Limelight - 6 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૬ 

લાઇમ લાઇટ  

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૬ 

કામિની ફાઇનાન્સર રાજીવ ગોયલને મળવા ગઇ ત્યારે તેમણે જે વાત કરી એ સાંભળી પોતે અહીં એકલી આવીને ભૂલ તો નથી કરીને? એવો સવાલ થયો. પ્રકાશચન્દ્રએ ગોયલ પાસે કામિની સાથે આવવા માટે કહ્યું હતું. પણ કામિનીને એવી કોઇ જરૂર લાગી ન હતી. તે રાજીવને ઘણા સમયથી ઓળખતી હતી. રાજીવે તેની ઘણી ફિલ્મોને ફાઇનાન્સ પૂરું પાડ્યું હતું. ત્યારે તે ફિલ્મોમાં માત્ર હીરોઇન તરીકે જ હતી. ફિલ્મનું કામ નિર્માતા-નિર્દેશક સંભાળતા હતા. તેને પોતાની ફી સાથે મતલબ રહેતો હતો. ફાઇનાન્સરનો હિસાબ નિર્માતા સાથે રહેતો હતો. પહેલી વખત તે નિર્માતા-નિર્દેશક પતિ માટે રાજીવ પાસે હાથ ફેલાવવા આવી હતી. તેને ખબર ન હતી કે રાજીવ તેના હાથને પકડીને કોઇ કિંમત માગશે. કામિની રાજીવની ઓફિસમાં પહોંચી ત્યારે તે વ્યસ્ત હતો. તે થોડીવાર બેઠી. અચાનક અંદરથી એક ફૂટડી યુવતી બહાર આવી અને તેને કહ્યું:"મેડમ, તમને સર બોલાવે છે."   

કામિની તરત જ તેમની ઓફિસમાં ગઇ. આલિશાન ઓફિસ હતી. વિદેશી પડદા સાથેની ઓફિસની સજાવટ જોઇને કામિનીને ખ્યાલ આવી ગયો કે રાજીવે ઘણી પ્રગતિ કરી છે.

"અરે! કામિની! આજે અહીં ક્યાં ભૂલી પડી? આવ આવ!" રાજીવે રાજીપો વ્યક્ત કરી પોતાની બેઠક પરથી ઊભા થઇ કામિનીને આવકાર આપ્યો. કામિની તેની સામેની ખુરશી પર બેઠી અને બોલી:"રાજીવ, તારું કામ પડ્યું એટલે ભૂલી પડી છું..."

"ઓહ! મને એમ કે મારી યાદ આવી..!" કહી રાજીવ લુચ્ચું હસ્યો.

"કામ પડ્યું અને યાદ આવી એટલે જ તો અહીં તારી સામે બેઠી છું!"

"સાચી વાત છે. ઘણા સમય પછી મુલાકાત થઇ એટલે... તેં ફિલ્મો છોડી દીધી પછી ખાસ મળવાનું બન્યું જ નથી...."

"રાજીવ, કેવો ચાલે છે તારો ધંધો?"

"જો, જબજદસ્ત જમાવટ કરી દીધી છે. એક પછી એક ફિલ્મો હિટ થઇ રહી છે. હું એવી ફિલ્મો પર દાવ લગાવું છું કે હિટ જ થઇ જાય છે એટલે પ્રગતિ થઇ રહી છે.... બોલ શું લઇશ? ઠંડું કે ગરમ?"

"ના કંઇ નહીં. હું તારી પાસે મદદ માગવા આવી છું."

"બોલ, શું કરી શકું તારા માટે?"

"વાત એમ છે કે મારા ડાયરેકટર પતિ એક ફિલ્મ બનાવી રહ્યા છે. અને તેના માટે થોડા ફાઇનાન્સની જરૂર છે. જો હું વ્યાજ સાથે તે પરત કરીશ એ પહેલાં જ કહી દઉં.."

"કામિની હું વ્યાજ સાથે જ રૂપિયા પરત લઉં છું. પણ વાત એમ છે કે આર્ટ ફિલ્મો પર હું દાવ લગાવતો નથી...."

"મને ખબર છે. પણ આ વખતે પ્રકાશ કમર્શિયલ ફિલ્મ બનાવી રહ્યા છે. તમારા પૈસા ડૂબશે નહી..."

