રૂહ સાથે ઈશ્ક રિટર્ન 14

                 રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 14

 

રાધા એનાં દરરોજ આવવાનાં સમયે ના આવતાં કબીર કંટાળીને હતાશ થઈને સુઈ ગયો..હજુ કબીરની આંખ જ લાગી હતી ત્યાં એનાં પગે પાયલનાં ખનકવાનો અવાજ થતાં જ કબીર ઝબકીને જાગી ગયો.કોઈ નાનાં બાળકની જીદ પુરી થતાં એનાં ચહેરા પર જે રીતની ચમક આવી જાય એવી ચમક અત્યારે કબીરનાં ચહેરા પર આવી ગઈ હતી.

કબીર સુખદ આંચકા સાથે પલંગમાંથી બેઠો થયો અને બારી તરફ આગળ વધ્યો..કબીરે બારી ખોલીને બહાર નજર કરી તો રાધા ત્યાં આવી પહોંચી હતી.રાધા એ પણ કબીરનાં બારી ખોલતાં જ એ તરફ નજર કરી અને એક મીઠી મુસ્કાન કબીર ને જોઈ આપી..એક તો ખુબસુરત ચહેરો અને ઉપરથી કાતીલ મુસ્કાન ભલા કોણ ઘાયલ ના થાય..રાધાની કાતીલ નજર કબીરનાં હૃદયની આરપાર નીકળી ગઈ હતી.

આજે એક હરણી એક સિંહ નો શિકાર કરી ગઈ હતી..કબીર રાધા ની એ નજર નાં વાર થી જેવો જ થોડો સ્વસ્થ થયો એ સાથે જ દોડીને પોતાનાં રૂમમાંથી નીકળી દાદરો ઉતરી નીચે આવ્યો.રસોડાની જોડેનો દરવાજો ખોલી કબીર રાધા જ્યાં ઉભી હતી એ તરફ ભાગ્યો.રાધા એ કબીરને પોતાની તરફ આવતો જોયો પણ આ વખતે એ ત્યાં જ ઉભી રહી..કબીરને આ જોઈ થોડી રાહત જરૂર થઈ કે રાધા પોતાને જોઈને ભાગી નહીં.

કબીર હાંફતો હાંફતો રાધાની નજીક પહોંચ્યો અને બોલ્યો.

"મને એમ કે તમે નહીં આવો.."

કબીરની વાત સાંભળી રાધાનાં ચહેરા પર પુનઃ સ્મિત ફરકી અને રાધા એ ચહેરો ઝુકાવીને કહ્યું.

"તમે કહ્યું હતું આવવાનું તો પછી આવવું પડે ને.."

રાધાનો આવો જવાબ સાંભળી કબીરને પ્રસન્નતા સાંપડી.જાણે કોઈએ વર્ષો જુનાં કોઈ દુઃખતા ઘા પર મલમ લગાવ્યો હોય અને જે ટાઢક હૃદય ને થાય એવી જ શાતા કબીર ને થઈ રહી હતી.કબીરે પોતાનાં મનમાં ઉભરાઈ રહેલી પ્રસન્નતા ને મહાપરાણે કંટ્રોલ કરતાં કહ્યું.

"હું તમારાં આવવાની રાહ જોઈ રહ્યો હતો પણ અઢી વાગ્યાં પણ તમે ના આવ્યાં એટલે મને તો એવું લાગ્યું હતું કે તમે આવશો નહીં.."

"ઓહ.. એનો મતલબ કેમ કે તમે જાગતાં હતાં.."આશ્ચર્ય ભરી નજરે કબીરની તરફ તકતાં કહ્યું.

"હા.."કબીર ટૂંકમાં બોલ્યો.

"બીજું બોલો..કંઈક નવીનતા માં.?"રાધા એ ધીરેથી કહ્યું.

"બસ બીજું તો શાંતિ છે..એક વાત કહું જો તમને વાંધો ના હોય તો.."અચકાતાં સુરે કબીર બોલ્યો.

