Vikruti - 18 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-18

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-18
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
       મહેતાભાઈએ પોતાના પન્ના ખોલ્યા અને વિહાનને પોતાના ધંધામાં લાવવા મનાવી લીધો.તેણે જે રસ્તો પસંદ કર્યો હતો એ ખૂબ જ ખતરનાક હતો.રૂપિયાની લાલચમાં વિહાને મહેતાભાઈની વાત માની તો લીધી હતી પણ આગળ શું અંજામ આવશે એ વિચારોમાં બહાર આવી સિગરેટ હાથમાં લઈ બેઠો હતો,ત્યાં એક છોકરી આવી તેને એક ચિઠ્ઠી આપી ચાલી ગઈ.હવે આગળ..
    વિહાનેએ છોકરીને બૂમ પાડી પણ એ છોકરી બાઇક પર બેસી હવામાં અદ્રશ્ય થઈ ગઈ હોય તેમ ફૂલ સ્પીડે નીકળી ગઈ.વિહાને સિગરેટ સળગાવી.સિગરેટનો ટેસ્ટ વિહાનને પસંદ ના આવ્યો.પહેલીવાર તેણે ક્રશ ખેંચ્યો હતો એટલે ઉધરસ પણ આવી.તેણે એક ચિઠ્ઠી ખોલી.તેમાં જે લખાણ હતું એ ખતરનાક હતું.મહેતાના કાળા કારનામાઓ ખુલ્લા કરી દેવાની તાકાત હતી તેમાં.વિહાને પહેલી લાઈન વાંચી.આગળ શું લખ્યું છે વાંચવાના બદલે તેણે બીજી ચિઠ્ઠીનો કૂચડો કરી બાજુના ડસ્ટબીનમાં ફેંકી અને પહેલી ચિઠ્ઠી પોકેટમાં રાખી દીધી.સિગરેટ પુરી થઈ ના થઇ વિહાન તરત ઉભો થઇ હોસ્પિટલ જવા નીકળી ગયો.
     વિહાન હોસ્પિટલ આવ્યો ત્યારે આકૃતિ ભાનમાં આવી ગઈ હતી.આકૃતિ દલીલ કરશે એ વાત તે જાણતો હતો એટલે એક કહાની બનાવી આકૃતિને તેણે સમજાવી દીધી.ત્યાં ડો.ત્રિવેદી તેની નજીક આવી ઉભા રહી મલકાયા.
“શું થયું ડોક્ટર?,મમ્મી સારી તો થઈ જશેને?”વિહાને ચહેરા પર ચિંતાની રેખા તાણી. તેને ખબર હતી કે ત્રિવેદી મહેતા સાથે મળેલો છે પણ બધા સામે નાટક કરવું જરૂરી હતું.
“થઈ જશે શું થઈ ગઈ”ડૉ.ત્રિવેદીએ ખુશીના સમાચાર આપ્યા, “ફોર્મલિટીઝ પુરી કરી તમે અરુણાબેનને ઘરે લઈ જઈ શકો છો”
      ઈશા અને આકૃતિને આશ્ચર્ય થયું,કાલ સુધી તેઓ કંઈ જવાબ નોહતા આપતા અને અત્યારે અચાનક સારું થઈ ગયું.વિહાન તો જાણતો જ હતો કે તેની મમ્મીને બેહોશીનું ઇન્જેક્શન આપી સુવરાવી રાખવામાં આવતા.ઈશા અને આકૃતિ ઉછળી પડી.જે થયું હોય એ પણ વિહાનના મમ્મી ઠીક થઈ ગયા.ત્રણેય એકમેકને ભેટી પડ્યા.
“વિહાન ફોર્મલિટીઝ પુરી કરવા મારા કેબિનમાં આવજે”ડૉ. ત્રિવેદી કહીને નીકળી ગયા.વિહાન તેની પાછળ ગયો.
“બ્રિફકેસ?”વિહાન કેબિનમાં ગયો એટલે ત્રિવેદીએ પૂછ્યું.
       વિહાને દસ્તાવેજના પાંચમા પૅજવાળા લિસ્ટનું કાગળ ત્રિવેદીના હાથમાં રાખ્યું.ત્રિવેદીને બ્રિફકેસ મળશે તેવી વાત થઈ હતી એટલે તે ચોંક્યો. “બ્રિફકેસ લાવવાની હતી નાલાયક”ગુસ્સામાં તેણે વિહાનને ગાળ આપી.વિહાને કોઈ જવાબ ન આપ્યો.
“બ્રિફકેસ ક્યાં છે?”ત્રિવેદીએ બીજીવાર પૂછ્યું.વિહાન તેની નજીક ગયો,ત્રિવેદી કંઈ વિચારે એ પહેલાં વિહાને તેના ગાલને તમાચો મારી લાલ કરી દીધો.
