વ્હાઇટ ડવ ૨

પ્રકરણ ૨

કાવ્યાએ એના મામાને મળીને બધી વાત કરી. સવારે એને મળેલા કવર અને પછી મમ્મીએ કહેલી બધી વાતની એના મામા નીતિરાજભાઇ સાથે ચર્ચા કરીને છેલ્લે એ લોકો વલસાડ જવા તૈયાર થયા. નીતિરાજભાઇને હાલ ઑફિસમાં જરૂરી કામ હોવાથી રજા મળે એમ ન હતું પણ, જેવી રજા મંજુર થશે એવા તરત એ પણ ત્યાં ચક્કર મારી જશે એમ નક્કી કરીને મા દીકરી માટે એમણે મુંબઈથી વલસાડ સુધીની ટેક્સી બુક કરાવી દીધી. બીજે દિવસે સવારે જ એ લોકોએ નીકળવાનું નક્કી કરેલું.
કાવ્યાને એ આખી રાત ઊંઘ ન આવી. એક જૂની થઈ ગયેલી ઇમારત અને એના ઉપર લખેલું, “વ્હાઈટ ડવ : મેન્ટલ અસાયલમ” એ ચિત્ર એની આંખ આગળથી ખસતું જ ન હતું. એ વિચારી રહી...હોસ્પિટલનું જે દૃશ્ય એને સપનામાં દેખાતું હતું એ એક જર્જરિત હોસ્પિટલ હતી. બાળપણની જે ધૂંધળી યાદો એના માનસપટ પર છવાયેલી હતી એમાં એ હોસ્પિટલ નવી નકોર હતી. નવો જ કલર કરેલી, સફેદ અક્ષરથી એના પર લખેલું વ્હાઈટ ડવ એને ઝાંખું ઝાંખું યાદ આવ્યું. તો સપનામાં એને એ હોસ્પિટલ કેમ દેખાતી હશે? જૂની પુરાણી કેમ? નવી ઇમારત કેમ નહિ? શું સાચુકલી ત્યાં કોઈ આત્મા ભટકતી હશે? જો હા, તો કોની આત્મા? એની મમ્મીએ જે આત્માનો સાયો જોયેલો એ એક પાગલ સ્ત્રીની આત્મા હતી. જો એણે એ હોસ્પિટલમાં જ આત્મહત્યા કરેલી, તો એને આત્મહત્યા કરવા મજબૂર કોણે કરી? એના સિવાય કોઈ બીજી આત્મા પણ ત્યાં હાજર હશે? કે પછી પપ્પાએ એ પાગલ સ્ત્રીની ભૂલથી હત્યા કરી દીધી હોય અને એમનો ગુનો છુપાવવા એને આત્મહત્યાનું નામ આપ્યું હોય! કાવ્યાનું દિમાગ ચકરાઈ ગયું આ બધા વિચારોમાં... અચાનક એને એની જુડવા બહેન દિવ્યા યાદ આવી ગઈ. પાંચેક વરસની એ હશે અને હંમેશા માટે બંને છૂટી પડી ગયેલી... દિવ્યા! કાવ્યાને થોડું થોડું બાળપણ યાદ આવી રહ્યું હતું. એને શું થયું હશે?
સવારે કાવ્યા અને એની મમ્મીને લેવા ટેક્સી આવી ગયેલી. મુંબઇના ટ્રાફિકથી બચવા એ લોકો વહેલી સવારે નીકળી ગયેલા. હવાને ચીરતી એમની ઇનોવા રોડ પરથી પાણીના રેલાની જેમ સરકી રહી.... વચ્ચે ફક્ત બેવાર એ લોકો જમવા અને ચા-નાસ્તા માટે રોકાયેલા છતાં વલસાડ આવતા સાંજ પડી ગઈ હતી. એમનું ગામ હજી વલસાડથી થોડું આગળ હતું. ગાડી આગળ વધી રહી હતી.
ઑક્ટોબર શરુ થઇ ગયો હતો. દિવસ જલદી પૂરો થવા લાગ્યો હતો. એમાંય વલસાડ છોડીને આગળ જતાં ઘીચ ઝાડીઓ વચ્ચે વધારે ઝડપથી અંધકાર એનું સામ્રાજ્ય જમાવી રહ્યો હતો. મા દીકરી બંને ચૂપ હતા. મનમાં ઢગલો સવાલ હતા પણ એનો જવાબ તો એ જગાએ જઈને જ મળશે એ બંને જાણતા હતા, એટલેજ ચૂપ હતા.
