પ્રેમની પેલે પાર ભાગ - ૧૦

આગળના ભાગમાં આપણે જોયું કે અભી પ્રેમનો પ્રસ્તાવ આકાંક્ષા સામે મૂકે છે. તરત જવાબ ન આપતા આકાંક્ષા બીજા દિવસે સ્વીકારે છે. હવે આગળ...

**********

નજરમાં નજર બસ આમ જ વસી જાય...!!
હવે તો આ પ્રેમ પણ પેલે પાર થઈ જાય...!!

મોર્નિંગ શોના લીધે પ્રેક્ષક ઓછા હતા એટલે એમને કોર્નર સીટ મળી જાય છે. એક પોપ કોર્નની બકેટ અને કોલ્ડ ડ્રિંક લઈને બંને પોતાની સીટ પર ગોઠવાય છે. એવું પણ નહતું કે એ બંને આમ એકલા પહેલી વાર ક્યાંય ગયા હોય પણ આજ ની વાત કઈ અલગ હતી. હવે બંને ખાલી મિત્ર ના રહેતા એક વિશેષ લાગણીના સંબંધથી જોડાઈ ગયા હતા એટલે જાણે બંનેના મનમાં અલગ જ રોમાંચ અને મીઠી મુંઝવણ હતી જે એમના ચેહરા ઉપર દેખાતી હતી. ચાલુ મૂવી દરમ્યાન પોપકોર્ન લેતી વખતે કેટલીયે વાર બન્નેના હાથ એકબીજાને સ્પર્શતા હતા અને એ વખતે એકબીજા સામે જોઈને સ્મિતની આપ લે પણ થઈ જતી હતી. ઇન્ટરવલ પછીની મૂવી તો બંને જણે લગભગ હાથમાં હાથ પરોવીને જ જોઈ હતી.

आधा इश्क़ आधा है, आधा हो जाएगा.....આ ગીત તો જાણે બંનેને લાગ્યું કે એમના માટે જ બનાવ્યું કે શું ? બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. હાથ તો એકબીજાના હાથની ઉષ્મામાં જ પડ્યા હતા. ગીત પૂરું થયું એટલે બંને વાતોએ વળગ્યા. એકબીજાને જાણે આજે તો ભરપૂર જાણી ને માણી ન લેવા હોય ! બંને ભૂલી ગયા કે એ થિયેટરમાં છે. આગળ બેઠેલા બેકે એક બે વખત ઘુરીને જોયું ત્યારે બંને ચૂપ થઈ ગયા. પણ ઈશારા તો ચાલુ જ હતા. સ્પર્શક ગોષ્ઠિ પણ અદભુત હોય છે. ને પ્રેમીઓનું ગજબનું ટ્યુનિંગ હોય છે. ટેરવાથી થતી વાતોની તો વાત જ નિરાલી હોય છે.

મૂવી પૂરું થયું એટલે બંને બહાર નીકળ્યા. "હવે...? આપણે કોલેજ જઈને લંચ કરીશું કે લંચ લઈને કોલેજ જવું છે?" આકાંક્ષા બોલી.

અભીને હજી થોડી અદભૂત ક્ષણો માણવી હતી એટલે એણે કહ્યું, "કોલેજ પહેલા પાર્કમાં જઈએ તો કેવું રહેશે?"

આકાંક્ષા તરત જ માની જાય છે. અને બંને અમદાવાદના પ્રેમીઓની મનપસંદ જગ્યા લો ગાર્ડન જવાનું નક્કી કરે છે.

આકાંક્ષાના કહેવાથી અભી જ એકટીવા ચલાવી લે છે. એને થોડી સાવચેતી પૂર્વક એકટીવા ચલાવતા જોઈને આકાંક્ષા ખડખડાટ હસી પડે છે અને આ જ હાસ્ય ને આખા રસ્તે માણવા માટે હાથે કરીને અભી આખા રસ્તે ધીમે જ એકટીવા ચલાવે છે. લો ગાર્ડનની પહોંચતા જ અભી સૌથી પહેલું કામ લકી સેન્ડવીચમાંથી સેન્ડવીચ પેક કરાવવાનું કરે છે. અને પછી એકટીવા પાર્ક કરી એકબીજાનો હાથ પકડીને બંને જણ ગાર્ડનમાં અંદર જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા અભી કોઈની નજર ના પડે એમ એક ગુલાબનું ફૂલ તોડીને હાથમાં સંતાડી દે છે. તડકો થઈ ગયો હોય છે એટલે સરસ છાંયડા વાળી અને સલામત જગ્યાએ જોઈને બંને ત્યાં બેસે છે. થોડી ક્ષણો મૌન જ પસાર થાય છે. ત્યાં અચાનક જ અભી ઊભો થઈને ઘૂંટણીયે બેસે છે અને આકાંક્ષા કઈ સમજે એ પહેલા જ ગુલાબનું ફૂલ એની સામે ધરીને, " I love you " કહે છે.