"ઓહો...! કેમ આર્ટ ફિલ્મ બનાવવાનું બંધ કરી દીધું?"

"ના, આ વખતે સારી સ્ક્રિપ્ટ અને હીરોઇન બંને એવા મળ્યા કે કમર્શિયલ કંસેપ્ટ પર કામ શરૂ કર્યું..."

"બધી વાત સાચી પણ તેમના પર આર્ટ ફિલ્મના ડાયરેક્ટરનો ટેગ છે એટલે જોખમ લઇ ના શકું. કોઇ બેંકમાં એપ્લાય કર ને..."

"હવે બેંકવાળા ક્યાં વધારે આપે છે? અને તમારા જેવા મિત્રો હોય પછી એવી ઝંઝટમાં પડવાની શું જરૂર?"

"જો મિત્રતા એની જગ્યાએ છે અને રહેશે. ધંધામાં હું વચ્ચે મિત્રતા લાવતો નથી... મારી પાસે એક આઇડિયા છે..."

"શું?!"

"તું ફિલ્મ કરવાનું શરૂ કરી દે. એ પૈસામાંથી પ્રકાશચંદ્રને મદદ મળશે."

"મારો જમાનો ગયો. મને અત્યારે કોઇ ફિલ્મ મળે તો પણ ખાસ પૈસા ના મળે...પ્રકાશની ફિલ્મ માટે એક તમારો જ આધાર છે."

કામિની હવે કરગરી રહી હતી.

"કોણ કહે છે તને ફિલ્મ નહીં મળે? હું કોઇને વાત કરું? તું પહેલાં જેટલી જ તો સ્વરૂપવાન છે. હા, તારો ઝીરો ફીગરનો ટ્રેન્ડ ઓછો ચાલ્યો પણ આ ફિગરના દિવાના ઓછા નથી...."

કામિની પ્રયત્નપૂર્વક હસી. "મેં ઝીરો ફિગર ટકાવી રાખ્યું પણ મારા દિવાના તો હવે ખાસ રહ્યા નહીં હોય!"

"એક તો તારી સામે બેઠો છે..." કહી રાજીવે સામે બેઠેલી કામિનીનો ઉત્સાહથી હાથ પકડી કહ્યું:"બોલ, શું કહે છે? પહેલા મહિનાનું વ્યાજ માફ કરી દઇશ."

રાજીવે જે ઇરાદાથી હાથ પકડ્યો અને જે વાત કરી એ પરથી કામિનીને ખ્યાલ આવી ગયો કે તે શું કહેવા માગે છે.

"મારે તો થોડા સમય માટે ઉધાર રૂપિયા જોઇએ છે..." કામિનીએ પોતાની માગણી કહી.

"તારે વ્યાજ સાથે એની કિંમત ચૂકવવી પડશે. જો હું ગોળ ગોળ વાત કરીશ નહીં. તારા પતિની ફિલ્મ માટે ફાઇનાન્સ કોઇ આપવાનું નથી. મારી પાસેથી જરૂર હોય તો મારી સાથે એક રાત માટે તૈયાર થવું પડશે. જે જવાબ હોય તે હમણાં કહી દે. કોઇ ભાષણ કે વાદની ગુંજાઇશ નથી."

કામિનીને રાજીવની વાતથી નવાઇ લાગી પણ આંચકો નહીં. તેણે સ્ટેટ ફોર્વર્ડ કહી દીધું હતું. મંજૂર હોય તો હા નહીં તો ચાલતી પકડ. આ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓનું શોષણ થતું હતું એ તો તે જાણતી હતી. તે હીરોઇન બનવા આવી ત્યારે એક હીરોની પથારી ગરમ કરી હતી એ યાદ આવ્યું. આ રીતે કોઇને વશ થતા રહેવું પડે ત્યાં "મીટુ" ની ચળવળમાં ભાગ લઇને શું કરવાનું? દુનિયા પણ જાણે છે કે ફિલ્મી દુનિયામાં આ બદી દૂર થવાની નથી. અત્યારે તેણે પોતાના માટે નિર્ણય લેવાનો હતો. તેના માટે આ એક જ વિકલ્પ દેખાતો હતો. રાજીવ સાથે આટલી ઓળખાણને લીધે તે આવી શકી હતી. પ્રકાશચન્દ્રને તો હવે કોઇ રૂપિયો ધીરવા તૈયાર નથી. જો તેમને ફાઇનાન્સ નહીં મળે તો ફિલ્મ અટકી જશે અને જેટલું રોકાણ કર્યું છે એ પણ ડૂબી જશે. કેટલાક કલાકારોના રસ્તા પર ભીખ માગતા ફોટા તેની નજર સામે તરવરી રહ્યા. તેમની સ્થિતિની કલ્પના કરીને તે ધ્રૂજી ઊઠી. બીજો કોઇ રસ્તો સૂઝતો ન હતો. આખરે કામિનીએ શરણાગતિ સ્વીકારી લીધી.

