Limelight - 3 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ ૩

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩

"લાઇમ લાઇટ" ની હીરોઇન રસીલી સાથે તેના નિર્દેશક પ્રકાશચન્દ્રનો ચુંબન કરતો ફોટો ચકચાર મચાવી રહ્યો હતો. મીડિયાને તો મસાલો મળી ચૂક્યો હતો. પણ એ ફોટો પ્રકાશચન્દ્રની પત્ની કામિની માટે તીખું મરચું સાબિત થઇ રહ્યો હતો એ પ્રકાશચન્દ્ર સમજી શકતા હતા. કામિનીએ એ ફોટો બતાવીને તેનો જવાબ માગ્યો ત્યારે "એક મિનિટ" ની રજા લઇને તેમણે માહિતી મેળવવા પીઆરનું કામ કરતા સાગરને ફોન લગાવ્યો. તેમને હતું કે સાગર ફિલ્મના પ્રચાર માટે કોઇપણ ગતકડું મૂકી શકે છે. પણ જ્યારે સાગર પોતે આ વાતથી અજાણ હોવાનું કહી રહ્યો હતો ત્યારે પ્રકાશચન્દ્રનું મગજ ચકરાઇ ગયું. પોતાની ફિલ્મની હીરોઇન સાથે પોતે આ રીતે ચર્ચાના ચગડોળે ચઢી જશે તો અંગત જીવનમાં તેની મોટી કિંમત ચૂકવવી પડશે એનો તેમને અંદાજો હતો. સાગરે જ્યારે એ ફોટાની સત્યતા વિશે સામો સવાલ કર્યો ત્યારે પ્રકાશચન્દ્ર ચોંકી ગયા. શું જવાબ આપવો એ તેમને સમજાયું નહીં. તેમણે એ ફોટા વિશે વિચાર્યું. તેમને ખ્યાલ આવી ગયો કે એ ફોટો એમણે નવા યુવાન હીરોને રસીલી સાથેના ચુંબન દ્રશ્યની ટિપ્સ આપી ત્યારે કોઇએ ખેંચી લીધો હતો. ત્યારે યુનિટના ઘણા સભ્યો હાજર હતા એટલે એ કોની હરકત હતી એ વિચારવાનો અત્યારે સમય ન હતો. તેમણે કંઇક વિચારીને સાગરના છેલ્લા પ્રશ્નને પકડી લીધો. તેણે આ ફોટો બનાવટી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

ફોન ઉપર સામે છેડે સાગરની ધીરજ ખૂટી રહી હતી. તે પ્રકાશચન્દ્રના જવાબની રાહ જોતો "હેલો..હેલો..." કરી રહ્યો હતો.

"હા.. સાગર, મને લાગે છે કે કોઇએ ફોટોશોપ પર બનાવટી ફોટો તૈયાર કરીને મારી વિરુધ્ધ કાવતરું રચ્યું છે. તું ફોટો ધ્યાનથી જોઇશ તો ખ્યાલ આવશે કે એમાં રસીલીનો કહેવાતો ચહેરો બરાબર દેખાતો નથી. અને આપણે હજુ તેનો ચહેરો જાહેર પણ કર્યો નથી. આ બનાવટી ફોટો આપણાને બદનામ કરવા કોઇએ વાઇરલ કર્યો છે...." પ્રકાશચન્દ્રએ વાર્તા બનાવી દીધી.

"ઓહ! બાકી હું આવાં ગતકડાં કરતો જ નથી. અને કરું તો પણ જે-તે વ્યક્તિની પરવાનગી લઇને જ કરું છું. કોઇના અંગત જીવન પર કિચડ ઉડાડવાનું કામ હું કરતો નથી...તો હવે એક કામ કરો. તમે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી દો. આ ફોટાની સત્યતા વિશે એ તપાસ કરશે અને ખોટો સાબિત થશે એટલે આપણાને ફાયદો થશે. એ લોકો ફોટાના મૂળ સુધી પહોંચશે અને જેણે આ ફોટો સૌથી પહેલો વાઇરલ કર્યો હશે એની બોચી પકડશે..."

