ભાગ - ૩

આગળના ભાગમાં આપણે જોયું કે અભી એકતરફ નિંદ્રામા છે જ્યારે આ તરફ સૌમ્યા ભૂતકાળમાં સરી પડે છે. સૌમ્યા ને અભી ની મિત્રતા હાઈસ્કૂલ થી શરૂ થઈને કોલેજમાં પણ અકબંધ રહી હતી. હવે આગળ...

**********

ઠેસ મારે ને દરિયો ઉગાડતી યુવાની,
હાથ ફેલાવે ને આગ લગાવતી યુવાની,
મોં ખોલે ને જુવાળ ઉઠાવતી યુવાની,
ખુલી આંખે શમણાં પુરા કરતી યુવાની...

અભી અને સૌમ્યાના આમતો કોલેજમાં ઘણા મિત્રો બની રહ્યા હતા પણ જેમ બધાને કોલેજમાં ખાસ મિત્રોનું ગ્રુપ હોય એવું જ એમનું પણ ગ્રુપ હતું. તેમના ગ્રુપમાં સદાય હસતો ને હસાવતો 'વેદ' હતો. થોડો પોતાનામાં ખોવાયેલો રહેતો,ઓછા બોલો 'સ્વપ્નિલ' અને સૌમ્યાની કોલેજમાં અત્યાર સુધીમાં બનેલી એક માત્ર મિત્ર અને થોડી આખાબોલી 'મહેક'. ધીરે ધીરે આ પાંચેય મિત્રોનું ગ્રુપ બની રહ્યું હતું. જેમ દરેક ગ્રુપમાં કહો કે ના કહો એક લીડર હોય એમ જ આમનો લીડર એટલે આપણો અભી. 

એવામાં ફર્સ્ટ સેમેસ્ટર પૂરું થતા શનિ રવિની રજામાં વેદે પિકનિક જવાનો વિચાર વહેતો મૂક્યો. જેને બધાએ સહર્ષ વધાવી લીધો. છોકરાઓને તો ખાલી ઘરે જાણ જ કરવાની હતી પણ છોકરીઓએ ઘરમાં પરમિશન આપે તો આવવાની તૈયારી બતાવી.

બીજા દિવસે બધાની સહમતી સાથે સૌથી અઘરું કાર્ય શરૂ થયું, એ હતું જગ્યા નક્કી કરવાનું. એક એવી જગ્યા જ્યાં વિકેન્ડમાં જઇ શકાય ને એન્જોય કરી શકાય.

"ફ્રેન્ડ્સ, આઈ થિંક આપણે નળ સરોવર જવું જોઈએ" , સૌમ્યાએ પોતાનો વિચાર મુકતા કહ્યું.

"ના, બિલકુલ નહિ...ત્યાં હું અત્યાર સુધીમાં ચાર વખત જઈ ચુકી છું.", મહેકે એના સ્વભાવગત ચોખ્ખી ના ભણી.

"હાહાહાહા... તો ચાલ જવું છે પાંચમી વાર?" , વેદે રમૂજ કરતા મહેકને પૂછ્યું.

વાતને આમ આડા પાટે ચડતા જોઈને સમયનો પાબંધ એવો સ્વપ્નિલ હાથની વોચ તરફ નજર નાખતા બોલ્યો, "ઓલરેડી એક કલાક! હજી સુધી પ્લેસ પણ નક્કી નથી થયું..!!"  

"હું આબુ વિચારુ છું... કેવું રેહશે..!?"  અભીએ પોતાનો મત મૂક્યો.

"વાહ! જોરદાર... અફલાતૂન... લાજવાબ...", વેદે આદત મુજબ અતિઉત્સાહમાં આવીને વખાણનો દોર છુટ્ટો મુક્યો..

તેને અટકાવીને સ્વપ્નિલ બોલ્યો, " ઓકે, હું રેડી. ચલો તમે બેય તમારું સ્ટેટ્સ કહો." મહેક અને સૌમ્યા સામે જોઈને કહ્યુ.

"આમ તો ડન.. તો પણ પપ્પાને પૂછીને કાલે જવાબ આપું. અભી, જો પપ્પા નહિ માને તો તારે વાત કરવી પડશે.. અને મહેક તારું?", સૌમ્યાએ પૂછ્યું.

