Ogath books and stories free download online pdf in Gujarati

ઑગઠ

          "હાશ ! આ રેઢિયાર ઢોર તો હવે લોહી પીય ગયા છે. માણસો દૂધ દોહી ને પાકડીયા થઈ જાય એટલે કાઢી જ મેંલે છે. પેલા તો વાછડો આવે એટલે એને હાચવતા હતા. મોટો થાય એટલે એને બળદ બનાવતા. હવે તો વાછડા ને બે ગામ વટાડી ને રઝળતો મૂકી દે. બચારા રખડી રખડીને  કોક નાં ખેતર ભેળી અને ઉકડા ભંભોળી મોટા થાય ને ખૂંટિયા થઈ ગામને ગોથે ચડાવે." હાથમાં લાકડી ને માથે વાસીદાનો ટોપલો લઈ વેણુ  ઉકરડે વાસીદુ નાખવા જતા બબડતી હતી.             

            વેણુ ના ઘરે ચાર ભેંસો અને બે દેશી ગાય હતી. વાડીએ પાણીનું સારું હતું. એટલે લીલી નીરણ, રજકો, મકાઈ નો ઢોરને ધરવ રહેતો. ઢોરને ધરવથી નીરણ મળે એટલે તે નિરણ ના પાંદડા ખાય અને દાંડા પડ્યા મૂકે. વેણુ વાસીદુ કરે એમાં છાણની સાથે ઢોરે પડી મુકેલ આ ઓગઠ પણ હોય. એટલે જ જ્યારે વેણુ વાસીદું નાખવા આવે ત્યારે રેઢીયાર ઢોર તેની રાહે ઉકરડે ઉભા હોય. વેણુ ને આવતી જોઈને ભૂખ્યા વરુ ની જેમ ઑગઠ ખાવાની લાલચે એકબીજાને શિંગડે ચડાવે ને ધમાચકડી બોલાવે. એટલા માટે જ વેણુ હાથમાં લાકડી લઈ બાવેરો નાખવા આવે. જેવું છાણને ઑગઠનો ટોપલો ઉકરડે ઊંધો વાળે એટલે બધા રેઢીયાળ ઢોર જેના ભાગ માં જેટલી ઑગઠ આવે એટલી ઝડપથી ખાઈને પેટની અગ્ની ઓછી કરવા અધીરા થઇ એકબીજાને માથા પણ મારી લે. આ ધમાલમાં પોતાને વગાડી ના દે એટલે ઘણી વખત વેણુ આ ભૂખ્યા ઢોરને લાકડીથી ઢીબી પણ નાખતી હતી.                   

               માથાભારે ખુટીયા ને મારકણી ગાયો તો પોતાનો ભાગ ઑગઠમાંથી ઝૂંટવી લેતા પણ દુબળા ને માંદલ વાછરડા બિચારા તાકી રહેતા. ક્યારેક આ મહાસંગ્રામમાં એકાદી ઑગઠનો ટુકડો તેમના ભાગે આવી જતો ત્યારે આ માંદલ વાછરડાના પેટની આગ થોડી ઘણી ઓછી થતી.                         

          ઉકરડાની સામેના ઘરે રસ્તો વટીને લગ્ન નો પ્રસંગ હતો. લોકો નવા નવા કપડાં પહેરી લગ્નમાં મહાલતા હતા. સ્ત્રીઓ પોતપોતાની સાડીના વખાણ કરતી, તે ક્યાંથી લીધી, કેટલામાં લીધી, ને કેમ લીધી તેનો ઇતિહાસ વર્ણવવામાં મશગુલ હતી. બધી જ સ્ત્રીઓ બોલતી હતી, જાણે કોઈ કોઈનું સાંભળતી ન હતી. છોકરાઓ નવા કપડા ને મેલા કરવાની હરીફાઈમાં ભાગ લઈ રહ્યા હોય તેમ પ્રસંગના મેલા ગાદલા પર અલગોટીયા ખાતા, ને સામસામે ઓશીકા યુદ્ધ છેડી દીધું હતું. યુવાનો માવા ચોળી રહ્યા હતા. વડીલો જાણે કંઈક ગંભીર વાત કરી રહ્યા હોય તેવી મુખમુદ્રા ધારણ કરી બેઠા હતા.      એટલામાં એક વડીલે સાદ પાડ્યો, "હાલો લ્યો જમી લ્યો."બન્ને કાઉન્ટર પર લાંબી લાઈનો થઈ ગઈ. એકબાજુ પુરુષો ને એક બાજુ સ્ત્રીઓ. ચાર પાંચ જાતના સલાડ થી શરૂ કરી. ત્રણ જાતની મીઠાઈ, એક સ્વીટ લિક્વિડ, બે શાક, બે ફરસાણ, દાળ, ભાત આખી ડીશ ભરાય જાય એટલી વાનગી હતી. ટેવ પ્રમાણે લોકોએ જરૂર કરતાં વધારે ડીશ ભરેલી હતી. દરેક વાતો કરતા કરતા જમવામા લાગી ગયા. વચ્ચે વચ્ચે ઘરધણી મીઠાઈ ભરેલી ડીશ લઇ આગ્રહ કરી કરીને મોઢામાં અને ડિશમાં બટકા મુકતા જતા હતા.              

