Jigyashu ane ashantoshi bano books and stories free download online pdf in Gujarati

જિજ્ઞાસુ અને અસંતોષી બનો

શીર્ષક વાંચીને ઘણા વાચકો ચોંકી જશે. જિજ્ઞાસુ બનવાનું તો જોણે ઠીક છે પણ અસંતોષી બનવાનું ? આ જરા વિચિત્ર લાગે છે. કારણ કે આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે સંતોષી બનવું જોઈએ, જો જીવનમાં સુખી થવું હોય તો. આ અર્ધસત્ય છે. ‘સંતોષી નર અદા સુખી’ એ વર્ષો જૂની કહેવત હવે ચાલી શકે એમ નથી. નવા મનોવિજ્ઞાન મુજબ જે લોકો નાની-નાની વાતોથી અસંતુષ્ટ રહે છે અને મોટા મોટા કાર્યો પૂર્ણ કરવાની ખેવના રાખે છે તેઓ જીવનમાં સફળ થાય છે. આ સાથે જિજ્ઞાસા પણ આવશ્યક છે. જિજ્ઞાસા અને અસંતોષને એકબીજાથી અલગ કરી શકાય નહીં, બંને સમાંતર રીતે સાથે ચાલે છે. જ્યાં માત્ર જિજ્ઞાસા હોય અને અસંતોષ ન હોય ત્યાં કશુંક નવું જાણવાનું તો મળશે પરંતુ એમાંથી વધારે કંઇક મેળવવાની તમન્ના નહીં હોય. અને જ્યાં અસંતોષ હોય અને જિજ્ઞાસા નહીં હોય ત્યાં કોઈ કાર્યમાં ભલીવાર નહીં પડે. માત્ર અસંતોષી બનવાથી બીજાના સુખ સંપત્તિ અને ઐશ્વર્ય જોઈને ઈર્ષ્યાની ભાવના જોગશે. પરિણામે માત્રને માત્ર દુઃખી થવાનો વારો આવશે. જ્યાં જિજ્ઞાસા અને અસંતોષ બંને સાથે હશે ત્યાં કશુંક નવું જાણવાનું ઉપરાંત કશુંક નવું કરવાનું સાહસ થશે.

અમે સેન્ટ ઝેવિયર્સમાં ભણતા હતા ત્યારે બારમા ધોરણમાં બાયોલોજીના શિક્ષકે કહેલી વાત યાદ આવે છે. એમણે કહ્યું હતું કે નવું નવું જાણવાની જિજ્ઞાસા હંમેશા રાખજો અને જાણી લીધા પછી સંતોષી જીવ ન બનીને અસંતોષી બનજો જેથી વધુને વધુ શીખી શકો. એમની એ વાત અમે આજ સુધી અમલમાં મુકેલી છે.

જે લોકો અસંતોષ રાખી જિજ્ઞાસાને સંતોષતા રહે છે અને નવું નવું શીખતા રહે છે તેઓ કંઇક નવું કરે છે. અને જ્યાં સુધી શિખવાની વાત છે, બાળકો પાસેથી પણ શીખી શકાય. બાળકો કાંઇ પણ નવું જુએ એટલે એના વિશે વિચારવા માંડે છે. કોઇ નવું રમકડું મળે તો એમને વધારે આનંદ આવે છે. તેઓ માતાપિતાને જિજ્ઞાસાપૂર્વક નવા નવા પ્રશ્નો પૂછતા રહે છે. દુર્ભાગ્યે મોટાભાગના માબાપ એમના પ્રશ્નોના ઉત્તર આપતા નથી અથવા જાણી જોઈને ટાળી દે છે. લાંબાગાળે બાળક મોટો થતો જોય એમ નવા નવા પ્રશ્નો કરવાનું છોડતો જોય છે. કારણ કે એના મનમાં ગ્રંથિ બંધાઈ જોય છે કે મને કોઈ જવાબ મળવાનો નથી. તેથી પ્રશ્નો કરવા જ નહીં એ સારૂ છે. એ બાળક મટી મોટો માણસ બને ત્યાં સુધી એની જિજ્ઞાસાવૃત્તિ નિષ્ક્રિય થઈ જાય છે. હવે એને કશુંક નવું જાણવાની તાલાવેલી પણ થતી નથી કે નવું કરવાની ઇચ્છા પણ થતી નથી. તેથી દરેક માબાપે બાળકોના પ્રશ્નોના ઉત્તર જરૂર આપવા જોઈએ, તો જ બાળકની જિજ્ઞાસાવૃત્તિ ખીલશે. મેન્સિસ નામના ચીની સાધુએ કેટલું યોગ્ય કહ્યું હતું

મહાન માણસ એ છે જેણે હજી બાળ હૃદય ગુમાવ્યું નથી.’

