Selfie - 13 books and stories free download online pdf in Gujarati

સેલ્ફી ભાગ-13

સેલ્ફી:-the last photo

Paart-13

બાલુ નાં પાછળ પાછળ એ લોકો ધીરે ધીરે ચાલતાં ચાલતાં હવેલીની પાછળ આવી પહોંચ્યા જ્યાં એક ગૌશાળા પણ હતી.બાલુ અત્યારે પાવડા વડે જમીન ખોદી રહ્યો હતો અને એની જોડે એક કોથળા માં કંઈક પડ્યું હતું.આ દ્રશ્ય જોઈ રોહન અને એનાં મિત્રો ને લાગ્યું કે બાલુ એ કોઈકની હત્યા કરી છે અને એની જ લાશ કોથળામાં હતી..બાલુ એ લાશને ખાડો ખોદી દાટવા માંગતો હતો જેથી પોતાનાં ગુના પર પડદો પાડી શકે.

"બાલુ તું શું કરી રહ્યો છે..?"બાલુ થી દસેક ડગલાં દૂર પહોંચી રોહન ઊંચા અવાજે ચિલ્લાયો.. પણ રોહનની વાતની કોઈ અસર ના થઈ હોય એમ બાલુ એ ખાડો ખોદવાનું ચાલુ જ રાખ્યું.

"એ બાલુ હું કહું છું રોકાઈ જા..."બાલુ દ્વારા પોતાની વાતનો કોઈ પ્રતિભાવ ના આપતાં રોહન વધુ ગુસ્સા અને ઊંચા સાદે બોલ્યો.

હજુપણ બાલુ ના અટક્યો એટલે રોહન લગભગ દોડીને એની જોડે પહોંચ્યો અને એને બળપૂર્વક ખભેથી પકડી પાછળની તરફ ઘુમાવી બાલુ નાં ગાલ પર ચાર પાંચ લપડાક લગાવી દીધી.

"શું કરી રહ્યો છે તું..હરામખોર.ક્યારનોય કહું છું કે અટકી જા પણ તું ઉભો નથી રહેતો.."રોહન ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યો.

રોહનનાં આવવાથી બાલુ એ પાવડો જમીન પર મુકી દીધો અને મોં નીચે કરીને રોહનની સામે ઉભો રહ્યો..હજુપણ એ નિરુત્તર હતો જેથી રોહનનો ગુસ્સો બમણો થઈ ગયો.રોહન કંઈ કરે એ પહેલાં તો જેડી આવેશમાં આવી બાલુને કોલરથી પકડીને બોલ્યો.

"એ બે કોડીના માણસ તને ખબર નથી પડતી કે તને શું કહેવાઈ રહ્યું છે..ક્યારનુંય તને કંઈક પુછાઈ રહ્યું છે પણ તું મગનું નામ મરી પાડવા તૈયાર નથી.."

જેડી અને રોહનનાં આટઆટલું પુછવા છતાંપણ બાલુ નિરુત્તર ત્યાં નીચું મોં કરીને ઉભો રહ્યો..રોહન આ જોઈ આગબબુલો થઈ ઉઠ્યો અને આગળ વધી બાલુ ને એક બીજો તમાચો મારવા હાથ ઊંચો કર્યો પણ કોઈએ એનો હાથ હવામાંજ પકડી લીધો..રોહને જોયું તો એનો હાથ પકડનાર બીજું કોઈ નહીં પણ દામુ હતો.

"સાહેબ..આ બિચારાને કેમ મારો છો..?"દામુ એ પૂછ્યું.

"તને દેખાતું નથી આ બિચારાં નાં કપડાં અને ચહેરો લોહીથી ખરડાયેલો છે અને એ કોઈ મૃતદેહ ને અહીં દાટવા માટે ખાડો કરી રહ્યો છે."રોહન બોલ્યો.

