Reva tire books and stories free download online pdf in Gujarati

રેવા તીરે

રેવાતીરે બે હદય….


‘એય મિસ્ટર!આ ડસ્ટબીન નથી,આપણી નદીઓ આવા જ લોકોને લીધે ગંદી છે,કેરલેસ પીપલ’,મોં  મચકોડી તે છોકરા તરફ હાથ બતાવી માનુષી બોલી.


પોતાના એક હાથમાં પ્લાસ્ટિકનું બેગ અને બીજા હાથમાં વેફરનું રેપર પકડી રહેલાં પેલા યુવાને માનુષી તરફ હળવું સ્મિત કરી આશ્ચર્યથી જોયું અને કંઈ પણ બોલ્યા વગર આસપાસ પડેલા પ્લાસ્ટિક અને કચરો બેગમાં ભરવા લાગ્યો.


માનુષીની બાજુમાં ઉભેલી એની ફ્રેન્ડ રીયા બોલી,’અલી એ કચરો ફેંકતો નથી બટ ભેગો કરે છે….સીઈઈઈઈઈઈ’


‘ઓ માય ગોડ,સાચે યાર ….હવે…..હું શું કરું?’, માનુષી સંકોચાતા બોલી.


તો સ્નેહા બોલી,’સાવ ડફર છે તું…..આ રેવાનો પ્રેમ તને શું શું બોલાવશે.આટલો અપ-ટુ-ડેટ,હેન્ડસમ બોય તને અનકલ્ચર લાગ્યો.જા હવે માંફી માંગ.


‘ઓકે, ઓકે….જાવ છું’,આટલું માનુષી બોલી .ત્યાં તો સરે બૂમ પાડી……’ગર્લ્સ કમોન..બસમાં બેસો, વી આર લેઈટ’ અને માફી માંગવા ઈચ્છતી માનુષીએ બે વાર ફરીને એ યંગમેન તરફ જોયું. તે છોકરો તો એના કામમાં પડી ગયો હતો પણ જેવી બસ ચાલુ થઈ કે એ છોકરાએ બસ તરફ નજર કરી.


બસની બારીમાંથી ડોકું બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ સર  બોલ્યા, ‘સીટ પ્રોપરલી ગર્લ્સ’,તો માનુષીએ બે હાથ જોડી બહાર કાઢયા અને બસ ઘરરરરરરરર કરતી ઉપડી.પેલો છોકરો તો ઉભો ઉભો હસતો રહયો અને એણે ડોકું હલાવ્યું.


બસ તો ઉપડી પણ માનુષીનું મન ત્યાં જ પેલા ચશ્માં વાળા છોકરા પાસે રહી ગયું. એણે મનમાં ભગવાનને પ્રાર્થના કરી , હે પ્રભુ! માફ કરી દે….સોરી મિ.અજનબી’,એમ કહેતાં હાથ જોડીને આંખો બંધ કરી.


ત્યાં તો સર બોલ્યા,’લીટસન ગર્લ્સ ,વી હેવ મોર ટુ ડેયસ, આપણે હવે રેવાની આસપાસના વૃક્ષો, છોડ ,ફૂલો અંગે પ્રોજેક્ટ કરશું. બે ટીમમાં કામ કરશું. ફસ્ટ ટીમ કાયરાની અને બીજી માનુષીની…..ઓકે’


બધી છોકરીઓ એક સાથે ‘ઓકેકેએએએએએએએએ સરરરરર’એમ બોલી.


ઉત્સાહમાં કાયરા અને માનુષીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા.


બસ રેવાના એક જંગલ જેવા કિનારા પાસે ઉભી રહી અને બધી જ છોકરીઓ પોતાની પીકી બેગ લઈ ઉતરી.ઉતરીને સરના કહયા મૂજબ બે ટીમમાં વહેંચાઈ ટીમ લીડર સાથે નીકળી પડયા.


માનુષી તો પતંગિયાની જેમ આમતેમ ભમવા લાગી.જાણે આ પ્રકૃતિ એટલે એનું ઘર.વૃક્ષ, છોડ,ઉડતાં  પક્ષી, તિતલી, ભમરાં,ઝૂલતાં ફૂલો ને તેમાંય રેવા એટલે એના હદયના આનંદનો પાર નહીં.


એ તો એવી તલ્લીન બનતી કે કલાકો સુધી પાણીના એ પ્રવાહને નિહાળી રહેતી.પોતે જાણે જળબુંદ હોય એમ એ વારિમાં વહી જતી.પવન સાથે લહેરાતી.ઝાડને વળગીને સહોદર જેમ સ્નેહ કરતી.એક પ્રેમિકા જેમ પ્રેમીની બાહોમાં ભાન ભૂલે તેમ માનુષી આ પ્રકૃતિ સાથે એકરૂપ થતી.એ તો ભ્રમરની જેમ ફરતી હતી કે એને સમયનું પણ ભાન ન રહયું.


એને ફરી ઝાડ સાથે માથું ટેકવીને ઉભેલી જોઈ સ્નેહા બોલી, ‘લો,ગઈ વાત,બેન બા ફરી કલ્પનાઓમાં…..આ આકાશી પંખીને કોઈ ધરતી પર ઉતારો,નહિતર અહીં જ રાત થશે.’


‘એયય માનુડી,ચાલ સ્વપ્ન પરી,ચાલ હવે બહુ થયું. ત્રણ કલાક થયા આ વનરાઈમાં,ચાલ બેન, હવે તો ચાલ.’રુચા બોલી.


‘એ હાઆઆઆઆ, આવી એમ બોલતી ‘માનુષી ઢાળવાળા રસ્તે લીસરપટી કરતી હોય એમ ઉતરી.બધાં ભેગાં થઈ બસમાં બેઠા અને પોતે શું -શું જોયું એની વાતો કરવા લાગ્યા.વાતો ને વાતોમાં જે સ્થળે ઉતારો હતો ત્યાં આવી ગયા.બધાને સૂચના મળી કે બધા પોતપોતાના રૂમમાં ફ્રેશ થઈ ફરી જમવા ભેગા થાય અને રાત્રે સંગીતનો પ્રોગામ કરીએ.


ખુશી-ખુશી બધાં રૂમમાં ગયા.ફ્રેશ થઈ, ચેન્જ કરી ભેગા થયાં. મસ્ત મજાની કઢી -ખીચડી-અથાણું ને પાપડ…..આ...હા….મજાની લાઈફ.


પછી ફિલ્મોમાં બતાવે તેમ વચ્ચે તાપણું કરીને ગોળ બેસીબધી છોકરીઓ બે ટીમ બનાવી  અંતાક્ષરી રમવા લાગી.અંતાક્ષરી વચ્ચે સરે બધાંને અટકાવતા કહયું, જુઓ ગર્લ્સ ,કાલે આપણે સરદાર સરોવર અને નર્મદાનો ડેમ જોવાના છીએ.બીજું  રેવાના કુદરતી સૌંદર્યની સાથે અહીંથી ઉત્પન્ન થતી ઉર્જાનો એક પ્રોજેકટ આપણે કરીશું.તો કાલે સવારે આપણે 7.30 એ રેડી રહીશું. ઓ.કે?’


‘યસ સરરરરરરરરર’,બધી છોકરીઓ સાથે બોલી.વચ્ચે દિશા બોલી,’ ઈટસ ટુ અરલી, કેટલું વહેલું ઉઠવું પડશે….ઉ…..હહુ...હુ…..મને બધા રેડી થાય પછી ઉઠાડજો’એમ કહી જોરથી હસી.


ત્યાં તો માનુષી બોલી, ‘દિશલી આપણે અહીં રેવાને માણવા આવ્યા છે,સૂવા નહીં…..સમજી’


‘હા, મને ખબર જ હતી આ માનુડી બોલશે જ…………………….વિદિશા વિમન્સ કોલેજની હેડ ગર્લ…….ના...ના….આ નર્મદા મૈયાની દિકરી…..રેવાની દિવાની…...હવે ખબર છે, તને તો અહીં જ મૂકી જશું અમે ને તારા ઘરે કહેશું કે તું સાધ્વી બની ગઈ અને રેવા કિનારે ઘોર તપ કરવા બેસી ગઈ .


….હા...હા..હા…’આટલું બોલી દિશાએ માનુષી તરફ જીભડો કાઢયો ને પાંત્રીસ છોકરીઓનો ખડખડાટ હસવાના અવાજે ગગન ગજાવ્યુ.


‘તમે જે કહો તે પણ છે તો રેવાની માયા કે છેલ્લી ઘડીએ મુબંઈ જવાનો પ્લાન અહીં પ્રકૃતિના ખોળામાં લઈ આવ્યો.કિસ્મત છે કિસ્મત’,માનુષી બોલી.


ત્યાં રીયા બોલી પડી,’ ચાલો યાર, હવે ડાન્સ અને ગેમ,તમારી રેવા ચેનલ બંધ કરો એને સવારે ઓન કરશું.


એ...હાઆઆઆઆ બોલતાં બધા મોબાઈલમાં ગીત વગાડી વારાફરતી પોતાને આવડતા ડાન્સ કરવા લાગ્યા ને સર છોકરીઓ સંકોચાઈ ને શરમાય નહીં એમ કરી એમનાથી દૂર જઈ એક ઝાડ નીચે બેઠા.