પ્રકાશચન્દ્ર ગભરાઇ ગયા. તેમને લાગ્યું કે પહેલા તો કામિની જ મારી બોચી પકડશે. તેમણે અવાજ પર સંયમ રાખી સહજ સ્વરમાં કહ્યું:"સાગર, આપણે ફરિયાદની ઝંઝટમાં પડવું નથી. આપણા સમય અને પૈસા બંને બગડશે. અત્યારે આપણું કામ પણ અટકશે. અને નાહકની નેગેટિવ પબ્લિસીટીની બૂમ પાડવામાં આવશે. તું કંઇક એવું કર કે લોકો આ ફોટા ભૂલીને બીજી કોઇ ચર્ચા કરે..." પ્રકાશચન્દ્રએ સાગરને સમજાવ્યો. પ્રકાશચન્દ્ર ચુંબન દ્રશ્યને ખોટું સાબિત કરવા માગતા હતા.

"ઠીક છે. હું પછી તમને જણાવું છું..." કહી સાગરે ફોન મૂકી દીધો.

પ્રકાશચન્દ્ર માટે હવે પત્ની કામિનીને સમજાવવાનો મુદ્દો મળી ગયો હતો. તેના મનમાં ઊભી થયેલી શંકા મિટાવવા તે તેમના બેડરૂમ તરફ ગયા. ત્યાં કામિની ન હતી. બંગલામાં બધા રૂમમાં તે ફરી વળ્યા. કામિની ક્યાંય દેખાઇ નહીં. તેમની ચિંતા વધી ગઇ. નારાજ થઇને કામિની કોઇ અઘટિત પગલું તો નહીં ભરી લેને? તેમણે કિચનમાં જઇને જોયું તો બાઇ ગેસ પર રસોઇ બનાવતી હતી. તેમણે ચહેરા પરનો ગભરાટ ઉતારીને પૂછ્યું:"કામિની ક્યાં છે?" પહેલી વખત સાહેબને રસોડામાં જોઇ બાઇએ થોડી નવાઇ સાથે જવાબ આપ્યો:"હમણાં અહીં જ હતા. કંઇ કહ્યું નથી.."

પ્રકાશચન્દ્રએ બહાર આવી તરત મોબાઇલમાં કામિનીનો નંબર ડાયલ કર્યો. ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. પ્રકાશચન્દ્રની આંખોમાં ભય ડોકાવા લાગ્યો. નક્કી કામિની આ મુદ્દે કોઇ નવાજૂની કરશે. હજુ આ ફોટાથી છૂટકારો મળ્યો નથી ત્યાં મીડિયાને નવો મુદ્દો મળી જશે. કામિની ક્યાં ગઇ હશે? મારી સાથે વાત પણ ના કરી? હવે તેનો સંપર્ક કેવી રીતે કરું? મારા પહેલાં મીડિયા તો તેની સાથે વાત કરી નહીં લે ને? મનમાં ઘૂમરાતા પ્રશ્નો સાથે તેમણે ગૂગલ પર કામિનીના નામથી સર્ચ કરવા માંડ્યું.

