Vikruti - 38 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-38

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-38

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-38
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
      વિક્રમ આકૃતિની બીમારી વિશે જણાવવા યોગ્ય સમયની રાહ જોઈ આકૃતિને હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરી હોટેલે લઇ આવ્યો હતો.
      અહીં અરુણાબેનને એક જોંગાએ ટક્કર મારી દીધી હતી એટલે તેઓને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા અને ઓપરેશનની તૈયારી થઈ ગઈ હતી. હવે આગળ..
    ઓપરેશન બે કલાક ચાલ્યું,અરુણાબેનનો કમરથી નીચેનો ભાગ નિર્જીવ થઈ ગયો હતો. ‘હવે તે ચાલી નહિ શકે’ ડોકટરે દુઃખી થતા કહ્યું.વિહાન ત્યાં જ ચોધાર રડી પડ્યો હતો.ઇશાએ તેને મહામહેનતે સંભાળ્યો.
“હું મહેતાને છોડીશ નહિ”રડતાં રડતાં વિહાન ગરજયો.
“લૂક વિહાન અત્યારે જોશથી નહિ હોશથી કામ લે”ઇશાએ વિહાનને સમજાવતાં કહ્યું, “તું એકલો કશું નહીં કરી શકે”
“ના ઈશા,જિંદગીમાં બધું સહન કરી લઈશ પણ મારા મમ્મીને આ હાલતમાં લાવનાર વ્યક્તિ જીવતો રહે એ બિલકુલ સહન નહિ કરું”દાંત ભીંસતા વિહાન ઉભો થયો.હાથની મુઠ્ઠી વધુ દબાવી.
“વિહાન,તું કૌશિકને કેમ કૉલ નહિ કરતો?”ઇશાએ કહ્યું, “એ તારી મદદ કરશે”
“ના,ત્યાં સુધી મોડું થઈ જશે.”
“તો હું પણ તારી સાથે છું”ઇશાએ કહ્યું.
     વિહાન ચૂપ રહ્યો.
    સાંજ ઢળી ગઈ.આજે બિનમૌસમ વરસાદ શરૂ થઈ ગયો હતો.પૂરો દિવસ આસમાન સાફ રહ્યું અને અચાનક કાળા ડિબાંગ વાદળોનો કાફલો અમદાવાદને ઘેરી વળ્યો.અડધી કલાકમાં બધે પાણી પાણી થઈ ગયું.કાલુપુર પુલથી આગળ કેડ સમું પાણી ભરાઈ ગયું.
     આજે કંઈક અણધાર્યું બનશે તેની સંભાવના વિહાનને દેખાઈ રહી હતી.આમ પણ જે વ્યક્તિએ તેની જિંદગી ધૂળ જેવી કરી નાખી હતી એ વ્યક્તિને નરકલોકમાં પહોંચાડવો એ કોઈ ‘અણધારી’ ઘટનાથી કમ તો ના કહેવાય પણ વિહાન જાણતો નોહતો તેની સાથે શું શું થવાનું છે.
     ઈશા ટિફિન લઈ આવી હતી.બંને સાથે સાથે જમ્યા.વિહાન તેની અરુણાબેનના બેડ પાસે આવ્યો,અરુણાબેન પરાણે બોલી શકતા હતા.તેઓએ પણ પોતાની પિસ્તાલીસ વર્ષની જિંદગીમાં ક્યારેય આવું દર્દ સહન નહોતું કર્યું અને હવે પુરી જિંદગી અપાહીજ બની વ્હીલચેર પર પસાર કરવી તેનો વિચાર સુધ્ધાં એક ભયાનક સ્વપ્ન જેવો હતો.
“મમ્મી તમે મહેતાંને ઓળખતા હતા?”મહેતાએ વાત કરી હતી ત્યારની આ વાત વિહાનના મગજમાં ઘુમતી હતી.જો એ જાણતાં જ હતા કે મહેતાં આવો વ્યક્તિ છે તો શા માટે વિહાનને પહેલાં ના ચેતવ્યો?