ડાન્સ પૂરો થતાં ગેમ શરૂ કરી.અગિયાર વાગ્યા એ જોતાં સર આવ્યા ને કહયું, ‘ગર્લ્સ ,ચાલો ગુડ નાઈટ,બેક ટુ યોર રૂમ’.


‘નો સર,પ્લીઝ,થોડીવાર રમવા દો’…..આસ્થા કૂદકા મારતા બોલી.

 

‘ના બેટા, હજી તમે રૂમમાં ધમાલ કરશો તો સૂતાં મોડું થાય. સવારે નિકળવાનું છે.જાવ….સૂઈ જાવ...ગો...ગોઓઓઓ’, સરે પ્રેમથી કહયું.એટલે બધી છોકરીઓ ફટાફટ પોતાના રૂમે પહોંચી.


સ્નેહા,રીયા,દિશા ને માનુષીનો એક જ રૂમ હતો.એ બધાં રૂમમાં પહોંચ્યા ત્યાં સૌથી પહેલાં ફોન કોણ ચાર્જિગમાં મૂકે તેની તનાતની ચાલી પછી વારાફરતી મૂકવાનું નકકી કરી બેડ પર પડયા. આખો દિવસ ફરી ફરી થાકયા હતા એટલે સ્નેહા ને રીયા તો સૂઈ ગયા પણ માનુષી ડાયરી લખવા લાગી  અને એને જોઈ દિશા કપાળે હાથ દઈ મોબાઈલ મચેડવા લાગી.


એકાદ કલાકની અંદર બધું જ સૂમસામ થયું અને રેવાના વહેતા પ્રવાહનો ખળખળ અવાજ સંભળાવા લાગ્યો.માનુષી

બેડ ઉપરથી ઊભી થઈ ગઈ.એને જોઈ દિશાએ મોટાં-મોટાં ડોળા કાઢયાં ને સ્નેહા અને રૂચા તરફ ઈશારો કરી માનુષીને આંખોથી ધમકી આપી કે જો બારે ગઈ છો તો તને ઢબાડી નાખીશ.


પણ માનુષીને તો જાણે એ પ્રવાહ ખેંચતો હોય તેમ દિશાને હાથ જોડી વિનવવા લાગી ને બસ બે મિનિટ બહાર જવા દે એમ ઈશારો કર્યો.આખર દિશાએ હાર માની ને ગરદન હલાવી,હોઠ કચકચાવ્યા ને હાથથી ઈશારો કરીને કહયું જા મર….મારે શું.


હસતી હસતી માનુષી દરવાજો ખોલી બહાર નીકળી.ચારે તરફ નીરવ શાંતિ હતી પણ સુદ પક્ષ ચાલતો હોવાથી અને સુદ તેરસની તિથિ હોવાથી ચંદ્ર ચાંદની વેરી રહયો હતો.ધીમે ધીમે તે રેવા તરફ આગળ વધી.થોડે દૂર પથ્થર પર જઈ બેઠી ને ત્યાં જ જાણે સ્થાપિત થઈ ગઈ.એ પાણીનો નાદ જાણે રાગ મલ્હાર………..આ...હા..હા…..સંગીતની રેલમછેલ.માનુષીના શ્વાસમાં રેવાના નીર શ્વસવા લાગ્યા.રાત્રિ નો સમય એને વધુ મનોહર બનાવતો હતો. ત્યાં પાછળથી કોઈકે ટોકી.


 ‘હેય…તમે જે કોઈ પણ છો.આટલી રાત્રે આમ બેસવું બરાબર નથી.પ્લીઝ ગો ટુ યોર પ્લેસ’,ને માનુષીની ધ્યાન સમાધિ તૂટી.


એ ધીમેથી બોલી,’આઈ નો બટ...હું મારી જાતને રોકી ન શકી એન્ડ બાય ધ વે તમે પણ અહીં છો .તો તમે બોય એટલે તમે સેફ એમ,’ને એ હસી પડી.


‘અરે!મેડમ,તમે ફરી મને ખોટો સમજયો.આ જંગલ છે પ્રાણીઓ નુકસાન કરી શકે એમ….સમજયા...જાવ હવે….એ છોકરો હસી પડતાં બોલ્યો.


માનુષીએ ધ્યાનથી જોયું, ચંદ્રના શ્વેત પ્રકાશમાં ચમકતાં ચશમાં જોઈ જોરથી બોલી પડી….’ઓ માય ગોડ,યુ….મિ????ને અટકી ગઈ.


તો પેલો છોકરો બોલ્યો,’અરે અટકી કેમ ગયા કહો ને મિ.ડસ્ટબીન….હા...હા..હા


માનુષી તો ભોંઠી પડી ગઈ...ને  ધીમેથી બોલી, ‘આઈ એમ સોરી.એકચ્યુઅલી હું માંફી માંગવા આવતી હતી બટ બસ ઉપડી તોઓઓઓઓ…..સોરી...રીયલી વેરી સોરી.’


‘ઈટસ ઓકે,જાવ લેટ થયું છે,કાલે મળીશું ને બાકીની વાતો કરશું, છોકરાએ પોતાના હાથની ઘડિયાળ બતાવતાં કહયું.


‘ઓકે,જો હુકુમ  મિ…...અરે!તમારું નામ તો કહો.મારું નામ માનુષી’,રેવાના એકધારા પ્રવાહની જેમ માનુષી બોલી.


મારું નામ પ્રણય….પ્રણય મહેતા...માનુષીજી,એણે ચશ્માં કાઢતાં કહયું.


ઓકે પ્રણયજી,ગુડ નાઈટ,તમને મળી આનંદ થયો….બાય...સી યુ….બોલી માનુષી ચાલી નીકળી ને પ્રણય ત્યાં જ ઉભો રહયો.


માનુષીને ફરીને એકવાર પ્રણયને જોવાની ઇચ્છા થઈ પણ એણે જાતને રોકી.એના રૂમના ઓટલે ઉભી રહી પાછું વળી.         જોયું. હજી પ્રણય ત્યાં જ ઊભો હતો.હાથ હલાવી પોતે પહોંચી ઈશારો કર્યો તો સામે પ્રણયે થમ્બ બતાવી ચાલી નિકળ્યો.


માનુષી રૂમમાં આવી તો દિશાએ ગુસ્સામાં સૂઈ જવા ઈશારો કર્યો.માનુષી કંઈ બોલી નહીં. દિશા તરફ એક મીઠી સ્માઈલ આપી લાઈટ બંધ કરી ને બેડ પર પડી.મનમાં જ બબડી…..


રેવાના તીરે થઈ મુલાકાત

             અજનબી સાથે થઈ થોડી વાત….

                                                   ….ને મોં પર ચાદર નાખી દીધી.


બીજે દિવસે સવારે બધાં ફટાફટ તૈયાર  ચા -નાસ્તો પતાવી બસમાં બેઠા.માનુષી બારી પાસે બેઠી તો સ્નેહા બોલી,’માનુડી આજ તો બારી પાસે બેસવા દે.અલી તું તો આ રેવાને જોતી ધરાતી જ નથી.પાગલ છો પાગલ’.


તો હસતાં-હસતાં માનુષી બોલી,’આ જળપ્રવાહની પ્રિતનું મૂલ્ય તું શું જાણે તૂઅ્છ માનવ,જા..જા….તને ના સમજાય.’


‘હા,તું મોટી ફીલોસોફર,આજ તો તને ડુબાડી જ જઈશું અહીં તું જો’,સ્નેહા ને દિશા બોલી.


ત્યાં તો સરે  હાક મારી ને કીધું ,’ગર્લસ આજે ફૂલ ડેય વીથ નર્મદા મૈયા.તમે બધાં તમારા ગ્રુપ સાથે ફરો એન્ડ રીમેમ્બર આપણે ઓનલી પિકનીક માટે આવ્યા નથી.તમારે બધું જ ધ્યાનથી જોવાનું છે એન્ડ સી ધ પાવર ઓફ નેચર.આપણે ફકત પીકસ લેવા નથી આવ્યા એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.ચાલો ખૂંદી વળીએ નર્મદા તટ.’


સરની વાત સાંભળી માનુષીમાં તો જાણે  નવી ઉર્જા સંચાર થયો.એ તો ત્રણેય બહેનપણીઓ સાથે ઉપડી.એણે ત્રણેયને કહી દીધું કે હું અહીં બપોરે જમવા નથી આવવાની અને આજે તમે કોઈ મને ડીસ્ટર્બ ના કરશો,રોકશો નહી.હું આજે કોઈનું ના માનું. એટલે પેલી ત્રણેય કશું બોલી નહીં માત્ર ડોકું હલાવી સહમતિ આપી.


સરે માનુષીને બોલાવીને કહયું,’માનુષી, બેટા મને ખબર છે તને રેવા પ્રત્યે અનહદ આકર્ષણ છે પણ બેટા ધ્યાનથી હો….આ જંગલ છે….તારી તલ્લીનતા તને કંઈ નુકસાન ન કરે માટે કહું છું. ટેક કેર એન્ડ એન્જોય’.


