Limelight - 2 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૨

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨

ફિલ્મના નિર્દેશક પ્રકાશચન્દ્રને થતું હતું કે "લાઇમ લાઇટ" નો સારો પ્રચાર થાય તો જ હીરોઇન રસીલીને લોકો ઓળખી શકશે. તે ગુમનામીના અંધારામાં જતી રહેવી ના જોઇએ. તે જાણતા હતા કે હજારો છોકરીઓ આ ઝાકઝમાળની દુનિયામાં સ્થાન બનાવવા આવે છે. એમાંથી આંગળીના વેઢે ગણાય એટલી જ છોકરીઓ સફળતા અને પ્રસિધ્ધિ મેળવી શકે છે. રસીલી માટે તેમને લાગણી હતી. તે રસીલીની મહેનતથી પ્રભાવિત થયા હતા. તે ડિઝર્વ કરતી હતી. તે માનતા હતા કે જો રસીલીને યોગ્ય એક્સ્પોઝર મળશે તો હની લિયોની કે વિભા બાલનને લોકો ભૂલી જશે. તેમને "લાઇમ લાઇટ"ની હીરોઇન રસીલી સાથેનો એ દિવસ યાદ આવી ગયો અને તેમના ચહેરા પર ખુશી દોડી આવી. તેમણે એક દ્રશ્યના ફિલ્માંકન વખતે તેને ટિપ્સ આપી હતી. ત્યારે તેમના શરીરમાં કોઇ સ્ત્રીના પહેલા સ્પર્શથી પુરુષના શરીરમાં વ્યાપી જાય એવી ઝણઝણાટી વ્યાપી ગઇ હતી. એ દ્રશ્યમાં રસીલી સાથે યુવાનનું પ્રેમ દ્રશ્ય હતું. પણ પેલો યુવાન તેને વાસ્તવિક બનાવી શકતો ન હતો. ચાર રીટેક થઇ ગયા હતા. પેલો નર્વસ થઇ ગયો હતો. હવે પ્રકાશચન્દ્રએ જાતે એને સમજાવ્યો અને એ માટે રસીલી સાથેનું પોતાનું રિહર્સલ જોવા કહ્યું.

પ્રકાશચન્દ્રએ રસીલી સાથે એ દ્રશ્ય ભજવતા પહેલાં તેની નજીક જવાનું હતું. બંનેના શ્વાસોચ્છવાસ એકબીજા સાથે અથડાવાના હતા. અને પછી રસીલીની કમનીય કમરની બંને બાજુ હાથ મૂકીને હોઠ ઉપર ચુંબન કરવાનું હતું. રસીલી એ દ્રશ્ય ભજવવા તૈયાર હતી. પેલો યુવાન તેની કમર પર સરખી રીતે હાથ મૂકી શકતો ન હતો. પ્રકાશચન્દ્ર દરેક દ્રશ્ય પરફેક્ટ હોય એના આગ્રહી હતા. એટલે જાતે જ શિખવવા લાગ્યા. પ્રકાશચન્દ્ર સંવાદ બોલતા રસીલીની સામે ગયા. તે જરા શરમાઇ અને આંખોની પાંપણ ઝુકાવી દીધી. પ્રકાશચન્દ્રએ તેની નજીક જઇ તેના ચહેરાની બરાબર સામે પોતાનો ચહેરો રાખ્યો. બંનેના હોઠ વચ્ચે એક ઇંચનું અંતર હતું. ચુંબન લેતાં પહેલાં રસીલીની કમરને પ્રેમથી પકડવાની હતી. આખા દ્રશ્યનો ચાર્મ એના પર હતો. પ્રકાશચન્દ્રએ રસીલીની ઉઘાડી કમરના નીચેના વળાંક પર બંને બાજુથી હાથ મૂક્યો અને હાથને વળાંક પર ફેરવી કમરને પંજામાં દબાવી રસીલીના નાજુક રસીલા હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.

અચાનક તાળીઓ ગુંજી ત્યારે પ્રકાશચન્દ્ર અળગા થયા. તે સમાધિ લાગી ગઇ હોય એમ સ્થિર થઇ ગયા હતા. રસીલીની કમરને પકડી ત્યારે તેમના દિલની સિતાર રણઝણી ઊઠી હતી. અને તેના તપ્ત નાજુક નમણા હોઠને ચૂમ્યા ત્યારે ક્યારેય ના પીધો હોય એવો જામ પીધાનો કેફ ચઢ્યો હતો. સારું હતું કે કોઇએ સમયસૂચકતા વાપરી તાળીઓ પાડવાનું શરૂ કર્યું. નહીંતર પોતે તેનામાં ડૂબી ગયા હોત. આ દ્રશ્ય પછી પ્રકાશચન્દ્રને રસીલી વધુ ગમવા લાગી હતી. અને તે કોઇપણ ભોગે તેને લોકપ્રિય બનાવવા માગતા હતા.

