Kundhi ane Bhuri books and stories free download online pdf in Gujarati

કુંઢી અને ભૂરી

              ખુમાન નું ખોરડું પહેલેથી ભિહવાળું. ચાર બેન નો એક નો એક ભાઈ. નાનપણથી પિતાની છત્ર છાયા નહીં. તેમાં ચાર બેનો ના પ્રસંગો પતાવ્યા. ન્યાતમાં મોભા વાળું ખોરડું. જમીન તો ઘણી હતી પણ વ્યવહાર સાચવવા મોટાભાગની વેચાઈ ગઈ હતી. લઈને પાછા ના આપવાની દાનત હોત તો જમીન નો વેચવી પડી હોત. પણ ખુમાન ના ખોળિયામાં અલગ જ ફરિસ્તો રહેતો હતો.થોડી ઘણી જમીન હતી તેમાં પરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘરે આવેલ મહેમાન ને ખુમાન નો ભાવ જોઇ તેની પરિસ્થિતિનો ખ્યાલ પણ નહોતો આવતો. ખુમાન ને મોટી બે દીકરી ને ત્રીજા નંબરનો દીકરો. દીકરીઓ તેના મા-બાપની જેમ હા ડેતી ને ઊંચી. મોટી પંદર વર્ષની નાની તેર વર્ષની. પણ બન્ને જાણે યુવાનીના ઉંબરે ઊભી હોય એવડી લાગતી હતી.       

               આજે ખુમાન ના ઘરે એનો જીગરજાન મિત્ર વરજાંગ ઘણા વર્ષે આવ્યો છે. વરજાંગ મોટો ખેડૂત. તેના તબેલે એકથી એક ચઢિયાતી બન્ની, જાફર, ગીર ઓલાદની ભેંસો બાંધેલી છે. આજ તે ભાઈબંધ ને કંઈ તો મદદ કરીને જ જશે તેવો નિર્ધાર કરી આવ્યો છે.રોકડા ના લે તો તેના તબેલા ની શાન એવી બે પાડી કુંઢી ને ભૂરી તો આપીને જ આવીશ એવો મનમાં વિચાર કરી આવ્યો છે. બંને પાડી હીર હતી. મોટી થઇને કીમતી ભેંસ થશે એ વરજાંગ ની જાણમાં જ હતું.પાડી ઉછેરીને મોટી કરી હોય તો ખુમાનને પણ પોતાના સ્વભાવ મુજબ સ્વમાન નહિ ઘવાય તેવું વરજાંગ વિચારતો હતો. બેય ભાઈબંધ વાળુ કરીને ઢોલિયો ઢાળી આંગણામાં બેઠા છે. દાંત  ખોતરતા વરજાંગે વાત શરૂ કરી, "ભાઈબંધ તારી પરિસ્થિતિ મારા માટે અજાણી નથી. ભલો થઈ તારી જીદ મૂકી મને તારો ભાઈ ગણી મારી મદદ લે. કાલ હવારે દીકરીયું જુવાન થઇ જાહે. પરસંગ આવી ઉભો રેહે. તારો વખત વળે ત્યારે મને દૂધે ધોઈને પાછા દઈ દેજે." ખુમાને વરજાંગ ના ખભે હાથ મૂકી મર્માળુ સ્મિત કરી કહ્યું, "તારી ભાવના હું હમજુ છું ભાઈબંધ, પણ હાવજ ને ખડ ખાવાનું નો કે તો હારુ મારો ભાઈ!!"   

