માહી-સાગર (ભાગ-૧)

         
      
પ્રસ્તાવના,
        પોતાનો પતિ બસ પોતાનો જ રહે  એના તન, મન અને ધન પર બસ પોતાનો જ હક રહે એવું દરેક પત્ની ઇચ્છતી હોય આ વિષય માં દરેક પત્ની સ્વાર્થી જ હોય સ્વાભાવિક છે હું પણ એવું જ ઇચ્છતી હતી કે મારો પતિ ફક્ત મારો જ રહે મારા સિવાય એની જિંદગીમાં કોઈ હોવું જ ના જોઈએ આ મારો સ્વાર્થ કહો કે પ્રેમ, પણ હું એવું જ ઇચ્છતી હતી કે મારો મારા સિવાય કોઈનો ના રહે અને એ માટે મેં જે કર્યું એ જાણ્યા પછી તો તમે મને નફરત કરવા લાગશો, મેં મારી જ સાસુ ને મારી નાખી કારણ મારો સ્વાર્થ 
        
                     * * * *
           અચાનક જ સાગરના મનમાં કોણ જાણે ક્યાં થી પ્રવાસનું ભૂત ચડ્યું કે એના મિત્રો જોડે પંદર દિવસ માટે રાજેસ્થાનના પ્રવાસમાં નીકળી ગયો..સાગર ને જોયા વિના આ પંદર દિવસ કાઢવા પણ મારે મન પંદર વર્ષ જેવા લાગતા હતા.. હું સાગરની રાહમાં બેઠી હતી..કે ક્યારે સાગર આવે ને ક્યારે મારા દિલની વાત એને કહું. છેલ્લા દશ વર્ષ થી હું સાગરને પ્રેમ કરતી હતી પણ એને કહેવાની હિંમત જ નોહતી કેમ કહું એને શાયદ એ ના કહી દેશે તો..? શાયદ એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હશે તો..? આવા અનેક વિચારોની વચ્ચે પણ હું મારા મનને મનાવી લેતી કહેતી ગૌરી સાગર ફક્ત તારો જ છે.

          આજ થી દશ વર્ષ પહેલા જ્યારે મારી માં મને છોડીને પરલોક ચાલી ગઈ ત્યારે સાગરની માં નીલુમાસી એ મારો હાથ પકડ્યો.. ત્યાર થી લઈને આજ સુધી નીલુમાસી જ મારી માં છે.. નીલુમાસીએ મને પોતાની સગી દીકરીની જેમ મને ભણાવી ગણાવી મોટી કરી.. હું ને સાગર સાથે જ શાળામાં દાખલ થયેલા સાથે જ રમતા કુદતા અમે ક્યારે મોટા થઈ ગયા એની જાણ નીલુમાસી ને પણ ના રહી. 
           નીલુમાસી મારા માટે યોગ્ય મુરતિયો શોધતા હતા અને હું હતી કે એમના દીકરાને મારો સર્વસ્વ માની ચુકી હતી.
                ''ગોરી તારા માટે કોઈ સારો છોકરો ગોતું છું મળી જાય ને તો હું ય છૂટું..''
                ' ના નીલુમાસી હું તમને અને આ ઘરને છોડીને ક્યાં ય નથી જવાની મારે અહીંયા જ રહેવું છે તમારી સાથે''
                ' જુવાન દીકરી સાસરામાં જ સારી લાગે ગૌરી..''
                ' માં જો એમ હોય તો આ જ મારુ સાસરું અને આજ મારુ પિયર છે..'
                આજે પહેલીવાર મારા હોઠે મારા મનની વાત આવી..નીલુમાસી મારા મનની વાત સમજી ગઈ એ સમજી ગઈ કે હું કોને ચાહું છું.. એ મારી સામે સહેજ હસી ને હું શરમાઈ ને રસોડામાં ચાલી ગઈ.. થોડીવાર પછી મારી પાસે આવી ને પ્રેમ થી મારા માથે હાથ મુક્યો 
             ' હું તો પેલે થી જ જાણતી હતી ગોરી કે તું સાગરને ચાહે છે પણ આ વાત હું તારા મોઢે સાંભળવા માંગતી હતી.. તારા જેવી છોકરી મારા સાગરની જીવનમાં આવતી હોય તો મારા સાગરનું તો જવન સુધરી જાય.. સાગર રાજેસ્થાન થી પાછો આવે એટલે એને આ વિશે વાત કરું અને જો એ માની જાય ને તો આ વર્ષે જ તમારા ઢોલ વગડાવી દવ.
              નીલુમાસી ની વાત સાંભળી ને તો જાણે હું ખુશી થી પાગલ થઈ ગઈ.. સાગર આવશે ને લગ્ન થશે..સપના જોવા લાગી અમારા લગ્નના.

                આખરે પંદર દિવસ થયા પણ સાગર રાજેસ્થાન થી પાછો ના આવ્યો એના મિત્રો એ કહ્યું કે એ તો અધવચ્ચે જ રતનપુરમાં જ ઉતરી ગયેલો.. સાગર રતનપુરમાં શુ કામ ઉતર્યો.. ક્યાંક એ કોઈને.. મારા મનમાં સવાલોનું જાણે વવાજોડું ફૂંકાયું.. માં એ જ્યારે સાગરને ફોન કર્યો ત્યારે ખબર પડી કે રતનપુરમાં સાગરની બસ મિસ થઈ ગઈ ને એક રાત એણે ત્યાં રતનપુરમાં જ રોકવી પડશે સવારે ત્યાં થી નીકળી જશે.. ત્યારે મને સહેજ હાશ થઈ..
              સવારે હું સરસ તૈયાર થઈ સાગરની પસંદનું જમવાનું બનાવવા લાગી.. રસોડામાં થી પણ મારી નજરો વારંવાર દરવાજે જ જતી હતી ક્યારે સાગર આવે અને હું એને જઈને ભેટી પડું.. બપોર થવા આવી પણ સાગર ના દેખાયો ફરી સાગરનો ફોન આવ્યો..
             મેં ફોન ઉપાડ્યો - સાગર હું ગૌરી બોલું છું સામે છેડે થી સાગરનો અવાજ આવ્યો ગોરી માં ને ફોન આપ તો.. અને મેં ફોનનું રીસીવર નીલુમાસી ને આપ્યું..
             થોડીવાર પછી નીલુમાસી એ ફોન કાપી નાખ્યો અને એક લમ્બો નિસાસો નાખ્યો - રેવાદે ગોરી સાગર નથી આવતો..એ હજી કોઈ ને ન્યા આઠ દિવસ રોકવાનો છે કે છે કે નવરાત્રી છે ગરબા રમવા છે શુ અહીંયા ગરબે નથી રમાતુ.. કોણ સમજાવે એને.. અજાણ્યા મલકમાં કોકના ઘરે અને એ પણ એક અઠવાડિયા માટે..
               હું જેમ મારા મનને મનાવ્યે જતી હતી એમ મેં નીલુમાસી ના મનને પણ મનાવવાની કોશિશ કરી - ચિંતા ના કરો નીલુમાસી સાગર આવી જશે..
(ક્રમશ)

               

***

Rate & Review

Bansi Sagar Bhalala 2 months ago

Daxa Vithlani 3 months ago

Dilip Bhappa 3 months ago

Rekha Patel 3 months ago

Manish Patadia 3 months ago