માનુષી મીઠા સ્મિત સાથે બોલી,’સર રેવા જ મારી છે ,મારી મા છે, તો માની ગોદમાં હું સુરક્ષિત છું. છતાં હું ધ્યાન  રાખીશ. થેંકયું સર’,આટલું બોલી સરને સલામ કરી તે નિકળી પડી.


આજે માનુષીના પગમાં જોમ હતો.સ્નેહા,રુચા ને દિશા એક નવી માનુષીને જોઈ રહયા હતા.કિનારા પર ફરતાં ફરતાં ,આસપાસને જોતાં… એ ચારેય દૂર નિકળી ગયા.પેલી ત્રણ તો થાકી પણ માનુષી….એ તો જાણે પતંગીયુ…..ઊડતી જતી હતી….ત્યાં એક સ્થળે રેવાના પ્રવાહનો સંગીતમય અવાજ સાંભળી માનુષીના પગ અટકયા.તે એકદમ પાણીમાં જઈ નજીકના પથ્થર પર બેસી ગઈ.એના પગ પાણીમાં, હાથમાં પાણી ઉલાળતી અને ખળખળ એ પ્રવાહને જોઈ રહી.


પાછળ ચાલીને થાકેલી પેલી ત્રણેય પરસેવે રેબઝેબ બેસી પડી.સ્નેહા બોલી, ‘એયયયયયયયયયય...દાંડીકૂચના ગાંધી….આટલું ઝડપી તે કંઈ ચાલવું. લાગે છે આ છોકરી આપણા મૃતદેહો રેવામાં વહાવશે….હર હર નર્મદે…..’અને બધાં ખડખડાટ હસી પડયા.


એકાદ કલાક ત્યાં ફરી રીયા બોલી,’યાર મને ભૂખ લાગી છે,ચાલો બસ પાસે જઈએ’.સ્નેહા અને દિશા તો રેડી થઈ ગઈ પણ માનુષી હજી રેવામાં તલ્લીન હતી.સ્નેહા કંઈ બોલવા જતી હતી ત્યાં માનુષી બોલી, ‘હું નહીં આવું, તમે જાવ એન્ડ હું તમને અહીં જ મળીશ.


‘યાર,માનુડી ચાલને’...દિશા થોડા ગુસ્સા ભર્યા સ્વરે બોલી.


‘એ નહીં આવે,જવા દો’,માનુ ટેક કેર,અહીં જ બેસજે અમે આવીએ ત્યાં સુધી’, સ્નેહા જરા સતાવાહી સ્વરે બોલી.


‘હા,જાવ તમેએએએએએએએએએએ’,,માનુષી હાથ હલાવતાં બોલી.


ત્રણેય નિકળી ને માનુષી ત્યાં જ બેસી રહી.શાંત, નિર્મળ, વેગીલો પ્રવાહ એના રકતના પ્રવાહમાં ભળી ગયો હતો જાણે!


ત્યાં જ પાછળથી અવાજ આવ્યો,’મિસ...કલીન…..કેમ છો?’

માનુષીએ પાછળ ફરીને જોયું અને આશ્ચર્યથી બોલી, ‘ઓવવવવ...તમે! મિ.પ્રણય, હું મજામાં. તમે કેમ છો?’


‘બસ,એકદમ મોજમાં,


રેવા રગમાં તો આનંદ મુજમાં’......પ્રણય

બોલ્યો.


પ્રણયનો ઉલ્લાસિત ચહેરા પર પડતો સૂર્ય પ્રકાશ એના ચહેરાને વધુ તેજીલો બનાવતો હતો.એના સ્મિતમાં એક અજબ આકર્ષણ માનુષીએ અનુભવ્યું. એકધારી તે ક્ષણે તે પ્રણયના ચહેરાને જોઈ રહી.આંખો કહેતી હતી ,માનુષી...નજર હટાવ….પણ હદય કહેતું હતું… જોતી બેસ.


ત્યાં પ્રણય બોલ્યો, ‘યુ નોવ માનુષી નેચર એ એક શક્તિ છે ને તેમાંય રેવાનો આ પ્રવાહ મારામાં ઊર્જા સંચાર કરે છે.અહીં બેસી મને લાગે છે કે આઈ એમ ધ રીચેસ્ટ પર્સન’.એમ બોલી એણે  આખા આકાશને હાથમાં સમેટી લેશે એમ હાથ ફેલાવ્યા.


પછી અચાનક બોલ્યો,  ‘માનુષી,પેલી પર્વતમાળા દેખાય છે ને,ત્યાં વચ્ચેથી જે પ્રવાહ જાય એ તો….આ...હ…..અદભૂત’,જોયો છે તમે?


ના,પણ મારે જોવો છે,મને બતાવશો?પ્લીઝ, માનુષી બોલી.


‘ચાલો,તો…..ઉપાડો પગ અને હા !થકના મના હૈ’,જો થાકશો નહીં તો ઘણું બધું બતાવી શકું એમ છું,’પ્રણય બોલ્યો.એની વાતોમાં અજબનો આત્મવિશ્વાસ હતો અને સૌથી મોટી વાત માનુષીને તેનો બિલકુલ ડર નો તો લાગતો.


માનુષી ચાલી નીકળી પ્રણય સાથે રેવાની સફરે.ભૂલી ગઈ સખીઓને,એ પણ ભૂલી કે પોતે સાવ અજાણ્યા વ્યક્તિ સાથે જઈ રહી છે.મનમાં જ વિચારી રહી કે કેમ પ્રણય એને અજનબી નથી લાગતો.ચાલતાં ચાલતાં પ્રણય એને ગાઈડ કરી રહયો હતો.


વૃક્ષો, પશુ-પક્ષીનાં અવાજો,આસપાસની લીલોતરી, ડુંગરોની હારમાળા અને આડીઅવડી-,વાંકીચૂકી પણ મજાની કેડીઓ.માનુષીને એક અલગ જ દુનિયામાં આવી ગયાનો અનુભવ થયો.


વચ્ચે વચ્ચે ચાલતા જોખમી રસ્તે પ્રણય માનુષીને કહેતો, ‘જો,જો,માનુષી...ધ્યાનથી’.બે વાર તો એણે માનુષીની આંગળી પકડી ને ચલાવી અને એટલી જ તીવ્રતાથી છોડી પણ દીધી.


માનુષી તો જાણે એના કલ્પનાના વિશ્વમાં પહોંચી ગઈ’ તી.એ પ્રશ્ન પૂછતી ગઈ અને પ્રણય જવાબ આપતો ગયો. પ્રણયની વાતોમાં એની સરળતા,સહજતા અને નિખાલસતા છતી થતી હતી.એના શબ્દોમાં ગજબ તાકાત હતી.વર્ણનશક્તિ એટલી અદભૂત કે માનુષીનું મન મોહી ગયું. વળી,પ્રણયનો વજનદાર અવાજ અને તેની કાળજી રાખવાની રીતે માનુષીની અંદર હલચલ કરી રહી હતી.આખર બંને પહોંચી ગયા.ખરેખર અદભૂત દ્રશ્ય! જાણે કે આજ સ્વર્ગ લોક.


એકતરફ ડુંગરોની હારમાળા, બીજી તરફ વહેતી રેવાનો જળસંચાર,ઝૂમતા તરુઓ,આહલાદક પવન અને લીલોતરી ભર્યું ચોપાસ….જાણે કે એક સ્વપ્ન!


માનુષી ધબાક કરતી રેવાના તટે બેસી પડી.મોં પાણીમાં ઝબોળ્યું ને હાથની આંગળીઓથી સિતાર વગાડતી હોય એમ પાણીમાં ક્રીડા કરવા માંડી.એના ચહેરા પર સોનેરી સ્મિત હતું અને ભારોભાર કંઈક પામ્યાનો સંતોષ.


એની રેવામાં તલ્લીન થતી જોઈ પ્રણય જાતને રોકી ના શકયો.એકધારો એ માનુષીને જોતો રહયો.એની હરકતો પ્રણયના મનમાં ઘર કરતી જતી હતી.


એટલે માનુષીએ પ્રણય પર નજર કરી ને જીભ કાઢતી બોલી,’ઓહ! સોરી આ રેવા માવડીને લીધે હું તમને ભૂલી ગઈ.આવો બેસો’.


પ્રણય એની બાજુમાં બેઠો ને બોલ્યો,’કયાંક તો વ્યક્તિએ બધું ભૂલીને બેસવું જોઈએ. સારી વાત કહેવાય એ.તમે બહુ મજાના છો માનુષી.’


‘ને તમે ખૂબ ગૂઢ અને સમજદાર, પૂર્ણ પ્રકૃતિ પ્રેમી...મારી જેમ..પ્રણય, માનુષી એક મીઠા સ્મિત સાથે બોલી.


‘હા ,છું પ્રકૃતિપ્રેમી…. ને તેમાંય આ રેવાનું મને ગજબ આકર્ષણ છે,હું દર વર્ષે અહીં આવું છું. મને બહુ ગમે છે અહીં અને પોતીકાપણું લાગે છે અહીંની હવામાં’,ખૂબ જ આત્મીય સ્વરમાં પ્રણય બોલ્યો.


‘એ તો લાગી રહયું છે મને’,મને પણ બહુ ગમે કુદરતનો ખોળો, ખરી દુનિયા તો એ જ છે’,માનુષી પ્રણય તરફ એકધારું જોતા બોલી.