***

હવે સાગર જ્યારે તેમને મળી ગયો ત્યારે તેમની ચિંતા ટળી ગઇ હતી. સાગરે આખી ફિલ્મ વિશે માહિતી મેળવીને પોતાનો તખ્તો તૈયાર કરી દીધો હતો. તેણે પ્રકાશચન્દ્રએ કરેલી પહેલી ટ્વિટને રિજેક્ટ કરી દીધી ત્યારે નવાઇ લાગી હતી. તે એવું બતાવવા માગતા હતા કે રસીલીની કમર સ્થાપિત રહેલા ૩૬-૨૪-૩૬ ના માપ કરતા વધુ છે અને એ કારણે તે વધુ સેક્સી લાગે છે. પણ સાગર સામે હવે તેમણે દલીલ કરવાની ન હતી. તેને પ્રચારની બધી જ જવાબદારી સોંપી દીધી હતી.

સાગરે જ્યારે ડ્રાફ્ટ તૈયાર કરીને તેમની સામે રજૂ કર્યો ત્યારે તે વિચારવા લાગ્યા હતા કે આ રીતે શરૂઆત ધમાકેદાર થશે કે નહીં?

સાગર કહે:" પ્રકાશચન્દ્રજી, આમ તો આ શરૂઆત તમારા વિચાર મુજબ જ છે. તમે જે ટ્વિટ કર્યું એમાં તમે જે વાત કહેવા માગો છો એ આ ટીઝરમાં હીરોઇન જાતે સાબિત કરી રહી છે. અને ચિત્ર કે શબ્દો કરતાં દર્શકો જ્યારે તેને ભજવાતું જોશે ત્યારે તેની અસર વધુ થશે."

પ્રકાશચન્દ્રએ સાગરે સૂચવેલા ફિલ્મના એક દ્રશ્ય પરથી પહેલું ટીઝર તૈયાર કરાવી દીધું અને તેની રજૂઆતની તારીખની જાહેરાત કરાવી દીધી.

બે દિવસ પછી "લાઇમ લાઇટ" નું ટીઝર રજૂ થયું અને ધમાલ મચી ગઇ. ટીઝરમાં થોડા સામાન્ય દ્રશ્યો પછી રસીલી તેના પુષ્ટ ઉભારનો સ્પષ્ટ આકાર દર્શાવતા ચુસ્ત બ્લાઉઝ અને દુટીથી ચાર ઇંચ નીચા પહેરેલા ઘાઘરામાં કમર હલાવીને સામે ઊભેલા યુવાનને આકર્ષિત કરે છે ત્યારે બહારથી આવેલો તે યુવાન પહેલાં રસીલીની રૂમમાં એક નજર નાખે છે. એ જોઇ રસીલી કહે છે:"સાબ, યહાં પર જો આતા હૈ વો ઇસ કમરે કો દેખતા નહીં હૈ, ઉસકી નજર મેરી કમર કે નીચે હી જાતી હૈ...." અને કમરને સેક્સી ઝટકો આપે છે.

એક જ દિવસમાં ટીઝરને જોનારાની સંખ્યા મિલિયન થઇ ગઇ. ટીઝરમાં રસીલીના મોં પર અંધારું રાખવામાં આવ્યું હતું. એટલે ચહેરો ઓળખી શકાતો ન હતો. પરંતુ તેની બોલ્ડનેસની ઠેરઠેર ચર્ચા થવા લાગી. ટીઝર હદ બહાર વાઇરલ થઇ ગયું. સાગરે ફોન કરીને કહ્યું:"પ્રકાશચન્દ્રજી, ધમાકો કરી દીધો ને?"

"હા ભાઇ, ચારે તરફ એની જ ચર્ચા છે..."

"હજુ તો આગળ ઘણું આપણે આપીશું અને લોકોને થિયેટર સુધી ખેંચી લાવીશું..."

