gujarati

રહસ્યના આટાપાટા - ભાગ 1

1.

અટરસન એટલે કઠોર ચહેરો ધરાવતો, શહેરનો જાણીતો વકીલ. તેના તંગ ચહેરા પર ક્યારેય હાસ્ય જોવા ન મળે. તે કોઈ સાથે વાત કરતો હોય તો તેમાં લાગણીનો છાંટો ય ન દેખાય. શરીરે પાતળા બાંધાનો, પ્રમાણસર ઊંચાઈ ધરાવતો, ઘેરા રંગનો તે વકીલ, દેખાવે કરડો હોવા છતાં કંઈક અંશે પ્રેમાળ હતો. હા, જૂના મિત્રો ભેગા થયા હોય અને તેની પસંદગીનો વાઇન હોય તો તેની આંખોમાં ચમક જોવા મળતી ; જોકે, વાતો કરવામાં તો તે ત્યારે ય અતડો જ રહેતો, પણ તેની આંખો, ચહેરો અને વર્તનમાં લાગણી છલકાતી. પોતાની જાત પ્રત્યે એકદમ કડક અને શિસ્તબદ્ધ હોવાથી તે ભાગ્યે જ કોઈના ઘરે જતો અને ઊંચી ગુણવત્તાનો શરાબ પીવાના પોતાના શોખને પોષવા ‘જિન’ (અનાજ કે કરમદામાંથી બનેલો ભેળસેળ વગરનો દારૂ) પીતો. પહેલી નજરે તુંડમિજાજી લાગે તેવો તે વકીલ, દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જોતો. દુષ્કૃત્યો કે ગુનો કરતા માણસોને તે ધિક્કારતો નહીં, પરંતુ તેને તેમાંથી બહાર કાઢવા તટસ્થ રીતે મદદ કરતો.

લોહીની સગાઈ ધરાવતા સંબંધીઓ અને લાંબા સમયથી ઓળખાણ ધરાવતા ઘણાં લોકો સાથે તેને મિત્રતા હતી, જેમાં રીચાર્ડ એનફિલ્ડ મોખરે હતો. શહેરમાં મોટું માથું ગણાતો તે કડક માણસ, તેનો દૂરનો સગો થતો હતો. તે બંનેમાં ઘણી સામ્યતાઓ હતી. રવિવારે તેઓ સાથે ચાલવા જતા ત્યારે, કોઈ એક પણ શબ્દ બોલતું નહીં, છતાં એકલા હોય ત્યારે ફિક્કા જણાતા બંનેના ચહેરા પર મિત્રના સાથનો આનંદ સ્પષ્ટપણે વર્તાતો. એકબીજાની સોબતના કારણે અટરસન અને રીચાર્ડ માટે હર રવિવાર, અઠવાડિયાનો ખાસ દિવસ બની રહેતો. સાથે ચાલવામાં તેમને એટલો આનંદ આવતો કે રવિવારે બહુ મોટો ફાયદો થાય તેવું કામ મળતું હોય તો ય તેઓ ઘસીને ના કહી દેતા.

ચાલતી વખતે તેઓ જે શેરીમાંથી પસાર થતા ત્યાં, રવિવાર સિવાયના દિવસોમાં વેપારનો ધમધમાટ જોવા મળતો. શેરીના તમામ દુકાનદારો સારું કમાતા અને નફાનો મોટો ભાગ ગ્રાહકોને આકર્ષવા ખર્ચી નાખતા. રવિવારે જ ચાલવા જતા હોવાથી અટરસન અને એનફિલ્ડને શેરીમાં શાંતિ જોવા મળતી, પણ ત્યારે ય ત્યાં, શહેરના અન્ય ભાગ કરતાં વધારે ઝગમગાટ રહેતો. આડે દિવસે, રસ્તાઓ તરફ ખૂલતા દુકાનોના આકર્ષક દરવાજા, રાહદારીઓને આમંત્રણ આપતી ધંધાદારી સ્ત્રીઓ જેવા લાગતા. તો રવિવારે, જયારે બધું બંધ હોય અને રસ્તાઓ ખાલી હોય ત્યારે, બારી તેમજ બારસાખની પૉલિશ કરેલી બ્રાસની પટ્ટીઓ તેમજ દુકાનોના તાજા રંગેલા શટર દરેકનું ધ્યાન ખેંચતા. ઉપરાંત, શેરીની અસાધરણ સ્વચ્છતા વટેમાર્ગુઓની આંખ ઠારતી.

