Limelight - 8 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ ૮

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૮

રાતવાસો કરીને પ્રકાશચંદ્ર ગયા પછી રસીલી એકલી પડી. અને ફરી ફ્લેશબેકમાં સરી પડી. રાત્રે ઘરનો દરવાજો કોઇ જોરજોરથી ખખડાવી રહ્યું હતું. પિતા દારૂની મહેફિલમાં આખી રાત પડી રહેતા હતા અને ત્યાં જ થોડી નીંદર કાઢી સવારે આવતા હતા. ડર અને આશંકા સાથે તેણે ઝટપટ કપડાં બદલી નાખ્યા. તેણે હિંમત કરી બૂમ પાડી:"કોણ છે....?"

એક ધીમો પુરુષ સ્વર સંભળાયો:"હું છું...જલદી દરવાજો ખોલ..."

રસીલીને સ્વર ઓળખાયો નહીં. તે જ્યાં જ્યાં કામ કરી આવી હતી ત્યાં મળેલા પુરુષોના સ્વરને યાદ કરવા લાગી. તેને કંઇ યાદ આવ્યું નહીં. તેનો કોઇ દીવાનો આવી ગયો તો નહીં હોય ને? દરવાજો ખોલવામાં જોખમ હતું. તેણે ફરી પૂછ્યું:"કોણ છો? શું નામ છે...?"

"અરે રસીલી હું રાજુભાઇ, નયનાનો વર.... તારા બાપાનો જીવ જોખમમાં છે...."

રસીલીને ખ્યાલ આવી ગયો કે તેના ફળિયામાં રહેતા રાજુભાઇ હતા. હવે કોઇ ચિંતા ન હતી. પિતાની વાત સાંભળી તે ગભરાઇ ગઇ. તેણે તરત દરવાજો ખોલ્યો.

સામે ઊભેલા રાજુભાઇએ ગભરાતા સ્વરમાં કહ્યું:"રસીલી, ચાલ જલદી હોસ્પિટલે જવું પડશે. જશવંતને અકસ્માત થયો છે. તેની હાલત ગંભીર છે. મોટા ડોકટર આવે છે...."

બધું એમ જ રહેવા દઇ રસીલીએ ઘરને તાળું માર્યું અને રાજુભાઇની જૂની ખટારા મોટરસાઇકલ પર બેસી ગઇ. રસીલીને ખબર હતી કે પિતા અને રાજુભાઇને સારું બનતું હતું. પણ રાજુભાઇ પિતા જેટલા પીધરા ન હતા. તે સંયમ રાખતા હતા. જો વધારે પીને જાય તો નયના તેમનો ઉધડો લઇ લેતી. તેમની દીકરી ભાવના સાથે રસીલીને મિત્રતા હતી. તે પણ પિતાને દારૂ છોડી દેવા સમજાવતી હતી. આ તરફ જશવંત તો મા સુનિતા ભાગી ગયા પછી વધુ ફાટી ગયો હતો. રસીલીને ગાંઠતો જ ન હતો.

રાજુભાઇ ઝડપથી મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. રાતનો સમય હતો. સડક સૂમસામ હતી. રસીલી રાજુભાઇને પૂછવા માગતી હતી પણ હવામાં તેના શબ્દો રાજુભાઇ સુધી પહોંચી શકે એમ ન હતા. રાજુભાઇએ તેની ચિંતા સમજીને એક વળાંક પર ઝડપ ધીમી કરી ત્યારે કહી દીધું કે રાત્રે કોઇ ટ્રકવાળો ટક્કર મારી ગયો. રસીલીને ફાળ પડી. તે ચૂપચાપ આંસુ સારવા લાગી. પછી જાતે જ પોતાના આંસુ લૂંછી પોતાને સાંત્વના આપી રહી. તે પિતાને બહુ વાગ્યું ના હોય તો સારું એમ વિચારતી રહી. તેનું ગામ પૂરું થયું અને શહેરની હદ આવી ત્યાં નજીકમાં જ એક નાની ખાનગી હોસ્પિટલ હતી. રાજુભાઇએ બાઇક પાર્ક કરી હોસ્પિટલમાં દોટ જ મૂકી. તેમની જ રાહ જોવાતી હતી. જશવંતભાઇ સ્ટ્રેચરમાં નિશ્ચેતન પડ્યા હતા. તેમના શરીર પર ઠેકઠેકાણે લોહી બાઝી ગયું હતું.

