jeevan sandhya.... books and stories free download online pdf in Gujarati

જીવન સંધ્યા.....

                         થોડી જ વારમાં ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી છે તેવી અનાઉન્સમેન્ટ થતા જ રેવતી એ પોતાની જાતને સંભાળી લીધી ...૧૮ કલાકની લાંબી મુસાફરી અને તે પણ નાનકડા ચાર વર્ષના રેહાન ની સાથે , આ બાબતે રેવતી ઘણા દિવસથી સતત ટેન્શનમાં હતી ...અને હાશ !! આખરે અમદાવાદ આવ્યું !!! થોડી જ વારમાં તે પોતાના ઘરે પહોંચી જશે.. ખાસ્સા ત્રણ વર્ષ બાદ તે યુએસ થી ભારત આવી રહી હતી ..છેલ્લે ત્રણ વર્ષ પહેલા મમ્મીના અવસાન વખતે મહિનો રોકાઈ હતી તે ફરી આજે ... મમ્મી ની યાદ આવતા જ તે થોડી વ્યથિત થઈ ગઈ ..ભાઈ ,ભાભી ,પપ્પા બધા જ છે ! પણ હવે મમ્મી નહીં મળે ;  તેણે બાજુમાં સૂતેલા રેહાનને જગાડ્યો ....બધી વિધી પતાવીને સામાન લઈને બહાર આવતા જ ભાઈ , ભાભી ને જોઈ ને તેને ખૂબ આનંદ થયો .. પણ નજર પપ્પા ને શોધતી હતી ,તેણે પૂછી પણ લીધું ભાઈ પપ્પા ક્યાં ??? ભાઈ વીરેને એને કીધું પપ્પા ઘરે છે.. તું ચાલ ને ......ઘર સુધી આવતા રસ્તા માંથી દેખાતું શહેર કેટલું બદલાઈ ગયું હતું !!!!! અને કદાચ બધા સંબંધો પણ ...
                છેલ્લા પાંચ વર્ષથી લગ્ન કરીને યુએસમાં સ્થાયી થયેલી રેવતી લગ્ન બાદ બે વાર ઇન્ડિયા આવી ચૂકી હતી, પણ આજે એને થોડી શુષ્કતા અનુભવાઈ રહી હતી... ભાઈ ની ગાડી નવા લીધેલા ફ્લેટ તરફ વળી , તેણે પહેલીવાર નવો ફ્લેટ જોયો ખુબ સુંદર મોટો અને વિશાળ. ત્યાં પપ્પાને મળીને તે ખૂબ ખુશ થઈ ગઈ ...રોજ મોબાઈલ પર રેહાન ને જોતા અને તેની સાથે વાતો કરતા પપ્પાએ આજે નાના  રેહાન ને ખોળામાં લઈને ખૂબ વહાલ કર્યું.....થોડીક વાર તો બધાના ખબર અંતર અને વાતોમાં નીકળી ગઈ , સાંજે જમ્યા બાદ નવા વાતાવરણને કારણે રેહાન ફરીથી ઊંઘી ગયો ,એટલે પપ્પા ઉભા થઈને બોલ્યા ચાલો હવે હું ઘરે જાઉં ,,,બેટા ! કાલે આવી જઈશ ...એટલે રેવતીને આંચકો લાગ્યો !!!  કંઈ પૂછે તે પહેલાં જ ભાભી બોલ્યા શું કરીએ, બેન ......પપ્પાને આ ઘરમાં ફાવતું જ નથી !!! તેઓ જુના ફ્લેટમાં જ રહેવા માંગે છે ..કેટલું કીધું પણ ન માન્યા ..અહીં ફક્ત જમવા માટે જ આવે છે ..હવે તમે જ સમજાવો ..પપ્પા કાંઈ ન બોલ્યા ,ફક્ત ઊભા થઈને હસીને રેવતી ને કીધું બેટા મને જૂનાઘર માં વધારે સારું લાગે છે ...અને ધીમે ધીમે ચાલવા લાગ્યા ..રેવતી ખૂબ જ હતપ્રભ થઈ ગઈ, તેને આ વાતની ખબર જ ન હતી કે ,, છ મહિનાથી પપ્પા અને ભાઈ , ભાભી આમ અલગ અલગ રહે છે .ભાઈ એ પણ આવી ને આ જ વાત કહી ,,રેવતી હવે તો તું જ એમને સમજાવ.....રેવતીને મુસાફરીનો થાક લાગ્યો હતો ..તે સુવા ગઈ , છતાં પોતાના વહાલા પપ્પા ની એકલતા ની વાત સાંભળી ને તેને આખી રાત ઊંઘ ના આવી, વહેલી સવારે તૈયાર થઈને રેહાન ને લઈને પપ્પા ને ત્યાં જઈને મળી આવું કહીને તે નીકળી, રિક્ષા કરી જૂના ઘરે આવી ....