***

સાકીર ખાને તેના સેક્રેટરી આલોકને રસીલી સાથે ફિલ્મ સાઇન કરવાનું કહ્યા પછી તેના મગજમાં આખું આયોજન તૈયાર થવા લાગ્યું હતું. સાકીર ખાન હિન્દી ફિલ્મોમાં રોમાન્સનો મહારાજા ગણાતો હતો. તેણે પચાસ વર્ષની ઉંમરમાં કુંવારી અને નવી હીરોઇનો સાથે ઘણી સફળ ફિલ્મો કરી હતી. હવે તો તેનો પુત્ર પણ બે વર્ષમાં હીરો બનવાનો હતો. છતાં તેના ચાહકોમાં યુવાન પેઢીની સંખ્યા વધુ હતી. સાકીરે તેનાથી અડધી ઉંમરની છોકરીઓ સાથે રોમેન્ટિક ફિલ્મો કરીને સફળ કારર્કિર્દી બનાવી હતી. નવોદિત હીરોઇનો તેની સાથે કારકિર્દી શરૂ કરવાના સપનાં જોતી હતી. ત્યારે સાકીર નવીનવેલી રસીલી સાથે ફિલ્મ કરવાનું સપનું જોવા લાગ્યો હતો. તેણે "લાઇમ લાઇટ"નું ટીઝર જોયું ત્યારથી જ તેનાથી પ્રભાવિત થયો હતો. તેની એક ઝલક દિલોદિમાગમાં રોમાંચ જગાવી ગઇ હતી. તેની ઉન્માદભરી અદા સાથેના સંવાદનું દ્રશ્ય :"સાબ, યહાં પર જો આતા હૈ વો ઇસ કમરે કો દેખતા નહીં હૈ, ઉસકી નજર મેરી કમર કે નીચે હી જાતી હૈ...." વારંવાર આંખ સામે આવી જતું હતું. રસીલી રોમેન્ટિક સીનમાં ખીલી ઉઠે એવી છે. સાકીરની છેલ્લી ત્રણ મસાલા ફિલ્મો ફ્લોપ રહી હતી. જેમાં એકમાં તેણે ડબલ રોલમાં મોટી ઉંમરના માણસનું પાત્ર ભજવ્યું હતું. તેને નકારી કાઢવામાં આવ્યું હતું, અને તેનું સ્ટારડમ ડગમગવા લાગ્યું હતું. હવે તે ફરી રોમેન્ટિક ફિલ્મ કરી કારકિર્દી બચાવવા માગતો હતો. અત્યારે તેની પાસે એક જ ફિલ્મ હતી અને તેના વિશે ખાસ ચર્ચા થઇ રહી ન હતી. નિર્માતા માટે મોંમાગી કિંમતે આ ફિલ્મને વેચવાનું મુશ્કેલ બની રહ્યું હતું. સ્ટાર કિડ સાથે બીજી ફિલ્મની હજુ જાહેરાત કરી હતી. તેને અત્યારે અટકાવી દેવા માગતો હતો. હવે રસીલી સાથે રોમેન્ટિક ફિલ્મ કરવાની જાહેરાત કરીને પોતે ચર્ચામાં આવી શકે એમ હતો. સુપરસ્ટાર સાકીરનું મન કહેતું હતું કે રસીલીની પહેલી ફિલ્મ જરૂર હિટ થશે અને એ કારણે પોતાની બીજી ફિલ્મ માટે ઉત્સુક્તા વધી જશે. સાકીર ખાનની ગણતરી હતી કે તેની કારકિર્દીમાં રસીલી સહારો બની શકે એવી હતી. તેની સાથે બીજી એક ગણતરી તેનું મન જ કરતું હતું. એને પોતાનું દિલ પણ ના જાણે એમ એ ગુપ્ત રાખવા માગતો હતો.

