Premni pele paar - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... ભાગ - ૮

આગળના ભાગમાં આપણે જોયું કે અભીનું મન ભૂતકાળના વિચારોમાં ખોવાય છે. સૌમ્યાની બર્થડે હોય છે અભી ને આકાંક્ષા સૌમ્યા માટે ગિફ્ટ લેવા જાય છે. આ તરફ અભી આકાંક્ષા તરફ વધુ આકર્ષિત થાય છે.

***********

પ્રેમ શબ્દ જોડું તો કેમ રહેશે?
દિલનો હાલ મુકું તો કેમ રહેશે?

ઉતાવળ   કરું   છું   કે   મોડું...!?
બોલ્યા વગર સમજે તો કેમ રહેશે?

આ તરફ આકાંક્ષા પણ થોડી ઉલ્ઝનમાં હતી. એક તો અભીનું વર્તન એને થોડું અજીબ લાગતું હતું અને બીજું એ પોતાના જ મનના ભાવ ઉકેલી નહતી શકતી.

ત્યાં અભી બાઇક પર બેઠા બેઠા પાછળ થી બોલી છે, "આપણે આ જ કપડાં માં પાર્ટીમાં જશું? હું વેદને કહી ઘરેથી મારા કપડાં મંગાવી લઉં છું."

આકાંક્ષાને પણ તરત યાદ આવે છે કે મહેક જો ઘરેથી નહિ નીકળી હોય તો એના કપડાં પણ આવી જશે. એ અભીને મહેકને ફોન જોડી કપડાં મંગાવા કહે છે.

થોડી જ વારમાં બન્ને સૌમ્યાના ઘરે પહોંચે છે. ત્યાં દરવાજા પર જ સ્વપ્નિલ બન્નેની રાહ જોતા ઉભો હતો. બન્ને ને આવતા જોઈ સીધો એક જ સવાલ કરે છે, "કેટલુ મોડું કર્યું ?"

"અરે ! આ આકાંક્ષાના કારણે...", અભી હસતા હસતા મજાકમાં બોલ્યો.

ત્યાં જ મહેક આવે છે. મહેકના હાથમાં આકાંક્ષાના ઘરેથી મંગાવેલા કપડાંની બેગ હોય છે.

"તું પહેલા મારા કપડા આપીશ ? કેટલું લેટ થઈ ગયું છે. હમણાં કેક કટ કરવાનો સમય થઈ જશે." પછી ફરિયાદના સૂરમાં આકાંક્ષા ઉમેરે છે કે, "આ અભી જોડે તો જવાય જ નઈ ગિફ્ટ લેવા, એને તો કંઈ સમજ જ નથી પડતી."

"એમ... તને બહુ ખબર પડે છે ને, તો નેકસ્ટ ટાઈમ મારા બર્થડે ની ગિફ્ટ તું જ લાવજે !.. હું જોડે નહિ આવું...", અભી ફરી એકવખત મજાક કરતા બોલ્યો. આકાંક્ષા સહેજ હસીને ચેન્જ કરવા જાય છે. સ્વપ્નિલ પણ અભીને કપડાંની બેગ આપે છે.

આકાંક્ષા તૈયાર થઈને બહાર નીકળે છે. ઝીગઝેગ કટની લોન્ગ લાઈટ બ્લ્યુ કુર્તિ અને નીચે ડાર્ક બ્લ્યુ જીન્સ, કાનમાં સરસ મજાના લોન્ગ ઈયરિંગ્સ. આ બાજુ અભી પણ લાઈટ બ્લ્યુ શર્ટ ને ડાર્ક બ્લ્યુ જીન્સમા એકદમ હીરો જેવો થઈને બહાર નીકળો. બંનેએ એકબીજાને જોયા અને હસવા લાગ્યા.

અભી બોલ્યો, " વ્હોટ અ કોઈનસીડન્સ ! આપણી પસંદ કેટલી મળે છે નહીં !?"

પછી પોતે કઈ વધારે પડતું તો નથી બોલી ગયો ને એ જોવા એને આકાંક્ષા સામે જોયું પણ એને લાગ્યું કે આકાંક્ષાને પણ એનું આ વાક્ય ગમ્યું.

બધા હૉલમાં એકઠા થયા. બસ હવે સૌમ્યાના આવવાની જ હતી. બધા હાથમાં સ્પ્રે, અને રિબન લઈને રેડી જ હતા. એટલામાં જ સૌમ્યા આવી... લાઈટ પિંક અનારકલી ડ્રેસમાં આજે સૌમ્યા અપ્સરા લાગતી હતી. રોજ રેગ્યુલર કપડામાં જોયેલી સૌમ્યાને આટલી સુંદર રીતે તૈયાર થયેલી જોઈ બધા ખુશ થઈ ગયા અને આવતાંવેંત સૌમ્યાને આખી સ્પ્રેને રિબનથી લથબથ કરી મૂકીને સૌ આનંદની ચિચિયારીઓ કરવા લાગ્યા.