રાજુભાઇએ ઝટપટ ઘરેથી લાવેલા રૂપિયા અને સોનાની એક બંગડી કાઉન્ટર ઉપર જમા કરાવી. રસીલી અવાક બનીને જોઇ જ રહી. તરત જ જશવંતભાઇને સારવાર માટે ઓપરેશન થિયેટરમાં લઇ ગયા.

અડધી રાત હતી એટલે હોસ્પિટલમાં ખાસ ચહલપહલ ન હતી. બહાર નીરવ શાંતિ પ્રવર્તી રહી હતી. ડોક્ટર આવી ગયા હતા. તેમણે સારવાર શરૂ કરી દીધી હતી.

રસીલીથી ડૂસકું નખાઇ ગયું. તેને ખબર જ હતી કે આ દારૂના દૈત્યથી ઘરની ખાનાખરાબી થઇ હતી અને હવે જીવનની થઇ રહી હતી.

રાજુભાઇએ તેના માથે પિતૃવાત્સલ્યથી હળવેથી હાથ મૂક્યો અને કહ્યું:"ભગવાન પર ભરોસો રાખ બેટા. બધું સારું થશે..."

"જે માણસ પોતાના જીવનનું ખરાબ કરવા બેઠો હોય એનું ભગવાન પણ શું...." રસીલી શબ્દો ગળી ગઇ.

રાજુભાઇએ તેના આંસુ લૂછ્યા:"ચિંતા ના કરીશ. જશવંતને કંઇ નહીં થવા દઇએ."

રસીલીને રાજુભાઇ અને તેના પરિવાર પર માન થયું. તેમણે ખરો પડોશીધર્મ બજાવ્યો. ભાગીરથીકાકીની સોનાની બંગડી આપી દીધી એ રસીલી માટે આંચકા સમાન હતું. કોઇ સ્ત્રી પોતાના સૌભાગ્યની વસ્તુ બીજાના જીવન માટે આપી દે એ વિચારીને રસીલી ગદગદ થઇ ગઇ. આ અહેસાન કેવી રીતે ચૂકવીશ એ રસીલીને સમજાતું ન હતું.

બે કલાક પસાર થઇ ગયા. ડોક્ટરે બહાર આવીને કહ્યું:"એમનું એક નાનું ઓપરેશન કરી દીધું છે. અત્યારે તે ખતરાથી બહાર છે. પગમાં હાડકું તૂટ્યું છે એની સારવાર પછી કરીશું. તેમને ઘેનનું ઇંજેક્શન આપ્યું છે એટલે સવારે ઊઠશે. તમે બધા પણ આરામ કરો. હવે કંઇ ચિંતા જેવું નથી. વોર્ડબોય રાઘવ ધ્યાન રાખશે."

ડોક્ટર ગયા પછી રાજુભાઇ અને રસીલી રૂમમાં ગયા. જશવંતભાઇના મોંની નીચેનું શરીર ઢાંકેલું હતું. મોં પર નાના-મોટા ઇજાના નિશાન હતા. થોડીવાર બંને બેસી રહ્યા. ત્યાં વોર્ડબોય રાઘવ આવ્યો અને કહ્યું:"તમે ઘરે જઇ પરવારીને આવો. મારે એમની સાથે રહેવાનું છે."

રાજુભાઇ ઊભા થયા. રસીલી જવાની ના પાડતી હતી. રાજુભાઇએ તેને સમજાવી. પણ તે પિતાને છોડીને જવા તૈયાર ના થઇ. રાજુભાઇએ તેને કહ્યું કે પોતે પણ રોકાઇ જશે. ત્યારે રસીલીએ તેમને ઘરે જવા આગ્રહ કર્યો અને સવારે શાંતિથી આવવા માટે કહ્યું. જશવંતભાઇનો જીવ ચાલતો ન હતો. પછી થયું કે તે સવારે પરવારીને આવશે અને રસીલીને છોડાવશે. અત્યારે આમ પણ રસીલી એકલી ગામમાં ઘરે જઇ શકવાની નથી. એમ વિચારી જશવંતભાઇએ ઘરે જવા મન બનાવ્યું. તેમના ગયા પછી રસીલી પિતાના ખાટલાની બાજુમાં પડેલી ખુરશી પર બેઠી. તેને ઝોકાં આવતા હતા. ત્યાં કોઇના પગલાંનો અવાજ આવ્યો. રસીલીએ જોયું તો ચાલીશી વટાવી ગયેલો વોર્ડબોય રાઘવ હતો. તેણે પૂછ્યું:"કંઇ જરૂર તો નથી ને? સંકોચ ના રાખતી છોકરી!"

