Aekant ma awaj books and stories free download online pdf in Gujarati

એકાંત માં અવાજ

  અને અચાનક જ મારી આંખો ઉઘડી ગઈ. જોયું તો સવારે  4 વાગ્યા હતાં. ચારેકોર અંધારું જ અંધારું અને નિરવ શાંતિ. કયાંક દૂર કૂતરાં ભસવાનો અવાજ ને તમરાં નો અવાજ, બસ એ સિવાય બધું જ શાંત. 
     થયું ચાલ સરસ સમય અને એકાંત બંંને નો સમન્વય થયો છેે તો કંઈક લખુું. હુું એકદમ જ ખુશ  થઈ ને પથારી   માં બેઠી થઈ ગઈ..
લાઈટ ચાલુ કરી ડાયરી અને પેન હાથ માં લીધા..મોઢું ધોવા જવાની મને જરૂર ન જણાય કારણ હું એકદમ તાજગી અનુભવી રહી હતી.હું શાંત મને વિચારવા બેઠી .. શું લખું ???? શેનાં વિશે લખું ??? આંખ બંધ કરી વિચારવા માંડી..બહાર ની નિરવ શાંતિ અને અંદર ના આનંદ ને માણી રહી.ધીમે ધીમે  બધું જ શાંત થવા માંડ્યું..મન,મગજ અરે...જાણે સાથે શરીર પણ...ધીમે ધીમે હું ધ્યાનસ્થ થવા લાગી...
આમ છતાં મગજ મને લખવાનું છે એમ કહેતું હતું પરંતુ મન અને આત્મા એકાકાર પામી રહ્યા હોય એવુ લાગ્યું. અને હું પણ મારા આત્મા ના અવાજ ને અનુસરતી હોય એમ એની પાછળ અંદર અંદર જવા લાગી...
(ત્યાં)અંદર પણ એ જ નિરવ શાંતિ હતી. પરંતુ અંદર ની શાંતિ મારા શરીર ને નિર્મળ બનાવી રહી હોય એવું લાગતું હતું.
         ત્યાં જ એક અદ્રશ્ય હાથ મારા બાજુ લાંબો થતો હોય એમ લાગ્યું,જાણે કે મને કહેતો ન હોય!?.. કે.." આવ, ચાલ..મારો હાથ પકડી લે, તારી તૃષ્ણા હું છીપાવીશ, તને નવી દુનિયા  હું  બતાવીશ..આવ તું  ગભરાઇશ નહીં , હું પણ તું  જ છું...આવ..આપ મને તારો હાથ...ચાલ ઝાલી લે મારો હાથ...."
        થોડીવાર માટે હું ખંચકાય...કંઈ જ સમજાયું  નહીં  કે  મારી સાથે શું થઈ રહ્યું છે!? ...હવે જાણે હું પણ એને પૂછતી હોઉં એમ, "તું  કોણ છે??? હું  શા માટે તારો હાથ પકડું???  હું તો તને જાણતી નથી તો શા માટે તારો હાથ પકડી ને ચાલુ???  આપણે પહેલા કોઈવારમળ્યા  નથી તો હું અને તું એક કઈ રીતે??? તું  આગળ ચાલ હું આવું છું તારી પાછળ પાછળ....પણ તું મારો હાથ ન પકડીશ.."
      "ભલે !...જેમ તને ઠીક લાગે..."
આ અવાજ એવો તો મીઠડો લાગે કે જાણે કૃષ્ણ ની મોરલી માંથી જ ન નીકળતો હોય!!???  ચંદન જેવી સુવાસ ની પાછળ હું જાણે આપોઆપ ખેંચાતી જતી હતી..આજુબાજુ એકદમ લીલાછમ ઘાસ ના ખેતરો,રંગબેરંગી ફૂલો...અને પતંગિયા તો જાત જાતના...પારેવડાઓ પણ કોઈ ધૂન ગણગણતા હોય એવું લાગતું હતું ..કર્ણ પ્રિય કેકારવ એમનો મારા આતમ ને ડોલાવતો હતો.ઊંચા ઊંચા પર્વતો અને એના ઉપર થી નીચે આવતાં ઝરણાંઓ તો જાણે નાના બાળકો...એ...ને...મસ્ત રમતાં - નાચતાં - કૂદતાં  એ ડુંગરા ને ઠેકડી મારી  નીચે આવતાંહોય એવું લાગતું હતું. અને એ જ ઝરણાં  આગળ જતાં શાંત સરિતા નું રૂપ લેતાં હતાં.જાણે કે સૌંદર્યવાન સ્ત્રી પોતાના પ્રિયતમ વિશાળ સાગર ને મળવા ન નીકળી પડી હોય!!?? 
                અહા!!!!! આ આહલાદક દ્રશ્ય!!  
આ બધું મારા માટે કંઈ અજાણ્યું તો ન જ હતું. છતાંય કંઈક નવીન લાગતું હતું. 
