પ્રેમની પેલે પાર... ભાગ - ૯

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યાની બર્થડે પાર્ટીમાં બધા ખૂબ એન્જોય કરે છે. સૌમ્યાને અભીને નજીક જોઈ આકાંક્ષાને થોડું અજીબ લાગે છે અને એ પાર્ટી માંથી નીકળી જાય છે. અભી આકાંક્ષાને મનાવા જાય છે. હવે આગળ...

******

ટકોર દિલ પર કરી છે કોઈએ,
ફૂલની સુગંધ ભરી છે કોઈએ,
આ જાદુ પ્રેમનો તો નથી ને ?
કે હૈયાની બારી ખોલી છે કોઈએ!?

' some one special '  આ જોઈને આકાંક્ષાનું દિલ એકદમ જોરથી ધડકવા લાગ્યું. એના મનમાં વિચાર આવે છે કે શું આ એના માટે જ હશે ને !? પણ એ પોતાના વિચાર ને ફેસ ઉપર કળવા નથી દેતી અને પૂછે છે, "આ... શું... છે !? "

"ગિફ્ટ...તારા માટે", અભી આકાંક્ષાની આંખમાં આંખ નાખીને બોલે છે.

"મારા માટે..!?" આટલું બોલીને આકાંક્ષા અટકી જાય છે પણ અભીનો કોઈ જવાબ ના આવતા ફરી પૂછે છે, " તને ખબર તો છે ને આ કોઈ સ્પેશિયલ માટે જ હોય..!?"

"હા...મને ખબર છે અને હું એ યોગ્ય વ્યક્તિને જ આપી રહ્યો છું..!! શું તું મને તારી લાઈફમાં એ સ્પેશિયલ જગ્યા આપીશ..!?" અભી મટકું પણ માર્યા વિના આકાંક્ષાની આંખોમાં જોઈને બોલી રહ્યો હતો.

આકાંક્ષા શું જવાબ આપવો એની મુંઝવણમાં હોય છે અને અચાનક એના મોબાઇલમાં રીંગ વાગે છે. આકાંક્ષા રાહતનો શ્વાસ લે છે અને ફોન ઉપાડે છે. સામે છેડે એની કઝીન હોય છે અને વાતવાતમાં ખબર પડે છે કે એ અહીંયા નજીકમાં જ છે. જાણે આ સવાલનો જવાબ આપવાથી દૂર ભાગતી હોય એમ આકાંક્ષા એને ત્યાં પિક અપ કરવા બોલાવે છે.

"સોરી, પણ હું હવે ઘરે જાઉં છું. મારી કઝિન અહીંયા જ છે તો એની જોડે જ ઘરે જતી રહું. આપણે કાલે મળીએ કોલેજમાં.." એમ કહીને એ ઉભી થઇ જાય છે.

અભી હજુ કઈ પણ બોલે ત્યાં તો આકાંક્ષા ગેટ તરફ ચાલવા લાગે છે. અભી પણ એની પાછળ પાછળ ચાલવા લાગે છે. બન્ને બહાર મૌન થઈને ઉભા હોય છે ત્યાં આકાંક્ષાની કઝીન આવે છે અને આકાંક્ષા એની સાથે નીકળી જાય છે.

આ તરફ અભીને કઈ જ સમજાઈ રહ્યું ન હતું. એ વિચારતા વિચારતા ચાલવા લાગ્યો. અભીને સમજાયું જ નહીં કે આકાંક્ષાને એનો પ્રસ્તાવ યોગ્ય લાગ્યો કે નહીં..? ક્યાંક આકાંક્ષા એનાથી નારાજ થઈને કાયમ માટે એની ફ્રેન્ડશીપ તોડી તો નહીં નાખે ને? આકાંક્ષાનું આમ તરત કોઈ જ જવાબ આપ્યા વિના નીકળી જવું એનો શું અર્થ હશે? આવા કેટલાય સવાલો અભીના મનમાં ફરી રહ્યા હતા. ત્યાં થોડીવારમાં ચાલતા ચાલતા એ સૌમ્યાના ઘર સુધી પહોંચી ગયો.

ઘરમાં દાખલ થતાં જ બધા જાણે એની રાહ જોઇને જ બેઠા હોય એમ એને એક પછી એક સવાલ કરી રહ્યા હતા, "શું થયું?, આકાંક્ષા માની ગઈ? ગુસ્સે તો નહતી થઈ ને ?"

અભીને કોઈની સાથે કઈ જ વાતચીત કરવાની ઈચ્છા નહતી એટલે એણે વેદને કહ્યું, "મને ઘરે મૂકી જઈશ?"

ત્યાં જ સૌમ્યા બોલી, " પણ શું કહ્યું આકાંક્ષાએ?" એ તો કહે...

"કઈ જ નહીં.", અભી આટલું જ બોલી શક્યો.

