Premchandjini Shreshth Vartao - 22 books and stories free download online pdf in Gujarati

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 22

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(22)

મૈત્રીનું મૂલ્ય

નઇમ અને કૈલાસમાં ઘણો જ તફાવત હતો. નઇમ એક વિશાળ વટવૃક્ષ હતો તો કૈલાસ બગીચાનો એક કુમળો છોડ. નઇમ હાસ્યપ્રિય અને વિલાસી યુવાન હતો જ્યારે કૈલાસ ચિંતનશીલ અને આદર્શવાદી જીવ હતો.

નઇમ સમૃદ્ધ પિતાનો એકમાત્ર પુત્ર હતો. કૈલાસ એક સામાન્ય બાપનું ફરજંદ હતું. એને પુસ્તકો માટે ખાસ પૈસો મળતો ન હતો. માગી તાગીને કામ ચલાવતો. એકને માટે જીવન આનંદનો વિષય હતો અને બીજાંને માટે મુશ્કેલીઓનો ભારો. આટઆટલી વિષમતા હોવા છતાં બંન્ને ઘનિષ્ટ મિત્રો હતા. બંન્નેને પરસ્પર વિરુદ્ધ પ્રેમબંધને બંધાયેલા હતા.

કોલેજનો અભ્યાસ પૂરો થતાં જ નઇમ ને વહીવટી વિભાગમાં ઉચ્ચ જગા ઉપર નોકરી મળી હતી. જો કે એ આમ તો ત્રીજા વર્ગમાં પાસ થયો હતો. કૈલાસ પ્રથમ વર્ગમાં પાસ થવા છતાં એ દર દર ઠોકરો ખાતો ભટકતો ફરતો હતો. વિવશ થઇને એણે કલમનું શરણું સ્વીકાર્યું. એણે એક સમાચાર પત્ર શરૂ કર્યું. એકે રાજ્યસત્તાનો આશરો લીધો. એનું ધ્યેય માત્ર ધન પ્રાપ્તિનું હતું. બીજાએ સેવાનો રસ્તો લીધો. જેનું લક્ષ્ય ખ્યાતિ હતું.

ઓફિસની બહાર નઇમને કોઇ ખાસ ઓળખતું ન હતું. પણ એની પાસે બંગલો હતો. એ નાટક સિનેમા જોતો. ઉનાળાના દિવસોમાં નૈનિતાલ હવા ખાવા જતો. કૈલાસને બધાય ઓળખતા હતા. પણ એને રહેવા કાચું મકાન હતું. છોકરાં દૂધ માટે વલખાં મારતાં હતા. નઇમને માત્ર એક પુત્ર હતો જ્યારે કૈલાસની વાડી ફૂલીફાલી હતી.

બંન્ને મિત્રોમાં પત્ર વ્યવહાર ચાલતો રહેતો. ક્યારેક બંન્ને એકબીજાને મળતાય ખરા ત્યારે નઇમ કહેતો - ‘‘ભાઇ, ખરી મઝા તો સેવામાં છે. મારે તો પેટપૂજા સિવાય કોઇ કામ જ નથી હોતું.’’

કૈલાસ બધું જાણતો હતો. એ તો માત્ર નઇમની વિનયશીલતા જ હતી. માત્ર પોતાની દયનીય સ્થિતિ બદલ આશ્વાસન આપવાનો ઉપચાર માત્ર હતો. તેથી જ કૈલાસ પોતાની અસલિયનને ઢાંકવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો હતો.

વિષ્ણુપુરની જાગીરમાં હાહાકાર મચી ગયો. જાગીર ના મેનેજરને તેના જ બંગલામાં ખરે બપોરે સેંકડો લોકોની વચ્ચે કાપી નાખવામાં આવ્યા હતા. ખૂની તો નાસી છૂટ્યો હતો. પણ અધિકારીઓને શંકા હતી કે કુંવર સાહેબની પ્રેરણાથી જ આ કાવત્રું ઘડાયું હતું. કુંવર સાહેબ હજુ પૂરા યુવાન થયા ન હતા. રિયાસતનો કારભાર કોર્ટ ઓફ વોર્ડ દ્વારા ચાલતો. વિલાસપ્રિય કુંવર સાહેબની દેખભાળ રાખવાની જવાબદારી પણ મેનેજરની હતી. તેથી તેઓ મેનેજરનો હસ્તક્ષેપ સહન કરી શક્યા નહીં. વરસોથી બંન્ને વચ્ચે મનભેદ હતો. કોઇ કોઇ વાર બંન્ને લડી પણ પડતા. આથી જ કુંવર સાહેબ પર શંકા જાય એ સ્વાભાવિક હતું. આ સમગ્ર બનાવની ઊંડી તપાસ જિલ્લાના વડા મિરઝા નઇમને સોંપવામાં આવી. કોઇ પોલીસ અધિકારી દ્વારા તપાસ કરાવવામાં કુંવર સાહેબનું અપમાન થાય એવો પણ ડર ખરો!

