વ્હાઇટ ડવ ૫

 

 

 

વ્હાઈટ ડવ - ૫
કાવ્યા અને શશાંક વ્હાઈટ ડવ હોસ્પિટલેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે એમની જાણ બહાર એમની પાછલી સીટ પર કોઈ નાની બાળકીનો આત્મા આવીને બેઠેલો હતો જે એમની સાથે જ હવેલી તરફ પ્રયાણ કરી રહ્યો હતો... કાવ્યા ગાડીમાંથી નીચે ઉતરી એની સાથે જ પેલી દસ બાર વરસની છોકરી પણ નીચે ઉતરી હતી. કાવ્યા સીધી અંદર ગઇ હતી શશાંક ગાડી પાર્ક કરવા રોકાયેલો.
“આવી ગઈ બેટા. બહુ વાર લગાડી. બધું બરાબર તો છેને?” કાવ્યાને જોતાજ એની મમ્મીએ પૂછ્યું, “શશાંક ક્યાં છે? એ પણ સાથે આવ્યો છે ને?”
કાવ્યાને એની મમ્મીનાં મોંઢે શશાંકનું નામ ના ગમ્યું. એ કંઈ બોલી નહીં પણ ચૂપચાપ ઊભી રહી.
“કેમ આમ ઊભી છે, હજી? જા હાથ મો ધોઈ આવ જમવાનું ઠંડુ થાય છે.” માધવીબેને ટેબલ પર ડિશ ગોઠવતાં કહ્યું.
“હે ગોર્જીયસ! મસ્ત સ્મેલ આવે છે! શું બનાવ્યું છે?” શશાંકે આવતા જ કહ્યું અને ટેબલ પર પડેલાં બાઉલનું ઢાંકણ ખોલવા ગયો.
“એઇ...પેલા હાથ ધોઈ આવ!” માધવીબેને એના હાથ પર હળવેથી ચમચી મારી એને ઢાંકણ ખોલતો રોકીને કહ્યું.
“આ..હ!” જરીક જ ચમચી અડી હતી તોય બહુ વાગ્યું હોય એવો અભિનય કરતા શશાંક બોલ્યો, “મારી આંગળી તૂટી ગઈ. હવે તારે ખવડાવવું પડશે.”
“જા...ને જુઠ્ઠા!” માધવીબેન અને એમની સાથે શશાંક ખડખડાટ હસી પડ્યાં. આ અવાજ ના સહેવાતો હોય એમ ક્યારનીય ચૂપ ઊભેલી કાવ્યા ઉપરના માળે જતી રહી.
એની પાછળ શશાંક પણ એના રૂમમાં ગયો જે કાવ્યાના રુમની બાજુમાં જ હતો. કાવ્યાએ બાથરૂમમાં જઈને હાથ મોં ધોયા. એની નજર અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ પર ગઈ. એની બાજુમાં જાણે માધવીબેન ઊભા હોય એમ એમનો ચહેરો એને પોતાના ચહેરાની બાજુમાં દેખાયો. આટલા વરસેય એ હજી સુંદર લાગતા હતા. કાવ્યાને એના પાતળા શરીર આગળ એની મમ્મીનો ભરાવદાર દેહ વધારે આકર્ષક લાગ્યો. પછી પોતાના જ વિચાર પર કાવ્યાને પોતાને જ ગુસ્સો આવ્યો. એ રડી પડી. એની સાથે શું થઈ રહ્યું હતું એની એને પોતાને ખબર ન હતી... શશાંક તરફ એ કેમ આટલું ખેંચાણ અનુભવતી હતી! એની સમજમાં કંઈ ન આવ્યું. થોડું રડી લીધા બાદ એણે ફરીવાર મોઢા પર ઠંડા પાણીની છાલક મારી. બાજુના હેંગર પર લટકતો નેપકીન લઈ એણે એના વડે ચહેરો દબાવીને પાણી લૂછયું. અચાનક એને અરીસામાં એની પાછળ કોઈ ઊભુ હોય એમ લાગ્યું. આ એજ નાની છોકરી હતી જે હોસ્પિટલમાં આવીને એના પગે વળગી પડી હતી. કાવ્યાની આંખો ફાટી ગઈ. એના શ્વાસ અટકી ગયા. એના હાથમાંથી નેપકીન સરકીને નીચે પડી ગયો. એ ખૂબ જ ડરી ગઈ હતી. ધીરેથી એણે ગરદન ગુમાવી અને પાછળ જોયું.
એ છોકરી કાવ્યાની સામે જ જોઈ રહી હતી. એણે સફેદ જેવું મેલું થયેલું ફ્રોક પહેર્યું હતું. એના હાથમાં એક નાનું ટેડીબેર હતું. એ કશાય હાવભાવ વગર કાવ્યાને તાકી રહી હતી. કાવ્યાને કાપો તો લોહી ન આવે એવી સ્થિતિ હતી. એના પગ ત્યાજ ચોંટી ગયા હતા. આજે ને આજે જ એને આ બીજો અનુભવ થયો હતો. એ ખૂબ ડરી ગઈ હતી.
“કાવ્યા...” શશાંકે એનું બારણું ખખડાવી બૂમ પાડેલી. કદાચ એને મમ્મીએ મોકલ્યો હશે. પોતાને બોલાવવા.