"વૉવ! નાઇસ પ્લેસ.. એકાદ દિવસ માટે હોય તો ઘરે કોઈ સવાલ જ નહતો પણ નાઈટ સ્ટે કરવાનું ને આબુ જવાનું છે તો કાલે પૂછીને આન્સર આપીશ. બાય ધ વે, આબુમાં મારા ડેડીના ફ્રેન્ડનો બંગલો છે. અમે લાસ્ટ ટાઈમ ગયા હતા ત્યારે ત્યાંજ રોકાયા હતા. આબુ માટેની પરમિશન મળી જશે તો ડેડી પાસેથી રહેવાનું સેટિંગ પણ કરાવી લઇશ.", મહેકે ઉત્સાહમાં જવાબ આપ્યો.

વેદ તરત બોલી ઉઠ્યો, "લો મેડમ આબુ જઈ આવ્યા છે તો ત્યાં જવામાં વાંધો નથી પણ નળ સરોવરમાં જ પ્રોબ્લેમ છે."

વેદને હાથના ઇશારાથી બોલતા અટકાવી ફૂલ પ્લાનિંગ સાથે અભી બોલ્યો, "ઓહ.. ધેટ્સ ગ્રેટ! બાકી આવવા જવા માટે કાર અને ડ્રાઈવરનું અરેન્જમેન્ટ થઈ જશે. એ મારા પપ્પા કરી દેશે."

"ઠીક છે તો.. મહેક અને સૌમ્યા તમે ડન કહી દો પછી આપણે આ ફ્રાઈડે મોર્નિંગમાં જ નીકળી જશુ. આમપણ આ ફ્રાઇડે રજા છે.", સ્વપ્નિલએ કહ્યું.

આ સાથે બધા ઘરે જવા નીકળ્યા.
સૌમ્યાએ ઘરે જઈને સૌથી પહેલું કામ પપ્પા પાસે આબુની ટ્રીપ માટે પરમિશન માંગવાનું કર્યું. પિતા અરૂણભાઇએ બીજા કોણ કોણ છે અને એવા રૂટિન પ્રશ્નો પૂછ્યા અને અભીના પેરેન્ટ્સ સાથે વાત કરી સંમતિ આપી દીધી. 

જ્યારે મહેકે ઘરે જઈ એના મોમ ને ડેડીને વાત કરી. ડેડીએ પેલા તો આનાકાની કરી. અત્યાર સુધી શાળામાંથી મિત્રો સાથે ઘણી વાર મહેક ફરવા ગઈ હતી પણ કોલેજ માટે આ પહેલો પ્રસંગ હતો. વળી કોલેજના મિત્રો પણ નવા હતા એટલે દીકરીના પિતા તરીકે એમને ચિંતા થાય એ સ્વાભાવિક હતું.

મહેકના કહેવાથી મહેકના પિતાએ સૌમ્યાના પિતાને ફોન જોડ્યો. અરુણભાઈએ એમને ખાતરી આપી કે એ અભીને અને એના બીજા મિત્રોને ઓળખે છે. અભીના પરિવાર સાથે પણ એ છેલ્લા અમુક વરસોથી પરિચયમાં છે જ. આ સાંભળી મહેકના ડેડીને ધરપત થઈ અને પછી તરત જ એમના મિત્રને ફોન કરીને એનો આબુનો બંગલો આ વિકેન્ડમાં ખાલી છે કે નહીં એની પૂછપરછ કરી. નસીબજોગે એ ખાલી જ હતો અને ત્યાં નોકર ચાકર તથા રસોઈયાની પણ વ્યવસ્થા હતી. મહેકે આ વાત તરત જ ગ્રુપમાં બધાને ફોન કરીને કહી.

થોડી જ વારમાં અભીનો ફોન પણ આવી ગયો કે ડ્રાઈવર સાથેની ઇનોવા કારની વ્યવસ્થા એના પપ્પાએ કરી દીધી છે. હવે આ પાંચેય મિત્રોનું ગ્રુપ રેડી હતું માઉન્ટ આબુ ટ્રીપ માટે...

અંતે બધાની આતુરતાનો અંત સમો શુક્રવાર આવી ગયો. 

ડ્રાઈવર સાથે રેડી કાર આવી અભીના ઘરે ઉભી રહી.  મમ્મી પ્રીતિબેન એકપછી એક તાકીદ કરતા હતા ને અભી "હા મમ્મી, હા મમ્મી" કરતો કરતો કારમાં બેઠો. અભી પ્લાન અનુસાર સ્વપ્નિલના ઘર તરફ જવા રવાના થયો. સ્વપ્નિલ જરા પણ સમયના બગડે એટલે ગેટ પાસે આવીને જ ઉભો હતો. તે તરત જ ગાડીમાં બેઠો. ત્યાંથી સવારી ઉપડી સૌમ્યાના ઘર તરફ. 