સૌમ્યાના પપ્પા બધા છોકરાઓની મજાક મસ્તી જોઈ આનંદિત થયા. સૌમ્યાએ કેક કટ કરી એક પછી એક બધાને ખવડાવી, મમ્મીની છબી સામે જોઈ ઘડીભર શાંત ઉભી રહી. વાતાવરણ ગમગીન થયેલું લાગ્યું એટલે અભીએ વાત બદલીને સૌમ્યા માટે લાવેલી ગિફ્ટ એને આપી. સૌમ્યા બહુ જ ખુશ થઈ ગઈ. હવે બધા પાર્ટીના મૂડમાં હતા એટલે તરત અભી બોલ્યો.

"ચલો, ચલો બધા ડાન્સ થઈ જાય."

ને એણે મ્યુઝિક ચાલુ કર્યું. સૌમ્યના પપ્પા કહે, "તમે બાળકો મજા કરો હું ઉપર જઈને આરામ કરું, બધા જમીને જજો અને હા, બધા પાછા આવજો હો, તમે આવો એટલે મારી સોમી એના બધા દુઃખ ભૂલી જાય છે",  ને સૌમ્યાના મમ્મીની તસ્વીર સામે ઘડીભર તાકી એ રૂમમાં જતા રહ્યા.

અભીએ mp3 પર ગીત ચાલુ કર્યા. પહેલું જ ગીત વગાડ્યું, "પપ્પુ પાસ હો ગયા...." ને બધા મસ્તીના મૂડમા આવી ગયા. બધા પોતપોતાની ધુનમાં નાચવા લાગ્યા. પછી વારો આવ્યો સોલો ડાન્સનો મહેકે એક સરસ સોલો ડાન્સ કર્યો, "તુહી તો મેરી દોસ્ત હૈ ..." ગીત પર..

એના પછી કપલ ડાન્સમાં વેદ અને સ્વપ્નિલે "મા કા લાડલા બીગડ ગયા.." પર ડાન્સ કર્યો, અને બધા હસી હસીને લોથપોથ થઈ ગયા. એમનો ડાન્સ પત્યા પછી અભીએ સોમીને ડાન્સ કરવા રિકવેસ્ટ કરી અને બંનેએ વીર ફિલ્મના "સૂરીલી અખિયોવાલે.. "ગીત પર મસ્ત ડાન્સ કર્યો. આકાંક્ષાને લાગ્યું જાણે બંને એકબીજામાં ખોવાઈ જ ગયા હોય. અભીએ એનો ચહેરો નોટ કર્યો. પછી અભીએ આકાંક્ષા સાથે ડાન્સ કરવાની રિકવેસ્ટ કરી પણ આકાંક્ષાએ થોડી આનાકાની કરી, પણ સૌમ્યાના આગ્રહથી તે વધુ ના ન પાડી શકી.

બંનેએ "તેરી ઓર..." સોંગ પર મસ્ત ડાન્સ કર્યો. ડાન્સ કરીને બધા થાકી ગયા, પછી સોમી બધા માટે આઈસક્રીમ લાવી. બધા રિલેક્સ થતા બેઠા હતા ત્યાં સૌમ્યા ઉભી થઈને બોલી,

" ફ્રેન્ડઝ, આમ તો મને આ સ્પીચને એવું બધું બહુ ફાવતું નથી તો પણ થોડું કઈક કહેવું છું. હું આમ તો અંતર્મુખી છું બહુ લોકો સાથે ખુલી નથી શકતી, મારા મનની વાત કહી નથી શકતી, પણ તમે બધા મિત્રો હોવ ત્યારે હું એકદમ રિલેક્સ બની જાવ છું. મમ્મીના ગયા પછી પપ્પા એકલા પડી ગયા હતા, સો હું મારી તકલીફો એમને ઘણી વખત નથી જણાવતી પણ તમને કહી શકું છું, ને સ્પેશિયલી અભી થેન્ક યુ સો મચ અભી, તું મારો બેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ છે. તું જ છે જે મને સારી રીતે ઓળખે છે, મારો ગુસ્સો, દુઃખ, નિરાશા તને ખબર પડી જાય છે. થેન્ક યુ મિત્રો મારો બર્થ ડે આટલો સ્પેશિયલ બનાવવા બદલ. આ મારો અત્યાર સુધીનો યાદગાર બર્થડે છે...."