નઇમનું તો જાણે કિસ્મત ખુલી ગયું. તે તો ન હતો ત્યાગી કે ન હતો જ્ઞાનીની એની દુર્બળતાથી સૌ પરિચિત હતા. કુંવર સાહેબ તો ખુશ ખુશ થઇ ગયા. વિષ્ણુપુર પહોંચતા જ નઇમનો ભવ્યા સત્કાર થયો. ભેટ સોગાદોનો તો પાર ન હતો. અહીં એની એવી સેવા ચાકરી થવા લાગી કે જાણે જમાઇ સાસરે ના આવ્યા હોય!

એક વહેલી સવારે કુંવર સાહેબની મા નઇમની સામે જઇ હાથ જોડી ઊભાં રહ્યાં. નઇમ ત્યારે સૂતો સૂતો હુક્કો પીતો હતો. તપ, સંયમ અને વૈધવ્યની એ સાક્ષાત્‌ મૂર્તિને સામે ઊભેલી જોઇ નઇમ બેઠો થઇ ગયો.

વાત્સલ્ય પૂર્ણ આંખોએ રાજરાણીએ કહ્યું - ‘‘હુજુર, મારા દીકરાનું

જીવન તમારા હાથમાં છે. આપ એના ભાગ્યવિધાતા છો. આપને આપના

પિતાજીના સોગંદ છે. મારા લાલનું રક્ષણ કરજો. હું આપનો ચરણોમાં મારું તન,

મન, ધન સર્વસ્વ સમર્પિત કરી દઇશ.’’

દયાના સંયોગથી સ્વાર્થે નઇમને પૂર્ણતઃવશ કરી દીધો.

એ દિવસોમાં જ કૈલાસ નઇમને મળવા ગયો. બંન્ને મિત્રો ખૂબ

પ્રેમથી એકબીજાને ભેટી પડ્યા. વાતવાતમાં જ નઇમે કૈલાસને સમગ્ર હકીકત

કહી સંભળાવી અને એના મોંઢે જ એ કામના ઔચિત્યને જાણવાની ઇચ્છા

કરી.

કૈલાસે કહ્યું - ‘‘પાપ એ છેવટે પાપ જ છે. પછી એના પર ભલે ગમે

તેવો ઢોળ ચઢેલો હોય!’’

‘‘અને મારું માનવું છે કે ગુનો કરવાથી કોઇનો પુત્ર બચતો હોય તો તે

સાચું પુણ્ય છે. કુંવર સાહેબ નવજુવાન છે. ખૂબ જ ચાલાક, બુદ્ધિમાન, ઉદાર અને

સહૃદયી! આપ એમને મળો તો ખુશ થઇ જાય. સ્વભાવે વિનમ્ર! સ્વભાવે દુષ્ટ એવો

જાગીરનો મેનેજર ભલાભોળા કુંવર સાહેબને હેરાન કરતો હતો. કુંવર સાહેબનું કાર્ય

નિંદનીય નથી એમ તો ના કહી શકાય, પણ ચર્ચાનો મુદ્દો તો એ છેકે એમને ગુનેગાર

ઠેરવી કાળાપાણીની સજા આપવી કે પછી નિર્દોષ સાબિત કરીને એમની રક્ષા

કરવી? તારાથી કશું છુપાવવાનું નથી. પૂરા વીસ હજારનો લાભ છે. મારે તો માત્ર

એટલા જ શબ્દો પાડવાના છે કે જે થયું છે તે વ્યક્તિગત દુશ્મનાવટને લીધે થયું છે!

રાજા સાહેબ ને એની સાથે કશી લેવાદેવા નથી. સાબિતિઓ તો મેં અદ્રશ્ય કરી દીધી

છે. આ કામ મારે માથે સોંપવાનું પણ એક કારણ છે. કુંવર સાહેબ હિન્દુ છે તેથી કોઇ

હિન્દુને આ જવાબદારી સોંપવાને બદલે જિલ્લાધીશોએ મને એ જવાબદારી સોંપી

છે. આથી પક્ષપાતની તો કોઇને શક પણ નહીં જાય, મેં બે ચાર વખત મુસલમાનો

માટે સીધે સીધો પક્ષપાત કર્યો હતો. તેથી હું હિન્દુઓ તો મને પક્ષપાતનું પૂતળું માને છે.

આટલું જ મારે માટે પૂરતું છે. બોલ, છું ને ભાગ્યશાળી?’’

કૈલાસે શંકા વ્યક્ત કરી - ‘‘પણ વાત જાહેર થઇ જશે તો?’’

‘‘તો એ મારી તપાસનો દોષ ગણાશે. હું કોઇ સર્વજ્ઞાતા તો છું નહીં. મને

તેથી કોઇ તકલિફ થવાની નથી. મારી પ્રમાણિકતા પર પણ કશી આંચ આવવાની

નથી. લાંચ લીધાની શંકા તો કોઇનેય નહીં જાય! તું માત્ર નૈતિક દ્રષ્ટિકોણથી જ આ

બાબતને વિચારી જો. આ કામ નીતિને અનુકૂળ છે કે નહીં?’’