આંબાવાડીની અંદર થઈ હવે આગળનો રસ્તો હતો. અહીં ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયેલો. ગાડીની હેડલાઈટ સિવાય બીજે ક્યાંય કોઈ પ્રકાશ ન હતો. કાવ્યાની નજર બારી બહાર એમની સાથે જ વિરુદ્ધ દિશામાં દોડી રહેલા આંબાના વિશાળ ઝાડ પર હતી. અંધારામાં એ વિશાળ, ચારેબાજુ એની ડાળીઓ ફેલાવીને ઉભેલા ઝાડ ઘણાં ડરાવના લાગતાં હતાં... દુરથી દેખાતા એક ઝાડ પરથી એક ઘુવડ કાવ્યાની સામેને સામે તાકીને જોઈ રહ્યું હતું. એની બે મોટી મોટી આંખો નાની નાની બે બલ્બની ગોળીઓની જેમ ચમકી રહી હતી. જેમ જેમ એ ઝાડ પાસે આવતું ગયું એ ઘુવડની આંખોની ચમક વધતી જ ગઈ. એ હજી જાણે કાવ્યાને જ જોઈ રહ્યું હતું. કાવ્યા થોડી ડરી ગઈ... એણે નજર બીજી બાજુ વાળી લીધી.
“ખ...ચા....ક...” કંઇક અચાનક આવીને કાવ્યા બેઠી હતી એ બાજુની બારીએ અથડાયું. નાછૂટકે કાવ્યાએ એ તરફ નજર ગુમાવી. એની આંખો પહોળી થઈ ગઈ... પેલું ઘુવડ એની જગાએથી ઉડીને કાવ્યાની બારીના કાચ પર એની ચાંચથી પ્રહાર કરી રહ્યું હતુ. “ખ...ચા...ક..” , “ખચા..ક..” એ વારંવાર પ્રહાર કરી રહ્યું. એની આંખોની ચમક હવે બે સળગતા અંગારા જેવી દેખાઈ રહી. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. એનું આ તરફ ધ્યાન જ ન હતું. માધવીબેનની આંખ મળી ગઈ હતી. કાવ્યા ગભરાઈ રહી હતી ત્યાં જ કાચ તૂટવાના તીણા અવાજ સાથે પેલા જંગલી ઘુવડે બારીનો કાચ તોડી અંદર આવવા પ્રયાસ કર્યો! એ સીધું કાવ્યાના મોઢા પર ધસી આવ્યું. એની પાંખો પર તૂટેલા કાચની કરચો વાગી હતી. એ પણ ઘાયલ થયેલું હતું છતાં એણે કાવ્યા પર હુમલો કર્યો. બે હાથો વડે કાવ્યાએ એ જંગલી પંખીને પકડી લીધું અને જાણે એને ચીરી નાંખવાની હોય એમ આવેશથી એની બંને પાંખો પકડી ખેંચી રહી. એના મોઢામાંથી “મમ્મી...બચાવ...મમ્મી...” એવા અવાજો નીકળી રહ્યા હતા. પેલું ઘુવડ હજી એની પૂરી તાકાત લગાવી કાવ્યાના મોઢા પર ચાંચ મારવાનો પ્રયત્ન કરી રહ્યું હતું....
એક જોરદાર જટકા સાથે ડ્રાઈવરે ગાડી થોભાવી.
કાવ્યાની મમ્મીએ પૂછ્યું, “શું થયું? ગાડી કેમ ઊભી રાખી?”