             સવારમાં આઠ વાગે મનહરભાઈ રસોડામાં પોતાની ચા બનાવતા હતા .....રેવતી થોડીક વાર સુધી પપ્પા ને વળગી ને બેસી રહી અને રોઈ પડી ....જાણે કેટલા વખતનું એકઠું કરેલું રુદન !!!!! મનહરભાઈ એ તેના માથે હાથ ફેરવતા કહ્યું ...બેટા તું નકામી ચિંતા કરે છે ..હું.મજામાં છું .અને અહીં આરામથી રહું છું ....આપણો જુનો ઘરઘાટી બધું જ કામ કરી જાય છે, અને વિરેન ને ત્યાં જઈને જમી આવું છું .....અને પછી તારી નાની માસી તો છે જ બે-ચાર દિવસે એક વખત આવીને બધું સમુસુતરુ કરી જાય છે.. મારા માટે થોડાક નાસ્તા પણ બનાવી દે છે ...બસ પછી શું ?તું ખોટી ફિકર કરે છે ...બેસ ...હું તને મારા હાથની ચા પીવડાવુ ,એમ કહીને મનહરભાઈ અંદર ગયા ...રેવતી પોતાના જૂના ઘર ને જોઈ રહી,  ઉભી થઈને ખૂણે ખૂણે ફરી વળી , મમ્મી ઘરને કેટલુ સાચવતી હતી!!! અને પપ્પા ની નાની-નાની આદતો,  જમવાની ટેવ !!!!! મમ્મી કેટલું ધ્યાન રાખતી હતી...... હવે બધું છૂટી ગયું !!!ચા પીતા પીતા તેણે કહ્યું ,"પપ્પા થોડાક દિવસ માટે હું અને રેહાન પણ તમારી સાથે જ રહીશું ,અને આપણા પૂરતી રસોઈ પણ કરી લઈશ પ્લીઝ "  ,સારું તો વિરેનને જણાવી દેજે",  એવું કહીને પપ્પા રેહાન સાથે રમવા લાગ્યા .....
                 રેવતી ૪૫ દિવસના વસવાટ માટે U.S થી આવેલી....ઓછા દિવસોમાં પણ તેને કેટલા બધા કામ કરવાના હતા ! મિત્રો સગા, વહાલા , સાસરીયા બધાને મળવું ..ખરીદી કરવી, વગેરે વગેરે આ વિચારમાં બેઠેલી રેવતીએ થોડો સામાન ઠેકાણે કર્યો ,,,અને એટલામાં જ ઘરનો દરવાજો ખૂલ્યો,, તેની નાની માસી હાજર હતી , માસી આનંદીબેન ખૂબ નાની વયે વિધવા થયેલા ,અને ત્યારબાદ તેઓએ બધાને મદદરૂપ થવામાં જ આયખું વિતાવી દીધું .....આજે તેમનું પોતાનું તો કોઈ જ ન હતું, પણ તે બધાના દુઃખ તકલીફ કે કામ માં હાજર રહેતા, નજીકના , ઓળખીતા કે સગાંવહાલાંને ત્યાં લગ્ન મરણ કે દવાખાનુ !! કોઇ પણ પ્રસંગ આનંદીબેન ખૂબ સારી રીતે સાચવતી ,રેવતીને યાદ આવ્યું , મમ્મીના સાંજે માંદે કે તેના અવસાન વખતે આખું ઘર સાચવી લીધું હતુ...  માસી ને મળીને તેને જાણે માની હુંફ મળી ..રેવતીને ખૂબ સારું લાગ્યું, માસી એ એક પછી એક ડબ્બા નિકાળ્યા... અને બધી  જ રેવતીની મનપસંદ વાનગીઓ ,જે  મા બનાવતી હતી... રેવતી ની આંખો ભરાઈ આવી ...બે ત્રણ દિવસ આમ જ પસાર થઈ ગયા ...દરરોજ આનંદી માસી આવીને જતી અને નવી નવી વાનગીઓ ખવડાવીને રેવતી અને રેહાન ને ખુશ કરી દેતી!!! એક દિવસ અચાનક જ બપોરે રેવતી એ મનહરભાઈને કીધું ,"પપ્પા તમે પણ મારી સાથે યુએસ !!ચાલો અહીં એકલા ના રહો ,મને તમારી ખૂબ ચિંતા થશે ...મનહરભાઈ હસવા લાગ્યા ,"બેટા એક જ શહેરના બીજા એરિયામાં પણ જો મને અજાણ્યું લાગતું હોય તો તું તો મને પરદેશ લઈ જવાની વાત કરે છે ....મને નહી ફાવે બેટા !! આમ એકલા પોતાનું કોઈ જ કામ જાતે ન કરવા ટેવાયેલા પપ્પા ઘરમાં બધું જ હવે જાતે કરી લેતા હતા,,તે ઉદાસ દિલથી પપ્પા ને જોઈ રહી ....