કૈલાસે કહ્યું - ‘‘એમ કરવાથી તો બીજા જાગીરદારોને છળકપટ

કરવાની પ્રેરણા મળશે. લોકો એમ પણ માનતા થઇ જશે કે પૈસાથી ગમે તેવા

ભયંકર, પાપને પણ ઢાંકી દઇ શકાય છે. તમે જ વિચારી જુઓને!’’

‘‘લાંચ રુશ્વત લે ને ટકા કેસોમાં સચ્ચાઇ પર પડદો પાડી દે છે. છતાંય

પ્રત્યેકને પાપનો ભય તો હોય છે જ.’’

બંન્ને મિત્રોમાં આ બાબતે તર્ક વિર્તક થતા રહ્યા. પણ કૈલાસના

ન્યાયપૂર્ણ વિચારો નઇમના વિચારો આગળ કરી શક્યા નહીં.

વિષ્ણુપુરના હત્યાકાંડ ઉપર છાપાંઓમાં તરેહ તરેહની ટીકાઓ થવા

લાગી. બધાં સમાચારપત્રો રાય સાહેબને દોષિત ઠેરવતાં હતાં અને સરકાર પર

એવો આરોપ મૂકતાં હતાં તેણે રાજા સાહેબ પ્રત્યે પ્રક્ષપાત કર્યો હતો. છતાં છેવટે

છાપાંઓમાં એવી પણ નોંધ કરવામાં આવતી હતી કે આ કેસ વિચારાધીન હોઇ

એના પર ટીકા કરી શકાય નહીં.

તપાસને પૂરો એક મહિનો થયો. આખરે અહેવાલ પ્રગટ થયો. રિપોર્ટ

પ્રગટ થતાં રાજકીય ક્ષેત્રમાં જાણે બળવો મચી ગયો! જનતાની શંકાને સમર્થન

મળી ગયું હતું.

અત્યાર સુધી મૌન રહેલા કૈલાસને માટે અગ્નિ પરીક્ષાનો સમય શરૂ

થયો. શું લખવું પોતાના પત્રમાં? સરકારનો પક્ષ લેવો એટલે આત્મસ્વાતંત્ર્યનું જાહેર

લીલામ કરવા બરાબર હતું. પણ મૌન રહેવું એથીયે વિશેષ આપમાનજનક હતું.

હવે તટસ્થ રહેવું અશક્ય બની ગયું. એના વ્યક્તિગત અને જાતીય કર્તવ્યો વચ્ચે

ઘોર સંગ્રામ ખેલાયો. પચીસ વર્ષથી પાંગરેલી મૈત્રીને એકાએક છેહ દેવાનું એને

કઠતું હતું. જે મિત્ર સદાય સહાયતા કરી છે, જેના દર્શન માત્રથી દૃઢ મનોબળ

પ્રાપ્ત થયું હતું. એવા એક ખરા મિત્રનાં મૂળ ખોદવાં એ કઇં ઓછું દુષ્ટકર ન હતું.

એને પોતાના વ્યવસાય પર તિરસ્કાર થવા લાગ્યો. કેટલો ઘોર વિશ્વાસઘાત! અને

વિશ્વાસ એ તો મિત્રતાનો મૂળ પાયો છે. તે વિચારવા લાગ્યો - ‘‘નઇમે મિત્રતાના

દાવે મારાથી કોઇ વાત છાની રાખી નથી. એનાં ભેદી રહસ્યો નો ઘટસ્ફોટ કરવો

એ ઘોર અન્યાય છે. ના, ના, હું મૈત્રીને દામ લાગવા નહીં દઉં. ઇશ્વર એવા

દિવસોના લાવે કે મારે હાથે નઇમનું અહિત થાય! મારે માટે તો એ પ્રાણ આપવા

પણ તૈયાર છે. એવા મિત્રની ગરદન પર તલવારનો ઘા કરું?’’

પણ વ્યવસાયી કર્તવ્યથી પણ એ સભાન હતો. સમાચારપત્રો તો

પ્રજાનાં સેવકો છે. એ પ્રજાની વિરાટ દ્રષ્ટિથી બધું જુએ છે, તપાસે છે. એના

વિચારો પર પ્રજાની મહોર લાગે છે. પ્રજાની આગળ વ્યક્તિનો વિચાર કરવો

તુચ્છ છે. સમગ્ર સમદૃષ્ટિને માટે વ્યક્તિએ જરૂર પડ્યે બલિદાન આપવું એ

એની પ્રથમ ફરજ છે. એવી વ્યક્તિનું જીવનલક્ષ્ય મહાન પુરુષોનું અનુસરણ

કરવાનું હોય છે.

રાજકીય ક્ષેત્રે કૈલાસને ઘણાં યશ કિર્તિ પ્રાપ્ત થયાં હતાં. પ્રજાને

એના પ્રત્યે ઘણું માન હતું. એના નીડર વિચારોએ અને યથાર્થ ટીકાઓએ

એને સમાચાર પત્રોના તંત્રી મંડળનો પ્રમુખ બનાવી દીધો હતો. આ સમયે

કર્તવ્ય માર્ગમાંથી ચલિત થયું એ પ્રજાની નજરમાંથી દૂર થવા બરાબર હતું.