આ જટકાથી એક ફાયદો થયો. કાવ્યા જાગી ગઈ. એણે પણ એજ સવાલ પૂછ્યો જે એની મમ્મીએ પૂછ્યો હતો. એ ગભરાયેલી હતી. એસીની ઠંડકમાય એના શરીરે પરસેવો વળી ગયેલો. એની આંખો હજી બારી બહાર પેલા ઘુવડને તલાશી રહી. બહાર કંઈ જ ન હતું. એની તરફનો બારીનો કાચ પણ સલામત હતો. તો શું એ સપનું હતું? કાવ્યાની ધડકન હજી તેજ હતી.
માધવીબેન એમની સાઇડનો દરવાજો ખોલીને નીચે ઉતર્યા હતા. બે પળ શાંતિથી બેસીને કાવ્યા પણ નીચે ઉતરી.
“તું સુઇજા બેટા. પંકચર પડ્યું છે. ડ્રાઈવર વ્હીલ બદલી રહ્યો છે. પાંચેક મિનિટ તો લાગશે જ..” માધવીબેને કહ્યું.
કાવ્યા કંઈ બોલી નહીં. એની આંખો ચાર બાજુ ઊભેલા આંબાના ઝાડની ડાળીઓને જોઈ રહી. એને હતું કે હમણાં કયાંકથી પેલું ઘુવડ ધસી આવી એના પર હુમલો કરશે...
રાતના સાત વાગીને દસ મિનિટ ઉપર ઘડિયાળનો કાંટો આવ્યો ત્યારે ઇનોવા એમની હવેલી આગળ ઊભી રહી હતી. ગાડીમાંથી નીચે પગ મૂકતા જ કાવ્યાને સામે ઊભેલી એમની વડવાઓની હવેલી દેખાઈ. ગામડામાં રાત વહેલી પડી જાય એ આજે કાવ્યાએ જોયું. મુંબઇના પ્રમાણમાં અહીં થોડી ઠંડી હતી. બહું વધારે નહીં પણ મજા પડે એવી ઠંડી.
ઘરનો વરસો જૂનો નોકર, રસોયો કે ચોકિયાત જે ઘણો એ એકનો એક પ્રભુ હતો. એ ત્રીસેક વરસનો હશે. પહેલા એના બાપા અને એમના પછી એ, આ હવેલીની દેખરેખ રાખતો હતો. એણે દોડતા આવીને સામાન લેવા માંડ્યો. માધવીબેનને બે હાથ જોડી પ્રણામ કર્યા અને કાવ્યાને કેમછો બેન એમ પૂછ્યું. બધા અંદર ગયા. રસોઈ તૈયાર હતી. માધવીએ પહેલાજ ફોન કરી દીધો હતો. ડ્રાઈવર જમીને તરત નીકળી ગયો. માધવીબેન અને કાવ્યા થાકયા હતા એ લોકોએ ફ્રેશ થઈને પછી જમીશું એમ કહ્યું. પ્રભુએ બીજે માળે આવેલા બે બેડરૂમનો દરવાજો ખોલી સફાઈ કરાવી રાખી હતી.
એક રૂમમાં માધવીબેન અને બીજા રૂમમાં કાવ્યા દાખલ થયા. કાવ્યાને આ હવેલી જોઈ કોઈ અદભુત રોમાંચ થઈ રહ્યો હતો. આવી હવેલી એણે આજ સુંધી ફક્ત ફિલ્મોમાં જોઈ હતી. એ પોતે આ હવેલીની માલકણ છે એ વિચાર જ એને ખુશ કરવા કાફી હતો. આખી જીંદગી મુંબઇના બે બેડરૂમ, હોલ, કિચનમાં વિતાવ્યા બાદ આ હવેલીની મુલાકાત....એના માટે એક સપના સમાન હતી.
કાવ્યાએ જઈને બાથરૂમની મુલાકાત લીધી. ગોળ આકારનું મોટું બાથટબ, શાવર, બાથરૂમમાં જ એક બાજુ ગ્લાસથી પાર્ટીશન કરીને ડ્રેસિંગ ટેબલ જેવી વ્યવસ્થા કરેલી હતી. ત્યાં એક કબાટ પણ હતું. કબાટમાં હાલ બે જોડી ટુવાલ જ મૂકેલા હતા. કાવ્યાને બાથટબમાં પાણી ભરી નહાવાની ઈચ્છા થઈ આવી પણ, એણે પોતાની જાતને રોકી. એ બાથરૂમ, એ બાથટબ હવે એનુ જ હતું. હવે