                 રેવતી ના બીજા દસેક દિવસ સાસરિયે બધાને મળવા માં નીકળી ગયા ........પાછી આવી ત્યારે જોયું તો પપ્પા થોડાક ઢીલા લાગ્યા ઉંમરની અસર કે એકલતા શું  હશે ???  ,"પપ્પા તમારી તબિયત ઠીક નથી લાગતી " જમતી વખતે એણે પૂછી લીધું ,"હા !! બેટા બે-ત્રણ દિવસથી થોડુ પ્રેશર રહે છે ...ડોક્ટરને બતાવ્યું હતું , કહે છે સારું થઈ જશે !!!! રેવતીએ  ફરીથી વિનંતી કરી પપ્પા તમે viren ના ઘરે જતા રહો, ત્યાં રહો !!!  થોડી વારે પપ્પા બોલ્યા ,"બેટા ત્યાં પણ એકલો જ હોઉં છું !!!વિરેન અને વહુ ની આખો દિવસ ની નોકરી અને અભયને તો ભણવા માટે હોસ્ટેલ માં મૂકી દીધો છે... તું જ કહે ,એ ઘરમાં હું એકલો શું કરું? અહીં તો આ સોસાયટી ,આજુબાજુના બધા લોકો મને ઓળખે છે ,,,,ઓટલે બેસીએ તો પણ દિવસ પસાર થાય ત્યાં નવા એરિયામાં તો કોઈ કોઈ ની સામું પણ ના જુએ હું કંટાળી જાઉ છુ બેટા.""... રેવતી ચુપચાપ સાંભળી રહી ,તેને કોઈ ઉકેલ મળતો ન હતો .....પપ્પા ને એકલા મુકતા તેનો જીવ ચાલતો ન હતો અને પપ્પા ક્યાંય બીજે જવા તૈયાર ન હતા ....
        રવિવારે સાંજે viren ના ઘરે જમવાનું હોવાથી તેઓ બપોરથી જ ત્યાં હતા ભાઈ ભાભી સાથે તેણે પપ્પા વિશે ચર્ચા કરી પણ કોઈ ઉકેલ ન મળ્યો ,ભાભી ના મોઢે આજકાલના હાઇટેક વૃદ્ધાશ્રમ ની વાતો સાંભળવા મળી! આ બધી વાતો થી તે વધારે ઉદાસ થઈ હવે તો દિવસો પણ ઓછા રહ્યા હતા ......પપ્પા કદાચ રેવતીની આ વ્યથા સમજી ગયા અને તેથી જ તે ખુશ અને આનંદિત રહેવાની કોશિશ કરતા કે ,રેવતીને બને એટલી ઓછી ચિંતા થાય પણ રેવતી તો દીકરી હતી ને .....
                      વહેલી સવારે ઊઠીને રેવતીએ પપ્પા ને પૂછ્યું ,"પપ્પા હું સાસરે જઈને આવી ચાર-પાંચ દિવસ થયા નાની માસી દેખાઈ નહીં ",શું થયું એમને? ?? " ચિંતા ના કર એ કોઈને કોઈની સેવામાં લાગી હશે .....આખી દુનિયા ને એની જરૂરત હોય છે ,આજના જમાનામાં ઘરના લોકો પણ મદદ ના કરે ત્યારે આ બધે જ દોડી જાય છે .....ઘર યાદ આવશે એટલે આવી જશે ,"એમ કહી મનહરભાઈ હસ્યા "સારુ પપ્પા ! બપોરે માર્કેટ જતા વખતે તેમના ઘરે જોતી જોઈશ "બપોરે રેહાન ને પપ્પા પાસે મૂકીને રેવતી માર્કેટ જવા નીકળી તેને થયું પહેલા નાનીમાસી ને મળતી જાઉ....તેમની ઘરે પહોંચી બેલ વગાડતાં જ ખાસી વાર એ દરવાજો ખૂલ્યો ,, માસી ની હાલત જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ ,  તેમને ખૂબ તાવ અને અશક્તિ હતા અને આવી હાલતમાં ત્રણેક દિવસથી ઘરમાં તેઓ એકલા જ હતા!!!!રેવતી તેમને દવાખાને લઈ ગઈ ,અને ત્યાંથી ઘરે... વ્યવસ્થિત જમાડીને દવા આપીને સુવાડ્યા ...તેને ખૂબ નવાઈ લાગી કે ,જે વ્યક્તિ આખી દુનિયા નું કામ દોડી-દોડીને કરે છે ...તેનું પોતાનું કોઈ જ નહીં ....