સમગ્ર દેશની આગળ એક વ્યક્તિની શી હસ્તી? પછી એ ગમે તેટલી પ્રિય

કે મહાન કેમ ન હોય? નઇમની સાથેના સંબંધો બગડી જવાથી કોઇ ભારે

આપત્તિ આવી પડવાની ન હતી, પણ રાજ્યની નિરંકુશતા અને અત્યાચાર

પર ઢાંકપિછોડો કરવાથી રાષ્ટ્રદ્રોહ જેવું ભયંકર પાપ લાગે તેમ હતું.

પણ એને ટીકાઓની કોઇ પરવા ન હતી. સંપાદકના વિચારો

તટસ્થ હોય છે અને તે સમગ્ર યુગને પલટી નાખે છે. નઇમ તેનો મિત્ર પુત્રો,

પણ દેશ તો એનું સર્વસ્વ હતું. મિત્રપદના રક્ષણ માટે દેશદ્રોહ કરવો એ

મોટામાં મોટો ગુનો હતો.

કૈલાસે પ્રચ્છન્ન રહસ્યનો ભેદ છતો કરવાને નિર્ણય કરી લીધો.

સત્તાધારીઓનાં કૂડકપટ અને સ્વાર્થ લોલુપતા પ્રજાની સામે છતાં કરી દેવાનો

દ્રઢ મનસૂબો કર્યો. સરકારની અક્ષમતા, અયોગ્યતા અને દુર્બળતાને છતી

કરવાની આથી બીજી સારી તક ક્યારે મળવાની હતી?

એણે વિચાર્યું - ‘‘નઇમ! મને ક્ષમા કરજે. આજે ના છુટકે મારે

મારા કર્તવ્યની વેદી ઉપર તારા જેવા મિત્ર રત્નનું બલિદાન ચઢાવવું પડે છે.

પણ તારી જગ્યાએ મારો પુત્ર હોત તો પણ હું આમ જ કરત.’’

બીજા જ દિવસથી કૈલાસે પોતાના પત્રમાં સમગ્ર ઘટનાની

મિમાંસા શરૂ કરીદીધી. એની આગળ નઇમે જે બયાન કર્યું હતું. તે એક

લખમાળાના રૂપે એણે પ્રકાશિત કર્યું. બીજા સંપાદકો જ્યારે અનુમાન, તર્ક

અને યુક્તિ પ્રયુક્તિના આધારે પોતાની વાતને અનુમોદન આપતા હતા. ત્યારે

કૈલાસે પ્રત્યક્ષ પ્રમાણે ટાંકીને પોતાની વાત રજૂ કરી હતી.

એણે નઇમનો પણ ઉધડો લઇ નાખ્યો એની સ્વાર્થ લોલુપતાનાં

ચિંથરાં ઉડાડ્યાં. એણે લીધેલી લાંચની વાત પણ રજૂ કરવામાં આવી.

નઇમને રૂપિયા લેતાં જોનાર એક સરકારી ગુપ્તચરનો પણ ઉલ્લેખ કરવામાં

આવ્યો હતો. એણે પોતાની વાત ખોટી સાબિત કરવા સરકારને પડકાર

ફેંક્યો. પોતાની અને નઇમની વચ્ચે થયેલી વાતચીત એણે અક્ષરશઃ પ્રસિદ્ધ

કરી હતી.

કૈલાસની લેખમાળાએ રાજકીય ક્ષેત્રે ઘણોમોટો ઉહાપોહ મચાવી

દીધો. એના વખાણના સંદર્ભમાં ઠેરઠેર સભાઓ ભરાવા લાગી. સરકારી

અધિકારીઓ પર માછલાં ધોવાવા લાગ્યાં. શાશનકર્તાઓએ છેવટે પોતાની

રહીસહી આબરૂ બચાવવા, મિરઝા નઇમ કૈલાસ પર બદનક્ષીનો દાવો માંડે

એવો નિર્ણય કર્યો.

કૈલાસ પર દાવો મૂકાયો. નઇમને પક્ષે સરકાર લડતી હતી. કૈલાસ

એનો બચાવ જાતે જ કરતો હશે. કેટલાક ધુરંધર બેરિસ્ટરોએ ગમે તે

કારણોસર કૈલાસનો કેસ હાથમાં લેવાની ધરાર ના પાડી દીધી. ન્યાયાધીશે

છેવટે, કાયદાકીય સનદ ન હોવા છતાં કૈલાસને તેનો કેશ લડવાની મંજૂરી

આપી. એક મહિનો કામ ચાલ્યું. પ્રજાનાં હૈયાં અદ્ધર થઇ ગયાં. હજારોની

ભીડ કોર્ટમાં એકત્ર થઇ જતી હતી. સમાચાર પત્રોનો તો તડાકો બોલતો

હતો. માંડ માંડ ઊંચી કિંમતે સમાચારપત્ર હાથ આવતું. લોકો પણ હવે

કેસની અસલિયત બાબતે ટીકા ટીપણ કરતા થયા.

