Luteri bank books and stories free download online pdf in Gujarati

લૂૂટેરી બેંક


મેરે દેશકી ધરતી સોના ઉગલે, ઉગલે હિરે મોતી..' (મોબાઈલમાં રિંગ વાગી) 

"એહ હલો." 

"હેલ્લો, હું 'દેશદાઝ' બેંકમાંથી સંકેત બોલું છું."

"હા, બોલો."

"શુ મારી વાત મિસ્ટર ભોળાભાઈ સાથે થઈ રહી છે.?"

"હા, હું જ ભોળો, બોલો."

"ભોળાભાઈ અમારી બેંક તમારા સારા રેકોર્ડને જોઈને તમને ઓછા વ્યાજથી મકાન પર લોન આપવા માંગે છે."

"પણ, મારે લુનની જરૂર નથ."

"અરે! ભોળાભાઈ પહેલા વાત તો સાંભળી લ્યો, તમારા મકાનની બજાર કિંમત ત્રણ લાખ ગણાય બરોબર..?"

"હોવે."

"અને અમારી બેંક તમને તમારા મકાનની જેટલી કિંમત છે તેના નેવું ટકા લોન આપશે એટલે બે લાખ સિત્તેર હજારની લોન તમને મળશે, અને વ્યાજ પણ ઓછું ભરવું પડશે."

"વ્યોજ ચેટલું ભરવું પઢહે.?"

"જોવો મિસ્ટર ભોળાભાઈ, તમારે લોનની રકમ પર વાર્ષિક નવ ટકા જ વ્યાજ ભરવું પડશે."

"પછી બીજા કોઈ પેહા ભરવાના કે..?" 

"ના, ભોળાભાઈ બીજું કશું નહીં ભરવાનું અને તમારે જ્યારે રૂપિયાની સગવડ થાય એટલે એકસાથે ભરી દયો એટલે તમારું વ્યાજ બંધ."

બેન્ક કર્મચારીની વાત સાંભળીને ભોળાભાઈએ પોતાના મકાન પર લોન લીધી. લોન લેવાના બે કારણ હતા એકતો દીકરીના લગ્ન કરવાના હતા, અને બીજું ખેતરમાં પાક વાવવાનો સમય પણ આવી ગયો હતો. બે દિવસમાં લોનનો ચેક ભોળાભાઈના હાથમાં આપવામાં આવ્યો અને તે પહેલાં લોનના બધા ડોક્યુમેન્ટ પર ભોળાભાઈના અંગુઠાના નિશાન લેવામાં આવ્યા.

એક મહિના પછી ભોળાભાઈ બેંકમાં ગયા. અને ત્યાં બેઠેલ કર્મચારીને કહેવા લાગ્યા કે, "મારી લોનનો હપ્તો દહ હજાર રાખ્યો'તો અને આ પાડોહીનો પોયરો કે હે કે અઢાર હજાર ભરવાનો મેહેજ આવ્યો સે." 

"સર! તમારી લોનનો હપ્તો દસ હજારનો જ છે અને બાકીના વધારાના રૂપિયા પ્રોસેસિંગ ફીસ, તેમજ જી.એસ.ટી અને વ્યાજના છે." કર્મચારી સમજાવતા બોલ્યો.

"પણ, પેલા ભાઈએ ફોનમાં તો કીધું'તું કે, ખાલી હપ્તો અને પોણો ટકો વ્યોજ જ ભરવાનું રેહે."

"ના, સર! એવું ના હોય. જે ચાર્જ છે તે લાગવાના જ."

"તો મારે કયો લોન જુઇસી,તમારો રૂપિયો પાછો લઈ લો." 

"સર! તમે મેનેજરને મળી લ્યો, આમા હમે કશું ન કરી શકીએ."

"ચ્યો સે મેનેજર..?" 

બેંક કર્મચારી ભોળાભાઈને મેનેજરની કેબિનમાં મૂકી ગયો. ભોળાભાઈએ મેનેજરને બધી વાત કરી, અને લોન નથી જોઈતી એવું જણાવ્યું.

ભોળાભાઈની પુરી વાત સાંભળીને પછી મેનેજરે કહ્યું, "રૂપિયા તો હમે પાછા ન લઈ શકીએ, પણ જો તમારે આ લોન બંધ કરાવી હોય તો પહેલો હપ્તો જે આવ્યો છે તે અને બાકીના હપ્તાની રકમ તેમજ લોન બંધ કરવાનો ચાર્જ અને ચાર્જ પર લાગતો જી.એસ.ટી ભરી દયો એટલે તમારી લોન બંધ થઈ જશે."

"બધા થઈને ચેટલા ભરવાના થાહે..?" 

"તમારે જો લોન ક્લિયર કરવી જ હોય તો બધું મળીને ત્રણ લાખ બે હજાર ભરવાના થશે." 

"પણ, મેહ'તો બે લોખ સિત્તેર હજારની લુન લીધી હે, તો આટલા બધા ચેમ.?"

"સર! લોન ક્લિયર કરવી હોય તો આટલા રૂપિયા તો ભરવા જ પડશે, અને તમે અત્યારે નહીં ભરો તો વ્યાજ ચડતું જશે."

"તમે ફોન કર્યો ત્યારે તો આવું કશું નોઁ'તા બોલ્યા." 
"સર! લોનના ડોક્યુમેન્ટમાં બધું લખેલું જ છે અને તેના પર તમારા અંગુઠાના નિશાન પણ છે."

છેવટે કંટાળીને ભોળાભાઈએ પોતાના ઘરનાના દાગીના વહેંચીને બેંકની લોન ચૂકવીને મકાનના કાગળિયા છોડાવ્યા અને છેલ્લે બેંક મેનેજરને કીધું, 

"ભૈ, આ તમારી બેંકનું નોમ 'દેશદાઝ' માંથી બદલીને 'દુશ્મનદાઝ' કરી નાખજો." 

આંખમાં આંસુ સાથે ભોળાભાઈ ઘર તરફ રવાના થયા. 

****

મેરે દેશકી ધરતી સોના ઉગલે, ઉગલે હિરે મોતી (મોબાઇલની રિંગ વાગી) 

"એહ, હલો."

"હું દેશદાઝ બેંકમાંથી સંકેત બોલું છું, શું મારી વાત મિસ્ટર ડાહ્યાભાઈ સાથે થઈ રહી છે..?" 

સમાપ્ત:

ANISH CHAMADIYA
7405690999
anish71860@gmail.com