      અરુણાબેને અધુકડી આંખો ખોલી.ડૉક્ટરે આપેલી દવાઓની અસર અરુણાબેનની આંખો પર વર્તાતી હતી.
“વિહાન..”કણસતા અવાજે અરુણાબેને કહ્યું, “મહેતાએ આ હરકત કરી?”
     વિહાને અરુણાબેનનો હાથ હાથમાં લીધો, “હું એને છોડીશ નહિ”
      અરુણાબેનને વિહાનનો હાથ દબાવ્યો,બાજુમાં ઉભી રહેલી ઈશા તરફ નજર કરી.ઈશા વાત સમજતી હોય એ રીતે ‘વિહાન હું બહાર વેઇટ કરું છું’ એમ કહી બહાર નીકળી ગઈ.
     અરુણાબેનને બે વાર આંખો પલકાવી.
“મમ્મી તમે કોઈ વાત છુપાવો છો?”શંકાની નિગાહથી તેની મમ્મીની આંખોમાં આંખ પરોવી વિહાને પૂછ્યું.અરુણાબેનને નિસાસો ખાધો.
“આજે હું તારાથી કોઈ વાત નહિ છુપાવું,તારા મોટાબાપુ વિશે તું જાણે જ છે.તેની ઉડાઉ ટેવના કારણે બધું જ ચાલ્યું ગયું હતું,ત્યારે તારા પપ્પાએ મહેતાં પાસેથી દસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા.સમય આવતા એ રૂપિયા ન ચૂકવી શકવાને કારણે મહેતાએ તારા પપ્પાને ખૂબ ધાક ધમકી આપી હતી”તૂટક અવાજે અરુણાબેને વાત શરૂ કરી, “એક દિવસ તારા પપ્પા ઘરે નોહતા ત્યારે મહેતાં આવી ચડ્યો હતો,મને ન કહેવાના શબ્દો કહ્યા હતા,હું તેની રખેલ બનીને રહું ત્યાં સુધીની તેણે વાત કરી હતી પણ ભગવાનના સોગંધ ખાઈને કહું છું તારા મમ્મી પર કોઈ પરપુરુષનો પડછાયો પણ નથી પડ્યો.”વાત પૂરી કરતાં સુધીમાં અરુણાબેન રડવા લાગ્યા.
“મમ્મી મેં મહેતાં વિશે તમને વાતો કહી ત્યારે તમે કેમ કંઈ નોહતા બોલ્યા?”વિહાને પૂછ્યું.
“મને લાગ્યું એ સુધરી ગયો છે,એ હરકત કર્યાના થોડા દિવસ પછી તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને મારી પાસે માફી માંગી તારા પપ્પાના દસ હજાર વ્યાજ સાથે માફ કર્યા હતા.”અરુણાબેને કહ્યું, “તને નોકરી આપી પછી એ એકવાર આવ્યો હતો અને તારા ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી પણ…”અરુણાબેન અટકી ગયા.તેણે પોતાનો ચહેરો ઘુમાવી લીધો.
“મમ્મી તને બધી વાત નથી ખબર”વિહાને કહ્યું, “એને રૂપિયા સાથે કોઈ લેવાદેવા નથી,એ તો બીજા જ મતલબ સાથે જીવે છે”
     વિહાને તેના મોટાબાપુ અને મહેતાંની પત્નીના પ્રેમપ્રકરણની વાત અરુણાબેનને કહી.અરુણાબેન પહેલેથી જ આ વાત જાણતાં હતા પણ આ વાતથી અજાણ હોય એ રીતે વિહાનની વાત સાંભળતા રહ્યા.
    અરુણાબેનને આરામ કરવાનું કહી વિહાન બહાર આવ્યો,બેગમાંથી રિવોલ્વર લઈ ઈશા પાસે આવ્યો.
“ઈશા,તું મારી દોસ્ત છે”વિહાને મક્કમ અવાજે કહ્યું, “હું જાણું છું કે હું ગુન્હો કરવા જઈ રહ્યો છું પણ મહેતાના મરવાથી જો મારા મમ્મીના કાળજાને અને મારા પપ્પાના આત્માને શાંતિ મળતી હોય તો હું આ ગુન્હાને પુણ્ય ગણું છું”