"હં..." રસીલીએ એકાક્ષરી જવાબ આપ્યો.

થોડીવાર પછી ફરી રાઘવ આવ્યો અને કહ્યું:"છોકરી, બાજુની રૂમ ખાલી જ છે. તું ત્યાં આરામ કર...."

"ના, હું અહીં બરાબર છું..."

"અરે! મારી વાત માન. તને ઊંઘ નહીં મળે તો તારી તબિયત બગડશે. પછી પિતાની સેવા કેવી રીતે કરીશ. હું અહીં જ બેઠો છું. ચાલ, હું તને રૂમ બતાવું..." કહી રાઘવ આગ્રહ કરી રસીલીને બાજુના રૂમમાં લઇ ગયો.

રસીલી બાજુની રૂમમાં જઇને બારણું આડું કરી ઊંઘી ગઇ.

રસીલીની આંખ પથારીમાં પડતાની સાથે જ બંધ થઇ ગઇ. તે ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે તેને ધીમે ધીમે પોતાના હાથ પર કોઇનો હાથ ફરતો હોય એવું લાગવા લાગ્યું. તેણે મુશ્કેલીથી આંખ ખોલી. તેની બાજુમાં કોઇ બેઠું હતું. તે ચોંકીને બેઠી થઇ ગઇ.

***

રસીલી પોતાના ભૂતકાળમાં સરી પડી હતી. તે બેડ પર પડીને હોસ્પિટલનું એ દ્રશ્ય જોઇ રહી હતી ત્યારે શરીર પર કોઇનો હાથ ફરવા લાગતા બેઠી થઇ ગઇ. ચોંકીને જોયું તો પ્રકાશચંદ્ર હતા. રસીલીને નવાઇ લાગી. થોડા જ કલાકમાં તે પાછા કેમ આવી ગયા? તેણે કપડાં ઠીક કર્યા. પ્રકાશચંદ્રએ તેને બાથમાં લઇ ચૂમી લીધી. રસીલી શરમાઇ ગઇ. પ્રકાશચંદ્રને અળગા કરતાં બોલી:"રાતનો નશો હજુ ઉતર્યો નથી કે શું?"

"તારી ફોઇએ તારું નામ ખોટું પાડ્યું છે..."

"કેમ? રસીલી સારું નથી?"

"ના, તારું નામ તો નશીલી હોવું જોઇએ...જોને તારી નશીલી જવાની મને પાછો અહીં સુધી ખેંચી લાવી..." કહી પ્રકાશચંદ્ર હસ્યા.

"આટલા વર્ષોની બીમારીની કસર એક જ દિવસમાં પૂરી કરવી છે કે શું?" કહી રસીલીએ નપુંસકતાની બીમારીમાંથી બહાર આવી રહેલા પ્રકાશચંદ્રના ગાલે ટપલી મારી.

પ્રકાશચંદ્ર હસી પડ્યા. "ના રે ના! તું ક્યાં ભાગી જવાની છે! જો હું તો ટ્રેલરની રજૂઆતના આયોજન માટે આવ્યો છું."

"મારું ટ્રેલર તો કાલે જોયું ને! હા, હમણાં આવ્યા ત્યારે દરવાજો પણ ના ખટખટાવ્યોને!" રસીલીને પ્રકાશચંદ્ર આ વખતે તેમની પાસેની બીજી ચાવીથી લોક ખોલી ચૂપચાપ અંદર આવી ગયા તેની નવાઇ લાગી. તેણે સિફતથી મોબાઇલ હાથમાં લીધો અને એક મેસેજ ડિલિટ કરી દીધો.

"કેમ? તારા દિલના દરવાજા મારા માટે ખુલ્લા નથી?" પ્રકાશચંદ્રએ તેની આંખમાં આંખ પરોવી પૂછ્યું.