        થોડી વાર થઈ ને પાછો પેલો અદ્રશ્ય હાથ આગળ આવે છે...
                "ચાલ, હવે તો પકડી  લે મારો હાથ...હવે આગળ તને મારી જરૂર પડશે....અરે!!ગભરાઇશ નહીં...હું તું જ છું...એમ માની લે હું તારો કાનો જ છું..." 
           મેં ગભરાતાં ગભરાતાં મારો હાથ એના હાથ માં મૂકયો. અને ત્યારે જે એહસાસ થયો ....કેમ કરી વર્ણન કરું...બસ અનુભવું છું..
      જાણે કે,   "શિવ માં જીવ ભળ્યો "
મારા થી હવે મૌન ના રહેવાયું.."તું મને કયાં લઈ જાય છે???" 
" આ રમણીય જગ્યા કઈ છે???"  " કોઈ નામ સરનામું તો હશે ને???" એ બોલ્યો...." જેમ હું તું જ છું તેમ આ બધું પણ તું જ છે..
આ આહલાદક લાગતું બધું જ તારામાં છે... આ નભ...આ ધરા...
આ સૂરજ..આ ચંદ્ર..આ તારા....બધું જ....આ બધું જ  તારા માં છે...એ બધું તું જ છે.."
    હું એને બસ સાંભળતી જ રહી કારણ એની વાત માં મને કંઈ સમજાતું તો હતું  નહીં પણ એને સાંભળવાથી મારા જીવ ને ઘણું સારું લાગતું હતું. 
      થોડું આગળ ચાલ્યા ત્યાં તો ધીમો ધીમો કંઈક અવાજ સંભળાય છે..ધીમો ધીમો ઝાંઝર નો ઝણકાર અને  વાંસળી ના સુર સંભળાતાં હતાં.. સાથે કોઈ ગીત ગાતું હતું. અને એ  ગીત પણ મેં કયાંક સાંભળેલું હોય એવું લાગતું હતું..થોડું આગળ ચાલ્યા ત્યાં તો એ સઘળું સ્પષ્ટ થવા માંડ્યું...એ ઝણકાર,એ સુર અને એ ગીત .....બધું જ હવે બરાબર સંભળાતું હતું..
     "આજે વૃંદાવન આનંદ સાગર,શામળિયો રંગ રાસ રમે ||
      નટવર વેશે વેણ વગાડે|| ગોપીઓના મન ગોપાળ ગમે ||
                                                                   ||આજ||.......
      તા થૈ તા થૈ તાન મીલાવે|| રાગ તે રાગણી સમે રે સમે||
                                                                   ||આજ||.......
       ભણે નરસૈંયો ધન બ્રિજનારી|| જેને કાજે જોગી દેહ   દમે ||
        આજે વૃંદાવન આનંદ સાગર શામળિયો રંગ રાસ રમે ||
                                                      - નરસિંહ મહેતા..
અરે! આતો  અમારું ભજન...મારા આખા પરિવાર નું પ્રિય ભજન. 
હવે તો તું કે,આપણે કયાં જઈએ છીએ??? મારે  આવવું  તો છે જ હવે તારી સાથે પણ જાણવું પણ છે કે કયાં જઈએ છીએ!?
         તરત જ એણે મારો હાથ થોડો મજબૂત રીતે પકડયો અને કહયું,  "તું ધીરજ રાખને થોડીવાર,તારા માં હંમેશા થી ધીરજ નો અભાવ રહયો છે.. "
          ત્યાંતો જાણે હજારો સૂર્યનારાયણ આકાશ માં એક સાથે નીકળ્યા હોય એવું લાગ્યું પણ ત્યાં શશી અને પ્રિયતમા ચાંદની ની શીતળતા નો પણ એહસાસ થતો હતો...આટલા તેજ ને કારણે કંઈ જ દેખાતું ન હતું ફકત સંભળાતા હતો  એ ઝાંઝર નો ઝણકાર અને વાંસળી ના સુર.. અને ફરી પાછો એ મધુર અવાજ....
      "તારા અંતરની આંખો ધીમે ધીમે ઉઘાડ હવે,
        અને જો સામે શું દેખાય છે????"
જાણે સાચે જ હું એના વશ માં હતી. નજર ઊંચી કરી ને જોયું તો...આશ્ચર્ય થી મારી આંખો અંજાઈ ગઈ, એમાં એકાએક અશ્રુઓએ સ્થાન લીધું,મારી આંખો પણ જાણે પોતાના પર વિશ્વાસ કરવા તૈયાર ન હતી.. મન મોર બની ને નાચી ઉઠ્યું ...એ દ્રશ્ય....એ દ્રશ્ય...
મારા માધવ અને રાધિકા ની રાસલીલા....અહા!!!!!!!!આહલાદક!!!!!નયનરમ્ય!!!!.....વર્ણન તો શું કરું!!?? ફકત "પ્રહષઁ "માણી રહી..