"સાહેબ આ કોથળામાં એક મૃત જંગલી કુતરાનો મૃતદેહ છે..હકીકતમાં આ કૂતરાં ને હડકવા થયો હતો અને એ હમણાંથી ગૌશાળાની આજુબાજુ ઘુમતો હતો જેથી આપણી ગાયો પર જીવનું જોખમ હતું માટે બાલુ એ એને ખતમ કરી દીધો અને કોઈને એનો ચેપ ના લાગે માટે એને ખાડો કરીને અહીં દાટી રહ્યો હતો.."દામુ કોથળામાં રહેલ કુતરાના મૃતદેહ ને બધાં ની સમક્ષ ખુલ્લો કરીને બોલ્યો.

કોથળામાં સાચેજ એક કાળાં રંગનો મૃત કૂતરો હતો જેનાં ચહેરા અને પેટનાં ભાગે કોઈ તીવ્ર હથિયાર લગભગ કુહાડીનાં ઊંડા ઘા હતાં જેમાંથી રક્ત ટપકી રહ્યું..આ દ્રશ્ય કાળજું કંપાવી દે તેવું હતું.પોતે વગર વિચારે બાલુ પર હાથ ઉપાડ્યો અને એને ના કહેવાનું કહી દીધું હોવાં છતાં રોહન કે જેડી ને એ વાતનો સહેજ પણ પસ્તાવો નહોતો.

"તો આને બકવું જોઈએ ને..મેં દસ વખત પૂછ્યું કે શું કરી રહ્યો છે પણ એને એક હરફ ના ઉચ્ચાર્યો.."રોહન હજુપણ પોતાની જાતને સાચી પુરવાર કરવા મથી રહ્યો હતો.

"સાહેબ દસ વાર નહીં તમે સો વાર પૂછ્યું હોત તો પણ આ બાલુ જવાબ ના આપી શકત.."દામુ બાલુની તરફ જોઈને બોલ્યો.

"મતલબ તું કહેવા શું માંગે છે..?"જેડી એ સવાલ કર્યો.

"સાહેબ આ બાલુ જન્મથી જ બહેરો અને ગુંગો છે.. એ ના તમારી વાત સાંભળી શકે છે ના એનો જવાબ આપી શકે છે..એ ફક્ત ઈશારાની અને હોઠ ની હલચલની ભાષા સમજે છે.."દામુ બોલ્યો.

બાલુનાં વિશે આ હકીકત જાણ્યાં બાદ એ બધાં લોકો ને ખ્યાલ આવી ગયો કે એ આવ્યાં ત્યારથી એમને સાચેમાં બાલુને કંઈપણ બોલતો જોયો જ નહોતો.

"સારું હવે જલ્દીથી આ કામ પૂરું કરો અમે હવેલીમાં જઈએ છીએ..અમારાં માટે જમવાનું પણ બનાવવાનું છે..બહુ ભૂખ લાગી છે.."રોહન તોછડાઈથી બોલ્યો.

"હા સાહેબ હમણાં જ બનાવી દઉં..પણ તમારી કાર મેં ચોગાનમાં જોઈ નહીં તો પછી તમે લોકો અહીં કઈ રીતે આવ્યાં.."દામુ બોલ્યો.

"હું તારાં સવાલનો જવાબ આપવા બંધાયેલો નથી..માટે તને જેટલું કહેવામાં આવે એટલું કર..હું તારો માલિક છું તું મારો માલિક નથી."આટલું કહી પગ પછાડીને રોહન ત્યાંથી નીકળી હવેલીનાં મુખ્યદ્વાર તરફ ચાલતો થયો.રોહનની પાછળ બધાં પણ ચાલી નીકળ્યાં પણ શુભમ ત્યાં ઉભો રહ્યો અને એને રોહન અને જેડી વતી બાલુ ની માફી માંગી અને એમની કારનો એક્સીન્ડન્ટ થતાં એ લોકો પુનઃ હવેલી આવ્યાં હતાં એ પણ દામુ ને કહ્યું.