શેરી પૂરી થાય ત્યાં પૂર્વ દિશાની ડાબી બાજુના ખૂણામાં એક વિચિત્ર મકાન આવેલું હતું. મકાનની બહાર પ્રાંગણ હતું, જેનો જાળી જેવો દરવાજો શેરી તરફ ખૂલતો. જાણે કોઈને તે ઇમારતની પડી જ ન હોય તેમ દીવાલનો રંગ ઊડી-ઊખડીને ફિક્કો પડી ગયો હતો. બે માળ ઊંચા તે મકાનમાં તળમજલે પ્રવેશદ્વાર અને ઉપર ત્રણ બારીઓ આવેલી હતી. દરવાજા પર ખખડાવવા માટે ઘંટડી કે આગળિયા જેવું કંઈ જ લગાવેલું નહોતું. નધણિયાતા લાગતા તે મકાનના પ્રાંગણમાં, દિવસ દરમિયાન આળસુ-આવારા લોકો બેસતા અને બીડીઓ ફૂંકતા. બાળકો ત્યાં પગથિયા પર બેસી નાની મોટી વસ્તુઓ વેચતા. આજ સુધી કોઈએ તેમને તેમ કરતા રોક્યા કે ટોક્યા ન હતા.

ચાલવા નીકળેલા રીચાર્ડ એનફિલ્ડ અને અટરસન શેરીની તે બાજુએ પહોંચ્યા કે વકીલે હાથમાં પકડેલી લાકડી ઇમારતના દરવાજા તરફ ચીંધીને પૂછ્યું, “તને કંઈ યાદ આવે છે ?”

“હા, તે ઘટના મારા દિમાગમાંથી નીકળે તેમ નથી ; બહુ વિચિત્ર દિવસ હતો તે.” એનફિલ્ડે કહ્યું.

“ત્યારે ખરેખર શું બન્યું હતું ?”

“હું તે દિવસે મારું કામ પતાવીને બહારગામથી આવતો હતો. લગભગ રાતના ત્રણ વાગ્યા હશે. શિયાળાની અડધી રાત્રે શેરીમાં સળગતા ફાનસ સિવાય બીજું તો કોણ દેખાય ! હું એક પછી એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો, લોકો પોતાના ઘરોમાં ઊંઘી રહ્યા હતા. શેરીઓમાં સળગી રહેલા ફાનસથી જુલૂસ નીકળ્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું, પણ રસ્તાઓ ચર્ચની જેમ ખાલી હતા. એવામાં મને કંઈક અવાજ સંભળાયો. પછી, થોડી વારમાં બે માનવ આકૃતિઓ દેખાઈ ; એક બટકો ઠીંગણો પુરુષ હતો અને બીજી આઠ-દસ વર્ષની છોકરી. વિરુદ્ધ દિશામાંથી આવતા તે બંને માણસો પેલા ખૂણા પાસે ભેગા થયા અને અરેરાટી ઊપજે તેવી ઘટનાએ આકાર લીધો. પુરુષ છોકરીને નિર્દયતાથી કચડીને આગળ નીકળી ગયો. જાણે તે માણસ નહીં પણ હેવાન હોય તેવો નિર્દયી હતો. મેં તેની સામે જોયું, તેની પાછળ દોડ્યો અને તેનો કોલર પકડ્યો. તેણે કોઈ વિરોધ ન કર્યો, જાણે કંઈ બન્યું જ ન હોય તેમ શાંતિથી ઊભો રહ્યો. જોકે, તેણે મારી સામે એવી રીતે જોયેલું કે મને પરસેવો વળી ગયો હતો. પછી હું તેને, જમીન પર પડેલી કણસતી છોકરી પાસે લઈ ગયો. થોડી વારમાં છોકરીના પરિવારજનો આવી પહોંચ્યા. તેમણે તે છોકરીને એક દવાખાનામાં દાખલ કરી હતી અને ત્યાંથી તે ભાગી હતી. બે પાંચ મિનિટમાં, દવાખાનાના ડૉક્ટર પણ હાજર થયા. ભલે છોકરીને કોઈ ગંભીર ઈજા ન્હોતી થઈ, પરંતુ તે ખાસ્સી ગભરાઈ ગઈ હતી.