“કોઈ તને બોલાવે છે. અત્યારે તું જા આપણે પછી મળીશું!” આટલું કહીને કાવ્યા તરફ મીઠું હસીને એ છોકરી ગાયબ થઈ ગઈ.
“કાવ્યા... જલદી કર યાર ભૂખ લાગી છે!” આ વખતે શશાંક એના રૂમમાં અંદર આવીને એના બાથરૂમનું બારણું ઠોકતા બોલેલો.
કાવ્યા જાણે મોતના મુખમાંથી બચીને આવી હોય એમ ભાગીને બહાર નીકળી. બારણે ઊભેલા શશાંકને ધક્કો મારી એ ભાગી અને સીધી નીચે પહોંચી ગઈ.
મમ્મીને વાત કરવી કે નહીં એમ એ વિચારી રહી. હજી એના દિલની ધડકનો તેજ હતી. એની આંખો આગળ પેલી છોકરીનો ધૂંધળો ચહેરો તરવરી રહ્યો.
“કાલે આપણે બાજુના ગામમાં જવું પડશે. ત્યાંના પૂજારીજીએ ખાસ બોલાવ્યા છે. કાલે એ મંદિરને એકસો પચીસ વરસ પૂરાં થશે. ત્યાં
પૂજામાં આપણે સામેલ થવાનું છે.” માધવીબેન કાવ્યાની ડિશમાં પનીર ભૂરજી અને પરાઠો મૂકતા બોલ્યા.
પરાણે કાવ્યાએ થોડું ઘણું ખાઈ લીધું. એની મમ્મી અને શશાંક કંઇ વાતો કરતા હતા. હસતા હતા. કાવ્યાનું એ કશાયમાં ધ્યાન ન હતું.
જમ્યા બાદ એને પોતાના રૂમમાં જતા બીક લાગતી હતી. આજે પોતે મમ્મી સાથે જ સૂઈ રહેશે એણે મનોમન નક્કી કર્યું.
જમ્યા પછી બધા છૂટા પડ્યા. બધા પોતપોતાના રૂમમાં ગયા. કાવ્યા એના રૂમમાં ના જતા બાજુમાં એની મમ્મીનાં રૂમમાં ગઈ.
“શું થયું!” માધવીબેને પૂછ્યું.
“હું તારી સાથે સૂઈ જાઉં. મને ત્યાં એકલું લાગે છે.”
“ઠીક છે. તું બેસ હું ચેન્જ કરી લઉં.” માધવીબેન બાથરૂમમાં ગયા. કાવ્યાની નજર ત્યાં પલંગ પર પડેલાં એક બોક્ષ ઉપર ગઈ. એણે એ ખોલ્યુ. એમાં એક ફોટો આલ્બમ હતું. કાવ્યાએ એ ખોલ્યો. એમાં એના અને એની બેન દિવ્યાના બાળપણના ફોટો હતા. કાવ્યાને એનો ભૂતકાળ જોવાનું ગમ્યું. થોડાં પન્ના આગળ ફેરવ્યા પછી એક તસવીર આગળ આવીને કાવ્યા અટકી હતી.
“એ તારી બહેન છે, દિવ્યા!” માધવીબેને પાછળથી આવીને કહ્યું. મરુન રંગના નાઈટ ગાઉનમાં એ સુંદર લાગતા હતા. “આપણે અહીંથી ગયા ત્યાર પછીના એ ફોટા છે.”
કાવ્યા ધારી ધારીને પેલી છોકરીના ફોટા જોઈ રહી. એક ફોટામાં એ હાથમાં ટેડીબેર લઈને, સફેદ ફ્રોક પહેરી ઊભી હતી. એના ચહેરા પર સરસ સ્મિત હતું. આ એજ છોકરી હતી જે કાવ્યાએ હમણાં બાથરૂમમાં અને એની પહેલાં વ્હાઈટ ડવમાં જોઈ હતી.....
એ આખી રાત કાવ્યાએ જાગીને પસાર કરી. બીજે દિવસે એ લોકો બાજુના ગામમાં મંદિરે ગયેલા. ત્યાં નાનકડાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. મંદિરના પૂજારી કાવ્યાને ધારી ધારીને જોઈ રહ્યા. પૂજા પૂરી થઈ ગઈ પછી પુજારીએ કાવ્યા પાસે જઈને કહ્યું,
“જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધી જાય ત્યારે પૃથ્વી રડે છે. એ પાપનો ભાર સહન નથી કરી શકતી. ત્યારે ભગવાન પોતે આવે છે કે પછી પોતાની તાકાત આપીને કોઈ મનુષ્યને મોકલે છે. એ પાપીને ખતમ કરવા. તારું કલ્યાણ થાઓ!” આટલું કહીને એ અંદર ચાલ્યાં ગયાં.
કાવ્યા કંઈ સમજી નહિ. પાપ વધી જાય ત્યારે એને અટકાવવા ભગવાન આવશે કે પછી એ કોઈને મોકલશે... કોને? કોણ? કોણ આવશે?

 

***

Rate & Review

Bharti Mistry 2 weeks ago

nikhil 1 month ago

ali 2 months ago

Sapna Patel 2 months ago