     આટલા અવાજ માં પણ એકાંત વર્તાતો હતો...મારા ઉર માં એકદમ શાંતિ નું સામ્રાજ્ય સ્થપાય રહયું હતું.....
      એજ સમયે પેલાઅદ્રશ્ય હાથે મારો હાથ કાના ના હાથમાં મૂકયો.."આવ!..તારું બ્રિજવન માં સ્વાગત છે"..કાના એ કહયું,,..."આવ તને કંઈ બતાવું તને..તને યાદ છે એકવાર તે મને કહયું હતું ...અરે તું તો મારી સાથે લડાઈ પણ કેટલી કરતી...તે તારી જ કવિતા માં મને કહયું હતું-
                      
                      કાના....તે કેમ કર્યુ આવું????
                       છીનવ્યું તે જીવન મારું......
                      જો..તું જીવન મારું,,!!!!
                       અમસ્તી જ હસ્યા કરું,ને અમસ્તી જ રડયા કરું...
                       નથી રોકી શકતી અશ્રુ મારા..
                        રડે છે દિલ મારું ....
                        તે કયાં લાવી ને મૂકી મને,
                         અંધકારમયજીવન મારું ....
                         એકવાર મળવા દે ને પપ્પા ને મારા, 
                         સોંપુ તને જીવન મારું ...
                         કંઈ જ નથી આપવા માટે તને મારી પાસે..,,!?
                         તૂં જ કે હવે,શું ચૂકવું મૂલ તારું????
                          લઈતો લીધું તે સઘળું  મારું..
                          એક જ વાર માંગુ તારી પાસે,
                         પપ્પા ને મળવા લઈ જા ને તારી સાથે..
                        નથી જીવી શકતી એમના વગર,
                         પણ દે સાથ તું અગર..
                        મળી લઈશ એમને પળવાર માં,
                        લઈ આવજે  ફરી મને પલક વાર માં 
                          દીધો તે મને હંમેશાં સથવારો,
                     હવે એકવાર પણ તું સાથ ન દે શે તારો!??
                           કાના...આવી જઈશ જલદી,
                            તું "દીપ " પ્રજવલિત કરજે,
                         ને હું  મળી લઈશ એમને જલદી...    
                                      -કુંજદીપ. 
જો પેલું કોણ છે???   ઓળખ!!!      ઓળખાયા?????
દૂર થી જ જોઈ લેજે મન ભરીને આજે...જરાય રડતી ની...બસ જોઈ લે..આજે...પછી તું રોજ મને ઠપકો આપતી રહે છે. 
     "કાના......એ મારા પપ્પા છે...કાના...પપ્પા.....મારા......પપ્પા..
   કાના...મારા પપ્પા...."
    "હા.....હા.....ગાંડી એ તારા  પપ્પા  જ છે..."
"કાના.......આ ઋણ....તારું મારા માથે રહયું.."
         "અરે ગાંડી ...કેમ કરી ભૂલું તને??...કેમ કરી ભૂલું એ તારા ભજન.??..કેમ કરી ભૂલું એ તારો મારા પ્રત્યે નો અતૂટ પ્રેમ.??.કેમ કરી ભૂલું કે, તું દરેક  જન્માષ્ટમી પર મને શણગારતી!! યાદ છે તને.. તું મને ગાલે કાજળ નું ટપકું કરતી!!!?? કે મને કોઈ ની નજર ન લાગી જાય. પણ,મારી વ્હાલી...મારી  ગાંડી...તું  જ મને એટલી નિહાળતી કે મને તારી જ મીઠી નજર લાગી જતી...એ તારી ને મારી મિત્રતા મને યાદ છે અને તને  વચન આપું છું કે,એ જન્મોજનમ રહેશે..."
           બસ...આમ,બોલતા ની સાથે જ મારી આંખો ઉઘડી જાય છે અને જાણે કે બધું જ ગાયબ.... 
           હું ખુશ હતી!!! અવાચક હતી!!! આશ્ચર્યચકિત હતી!!! કંઈ જ સમજાતું નથી...પણ  હા, એ જે કંઈ પણ હતું એ મારા જીવ ને...મારા આતમ ને મારા મન ને માધવ માં સમાવનારુ હતું...
        પપ્પા કહેતા હંમેશા,  " જે બધું બહાર દેખાય છે એ બધું જ આપણી અંદર છે...જે વિચારીએ  છીએ  એ જ મળે છે તો હંમેશાં સત્ય ની શોધ માં મંડ્યા રહેવું..."
              
                                              -કુંજદીપ. 
      (નોંધ: નરસિંહ મહેતા ના ભજન ના વચ્ચે વચ્ચે થી અંશ લીધાં છે..મને ગમતી કડીઓ જ લીધી છે. )