અટરસન, તને એવું લાગતું હશે કે વાત ત્યાં પતી ગઈ હશે, પરંતુ ખરી વાત તો પછી જ શરૂ થઈ. મને તે બટકા પુરુષને જોઈને જ તેના પ્રત્યે ઘૃણા જન્મી હતી. એવું જ બાળકીના પરિવારજનો અને ડૉક્ટરે પણ અનુભવ્યું હતું, ડૉક્ટર તો તેને મારી નાખવાનો હોય એવા ખુન્નસથી જોઈ રહેલો ! તું નહીં માને, પણ મેં આજ સુધી આટલો ઘૃણાસ્પદ ચહેરો જોયો નથી. તેનો કાળો ચહેરો અજીબ રીતે ડરામણો હતો. બીજા શબ્દોમાં કહું તો તે કોઈ શેતાનનો અવતાર હોય એવું લાગતું હતું.

અમે તે બટકા પુરુષને ધમકી આપી કે અમે પોલીસ બોલાવીશું એટલે આ કાંડ ઉઘાડો થશે અને તેનું નામ ખરડાશે, આખા લંડનમાં તેના નામની ‘થૂ થૂ’ થશે અને મિત્રો-સંબંધીઓમાં તેની આબરૂ ધૂળધાણી થઈ જશે.

આ સાંભળીને તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. “જો તમે પૈસા લઈને વાત પતાવી દેવા માંગતા હો તો રકમ બોલો.” તેણે કહ્યું.

અમે અંદરો-અંદર ચર્ચા કરીને નક્કી કર્યું કે જો તે છોકરીના પરિવારને સો પાઉન્ડ આપે તો તેને જવા દેવો. (આ વાર્તા ૧૮૮૬માં લખાઈ હતી. ત્યારે સો પાઉન્ડ એટલે ઘણી મોટી રકમ થતી.) આશ્ચર્યજનક રીતે તેણે અમારો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

પછી તે અમને ક્યાં લઈ ગયો, ખબર છે ? આ ઇમારતના દરવાજા પાસે ! તેણે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી, દરવાજામાં ભરાવી, અંદર ગયો અને થોડી વારમાં દસ પાઉન્ડનું સોનું તેમજ બાકીની રકમનો (બેરર) ચેક લઈ હાજર થયો. ચોંકવાની વાત એ હતી કે ચેકની નીચે શહેરની જાણીતી વ્યક્તિએ સાઇન કરેલી હતી. તે બટકો તોડી નાખે તેવી રકમ આપવા તૈયાર થયો તે તો આશ્ચર્યકારક હતું જ, પણ ચેકની નીચેની સાઇન એથી ય વધુ ચોંકાવનારી હતી. મને તેના પર શંકા પડી. મને લાગ્યું કે પૈસા આપ્યા વગર છટકી જવાનું તેનું આ કાવતરું છે. પરંતુ, તેને મારી શંકાનો આભાસ થઈ ગયો હોય તેમ બોલ્યો, “ચિંતા ન કરો. કાલે સવારે બેંક ખૂલતા સુધી, તમે ચેક વટાવીને પૈસા મેળવી લો ત્યાં સુધી, હું તમારી સાથે રહીશ.”