"પહેલાં બોલો તો ખરાં શું વાત છે..પછી ખબર પડે કે એ વાત વાંધા જેવી છે કે નહીં.."આંખોને નીચે ઝુકાવીને રાધા બોલી.

"હું એમ કહેતો હતો કે આપણે અહીં ઉભાં રહીને વાત કરીએ એનાં કરતાં તમે મારી સાથે મારાં રૂમ પર આવો તો આપણી વાત સારી રીતે થઈ શકે..પણ જો તમને કોઈ તકલીફ હોય કે મારી ઉપર વિશ્વાસ ના હોય તો આપણે અહીં ઉભાં ઉભાં પણ વાતો કરી શકીએ છીએ.."કબીરે કોઈપણ રીતે રાધા ને ખોટું ના લાગે એ રીતે શબ્દોની ગોઠવણી કરતાં કહ્યું.

કબીરની વાત સાંભળી પહેલાં તો રાધા અમુક સમય સુધી મનોમંથન કરતી રહી..કબીર પણ રાધા શું નિર્ણય લેશે એ સાંભળવાનો બેતાબીપૂર્વક ઇંતજાર કરી રહ્યો હતો એવું એનાં ચહેરા પરથી સમજી શકાતું હતું.થોડું વિચાર્યા બાદ રાધા એ કહ્યું.

"હું તમારી સાથે તમારાં રૂમ પર આવવાં તૈયાર તો છું પણ હું સવાર પડ્યાં પહેલાં નીકળી જઈશ..કેમકે બાપુ ને ખબર પડી જશે કે હું મોહનને શોધવા શિવગઢ પહોંચી ગઈ છું તો એ મને વઢશે."

કબીર તો રાધા એ પોતાનાં રૂમ પર આવવા માટેની હામી ભરી દેતાં જાણે મનોમન ખુશીથી ઉછળી પડી ગયો હતો..પણ પોતાની ભાવનાઓને કાબુમાં રાખી કબીર બોલ્યો.

"સારું..વાંધો નહીં.. તમતમારે જ્યારે તમારે નીકળવું હોય ત્યારે નીકળી જજો.."

"ચલો ત્યારે.."રાધા એ કહ્યું.

રાધાનાં આટલું બોલતાં જ કબીર વુડહાઉસ તરફ ચાલી નીકળ્યો.રાધા પણ કબીરનાં ડગલે વુડહાઉસની તરફ અગ્રેસર થઈ.રાધાનાં મનમાં હજુ કંઈક ચાલી રહ્યું હતું..આ એક એવી ઉલઝન હતી જે કોઈ ટોપર સ્ટુડન્ટ ને એક્ઝામ આપવા જતી વખતે થાય..ભલે એને ખબર છે કે હું એક્ઝામમાં સારું કરીશ પણ કઈ રીતે એક્ઝામમાં બધું ઠીક જશે એની ચિંતા એને સતાવી રહેતી હોય છે એવી જ ચિંતા રાધાનાં મુખ પર દેખાઈ રહી હતી.

કબીર રસોડાની જોડેનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો અને રાધાની તરફ જોઈને બોલ્યો.

"આવો અંદર.."

કબીરની વાત સાંભળી રાધા વુડહાઉસમાં પ્રવેશવા આગળ વધી પણ પછી કોઈ કારણોસર એ અટકી ગઈ..રાધા નાં ચહેરાનાં ભાવ અચાનક પલટાયા અને એ આગળ વધવા ગઈ પણ પગ લપસતાં એ ત્યાં બારણે જ પડી ગઈ..રાધા પગ પકડીને નીચે બેસી ગઈ અને કણસતાં કણસતાં બોલી.

"આહ..લાગે છે પગમાં મચકોડ આવી ગઈ.."

રાધાનો દર્દભર્યો ઉંહકારો સાંભળી કબીરનું ધ્યાન એની તરફ ગયું..કબીર રાધાની જોડે ઘૂંટણની બળે નીચે બેસ્યો અને રાધાનાં પગ પર હાથ સ્પર્શ કરીને બોલ્યો.