સાગરનો પહેલો પ્રયોગ સફળ થયાની ખુશી પ્રકાશચન્દ્ર માટે ક્ષણિક નીવડી. એક ટીવી ચેનલે મુદ્દો ઊભો કરી દીધો કે પ્રકાશચન્દ્ર પોતાની ફિલ્મના નામે અશ્લીલતા ફેલાવી રહ્યા છે. અને એક સામાજિક સંસ્થાએ ટીઝરના સંવાદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી દીધી. પ્રકાશચન્દ્ર ગભરાઇ ગયા. હજુ તો શરૂઆત થઇ હતી ત્યાં પ્રતિબંધની તલવાર લટકી ગઇ. આ ફિલ્મ રજૂ થવાને બદલે ડબ્બામાં બંધ થઇ જશે કે શું? અને એવું થાય તો હું ક્યાંયનો ના રહું. જીવનભરની કમાણી હોમી દીધી છે. ફિલ્મનો વિવાદ વધી ગયો એટલે ટીવીની ન્યૂઝ ચેનલોના આમંત્રણ આવવા લાગ્યા. પ્રકાશચન્દ્રનો ડર વધી ગયો. તેમણે સાગરને ફોન લગાવ્યો.

"સાગર, આપણે તો ફસાઇ ગયા. ફિલ્મના ટીઝર પર પ્રતિબંધની વાત થવા લાગી છે. મારે ન્યૂઝ ચેનલની ચર્ચામાં આજે જવાબો આપવાના છે..."

"પ્રકાશચન્દ્રજી, આપણે આ જ તો જોઇતું હતું. મારા આયોજન પ્રમાણે જ ચાલી રહ્યું છે. વિવાદ વગર કોઇને ખબર પડતી નથી કે ફિલ્મ રજૂ થવાની છે. આ તો પાશેરામાં પહેલી પૂણી છે. તમે જોતા જાવ આગે આગે હોતા હૈ ક્યા!"

"સાગર, આપણે વધારે પડતું તો નથી કરી દીધું ને?" પ્રકાશચન્દ્રના અવાજમાં ગભરાટ હતો.

"તમે ગભરાશો નહીં. ટીવી ચેનલ પર જાવ અને ડિબેટ કરો. કોઇ આપણાને કંઇ કરી શકવાનું નથી." કહી સાગરે તેમને જવાબ કેવી રીતે આપવાના એ સમજાવ્યું.

ટીવીની ન્યૂઝ ચેનલ પર આજે પ્રકાશચન્દ્ર સાથે એન્કરની ચર્ચા હતી. તેમનું નસીબ સારું હતું કે તેમના ઉપરાંત બીજા કોઇને ચર્ચા માટે બોલાવ્યા ન હતા.

ટીવી ન્યૂઝના એન્કરે તેમને પહેલા જ સવાલથી સાણસામાં લીધા:" પ્રકાશચન્દ્રજી, એક આર્ટ ડાયરેક્ટર તરીકે તમારો રેકોર્ડ સારો રહ્યો છે. હવે પહેલા ટીઝર પછી એમ લાગે છે કે તમે સસ્તી પ્રસિધ્ધિ માટે "લાઇમ લાઇટ" બનાવી છે."

પ્રકાશચન્દ્ર હવે માનસિક રીતે તૈયાર હતા:"જુઓ, પ્રસિધ્ધિનો મને મોહ રહ્યો નથી. આખી દુનિયા મારી ફિલ્મો જુએ છે. કોઇ એવો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ નહીં હોય જ્યાં મારી ફિલ્મ રજૂ ના થઇ હોય. મારી દરેક ફિલ્મ મને પૂરતી પ્રસિધ્ધિ અપાવે જ છે."

એન્કરે ગનની દિશા બદલી:"તો શું અમારે એવું માની લેવાનું કે આર્ટ ફિલ્મો આપનાર પ્રકાશચન્દ્રજી હવે કમર્શિયલ બની ગયા છે. તેમને પણ કમાણી કરીને વધુ પૈસો કમાવવો છે. તેમની પાસેથી સારી આર્ટ ફિલ્મની અપેક્ષા રાખવાની નહીં."

"હજુ તો "લાઇમ લાઇટ"નું ૩૬ સેકન્ડનું એક ટીઝર આવ્યું છે. સવા બે કલાકની ફિલ્મ રજૂ થઇ નથી. ત્યાં તમે કેવી રીતે કહી શકો કે પૈસા કમાવવા જ આ કમર્શિયલ ફિલ્મ બનાવી છે..."

"ટીઝરમાં જે રીતે સેક્સી ચેનચાળા અને અશ્લીલ વાત છે એ તો એવો જ ઇશારો કરો છે..."

"તમને ખબર છે? મારી એક આર્ટ ફિલ્મમાં સ્ત્રીનું નગ્ન કહી શકાય એવું દ્રશ્ય હતું. ત્યારે તો તમે મને સવાલ-જવાબ કરવા બોલાવ્યો ન હતો..."