                બીજે દિવસે માસીને થોડો તાવ ઓછો થયો જમાડીને રેવતી એમની પાસે બેઠી કહ્યુ ,"માસી તમે આખી દુનિયાનું ધ્યાન રાખો છો ,બધાની સેવા કરો છો ,તો તમારું ધ્યાન રાખવાવાળુ કેમ કોઈ નથી ,,,,તમે મૂકી દો આ બધી માથાકૂટ નથી કરવું કોઈનું ભલું ,રેવતી રોષ માં બોલી,, માસીએ જવાબ આપ્યો ,"બેટા એકલો જીવ છું... તેથી મને કુટુંબનું ખેંચાણ રહે છે ....અને લોકો વચ્ચે રહેવું પણ ગમે છે ....તારા માસા ના પેન્શનથી ઘર તો ચાલી જાય છે પણ એકલા  રહે દિવસો નથી જતા !!!! એના કરતા લોકોની મદદ કરવી શું ખોટું છે ??? પછી જેવી ભગવાનની મરજી......... રેવતી વિચારમાં પડી ગઈ ,,તેના પાછા જવાના આરે ફક્ત 20 દિવસ બાકી હતા અને ફરી ક્યારે અવાય તે ખબર નથી. રેવતીને આખી રાત ઊંઘ ના આવી," શુ પાછલું જીવન આવું જ હોય છે,, નીરસ અને એકલુ ...તેનું મન ખૂબ જ ઉદાસ બની ગયું"  સવાર સુધી તે અલગ અલગ જાતના વિચારો કરતી રહી ....વહેલી સવારે આશાનું કિરણ ફૂટયું ,બધું મનોમન નક્કી કરીને એ શાંતિથી ઊંઘી ગઈ ...
              સવારે ઉઠીને વીરેન ને ફોન કર્યો અને બોલાવ્યો પપ્પા, viren અને માસી ને સાથે બેસાડીને એણે વિચારેલી વાતો રજૂ કરી ,   ...."ભાઈ viren તને યાદ તો છે ને, મમ્મી પપ્પા એ આપણને કઈ રીતે મોટા કર્યા છે ...કેટલો પ્રેમ આપ્યો છે.... સાચા સંસ્કાર શીખવ્યા છે ,આજે તેમના કારણે જ આપણે સુખી છે !...આપણા સુખ માટે તો તેઓ જીવ્યા... આપણી જિંદગીને સુખથી ભરી દેનાર ની પાછલી અવસ્થા આટલી નીરસ અને એકલી કેમ ?? આપણે આપણી બધી જ ફરજો નિભાવી ....આપણે હંમેશા તે લોકોની સાથે જ છે ,છતાં પણ પાછલી ઉંમરે જીવનસાથીના જવાથી જે એકલતા આવે છે તેનું દુઃખ અલગ જ છે, પાછલી અવસ્થા લાચાર અને એકલી વિતાવવી એવું શા માટે ??? જીવન સંધ્યા તો આનંદનો ઉત્સવ હોય છે,  એના બદલે તું આ લોકોને જો ......ભાઈ કદાચ આ પરિસ્થિતિ એ લોકોએ જાતે જ સ્વીકારેલી છે..... પણ આપણે તે ને બદલી ન શકીએ????????   પપ્પા...... માસી , મારી ઈચ્છા છે કે તમે બંને લગ્ન કરીને સાથે રહો ,અને પાછળની જિંદગી શાંતિથી પસાર કરો !!!!!! રેવતીના વાક્ય થી જાણે આખા ઘરમાં સોપો પડી ગયો..... મનહરભાઈ મોટા અવાજે બોલી ગયા ,""રેવતી તને ભાન છે ,તું શું બોલે છે ? આપણે સમાજમાં રહેવાનું છે, લોકો શું વિચારશે ? અને તું મારી ફિકર છોડી દે ...હું જીવું છું ને શાંતિથી .......