                      વરજાંગે મીઠો  ગુસ્સો કરતા કહ્યું, "તારો આજ વાંધો. પણ જો મને ભાઈ માનતો હોય તો મારી પાહે ભગરી ભેહું નું ખાડું છે. એમાંથી તને બે પાડી દેવી છે. હવે જો ના પાડય તો તને સુરજ નારાયણ ના હમ છે. તારી હાસવણી માં, બે વરહ ની પાડી છે ને બીજા બે વરહ જાહે ત્યાં ભેહું તૈયાર થઈ જાશે. દીકરીઓના લગન ટાણે તને ટેકો દેહે." ખુમાને ઘણી આનાકાની કરી પણ વરજાંગે ભાઈબંધી ની દુહાઈ દીધી એટલે  માન રાખવું પડ્યું.         
               ખુમાન ના ઘરના ખીલે કૂંઢી અને ભૂરી બે પાડી બંધાણી. બેય પાડી અસલ જાફર ઓલાદની. કુંઢી એની મા ની જેમ ચારે પગ ધોયેલા ને માથે ધોળા ચાંદ વાળી હતી. અને ભુરી એના બાપા ઉપર ગઈ હતી. આખી ભૂરા રંગની અને આંખ્યું માંજરી હતી. ખુમાન ના ઘરની બેય ખૂબ લાડકી થઈ ગઈ. આખું ઘર અસો અસોં  વાના કરે. સાંજે કપાસીયા ખોળ, સવારે ટોપરાનો ખોળ, ભાલની સુકી શિયાળું, ખારસીયું, મીઠા પાણી નો લીલો કાચ જેવો રજકો, કરજણના ગુલાબી શેરડીના આગળા ને બાકી રહે તો અડધો વારો ખુમાન શેલમાં ચારવા છોડે. ખુમાન ની બંને દીકરીઓની પણ આ પાડી બહુ માનીતી. બંને દીકરીઓ રોજ જમવા બેસે એ પહેલા બંને પાડીને એક એક રોટલી ખવડાવે. જમવાનો ટાઈમ થાય એટલે બંને પાડી ઓસરી બાજુ જોઇને રણક્યા કરે. આવી સાચવણીમાં બે વર્ષમાં તો પાડી  કુંઢી ભેસ ને ભૂરી ભેંસ થઈ ગયું. જાણે લોહી નીકળ્યું કે નીકળશે એવી એની કાયા થઈ ગઈ.  સાથે ખુમાન ની દીકરીઓ પણ જુવાનજોધ થઈ ગયું.           

              બે વરહ ક્યાં નીકળી ગયા ખબર ન રહી. ખાનદાન ઘર જોઈને બંને દીકરીઓ ની સગાઈ નક્કી કરી દીધી. મહા મહિનામાં તો લગ્ન પણ નક્કી કરી દીધા. ખુમાન ને રાતે ઊંઘ હરામ થઈ ગઈ, "ઘરે સગવડતા નથી ને દીકરીઓના પરસંગ કેમ કરીશ?"તેને વરજાંગ ના વેણ યાદ આવ્યા, "દીકરીયું ના લગન ટાણે આ પાડી અણમોલ ભેહુ થઇ જાહે જે તને ટેકો પૂરશે."     

              ખુમાને ભેંસો વેચવાની વાત બહાર પાડી ત્યાં તો માગ્યા મોલે વેચાઈ ગઈ. ખુમાન ને જાજો લોભ ન હતો. દીકરીઓનો વરો નીકળી જાય એટલા પૈસા આવે એટલે ઘણું. લીધા દીધા નો વેવાર હચવાઈ જાય. ભેસુ લેનાર ખેડુને દીકરીઓનો વરો ઉકલે પછી દોરી જવાનો વાયદો કર્યો. રંગે સંગે દીકરીઓના લગન કર્યા. વિદાય વેળાએ બંને કાળજાના ટુકડા જેવી દીકરી મળવા આવી. બાપ ને ભેટીને ખુબ રડી. મરદ મુછાળો ને પહાડ જેવો કઠણ ખુમાન ની મોટી મોટી આંખો લાલ ચોળ થઈ ગઈ ને દડ દડ આંસુ પડવા લાગ્યા.

           દીકરીઓને વિદાય આપી. ઘરે આવી બધો વ્યવહાર પતાવ્યો. સાંજ થવા આવી છે. વાયદા મુજબ કુંઢી અને ભૂરી ખરીદનાર ખેડૂત ભેંસો દોરવા આવી ગયા. ખુમાને બંને ભેંસ ને માથે હાથ ફેરવ્યો. બરડે ખંજોળ્યું. જાણે આજે ભેંસને પણ ખબર પડી ગઇ હોય તેમ એની આંખોમાંથી પણ આંસુ પડવા લાગ્યા. ખુમાને બંને ભેસ ખીલેથી છોડી, ખેડૂત ને સોંપી. ડેલે જતા જતા કુંઢિ ને ભૂરી પગ ઠેરાવા લાગી ને પાછું ફરી રણકવા લાગી. ખેડૂત બંનેને ખેંચીને લઇ ગયા.

           ખુમાને ઓસરીમાં નજર નાખી ખાલીખમ હતી. કુંઢી ને ભૂરી નાં ખીલે નજર નાખી. ખીલા ખાલીખમ ભાળ્યા. ખુમાને રોકી રાખેલો ડૂમાઓનો બંધ તૂટી ગયો. ખુમાન પોક મૂકીને રડી પડ્યો. કોઈક એના ખભે હાથ ફેરવતું હતું. પાછું ફરીને જોયું તો.... વરજાંગ......

(કથાબીજ: મારા ભાઈ વિજયસિંહ ટાંક પાસેથી)

લેખક: અશોકસિંહ ટાંક (૮-૨-૨૦૧૯)