જ્યાં જુઓ ત્યાં નઇમની જ ચર્ચા. જનતાનો ગુસ્સો આસમાને

પહોંચી ગયો હતો. કોર્ટમાં કૈલાસ નઇમના જવાબ લેતો હતો એ દિવસ તો

સૌને માટે યાદગાર બની ગયો હતો.

કૈલાસે પૂછ્યું - ‘‘આપણે સાથે ભણતા હતા એ વાત સ્વીકારો છો

તમે?’’

નઇમે જવાબ આપ્યો - ‘‘હા, સ્વીકારું છું.’’

‘‘જે દિવસે આપ આ મામલાની તપાસ કરવા ગયા હતા ત્યારે હું

તમને મળ્યો હતો તે બાબત પણ સ્વીકારો છો તમે?’’

‘‘હા, સ્વીકારું છું.’’

‘‘આપણે એકબીજાની વાતો એકબીજાની સમક્ષ ખુલ્લા દિલે રજૂ

કરતા હતા એ વાત કબૂલ કરો છો તમે?’’

‘‘હા, એ પણ કબૂલ કરું છું.’’

‘‘આપે તે વખતે મને કહ્યું ન હતું કે જે કઇં થયું છે તે કુંવર

સાહેબની પ્રેરણાથી થયું છે?’’

‘‘ના,ના એ હડહડતું જુઠ્ઠાણું છે. મેં એવું કહ્યું જ નથી.’’

‘‘તમે એમ પણ ન હતું કહ્યું કે રૂપિયા વીસ હજારનો લાભ છે?’’

નઇમને જરાય સંકોચ થયો નહીં. ના તો જવાબ આપતાં એની

જીભ લોચા વાળતી હતી કે ના તો એનું આખું અંગ ધ્રુજતું હતું! એના મોંઢા

પર ઉચાટ, અશાંતિ, દ્વિધા કે ભયનું નામનિશાન ન હતું. એ તો અડગ મને

ઊભો હતો. કૈલાસે ગભરાતાં ગભરાતાં પ્રશ્નો પૂછ્યા હતા. એને એમ હતું કે

નઇમ એના એક પણ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. કદાચ પ્રશ્નો

સાંભળીને જ રડી પડશે. પણ નઇમે નિઃશંક ભાવે કહ્યું કે - ‘‘કદાચ આપે

સ્વપ્નામાં મારા મોંઢે આવી વાતો સાંભળી હશે.’’

કૈલાસ તો આભો જ બની ગયો. એણે નઇમ તરફ વેધક દ્રષ્ટિ

નાખતાં પૂછ્યું - ‘‘આપે એમ પણ કહ્યું ન હતું કે તમે બે ચાર પ્રસંગોએ

મુસલમાનોનો પક્ષ ખેંચ્યો હતો અને એટલે જ તમને હિન્દુ વિરોધી માનીને

તપાસની જવાબદારી સોંપી છે?’’

નઇમે દ્રઢતાથી કહ્યું - ‘‘તમારી આવી વાતો મને માત્ર કલ્પનાનું

તરકટ જણાય છે. વરસો સુધી સાથે રહ્યા પછી પણ હું એ જાણી શક્યો નહીં

કે તમારામાં આવી વાતો ઉપજાવી કાઢવાની આવડત છે તેનું મને દુઃખ છે.’’

કૈલાસે કોઇ દલીલો કરી નહીં. એને એની હારનું જરા પણ દુઃખ

ન હતું. દુઃખ હતું માત્ર તેના મિત્ર નઇમના આત્માના અધઃપતનનું. નઇમ

આટલી હદે જુઠ્ઠું બોલશે એવી તો એને કલ્પનાય ન હતી. માણસની

દુર્બળતાની આ પરાકાષ્ઠા નહીં તો બીજું શું? આ એ જ નઇમ હતો જે મન

અને વચનથી એક હતો. એના આચરણમાં અને વિચારમાં પણ બિંબ પડતું

હતું. આવો સત્યનિષ્ઠ અને આત્માભિમાની નઇમ આટલી હદે શી રીતે ધૂર્ત

બની શકે! શું ગુલામીના બીબામાં ઢળાયા પછી માણસ એની માણસાઇ

ગુમાવી બેસતો હશે?

કોર્ટે નઇમને રૂપિયા વીસ હજાર દાવા પેટે આપવાનો ફેંસલો સંભળાવ્યો. કૈલાસ પર તો જાણે વીજળી ત્રાટકી.

