Anuja books and stories free download online pdf in Gujarati

અનુજા

        અલામૅ  નો અવાજ થતાં જ અનુજા સફાળી બેઠી થઈ ગઈ... પાંચ વાગી ગયા હતા, હવે બે મિનિટ પણ વધારે ઊંઘવું તે અનુજા માટે અશક્ય કામ હતું ......ઉતાવળે ઊઠીને નીચે રસોડા તરફ ગઈ અને થોડું હૂંફાળું પાણી તૈયાર કર્યુ, પછી કહાન ને હૂંફાળું પાણી આપીને તે નાહવા માટે બાથરૂમ તરફ દોડી......... દોડ દોડ નાહીને ઉતાવળી તૈયાર થઈ ગઈ ,અને રસોડામાં પહોંચી........ હમણાં થોડીક વારમાં આખું ઘર તેના માથે બેસી જશે!!!!!!!!! સાડા પાંચે સસરાજી નો જ્યુસ તૈયાર કર્યો, ત્યારબાદ બધા માટે ચા બનાવી અને થોડીક ચા પોતાના માટે કપમાં કાઢતા જ અવાજ આવ્યો,  અનુજા ફુલ ક્યાં ગયા? અને પૂજાના વાસણો ફરી ભૂલી ગઈ!!!!!!!!!! ચા બાજુ પર મૂકીને દોડતી પૂજાના વાસણો લઈને સાસુને આપ્યા અને ફૂલછાબ આપી આવી ..........શ્વાસ હેઠો બેસે તેટલામા વડસાસુ નો અવાજ આવ્યો બેટા અનુજા મારું દૂધ આપી જજે.... અનુજા રસોડામાંથી ગ્લાસ લઈને બહાર ગઈ........ બધી જગ્યાએથી એક જ અવાજ અનુજા અનુજા  જાણે આખા ઘરનું ચાલકબળ.

                       પતિ, સાસુ, સસરા વડસાસુ અને પોતાની પાંચ વર્ષની પુત્રી રુહી,  બધાના કામ અનુજાને માથે રહેતા. પરણીને આવે 10 વર્ષ થયા પણ એક દિવસ પણ કદાચ ભાગ્યે જ મળ્યો હોય, અનુજાએ શાંતિથી સવારની ચા પીધી .......કહાન ચાલીને પાછો આવતા જ ગરમ કોફી માટે આવાજ આવ્યો ..........અને એટલી જ વારમાં રુહી પણ તૈયાર હતી મમ્મી મમ્મી કરવા માટે ...રુહીને સાચવતા સાચવતા બધા માટે અલગ-અલગ નાસ્તો, બધાની ફરમાઈશ મુજબ ગોઠવાતો રહેતો.... અને અનુજા બધી બાજુ દોડતી રહેતી.
            વડસાસુ ચાલવા સમર્થ ન હોવાથી તેમની વધુ પડતી કાળજી લેવી પડતી, તો બીજી બાજુ બે ત્રણ વરસથી સાસુમા ને અસહ્ય કમર દર્દ રહેતું હતું,તેથી  તે કોઈ કામમાં ભાગ્યે જ મદદ કરી શકતા....સસરાજીને ડાયાબિટીસ તેથી ખાવાપીવામાં પરેજી અને કહાન  રોજ નવી ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખીન ..આ બધાની ઈચ્છાપૂર્તિ કરનાર એકમાત્ર અનુજા ...બધા નાસ્તો પતે તો રુહી ને સ્કૂલ મૂકવા માટે તૈયાર કરી દેવી પડતી ,જેથી કહાન એને સ્કૂલે લઈ જાય.  વડસાસુ ને નવડાવીને તૈયાર કરવા અને નાસ્તો કરાવવો ...આ બધા કામમાં દસ તો વાગી જાય અને બપોરની રસોઈની તૈયારી નો ટાઈમ , અનુજા બધાનો સમય સાચવતી બધા પોતાના દરેક કામ માટે અનુજા પર જ અવલંબિત હતા..