આકાંક્ષાનો ચહેરો શરમથી લાલ થઇ જાય છે અને તરત જ ફૂલ નો સ્વીકાર કરીને સામે, " I love you too " નો જવાબ આપે છે.

પછી અભી આકાંક્ષા ની બાજુમાં એકદમ અડોઅડ બેસે છે અને પેક કરેલી સેન્ડવીચ ખોલે છે. બન્ને પહેલો એક એક બાઈટ એકબીજાને ખવડાવે છે. અભીની તો નજર જ આકાંક્ષા પરથી હટવાનુ નામ નથી લઈ રહી.

અભી ને અત્યાર સુધી છોકરીઓના નખરા ઉઠાવતા એના કોલેજીયનો પર હસવું આવતું, પણ આજે એને સમજાયું કે યાર આ પ્રેમની લાગણી કેટલી સુંદર હોય છે. પ્રિયજન જે કહે એ કબૂલ, એના સો નખરા પણ સહેવા તૈયાર થઈ જઈએ છે. એની હા માં હા ને ના માં ના થઈ જ જાય છે. કેવો સુંદર અહેસાસ હોય છે આ પ્રેમ નહીં !? આખી દુનિયા ખુબસુરત લાગવા માંડે, જાણે પ્રિયજન એ જ આપણી દુનિયા ન હોય ! આખી રાત બેસીને બસ એને જ સાંભળ્યા કરીએ, એને જ નીરખ્યા કરીએ. રાતોની રાતો  ને સદીઓની સદીઓ એની સાથે જ વિતાવવી છે. જાણે અત્યાર સુધીની દુનિયા તો સાવ નિરર્થક હતી. પ્રેમ થયા પછી વ્યક્તિ એકલા હસતા પણ શીખી જાય છે. એકલા કે ભીડમાં પણ એની સાથે પ્રેમી હોય એવો અહેસાસ થયા કરે અને એને યાદ કરતા જ અમસ્તું જ મન હરખાઈ જાય..! અભિને અફસોસ થયો કે એ શા માટે આટલી સરસ ફિલિંગથી અજાણ હતો, પછી થયો સારું જ થયું ત્યારે જ એને આકાંક્ષા મળી. નમણી, નાજુક જુઈ જેવી આટલી સુંદર છોકરી, પોતાના માટે એકદમ પરફેક્ટ...

"અભી.. બધો પ્રેમ આજના દિવસે જ લુંટાવી દઈશ કે શું?", આકાંક્ષા હસતા હસતા બોલી.

"ના ના.. આતો હજુ ટ્રેલર છે.. તો વિચાર આખું મુવી કેવુ હશે?", અભી આકાંક્ષાની સામે જોઈને, પોતાના વિચારોમાંથી બહાર આવતા બોલ્યો.

આકાંક્ષા શરમાઈ ગઈ ને બોલી, "હજુ મુવી જ ફરે છે કે શું મગજ માં!?" બન્ને હસી પડ્યા.

"કદાચ એવું જ છે અક્ષી..", અભી પણ હસતા હસતા બોલ્યો.

"ફરી થી બોલ.. તેં મને શું કહ્યું?", આકાંક્ષા પોતાના માટે બીજું નામ સાંભળી તરત પૂછવા લાગી.

"અક્ષી...", અભી થોડો ખચકાતા બોલ્યો.

"નવું નામ.. મારા માટે? કેમ અચાનક!?", આકાંક્ષાએ પૂછ્યું.

"આ તો બોયફ્રેન્ડ કઈક નામ પાડે ને એમની ગર્લફ્રેન્ડનું.. કઈક બેબી, ને બાબુ.. પણ મને આવા બધા નામ નથી ગમતા એટલે મેં તારા નામનું જ શોર્ટ કરી નાખ્યું.. ને હા, મેં ક્યાંક વાંચ્યું હતું અક્ષી એટલે "બહુ કિંમતી.".." અભીએ ચોખવટ કરતા કહ્યું.

આકાંક્ષાને નામ કરતા પણ એનો અર્થ ખૂબ ગમ્યો. એના માટે તો અભીના જીવનમાં એનું ખાસ હોવું એટલું જાણવું જ પૂરતું હતું.

"થેન્ક્સ અભી.. અભી ને અક્ષી... બહુ સરસ... મને આ ગમ્યું..",આકાંક્ષા એ કહ્યું. અને ઉમેર્યું, " I think...હવે આપણે કોલેજ જવું જોઈએ બહુ લેટ થઈ ગયું છે."