“શું કામ માર્યું ખબર છે?તું જે મારી માંને રોજ સોઈ પરોવી દુઃખ આપતો હતો તેનો જવાબ”વિહાને ફરી એક તમાચો માર્યો, “આ અત્યારે તે જે વર્તન કર્યું તેનો જવાબ.”
     ત્રિવેદી ડઘાઈ ગયો.વિહાન આમ આક્રમક બની જશે એવી તેને આશા નોહતી.બિલ્લીની જેમ એ લપાઈને તેની ખુરશી પર બેસી ગયો.
“કોઈ ફોર્મલિટીઝ કરવાની છે?”વિહાને ગુસ્સામાં પૂછ્યું.
“ના,તમે નીકળો”ધીમેથી ત્રિવેદીએ કહ્યું.
      અરુણાબેનને લઈ ત્રણેય ઘરે આવ્યા.ઈશા અને આકૃતિનો આભાર માની તેઓને રવાના કરવા વિહાન બહાર આવ્યો.આકૃતિ વિહાન સામે જોતી રહી.છેલ્લા ત્રણ દિવસમાં બંને વચ્ચે નહિવત જેવી વાતો થઈ હતી એ વિહાન જાણતો હતો.
‘કાલે બધા કોલેજ મળશું’ એમ કહી બંને નીકળી ગઈ.વિહાન ઉતાવળે પગે ઘરમાં આવ્યો.પોકેટમાંથી ચિઠ્ઠી કાઢી.
‘તારા પર મહેતાના લોકો નજર રાખે છે.બીજી ચિઠ્ઠી ડસ્ટબીનમાં ફેંક અને ત્યાંથી નીકળી જા’ વિહાને પહેલી લાઈન આ જ વાંચી હતી.એ સમજી ગયો હતો એટલે તેણે બીજી ચિઠ્ઠી ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી.
‘હું કોણ છું એ તારે જાણવાની જરૂર નથી.તારી શુભચિંતક સમજી લે.જો તારે મહેતાના શિકન્જામાંથી છૂટવું હોય તો આજે રાત્રે દસ વાગ્યે ઉસ્માનપુરા રિવરફ્રન્ટના ગાંધીબ્રિજ નીચે મળજે’
‘કોણ હશે એ છોકરી?’વિહાન વિચારવામાં પડ્યો. આ મહેતાની કોઈ ચાલ તો નહીં હોયને.
      ઘણીબધી વાતોની વિહાનને જાણ નોહતી.સાંજે એ છોકરીને મળવાનું વિચારી વિહાન આરામ કરવા આડો પડ્યો.બે દિવસનો થાક હતો એટલે તેને તરત જ ઊંઘ આવી ગઈ.
                         ***
    સાંજે ચાર વાગ્યે એ છોકરી રિવરફ્રન્ટ પર પહોંચી.ત્યાં કોઈ તેની રાહ જોઈ રહ્યું હતું.
“આપી દીધી ચિઠ્ઠી?’”એ છોકરીની રાહ જોતી બીજી છોકરીએ પૂછ્યું.
“હા,તેના હાથમાં આપી હું નીકળી ગઈ હતી”
“તને જોઈ તો નથીને?”
“ના મેં સ્કાફ બાંધ્યો હતો અને તારો આભાર.તે મને મહેતાના આ ધંધામાં પડતા બચાવી લીધી.”આભારવશ થઈ રીટાએ કહ્યું.
     રીટા જ્યારે કોલેજ જવા નીકળી હતી ત્યારે આકૃતિની જેમ જ તેને પણ કિડનેપ કરવામાં આવી હતી.પહેલી છોકરીની મદદથી એ ત્યાંથી ભાગી નીકળી હતી એટલે તેના અહેસાનનો બદલો વાળવા એ અત્યારે મદદ કરી રહી હતી.
“ઑકે ગૂડ,હવે સાંજે જ્યારે વિહાન આવે ત્યારે આ ચિઠ્ઠી તેને આપી દેજે અને ધ્યાન રાખજે એ તને ઓળખી ના જાય”ચિઠ્ઠી હાથમાં પકડાવી એ છોકરીએ કહ્યું.
“તું શા માટે આવું કરે છે?”રીટાએ એ છોકરીને પૂછ્યું.
“તારા જેવી કેટલીય છોકરીઓને બંધક બનાવી ઊંચા ભાવે મહેતા વેંચે છે.હું એ બધી છોકરીઓને છોડાવવા માંગુ છું અને મને ખબર છે વિહાન જ આ કામ કરી શકશે.”એ છોકરીએ રીટાને સમજાવતા કહ્યું.
“મહેતાની તને કેમ ખબર?તને પણ એણે કિડનેપ કરી હતી?”રીટાએ પૂછ્યું.