“બકા,તું કેમ એવું વિચારે છે? માત્ર ભારતમાં જ રોજના ત્રણથી ચાર મર્ડર થતા હશે અને તું જે કામ કરવા જઈ રહ્યો છે એ સમાજના સારા માટે છે,આજ સુધી તેણે કેટલા લોકોનું જીવન બરબાદ કર્યું હશે.તું તો એ લોકોના કામ માટે નિમિત્ત બન્યો છે અને હું તારી હિંમતની દાદ આપું છું”
“તું અહીંયા મમ્મી પાસે રહેજે,કોઈ પણ ચિંતા જેવી વાત હોય તો ડોકટરને બોલાવજે”વિહાને કહ્યું.ઈશાએ વિહાનને ભેટી તેની પીઠ થાબડી.વિહાન કોઈ દિવસ ન કરેલ કામને અંજામ દેવા રાતના અંધારામાં નીકળી ગયો.વિહાન જ્યાં સુધી અંધારામાં ઓઝલ ના થયો ત્યાં સુધી ઈશા તેની પીઠ નિહાળતી રહી.
     થોડીવાર પછી કૌશિક રાધે અને બીજા કોન્સ્ટેબલો સાથે હોસ્પિટલ આવી ચડ્યો.ઇશાએ સમજદારી વર્તી બપોરે જ કૌશિકને કૉલ કરી દીધો હતો.કોન્સ્ટેબલોએ અરુણાબેનના રૂમનો ઘેરાવો કરી સુરક્ષાનો ભાર સંભાળી લીધો હતો.ઈશા અને કૌશિક મહેતાંના ઘર તરફ આગળ વધ્યા.
                     *** 
"ચોટીવાલા રેસ્ટોરન્ટ,જેવું યુનિક નામ એવો જ અહીંયાનો ટેસ્ટ.મજા પડી ગઈ હો બાકી."ડિનર પતાવ્યા બાદ આકૃતી વિક્રમ સાથે રેસ્ટોરન્ટની બહાર નીકળતા બોલી. 
"હા તો પછી આવું હેલ્થી જમો એટલે ફિટ રહો આ પાણીપુરીમાં શું રાખ્યું છે?"
"હો બસ."આકૃતી હજુ પહેલું વાક્ય પૂરું કરે એ પહેલાં વિક્રમે તેનો હાથ પકડ્યો અને રેસ્ટોરન્ટની બહાર થોડે ઊંચી ખુરશી રાખી બેઠેલ અલાદીનના ચિરાગના જીની જેવો મેકઅપ કરેલ માણસ પાસે લઈ આવ્યો અને તેની સાથે ફોટો ખેંચાવ્યો ,સેલ્ફી પાડી.ત્યાં પેલો ચોટીવાળો માણસ બાવા ગુજરાતીમાં એ લોકો સાથે વાતો કરવા લાગ્યો.એનું ગુજરાતી સાંભળી આકૃતી પેટ પકડી હસી પડી. ત્યાંથી આગળ ચાલ્યા બાદ વિક્રમે આકૃતીને આઈસ્ક્રીમની ઓફર આપી. 
"ઓહહો,જનાબ આજે મૂડમાં લાગે છે!!!" આકૃતી મસ્તીમાં ટોન્ટ મારતા બોલી.
"હવે ચાલને, અમદાવાદી ટોન્ટ નહીં મારવાના હો." કહેતા વિક્રમે મોઢું બનાવ્યું.આકૃતી વિક્રમના એક હાથ ફરતે પોતાના બંને હાથ વીંટળાતી ચાલવા લાગી.
 "અચ્છા વિક્કી સિંગાપોરમાં તારી કોઈ ગર્લફ્રેન્ડ ?" 
"મારી ગર્લફ્રેન્ડ વિશે કેમ પૂછે છે”વિક્રમે ચુંટલી ખણી, “ઓહ શું વિહાનના બદલે મને તારો બોયફ્રેન્ડ બનાવવાનું વિચારે છે કે શું ?"
"બે જા યાર.તારી પાસે બીજો કોઈ ટોપિક જ નથી વાત કરવાનો." 
    વિક્રમે મોઢું હલાવી ના પાડી.
"તો સાંભળી લો મિસ્ટર વિક્રમ, હું અને વિહાન ક્યારયે અલગ નહીં થઈએ.અમારો પ્રેમ,અમારી બોન્ડિંગ અને અમારો એકબીજા પર ટ્રસ્ટ આટલો મજબૂત છે કે કોઈ ત્રીજી વ્યક્તિને કારણે અમે ક્યારેય અલગ નહીં પડીએ.આટલા દિવસથી અમારી વચ્ચે વાતો નહિ થઈ તેનો મતલબ એવો નથી કે અમે એકબીજાને ભૂલી જશું.એ તો પરિસ્થિતિ એવી છે એટલે." આકૃતીના અવાજમાં એક મક્કમતા અને આંખોમાં ગુરુર ઉભરાય આવ્યું.