આથી અમે બધા બેંકની નજીક આવેલા મારા મકાનમાં રોકાયા અને સવારનો નાસ્તો કરી બેંકે જવા ઊપડ્યા. મેં તે ચેક મારી જાતે કૅશિયરને આપ્યો અને ચોખવટ કરતા કહ્યું, “ચેકને ધ્યાનથી તપાસજો, સાઇનમાં બનાવટ થઈ હોય એવું લાગે છે.” કૅશિયરે ચેક અને સાઇન ધ્યાનથી જોયા અને બધું બરાબર છે કહી પૈસા ગણી આપ્યા. ખરેખર ચેક જેન્યુઇન હતો.”

“ઓહ !” અટરસને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“હા. તે એવો માણસ હતો કે કોઈને જોવો ય ન ગમે, પણ તેણે જેના નામનો ચેક આપેલો તે અઢળક સંપત્તિનો માલિક છે. મને તો આ બ્લેક મેઇલિંગનો મામલો લાગે છે. આ રખડું પાસે પેલા મોટા માણસની દુખતી નસ આવી ગઈ હશે, માટે નાક દબાવી પૈસા ઓકાવી રહ્યો છે.” એનફિલ્ડના શબ્દોએ અટરસનને વિચારતો કરી મૂક્યો.

“શું એવું ન બને કે જેના નામનો ચેક અપાયો તે વ્યક્તિ આ મકાનની અંદર જ રહેતી હોય ?” અટરસને પૂછ્યું.

“શી ખબર ? મેં આ જગ્યાનું ઉપરછલું નિરીક્ષણ કર્યું છે. તે કોઈ ઘર જેવું છે. આગળ દેખાય છે તે સિવાય અંદર જવાનો બીજો કોઈ દરવાજો નથી, તો ય અહીંથી કોઈ અવર-જવર કરતું નથી. પહેલા માળે ત્રણ બારીઓ છે જે કાયમ બંધ રહે છે, પણ ઉપર દેખાતી ચિમનીમાંથી ઘણી વાર ધુમાડો નીકળતો હોય છે, મતલબ અંદર કોઈ રહેતું હોવું જોઈએ. કદાચ એવું પણ બને કે આ ઇમારત પાછળની ઇમારત સાથે જોડાયેલી હોય. બહારથી જોતા ખબર નથી પડતી કે મકાન ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરું !”

તે બંને થોડી વાર એમ જ ચાલતા રહ્યા. પછી અટરસને કહ્યું, “તને જે શેતાનનો ભેટો થયેલો તેનું નામ શું હતું ?”

“હાઇડ.”

“તેના દેખાવનું વર્ણન કરી શકીશ ?”

“દેખાવમાં તે સામાન્ય હતો, છતાં કંઈક એવું હતું જેના કારણે તેની હાજરી જ કષ્ટદાયક લાગે ; તેને જોતાં જ માણસને નફરતની લાગણી જન્મે. મેં તેના જેટલો ઘૃણાસ્પદ માણસ આજ સુધી જોયો નથી. જાણે તે બધી રીતે વિકૃત હોય તેવું લાગતું હતું. જોકે, હું તેને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી.”

“તને ખાતરી છે કે તેણે મકાન ખોલવા ચાવી જ વાપરી હતી ?”

“હા બિલકુલ. અઠવાડિયા પહેલા ફરી, મેં તેને આ ઘરનું તાળું ખોલતા જોયો હતો.”

“હમ્મ. હવે સાંભળ, હાઇડે કોના નામનો ચેક આપ્યો હતો તે મને ખબર છે કારણ કે તારી આ વાત ઘેર ઘેર પહોંચી ગઈ છે. વળી, લોકોના મોઢે તાળા મરાતા નથી, એટલે પેલા મોટા માણસની બદનામી થશે તો તું તકલીફમાં મૂકાઈશ.” અટરસને ચેતવણી આપી.

એનફિલ્ડને અટરસનની વાત ન ગમી, છતાં તેણે જવાબ વાળ્યો, “મારે ડરવાની જરૂર નથી કારણ મેં જે પણ કહ્યું તેનો એક એક શબ્દ સાચો છે. જોકે, હવે મારે આ બાબતની ચર્ચા કરવી નથી. મહેરબાની કરીને તું ય આ વાતનો ઉલ્લેખ ન કરીશ.”

“ઠીક છે.” અટરસને કહ્યું.

ક્રમશ :