દામુ અને બાલુને પોતાનું કામ કરતાં પડતાં મૂકીને બાકી બધાં હવેલીમાં જઈને બેઠાં..બે દિવસનો માનસિક ત્રાસ અને એનાં પછી શરીર અને મન બંને ને થકવી નાંખતી દોડધામ પછી એ લોકો અત્યારે હવેલીમાં પહોંચી ઘણી રાહત અનુભવી રહ્યાં હતાં.ડેથ આઈલેન્ડ પર પહોંચે સાત દિવસ થયાં હતાં પણ આટલાં ટૂંકા ગાળામાં આફતો નાં વંટોળનો સામનો એ લોકો કરી ચૂક્યાં હતાં.

રાતે નવ વાગે દામુ એ જમવાનું પીરસી દીધું..બે દિવસ પછી આજે જમવાનું નસીબ થયું હતું એટલે કહેવાતાં શહેરી સમાજનાં એ લોકો જંગલીની જેમ ભોજન પર તૂટી પડ્યાં.. ધરાઈને જમવાનું આરોગ્યા બાદ બધાં આજની રાત કઈ રીતે અને ક્યાં પસાર કરવી એની ચર્ચા કરવા લાગ્યાં.

"રોહન જો મારી માનીએ તો હવે જ્યાં સુધી કોઈ સહાય ના આવે ત્યાં સુધી આપણે એકદમ સચેત રહેવું પડશે..અને એવું ત્યારેજ શક્ય બનશે જ્યારે આપણે બધાં સાથે રહીશું."જેડી બોલ્યો.

"હા એ વાત સો ટકા સાચી છે.."રોહને કહ્યું.

"કઈ રીતે આજે રાતે રોકાઈશું..?"મેઘા એ બધાં નાં મનમાં ચાલતો સવાલ પૂછી લીધો.

"એક કામ કરીએ..બધી છોકરીઓ ઉપર મારાં કે જેડી નાં રૂમમાં જઈને સુઈ જાય.હું,જેડી અને શુભમ અહીં હોલમાં જ સુઈશું.."રોહને કહ્યું.

"શું વિચારે છે શુભમ..રોહન ની વાત યોગ્ય નથી લાગતી તને.."કંઈક મનોમંથન કરી રહેલ શુભમને ખભેથી હલાવી જેડી એ પૂછ્યું.

"હું પણ એજ વિચારતો હતો કે આપણે બધાં એ જોડે રહેવું જ યોગ્ય રહેશે..રોહન નો idea સારો છે."શુભમ બોલ્યો.

રાતે નક્કી થયાં મુજબ એ લોકોએ રોહને કહ્યાં મુજબ આજની રાત પસાર કરવાનું નક્કી કર્યું.બધી છોકરીઓ પાણી નો જગ ભરી પોતાની સાથે લઈને રોહન નાં રૂમમાં ચાલી ગઈ..રોહને જાતે જઈને બારીઓ બરાબર બંધ કરી અને બારણું અંદરથી બંધ કરવાનું કહી નીચે હોલમાં આવી પહોંચ્યો જ્યાં શુભમ અને જેડી પણ મોજુદ હતાં.

"રોહન બધું બરાબર ચેક કરીને આવ્યો ને..અને છોકરીઓને કીધું ખરું કે કોઈપણ બારણું ખખડાવે નામ પૂછ્યા વગર દરવાજો ખોલવાનો નહીં.."જેડી એ રોહનને આવતાંની સાથે જ સવાલ પૂછ્યો.

"હા જગમોહન ભાઈ બધું જ કહી દીધું.."જેડી ને હાથ જોડી રોહન મજાકિયા અંદાજમાં બોલ્યો.

"ભાઈ આજે બે-બે પેગ રમ થઈ જાય..બહુ દિવસ થઈ ગયાં હોય એવું લાગે છે.આમ પણ છોકરીઓ જોડે છે નહીં એટલે કોઈ રોકટોક વગર પીવાની મજા આવશે"જેડી બોલ્યો.