પ્રકાશચન્દ્રના જવાબથી એન્કર છોભીલો પડી ગયો. અને તેમની સાથે આગળ વધવામાં જોખમ લાગ્યું બે-ચાર સામાન્ય માહિતીના સવાલ પૂછી તે બોલ્યો:"છેલ્લે એક સવાલ કે તમારી ફિલ્મની હીરોઇનનો તમે હજુ સુધી પરિચય કેમ આપ્યો નથી? એ કોણ છે?"

પ્રકાશચન્દ્રને હાશ થઇ કે જલદી પીછો છૂટ્યો:"મારી ફિલ્મની હીરોઇનનો પરિચય હું પ્રિમિયરના દિવસે કરાવીશ. એને તમે થોડી જોઇ લીધી છે પણ તે પ્રિમિયરના દિવસે જાહેરમાં આવશે."

પત્રકાર સાગરે ટીવી ન્યૂઝ ચેનલ પરની પ્રકાશચન્દ્રની મુલાકાત જોઇ અભિનંદન આપતો ફોન કર્યો એથી પ્રકાશચન્દ્ર પોરસાયા. હવે એ પણ આ બાબતે પરિપકવ બની ગયા હોવાનો ગર્વ અનુભવવા લાગ્યા. અત્યાર સુધી તેમની ફિલ્મો માટે આવી કોઇ ચર્ચા થઇ ન હતી. તેમની ફિલ્મો મર્યાદિત બજેટમાં તૈયાર થઇને કોઇ સરકારી પુસ્તકના વિમોચન સમારંભની જેમ રજૂ થઇ જતી હતી. અને ફિલ્મ ફેસ્ટિવલોમાં જ બતાવાતી હતી.

ત્રણ દિવસ પછી પ્રકાશચન્દ્રએ જ્યારે અખબાર ખોલીને મનોરંજનની પૂર્તી ખોલીને નજર કરી તો ચોંકી ગયા. મોટી હેડલાઇનમાં લખ્યું હતું કે,"નિર્દેશક પ્રકાશચન્દ્ર તેમની ફિલ્મની હીરોઇન રસીલીના પ્રેમમાં પડયા!" અને સાથે બંનેના ચુંબન દ્રશ્યની તસવીર પણ હતી. પ્રકાશચન્દ્રએ તરત જ ગૂગલ પર સર્ચ શરૂ કર્યું. તેમના નામ સાથેના સર્ચ સાથે બધી વેબસાઇટો પર તેમનો રસીલી સાથેના ચુંબનનો ફોટો હતો અને સાથે દરેક પત્રકારે પોતાની રીતે તેનું મૂલ્યાંકન કર્યું હતું. તેમાં ઘણાએ લખ્યું હતું કે,"પ્રકાશચન્દ્રના લગ્નજીવન પર ખતરો." તેમના દિલમાં ગભરાટ વધી ગયો. આ તસવીર જાહેર કેવી રીતે થઇ એ જ એમને સમજાતું ન હતું. હજુ તે કંઇ વિચારે એ પહેલાં તો કામિની આવી પહોંચી. તેના ચહેરા પર ક્રોધ દેખાતો હતો. "પ્રકાશ, આ શું છે? સેટ પર આ ધંધા થતા હતા? સાચું કહી દે જે હોય તે.." કહી કામિનીએ એક વેબસાઇટે તેમના અને રસીલીના ચુંબનને ઝૂમ કરીને બતાવ્યું હતું એ દ્રશ્ય જોવા કહ્યું. પ્રકાશચન્દ્રની બોલતી બંધ થઇ ગઇ હતી. તેમના માટે જવાબ આપવાનું મુશ્કેલ બની ગયું હતું. તેમણે પહેલાં તો પોતાને જ સવાલ પૂછ્યો:"શું હું રસીલીના પ્રેમમાં છું?" પછી જવાબ ન મળતા "એક મિનિટ" કહી કામિનીને ઊભી રાખી કોઇને ફોન લગાવતા બીજા રૂમમાં ગયા.

સાગરે તરત જ ફોન ઉપાડી લીધો:" પ્રકાશચન્દ્રજી, હું તમને જ ફોન કરવા જતો હતો....."

પ્રકાશચન્દ્રએ તેને બોલતા અટકાવી કહ્યું:"ભાઇ, તેં આ શું માંડ્યું છે. મારું ઘર ભંગાવવું છે તારે? આ ફોટો તારી પાસે ક્યાંથી આવ્યો?"