કોર્ટના ફેંસલા પર લોકોમાં ફરી એકવાર હાહાકાર મચી ગયો. સરકારી પત્રો કૈલાસને લુચ્ચો કહી વગોવવા લાગ્યાં તો સ્વતંત્ર સમાચાર પત્રો નઇમને શેતાન કહી વગોવવા લાગ્યાં. નઇમને આદાલતે ભલે નિર્દોષ ઠેરવ્યો હતો પણ પ્રજાનાં હૈયાંમાં એના પ્રત્યે પારાવાર તિરસ્કારની લાગણી ઉભરાઇ આવી હતી. કૈલાસ પર અનેક ઠેકાણેથી સહાનુભૂતિ અને આશ્વાસન પત્રો આવવા લાગ્યા. ઠેરઠેર નઇમનાં વિરોધમાં સભાઓ થઇ. દેખાવો યોજાયા. પણ વાદળોના ઢુવા ખસેથી વરસાદની આશા ક્યાંથી રાખી શકાય? કૈલાસ માટે હવે રૂપિયા વીસ હજારનો પ્રશ્ન ઊભો થયો હતો.આટલા બધા રૂપિયા એક સામટા લાવવા ક્યાંથી?

શક્ય છે કે પ્રજાના ફાળામાંથી બે પાંચ હજારની રકમ એકત્રિત કરી શકાય. પણ એતો કૈલાસના આદર્શની વિરૂદ્ધ હતું. લોકનિંદાનો પણ એમાં ડર હતો. એણે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય તો પણ કોઇની સામે હાથ નહીં ફેલાવવાનો નિર્ણય કરી લીધો.

સૂર્યોદય થઇ ગયો હતો. પૂર્વાકાશ, કંકુ ઉડાડ્યું હોય એવું લાલ લાલ થઇ ગયું હતું. ઠંડો પવન ફૂંકાઇ રહ્યો હતો. ઘરમાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. આજે કૈલાસની રઘળી સંપત્તિનું લીલામ થવાનું હતું.

એણે હૈયાની વેદનાથી વીંધાતાં કહ્યું - ‘‘આજે મારા સાર્વજનિક જીવનનો અંત આવી જશે. પચીસ વર્ષની કઠોર મહેનતથી ઊભા કરેલા આ મકાન મારી આંખો નીચે ઝુંટવાઇ જશે! મારા પગ મારા પગ મજાક અને અપમાનની શૃંખલાઓથી જકડાઇ જશે! મારો પરિવાર પીંખાઇ જશે. પ્રજાની સ્મૃતિમાં કોઇ વાત ઝાઝી ટકતી નથી. કોઇને હું યાદ પણ નહીં આવું. અરે! મારો ઉપર ઊતરી આવેલી વિપત્તિની આ ભયંકર આંધી બદલ કોઇ આંસુ વહાવનાર પણ નહીં હોય!’’

એને પોતાના પત્ર માટે આગ્રલેખ લખવાનું યાદ આવ્યું. કદાચ આજે એના પત્રનો છેલ્લો દિવસ હતો તેણે વિચાર્યું - ‘‘મેં આજ સુધી અનેક ભૂલો કરી હશે. હું મારા વાચકવર્ગની ક્ષમા માગું છું. મારે કોઇની સામે કશી ફરિયાદ નથી. જે પોતાના કર્તવ્યમાર્ગમાં અડગ રહે છે તેને જ આવું મોત મળે છે તેથી મને મારા અકાળ મૃત્યુનું કોઇ દુઃખ નથી. મને દુઃખ માત્ર એક છે વાતનું છએ કે પ્રજાને માટે હું આથી વધુ સારી રીતે બલિદાન આપી શકતો નથી. પોતાના અગ્રલેખની વસ્તુ, વિચારીને એ ખુરશી પરથી ઊભો થયો ત્યાં જ એણે કોઇકનો પગરવ સાંભળ્યો. એ મિરઝા નઇમ હતો. આવતાં વેંત એ કૈલાસને ગળે બાઝી પડ્યો.’’

એના આલિંગનમાંથી પોતાના જાતને છોડાવતાં કૈલાસે કહ્યું - ‘‘ઘા ઉપર મીઠું ભભરાવવા આવ્યો છે? મારી લાશને પગની ઠોકરે ચઢાવવા આવ્યો છે તું?’’

‘‘બીજું શું? એ જ પ્રેમની ખરી મઝા છે.’’

‘‘મશ્કરી રહેવા દે યાર! મારા મગજનું કોઇ ઠેકાણું નથી. કદાચ હું તને મારી બેસીશ!’’

નઇમની આંખમાં અશ્રુ ઉભરાઇ આવ્યાં કહ્યું - ‘‘અરેરે! તારે મોંઢે આવા શબ્દો! તને ઠીક લાગે ત્યાં સુધી મને ભાંડ ગાળો. તારી ગાળોમાંથી મને મધુર ગીત સંગીત સંભળાય છે.’’

‘‘અને મારા ઘરનું લીલામ થશે ત્યારે તને શું થશે? તું તો તારો જીવ બચાવીને બેસી ગયો જુદે પાટલે!’’

નઇમે હસતાં હસતાં કહ્યું - ‘‘આપણે બંન્ને ભેગા મળી ખૂબ તાળીઓ પાડીને આપનાર અધિકારીને વાંદરાની જેમ નચાડીશું.’’

‘‘માર ખાઇશ, જાલિમ! જા તું અહીંથી! તને મારાં છોકરાં પર પણ દયા ના આવી?’’