સોમી હજુ કઈ આગળ પૂછવા જાય એ પહેલાં સ્વપ્નિલ એ અભીની હાલત જોઈ સૌમ્યાને કઈ ના પૂછવા ઈશારો કર્યો ને તરત બોલ્યો,"હા, વેદ આને મૂકી આવ.. હું મહેક જોડે નીકળી જઈશ."

આગળ કોઈ જ વાતચીત કર્યા વગર બધા છુટા પડ્યા. બધાના મનમાં સવાલ તો અનેક હતા. પણ અત્યારે એ બાબતે ચર્ચા કરવી યોગ્ય ન લાગી.

આ તરફ આકાંક્ષા ઘરે પહોંચી મમ્મી સાથે થોડી ઔપચારિક વાતો કરી પોતાના રૂમમાં દાખલ થઈ. હાથમાં અભીની આપેલી ગિફ્ટ લઈ એના તરફ જોવા લાગી. એના ચહેરા પર એક ચમક આવી ગઈ, દિલના ધબકારા વધી ગયા, અને અંદરથી એ એકદમ આનંદિત થઈ ગઈ. એને લાગ્યું કે એ બસ આ ક્ષણો માણી રહી છે ! દિલમાં એક અજીબ પ્રકારની હલચલ થઈ રહી હતી. એને પોતે ત્યાંથી ભાગી છૂટી એ નિર્ણય મૂર્ખામિભર્યો લાગ્યો. આકાંક્ષાને થયું કે અભી સાથે વધુ સમય પસાર કર્યો હોત તો...

આકાંક્ષા પોતાના રૂમમાં જઈને ચેન્જ કરી પોતે પથારીમાં પડી. પણ આજે તો જાણે એની ઊંઘ જ વેરણ થઈ ગઈ હોય એવું લાગતું હતું. મનમાં સતત અભી ના જ વિચારો ચાલતા હતા. અભી સાથે કરેલી ઇલેક્ટ્રો હન્ટ થી માંડી ને શેરો શાયરીની પળો એના મનમાં જીવંત થવા લાગી હતી.  એને હવે છેક લાગ્યું કે પોતે સતત અભીના જ વિચારો કેમ કરે છે ? આ અભી દિલો દિમાગમાંથી જતો કેમ નથી ? એણે જ્યારે મને પ્રપોઝ કર્યું ત્યારે મનમાં કેમ મને એક અલગ પ્રકારનો એહસાસ થયો હતો !? ક્યાંક હું એને પ્રેમ તો નથી કરવા લાગી ને ? ને આકાંક્ષા સફાળી ઉભી થઇ ગઇ. એના ચહેરા પર એક સ્મિત આવી ગયું. પોતાને એક ટપલી મારી ફરી ઉંઘવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગી. આકાંક્ષા હવે પોતાના દિલની વાત સ્પષ્ટ જાણી ચુકી હતી. એને દુનિયા રંગબેરંગી લાગવા માંડી હતી અને એનું કારણ આ મસ્ત મજાની ફિલિંગ હતી, જેને લોકો પ્રેમ કહે છે ! આકાંક્ષાએ વિચાર કર્યો કે અભીને કૉલ કરી કાલે ફરી એ જ કૉફી શોપમાં બોલાવી લઈશ. અને કાલે શું થશે એ વિચારતા વિચારતા આકાંક્ષાને ક્યારે ઉંઘ આવી ગઈ એની ખબર જ ન રહી.

સવારે ઉઠીને ફ્રેશ થઈ આકાંક્ષાએ પહેલો કૉલ અભીને કર્યો અને અભીને કાલવાળા જ કોફીશોપમાં બોલાવ્યો.

આજે આકાંક્ષા ક્યારેય તૈયાર ના થઈ હોય એટલી સજીધજીને તૈયાર થઈ હતી. બ્લૂ ડેનિમ, વ્હાઇટ શર્ટ, લાઇટ મેકઅપ અને પિંક લિપસ્ટિક... કોઈ અપ્સરા જેવી લાગતી હતી એ. અભીના પ્રસ્તાવનો સ્વીકાર તો મનોમન કરી જ લીધો હતો. બસ હવે અભીની સામે એ વાતનો એકરાર કરવાનો જ બાકી હતો.

આકાંક્ષા આપેલા સમયે કોફી શોપ પર પહોંચી. અભી એની રાહ જોઇને જ બેઠો હતો. કેટલા કોફીના કપ એણે ખાલી કરી નાખ્યા હતા. એનો ચહેરો જોઈ આકાંક્ષાને હસવું આવી ગયું. એ ટેંશનમાં લાગતો હતો.

આકાંક્ષા તેની સામે ગઈ. અભીનું દિલ એક ધબકારો ચુકી ગયું એટલી સુંદર લાગતી હતી. અભીએ થોડી આડીઅવળી વાતો કરી અને બંને માટે કોફી મંગાવી. પણ હવે અભીથી રહેવાયું નહિ. એ બોલ્યો,
"આકાંક્ષા, તે કાલે કઈ જવાબ ન આપ્યો ?"