સોમી થોડી ઇમોશનલ થઈ ગઈ એટલે અભી એને સંભાળતો બોલ્યો, "સોમી હવે રડાવીશ શું અમને ? ચલ હવે મૂડ ઠીક કર પાછી રડીશ તો મેકઅપ વિખાઈ જશે તો અમે બધા ડરી જઈશું." સોમી અભિને મારવા હાથ લંબાવે છે. બંન્નેની મીઠી નોકજોક શરૂ થાય છે. બન્ને એકબીજા જોડે મસ્તીમાં ખોવાઈ જાય છે.

આકાંક્ષા એક ખૂણામાં બેસીને આ બધું જોઈ રહી હોય છે. એના મનમાં થોડા ઈર્ષાના ભાવ આવી જાય છે અને એને થોડું બેચેની જેવું લાગે છે એટલે એ ઉભી થઈને બાલ્કનીમાં જાય છે. અભીનું ધ્યાન એની તરફ જાય છે એ એની પાછળ જતો જ હોય છે અને વેદ એને વાતમાં રોકી લે છે.

ખુલ્લી હવામાં આકાંક્ષાને થોડું સારું લાગે છે પણ એના મનમાં એક સાથે કેટલાય વિચાર આવી જાય છે સૌમ્યા અને અભીના રિલેશનને લઈને.

એટલામાં અભી હાથમાં પાણીના ગ્લાસ સાથે આવે છે. આકાંક્ષાને પાણી આપતા પૂછે છે કે, "શું થયું ? કેમ એકદમ બહાર આવી ગઈ ?"

આકાંક્ષા એકી શ્વાસે પાણી ગટગટાવી જાય છે કહે છે કે, "ના, ના... ઓલ ઓકે બસ આતો એમ જ. વેલ... હવે લેટ પણ બહુ થયું છે તો મારે હવે જવું જોઈએ.

"પણ હજુ તો ડિનર બાકી છે!?", અભી બોલ્યો.

"હા, પણ... બહુ લેટ થઈ ગયું છે. મારે જવું જોઈએ.", આકાંક્ષા એ જાણે જવાનો નિર્ણય કરી લીધો હોય એમ બોલતાની સાથે જ પોતાની બેગ લઈને ત્યાંથી નીકળી ગઈ.

આ તરફ સૌમ્યાએ એને બહાર જતા જોઈ. એને બહુ નવાઈ લાગી કે આમ અચાનક આકાંક્ષા કેમ જતી રહી. એણે તરત અભીને પૂછ્યું. અભી પણ કઈ સમજી શક્યો ન હતો એટલે એણે કહ્યું કે, "મેં એને રોકાવા કહ્યું પણ એને કદાચ જવું હતું."

"મને કેમ એવું લાગે છે કે તમારા બન્ને વચ્ચે કઈક થયું છે?", સૌમ્યાએ પૂછ્યું.

"અમારા બે વચ્ચે..? કઈ જ નથી થયું. હું ને આકાંક્ષા સાથે જ તારા માટે ગિફ્ટ લેવા ગયા હતા અને અહીંયા પણ મેં એની સાથે ડાન્સ કર્યો. મને તો કઈ સમજાઈ જ નથી રહ્યું એને આમ અચાનક શુ થયું? પાર્ટી ચાલુ થઈ ત્યાં સુધી તો ઠીક જ હતી પણ હા જ્યારે આપણે ડાન્સ કરતા હતા એ વખતથી એ કંઇક વિચારોમાં હોય એવું લાગ્યું મને. અને જ્યારે હું તારી સાથે મસ્તી કરતો હતો ત્યારે એ અચાનક જ ત્યાંથી ઉભી થઇને બાલ્કનીમાં આવી ગઈ...", અભીએ સૌમ્યાને બધી વાત કહી.

"ક્યાંક તમે બન્ને એકબીજા ને...!,", સૌમ્યા અભીને અટકાવતા બોલી.

"સોમી.. એનું તો મને ખબર નથી. પણ સાચું કહું? મને કઈ સમજાતું નથી, કદાચ... પણ હા મને આકાંક્ષા જોડે રહેવું, એની જોડે વાતો કરવી, એની જોડે મજાક મસ્તી કરવી, એને ગુસ્સે કરવું, એને હસાવું... "

"બહુ ગમે છે... રાઈટ?", સૌમ્યાએ પૂછ્યું.

અભી થોડા વિચારમાં સૌમ્યા સામુ જોઈને, "હમમ..." એટલું જ કરે છે.