             દસ વર્ષમાં અનુજા ભાગ્યે જ ઘરની બહાર એક બે દિવસથી વધારે રહી હશે ,તેના વગર આટલા મોટા વસ્તારી  ઘર નુ  ધ્યાન કોણ રાખે , અને અનુજાના હાથની રસોઈ વગર તો કોઈને જમવાનું ભાવે જ નહીં!!!!!! શું સ્વાદ અનુજાના હાથમાં બહાર જમવા જવું ન પડે બધાને માફક આવે તેમ અલગ અલગ રસોઈ બનાવતી ...અને બપોરનું જમવાનું પતતાં જ સાંજ માટે અવનવી વાનગીઓ ની ફરમાઈશ ચાલુ થઈ જતી.... ઘણીવાર કહાને કહ્યું ઘરના કામ માટે એક નોકરબાઈ રાખી લે પણ હંમેશા સાસુ કહેતા બીજું બધું કામ તો રામલો કરે જ છે ને, અમે પણ ખાલી રસોઈ બનાવીએ છે, તેમાં કોઇની જરૂર નથી અને અનુજાની દોડાદોડ ચાલુ જ રહેતી....

             એક બપોરે રસોઈથી પરવારતા જ કહાન  નો ફોન આવ્યો મીટીંગ વધુ ચાલે તેમ છે, તો બપોરે રુહીને લેવા જવાનો સમય નહીં રહે ....સસરાજી ની ઓફિસ દૂર હોવાથી તેઓ આ કામ ના કરી શકે.... આજે ઘણા વખતે અનુજા રુહીને લેવા માટે નીકળી, તેની સ્કૂલ પાસે ઊભેલી બધી મમ્મીઓના ટોળાની નજીક જઈને ઊભેલી અનુજાના પીઠ પર અચાનક ધબ્બો પડ્યો અને પાછળ વળીને જોયું તો તેની સ્કૂલની ફ્રેન્ડ મિનુ!!!!! બેય  મિત્રો એકબીજાને વળગી રહ્યા ...ખૂબ ઉત્સાહથી મીનુએ જણાવ્યું કે તેની પુત્રી પણ અહીં છે ....બાળકો છૂટીને આવતા મીનુએ અનુજાને ખૂબ આગ્રહપૂર્વક ઘરે આવવા કીધું.. અને કશું જ માન્યા વગર જ તે અનુજાને પોતાના ઘરે લઈ ગઈ મિનુ નું ઘર, નાનકડો પરિવાર અને કામ કરનારા લોકો વગેરે વિશેની વાતો અનુજા સાંભળી રહી ....અને મનોમન તે પોતાની સાથે સરખામણી કરતી રહી.... મીનુને સંયુક્ત કુટુંબ બહુ મોટી જફા લાગતું હતું ....થોડી જ વારમાં અનુજા ઊભી થઈ અને ફરી મળવાનું વચન આપીને ઘર તરફ દોડી.... બધા જમવા માટે અનુજાની રાહ જોઈને બેઠા હતા આટલા વર્ષોમાં પહેલી વાર અનુજાના મોઢેથી નીકળી ગયું ,જમી લેવું હતું!!!! હું બહાર ગઈ હતી રસોડું તો નથી ગયું  ને !!!!બધાને નવાઈ લાગી .બધા ચૂપચાપ જમીને વિખેરાઈ ગયા ..
            ધીરે-ધીરે અનુજાનુ મન પોતાના સંયુક્ત પરિવારની નાની નાની વાતો વિચારવા લાગ્યું, બધાને પોતાની જરૂર છે પણ મારા વિશે તો કોઈ નથી વિચારતું એવું તેને લાગવા માંડ્યું ....બધાને કામ થી મતલબ છે !!!અનુજા થોડીક ઉદાસ પણ રહેવા લાગી હતી.  જે ધગશ અને કાળજીથી તે કામ કરતી હતી તેમાં અને લાગણીમાં હવે ઓટ આવવા માંડી હતી... વળી એકાદ-બે વાર મીનુ ના આગ્રહને વશ થઈને રુહીને લઈને બહાર જમવા પણ જવા લાગી હતી... કશું જ કહ્યા વગર ખૂબ મહેનતપૂર્વક સાસુ અને વડ સાસુ સમજણથી કામ ચલાવી લેતા હતા.. પણ અનુજાને અણસાર પણ ન આવવા દીધો હતો... ધીરે-ધીરે અનુજાને મિનુ સાથે ફાવટ આવી ગઈ હતી.... અઠવાડિયે થતા કાર્યક્રમ હવે દર એકાદ બે દિવસે થતા ગયા ....અને ધીરે-ધીરે અનુજા ઘરના કામકાજમાંથી અને રસોઈમાંથી હાથ સંકેલવા માંડી હતી.. અનુજા અનુજા ની બુમો પણ ઓછી થઈ ગઈ હતી... પણ આ સ્વતંત્રતા તેને ગમતી હતી... કહાને  બે-ત્રણવાર ટોકી તો અનુજાએ તેને વળતું સંભળાવ્યું બસ કામકાજ અને રસોડું જ મારું જીવન નથી.. કહાન મને મારી રીતે જીવવા દો અને કહાન સમસમી ગયો...