દુર્ભાગ્યવશ આપણે મોટા થઈને બાળહૃદય, બાળક જેવી નિર્દોષતા અને નિખાલસતા ગુમાવી દઈએ છીએ. આપણે પ્રશ્નો પૂછવાનું છોડી દઈએ છીએ. ‘પૂછતા નર પંડિત’ કહેવત ભૂલી ‘ન પૂછતા નર શાણા’ની દિશામાં દોટ લગાવીએ છીએ. આપણે રૂઢિ-રીવાજો, પરંપરાઓને ચેલેન્જ કરવાનું છોડી દઈએ છીએ અને આખરે ‘ટોળા’નો એક ભાગ બનીને રહી જઇએ છીએ અને આ સનાતન સત્ય છે કે ટોળાને બુદ્ધિ નથી હોતી. ટોળાશાહીમાં માત્ર આપણી જરૂરિયાતો પૂરી કરીને નિરૂપદ્રવી સંતોષી જીવ પેઠે પડયા રહીએ છીએ.

કોઈક જ વીરલા હોય છે જેઓ ભીડને ગુડબાય કહીને પોતાની આગવી મંઝિલની શોધમાં નીકળી પડે છે. જે લોકો ભીડથી અલગ પોતાનું અસ્તિત્વ સાચવીને નીકળી જાય છે. એમને એમના જેવા જ વીરલાઓના દર્શન થાય છે. ‘રેટ-રેસ’થી અલગ જો તમે પણ ભીડમાંથી નીકળી શકો તો તમને પણ રસ્તામાં લિયાનાર્ડો દવીન્સી, માઈકલ એન્જેલો, અલ બિરૂની, ઇબ્નેસીના, શેક્સપીયર, આઈઝેક ન્યુટન, અલ ગઝાલી, ઉમર ખૈયામ, ગેલિલીયો, આઈન્સ્ટાઈન, નેપોલિયન બોનાપાર્ટ, ગુરૂદત્ત, સાહિર લુધીયાન્વી... જેવા વિચક્ષણ વીરલાઓને મળવાની તક મળી શકે છે. આ લિસ્ટ તો ઘણું લાબું થઈ શકે. આવા વીરલાઓનો સાથ મેળવવા ભીડથી અલગ પોતાની પહેચાન બનાવવા તમારે કંઇ બહુ દૂર જવાની જરૂર નથી. તમારા પગલાઓને ‘જ્ઞાન પરબ’ અર્થાત્‌ પુસ્તકાલય તરફ રૂખ કરવાની જરૂર છે. જ્યાં જિજ્ઞાસા અને અસંતોષ જેવા ભાઈ-બહેનની જોડી તમારૂં જીવન પરિવર્તન કરવા તૈયાર બેઠી હોય છે.

જિજ્ઞાસાવૃત્તિની પ્યાસ બુઝાવવા આ જ્ઞાન પરબમાં કેવા કેવા અમી ઝરણા વહેતા હશે એની કલ્પનામાત્રથી જ ઉત્તેજિત થઈ જવાય છે. જીવનના દર્દને નીચોવી નાખતી ફૈઝની શાયરી, કુઆર્નના સારરૂપે ચેતનવંતી અને પ્રેરણાત્મક ટિકા ટીપ્પણીઓથી છલકાતી ઇકબાલની શાયરી, જીવનના રોમાન્સને છલકાવતી જિગર કે મજરૂહની ગઝલો, જિંદગીને સાચી રીતે સમજી જનાર અને એના હાર્દને રજૂ કરતા શેક્યપિયરના નાટકો કે પછી જીવનની કરૂણતાઓને અશ્રુરૂપે છલકાવતા ગ્રીક ટ્રેજડી નાટકો, ઉમાશંકર જોશી, મરીઝ, ઘાયલ, બેફામ, આદિલની શાયરી છે તો એ ગામડાનું જીવન કે જેને જોવાનું તમે ચૂકી ગયા છો, એ મળશે પ્રેમચંદ કે પન્નાલાલની વાર્તાઓમાં. આ તો માત્ર એક નાનકડી ઝલક છે. એક નાનકડી બુંદ છે - સાહિત્ય અને કલાના અફાટ સમુદ્રની. ટુંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આ મહાન લેખકો, કવિઓ, ફિલસુફો, રાજદ્વારીઓ કે કલાકારોના કાર્યો અને જીવનમાંથી આપણને આપણી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટેનું ભાથું અને બળ મળી રહે છે, જેથી જીવન નિરસ ન લાગે. જીવનને નવો દૃષ્ટિબિંદુ મળે અને આપણે કહી શકીએ કે જીવન ખરેખર સુંદર છે. બધી જ મુશ્કેલીઓ, યાતનાઓ અને પીડાઓ છતાં પણ માણવા જેવું છે, જીવવા જેવું છે. જીવનના અસંખ્ય નિરૂત્તર પ્રશ્નોના ઉત્તર આપણને મળી રહે છે. શરત માત્ર આટલી જ છે કે જિજ્ઞાસા અને અસંતોષની જવાળા મનમાં સતત બળતી રહેવી જોઈએ.