ત્યાં તો પાછળથી અવાજ સંભળાયો, ‘એ ય માનુડી, બુધ્ધિ વગરની,બેદરકાર… કંઈ ભાન છે તને .કેટલા વાગ્યા,સમયનું ભાન નથી તને બિલકુલ,અમારો જીવ નિકળી ગયો ?કયારનાં શોધીએ છીએ તને.’ દિશા ગુસ્સામાં બોલી.


ત્રણેય માનુષી પર તૂટી પડી અને તેમાય પ્રણયને જોતાં ડોળા કાઢી  સ્નેહા બોલી,એ ય મિ.કોણ છો તમે અને તમે માનુષીને અહીં લાવ્યા?


વચ્ચે માનુષી બોલી,’ફ્રેન્ડસ,બસ ….બસ.હું કાન પકડું છું. માફ કરો મને.બટ એમને કાંઈ ના કહેશો.એ લાવ્યા નથી.હું એમની જોડે આવી છું.


બધાં બે સેકન્ડ માટે શાંત થઈ ગયા અને એકબીજા તરફ જોવા લાગ્યા એટલે પ્રણય બોલ્યો,’લીટસન ગર્લ્સ, આઈ એમ પ્રણય….પ્રણય મહેતા ફ્રોમ સુરત.મે જસ્ટ એમ.એસ.સી કમ્પ્લીટ કર્યું છે.હું પ્રવાસનો શોખીન છું અને દર વર્ષે અહીં આવું છું. આટલી માહિતિ ઈનફ છે કે એડ્રેસ અને બીજા પ્રૂફ આપુ.સી...માય પેરેન્ટ્સ….એમ કરી પ્રણયે પોતાના મમ્મી -પપ્પા અને બહેનોના પીકસ બતાવ્યા.


પ્રણયની નિખાલસતા જોઈ ત્રણેય જણ શાંત થઈ. હવે એમને વિશ્વાસ બેઠો.સ્નેહા હજી ગુસ્સામાં હતી.તેણે તીરછી  નજર કરી માનુષી તરફ જોતાં કહયું, ‘ઈટસ ટુ લેટ,ચાલો બસ તરફ.’


‘હા ચાલો,માનુષી બોલી...ને ત્રણેય પ્રણયને બાય કહી ચાલવા લાગી.


માનુષી પ્રણય પાસે જઈ ઉભી રહી.બે મિનિટ બંને એકબીજાને જોતાં રહયાં .પછી માનુષી બોલી,’ પ્રણય થેંકયું સો મચ.મારા જીવનનો આ સૌથી યાદગાર દિવસ છે.આ જન્મની ચિર આનંદદાયી સ્મૃતિ, મધુરું સંભારણું. તમારો ઉપકાર કદી ના ભૂલીશ.’

 

‘અરે,મને પણ જોરદાર કંપની મળીને,મારા જેવું કોઈ છે,એ ખબર તો પડી.થેંકસ ટુ યુ માનુષી.જાવ ફરી મળીશું.લેટ થાય છે, પ્રણય સ્મિત કરતો બોલ્યો.


માનુષીના પગે ઉપડવાની ના પાડી.પણ એ ચાલી નીકળી.પ્રણય ત્યાં જ ઊભો રહી ગયો.બંનેની આંખની કોરમાં મોતીબિંદુ ઝળકયા.


થોડું ચાલી માનુષી ઉભી રહી ગઈ ને પ્રણયનું હૈયું જોરથી ધબકી ઉઠયું. પાછળ ફરી માનુષીએ પ્રણયને કહયું…..પ્રણય તમારો નંબર તો આપો અને પ્રણય એકશ્વાસમાં પોતાનો નંબર બોલી ગયો.


માનુષીએ પ્રણયને કોલ કર્યો તરત ને ફોન ઊંચે કરી ઈશારો કર્યો.પ્રણયે ડોકું હલાવી દીધું. ચાલતા ચાલતા પહેલો મેસેજ કર્યો….જય શ્રી કૃષ્ણ પ્રણય…..પ્રણયનો જવાબ આવ્યો….જય શ્રી કૃષ્ણ માનુષી.ફરી માનુષીએ પ્રણય તરફ જોયું અને પ્રણય હળવાં સ્મિત સાથે એને જોતો રહયો.


બસ પાસે પહોંચ્યા તો બધા માનુષી અને એની ટીમની રાહ જોતાં હતા.માનુષીને જોઈ એટલે આર્યા બોલી,’લો આવ્યા રેવાના રાજકુમારી,આવો..આવો..સ્વાગતમ...હજી તો માત્ર ૭.૩૦ થઈ છે.


ત્યાં કૃતિકા બોલી,’૧૦.૦૦વાગ્યે જ આવવું જોઈએ ને.શા માટે આટલા વહેલા?’


એટલામાં સર બોલ્યાં, ચાલો..બધાં બસમાં.માનુષી કંઈ બોલી નહીં બસ હસતી રહી.હંમેશાં ધમાલ કરતી માનુષી આજ ચુપ હતી.એને જોઈ સ્નેહા,દિશા અને રીયા તો ભારે આશ્ચર્યમાં હતા.


બસ હોટલ પર પહોંચી. બધા ફ્રેશ થવા લાગ્યા કે માનુષીના મોબાઈલ પર મેસેજ આવ્યો, ‘પહોંચી ગયા?’


મેસેજ જોઈ માનુષી રોમાંચિત થઈ ગઈ અને લખ્યું, ‘હા’,તમે શું કરો છો?


‘બસ બેઠો છું. આજનો દિવસ બહુ આનંદમય રહયો હ...ને?’

પ્રણયે રીપ્લાય કર્યો.


‘હા,ખૂબ જ,કદી ના ભૂલીશ આ અનુભવ.થેંકસ પ્રણય,’માનુષીએ બે સ્માઈલી મોકલ્યા.


‘ઓકે.ચાલો ગેટ ફ્રેશ.હું પણ ફ્રેશ થઈ જાઉં’,એક સ્માઈલી સાથે.


પછી માનુષીએ રીપ્લાય ના આપ્યો.બસ હાથમાં મોબાઈલ લઈ પ્રણયના ડીપીને જોતી બેઠી.


બધાં એ ફ્રેશ થઈ જમી લીધું. સ્નેહા હજી ગુસ્સે હતી.માનુષીએ એની પાસે જઈ હાથમાં હાથ ભરાવી કહયું….,’સોરી સ્નેહા’.


ને સ્નેહા તૂટી પડી એના પર,’ તને ભાન છે.આજનો જમાનો કેટલો ખરાબ છે,ને આવા અજાણ્યા વિસ્તારમાં ,અજાણ્યા માણસ સાથે ફરવું…..માનુડી...તું તરત વિશ્વાસ મૂકી દે છે વ્યક્તિ પર.એ ઠીક નથી.


‘હા સ્નેહા,યુ આર રાઈટ,બટ હી ઈઝ એન એન્જલ,રેવાએ મોકલેલો દૂત છે,મને વિશ્વાસ છે એના પર ,મારી રેવા પર.


ને થોડીવાર રૂમમાં સન્નાટો છવાઈ ગયો.રીયા ધીમેથી બોલી,માનુ તારી વાત સાચી બટ ટેક કેર યાર’.દિશા આજે કંઈ બોલી નહીં તેને માનુષીનો હાથ હાથમાં લીધો ને જાણે સાચવીને યાર….એમ કહેતી હોય એમ દબાવ્યો.


એ બધીના ચહેરા જોઈ માનુષીની આંખ છલકાઈ ને બોલી, ‘થેંક ગોડ ફોર ધીસ લવલી પીપલ.તમે ચિંતા ના કરો,હું ધ્યાન રાખીશ ફ્રેન્ડસ.ચાલો,સૂઈ જાવ.’


બધાં પથારીમાં પડયાને માનુષી ડાયરી લખવા માંડી.આજે પૂરો એક કલાક થયો લખતાં ને જેવી બારી બંધ કરવા જાય છે ત્યાં બહાર નજર પડે છે….કાલે જયાં એ પ્રણય સાથે ઉભી હતી ત્યાં કોઈની હિલચાલ દેખાય છે.મોબાઈલની બેટરીનો પ્રકાશ દેખાય છે…


એ વિચારે છે પ્રણય તો…..?અને ફટાફટ ફોન ઉપાડી મેસેજ કરે છે,


‘પ્રણય બહાર છો?’


તરત જ રીપ્લાય આવે છે, હા !છું. સાચું  કઉં તમારી રાહ જોતો તો પણ હવે ના આવશો,પ્લીઝ,બહુ લેટ થયું છે,ગુડ નાઈટ,જય શ્રી કૃષ્ણ.


‘ જય શ્રી કૃષ્ણ’ આટલું લખી એ બેટરીના પ્રકાશને જતો જુએ છે અને પથારીમાં પડે છે.આજના દ્વશ્યની મધુર સ્મૃતિ એના અંગ અંગને પુલકિત કરી રહી છે.બધું જ વાગોળતાં વાગોળતાં એ સૂઈ જાય છે.