સાગર નવાઇથી બોલ્યો:"હું તમને એ જ પૂછવા ફોન કરવાનો હતો કે આ ફોટો ક્યાંથી આવ્યો? અને તમારો ફોન આવ્યો. મને તો ખબર જ નથી કે આવો કોઇ ફોટો છે. તો શું એ સાચો છે કે કોઇએ બનાવટ કરી છે?"

સાગર પાસેથી જવાબ મળવાને બદલે સામો સવાલ આવ્યો એ પ્રકાશચન્દ્રને ચોંકાવી ગયો. આ ફોટો કોણે જાહેર કર્યો હશે?

***

સુપરસ્ટાર સાકીર ખાન એક અઠવાડિયાથી કોઇ ગડમથલમાં હોય એવું તેના સેક્રેટરી આલોક ગુપ્તાને લાગતું હતું. આજે તેણે પૂછી જ લીધું:"સર, શું કોઇ વાત છે? છેલ્લા કેટલાક દિવસથી તમે બેચેન જેવા લાગો છો. તમારા વિશે ખાસ કોઇ ખબર તો મીડિયામાં આવી નથી કે તમને તકલીફ થાય..."

સાકીર બે ઘડી વિચાર કરવા લાગ્યો પછી બોલ્યો:"આલોક, હું પ્રકાશચન્દ્રની નવી ફિલ્મ વિશે વિચારી રહ્યો છું..."

"તો તમને પણ અફેરની ખબર પડી ગઇ એમને? એ તો ફિલ્મ પહેલાં જ લાઇમ લાઇટમાં આવી ગયા!"

"જો ભાઇ, અફેર છે એવું આપણે કહી ના શકીએ. હું પણ પરણેલો છું. છતાં મારી સાથે ઘણી હીરોઇનોના નામ જોડાયા છે. એટલે એ બધું તો ચાલ્યા કરે. પણ હું આ ફિલ્મની હીરોઇન રસીલી વિશે વિચારી રહ્યો છું.."

"ઓહો! તમારી આંખોમાં પણ વસી ગઇ છે ને? બહુ મારકણી અદાઓવાળી લાગે છે! પહેલા જ ટીઝરમાં રસભરી રસીલીએ એવા લટકા-ઝટકા કર્યા છે કે આજના યુવાનોને દીવાના બનાવી દીધા છે. એમાં તમારું નામ પણ છે કે શું?"

"હા." સાકીર ખાન ગંભીર થઇને બોલ્યો એટલે આલોક ચોંકી ગયો.

"શું વાત કરો છો?"

"આલોક, તું મારી નવી ફિલ્મની હીરોઇન માટે તેને સાઇન કરવાની તૈયારી કર."

"શું?" આલોકને આજે સાકીર સતત ચોંકાવી રહ્યો હતો. એ ગ્રેડની હીરોઇનો તેની સાથે એક ફિલ્મ કરવા પડાપડી કરે છે ત્યારે હજુ જેની એકપણ ફિલ્મ રજૂ થઇ નથી એવી અજાણી હીરોઇન સાથે ફિલ્મ કરવાની વાત કરી રહ્યો છે. રસીલીની તો હજુ એક ઝલક આવી છે. એ કોણ છે? ક્યાંથી આવી છે? જેવા સવાલો ઊભા છે ત્યારે સાકીર સાહેબ એના પર મોહી પડ્યા છે કે શું?

"તું સવાલ ના કર. એને સાઇન કરવાની તૈયારી કર." કહી સાકીર આગળનું વિચારવા લાગ્યો.

આલોક સાકીરના મનમાં ચાલતી ગણતરીને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

વધુ ત્રીજા પ્રકરણમાં...

***

પ્રકાશચન્દ્ર અને રસીલી વચ્ચેના ચુંબન દ્રશ્યનો ફોટો કોણે મીડિયાને આપ્યો હતો? તેનો શું સ્વાર્થ હતો? એ ફોટાથી તેમના લગ્નજીવન પર શું અસર થશે? સુપરસ્ટાર સાકીર ખાનની હીરોઇન રસીલીને પોતાની નવી ફિલ્મ માટે સાઇન કરવા પાછળ કઇ ગણતરી હતી? કામિનીએ કોની સામે કપડાં ઉતારવાની મજબૂરી ઊભી થઇ હતી? એ બધા જ સવાલ અને રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીના પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ૧ થી ૪૮ પ્રકરણ તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧ લાખથી વધુ ડાઉનલોડનો અનુભવ કહી રહ્યો છે. "રેડલાઇટ બંગલો" વાંચીને રેટીંગ જરૂરથી આપશો.