પિતા અરુણભાઈ રાહ જોતા બહાર ઉભા હતા. ઇનોવા કાર એમના ઘર પાસે ઉભી રહી. અભી તરફ જોઈને અરુણભાઈ એ કીધું, "ધ્યાન રાખજો બેટા." સ્વપ્નિલ અને અભી એ માથું ધુણાવી, "હા અંકલ. ચિંતા ના કરશો." કીધું. અરુણભાઈ એ સૌમ્યાને સાદ કર્યો. સૌમ્યા મોટી સામાનની બેગ સાથે કાર માં બેઠી. 

એ જોઈ અભી તરત જ બોલી ઉઠ્યો, "તારે મહિનો રોકાવાનો પ્લાન છે કે શું સોમી..!?"
"આતો બે દિવસના જ કપડાં છે", હંમેશાની જેમ કટાક્ષ સમજ્યા વગર સોમ્યા શાંતીથી બોલી.

ત્યાંથી સૌમ્યાને લઈ કાર વેદના ઘર તરફ વળાવી. વેદ ખુશખુશાલ રાહ જોતો ઉભો હતો. અભીને જોઈ તરત બોલ્યો, ગુડ મોર્નિંગ બ્રો.. અલા હસને સ્વપ્નિલ.. પીકનીક પર જઈએ છીએ..", શાંત એવા સ્વપ્નિલની સામે જોઈ ટોણો મારતા બોલ્યો. બધા થોડું હસી પડ્યા. વેદે એની વાતો ચાલુ જ રાખીને મહેકના ઘરે પહોંચ્યા. મહેકના ડેડી બધાને વારાફરતી મળ્યાને મોમને ડેડીને બાય કરી મહેક પણ કાર માં બેઠી.

શરૂઆતમાં બધા એકદમ ઉત્સાહમાં હતા.  હસી મજાક, અંતાક્ષરી અને મોટા અવાજે ગીત સાંભળવાનો દોર ચાલ્યો. પછી બધા થોડા થાક્યા અને વારાફરથી ઊંઘ પણ ખેંચી લીધી. રસ્તામાં બે ત્રણ વાર નાસ્તા પાણી અને ફ્રેશ થવા માટે હોલ્ટ કરીને સવારે અગિયાર વાગ્યાની આસપાસ એ લોકો આબુ પહોંચી ગયા.

આબુમાં મહેકના પપ્પાએ રોકાણ ગોઠવ્યું હતું એ બંગલા પાસે ડ્રાઈવર એ કાર પાર્ક કરી. બધા મિત્રો કારમાંથી ઉતર્યો. ત્યાં તરત સામાન લેવડાવા એક વીસેક વરસનો છોકરો આવ્યો. તેને પોતાનો પરિચય આપી કહ્યું કે નીચેનો રૂમ છોકરીઓ માટે રેડી કર્યો છે ને ઉપર છોકરાઓ માટે મોટો રૂમ છે જેથી ત્રેણેયનો સમાવેશ થાય. તથા ડ્રાઈવર માટે પણ અલગ રૂમની વ્યવસ્થા કરેલ છે. તેને એ પણ ઉમેર્યું કે જમવાનું તૈયાર થઈ જ રહ્યું છે કદાચ હજુ એકાદ દોઢ કલાક લાગશે. આટલું કહી થોડો ઘણો સામાન લઈ બંગલા તરફ ચાલવા લાગ્યો.

બંગલો વિશાળ અને સુંદર હતો. એના આગળના ભાગમાં બહુ સુંદર એવા જાતજાતના ફૂલોથી સજાવેલો બગીચો હતો. બધા અંદર જાય એ પહેલા જ મહેકએ બધાને અટકાવી કીધું કે ફ્રેશ થઈને લંચ રેડી થાય ત્યાં સુધી ક્યાંક ફરવા જવું જઈએ. બધાને વિચાર ગમ્યો. બધા રેડી થવા પોતાના રૂમ તરફ ગયા.

અડધા કલાક પછી બોયઝ રેડી થઇને બહાર આવ્યા.અભી બ્લ્યુ ડેનિમ પેન્ટ ને વ્હાઇટ ટીશર્ટ સાથે તૈયાર હતો. વેદ બ્લૅક પેન્ટ ને પ્રિન્ટેડ શર્ટ સાથે કાળા ગોગલ્સમાં રેડી હતો. જ્યારે સ્વપ્નિલએ ડાર્ક જીન્સને સ્કાયબ્લુ ટીશર્ટ પહેર્યા હતા. એવામાં વેદ જોરથી બોલ્યો, "મહેક , સૌમ્યા અમે જઈએ છીએ તમે લોકો કાલે આવજો."