બીજે દિવસે સવારે રેડી થઈ જાય છે અને બ્રેકફાસ્ટ કરી બસમાં બેસે છે.માનુષી મેસેજ જુએ છે ને એના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.સવારે ૬.૦૦  વાગ્યામાં ગુડ મોર્નિંગ રેવાકુંવરી, એવો મેસેજ હતો અને ૮.૦૦ વાગ્યે માનુષી ગુડમોર્નિગ નર્મદકુંવર એવો મેસેજ કરે છે.


એટલામાં સર આવે છે અને કહે છે,’ગર્લ્સ  આજે આપણે રેવામાંથી ઊર્જા ઉત્પાદન અને ડીસ્ટરીબ્યુસન અંગે જાણકારી લઈશું’.એટલે માનુષી તરત પ્રણયને મેસેજ કરી જણાવે છે.


પણ પ્રણયનો કોઈ રીપ્લાય નથી આવતો.હશે કંઈ કામમાં એમ વિચારી માનુષીએ ફોન મૂકી દીધો પણ એનું મન બેચેન હતું. બપોર સુધીમાં વારંવાર એણે ફોન ચેક કર્યો.વિચાર પણ કર્યો કે કોલ કરું પણ હિંમત ના ચાલી.ઊર્જા ઉત્પાદન બપોર સુધીમાં જોઈ લીધા બાદ ફરી મૂકત પ્રવાસની તક મળી.


માનુષી દોડતી સર પાસે પહોંચી અને બોલી ,’સર રેવા તીરેના લોકોને મળીએ,એમના વિચાર જાણીએ,ઘરો જોઈએ તો કેવું?


સરે તરત જ મંજુરી આપી અને ડ્રાઈવરને કહી બસ તટના ગામ તરફ હંકારી. આજે માનુષીના મનમાં આનંદની સાથે એક અજીબ ચહલપહલ હતી.બસમાં બધાં વાતો કરતાં હતા પણ એ થોડી બેધ્યાન હતી.એટલામાં ફોન રણકયો.નામ જોતાં માનુષી ચોંકી…..પ્રણય.


પહેલાં તો ગુસ્સો આવ્યો તો એક રીંગ પૂરી થઈ ત્યાં સુધી ફોન ન ઉપાડયો ફોન.બીજી વાર રીંગ શરુ થઈ તો સ્નેહા બોલી,માનુડી બહેરી છે કે શું તારો ફોન વાગે છે,બારીની બહાર જોવા સાથે બસની અંદર પણ ધ્યાન આપ.ઉપાડ…..ઘરથી હશે.


માનુષીએ ફોન ઉપાડયો અને એ હેલો બોલે તે પહેલાં પ્રણય બોલ્યો,સોરી માનુષી, તમારા મેસેજનો રીપ્લાય ના અપાયો.મારી જોડે આવેલા મારા મિત્રની તબિયત બગડી છે તો એને હોસ્પિટલમાં એડમીટ કરવો પડયો સો...બીઝી થઈ ગયો હતો. આઈ એમ રીયલી વેરી સોરી.હાલ ફ્રી થયો ને તમને તરત કોલ કર્યો.એકશ્વાસમાં પ્રણય બોલ્યો.


માનુષી થોડી ઢીલી પડીને ધીમેથી બોલી,’ઈટસ ઓકે,ટેક કેર,તમે જમ્યા કે એમ જ છો’?


‘હા, જમ્યો.તમે કયાં છો હાલ,શું જોઈ રહયા છો,’પ્રણયે પૂછયું.


‘અમે હાલ રેવા તટના કોઈ ગામની મૂલાકાત કરવાનું  વિચાર્યુ છે એન્ડ આજ લાસ્ટ ડેય છે.કાલે અમે ઘેર રીટર્ન જઈએ છીએ.’

‘ઓકે,શું સાંજે મળી શકશો?’  પ્રણયે થોડું સંકોચાતા પૂછયું.


‘હા’,માનુષીએ વગર વિચાર્યે જવાબ આપી દીધો .બે સેકન્ડ બંને છેડે મૌન છવાયું.


પછી બાય એન્ડ ટેક કેર કરી ફોન મૂકી દીધો.માનુષીને અંદરથી હાશ થઈ ને આ તરફ પ્રણયને પણ સંતોષ થયો.ફોન મૂકયા બાદ માનુષી પૂરેપૂરી ઉત્સાહમાં આવી.બધાંની વાતોમાં જોડાઈ.


થોડાં ઘર દેખાતા સરે બસ ઉભી રખાવી.બધાં નીચે ઉતર્યા. ગામ,ઘર અને ત્યાંના લોકો સાથે વાત કરતાં એટલું તો પાકકું જણાયું કે રેવાતટના લોકોની મા નર્મદા પર અપાર શ્રદ્ધા છે અથવા એમ પણ કહી શકાય કે અંધ એવી શ્રદ્ધા.રેવા જ એમનું સર્વસ્વ.  એ જ ઈષ્ટ,ઉપાસ્ય એ જને એની જ ઉપાસના.માનુષી તો ખૂબ જ આશ્ચર્યચકિત હતી ગામલોકોની વાતો સાંભળી.


સાંજ ઢળવા આવી એટલે સરે બધાને બસમાં બેસવા કહયું. આજે બધી છોકરીઓ ખૂબ ઉત્સાહિત હતી. ટ્રીપનો છેલ્લો દિવસ અને આમ મૂકત વિચરણની મજા એ બધી છોકરીઓના ચહેરા પર દેખાતી હતી.બધાં બસમાં ગીતો ગાતાં હતા ને માનુષીએ પોતાનું પ્રિય ગીત લલકાર્યું ને બધાએ કોરસમાં જોડાઈ એને વધાવી લીધું…..’કેવું મીઠડું દર્દ થાય હૈયામાં….તું યાદ આવેને મારા  વાલમ …..આ ..આ.. આ.. આ……..’


બસ આખરે ઉતારે પહોંચી.સંધ્યાનો પાલવ પકડીને નિશારાણી આવી ગયા હતાં. માનુષી આજે ફટાફટ બાથરૂમમાં પહોંચી. ફ્રેશ થઈ,નવો ડ્રેસ પહેરી રેડી થઈ ગઈ.

એને જોઈ દિશા બોલી, ‘વાહ મારી લાલ પરી! આટલા તૈયાર થઇનેકયાં જવાના છો,બસમાં આ પહેરી સૂવાના છો?સપનામાં કોઈને એપોઇન્ટમેન્ટ આપી છે?


માનુષી કંઈ બોલે તે પહેલાં રીયા બોલી,’સાચું બોલજે ને વારંવાર બારી બહાર ડોકાં કેમ તાણે છે?


માનુષી બેડ પર ચડી ગઈ ને હવે સ્નેહા બોલે તે પહેલાં જોરથી બોલી, ‘ લીટસ્ન બેબસ ,શાંતિથી મારી વાત સાંભળો.હું પ્રણયને મળવા જઈ રહી છું. જસ્ટ બીકોઝ મારે એમને થેંકસ કેવું છે.અને હા જમવાનું શરૂ થાય એ પહેલાં હું આવી જઈશ.આપણા રૂમની સામે જ છું. તમે મને અહીંથી પણ જોઈ શકશો.સો પ્લીઝ ડોન્ટ બી પેનિક.તમે ના પાડશો તો પણ હું જઈશ.’


ત્રણેય માનુષીને જોતી રહી.કંઈ બોલે તે પહેલાં માનુષી રૂમની બહાર નીકળી ગઈ ને ફટાફટ ચાલવા મંડી.તે રેવા કિનારાના  પથ્થર પાસે પહોંચી એટલે પ્રણય પણ આવી ગયો.બંને બહુ ખુશ હતા.


પ્રણયે કહયું,’સો….લાસ્ટ ડેય એમ ને માનુષી.તમને ખબર છે આપણે કાલે જોયેલું એવા બીજા ઘણાં બધાં પ્લેસ છે.જયાં તમને એમ જ થાય કે ત્યાં જ રહી જાઉં.નર્મદાના અનેક રૂપો છે માનુષી.’


‘ઓ...હ...હું એ બધાં જોઈ ન શકી.અફસોસ…..તમે પણ લેટ મળ્યા.બટ થેકયું….કાલનો અનુભવ...અનુભવ નહીં અનુભૂતિ… ખૂબ જ સુખદ.આજન્મ યાદ રહે એવી.તમે બેસ્ટ ગાઈડ છો અને ખૂબ જ કેરીંગ પણ ...પ્રણય’, હળવા સ્મિત સાથે માનુષી બોલી.


‘ઓ...હ...આભાર.બેસ્ટ કોમ્પ્લીમેન્ટ ફોર મી.પણ તમે પણ બહુ જ મજાના છો માનુષી.પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જાવ છો. લો,આ તમારા માટે ‘,એમ કહી પ્રણયે એક કવર માનુષી ને આપ્યું.


ના,ના...હું કોઈ ગીફ્ટ લઈ ના શકું .પ્લીઝ...સોરી...માનુષી ખચકાતાં બોલી.


અરે!જુઓ તો ખરા શું છે,કોઈ પ્રપોઝલ લેટર કે ગોલ્ડન રીંગ નથી….હા...હા...હા….ખડખડાટ હસતાં પ્રણય બોલ્યો.