"લાગે છે પગમાં થોડી મચકોડ આવી ગઈ છે..તમે ચિંતા ના કરશો હું તમને સથવારો આપીને મારાં રૂમ સુધી લઈ જઈશ."

કબીરની વાતનો સહર્ષ સ્વીકાર કરતાં રાધા કબીરનાં હાથમાં પોતાનો હાથ મૂકીને ઉભી થઈ અને પોતાનાં હાથને કબીરનાં ખભે રાખીને કબીરની સાથે સાથે વુડહાઉસની અંદર પ્રવેશી.વુડહાઉસમાં પ્રવેશતાં જ રાધાનાં ચહેરા પર એક એવી વિજય સૂચક સ્મિત ફરી વળી જે જોઈ સાફ સમજી શકાતું હતું કે એનાં મનનાં ઊંડાણમાં એની સંઘરી રાખેલી કોઈ મુરાદ ને આજે મંજીલ મળી ગઈ હતી.

"કબીર,હવે મને થોડું સરખું લાગે છે..હું મારી રીતે ઉપર સુધી પહોંચી જઈશ.."કબીરનાં રૂમ સુધી જતાં દાદરા ની નજીક આવતાં જ રાધા એ કબીરને ઉદ્દેશીને કહ્યું.

"સાચું કહો છો કે પછી કોઈ તકલીફ છે..જો દુઃખાતું હોય તો આપણે નીચે જ બેસીએ.."રાધા ની તરફ જોઈને કબીર બોલ્યો.

"ના ના..હવે સારું જ છે..ચાલો હું તમારી સાથે જ ચાલુ છું..તમે ખાલી મારો હાથ પકડી રાખજો."કબીરનાં ખભેથી તો રાધા એ પોતાનો હાથ હટાવી લીધો હતો પણ હજુએ કબીરનાં હાથમાં એનો હાથ હતો.

કબીર તો અત્યારે રાધાની સુંદરતાને લીધે એટલો આશક્ત બની ચુક્યો હતો કે એને તો રાધા નો હાથ જીંદગીભર પકડી રાખવાની ખેવના હતી.રાધા નાં હાથમાં હાથ રાખી કબીર ધીરે-ધીરે રાધાનું ધ્યાન રાખતો-રાખતો એનાં રૂમ સુધી રાધાને લઈ આવ્યો..કબીરે પોતાનાં રૂમનો દરવાજો ખોલ્યો અને કહ્યું.

"આ રહ્યો મારો રૂમ.."

રાધા કબીરનાં રૂમમાં પ્રવેશી અને ચારે તરફ નજર ઘુમાવી ત્યાં પડેલી દરેક વસ્તુનું નિરીક્ષણ કર્યાં બાદ અહીં-તહીં પડેલી બુક્સ અને કાગળો જોઈને બોલી.

"લેખક મહાશય તમે તો રૂમમાં સારી સજાવટ કરી છે..જોઈને જ સમજાય જાય કે અહીં કોઈ બહુ મોટાં લેખક રહે છે.."

રાધાની વાત સાંભળી કબીરે પોતાનો હાથ ગરદન ની પાછળ મુક્યો અને ચહેરો બીજી તરફ ફેરવી થોડો હસ્યો..થોડીવાર બાદ કબીરે કહ્યું.

"તમે અહીંયા બેસો હું તમારાં માટે ચા લઈને આવું.."

"અરે લેખક મહાશય તમારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી..તમે મને વાતો કરવા બોલાવી છે તો વાતો કરીએ..એમાં ચા ની જરૂર શું પડવાની છે..અને બીજી વાત કે હવે તમે મને તમે તમે કહેવાનું બંધ કરો તો સારું..તું કહેશો તો ચાલશે.."કબીરની વાત સાંભળી રાધાએ કહ્યું.

"સારું..એવું રાખો.પણ હવે તું પણ મને લેખક મહાશય કે તમે કહીને નહીં બોલાવે..ફક્ત કબીર કહીશ તો ચાલશે."કબીર જાણે વર્ષોથી રાધાને ઓળખતો હોય એવાં આત્મીયતા નાં ભાવ સાથે બોલ્યો.