"રાજીવ હું તૈયાર છું..."

"વેરીગુડ! મને ખબર ન હતી કે મારો આજનો દિવસ રંગીન બની જશે..." કહી ખુશ થઇ રાજીવે ચેકબૂક કાઢી અને કામિનીની માંગ મુજબ ચેક લખી એક તૈયાર એગ્રીમેન્ટ પર તેની સહી લઇ લીધી. બધી ફોર્માલિટી પૂરી કર્યા પછી તેણે એક કાગળ પર સરનામું અને એક કલાક પછીનો સમય લખી આપ્યો.

કામિની સમજી ગઇ કે રાજીવે તેના ખાનગી ફ્લેટ પર એક કલાક પછી તેને બોલાવી છે. કામિનીએ બે દિવસ પછીની તારીખનો ચેક લઇ હાથ મિલાવી કહ્યું:"મળીએ..." અને તેની ઓફિસની બહાર નીકળી ટેક્સી પકડી.

એ દિવસે તેણે લગ્ન પછી પરપુરુષ સામે પહેલી વખત કપડાં ઉતાર્યા હતા. ત્રણ કલાક સુધી રાજીવ ગોયલને સંતોષ આપીને કામિની ઘરે પાછી ફરી ત્યારે થાકી ગઇ હતી. પણ એક શાંતિ થઇ કે તેના પતિની ફિલ્મ અત્યારે તો ડબ્બામાં બંધ થતા અટકી ગઇ છે. તેને આશા ઊભી થઇ કે પતિની કમર્શિયલ ફિલ્મ હિટ નહીં રહે તો પણ ખર્ચ કાઢવામાં સફળ રહેશે તો રાજીવને તેના પૈસા પાછા ચૂકવી દેવાશે. તે સારું વિચારતી હતી ત્યારે તેનું બીજું મન પ્રશ્ન કરી રહ્યું હતું:"કામિની, જો ફિલ્મ ફ્લોપ રહી તો રાજીવ આ રીતે દર મહિને તારી પાસે વ્યાજ વસૂલ તો નહીં કરે ને....?" તે મનોમન ધ્રૂજી ઊઠી.  

***

        પ્રકાશચંદ્ર રસીલીને લઇ આપેલા ફ્લેટ પર ગયા ત્યારે ઇરાદો માત્ર ફિલ્મની ચર્ચા કરવાનો ન હતો. રસીલી સાથે કરેલા ચુંબન દ્રશ્ય પછી તેના પ્રત્યે ધીમું ધીમું આકર્ષણ વધી રહ્યું હતું. તેમની પથ્થર જેવી બની ગયેલી ઇચ્છા પર જાણે કૂંપળ ફૂટી રહી હતી. રસીલી તેમને હવે ચુંબકની જેમ ખેંચી રહી હતી. તેમને થતું હતું કે તે રસીલી સમક્ષ પોતાની ઇચ્છા કેવી રીતે વ્યક્ત કરશે? અને એને વાત કરવાનું પણ યોગ્ય રહેશે? ભલે તેને પોતે ફિલ્મમાં તક આપી છે પણ તેનો અર્થ એવો તો નથી જ કે તેના પર મારો માલિકીભાવ છે. તેને ફિલ્મની રજૂઆત સુધી શહેરના છેડે ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. પણ પોતાના દિલમાં રસીલી વસી ગઇ હતી એમ કહી શકતા ન હતા. તેના શરીરનું આકર્ષણ વર્ષોથી સુષુપ્ત રહેલી ઇચ્છાઓને જગાવી રહ્યું હતું. તેના ભરાવદાર શરીરના દ્રશ્યો તે ઘણી વખત આંખમાં ભરીને ઉત્તેજના અનુભવવા લાગ્યા હતા. રસીલી પોતાની મુરાદ સમજી ગઇ હતી કે શું? પોતે ફ્લેટ પર ગયા અને તેણે ચુંબન કરીને આગ લગાવી દીધી. ધીમેધીમે જોશનું સ્તર વધવા લાગ્યું અને તે બધું જ ભૂલીને રસીલીની બાંહોમાં સમાઇ ગયા. તેમને થયું કે ક્યારેય તરવાનું આવડતું ના હોય એ તરવૈયો નદીમાં પડે અને ઊંડી ડૂબકીઓ સાથે દૂર સુધી તરીને આવે એવું થયું હતું. રસીલી સાથે કલાકોનો સાથ માણ્યા પછી તે જાગ્યા ત્યારે તે પોતાની નપુંસકતાની બીમારીને યાદ કરી ચમકી ગયા. પણ પછી એક ખુશી તેમના ચહેરા અને તનમાં ફરી રહી. હવે તે આ બીમારીમાંથી બહાર આવી ગયા છે. વર્ષોથી કામિનીથી દૂર સૂતા પ્રકાશચંદ્ર આજે રસીલીની કમનીય કાયાના અંગેઅંગને ભીંસીને સૂતા હતા. રસીલીના શરીરમાં ગજબનો જાદૂ છે. "લાઇમ લાઇટ"થી તે છવાઇ જશે.  