"અરે! ના ના..", બોલતી બોલતી સીડીઓ ઉતરતી મહેકએ લોન્ગ સ્કર્ટ ને ટોપ પહેર્યું હતું. એની પાછળ ખુલ્લા વાળ, બ્લેક કેપ્રી ને શોર્ટ ટીશર્ટ પહેરેલી સૌમ્યા આજે કઈક વધારે જ પડતી સુંદર લાગતી હતી. અચાનક અભીની નજર સૌમ્યા પર પડે છે ને એની નજર એક પળ માટે રોકાઈ જાય છે. એની નજર જાણે પલકારો જ ભૂલી ગઈ હોય એમ સ્થિર નજરે સૌમ્યાને જ જોઈ રહી.

"અભી.. અભી.. "સૌમ્યા રીતસરનો અભી નો હાથ ખેંચતા બોલી. "હ...હ...હા..." , જાણે તંદ્રામાંથી ઉઠ્યો હોય એમ અભી બોલ્યો. અભી એના વિચારોમાંથી પોતાની જાતને તરત બહાર કાઢી મિત્રો સાથે ચાલતો ચાલતો બંગલાના દરવાજે થી બહાર આવી કાર માં બેસે છે.

આમ તો સમય ઓછો હતો પણ બધા એ નખી લેક પર આંટો મારવા જવાનું નક્કી કર્યું. લેકની નજીક આવતી હારબંધ દુકાનો જોઈને મહેક થી રહેવાયું નહીં અને એ એક દમ ચીખી ઉઠી, "સ્ટોપ..." ડ્રાઈવરે એક ઝાટકા સાથે કાર ઊભી રાખી. બધા મહેકની સામું આશ્ચર્યથી જોવા લાગ્યા. 

"કંઈ થાય છે !?" સૌમ્યાએ ચિંતાભર્યા સ્વરે પૂછ્યું. 

"ના, ના... આ તો આટલી બધી શોપ જોઈ એટલે થોડું મન લલચાઈ  ગયું," મહેક થોડા મજાકના ટોન માં બોલી.
આ સાંભળી બધાએ એક સાથે મ...હે...ક... એમ બૂમ પાડી પણ આખરે એની વાત સ્વીકારી લીધી.

હવે સૌમ્યા અને મહેક તથા અભી, સ્વપ્નિલ અને વેદ એમ બે ગ્રુપ પડી ગયા. સૌમ્યા અને મહેક કોઈ શોપમાં અંદર ગયા અને અભી, સ્વપ્નિલ અને વેદ દુકાનો તરફ નજર નાખીને ચાલતા હતા. એટલામાં કોઇ છોકરીના મોટેથી હસવાનો અવાજ આવ્યો અને અભી ની નજર એ અવાજ તરફ ગઈ. આગળની દુકાનમાં જીન્સ અને ટોપ પહેરેલી એક છોકરી એની મિત્ર જોડે ઊભી હતી અને બન્ને કંઈક વાત કરતા હતા એ સાંભળીને જિન્સવાળી છોકરી મોટે થી હસતી હતી.  અવાજની ખનક સાંભળીને અભી ને એનો ચહેરો જોવાની ઈચ્છા થઈ પણ એ ઉંધી ફરીને ઊભી હતી. અભી ત્યાંથી ખસવા જ જતો હતો ને અરીસામાં એ છોકરીનો ચહેરો દેખાયો. આમ તો સાધારણ ચહેરો જ હતો તો પણ કંઇક ખાસ હતું એમાં એટલે અભીની નજર થોડી પળ માટે ત્યાં અટકી ગઈ. હજી અભી એ ચહેરાને સરખો જોવે ત્યાં જ કોઈ બૂમ પડે છે આકાંક્ષા... અને એ છોકરી ત્યાંથી નીકળી જાય છે..વધારે ના જોઈ શકવાના અફસોસ સાથે અભી મનમાં જ બોલી ઉઠે છે.. આકાંક્ષા..!

ચહેરો કેમ કોઈ અચાનક જ 
ચળકતો હશે ??
આ ચાંદ સમ કેમ એ 
ભાસતો હશે ??

કઈક તો ગહન હશે જ 
એમાં છુપાયેલું,
નહિ તો અજાણ્યો ચહેરો 
કેમ પોતીકો લાગતો હશે ??

©હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ

***

Rate & Review

Shital Vithlani 2 weeks ago

Prakash 1 month ago

Vaishali Dave 1 month ago

Asha Parmar 1 month ago

Harsha Davawalla 1 month ago