"સારું તો એ નક્કી રહ્યું કે આપણી વચ્ચે નકામી કોઈ જ ઔપચારિકતા નહીં થાય..અને હવે તમે બેસવાનું કહો તો બેસું.."રાધા પણ ખૂબ જ નોર્મલ સ્વરે બોલી.

"અરે હા..તમે અહીં બેસો.."પલંગ પર પડેલી રજાઈ ને વાળીને એકતરફ મુકતાં કબીરે રાધાને પલંગમાં બેસવાનો આગ્રહ કરતાં કહ્યું.

કબીર નો આગ્રહ થતાં જ રાધાએ પલંગમાં પોતાની બેઠક લીધી..બેસતાં ની સાથે એને કબીરને પણ પોતાની જોડે બેસવા કહ્યું.કબીર એક ખુરશી ખેંચીને પલંગની જોડે લાવ્યો અને રાધા ની સામે ખુરશી ગોઠવી એની ઉપર બેસતાં બોલ્યો.

"લો આ બેસી ગયો..બોલો હવે શું પૂછવું છે..?"

"અરે મને લાગે છે પૂછવું તો ઘણું બધું તમારે છે અને તમે આ સવાલ મને કરો એ વ્યાજબી નથી.."કબીરનો ચહેરો જાણે વાંચતી હોય એવાં ભાવ સાથે રાધા બોલી.

રાધાને કઈ રીતે ખબર પડી કે પોતે એને કંઈક પુછવા ઈચ્છતો હતો એ વિચારી કબીરને નર્યું આશ્ચર્ય થયું પણ એને ચહેરા પરથી એ વાત કળવા દીધી નહીં.. થોડું વિચારી કબીર બોલ્યો.

"એતો હું તમને..અરે sorry.. તને...એમ પુછવા માંગતો હતો કે તું આમ રાતે આવાં વેરાન વિસ્તારમાં થઈને આવે છે તો તને કોઈનો ડર નથી લાગતો..?"

"કબીર,વિસ્તાર વેરાન છે એટલે જ ડર નથી..કેમકે અહીંયા તો કોઈ જનાવર હશે તો એનો મુકાબલો કરવો પડશે જે શક્યવત કરી પણ શકાશે.. પણ ગીચ વસ્તી હોય અને ત્યાં જ્યારે મનુષ્ય નો મુકાબલો કરવો પડે ત્યારે એ કોઈ જનાવર જોડેનાં મુકાબલા કરતાં પણ વધુ ભારે પડી જતો હોય છે..આજકાલ માણસ છે ને પશુથી પણ વધુ બર્બર બની ગયો છે.."કબીરનાં સવાલનાં જવાબમાં પોતાની તર્ક સંગત દલીલ રજૂ કરતાં રાધા બોલી.

ત્યારબાદ કબીરે રાધા ને એનાં પરિવારમાં કોણ-કોણ છે અને એ અહીંથી પાછી પોતાનાં ગામ જઈને આખો દિવસ શું કામ કરે છે..એવાં નાનાં મોટાં ઘણાં સવાલાત કરી જોયાં.જેનાં રાધાએ જવાબ પણ આપ્યાં.આખરે કબીરે રાધાને કહ્યું.

"હવે તારે મારાં વિશે કંઈપણ પૂછવું હોય તો પૂછી શકે છે..?"

રાધા એ કબીરને પૂછ્યું.

"તારાં ઘરમાં તારાં સિવાય બીજું કોણ-કોણ છે..?"

રાધાનો સવાલ સાંભળી કબીર ફટાક દઈને બોલવા જતો હતો કે મારાં ફેમિલીમાં બે વ્યક્તિ છે એક હું અને એક મારી પત્ની શીલા..હૈયાનાં આ શબ્દો હોઠ સુધી આવે એ પહેલાં કોઈ કારણસર વચ્ચે જ અટકી ગયાં.. અને અનાયાસે જ એક સફેદ ઝુઠ્ઠ કબીરનાં મુખેથી નીકળી ગયું.