“ના,મને એ કોઈ દિવસ કિડનેપ ના કરી શકે.”એ છોકરીએ ઊંડો શ્વાસ છોડતા કહ્યું.તેને અફસોસ હતો કે તેણે જેના ઘરે જન્મ લીધો તેનો જ બાપ આવા ધંધા કરે છે.
“હવે ધ્યાન રાખજે,કોઈ પ્રોબ્લેમ થાય તો મને કૉલ કરજે”એ છોકરીએ કહ્યું એટલે રીટા ત્યાંથી નીકળી ગઈ.
                   ***
     વિહાન રાત્રે જમીને ગાંધી બ્રિજ નીચે પહોંચ્યો.દસ વાગવામાં હજી અડધી કલાકની વાર હતી એટલે તેણે થોડીવાર ટહેલવાનું વિચાર્યું.તેને આકૃતિના પણ વિચાર આવતા હતા.આકૃતિને જો ખબર પડશે કે પોતે હવે એ વિહાન નથી રહ્યો જે તેણે પસંદ કર્યો હતો તો કેટલી હર્ટ થશે.પહેલીવાર તો એ આકૃતિ સાથે નજર જ નહીં મેળવી શકે.જ્યારે આકૃતિ તેની જોબ વિશે પૂછશે તો શું જવાબ આપશે?આકૃતિ સામે ખોટું બોલવું વિહાનને નોહતું ગમતું.જો એ હકીકત જણાવશે તો આકૃતિને જ પ્રોબ્લેમ થશે તેમ વિચારી તેણે આકૃતિ સામે ખોટું બોલવાનો નિર્ણય કરી લીધો.
     નવ પિસ્તાલીસ થઈ એટલે વિહાનના મોબાઈલમાં એક મૅસેજ પૉપ-અપ થયો.એ મૅસેજ રીટાનો જ હતો.એ ગાંધીબ્રિજની નીચે પહોંચી ગઈ હતી.રીટાએ ગાંધીબ્રિજ નીચે ભાડે મળતી સાઈકલોમાં બાળકોની સાઇકલની હરોળમાં સાઇકલ નંબર ચારની સીટ નીચે બે ચિઠ્ઠી રાખી છે એવું વિહાનને જણાવ્યું હતું.વિહાન ઉતાવળા પગે ત્યાં પહોંચ્યો.થોડીવાર નિરીક્ષણ કર્યા પછી સાઇકલ નંબર ચારમાંથી એ ચિઠ્ઠી ઉઠાવી વાંચવા ખોલી.
‘તારા પર મહેતાના લોકો નજર રાખે છે.બીજી ચિઠ્ઠી ડસ્ટબીનમાં ફેંક અને ત્યાંથી નીકળી જા’એ ચિઠ્ઠીમાં પહેલાની માફક એ જ લાઈન લખી હતી.આ વખતે વિહાને બીજી ચિઠ્ઠી વાંચવા ખોલી.તેમાં ‘આઇ લવ યું વિહાન’ લખ્યું હતું.વિહાનને કંઈ સમજણ ના પડી એટલે એ ચિઠ્ઠી બાજુના ડસ્ટબીનમાં ફેંકી દીધી.આજુબાજુ નજર કરી તો કોઈ છોકરી ત્યાં હતી નહિ.વિહાને ત્રાસી નજરે મહેતાના ચમચાઓને ઓળખી લીધા એટલે એ સમજી ગયો કે એ છોકરી સાચું બોલતી હતી.
      વિહાન દાદર ચડી ઉપર આવ્યો.બહાર નિકળવાના ગેટની ડાબી બાજુએ પાણીનું પરબ હતું.ત્યાં પાણી પીધું અને જોઈ લીધું કે મહેતાના આદમી તેની પાછળ નથી આવતા.ઉતાવળથી એ રોડ તરફ આવ્યો,શટલ પકડી ત્યાંથી નીકળી ગયો.શટલમાં બેઠી તેણે બીજી ચિઠ્ઠી ખોલી.