‘‘ભાઇ! તું મારા પર જોર અજમાવવા તો નીકળ્યો હતો. એક વખત બાજી તારા હાથમાં હતી. આજે સરનો એક્કો મારી પાસે છે. તેં સમયને પારખ્યો નહીં, કૈલાસ! બસ, મારે ગળે આવી બેઠો!’’

‘‘સત્યની ઉપેક્ષા કરવી એ મારા આદર્શોની વિરુદ્ધ હતું!’’

‘‘અને સત્યને ગળું દબાવી ગુંગળાવી મારવું એ મારા સિદ્ધાંતને અનુકૂળ હતું.’’

‘‘મારા પરિવારનો બોજ તું સહન નહીં કરી શકે, નઇમ! પૂરાં

સાત બાળકો છે. જરા વિચાર કરજે.’’

‘‘બસ હવે. ચા પાણી કરાવવાં છે કે પછી આમ મરશિયા જ

ગાયા કરવા છે? તારા સમ, મને ખૂબ ભૂખ લાગી છે. ખાધા વગર જ ઘેરથી

નીકળી પડ્યો છું.’’

‘‘આજે તો એકાદશી છે એમ માનજે. બધાં જ શોકમાં ડૂબી ગયાં

છે. સૌ કાગ ડોળે અદાલતના પેલા જલ્લાદની રાહ જોઇ બેઠાં છે. ત્યાં

ખાવાપીવાની શી વાત! તારી પાસે હોય તો લાય, આજે છેલ્લી વાર આપણે

સાથે બેસીને ખાઇ લઇએ. પછી તો આખી જિંદગી રડવાનું જ છે ને?’’

‘‘હવે આવી ભૂલ નહીં કરે ને, કૈલાસ?’’

‘ભૂલ કરવી એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે. જ્યાં સુધી

સરકાર પશુબળથી આપણી ઉપર શાશન કરતી રહેશે ત્યાં સુધી મારો વિરોધ

ચાલવાનો જ. દુઃખની વાત તો એ છે કે હવે મને વિરોધ કરવાની તક

ફરીવાર નહીં મળે. પણ યાદ રાખજે તને રૂપિયા વીસ હજારમાંથી પૂરા વીસ

રૂપિયા નહીં મળે.’’

નઇમે કહ્યું - ‘‘પણ હું તારી પાસેથી પાંચગણા વસૂલ કરી લઇશ.

તું સમજે છે શું?’’

‘‘જા,જા જઇને મોંઢું ધોઇ આવ જરા!’’

‘‘મારે રૂપિયાની જરૂર છે. તું કહેતો હોય તો આપણે સમાધાન

કરી લઇએ.’’

‘‘કુંવર સાહેબના વીસ હજાર ઓહિયાં કરી ગયો તોય ધરાતો

નથી? યાદ રાખજે, અપચો થઇ જશે.’’

‘‘ધનપ્રાપ્તિથી ધનની ભૂખ ઊઘડે છે, કૈલાસ! ધનનો સંતોષ થતો

નથી. હજુ વખત છે. સમજી જા. સરકારી અધિકારીઓ સાથે કામ પાડવામાં

વધારે પરેશાનીની સંભાવના છે.’’

‘‘પણ મારી સાથે સમજી જવા જેવું છે પણ શું?’’

‘‘મારું ઋણ ચૂકવવા જેવું તો તારી પાસે ઘણું છું. એક વાત ઉપર

સમજૂતી કરી લે. કે મારી મરજીમાં આવે એ વસ્તુ હું લઇ લઉં! પણ પછી

રોદણાં નહીં રડવાનાં!’’

‘‘અરે, આ આખી ઓફિસ લઇ જા માથે મૂકીને. ઇચ્છા થાય તો

મારું ઘર લઇ લે. અરે! તને સંતોષ થતો હોય તો મને ઊઠાવી જી, બસ!

કસમથી કહું છું, જા, તારી ઇચ્છા થાય તે વસ્તુ લઇ લે. જો એક હરફેય

ઉચ્ચારું તો કહેજે!’’

‘‘હું તો માત્ર એક જ વસ્તુ ચાહું છું. માત્ર એક જ.’’

કૈલાસના કુતૂહલની સીમા ન રહી. એ વિચારવા લાગ્યો. -

‘‘મારી પાસે એવી કઇ કીંમતી ચીજ બચી છે? મને મુસલમાન થવાનું તો

નહીં કહે ને? હા, માત્ર ધર્મ જ એક એવી વસ્તુ છે કે જેનું કોઇ મૂલ્ય આંકી

શકાતું નથી.’’ એણે પૂછ્યું - ‘‘કઇ?’’

નઇમે કહ્યું - ‘‘તારી પત્ની સાથે એકાન્તમાં માત્ર એક મિનિટ

વાતચીત કરવાની આજ્ઞા.’’

કૈલાસે નઇમને એક તમાચો મારતાં કહ્યું - ‘‘પાછી એની એ

મજાક? તેં એને સેંકડો વાર તો જોઇ છે. એ કઇ ઇન્દ્રના દરબારની અપ્સરા

થોડી છે?’’