"જાગી ગયા...?" રસીલીએ આંખો ખોલી આળસ મરડતા પૂછ્યું.

"રસીલી, તેં તો મારામાં પુરુષત્વ જગાડી દીધું..." પ્રકાશચંદ્ર ખુશ થઇ બોલ્યા.

"શું વાત કરો છો...?"

"હા રસીલી..." તેની અનાવૃત કાયાને આંખોમાં ભરી લેતાં પ્રકાશચંદ્રનું તન અને મન થનગનાટ અનુભવતું હતું.:"મેં ઘણી દવાઓ કરી પણ કોઇ ફેર ના પડ્યો. નપુંસકતાએ મારા જીવનનું તેજ હણી લીધું હતું. ઉત્તેજના માટે કેટલાય ઇંજેક્શન લીધા પણ આજે તેં ઉત્તેજનાથી ઇજન આપ્યું અને મારામાં કામદેવ જાગ્યા....."

"ચાલો, મારી તમને ભેટ આપવાની ઇચ્છા પૂરી થઇ અને તમારી વર્ષોથી પૂરી ના થયેલી ઇચ્છા પૂરી થઇ ગઇ. બંનેનું કામ થયું. કામિનીબેન પણ હવે તમારાથી ખુશ થઇ જશે....!"

"હા, એણે મારી નપુંસકતાને સ્વીકારી ઘણું બલિદાન આપ્યું છે. પણ જો આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઇએ..."

"આપણા બે વચ્ચે જ આ થયું છે એટલે ત્રીજાને ક્યાં ખબર પડવાની છે!" કહી મલકાતી રસીલી ઊઠી. તેણે કપડાં પહેર્યા અને ચા બનાવવા ગઇ.

ચા પીતાં પીતાં બંનેએ ફિલ્મના પ્રચાર અને રજૂઆતની તૈયારી વિશે વાત કરી આયોજન કર્યું.

વહેલી સવારે પ્રકાશચંદ્ર નીકળ્યા ત્યારે એક નવોન્મેષ અનુભવી રહ્યા હતા. જાણે પહેલી વખત યુવાનીના ઉંબરે પગ મૂક્યો હોય એવો ઉત્સાહ શરીરમાં વર્તાતો હતો.

ત્યારે રસીલી ફ્લેટનો દરવાજો બંધ કરી ઘરમાં આવી અને હસતાં હસતાં હાથમાં મોબાઇલ લઇ એક મેસેજ કરી બોલી:"ચાલ, એક કામ પૂરું થયું."  

***

જૈનીને સમજાતું ન હતું કે ધારા શું વિચારીને ખુશ થઇ રહી છે. પહેલાં તો જૈનીને થયું કે શરાબના નશામાં ધારા બહેકી ગઇ છે. તે ફિશિયારી મારી રહી છે. તે શું કરી શકવાની હતી? સાકીર જેવા સ્ટાર પોતાની મરજીનું કરે છે. તે ધારાને દૂધમાંની માખીની જેમ ફિલ્મમાંથી બહાર ફેંકી શકે છે.