આકાંક્ષા એને ચીડવતા બોલી, "જવાબ..? શેનો જવાબ?"

અભી થોડો ગુસ્સે થતો બોલ્યો, "અચ્છા તો તું કાલે કઈ સમજી જ ન હતી એમ?"

"હા..., ફરી થી કહે શું કહી રહ્યો હતો!?", આકાંક્ષા મજા લઈ રહી હતી...

"એમ... ચલ ફરી થી પૂછું.. આ દિલ છે ને ધડકવાને બદલે આકાંક્ષા આકાંક્ષા જ બોલ્યા કરે છે. તારુ આ મીઠું હાસ્ય મને રોજ સવારે અલાર્મ ની જેમ ઉઠાડે.. તારી આ વાતો આજીવન સાંભળવી છે..આઈ લવ યુ ડિયર.. શું તું મારા આ પ્રસ્તાવનો સ્વીકાર કરીશ?", અભી એ બઘી જ હિંમત ભેગી કરી સીધે સીધું પૂછી જ લીધું.

આકાંક્ષા આ સાંભળી નજર ઢાળીને બેસી ગઈ. શરમના શેરડા એના ગાલ પર દેખાતા હતા. એને તરત જ અભીનો હાથ પકડ્યો ને બોલી, "હા.. સ્વીકારું છું.."

અભીની તો ખુશી સાતમા આસમાને હતી. બન્નેની નજરો જાણે પલકવાનું ભૂલી ગઈ હોય એમ બન્ને આંખ માં આંખ નાખી કેટલીય વાર બેસી રહ્યા ત્યાં અચાનક અભીના ફોનની રીંગ વાગી.

સ્ક્રીન પર સ્વપ્નિલનું નામ જોયું. અભીએ કોલ રિસીવ કર્યો. સ્વપ્નિલ એના ઘરે કોલેજ જવા માટે રાહ જોઈ રહ્યો હતો. અભી એ કીધું કે તું કોલેજ પહોંચી જા. હું થોડીવાર રહીને આવું છું.

આકાંક્ષા એ ચમકીને પૂછ્યું, "કેમ થોડી વાર! કોલેજનો ટાઈમ તો થઈ ગયો છે. આપણે જવું જોઈએ.."

"હા.. પણ મારે હજુ તારી સાથે થોડો વધુ સમય વિતાવવો છે... મુવી જોવા જઈએ?", અભી એ પૂછ્યું.

આકાંક્ષાના પણ અભીનો પ્રસ્તાવ ગમ્યો.
એણે પૂછ્યું, "પણ કયું મુવી જોવા જશું?"
"બેન્ડ બાજા બારાત...અનુષ્કાને રણવીરનું?", અભીએ કહ્યું.

"ઓહો, એટલે તારે અનુષ્કાને જોવી છે એમ ને !", આકાંક્ષા અભીને ચીડવતા બોલી.
"હા, આજનો દિવસ લકી છે.. એનેય પ્રપોઝ કરી જોવું.. જો એ હા પાડી દે તો.. આકાંક્ષા ને બદલે અનુષ્કા...", અભી હસતા હસતા બોલવા લાગ્યો.

આકાંક્ષાએ પણ ખોટો ખોટો ગુસ્સો કરતા બોલી, "જા તું એની જોડે મુવી જો. હું ચાલી કોલેજ.."

અભી કાનની બૂટ પકડી સોરીનો ઈશારો કર્યો. આકાંક્ષા ખડખડાટ હસવા લાગી.  બંને આકાંક્ષાની એક્ટિવા પર નીકળી પડ્યા, અભી રોજની ટેવ મુજબ પાછળ જ બેઠો. આ વખતે આકાંક્ષાની થોડી નજીક બેઠો. આકાંક્ષાને પણ એ ગમ્યું. ફરી એના વાળની લટો અભિને અડતી હતી, અભિને એ રમત બહુ ગમી, એ બસ એની આ પળો માણતો હતો, આકાંક્ષા સાથે વાતો કરતો કરતો ક્યારે થિયેટર આવી ગયું ખબર જ ન પડી. અભી ટીકીટ લેવા ગયો, ટીકીટ લઈ બંને પોતાની જગ્યાએ ગોઠવાયા, બંને જાણતા હતા કે મુવી તો એક બહાનુ હતું, બસ બન્નેને એકબીજાની કમ્પની માણવી હતી.

દુનિયા થઈ ગઈ રંગીન,
જ્યારથી તે પ્રેમનો સ્વીકાર કર્યો,

વાતો તારી લાગે સંગીન,
જ્યારથી તે મારા અસ્તિત્વને પ્યાર કર્યો!

©હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ

***

Rate & Review

Bhadresh Vekariya 3 weeks ago

Sushma Patel 3 weeks ago

Vidhi ND. 3 weeks ago

Swati Kothari 3 weeks ago

Dimple Vakharia 3 weeks ago