***

"હવે મારું ફિલ્મોમાં ચમકવાનું સપનું પૂરું થવાનું છે. આ તો હજુ સંઘર્ષ શરૂ થવાનો છે. પણ પહેલી જ ફિલ્મમાં મોટી તક મેળવીને આગળની સફરને સરળ બનાવવાનો મનસૂબો મજબૂત બની રહ્યો છે." વિચારતી રસીલી બેડ પર બેઠી અને પ્રકાશચન્દ્ર વિશે વિચારવા લાગી. તેમની નજર મારા પર પડી ના હોત તો હું કોણ જાણે ક્યાં અને કેવી સ્થિતિમાં જીવતી હોત. આ રીતે અંધારી દુનિયામાંથી ફિલ્મી દુનિયાના ઝગમગાટમાં "લાઇમ લાઇટ" થી આવી જઇશ એનો સપને પણ ખ્યાલ ન હતો. તેમનું અહેસાન કોઇ દિવસ ચૂકવી શકાશે નહીં. કોઇ આટલું સાહસ એક અજાણી યુવતી માટે કોઇ સ્વાર્થ વગર કરે એ માની શકાય એવું નથી. આટલા સમયના પ્રકાશચન્દ્રજીના પરિચય પછી કહી શકાય કે તેમણે મારી સુંદરતા અને પ્રતિભા જોઇને મને આગળ લાવવાનો નિશ્ચય કર્યો હોવાની તેમની વાત સાચી છે. ફિલ્મની રજૂઆત સુધી મને છુપાવી રાખીને તે દર્શકોમાં ઉત્સુક્તા વધારી રહ્યા છે. પણ પછી મારા જીવન વિશે જાણીને બધા ચોંકી જશે તો? ટીઝરમાં મારી અદા જોઇને કરોડો લોકોના દિલ ઘાયલ થઇ ગયા છે. ફિલ્મ રજૂ થયા પછી તો માહોલ આનાથી વધુ સારો હશે. પ્રકાશચન્દ્રજી કેટલા દિલદાર છે. મને રહેવા માટે ફ્લેટ ભાડે લઇ લીધો છે. પણ ક્યારેય પોતે અહીં આવ્યા નથી. બાકી આ ઝગમગાટની દુનિયામાં કેવા લોકો હોય છે એ કોણ નથી જાણતું. પ્રકાશચન્દ્રએ ફિલ્મના શુટિંગમાં પણ ક્યારેય મારી સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો નથી. બાકી શુટિંગમાં હું કપડાં ઉતારું ત્યારે કેટલાંયની આંખોમાં સાપોલિયાં રમતા હશે. પ્રકાશચન્દ્રએ ક્યારેય પોતે તક આપી હોવાને કારણે કોઇ અઘટિત માગણી કરી નથી. કે એવો ઇશારો કર્યો નથી. આવા માણસો આ દુનિયામાં ભાગ્યે જ જોવા મળતા હશે. તેમણે એક વખત ચુંબનનું દ્રશ્ય કર્યું ત્યારે પણ કોઇ મલિન ઇરાદો જણાયો ન હતો. એ મને અને નવા હીરોને શિખવવા માગતા હતા. એમની સાથેના રીહર્સલ પછી એ દ્રશ્યમાં જાન આવી ગઇ હતી. એમણે બહુ સહજ રીતે ચુંબન કરતા શીખવ્યું હતું. પણ ન જાણે કેમ ત્યારે મારા દિલની સિતાર રણઝણવા લાગી હતી. આજે પણ એક છાના ખૂણે તેમના માટે લાગણી ફૂટી રહી છે. વિચારતી રસીલીએ તેના ભર્યાભર્યા બદનના પુષ્ટ અંગો પર હાથ ફેરવ્યા. તેણે રોમાંચ અનુભવ્યો. તેને પ્રકાશચન્દ્રની યાદ સતાવવા લાગી. તે આગળ વિચારવા લાગી. અમારો ચુંબનનો એ ફોટો જોઇને પ્રકાશચન્દ્રજી પરેશાન થઇ ગયા હશે. મારું ફિલ્મનું એ દ્રશ્ય છે. મને તો કોઇ ફરક પડવાનો નથી. પણ તેમના અંગત જીવનમાં સમસ્યા ઉભી ના થાય તો સારું. મારે એમની સાથે વાત કરવી જોઇએ. રસીલીએ મોબાઇલમાં "પીસી" નામથી સેવ કરેલો તેમનો નંબર ડાયલ કર્યો. સામાન્ય રીતે સામેથી પ્રેમથી 'હેલો' નો સ્વર સાંભળતી રસીલીને 'હલો...કોણ?' ની પૃચ્છા સાંભળીને નવાઇ લાગી. તેણે 'હું રસીલી. પ્રકાશચન્દ્રજી..." કહ્યું પણ સામેથી "રોંગ નંબર" કહીને પ્રકાશચન્દ્રએ ફોન કાપી નાખ્યો.

રસીલી છોભીલી પડી ગઇ. પ્રકાશચન્દ્રએ આમ કેમ કર્યું હશે? વિચારતી તેમના ફોનની રાહ જોવા લાગી.

***

એક સેવન સ્ટાર હોટલમાં એક ફિલ્મની સફળતાની પાર્ટી ચાલતી હતી. સ્ટાર કિડ જૈની અગ્રવાલ હોટેલના દરવાજા પાસે મીડિયાને મસ્ત અદાથી પોઝ આપી રહી હતી. ત્યાં બીજી સ્ટાર કિડ ધારા ગુપ્તા આવી. તેને જોઇને જૈનીએ મોઢું બગાડ્યું. પત્રકારોએ બંનેનો સાથે પોઝ લેવા વિનંતી કરી. પણ તે ઝડપી પગલે હોટેલમાં ચાલી ગઇ. પત્રકારોના મોં પર હાસ્ય ફરકી ગયું. તેમને જૈની અને ધારા વચ્ચે ચાલતી કેટફાઇટની ખબર હતી. બંને સ્ટારકિડસ એકબીજાને ધિક્કારતી હતી અને પોતાને બીજીથી વધુ સુંદર અને શ્રેષ્ઠ માનતી હતી. બંને નજર મિલાવવાનું પણ ટાળતી હતી. આજે બંનેએ એકબીજાની અવગણના કરી હતી. પત્રકારોએ જ્યારે તેના ફોટા ખેંચીને પૂછ્યું કે, "જૈની સાથે તમારી આટલી દુશ્મની કેમ છે? તે તમારી સાથે બોલતી કેમ નથી? ફોટો પાડવાની પણ ના પાડી દીધી...?"