                  જેમ જેમ બધા જમતા જતા હતા. જમણવારના શમિયાણા ની બહાર વાસણ સાફ કરવા વાળા બેઠા હતા ત્યાં ડીશો મૂકાવા લાગી. લગભગ મોટાભાગની ડિશોમાં મીઠાઈ, રોટલી, શાક, ફરસાણ જેવું કંઈનું કંઈ બચેલું પડ્યું હતું. તેમાં પણ સ્ત્રીઓની ડિશમાં તો વધારે બગાડ થયેલો હતો.               
                વાસણ સાફ કરવા વાળાની બાજુમાં બે સ્ત્રીઓ બેઠી હતી. દેખાવે એકદમ દુબળી ને ગરીબ લાગતી હતી. બંનેની સાથે એક નાનો છોકરો જેણે ફાટેલી ચડ્ડી ને ફાટેલો મોટી સાઇઝનો શર્ટ પહેરેલો હતો અને એક છોકરી જેણે તેના માપ કરતાં નાનુ, ફાટેલું ફ્રોક પહેરેલું હતું. પેલી બંને સ્ત્રી બે-ત્રણ તપેલા લઈને આવી હતી. મહેમાનો એંઠી ડીશ  ત્યાં ઢગલામાં મૂકીને જતા રહેતા. પેલી બંને સ્ત્રીઓ એઠવાડમાંથી વધેલી મીઠાઇ એક તપેલામાં ભેગી કરતી. દાળ શાક અલગ અલગ તપેલામાં ભેગા કરીને ડીશ ધોવા વાળા ને આપતી.આ વધેલા એઠવાડથી તેના પરિવારના બે ત્રણ દિવસ ટૂંકા થઈ જાશે. એઠી ડિશ મુકવા આવનાર આ સ્ત્રીઓ સામે તિરસ્કારથી જોતા જતા. પેલા બંને બાળકો વધેલી મીઠાઈના બટકા ખાતા ખાતા કાઉન્ટર પર મીઠાઈ થી ભરેલા પાત્ર તરફ નિરાશ નજરે તાકી રહ્યા હતા. એટલામાં એંઠવાડ ભેગો કરવા બીજી બે સ્ત્રીઓ આવી, એટલે એંઠવાડ લેવામાં હરિફાઈ થવા લાગી. કોઈ ડિશ મુકવા આવે એટલે આ સ્ત્રીઓ સામે દોડી એંઠવાડ ની ડીશ મહેમાનોના હાથમાંથી લઈ લે ને ડિશમાં વધેલું પોતાના પાત્રમાં એકઠું કરે. એઠવાડની ડિશ મહેમાનના હાથમાંથી ખેંચતી બે સ્ત્રીઓને ઘરધણીએ જોઈ લીધી.                

                વેણુ ઉકરડે બાવેરો નાખીને ઉભી રહી ને જોઈ રહી છે. તેણે જોયું કે ખૂંટિયા અને માથાભારે ગાયો ઑગઠ ખાઈ જાય છે. ને માંદલા ને ભૂખ્યા વાછરડા સામે તાકી રહે છે. તેના ભાગ માં કંઈ આવતું નથી વેણુ ને દયા આવી. "બિચારાને કાયમ ધોકા મારું છું, એનો શું વાંક છે! ભૂખના માર્યા ગોથા મારે છે ને! લાવ બિચારાનું પેટ ઠારું."વેણુ ઘરે ગઈ. ઘરેથી નિરણ ના ચાર પાંચ પૂળા લઈ આવીને બધાને અલગ અલગ નીરી દીધા. ભુખથી બળતા પેટવાળા બધા જાણે ગળી જતા હોય તેમ ખાવા લાગ્યા માંદલા વાછરડા એ તો કોને ખબર ક્યારે આવી નીરણ જોઈ હશે! ખાતા ખાતા તેની આંખોમાંથી ટપ...ટપ.. આસુ પડતા હતા.              

          ઘરધણીએ જોયું કે પેલી સ્ત્રીઓ મહેમાનના હાથમાંથી ડિશ ઝુંટવી રહી છે. તે હાથમાં ધોકો લઈ તાડુકતો આવ્યો. "અલ્યા આ ભિખારાઓ ક્યાંથી ઘુસી ગયા છે. કાઢો એને બારા, એ ચોરના પેટના કંઈક ઉઠાવી જાશે તો ખબર પણ નહિ પડે. નાખો એક એક ધોકો એટલે વેતા પડે." એમ કહી તે ધોકો પછાડતો દોડ્યો. તેનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ પેલી સ્ત્રીઓ ડરીને ભાગી, તેને ભાગતી જોઈ પેલા ભૂખ્યા છોકરા પણ ભાગ્યા. આ જોઇ ઘરધણી ને વધારે જુસ્સો ચડ્યો. તેણે પેલી સ્ત્રીઓએ ભેગા કરેલા એંઠવાડ ના તપેલાને ઠેબુ મારીને ઢોળી નાખ્યા.                           
             પેલી સ્ત્રીઓ અને બાળકો ઉકરડા પાસે આવીને મોં વકાસી જમણવાર બાજુ જોઇ ઉભા રહ્યા. માંદલા વાછરડા પૂછડા હલાવતા નિરણ ખાતા હતા ને આંખમાંથી આંસુ વહેતા હતા. પેલા ભૂખ્યા ગરીબ બાળકો ઢોળાયેલા  તપેલા બાજુ જોઇને હીબકા ભરતા હતા...                              

લેખક: અશોકસિંહ  ટાંક (૧૫/૪/૨૦૧૯)

(ઑગઠ : ગાય ભેંસ ને ખાતા વધેલી નિરણ.)