માનુષીએ કવર ખોલતાં અંદરથી પેન ડ્રાઈવ નીકળી.એણે આશ્ચર્ય સાથે પ્રણય તરફ જોયું .


‘માનુષી આમાં મા રેવાનાં મે લીધેલા પીકસ અને થોડી માહિતી છે ,જે મે જાતે અનુભવી તે છે.તમને રેવા ગમે છે એટલે આપું છું.બાકી કોઈને આપતો શું… હું બતાવતો ય નથી’…..પ્રણય બોલ્યો.


ઓવવવવવ….. થેંકસ પ્રણય.હું તમારો આ ઉપકાર કદી નહીં ભૂલું.હું જયારે પ્રોજેકટ લખીશ ત્યારે આ બધાનો ઉલ્લેખ કરીશ.મને કંઈ જાણવું હોય તો હું તમને કોલ કરી શકું ને?માનુષીએ પૂછયું.


‘એની ટાઈમ માનુષી.હું જે ખબર હશે ,જે માહિતી હશે તે આપીશ,પ્રણયે ઉત્સાહમાં કહયું.


પ્રણય..તમે કેટલા સારા છો.તમારી ફેમિલીમાં કોણ કોણ છે?માનુષીએ ઉતાવળા સ્વરે પૂછયું.


પછી શું… માનુષીના આ એક સવાલથી જાણે સ્નેહ મિલન સર્જાયું. વારાફરતી બંને જણા પોતાના પરિવારના લોકોની ખાસિયતો,સ્વભાવ અને ટેવોનું વર્ણન કરવા લાગ્યાં. બંનેની વાતો પરથી એ તો ખ્યાલ આવી ગયો કે બંને ખૂબ જ સંસ્કારી ઘરનાં છોકરા છે.એમના પરિવાર વચ્ચે ખૂબ આત્મીયતા છે અને બંનેને પોતાના પરિવારના ખૂબ જ પ્રિય અને લાડકા બાળકો છે.


જયારે પ્રણય એના ઘરનાં વિશે વાત કરતો હતો ત્યારે માનુષી એનાં ચહેરા પર છલકાતાં ઉમંગને ,આત્મીય ભાવને જોઈ શકતી હતી અને જયારે માનુષી પોતાના પરિવારની વાત કરતી હતી ત્યારે પ્રણય એમાં સંપૂર્ણ વાત્સલ્ય, એકાત્મતા અનુભવી રહયો હતો.બંનેના ઘરમાં પ્રધાન હતું ...એકમેક માટે જીવવું ,નિ:સ્વાર્થ પ્રેમ અને નિખાલસતા.બંને વાતોમાં ગળાડૂબ હતા.

ત્યાં માનુષીનો ફોન રણકયો.


માનુષીએ ફોન કટ કરી મેસેજ ટાઈમ કર્યો, ‘આવું છું’.ને પ્રણય તરફ જોયું.


પ્રણય બોલ્યો,’જવાનો સમય થઈ ગયો ને માનુષી.જાવ...ભલે.કોલ અને મેસેજ દ્વારા મળશું. તમારું ધ્યાન રાખજો...હો….એનો સ્વર ભીનો થયો.


માનુષી તો કંઈ પણ બોલી ના શકી.ભારે હદયે ઉભી થઈ. એક નજર પ્રણયના ચહેરા તરફ એકધારું જોયું ને પછી હાથ હલાવી ચાલવા માંડી.પગ ઉપડતા નો ‘તા ને કંઈ છૂટી ગયુંનો ભાવ થતો હતો.પ્રણયની પણ એ જ હાલત હતી.એને થતું હતું કે  માનુષીને અટકાવું,ના જવા દઉં પણ એ સાવ ચુપ થઈ ગયો,કશું જ બોલવાની હાલતમાં બંને જણા ના હતાં. પણ બોલ્યાં આંખોના આસું. બંનેની આંખોમાંથી દળદળ આંસુડા પડવા લાગ્યા અને માનુષીએ પ્રણય તરફ જોયું નહીં કે એને ખબર પડે અને પ્રણય ફટાફટ રૂમાલથી આંસુ સાફ કરતો ગયો.રૂમ પાસે પહોંચી માનુષી રોકી ના શકી અને ફરીને પ્રણય તરફ જોયું. પ્રણયે હાથ હલાવી… બાય કર્યું અને ત્યાંથી ફટાફટ ઉઠી ચાલવા માંડયો.


કદાચ આજે બંને પોતાના ભાવને રોકી શકયા નહીં અને એ ભાવ આંસુ રૂપે વહેતો હતો.સ્નેહા, દિશા ને રીયા તો ગભરાઈ ગઈ.માનુષીને વીંટળાઈ ગઈ ને પૂછવા લાગી કે શું થયું? સ્નેહા તો એટલી ગુસ્સામાં હતી કે બોલી, ‘શું કીધું એણે તને,હું એની ખબર કાઢું છું. બોલ માનુડી, બોલ તો….’


માનુષી શાંત થઈ બોલી, ‘પ્લીઝ દોસ્તો સાંભળો એમણે મને કંઈ નથી કીધું બટ તમારો મેસેજ આવ્યો ને હું નીકળી તો આપમેળે મને આંસુ પડવા લાગ્યા,કસમથી કઉં છું .’


‘યાર...તું બહુ સેન્ટી છે,કોઈ પણ સાથે એટેચ થઈ જાય છે,કાલે પેલા ઘરડા બાપાને જોઈ ઈમોશનલ થઈ ગઈ’ તી ને આજે….. આ પ્રણયને,માનુષી બી પ્રેકટીકલ.’દિશા સતાવાહી સ્વરે બોલી.


બધું અટકાવતાં રીયા બોલી ‘ઓકે...ઓકે... લેટસ ગો.જમી લઈએ,પેંકિગ કરીએ,આપણે કલાકમાં નિકળવાનું છે,કમોન ,ચાલ,માનુ ઉભી થા’રીયા એનો હાથ પકડતાં બોલી.


પછી એ ચારેય નીકળી.આજે માનુષીને જમવાનું ગમતું નો ‘તું પણ એ જમી રહી હતી.પેલી ત્રણેય એને વાતમાં પાડી દઈ ફ્રેશ કરવા પર હતી.


એટલામાં સર બોલ્યા,ગર્લ્સ એક કલાકમાં રેડી થઈ આવો.આપણે નીકળીશું.એકદમ એડવેન્ચરીયસ ટ્રીપ રહી.વેલ ડન ગર્લ્સ.


બધી છોકરીઓએ તાળી પાડી સરને વધાવી લીધા.પછી રૂમ પર પહોંચી પેંકિગ શરૂ થયું. માનુષીએ પ્રણયને મેસેજ કર્યો, ‘અમે એક કલાકમાં નિકળીએ છીએ.’


પ્રણય કદાચ હાથમાં જ મોબાઈલ લઈ બેઠો હશે તો એનો રીપ્લાય આવ્યો, ‘ઓકે….બાય માનુષી .ટેક કેર.હું પણ કાલે બેક ટુ હોમ.ધેર ઈઝ અ ગ્રેટ ટાઈમ વીથ યુ.


‘હમમમ, આઈ ફીલ ફૂલનેસ,થેંકસ ટુ યુ ,બાય,માનુષીએ મેસેજ કર્યો અને શાંત બની બારી બહાર જોતી બેઠી.


એટલે સ્નેહા બોલી,અરે !ચાલો માતાઓ.ટાઈમ થઈ ગયો છે.

બધાં બસ તરફ ચાલ્યાં.


માનુષી ફરી બારી પાસે ગોઠવાઈ. બધાએ હલ્લો બોલાવ્યો.માનુષીએ જોયું પ્રણય સામે ખૂણામાં ઉભો હતો અને મીઠડી સ્માઈલ આપી રહયો હતો.માનુષીના ચહેરા પર ચમક આવી ગઈ.બંને એકધારા એકમેકને જોતાં હતા.બસ ઉપડી ને ફરી હલ્લો….માનુષીએ હાથ હલાવ્યો ને પ્રણયે સામે સલામની મુદ્રા કરી બાય કહયું. ફરી બંનેની આંખમાં પાણી ભરાયા.એકબીજાને દેખાય ત્યાં સુધી બંને એકબીજાને  જોતાં રહયા.


તરત માનુષીના મોબાઈલ પર મેસેજ આવ્યો,’બાય માનુષી, ટેક કેર.’


માનુષીએ જવાબમાં લખ્યું, ‘યુ ઓલ્સો,ફરી જરૂર મળીશું પ્રણય.બબાય.’


રાતે અવારનવાર એકબીજાને મેસેજ કરતાં રહયા.મળસકે માનુષી ઘરે પહોંચી. તે ખૂબ ખુશ હતી.એના મમ્મી-પપ્પા અને ભાઈ બહેન એને જોઈ હરખાઈ ગયા.માનુષી દોડતી જઈ પપ્પાને વળગી પડી.એટલે મમ્મી બોલી,’હા ભાઈ પપ્પાની લાડકી….અમારા તરફ તો બેનબા જોતાં ય નથી.’


અરે!ના મમ્મી. મેં તમને બધાને બહુ મિસ કર્યા. મને બહુ મજા આવી.