"Ok.. પણ બે જ પેગ.."રોહન બોલ્યો.

"સારું ભાઈ.."જેડી એ રોહનની વાત માનતાં કહ્યું.

રોહન ઉભો થઈને રમની એક બોટલ અને બે ગ્લાસ લઈ આવ્યો..ત્યારબાદ દામુ જોડે પાણી,આઈસ ક્યુબ અને જોડે થોડું નમકીન મંગાવ્યું.દામુ રોહને મંગાવેલ વસ્તુ આપી ગયો.હજુપણ દામુ નો ચહેરો એનાં મનમાં રહેલ ગુસ્સાની ચાડી ખાઈ રહ્યો હયો.

"અહીંથી નીકળી ને ઘરે પહોંચતા જ પૂજાની સાથે સગાઈ કરી લેવી છે.."એક પેગ મારતાં જેડી બોલ્યો.

"તારી સગાઈ જેનાં જોડે થવાની છે એની સાથે મારી સુહાગરાત પણ થઈ ગઈ મારાં ભાઈ..."મનોમન રોહન બબડયો.

"ભાઈ ખૂબ સરસ.."શુભમે કહ્યું.

જેડી અને રોહન એક પછી એક પેગ ઉપર પેગ મારતાં રહ્યાં પણ શુભમે દારૂ પીધો જ નહીં.કેમકે શુભમ ક્યારેય ડ્રીંક નહોતો કરતો એ એનો નિયમ હતો.અડધો કલાક સુધી રમ નાં ઘૂંટ ની સાથે વાતો નાં વડા કર્યા બાદ સોફામાં જ લંબાવ્યું.

થોડીકવારમાં તો એ લોકો ને ઊંઘ આવી ગઈ..જેડી તો રોજની ટેવ મુજબ પડતાંની સાથે જ નસકોરાં બોલાવવા લાગ્યો..રોહન પણ ભર ઊંઘમાં હતો.

રાતનાં બે પહોર વીતી ગયાં અને ત્રણ વાગી ગયાં હતાં.બાલુ તો ગેરેજમાં સુવા માટે જતો રહ્યો હતો..રોહન,જેડી અને શુભમ પણ સોફામાં પોતપોતાની રીતે ચત્તા થઈને સૂતાં હતાં. ત્રણેય છોકરીઓ પણ એકબીજાનાં સાનિધ્યમાં આરામ ફરમાવી રહી હતી.

બીજો એક કલાક પણ આરામથી વીતી ગયો હવે સવાર પડવામાં થોડોક સમય બાકી હતો.ઘડિયાળ માં ને દસ થઈ ત્યારે શુભમની કારમી ચીસ હોલમાં ગુંજી ઉઠી.

શુભમની ચીસ સાંભળી રોહન અને જેડી અચાનક ઊંઘમાંથી બેઠાં થઈ ગયાં અને એમને શું થયું છે એ જોવા લાઈટ ચાલુ કરી..એમને જોયું તો શુભમ લોહીલુહાણ હાલતમાં નીચે ફર્શ પર પડ્યો હતો..એનાં પેટનાં ભાગે કોઈએ ધારદાર હથિયારથી પ્રહાર કરવાનું નિશાન હતું.એ સિવાય શુભમનાં હાથ પર પણ એક નાનો સરખો ઘા હતો.

"શુભમ..શુભમ.."રોહન અને જેડી નાં ચિંતાતુર અવાજથી વાતાવરણમાં શોરબકોર છવાઈ ગયો.

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

શુભમ પર હુમલો કોને કર્યો હતો..??પૂજાએ કરેલ ચોરીનું શું પરિણામ આવશે??પૂજા અને રોહનનો આ સંબંધ પોતાની સાથે કેવી મુસીબતો ઉભી કરશે..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