"છે ને! હા, તો"લાઇમ લાઇટ" નું ટ્રેલર કેવું બનાવ્યું છે?" રસીલી મૂળ વાત પર આવી ગઇ.

પ્રકાશચંદ્રએ સાગર પાસેથી મળેલા ટ્રેલરના અંશ બતાવ્યા. તેમાં રસીલીના ટુપીસ કપડાંવાળા ફોટા સાથે લખ્યું હતું. "આ રહી હૈ મચાને ખલબલી....એક નઇ હીરોઇન જિસને નહીં કરવાઇ હૈ લિપ્સ ઔર બ્રેસ્ટ કી સર્જરી...આપ કે દિલમેં પ્યાર કા રસ ઘોલને આ રહી હૈ રસીલી!"

ટ્રેલરના પ્રચારની ટેગલાઇન જોઇ રસીલી હસી પડી અને મજાક કરતી બોલી:"તમને કેવી રીતે ખબર પડી કે મેં કોઇ સર્જરી કરાવી નથી!"

"મારો અનુભવ બોલે છે!" પ્રકાશચંદ્ર પણ મજાકના મૂડમાં હતા.

"પણ આ રીતે ફિલ્મ વધુ પડતી બોલ્ડ નહીં થઇ જાય?" રસીલીએ ચિંતા વ્યક્ત કરી.

"એમાં ખોટું શું છે? જે સાચું છે એ જ આપણે કહેવાનું છે!" પ્રકાશચંદ્ર ફરી હસ્યા. "કેમ તું બોલ્ડ એન્ડ બ્યુટીફુલ નથી?"

"એ સર્ટીફિકેટથી જ તો તમે મને હીરોઇન બનાવી છે!" રસીલી સેક્સી અંદાજમાં હોઠ કરડતા બોલી.

"જો અત્યારે મને કામની વાત કરવા દે. બીજો કામ વચ્ચે આવી જશે તો..." કહી પ્રકાશચંદ્ર હસ્યા અને આગળ બોલ્યા:"હવે સાંભળ, તને અત્યાર સુધી મિડિયા સામે રજૂ કરી નથી. ટ્રેલર લોન્ચ કરતી વખતે તારે બહાર આવવાનું થશે. આમ તો તને પ્રિમિયરના દિવસે જ જાહેરમાં લાવવાનો વિચાર હતો. પણ તારે પ્રચારમાં ફરવું પડશે એટલે વિચાર બદલ્યો છે."

"મને કોઇ વાંધો નથી."

"પણ એક વાતનું તારે ધ્યાન રાખવાનું છે. તારે તારા વિશે કંઇ પણ કહેવાનું નથી. માત્ર અને માત્ર ફિલ્મ અને તારા પાત્ર વિશે જ વાત કરવાની છે. કારણ તું જાણે જ છે..." પ્રકાશચંદ્ર એક-એક શબ્દ પર ભાર આપીને બોલ્યા.

રસીલી બોલી:"એ કંઇ કહેવાનું હોય!"