ત્યારે ધારાએ એટલું જ કહ્યું:'તમે એને જ પૂછી લેજોને!" અને તે હોટેલમાં જતી રહી.

મીડિયાને આજે ફરી મસાલો મળી ગયો હતો. બંને વચ્ચેની દુશ્મનીનો પુરાવો આજે તેમની પાસે હતો. આવતીકાલે થોડો મરીમસાલો ભભરાવીને આ સમાચારને કેવી રીતે હાઇલાઇટ કરવા તેની તૈયારી પત્રકારોના મગજમાં ચાલી રહી હતી ત્યારે હોટેલની અંદર પાર્ટીથી થોડી અળગી રહી મસાલાવાળી શીંગ ખાતાં હાથમાં ગ્લાસ સાથે ધારા અને જૈની જોરજોરથી હસી રહી હતી!

"તું બરાબર સમય પર આવી ગઇ..." ધારાએ જૈનીની પીઠ થાબડી.

જૈની બોલી:"અલી, હું તો ક્યારની આવી ગઇ હતી. પાર્કિંગમાં તારા ફોનની રાહ જોતી બેઠી હતી. તેં કહ્યું કે હું આવી ગઇ એટલે તરત જ ગાડી હોટેલના દરવાજા પર લેવડાવી. તેં મોં મસ્ત બનાવ્યું!

"યાર! અભિનય તો આપણા લોહીમાં છે!" કહી ધારા અચાનક ગંભીર થઇ ગઇ અને તેના નાજુક ગોરા ચહેરા પર લોહી ધસી આવ્યું. તે સહેજ ગુસ્સામાં આવી જઇને બોલી:"સાલી... પેલી રસીલી આપણું લોહી પીવા આવી ગઇ છે. ખબર છે કે સાકીર ખાન તેને સાઇન કરવા માગે છે..."

"સાકીર ખાન તો તારી સાથે ફિલ્મ સાઇન કરી ચૂક્યો છે ને?" જૈનીએ તેને યાદ અપાવ્યું.

"હા, પણ એવું જાણવા મળ્યું છે કે તે આ ફિલ્મને હોલ્ડ પર રાખવા માગે છે. વાંધો નહીં. જો મારી સાથેની ફિલ્મ શરૂ નહીં કરે તો રસીલી સાથેની પણ એ કરી નહીં શકે. લાઇમ લાઇટની હીરોઇનને હું જોરદાર ફાઇટ આપીશ. સાકીર સાથેની મારી ફિલ્મ બંધ થવા નહીં દઉં...." કહી ધારાએ હાથમાંનો આખો ગ્લાસ ગળા નીચે ઉતારી દીધો. અને સંગીતના ઘોંઘાટમાં બેઠી બેઠી જ ખુશીથી ઝૂમવા લાગી.

જૈની ચોંકી ગઇ. ધારા શું કરવા માગે છે એ જાણવા તેને હચમચાવી. "ધારા તું શું કરવાની છે?"

"તું જોતી જા.. હું શું કરું છું.." કહી ધારાએ ચહેરા પર કુટિલ સ્મિત કર્યું.

વધુ આવતા શનિવારે ચોથા પ્રકરણમાં...

***

શું કામિની પ્રકાશચન્દ્રથી રીસાઇને ક્યાંક ચાલી ગઇ હશે? સુપરસ્ટાર સાકીર ખાનનું હીરોઇન રસીલી સાથે ફિલ્મ કરવાનું એક રહસ્યમય કારણ કયું હતું ? રસીલીના જીવનનાકયા પહેલું વિશે જાણીને બધા ચોંકી જશે? પ્રકાશચન્દ્રએ રસીલી સાથે ફોન ઉપર વાત ના કરી તેની પાછળ કયું કારણ હતું? શું સ્ટાર કિડ ધારા રસીલીને સાકીરની ફિલ્મ નહીં કરવા દે? કામિનીએ કોની સામે કપડાં ઉતારવાની મજબૂરી ઊભી થઇ હતી? એ બધા જ સવાલ અને રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ૧ થી ૪૮ પ્રકરણ તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧.૩ લાખથી વધુ ડાઉનલોડનો વાચકોનો અનુભવ કહી રહ્યો છે. "રેડલાઇટ બંગલો" વાંચીને રેટીંગ જરૂરથી આપશો.