એટલે એનો નાનો  ભાઈ બોલ્યો,’એ તો દીદુ તારા ચહેરા પર દેખાય છે.પપ્પા હવે આપણે બધાં જઈશુ...હ...ને?’


‘હા,બેટા...જરૂર જોઈશું. જા માનુ તું  સૂઈ જા.ફ્રેશ થઈ જશે,પપ્પાએ માનુષીના માથે હાથ ફેરવી કહયું.


‘હા,પાપા’ એમ બોલી માનુષી મમ્મીનો હાથ પકડીને રૂમ તરફ ગઈ.રૂમમાં પહોંચી પ્રણયને મેસેજ કર્યો….એટ હોમ.


તરત જ પ્રણયનો મેસેજ આવ્યો, ગ્રેટ...હું પણ ઘરે જવા નિકળ્યો.બેટરી લોવ છે .સો ફોન કદાચ બંધ થઈ જશે.


‘ઓકે,ધ્યાનથી જજો,ઘરે પહોંચી મેસેજ કરજો.’એમ લખી ફોન મૂકી બેડ પર પડી તો સૂઈ ગઈ.


આ તરફ પ્રણય ઘેર જવા નીક્ળયો.દર વર્ષે તે નર્મદા તટે આવતો પણ આ વખતેનો ઉત્સાહ કંઈક અલગ હતો.તે મનથી ખૂબ ખુશ હતો.


પ્રણય આમ તો એડવેન્ચરીયસ પર્સન બાળપણથી જ.તેમાં ઘરનાનો સપોર્ટ એટલે એના પ્રવાસ અને નવા અખતરાને વધુ વેગ મળતો.વળી તે ઘણો જ સોશિયલ હતો.સામાજિક સંસ્થાઓ સાથે તે ઘણી નાની ઉંમરમાં જોડાઈ ગયો હતો.તેની આ સેવાભાવના જોઈ એના મમ્મી-પપ્પા અને બહેનોને બહુ આનંદ થતો અને ગર્વ પણ.કોઈનીય મદદ કરવાની હોય તો તે અચૂક તૈયાર રહેતો.તેથી એનું મિત્રવર્તુળ મોટું હતું.ભગવાને બુધ્ધિ પણ એટલી જ આપી અને મનોવૈજ્ઞાનિક અભિગમ પણ.વ્યકિતના ચહેરા અને એની વાતો પરથી એ તેમને સમજી જતો. પોતાની આટલી યંગ એજ છતાં તે નું યૌવન સાહસી હતું, સ્વછંદી નહીં. એટલે જ તે બધાના હદયમાં ઘર કરી લેતો.ટૂંકમાં એમ કહી શકાય કે તે એક હીરો જ હતો.સાચો હીરો.


તે ઘરે પહોંચ્યો તો તેના મમ્મીએ હસતાં ચહેરે તેને વેલકમ કર્યું.પપ્પા તો ખૂબ ખુશ થઈ બોલ્યા,’આવી ગયો બેટા,સો ટકા તને આ વખતે ખૂબ મજા આવી છે,તારો ચહેરો કહે છે.’


‘હા,પપ્પા, ખરેખર, ખૂબ મજા આવી.મેં તમને બધાને ખૂબ યાદ કર્યા.એમ બોલતાં એણે ફોન ચાર્જિગમાં મૂકયો ને મેસેજ કર્યો……. રીચર્ડ.’


એટલે પ્રણયની મમ્મી બોલી,  બેટા જા તું આરામ કર.હું નાસ્તો રેડી કરી તને બોલાવું.


‘હા..ભલે’...એમ બોલી તે રૂમમાં ગયો.બેડ પર પડયો ને આંખો બંધ કરી તો આંખ સામે માનુષીનો ચહેરો આવ્યો તો સફાળો ઉભો થઈ ગયો અને એકલો હસી પડયો.


સાંજે પ્રણયે માનુષી સાથે વાત કરી.એ હસતાં હસતાં વાત કરતા હતા તો પ્રણયના મમ્મી અને માનુષીના પપ્પા જોઈ ગયા.બંનેએ લગભગ એક કલાક વાત કરી.ત્રણ-ચાર દિવસ તેઓ કલાકો સુધી વાત કરતાં રહયા.મેસેજ પણ.એક દિવસ

માનુષી જેવી રૂમમાંથી બહાર નીકળી તો સામે પપ્પાને જોઈ થોડી સંકોચાઈ. તો પપ્પા તરત બોલ્યા,કંઈ સંકોચાવા જેવું છે?


માનુષી પપ્પાનો ઈશારો સમજી ને એમને હાથ પકડીને ગાર્ડન માં લઈ ગઈ.બધી વાત કરી.પપ્પા એ શાંતિથી સાંભળીને કહયું. બેટા ,તારી યંગ એજ છે,આ ઉંમર સંબંધો પર વિચાર કરી નિર્ણય લેવાની છે.દરેક સંબંધને સમય આપવો જરૂરી છે. તો જ તે સમજાય.તું ખૂબ સમજદાર છે.વિચારજે….


માનુષીને  પપ્પાની વાત સાચી લાગી અને તેણે મનમાં કંઈ નકકી કર્યું.


આ તરફ પ્રણયે ફોન મૂકયો કે તરત જ મમ્મીએ પૂછયું, બેટા કોઈ નવી ફ્રેન્ડ છે?લાગે છે ખૂબ નજીક છે તારી.પ્રણયે મમ્મીને હાથ પકડી બેસાડી બધી વાત કરી.તો મમ્મી બોલી,’બેટા આમ તો મારે તને વધુ કંઈ કહેવાની જરૂર નથી પણ આ ઉંમરે નવા સંબંધને વિચારીને સ્વીકારવો.


‘હા ,મમ્મી ‘કહી પ્રણય ઘરની બહાર બાઈક લઈને નિક્ળયો.


આ તરફ માનુષી એ વિચાર્યું કે સાચી વાત છે પપ્પાની. મને ફકત એટરેકશન છે.સો મારે મારી જાતને સંભાળવી પડશે. એણે બે દિવસ પ્રણય સાથે વાત ના કરી.મેસેજના ટૂંકમાં જવાબ આપ્યા.પણ એને આવું કરતાં અપાર દુઃખ થયું.


પ્રણયને માનુષીનું વર્તન અજીબ તો લાગ્યું પણ હશે કંઈક કામમાં એમ વિચારી એણે લેટ ગો કર્યું. પણ એને બિલકુલ ગમ્યું નહીં. આમ કરતાં એક વીક થયું. પછી પ્રણયે નકકી કર્યું કે એ માનુષીને કોલ કે મેસેજ નહીં કરે.ને એણે એવું જ કર્યું. આ તરફ માનુષી પ્રણયના મેસેજ અને કોલ બંધ થયા એટલે ટેન્શનમાં આવી ગઈ.વારંવાર ફોન ઊંચકી મેસેજ ચેક કરે ને રડીએ લે.પ્રણયને પણ ચેન ના પડે.એની આંખો ભીની થઈ જતી.


બંનેની હાલત ખૂબ ખરાબ હતી.આખો દિવસ બીઝી રહેતા પોતપોતાના કામમાં પણ એક ક્ષણ એકબીજાને ભૂલી શકતા નહતા.માનુષીની ઉદાસી મમ્મી-પપ્પાથી છૂપી ના રહી.રાત્રે જમ્યા બાદ પપ્પાએ માનુષીને ઓટલે બેસાડી કહયું,’માનુ બેટા વાત થઈ તારા મિત્ર જોડે.’


‘ના પપ્પા, અમે લગભગ એક વીકથી વાત જ નથી કરી એન્ડ એ બીઝી હશે સો એનો કોલ કે મેસેજ નથી.’,માનુષી ઉદાસ સ્વરે બોલી.


‘તો તું કરી લે કોલ.ખબર અંતર તો પૂછાય ને બેટા,ચાલ હું  કોલ કરું.મને નંબર તો આપ.’પપ્પા આશ્વાસક સ્વરમાં બોલ્યા.


‘ના,ના પપ્પા,રેહવા દો હાલ, હું કાલ કરીશ,.હવે હું વાંચું નહિતર મમ્મી બોલશે ‘એમ કહી રૂમમાં ભાગી અને દરવાજો બંધ કરી મોં દબાવી ધ્રુસકે ધ્રુસકે રડી.


બીજી બાજુ પ્રણયને ગમગીન  જોઈ મમ્મી-પપ્પાએ પૂછયું ,’બેટા શું થયું?,તું કેમ ઉદાસ છે.કંઈ તકલીફ છે તને?


‘ના,ના,કશી જ નહીં બસ આમ જ વિચારતો હતો.હું આવું ‘એમ કહી પ્રણય ઘરની બહાર નીકળી ગયો.


મન ઉદાસ,હદયમાં બેચેની…..બંને અશાંત હતા.એકબીજાને ભૂલવાની કોશિષ પણ કરી પણ બધું જ નકામું. કોઈ અદ્રશ્ય દોરીથી બંને બંધાઈ ગયા હતા.