રોજ એ વાપરી શકાય. હાલ, એણે વોશ બેસિન આગળ જઈ ચહેરા પર પાણીની છાલક ચહેરા પર મારી. પાણી ઠંડું હતું એને સારું લાગ્યું. બીજી થોડી છાલકો મારી કાવ્યાએ ટુવાલ વડે ભીનો ચહેરો લૂછ્યો. પાણીના રેલા એના ગળા પરથી સરકીને નીચે એના સીના સુંધી સુધી દોડી ગયા હતા. એણે શર્ટના બે બટન ખોલીને ખુલ્લા થયેલા ભાગ પર ટોવેલ દબાવી પાણી લૂછયું. સ્કર્ટમાં ખોસેલું શર્ટ બહાર નીકાળ્યું અને શર્ટની અંદર હાથ નાખી એની છાતી પર ચોંટી ગયેલી બ્રાની પટ્ટી ખેંચીને સરખી કરી.
આ વખતે એની નજર સામેના આદમકદના અરીશા પર હતી. એનું ચુસ્ત, ઘાટીલું શરીર જોઈને એ પોતે જ પોતાના પર મોહી પડી. એની બ્રાની પટ્ટીના એક ખૂણે એને કંઇક ચોંટેલું દેખાયું. કંઇક કાળું, વાળના ગુચ્છા જેવું. એણે ખેંચીને એ વસ્તુ બહાર કાઢી. હાથમાં લઈ એને પ્રકાશમાં જોતા જ એ પગથી માથા સુધી ધ્રુજી ગઈ.
એ એક પીંછુ હતું. બિલકુલ એવું જ પીંછું જેવા પેલા ઘુવડના શરીર પર હતા. એણે ફટોફટ શર્ટના બટન બંધ કર્યા અને ભાગીને એના મમ્મીનાં રૂમમાં ગઈ.
“મમ્મી...મમ્મી....આ જો!” ધ્રુજતા ધ્રુજતા એણે પેલું પીંછું માધવીબેન આગળ ધર્યું, “આને મેં સપનામાં જોયેલું, ત્યાં ગાડીમાં એ અત્યારે અહીં કઈ રીતે આવી ગયું?”
“શું..? શું સપનામાં જોયેલું અને અત્યારે અહીં આવી ગયું?” હાલ નાહીને આવેલા માધવીબેને એમના વાળ સરખા કરતા પૂછ્યું.
“આ...મારા હાથમાંનું પીંછું.....” પીંછું બોલતા, બોલતા જ કાવ્યા ચૂપ થઈ ગઈ. એના હાથમાં અત્યારે કંઈ જ ન હતું. એક ભયનું લખલખું એના શરીરમાંથી પસાર થઇ ગયું. એ કંઇક બોલવા ગઈ પણ એના હોઠ ફક્ત ફફડીને રહી ગયા, અવાજ ના આવ્યો.
“મને તો હતું કે મારી દીકરી બઉં બહાદુર છે, હૈં?” માધવીબેને કાવ્યાનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, “તને કોઈ વહેમ થયો હશે. નવી જગ્યા છે અને તું સવારની થાકી હોય એટલે થાય એવું.”
“તારા દાદા યાદ છે તને?”
“થોડીક, ત્રણેક ઘટનાઓ યાદ છે જેમાં દાદા હોય.” કાવ્યાએ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા કહ્યું.
“એ ખૂબ ભલા માણસ હતા. આ હવેલી એમણે બંધાવેલી, એમની મહેનતથી. આ ઘરની એક એક ઈટ એમણે જાતે ગોઠવી છે એમ કહું તો જરીકે અતિશયોકિત નથી. કેટલાય લોકોની મદદ કરી છે એમણે. એમની આ હવેલી મંદિર સમાન છે. એ હોસ્પિટલમાં શું ગરબડ થઈ ગઈ એ મને ખબર નથી પણ આ હવેલીમાં મેં મારી જાતને હંમેશા મહેફૂજ પામી છે, સુરક્ષિત જોઈ છે. નીચે મંદિર છે, આપણી કુળદેવીનું એમના રહેતા આ ઘરમાં કોઈ બુરી શક્તિ પ્રવેશી જ ના શકે! કાલે સવારે આપણે ત્યાં પૂજા કરીને પછી જ આગળ વધશું.”