સેમ્યુઅલ જ્હોન્સનને પૂછો કે જિજ્ઞાસા શું છે તો કહેશે

“જિજ્ઞાસાવૃત્તિ સશક્ત મનનું સૌથી મહત્વનું અને શાશ્વત ગુણ છે.”

જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાની સૌથી સારી રીત છે શીખવું. તમારામાં કોઈ વિશેષ આવડત નથી એવું તમને લાગતું હોય તો જાણી લો કે જગતના મોટા ભાગના માણસોમાં આવી ‘વિશેષ’ આવડત હોતી નથી. તમે માનતા હો કે તમારી પાસે સમય નથી તો એ પણ જાણી લો કે જેમની પાસે સમય નથી હોતો એ લોકો જ મોટા મોટા કાર્યો કરતા હોય છે. જેમની પાસે સમય હોય છે તેઓ પાનના ગલ્લે કે ચા ની કિટલીએ નકામી ચર્ચાવિચારણાઓમાં એને વેડફી નાંખે છે. આવા વાકપટુ વિરલાઓએ કોઇ મોટા કાર્યો કર્યા હોય એવું બન્યું નથી. કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે કોઈ મૂહુર્તની આવશ્યક્તા નથી હોતી. એ તો ગમે ત્યારે શરૂ કરી શકાય છે. અને જેની શરૂઆત થઈ ગઈ એ કાર્ય ક્યારેક તો પૂર્ણ થશે જ. પરંતુ જેની શરૂઆત જ ન થઈ હોય એ કાર્ય પૂર્ણ થવાની કોઈ ગેરંટી નથી હોતી. તેથી આવતીકાલે શરૂ કરવાના કાર્યો આજે જ શરૂ કરવા જોઈએ. આવતીકાલ હજી આવી નથી, ગઈકાલ વીતી ચુકી છે તેથી તમારી પાસે હોય છે માત્ર ‘આજ’. આજે જ કંઇક કરી શકાય એ આજે અને અત્યારે જ કરવું જોઈએ. અને એમ પણ જીવનનો ભરોસો શું ? થોડા સમય પછી શું થવાનું છે એની પણ આપણને ક્યાં ખબર હોય છે? તેથી ‘આજ’ બહુ કિંમતી છે.

નવું વિચારો, કંઇક નવું કરો, કંઇક નવું શોધો, કોઇ નવું પુસ્તક વાંચો, કંઇક નવું લખો, કંઇક નવું સાંભળો, કશુંક નવું જુઓ, જિજ્ઞાસાને ફળીભૂત કરવા જે કંઇ થઈ શકતું હોય એ આજે જ કરો.

જિજ્ઞાસાની ઉત્તેજક ક્ષણને પકડી લો. સોક્રેટીસ આવી જ જિજ્ઞાસા ગ્રીક યુવાનોમાં જગાવવા ઇચ્છતા હતા. જિજ્ઞાસુ બનો અને પોતે જાણો. દરેક શંકાનું સમાધાન પોતાની રીતે લાવો, બીજાની વાત વિચાર્યા વિના તરત ન સ્વીકારી લો. પ્રશ્નો પૂછો અને ઉત્તર મેળવો. કેમકે,

જિજ્ઞાસા આત્માની પ્યાસ છે.