હામી ભરાવતા અભી તરત ઊભો થઈ જાય છે અને સવારી ઉપડે છે કોલેજ તરફ.

બીજી તરફ કોલેજમાં સૌમ્યા, મહેક, વેદ અને સ્વપ્નિલ બધાજ એ બંનેની રાહ જોઈને થાક્યા હતા. એમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો એટલે સૌમ્યા અને વેદ વારાફરતી આકાંક્ષા અને અભીના ઘરે ફોન કરે છે. બંને જોડે હશે એવો શક તો હતો જ એટલે થોડી ચતુરાઈ વાપરીને પૂછે છે તો ખબર પડી કે બંને કોલેજનું કહીને જ ઘરેથી નીકળ્યા છે.

"એ લોકો આવે એટલે એમની જોડે બોલવું જ નથી આજે તો", વેદ બોલ્યો.

"હા એકદમ છૂપો રુસ્તમ નીકળ્યો અભી તો, આપણને સહેજ પણ ગંધ ના આવા દીધી કે એમનો આજનો શું પ્રોગ્રામ હતો. નહિ સૌમ્યા?", સ્વપ્નિલ બોલ્યો.

સૌમ્યા અને મહેક કઈક વાતોમાં હતા એટલે એનું ધ્યાન નહતુ કે વેદ અને સ્વપ્નિલ શું વાત કરી રહ્યા હતા. એટલે કઈ જવાબ આપતા નથી.

એવામાં તો સામેથી અભી અને સૌમ્યા આવતા દેખાય છે.

"મને ખબર જ હતી કે ગેંગ અહીંયા કેન્ટિનમાં જ મળશે.", અભી બોલ્યો.

કોઈ બીજું કંઈ બોલે એ પહેલાં સૌમ્યા ઊભી થઈને અભીની જોડે જાય છે. અભીનો હાથ પકડીને આંખો ઢાળીને બોલે છે, "અભી મારે આજે તને એક વાત કરવી છે. કાલે રાતે મેં બહુ વિચાર્યું આપણી મૈત્રી વિશે. ગજબનું ટ્યુનિંગ છે નહિ!? તું મારી જિંદગીમાં ના હોત તો યોગ્ય માર્ગદર્શન ના અભાવે હું ઘણી વાર ભટકી ગઈ હોત. રાતે ક્યાંય સુધી જાગતી જ રહી અને મનમાં બસ તારા જ વિચારો... મને લાગે છે કે અભી હું તારા માટે મૈત્રી કરતા કંઈક વિશેષ લાગણી ધરાવું છું. અને મારા માટે તારાથી યોગ્ય જીવનસાથી કોઈ હોઈ જ ના શકે. તું જે રીતે મને સમજે છે એવી રીતે તો કદાચ કોઈ મને સમજી જ ના શકે. અને ખબર છે ને મને સંભળાવી થોડી અઘરી છે જે તારા સિવાય કોઈના બસની વાત નથી."

આટલું કહેતા તો એની આંખોમાં પાણી આવી ગયા. આંખ લૂછતાં એ પોતાની વાત આગળ વધારે છે અને હવે એ સીધું અભીને પૂછે છે, "આપણો સંબંધ મૈત્રીથી આગળ વધારીએ તો કેવું રહેશે? શું તારી જિંદગીમાં તું મને એ ખાસ સ્થાન આપીશ?

કોઈને સમજ જ નહતી પડતી શું ચાલી રહ્યું છે. સૌમ્યા આ શું બોલી રહી છે? જ્યારે અભી અને આકાંક્ષા બંને તો આ સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયા હતા. એક અજીબ સન્નાટો છવાઈ ગયો થોડી વાર. સૌમ્યા હજી પણ અભીનો હાથ પકડીને જ ઊભી હતી જાણે અભીનો જવાબ સાંભળવા ઈચ્છતી હોય એમ અને અભીના મોઢા ઉપર મુંઝવણ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એ સમજી જ નહતો શકતો કે કાલે એના અને આકાંક્ષાના રિલેશન ને લઈને ખુશ થનારી સૌમ્યા આજે અચાનક કેમ આવી વાત કરે છે !?

કેવી અજીબપળ છે ?
પ્રેમ ને દોસ્તી બંને પ્રબળ છે..

કેવી અજીબ કસમકશ છે ?
અહીં તો બંને સબળ છે..

©હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ


***

Rate & Review

Yakshita Patel 2 days ago

Bhadresh Vekariya 3 weeks ago

Sushma Patel 3 weeks ago

Vidhi ND. 4 weeks ago

Swati Kothari 4 weeks ago