                 બીજે દિવસે બાળકોને સ્કૂલ મૂકીને શોપિંગ કરવા માટે નીકળેલા મીનુ અને અનુજાના એક્ટિવાને ટક્કર વાગતા બેઉ ઘાયલ થયા ....અનુજાને મૂઢ માર વાગ્યો અને મીનુને પગમાં ફ્રેક્ચર થયું હતું ...અઠવાડિયા સુધી અનુજાને આરામની સલાહ આપવામાં આવી ... ઘરે આવતાં જ આખું ઘર અનુજાની સેવામાં લાગી ગયું..... ઉપરના બેડરૂમમાં સુધી ન જવાય તેમ હોવાથી અનુજા માટે વડસાસુ ના રુમ માં જગ્યા થઈ ગઈ સુપ અને દૂધ ગરમ ખાવાનું બધુ વખતોવખત સમયસર અનુજાને મળતું રહેતું ...સાસુમા વાળ ઓળી આપતા અને નિત્યક્રમમાં પણ મદદ કરતા અને રુહી નું કામકાજ સસરાજી એ ઉપાડી લીધું હતું ..બધાએ અનુજાની આસપાસ પોતાની દુનિયા બનાવી લીધી હતી. અનુજાને ખૂબ આશ્ચર્ય થતું હતું... તેણે આટલા વર્ષો સુધી પ્રેમપૂર્વક પરિવારની સંભાળ રાખી હતી ....અને તેને સંયુક્ત પરિવાર એ પણ ખૂબ સાચવી હતી પણ થોડા દિવસોથી પોતાનામાં આવેલા પરિવર્તન વિશે વિચારીને તેને તેને ખૂબ ધિક્કાર થતો હતો અને પોતાના કાર્યો પર અફસોસ પણ હતો ....આટલા પ્રેમાળ પરિવાર વિશે કેવું વિચાર્યું હતું !!!!!  તેને પોતાની ઓછી માનસિકતા માટે શરમ આવી... સાસુ અને વડસાસુ ની પ્રેમાળ વાતો, સારવાર અને કહાન ની દેખભાળ ના હિસાબે થોડા જ દિવસોમાં અનુજા ફરી હરતીફરતી થઈ ગઈ ....

           .   સાસુ-સસરા પાસે અનુજાએ પોતે કરેલા વર્તન બદલ ક્ષમા માંગી તો તેઓએ ઉદારદિલે જણાવ્યું," બેટા બાળક તો ખોટા રસ્તે જાય જ ,પણ તેને પ્રેમપૂર્વક પાછા વાળવા ની જવાબદારી માવતર ની જ હોય છે, તને તે વખતે કંઈ જ કહેવાની પરિસ્થિતિ ન હતી અને કદાચ તારી સમજણ પણ ન હતી તેથી જ અમે લોકોએ મૌન સેવ્યું હતું. પણ અમને ખાતરી હતી કે અમારી અનુજા અમને પાછી મળી જશે .."   અને બધા ખડખડાટ હસી પડ્યા ....બીજે દિવસે સવારથી જ ફરી અનુજા અનુજાને બૂમો પડવા લાગી....