કાવ્યાએ ડોકું ધુણાવી હા પાડી. એ એની હિંમત ટકાવી રાખવા માંગતી હતી. જે કંઈ એની સાથે થયું એ એનો ભ્રમ હશે એમ એ જાતને મનાવતી રહી...
જ્યારથી વ્હાઈટ ડવ, મેન્ટલ હોસ્પિટલનું નામ સાંભળ્યું હતું ત્યારના માધવીબેન અંદરથી ફફડી રહ્યા હતા. અત્યારે કાવ્યા જેવી બહાદુર, મુંબઈ જેવા શહેરમાં એકલી ઉછરેલી છોકરીને ગભરાયેલી જોતા એ એને હિંમત આપી રહ્યા પણ કાલે જ્યારે એ વ્હાઈટ ડવમાં પગ મૂકશે ત્યારે શું થશે એ વિચારી વિચારીને એ પોતેય પરેશાન હતા.
રાતના જમીને મા-દીકરીએ પ્રભુને પૂછ્યું હતું, “તમારા સાહેબ ક્યાં રહે છે?”
“સાહેબ?” પ્રભુનો હસમુખો ચહેરો ઉતરી ગયો, “સાહેબ તો ગાયબ થઈ ગયા છે. અચાનક જ કોઈ કોઈને એ ક્યાંક દેખાઈ જાય છે. એ કોઈ હુકમ કરવા જ આવે છે પછી ચાલ્યા જાય છે. થોડાં દિવસ પહેલાં જ સાહેબ અહીં આવેલા. હવેલીની બહાર હું બગીચામાં ક્યારામાં પાણી નાખી રહ્યો હતો ત્યારે એમણે ત્યાં અચાનક જ એમણે આવીને મને કહેલું, ‘પ્રભુ લે આ ચાવીઓ તારી પાસે રાખ. સંભાળીને રાખજે તારા માધવીબેન અને કાવ્યા આવી રહ્યા છે એમને આ ચાવીઓ આપી દેજે... ઘરની સાફ સફાઈ કરાવી દેજે અને કંઇ ખૂટતું કરતું લાવી રાખજે.’ હું એમને જોઇજ રહ્યો’તો ને એ સડસડાટ ચાલતા બહાર નીકળી ગયા. મને થયું કે એ અહી રોકાશે કે કેમ એવું પૂછી લીધું હોત તો સારું. હું ભાગ્યો અને દરવાજાની બહાર જઈને જોયું તો ત્યાં કોઈ ન હતું. દૂર દૂર સુધી રસ્તો સૂમસામ! મને થયું જાણે સાહેબ હવામાં ઓગળી ગયા!” એણે ટેબલ પર પડેલા વાસણ ઉઠાવતા કહ્યું, “બહું રાત થઈ ગઈ છે તને લોકો થાક્યા હશો સૂઈ જાવ!”
છેલ્લું વાક્ય એના મોઢામાંથી, એનાજ અવાજે નીકળેલું છતાં એ વાક્ય જાણે એ પોતે નહતો બોલ્યો....કોઈએ એની પાસે બોલાવડાવ્યું હોય એમ મા-દીકરી બંનેએ મહેસૂસ કર્યું. દૂરથી કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. જીવડાની હાજરી પુરાવતો, ઝીણો ઝીણો અવાજ કાનમાં વાગતો હતો. એ બંને આજે એકજ રૂમમાં સાથે, એકબીજાનો હાથ પકડીને સૂઈ ગયા.

 

***

Rate & Review

nikhil 1 week ago

Dhrmesh Kanpariya 2 weeks ago

Kiran Sarvaiya 1 month ago

Sapna Patel 1 month ago

Shital Vithlani 1 month ago