"કોઈ ત્રીજી વ્યક્તિને કારણે નહીં પણ જો આ પ્રકૃતિ જ તમારી માટે વિકૃતિ બની જશે તો ?" વિક્રમ થોડો સિરિયસ થઈ બોલ્યો.
"પ્રકૃતિ એ તો અમને મેળવ્યા છે.મોસમનો પહેલો વરસાદ અને એ અંધારામાં થયેલ એ વીજળીના ચમકારા સાથે અમારી નજર એકબીજા સાથે મળી.આ લવસ્ટોરી પ્રકૃતિએ જ તેના હાથે લખી છે." હરિદ્વારની ગલીઓમાં ચાલતા આકૃતી બોલી.
"જેમ મોસમ બદલ્યો એમ જો પ્રકૃતિનું મન બદલી જાય તો?"વિક્રમ આકૃતિને હિન્ટ આપવા માંગતો હતો.
"કેમ આવું બોલે છે વિક્રમ તું?" આકૃતી કશું સમજી ન શકી.
    ‘હર કી પૌડી’ના પગપાળા પુલ પર રેલિંગનો ટેકો લેતા વિક્રમ બોલ્યો," આકૃતી માણસ અને સમયનો કોઈ ભરોસો નથી હોતો.ક્યારે બદલાય જાય કોઈ ન કહી શકે. " 
"વિક્રમ ના તો હું બદલાઈશ કે ન તો વિહાન.અને સમયનું હું કંઈ ન કહી શકું.એ બધી ભવિષ્યની વાત છે ભવિષ્યમાં જોયું જાય." આકૃતી થોડી ચીડતા બોલી.
"આકૃતી હું સમજુ છું, તને પસંદ નહીં આવતું કે હું આટલી નેગેટિવ વાતો કરું છું પણ આ વાતો જરૂરી છે. આકૃતી આ જિંદગી આપણે વિચારીએ છીએને એ મુજબ ક્યારેય નથી ચાલતી એટલે ક્યારેય કોઈ વસ્તુ કે વ્યક્તિ પર આટલું ન્યોછાવર ન થઈ જવું કે એના સિવાય આપણે કશું જોઈ જ ન શકીએ.જિંદગી એક વખત મળે છે તો ફક્ત પ્રેમ જ કરી એને વિતાવી ન જોઈએ,આપણા સપના પૂરા કરવા જોઈએ,દરરોજ,એક એક ક્ષણ બસ જીવી લેવું જોઈએ.." વિક્રમે આકૃતીના હાથ પર હાથ મુક્યો.
"તને ક્યારેય પ્રેમ નથી થયો ને વિક્રમ ?"આકૃતી થોડું હસીને બોલી,"એટલે જ તું આવું બધું બોલે છે.બસ એક વખત પ્રેમમાં પડીને જોઈલે આ સમય,જિંદગી,પ્રકૃતિ એવા બધા શબ્દો ફિક્કા લાગશે."
"ફિક્કા ભલે લાગે આકૃતી પણ જ્યારે આ પ્રકૃતિ જ વિકૃતિ બનીને જિંદગીમાં આવી જાયને ત્યારે માણસે એની સામે ગોઠણ નમાવવા જ પડે છે." વિક્રમે એક લાંબો શ્વાસ લીધો અને બોલ્યો"આકૃતી.. પ્રકૃતિ એ મોસમની સાથે એનો મિજાજ પણ બદલી નાખ્યો યાર......"કહેતાં વિક્રમથી રડાય ગયું.
(ક્રમશઃ)
   વિક્રમ શા માટે આકૃતિને બીમારી વિશે નોહતો કહેતો?શું આકૃતિ પાસે હવે થોડોક જ સમય રહ્યો છે?શું મહેતાનું ચેપ્ટર હવે ક્લોઝ થશે કે કોઈ નવો વળાંક આવશે? આગળના ભાગમાં મોટું રહસ્ય ખુલશે.જાણવા વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)


Rate & Review

Hims

Hims 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Usha

Usha 3 years ago

Jainish Dudhat JD
Ami

Ami 3 years ago