‘હું કોણ છું અને શા માટે તારી મદદ કરું છું એ તો તને જણાવી નહિ શકું,બસ શુભચિંતક માની લે.કાલે રાત્રે એક કન્ટેઇનરમાં ઓગણીસ છોકરીઓને દેહવ્યાપાર માટે એ લોકો મુંબઈ લઈ જવાના છે.બની શકે તો રોકી લેજે પ્લીઝ.મારો કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કરતો’
      વિહાને મૅસેજ આવેલા નંબર કૉલ લગાવ્યો.કૉલ ના લાગ્યો એટલે પોતે મૂર્ખાઈ કરી એવું વિહાનને લાગ્યું.કોણ હશે એ છોકરી અને શા માટે તેને જ આ ચિઠ્ઠી લખીને એ ગુંથી વિહાન ઉકેલવા માંગતો હતો પણ એમાં પોતે જ ફસાવા લાગ્યો હતો.તેને યાદ આવ્યું,
‘મહેતાએ આજે સાંજે ત્રિવેદીને ગેલોર્ડ હોટેલમાં મળવા બોલાવ્યો હતો.એ લોકો આ છોકરીઓની જ વાત કરતા હશે.તેમાં વિશ છોકરીઓના નામ હતા અને ચિઠ્ઠીમાં ઓગણીસ જ લખેલી છે.મતલબ એક છોકરી મિસિંગ છે. યસ એ છોકરી જ હોવી જોઈએ’વિહાને મનોમંથન કર્યું.વિહાન ચાલાક બની ગયો હતો.આવા ધંધામાં તેણે ચાલાકી રાખવી જ પડે.તેણે મહેતાને કૉલ લગાવ્યો અને કાલે શું કામ કરવાનું છે એ પૂછ્યું. મહેતાએ થોડીવારમાં કૉલ કરું એમ કહી કૉલ કટ કરી દીધો.
      કૉલ કટ થયો એટલે વિહાન હસ્યો.એ છોકરી કોણ છે એ જાણવાની તેને કડી મળી ગઈ હતી.
                  ***
“ડફોળ,નાલાયક છે તું,એક છોકરી ના સાચવી શક્યો”મહેતા ત્રિવેદી પર ગુસ્સે થયો હતો.બંને હોટેલ ગેલોર્ડમાં મળ્યા ત્યારે એક છોકરી નાસી છૂટી છે તેની જાણકારી ત્રિવેદીએ આપી હતી.
“પહેલીવાર આવું થયું,કોને ખબર ક્યાંથી ભાગી પણ શાણી હતી એ.દસ આદમને ચકમો આપી ભાગી ગઈ સાલી”ત્રિવેદીએ ગ્લાસમાં રહેલો દારૂ પેટમાં રેડતા કહ્યું.
“હવે તેના વખાણ કરવાનું છોડ અને એને પકડ,જો એ કોઈને વાત કરશે તો ધંધો ચોપટ થશે.”મહેતાએ ત્રિવેદીને હાંકતા કહ્યું.
“પેલો વિહાન જ છોડાવી ગયો હશે.સાલાએ બે લાફા ચૉડી દીધા મને”વિહાનને ગાળો આપતા ત્રિવેદીએ ગાલ પર હાથ રાખ્યો.
“ના,એ ના હોય.તેને ખબર નથી છોકરીઓને ક્યાં રાખી છે.આ કોઈ જાણભેદીનું જ કામ છે.સાલો હાથમાં આવે એટલે તેની ખેર નહિ”મહેતાએ કહ્યું.તેના મોબાઈલમાં રિંગ વાગી.વિહાનનો કૉલ હતો એ.તેણે કાલે શું કામ કરવાનું છે એ પૂછ્યું.થોડીવારમાં જવાબ આપવાનું કહી મહેતાએ કૉલ કટ કરી નાખ્યો.તેને એક યુક્તિ સુજી.
“તું કંઈ નહિ કરી શકે ગધેડા જેવા”ત્રિવેદીને સંબોધી મહેતા બોલ્યો.તેણે ફરી વિહાનને કૉલ લગાવ્યો.
“હું તને એક લિસ્ટ મોકલું છું.તેમાં જે નામ પર સર્કલ કરેલું છે એ છોકરી ક્યાં છે એ શોધી આપ”મહેતાએ કહ્યું.મહેતાને એમ હતું કે આ ધંધામાં નવો છે એટલે અત્યારે બધા કામ કરવા તૈયાર થઈ જશે.
     વિહાને હા પાડી કૉલ કટ કરી નાખ્યો.એ સમજી ગયો હતો કે જે છોકરીની પોતે તલાશ કરે છે એ જ છોકરીની મહેતાને તલાશ છે.મહેતાએ એક ફોટો વોટ્સએપ કર્યો.
      વિહાને જોયું તો એ પેલી ફાઇલના પાંચમાં પૅજનો ફોટો હતો.નીચે તેણે આકૃતિનું નામ ભુસ્યું હતું એ પણ તેના ધ્યાનમાં આવ્યું.તેણે સર્કલ કરેલા નામ પર નજર કરી. ‘રીટા રાઠોડ’
(ક્રમશઃ)
      વિહાન રીટાને શોધી શકશે?રીટાને જે છોકરીએ ચિઠ્ઠી મોકલવા કહ્યું હતું એ કોણ હશે?શા માટે એ વિહાનની મદદ કરતી હશે?શું વિહાન ઓગણીસ છોકરીઓને બચાવી શકશે?
    જાણવા વાંચતા રહો ‘વિકૃતિ’
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)