જૈનીએ તેની વાત કઢાવવા પોરસ ચઢાવતા કહ્યું:"ધારા, મને તારા પર પૂરો વિશ્વાસ છે. તું જરૂર રસીલીને આગળ વધતી રોકવામાં સફળ થઇશ. પણ ધારા તું ધારતી હોય એટલું એ સહેલું નહીં હોય. સાકીર તારી સાથેની ફિલ્મ તારા કહેવા માત્રથી જલદી બનાવશે નહીં..."

"જૈની, હું કાચી ખેલાડી નથી. મારા પિતા મહેન્દ્રકુમારને ચાલીશ વરસનો અનુભવ છે. એમને બધા સાથે સંબંધ છે. અને તેમનું કોઇ ટાળી શકશે નહીં."

"એ વાત સાચી પણ... ખેર, હવે આપણે નીકળીએ. બહુ મોડું થયું છે. હોશ ગૂમ થાય એ પહેલાં ઘરે પહોંચીએ. નહીંતર આજે ઘરે ફટકાર પડશે.... અને સાંભળ.... હું નીકળું પછી દસ મિનિટ પછી તારી ગાડી નીકળવી જોઇએ...."

"ઓકે, બાય સ્વીટહાર્ટ!" કહી ધારાએ જૈનીને ફ્લાઇંગ કીસ આપી.

પાર્ટી તેના પૂરા જોશ સાથે ચાલી રહી હતી. ન જાણે કેટલાય કલાકારો સંગીત અને શરાબના નશામાં ઝૂમી રહ્યા હતા. જૈની ધીમે રહીને સરકી ગઇ.

ધારાએ ફરી એક જામ ભર્યો. તેને રસીલી પર ગુસ્સો આવી રહ્યો હતો. મનોમન તે રસીલીને ગાળો આપી રહી હતી. "મારા જેવી સ્ટાર કિડની ફિલ્મ ઝૂંટવી લે એ કેમ ચાલે? હું તને છોડીશ નહીં રસીલી સાલી! સાકીર સાથેની ફિલ્મ કોઇ સંજોગોમાં છૂટવા નહીં દઉં. એની સાથેની ફિલ્મને કારણે બીજી બે ફિલ્મ મળશે."

"હાય...!" કોઇનો અવાજ આવ્યો એટલે ધારાએ નવાઇ પામી ઘેરાતી આંખો ખોલી અને તે ચોંકી ગઇ. જમણા હાથની આંગળીઓ હવામાં હલાવતો સાકીર તેની સામે મુસ્કુરાતો ઊભો હતો.

ધારાને થયું કે તે સપનું તો જોઇ રહી નથી ને?

વધુ આવતા શનિવારે ૭ મા પ્રકરણમાં...  

***

પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ નહીં રહે? કામિનીનો રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? રસીલીએ પ્રકાશચંદ્રના ગયા પછી તરત કોને અને શું મેસેજ કર્યો હશે? એની પાછળ રસીલીની કોઇ ચાલ હશે? સાકીર ખાન ધારાને કેમ મળવા આવ્યો હતો? ધારા તેને પોતાની સાથેની ફિલ્મ કરવા પિતાની મદદથી મજબૂર કરી શકશે? પ્રકાશચંદ્ર રસીલી સાથે કામ કરવા સાકીર સમક્ષ કઇ શરત મૂકશે? ટ્રેલર લોન્ચ કર્યા પછી કઇ મુસીબત આવવાની છે? રસીલીના જીવનના કયા પહેલુ વિશે જાણીને બધાં ચોંકી જશે? એ બધા જ સવાલ અને રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો. 

***

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. આ નવલકથાના માતૃભારતી પરના ૧.૫ લાખથી વધુ ડાઉનલોડ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક છોકરી કેવી રીતે એક સ્ત્રીની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ છોકરી કેવી રીતે તેનો બદલો લે છે અને માત આપે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને રેટીંગ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો. મારી ૧૧૦ ઇબુક્સ પ્રસિધ્ધ થયેલી છે અને તેને ૧.૭૫ લાખ વ્યુઝ મળી ચૂક્યા છે. એ માટે વાચકોનો આભારી છું.