"મારાં માતા-પિતાનાં અવસાન પછી તો હું અત્યારે એકલો છું..બસ નજીકમાં કોઈ સારી યુવતી મળી જાય તો લગ્ન કરીને ઠરીઠામ થઈ જવાનું વિચારું છું.."

"બોલો તો ખરાં તમારે લગ્ન માટે કેવી કન્યા જોઈએ..હું શોધી આપું.."કબીરની વાત સાંભળી હસતાં-હસતાં રાધાએ કહ્યું.

"મારે તારી જેવી યુવતી જોઈએ છે..તારી જેવી ખુબસુરત અને માસુમ.."કબીરે આટલું બોલી ઇશારામાં જ રાધાની સુંદરતાનાં વખાણ કરી લીધાં. અને વખાણ કોને ના ગમે..કબીરની આ વાત સાંભળી રાધા શરમાઈ ગઈ અને બોલી.

"હા હો..મારાં જેવી કોઈ મળી જશે તો જણાવીશ.."

આમ ને આમ કબીર અને રાધા વચ્ચે દોઢ-બે કલાક જેટલો વાતોનો દૌર ચાલતો રહ્યો..આખરે પાંચ વાગી ગયાં એટલે રાધાએ ઘડિયાળ તરફ જોતાં કહ્યું.

"સારું તો હવે હું નીકળું..નકામાં બાપુ જાગી જશે તો મને બોલશે.."

"સારું..તું જઈ શકે છે..પણ કાલે આવીશ ને..હું તારી રાહ જોઈશ.."કબીર બોલ્યો.

"કોઈ આટલી બેતાબીથી તમારી રાહ જોવે તો આવવું તો પડે જ ને.."રાધા બોલી.

રાધાનાં આટલું બોલતાં કબીર અનાયાસ જ એની તરફ ખેંચાઈ ગયો..રાધા ને પણ આવનારી ઘડીમાં શું બનવાનું છે એની આછી પાતળી ખબર પડી ગઈ હતી એટલે એની આંખો મીંચાઈ ગઈ.કબીરે રાધાનાં ધ્રુજતાં અધરોની જોડ પર પોતાનાં અધરો મૂકી એક હળવું ચુંબન કર્યું..એકાદ ક્ષણ માટે તો આ ચુંબન કરતી સમયે રાધાનાં અને કબીરનાં હૃદયની ધડકનો અટકી ગઈ..કોઈ જુનો ઘા અત્યારે દર્દ બની રાધા ની આંખોથી છલકાવા લાગ્યો..અને એ દોડીને કબીરનાં રૂમમાંથી નીકળી ગઈ.

કબીરને લાગ્યું કે રાધા ને એની આ હરકતનું ખોટું લાગ્યું હતું એટલે એ રાધાની પાછળ ગયો અને દાદરા ની નજીક પહોંચીને માફી માંગતા બોલ્યો.

"રાધા..sorry.. યાર..મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો."

પણ ત્યાં સુધીમાં તો રાધા વુડહાઉસમાંથી નીકળી બહાર ચાલી ગઈ હતી.આ જોઈ કબીરને પોતાની જાત પર પારાવાર ગુસ્સો આવ્યો અને એ પોતાનાં રૂમનાં દરવાજા પર હાથ પછાડીને પોતાની જાત સાથે વાત કરતો હોય એવીરીતે બોલ્યો.

"આ તે શું કરી દીધું કબીર..તારાં માં અક્કલ જેવું છે કે નહીં..બિચારી રાધા તારી ઉપર વિશ્વાસ રાખી તારી સાથે અહીં સુધી આવી પણ તું તારી ભાવનાઓને કાબુમાં કેમ ના રાખી શક્યો..નક્કી હવે એ કાલથી નહીં આવે.."

          ★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

                                   -દિશા.આર.પટેલ

 

***

Rate & Review

Hardik Parmar

Hardik Parmar 2 months ago

Aarti Dharsandia

Aarti Dharsandia 3 months ago

Savani Shradhdha

Savani Shradhdha 6 months ago

Rathod. Shailesh

Rathod. Shailesh 7 months ago

Mayank Patel

Mayank Patel 7 months ago