‘‘એ ગમે તે હોય. સોદો કરવો હોય તો જ કરજે. પણ યાદ

રાખજે, શરત એકાન્તની છે.’’

‘‘મંજૂર છે. પણ પછી જો રૂપિયા માગ્યા તો કરડી ખાઇશ,

જાણજે.’’

‘‘તારી વાત પણ મને મંજૂર છે.’’ નઇમે કહ્યું.

કૈલાસે ધીમેથી કહ્યું - ‘‘પણ જોજે, નાજુક સ્વભાવની છે એ.

બેહૂદી મશ્કરી ના કરી બેસતો.’’

‘‘મને તારા ઉપદેશની કોઇ જરૂર નથી. મને એના ઓરડામાં તો

લઇ જા.’’

‘‘પણ માથું નીચું રાખીને જજે.’’

‘‘અરે! એવું હોય તો મારી આંખે પાટો બાંધી દે.’’

ઉમા ચિંતામગ્ન બેઠી હતી. નઇમ અને કૈલાસને જોઇ એ ચમકી

ગઇ. કહ્યું - ‘‘આવો, મિરઝાજી! ઘણા દિવસે યાદ કર્યાં અમને!’’

કૈલાસ બહાર નીકળી ગયો. પણ બારણાના પડદાની આડમાં રહી

જોવા લાગ્યો કે નઇમ શું કરવા માગતો હતો. એનામનમાં કોઇ ખરાબ

વિચારો ન હતા. માત્ર કુતૂહલ હતું.

નઇમે કહ્યું - ‘‘અમે તો રહ્યા સરકારી માણસો. અમને રોજરોજ

નવરાશ ક્યાંથી મળે? હું તો કોર્ટના આદેશ અનુસાર મને મળવા જોઇતા

રૂપિયા લેવા આવ્યો છું.’’

ઉમાના ચહેરા પરનું તે જ ઉડી ગયું. તેણે ગંભીર સ્વરે કહ્યું -

‘‘અમે પોતે જ એની ચિંતામાં છીએ. રૂપિયા મળવાની આશા જ નથી.અને

એમને પ્રજા પાસે ટહેલ નાખતાં શરમ આવે છે.’’

નઇમે એટલી જ ગંભીરતાથી કહ્યું - ‘‘શું વાત કરો છો તમે? મેં

પાઇ પાઇ વસૂલ કરી લીધી છે.’’

હર્ષાવેશમાં ઉમાએ કહ્યું - ‘‘સાચું? એમની પાસે એટલા રૂપિયા હતા?’’

નઇમે કહ્યું - ‘‘એને તો પહેલેથી જ આવી ટેવ છે. તમને કહ્યું હશે

કે એની પાસે રાતી પાઇ પણ નથી. પણ મેં તો ચપટી વગાડતામાં જ વસૂલ

કરી દીધા. ઊઠો, ખાવા પીવાની વ્યવસ્થા કરો. હવે ચિંતા કરવાનું કોઇ

કારણ નથી.’’

ઉમાએ કહ્યું - ‘‘મને વિશ્વાસ નથી પડતો. એ રૂપિયા શી રીતે

ચૂકવી આપે, ભલા?’’

‘‘તમારો સ્વભાવ ભોળો છે. પણ એ તો ભારે ચાલાક છે. એને તો

હું એકલો જ ઓળખું.’’

કૈલાસ હસતો હસતો ત્યાં આવી ચઢ્યો અને કહ્યું - ‘‘એમ વાત

છે? નીકળ હવે બહાર. અહીં પણ ચાલાકી કર્યા વગર રહેવાયું નહીં?’’

‘‘અરે! પણ રૂપિયાની રસીદ તો લખી લેવા દઇશ કે નહીં?’’

ઉમાએ પૂછ્યું - ‘‘તમે આપી દીધા રૂપિયા? ક્યાંથી લાવ્યા

હતા?’’

‘‘કહીશ કોઇકવાર વખત આવ્યે. ઊઠ, ઊભો થા નટખટ.’’

ઉમાએ ભારપૂર્વક પૂછ્યું - ‘‘પણ મિરઝાજીથી શું છુપાવવાનું?

કહોને, ક્યાંથી લાવ્યા રૂપિયા?’’

કૈલાસે કહ્યું - ‘‘નઇમ! તું ઉમાની સામે મારું ઘોર અપમાન

કરવાનું રહેવા દે.’’

‘‘તેં આખી દુનિયા સામે મારું અપમાન કર્યું એ ઓછું છે?’’

કૈલાસે કહ્યું - ‘‘તમારા અપમાન બદલ અમારે રૂપિયા વીસ હજાર

નથી આપવા પડ્યા?’’

‘‘હું પણ એ જ ટંકશાળામાંથી રૂપિયા ચૂકવી આપીશ. ઉમા, મને

રૂપિયા મળી ગયા. એ બિચારાનો પડદો ઊઘેડવાનું રહેવા દો’’

***