             રેવતી બોલી ઉઠી પપ્પા ," કયા લોકો અને કેવો સમાજ ???????  જે માતા પિતા ને વૃદ્ધા આશ્રમ માં મૂકી ને પાછા વળીને નથી ,જોતાં કે પછી ઉંમરલાયક લોકોને નકામા ગણીને તેઓની ઉપેક્ષા કરે છે .....તે સમાજ ,  કે પછી ,,આ માસી આટલા દિવસથી બિમાર છે પણ કોઈને પડી નથી એ લોકો ..........કોની ફિકર છે તમને ????મમ્મીના જવાનું દુઃખ બધાને છે પણ તેનાથી તમારું જીવન સુનું થઈ ગયું ....ને જ્યારે જે ઉંમરે જીવનસાથીના સહારાની સૌથી વધારે જરૂરિયાત હોય છે ......શું આ જ વૃદ્ધાવસ્થા માટે આપણે આખી જિંદગી મહેનત કરીએ છીએ ?????? માસી તમે પણ વિચારી જુઓ એકલા જીવીને બધાની મદદ કરીને જીવન ઘસી નાખ્યું, પણ તમારી મદદે કોણ આવ્યું ........બે હાથ જોડીને પપ્પાના પગ પાસે બેસીને આંખમાં આંસુ સાથે રેવતી બોલી રહી ,"પપ્પા પ્લીઝ મારાથી તમને આમ એકલા જીવતા નથી જોવાતું " અમને આટલી સુખસગવડ આપનાર ને એકલા છોડી દેતા જીવ નથી ચાલતો ....ક્યાં તમે મારી સાથે ચાલો કે પછી એકબીજાની સાથે રહો.... તો બંનેની સગવડ સંતોષાય સાજે માદે પોતાનું કોઈક તો હોય ??????
              પપ્પા ઉભા થઇ ને ધીમા ડગલે ઘરની બહાર જતા રહ્યા , વીરેને કીધું જો રેવતી મને સમાજની ફિકર નથી ,પપ્પા ની ખુશી હોય અને એમની પાછલી અવસ્થા સચવાતી હોય તો હું તને આમાં પૂરો સહકાર આપીશ " ...કહીને ઉભો થઈને તે ઘરે જવા નીકળ્યો .......નાની માસી સ્તબ્ધ બનીને બેઠી હતી .......તે માસી પાસે જઈ પહોંચી બોલી હું ક્યાં ખોટી છુ માસી ??????તુ કંઈક તો બોલ ???બધા ચૂપ હતા બે ત્રણ દિવસ વાતાવરણ ભારેખમ રહ્યું .
                અને એક દિવસ અચાનક સવારે નાહી ને બહાર આવતા ,મનહરભાઈ નો પગ લપસ્યો અને પડી ગયા .પગમાં મચકોડ આવી હતી ...રેવતી દોડીને દવાખાને લઈ ગઈ અને પાટો બંધાવ્યો ...વીરેન ને ફોન કર્યો તો એણે કહ્યું "એ લોકો દીકરાને મળવા માટે એની હોસ્ટેલ પંચગીની ગયા છે " બે દિવસ પછી આવશે ....અહીં નાની  માસી ની મદદથી રેવતી એ બધું કામ સંભાળ્યું  ખબર જોવા આવનારની ભીડ ,નાનકડો રેહાન ,ઘરનું કામ અને મનહરભાઈ....... વિરેન અને તેની પત્ની આવીને ખબર પૂછી ગયા અને પોતાને લાયક કંઈ કામકાજ હોય તો જણાવવા કહી દીધું..!રેવતી એ આજે ફરી વાર પપ્પાને અને માસીને વીનંતી કરી........
              ખૂબ વિચાર્યા બાદ છેવટે મનહરભાઈ અને આનંદીબેન રેવતી ની જીદ આગળ હાર માની ગયા... રેવતી ના યુ.એસ જવાના 3 દિવસ પહેલા જ સાદાઈથી લગ્નની વિધિ અને ત્યારબાદ નજીક ના સગા નો ઘરે જ જમણવાર રાખ્યો.... નવા જમાના ના દિકરા વહુએ પણ આ કામ વધાવી લીધું.....રેવતી આજે પાછી જાય છે, તેની માં ની ખોટ તો કોઇ નહીં પૂરી શકે, પણ પિતા ની જીવન સંધ્યા એકલતા અને લાચારીથી થી નહીં વિતે એ વાત નો તેને સંતોષ હતો.... એરપોર્ટ પર તેને મુકવા માટે આખું કુટુંબ આવ્યું હતું. બે એકાકી વૃધ્ધો ની જીવન સંધ્યા આનંદ મય બનાવવા ના સંતોષ સાથે રેવતી પાછી જઈ રહી હતી........