બીજે દિવસે પ્રણયે હિંમત કરી માનુષીને કોલ કર્યો.માનુષી તો નામ જોઈ જ ટપ ટપ આંસુ પડયા.એણે ફોન ઊંચકયો.પ્રણય બોલ્યો, ‘વનવાસ પૂરો કરીએ ને?’ને એના આટલા વાકયથી માનુષી જોરથી રડી પડી.પ્રણયનું હૈયું ભરાઈ ગયું. એ ગળગળા અવાજે બોલ્યો, ‘માનુષી રડશો નહીં… હું તો રડી પણ નથી શકતો.શાંત થાવ…..એકદમ ચુપ. બંને તરફ શાંતિ છવાઈ ગઈ.બસ પરસ્પરના શ્વાસનો અવાજ સંભળાતો રહયો.


પછી માનુષી શરુ થઈ. બહુ લડી પ્રણય સાથે,બહુ બોલી...ને પ્રણય હા !સાચું કો છો,મારી ભૂલ,.....હા!ખરી વાત, હા!માતાજી...માફ કરો...બસ એટલું જ બોલતો રહયો.એની નિખાલસતા અને સહજતાએ માનુષીને ઓળઘોળ કરી દીધી.પૂરા બે કલાક બંને વાતો કરતાં રહયાં ને ત્યારે થઈ બંનેને હાશશશશશશશશશશ.


ફરી પાછો વાતોનો સિલસિલો ચાલુ.માનુષી એનું રૂટિન પણ પ્રણયને કહેતી અને પ્રણય એની બધી જ વાતો માનુષીને કહેતો.સમયને ચોરીને બંને એકબીજા સાથે વાતો કરતાં હતાં.પ્રણય માનુષીને પોતાના ગમતાં ગીતો સંભળાવતો.બંને એકસાથે ગીત સાંભળતા અને પૂરું થયા બાદ નિ:શબ્દ બની રહેતા અને કંઈપણ ચર્ચા કર્યા સિવાય જય શ્રી કૃષ્ણ કહી ફોન મૂકી દેતાં.


પરસ્પરની કાળજી,કદર અને હૂંફ થી બંને ખીલી ગયા હતા અને એક દિવસ પ્રણયનો રોજની જેમ માનુષીને ફોન આવ્યો,’હેલ્લો, ગુડ મોર્નિંગ’


માનુષીએ વળતો જવાબ આપ્યો,ગુડ ગુડ મોર્નિંગ, ઉઠી ગયા કુંભકર્ણ, ચા-નાસ્તો કર્યો?


પ્રણય બોલ્યો,’ હા! માતાજી,તું તૈયાર થઇ ગઈ.તેં નાસ્તો કર્યો.કાલ તને સારું નો ‘તું, આજે તારી તબિયત સારી છે ને?

પ્રણયના આટલું બોલવાથી માનુષીના અંગે અંગમાં કંઈક અદભૂત અનુભૂતિ થઈ.


એણે ધીમેથી કહયું,’ પ્રણય ફરીથી બોલો તો,શું કહયું તમે?ને પ્રણય બોલ્યો,’અરે!પૂછૂં છું, કાલે તને સારું નો’તું લાગતું તો આજે તારી તબિયત સારી છે ને?


માનુષીને ફરી એ જ અદભૂત અનુભૂતિ થઈ. બે મિનિટ એ મૌન બની ગઈ.પ્રણય બોલ્યો,બોલ ને ?........કેમ ચુપ થઈ ગઈ?


માનુષી જેમ તેમ બોલી,’તમે મને તુંકારે બોલાવી પ્રણય’.તો પ્રણય બોલ્યો, ‘કેમ ના બોલાવી શકું?તને ના ગમ્યું હોય તો ના બોલાવું. ના ગમ્યું તને?


માનુષી ઉતાવળે બોલી પડી,અરે!એ જ તો ઈચ્છતી હતી.શું તમે પણ.


પ્રણય બોલ્યો, ‘માનુષી મારે તને એક વાત કહેવી છે,સાંજે કોલ કરીશ.’


‘સારું, સારું..એમ કહી માનુષી કોલેજ ગઈ.એના આનંદનો પાર નહતો આજે.આખો દિવસ બસ એ શબ્દોને યાદ કરી મનમાં મલકાયા કર્યું.


સાંજે પ્રણયનો કોલ આવશે એમ કરી ફટાફટ ફ્રી થઈ બારી પાસે બેસી ગઈ.સામેના ઝાડ પર બેઠેલા પંખીનો અવાજ એના મનને વધુ આનંદિત કરી રહયો હતો.ત્યાં પ્રણયનો મેસેજ આવ્યો,’ સોરી માનુષી જરા કામમાં છું. પછી વાત કરીશું.’


માનુષી ઉદાસ થઈ પણ મન મનાવી વાંચવા લાગી ગઈ પણ ધ્યાન તો પ્રણયમાં જ હતું.


રાત્રે પ્રણયનો મેસેજ આવ્યો,  ‘કાલે મળીએ,બોલ કયાં મળી શકાશે? ને મેસેજ વા્ંચી માનુષી પાણી પાણી થઈ ગઈ.બે સેકન્ડ તો સ્તબ્ધ. પછી મેસેજ ટાઈપ કર્યો, ‘આ જબરદસ્ત સરપ્રાઈઝ છે, સ્ટેશનથી દસ મિનિટ પર ઈચ્છનાથ મહાદેવ મંદિર છે ત્યાં મળીએ.’


‘ઓકે,આઈ એમ ઓન ધ વેય,માતાજીના દર્શન કરવા માટે મારું મન તરસી ગયું સો આવું છું….પ્રણયે ખડખડાટ હસતાં બે સ્માઈલી મોકલ્યા.


‘આવો,આવો,પધારો મારે દેશ’……,માનુષી ઊભી થઇ કૂદકા મારવા માંડી.


‘બસ પછી શું, ઘડિયાળ પણ જાણે દુશ્મન,સમય જતો ન હતો ને પડખાઓમાં ક્ષણ વીતતી હતી.આખરે તારલાઓની આંખોથી મીંચકારા કરતી રાતડીને સૂરજના કિરણ રૂપી હાથોથી કાન મરડીને ભગાડી.


આજે માનુષીનો વેગ જોવા જેવો હતો.એક ડબ્બામાં નાસ્તો ભર્યો અને હોટ બોટલમાં ચા.સુંદર તૈયાર થઈ નીકળી.પગમાં ગજબ જોશ હતો અને હદયમાં હલચલ.


રીક્ષામાંથી ઉતરી, આજુબાજુ નજર કરી.પ્રણય ના દેખાયો.મંદિરમાં જઈ શાંત મુદ્રામાં બેસી ગઈ.આજે એના ચહેરા પર પ્રસન્ન ભાવ હતો.પ્રણય ચુપચાપ આવી એની બાજુમાં હાથ જોડી આંખ બંધ કરી બેસી ગયો અને બોલ્યો,’ હે મહાદેવ...આ માતાજી જે માંગે તે એને દઈ દેજો.અને બંને હસી પડયા.


માનુષીએ પ્રણય તરફ જોયું અને પ્રણયે માનુષી તરફ.પ્રણય એકટીશ માનુષી તરફ જોતો રહયો ને માનુષીની પાંપણ વારંવાર ઝૂકી જતી હતી.પ્રણયે માનુષીનો હાથ પકડયો અને કસીને આંગળીઓમાં આંગળી ભરાવી દીધી.બંનેના હોઠો મૌન હતા.હદય જોરમાં ધબકી રહયું હતું. બંને હાથ પકડીને મંદિરના નીચેના પરિસરમાં વડના વૃક્ષ પાસે બેઠા.હજી હાથોમાં હાથ ચપોચપ હતો.


પ્રણયે માનુષીનો  હાથ છોડયો અને એની સામે ઉભો થયો .એની આંખોમાં આંખ પરોવી અને ધીમેથી બોલ્યો, ‘માનુષી………..’ માનુષી ઉભી થઈ ગઈ.એની આંખોમાં પાણી ભરાયા.પ્રણયે એના બંને હાથ હાથમાં લીધા અને કહયું, ચાલ સાથે બોલીએ’એમ કહી બોલ્યો,

‘હું’

માનુષી બોલી, ‘તમને’

પ્રણય બોલ્યો, ‘બહુ જ’

માનુષી બોલી, ‘ પ્રેમ’

પ્રણય બોલ્યો, ‘કરું છું.’અને મંદિરનો મૂખ્ય ધંટ વાગ્યો ને એનો  પવિત્ર ધંટારવ ચારેકોર ગૂંજી ઉઠયો.


એક ક્ષણની શાંતિ બાદ ખુશીભર્યા આંસુ સાથે બંને એકબીજાને વળગી પડયા.જાણે આખું બ્રમાંડ પરસ્પરની બાહોમાં સમાઈ ગયું. ફરી માનુષી બોલી, ‘   હું’

પ્રણય બોલ્યો, ‘તને’

માનુષી બોલી , ‘બહુ જ’

પ્રણય બોલ્યો, ‘પ્રેમ’

માનુષી બોલી , ‘કરું છું’ અને ફરી તીવ્ર આલિંગન.ત્યાં તો આરતીના સ્વરે એમની પ્રેમ સમાધિ તોડી.બંનેએ મહાદેવને વંદન કર્યા અને જન્મોજનમ એકબીજાને માંગી લીધા.


પટેલ પદમાક્ષી

વલસાડ