સૌમ્યા બે ઘડી અભીની આંખોમાં જોતી રહી. એણે ધીરેથી અભીનો હાથ પકડ્યો અને બોલી,

" જો અભી.. હું તારા જેટલી હોશિયાર તો નથી. મને આ બધું કદાચ ઓછું સમજાય છે... પણ તું જે કઈ કહે છે અને હું તને જેટલો ઓળખું છું એના ઉપરથી મને આ દોસ્તીથી કંઇક વિશેષ લાગે છે. હું નથી જાણતી કે આકાંક્ષા તારા વિશે શુ વિચારે છે, પણ એ જે રીતે અહીં થી ગઈ.. ચોક્કસ એ પણ કંઈક તારા જેવું જ અનુભવતી હશે."

અભીની આંખમાં એક અલગ જ ચમકારો થયો. આજે એની ભોળી સોમીએ કેટલી મોટી વાત કરી દીધી. જે સવાલ એના મનમાં કેટલાય સમયથી ફરતો હતો જાણે આજે એનું સમાધાન મળી ગયું !

"સોમી, યાર... તું મારી બેસ્ટી છે.", અભી એકદમ ખુશ થતા બોલ્યો.

"અરે... હવે ખુશ જ થઇશ કે પહેલા આકાંક્ષાને પૂછીશ કે એ ક્યાં ગઈ છે? એને મનાવીને લઈ આવ... ચલ તારી બેસ્ટીના બર્થડેની લાસ્ટ વિશ પુરી કર...", સૌમ્યા ઠાવકી થતા બોલી.

"હા... પેલા એને ફોન કરું! મેડમ ગયા છે ક્યાં?", અભી ખિસ્સામાંથી ફોન કાઢતા બોલ્યો.

અભી ફોન જોડે છે આકાંક્ષા કાપી નાખે છે. અભી ફરી થી જોડે છે. ફરી એકવાર કાપી નાખે છે. અભી તરત જ sms કરે છે અને લખે છે કોલ રિસીવ કર મારે વાત કરવી છે. ત્યાં થોડીવારમાં આકાંક્ષાનો સામેથી કોલ આવે છે.

"બોલ, શુ વાત કરવી છે?", આકાંક્ષા થોડી નારાજ હોય એવો ટોનમાં બોલી.

"આકાંક્ષા, તું ક્યાં છે? મારે તને હમણાં ને હમણાં મળવું છે."

"હું .. હું તો ઘરે આવી ગઈ. જે વાત કરવી હોય એ કાલે કોલેજમાં કરીએ."

"મેડમ, તમારું ઘર સોમીના ઘરથી બહુ દૂર છે. આટલી વારમાં અમદાવાદના ટ્રાફિકમાં પહોંચવું શક્ય જ નથી. હવે કહે તું ક્યાં છે?"

આકાંક્ષાને હવે વધુ ટાળવું યોગ્ય ન લાગ્યું. એ વિચારોમાં ને વિચારોમાં સોમીના ઘરેથી ચાલતા નીકળી તો ગઇ હતી. પણ ત્યાં જ નજીકના કોફી હાઉસમાં આંસુ સારતી બેસી રહી હતી. એને અભીને એ કોફી હાઉસનું નામ કહ્યું.

અભીએ તરત જ વેદને કહી બન્ને કોફી હાઉસ તરફ જવા રવાના થયા. ત્યાં પહોંચી અભી હજુ વેદને કઈ કહે એ પહેલાં જ વેદ બોલ્યો," હું સોમીના ત્યાં જવ. મારે ડિનર અધૂરું છે. ને હા... ઓલ ધ બેસ્ટ.. અમારા લીડરને.." કઈક મૂછમાં હસીને એ ત્યાંથી નીકળી ગયો.

અભી વિચારમાં પડ્યો કે બધા સમજી ગયા હતા ને હું જ સાવ અજાણ્યો બનતો ફરી રહ્યો હતો. વિચારતા વિચારતા કોફી હાઉસમાં એન્ટર થયો. આકાંક્ષા સામેના ટેબલ પર જ બેઠી હતી. અભી સામેની ખુરશી પર ગોઠવાયો.

અભીને હવે સમજાતું ન હતું કે શરૂઆત ક્યાંથી કરવી. એને કઈ જ વિચાર્યા વગર આકાંક્ષા હાથમાં એક ગિફ્ટ મૂકી. આકાંક્ષા તો હજુ કઈ સમજી જ શકતી ન હતી. અભીએ આંખેથી ઈશારો કર્યો કે ખોલી ને જો. આકાંક્ષા એ ગિફ્ટ ઓપન કરી એમાં લખ્યું હતું... "some one special.."

શોધું છું જે રણકાર એ 

આ જ તો નથી ને?

કહે છે બધા પ્યાર એ 

આ જ તો નથી ને ?

©હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