***

"લાઇમ લાઇટ" નું ટ્રેલર બાકી હતું. પણ સેક્સી સંવાદ અને ઠુમકાવાળું ટીઝર બહાર આવ્યા પછી ફિલ્મ અને રસીલી વિશે વેબસાઇટ, મિડિયા, અખબારો, મેગેઝીનો બધી જ જગ્યાએ નાના-મોટા સમાચાર આવી રહ્યા હતા. કોઇ લખતું હતું કે નવી સેક્સ બોમ્બ આવી રહી છે. તો કોઇનો અભિપ્રાય હતો કે એક સશક્ત અભિનેત્રી પણ સાબિત થઇ શકે છે. તેનામાં રૂપનું તેજ છે તો પરિપકવ અભિનેત્રી જેવો ઠસ્સો પણ છે. જાણકારો તરફથી એવી ખબર પણ ઉડી રહી હતી કે નવી અને અપરિણીત હીરોઇનો કરતાં થોડા સમય પહેલાં લગ્ન કરીને ઠરીઠામ થયેલી અને ફિલ્મોમાં કામ ચાલુ રાખનારી અભિનેત્રીઓને તે વધુ સ્પર્ધા પૂરી પાડે શકે એમ હતી. એવી અભિનેત્રીઓની ફિલ્મો તે છીનવી શકે છે. અને એ આગાહી આજે સાચી પડી રહી હતી. ફિલ્મી દુનિયામાં અલગ સ્થાન ધરાવતા અજ્ઞયકુમારની આગામી ફિલ્મ માટે તેને સાઇન કરવામાં આવનાર હોવાના અહેવાલ આવ્યા હતા. એક ફિલ્મી વેબસાઇટે આધારભૂત સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા હતા કે અજ્ઞયકુમાર તેમની આગામી ફિલ્મ "પતિ, પત્ની ઔર મોબાઇલ" માટે રસીલીને સાઇન કરવાની ઇચ્છા ધરાવે છે. અજ્ઞયકુમારના મતથી આ કોમેડી અને સામાજિક ફિલ્મ માટે પત્નીની ભૂમિકામાં રસીલી બરાબર ફિટ બેસે એમ છે. ફિલ્મ એક સત્ય ઘટના આધારિત વાર્તા પરથી બનાવવામાં આવનાર છે. પતિ અને પત્ની વચ્ચે મોબાઇલ ઝઘડા કરાવે છે અને વાત એક દિવસ એવા મુકામ પર આવી જાય છે કે તેમનો સંબંધ તૂટી જાય છે. પત્ની વર્ચ્યુલ પ્રેમમાં ડૂબી જાય છે તો પતિ તેને પાઠ શિખવવા રોબોટ પત્ની લઇ આવે છે. તેમાં હાસ્ય સાથે સમાજને મોબાઇલના ખરાબ પાસાથી જાગૃત કરવાનો પ્રયાસ થવાનો છે.

અજ્ઞયકુમાર મિડિયામાં તેની આગામી ફિલ્મ "પતિ, પત્ની ઔર મોબાઇલ" ના સમાચાર રસથી વાંચી રહ્યો હતો. તેણે પોતાનો મોબાઇલ ઉઠાવ્યો અને નિર્દેશક રાજ પારગીનો નંબર ડાયલ કર્યો. અને કહ્યું:"રાજજી, હમારી ફિલ્મ કી હીરોઇન કે બારે મેં ફિર આપને ક્યા સોચા હૈ? રસીલી કો સાઇન કર રહે હૈ ના?"

રાજ પારગીએ તેને કહ્યું:" અજ્ઞયજી, મૈંને સોચ લિયા હૈ."

અજ્ઞયકુમારે ખુશ થઇ કહ્યું:"મેં જાનતા થા આપ કો ભી પત્ની કે રોલમેં રસીલી ફિટ લગેગી..."

રાજ થોડા ગંભીર અવાજે બોલ્યા:"નહીં, મુઝે વો ઇસ ભૂમિકા કે લિયે અનફિટ લગ રહી હૈ. મૈં દૂસરી હીરોઇન કે લિયે સોચ રહા હું..."

"કૌન સી?" અજ્ઞયકુમારે આશ્ચર્યથી પૂછ્યું.

રાજનો જવાબ સાંભળી વિશ્વાસ ના થતો હોય એમ અજ્ઞયકુમાર બોલ્યો:"ક્યા....?"

***

વધુ આવતા શનિવારે ૯ મા પ્રકરણમાં...

***

રસીલી હોસ્પિટલના રૂમમાં સૂતી હતી ત્યારે તેના પર કોણ હાથ ફેરવી રહ્યું હતું? એવું કયું કારણ હતું જેના લીધે પ્રકાશચંદ્ર રસીલીને તેના વિશે ટ્રેલરના લોન્ચિંગમાં બોલવાની ના પાડી રહ્યા હતા? સાકીર ખાનને શરીર સોંપીને ફિલ્મ મેળવનાર સ્ટાર કિડ ધારાને આ ભૂલ કેટલી મોંઘી પડશે? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? "લાઇમ લાઇટ" નું ટ્રેલર લોન્ચ કર્યા પછી પ્રકાશચંદ્ર પર કઇ મુસીબત આવવાની છે? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો છે જે તમને આગળના પ્રકરણમાં ચોંકાવી દેશે. એ બધા જ સવાલ અને તેના રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. આ નવલકથા માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૬ લાખથી વધુ ડાઉનલોડ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક સ્વરૂપવાન છોકરી અર્પિતા કેવી રીતે એક કોલેજની ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે અને રાજીબહેનને માત આપે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો.